ડૉ. વંદના રામી
૭ મે ઈ.સ.૧૮૬૧માં કલકત્તાના શ્રીમંત બંગાળી પરિવારમાં જન્મેલા રવીન્દ્રનાથ ટાગોર વિશ્વના શ્રેષ્ઠ સાહિત્યકારોમાંના એક છે.બાળપણથી જ લેખન અને સાહિત્ય સાથે અનોખો પ્રેમ. ખૂબ જ નાની વયે કવિતા લખવાનું શરૂ કરેલું. ત્યારબાદ કવિતાઓની સાથોસાથ નિબંધ અને નાટ્યરચનાઓ પણ લખાઈ. ઈ.સ.૧૯૧૩માં ‘ગીતાંજલિ’ માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરી વિશ્વકવિ તરીકે તેમને પ્રસિધ્ધિ મેળવી. સાહિત્યના અનેક સ્વરૂપોમાં તેમણે સફળ ખેડાણ કર્યું છે. જે સાહિત્યસ્વરૂપમાં તેમની કલમ સવિશેષ ઝળહળી છે, તે છે ટૂંકી વાર્તા. બંગાળીમાં ટૂંકીવાર્તાનો આવિષ્કાર કરનાર તેઓ પ્રથમ વાર્તાકાર. ઈ.સ. ૧૮૭૭માં તેમની પ્રથમ વાર્તા ‘ભિખારિણી’ એ ‘ભારતી’ નામક સામાયિકમાં પ્રકાશિત થયેલી. આ વાર્તાને સર્જકે કોઈ જ પુસ્તકમાં પ્રગટ કરી નથી. પૈતૃક જમીનદારીનો વહીવટ સંભાળવા હેતુ ઈ.સ.૧૮૮૯માં પદ્મા નદીને કિનારે (હાલનું બાંગ્લાદેશ) ગયા પછી પ્રથમવાર બંગાળના કિનારાનું ગ્રામજીવન, ગરીબ અશિક્ષિત ખેડૂતો, સ્ત્રી-પુરુષો, તેમના રીતરિવાજો, નાવિકોનું જીવન ને સાથોસાથ ગ્રામપ્રકૃતિ – નદીઓના ઘાટ, કાંઠા પરની હરિયાળી, નદીઓના ઘાટ પર થતી હોડીઓની સતત આવન-જાવન, આ સઘળું ટાગોરની સંવેદનશીલ કવિચેતના પર ઘેરી છાપ પાડે છે. અને તેના ફળ સ્વરૂપે મળે છે અપ્રતિમ ટૂંકીવાર્તાઓ. કહી શકાય કે તેમની ઘણી બધી વાર્તાઓ તો શીલાઈદહની નીપજ છે. શિલાઈદહની પ્રકૃતિ તેમની વાર્તાઓમાં ઉપાદાન બનીને આવે છે. ‘ગલ્પગુચ્છ’ના ત્રણ ભાગમાં રવીન્દ્રનાથની ૮૪ વાર્તાઓ પ્રગટ થયેલી છે. આ સમયગાળા દરમિયાન રવીન્દ્રનાથ ‘સાધના’ સામયિકના સંપાદક હતા. ઈ.સ.૧૮૯૧થી ઈ.સ.૧૮૯૫ના આ ગાળામાં તેમણે ઘણી બધી વાર્તાઓ લખેલી, તેથી આ સમયને ‘સાધનાગાળો’ પણ કહેવામાં આવે છે.
વિષયવસ્તુ અને અભિવ્યક્તિની દ્રષ્ટિએ તપાસીએ તો રવીન્દ્રનાથની વાર્તાઓમાં નૂતનતા અને તાજગીનો અનુભવ થાય છે. તેમની મૂળ પ્રતિભા તો ગીતકવિની. પરંતુ ટૂંકીવાર્તાઓમાં પણ તેમની કલમે ગીતકવિતાની જેમ જ સક્ષમતાથી વિહાર કર્યો છે. તેમની વાર્તાઓ વાસ્તવના ધરાતલ પર ઉભી છે. કવિતાની જેમ પ્રેમ અને પ્રકૃતિ એ રવીન્દ્રનાથની વાર્તાના પણ મહત્વના તત્વો છે. તેઓ સાચા અર્થમાં વિશ્વમાનવ હતા. માનવતાનું યથાર્થ દર્શન તેમની વાર્તાઓના મૂળમાં છે. બંગાળી જનજીવનની સમસ્યા, વિધવા પુનર્વિવાહની અશક્યતાઓ, બાળલગ્નો, કજોડા – વગેરે તરફ તેમણે અંગુલિનિર્દેશ કર્યો છે. સમાજમાં વ્યાપેલા અનેક દૂષણો ને તેને કારણે સર્જાતા પ્રશ્નોનું કલાગત આલેખન કરવામાં રવીન્દ્રનાથની કલમ સફળ સાબિત થાય છે. ટાગોરે વાસ્તવિક જીવનને વાર્તાઓમાં આલખ્યું છે. ‘ઘાટની કથા’, ‘કાબુલીવાલા’, ‘જીવતી અને મરેલી’, ‘સંપત્તિ સમર્પણ’, ‘દ્રષ્ટિદાન’, ‘ત્યાગ’, ‘ખોકાબાબુનું પુનરાગમન’, ‘પોસ્ટ માસ્તર’, ‘દુરાશા’, ‘જય પરાજય’, ‘એક રાત’ – વગેરે અનેકવિધ વાર્તાઓમાં ટાગોરે મનુષ્યજીવનના મૂળભૂત પ્રશ્નોનું આલેખન કર્યું છે.
‘દ્રષ્ટિદાન’ વાર્તામાં ટાગોરે એક અંધસ્ત્રીની સૂક્ષ્મ અનુભૂતિનું યથાતથ આલેખન કર્યું છે. ડૉક્ટરીનો અભ્યાસ કરતો પતિ પોતાના નુસખા પત્ની કુમુ પર અજમાવે છે, ને તેની અણઆવડતને કારણે કુમુ નેત્રહીન થઈ જાય છે. સઘળી સચ્ચાઈ જાણતી હોવા છતાં તે પતિને દોષ દેતી નથી. પરંતુ સ્થિતિને ભાગ્યના લેખ માની લે છે. કુમુ પતિને બીજા લગ્ન કરવા સમજાવે છે. પરંતુ લાગણીના આવેશમાં આવી પતિ બીજા લગ્ન ન કરવાના આકરા સમ લઇ લે છે. પણ સમય જતાં લાગણીઓ નબળી પડતી જાય છે, ને પતિ ચોરીછૂપીથી હેમાંગિની સાથે લગ્ન કરવા અધીરા બને છે. ત્યારે નાયિકા કુમુમાં આક્રોશ પ્રગટે છે :
“જો હું સતી હોઉં તો ઈશ્વર સાક્ષીએ કહું છું કે તમે કદી પણ કોઇ રીતે લીધેલા ધર્મના શપથનું ઉલ્લંઘન નહીં કરી શકો. એ મહાપાપ પહેલા કાં તો હું વિધવા બનીશ. કાં હેમાંગિની જીવતી નહિ હોય.” (પૃ.૧૫૬)
વાર્તા અને અંતે હેમાંગિનીને સર્જકે કુમુના મોટાભાઈ સાથે પરણાવી ડોક્ટર પતિને પોતાની ભૂલ સ્વીકારતો બતાવ્યો છે. સામાન્ય લેખક હોત તો કદાચ કુમુને આપઘાત કરતી દર્શાવત. પરંતુ વાર્તાને પરાકાષ્ટાએ પહોંચાડી તેનુ સમુચિત સમાપન કરી ટાગોરે પોતાની કલાદ્રષ્ટિનો હૃદયંગમ પરિચય કરાવ્યો છે. પતિની ભૂલને કારણે નેત્રહીન થયેલી કુમુ સમય આવે પતિને કાન પકડાવતા પણ જરાય ખચકાતી નથી. સ્ત્રીનું એક નવું જ મધુરુ રૂપ આ વાર્તામાં ઉઘડ્યું છે.
‘કાબુલીવાલા’ એ તેમની સૌથી વધારે પ્રશસ્તિ પામેલી અનૂદિત વાર્તાઓમાંની એક છે. તેમાં ટાગોરે એક બંગાળી પ્રતિષ્ઠિત સંસ્કારી લેખકની સામે અફઘાનિસ્તાનના અભણ ફેરિયાને મૂકી બંને વચ્ચેના સામાજિક સ્તર અને અંતરને દર્શાવ્યું છે. આ બંને વચ્ચેના સામાજિક અંતરને કાપતી કડી બને છે, અબૂધ નિર્દોષ બાલિકા મિની. આજે રોજબરોજ બનતા બાળકોના અપહરણના કિસ્સાઓ છાપામાં ને સોશ્યલ મિડિયામાં વાંચીએ ત્યારે ફરી એકવાર ટાગોરની ‘કાબુલીવાલા’ વાંચતા અત્યારનો માહોલ પડઘાય છે. સૂકોમેવો વેચીને ગુજરાન ચલાવતો રહેમત કાબુલીવાલા લેખકના ઘર તરફ જાય છે અને અચૂક મિનીને સૂકોમેવો મફત આપે છે. મિનીને જોઈ એ બાળક બની તેની સાથે મસ્તી કરે છે. લેણદેણની બાબતમાં કાબુલીને હાથે હત્યા થઈ ગઈ છે. ને પોલીસ તેને પકડીને લઈ રહી જઈ રહી છે, ત્યારે પણ મીની ‘કાબુલીવાલા…….એ…ઈ… કાબુલીવાલા’ ની બૂમ પાડે છે, ને કાબુલી ખુશ થઈ જાય છે. વર્ષો પછી તે જેલમાંથી છૂટે છે ત્યારે તો ઘણું બધું બદલાઈ ચૂક્યું હોય છે. તેની સાથે સ્નેહભરી મીઠી વાતો કરનારી મિની હવે પ્રભુતામાં પગલાં પાડવા તત્પર થઇ હોય છે. એના પિતાને પણ દીકરીના લગ્નના દિવસે ખૂની કાબુલીવાલાનો ઘરમાં પ્રવેશ ગમતો નથી. એની માતાને તો કાબુલીવાલા સાથેનો મિનીનો વાર્તાલાપ બિલકુલ પસંદ નથી. પરંતુ ઘર છોડી જતી વખતે કાબુલીવાલા દ્વારા આપવામાં આવતાં કાજુ, બદામ, કિસમિસ,ને તેના રૂપિયા લેવાનો સખત વિરોધ કરતો કાબુલીવાલા, મિનીના પિતાના હૃદયને ઝંકૃત કરી દે છે.
“બાબુજી તમારે જેવી છોકરી છે તેવી દેશમાં મારે પણ એક છોકરી છે.હું તેનું મોં યાદ કરી તમારી કીકી માટે થોડો મેવો લઈને આવું છું.કાંઈ વેપાર કરવા આવતો નથી.” ( પૃ.૮૪)
વાર્તાને અંતે મિનીના લગ્નના એકાદ-બે ખર્ચમાં કાપ મુકી બચતના રૂપિયા રહેમતને આપી પોતાને દેશ જવા કહેતા લેખકની આંખોમાં ઝળઝળિયા આવી જાય છે. આ વાર્તા થકી ટાગોર કહેવા માગે છે કે એક અભણ, પહાડી ફેરીયો અને સંસ્કારી, પ્રતિષ્ઠિત બંગાળી લેખકના સામાજિક મોભા ભલે જુદા હોય, પણ બંનેમાં એકસરખું વાત્સલ્યપૂર્ણ પિતૃહૃદય છે. જાતિ, ભાષા, સામાજિક દરજ્જો કશું જ બાધક નીવડતું નથી. પિતૃત્વની ભાવના અહીં વિજયી બને છે. દેશકાળની બધી જ સીમાઓ વટાવીને સર્જકે અહીં માનવ હૃદયને આલેખ્યું છે. આ વાર્તામાં કાબુલીને ખૂની દર્શાવીને પણ સર્જકે ગુનેગાર નથી ઠેરવ્યો. આ ટાગોરની કલમની તાકાત છે. ગુનાખોરી અટકાવવાનું કામ ભલે કાયદાનું હોય, પરંતુ માનવીય મૂલ્યોમાં વિશ્વાસ જીવંત રાખવાનું કામ સાહિત્યકારનું છે. એક સાહિત્યકાર તરીકે ટાગોરે આ કામ બખૂબી કરી બતાવ્યું છે.
‘દુરાશા’ વાર્તામાં સર્જકે દુનિયામાં ધર્મના નામે જ કોમી હુલ્લડો અને હિંસાઓ થઈ રહી છે તેનું યથાતથ આલેખન કર્યું છે. કલકત્તાના નિર્જન રોડ ઉપર કોઈ સ્ત્રીનું રુદન સાંભળતા જ લેખક અવાજની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરે છે. ને બદ્રાઉનના ગુલાબ કાદરખાની પુત્રી નુરૂન્નિસા સાથે લેખકની મુલાકાત થાય છે. તેની વાત પરથી મુસ્લિમ નવાબકન્યાના હિન્દુ સેનાપતિ કેસરલાલ પ્રત્યેના એકપક્ષી પ્રેમનો કરૂણ અંજામ સાંભળી લેખક સ્તબ્ધ થઈ જાય છે. કેસરલાલના પ્રેમમાં પાગલ બનેલી નવાબકન્યા રાજવૈભવ ત્યજી તેની શોધમાં નીકળી પડે છે. અને બ્રાહ્મણત્વના ગર્વમા મૃત્યુશૈયા પર પડેલો કેસરલાલ તો આ નવાબકન્યાના હાથનું પાણી પીવાની પણ ના પાડી દે છે. તેને તરછોડે છે. એ ઘટના બાદ નવાબકન્યા હિન્દુ શાસ્ત્રોનું અધ્યયન કરી ચુસ્ત બ્રાહ્મણના આચાર-વિચાર ધારણ કરે છે. વાર્તાને અંતે આડત્રીસ વર્ષના રઝળપાટ પછી અધ:પતન પામેલા કેસરલાલને ભૂટિયા સ્ત્રી અને તેનાં બાળકો સાથે ગંદા વસ્ત્રોમાં, ગંદા આંગણામાં મકાઈના ડોડા ફોલીને દાણા વીણતો જોઈ નવાબજાદીનું ભ્રમનિરસન થાય છે.
“હાય બ્રાહ્મણ! તને તો એક્ ટેવ ને બદલે બીજી ટેવ મળી ગઈ. પણ મને મારા એક યૌવન અને એક જીવનના બદલે બીજું યૌવન અને જીવન ક્યાં મળશે?” (પૃ.૧૩૨)
વાર્તાને અંતે નવાબકન્યાને પ્રતિતી થાય છે કે પોતે કેવા મોહમાં પડી આયખું વેડફી નાખ્યું. જેને તે બ્રહ્મતેજ માનતી હતી તે તો માત્ર એક ટેવ પૂરતું હતું. પણ હવે ખૂબ મોડું થઇ ગયું છે. વાર્તાને અંતે આવતું ધુમ્મસ વાર્તાને નવું જ પરિમાણ બક્ષે છે.
સુભા’ વાર્તામાં નારીજીવનની કરુણતા વ્યક્ત થઈ છે. નાયિકાનું પ્રકૃતિ સાથેનું તાદાત્મય પણ અદ્ભુત છે. એ સમયે બંગાળમાં સ્ત્રીનું વૈધવ્ય તો દુર્ભાગ્ય હતું જ, પણ માથે શોક્ય હોવી એ સૌથી મોટું દુર્ભાગ્ય હતું. ‘દ્રષ્ટિદાન’ વાર્તાની નાયિકા કુમુ પોતાના ડોક્ટર પતિને અન્ય સ્ત્રી સાથે પરણવા દેતી નથી. પોતાની શોક્ય ઘરમાં આવે એ તેને મંજૂર નથી. આ વાર્તામાં ટાગોરે શોક્ય આવ્યા પછીની સુભાની મન:સ્થિતિ આલેખી છે.આ વાર્તામાં ટાગોરે પ્રકૃતિના ખોળે આનંદ-ઉલ્લાસથી ખેલતી નાયકા સુભાને તેના જ મા-બાપ બોજ સમજી તેને પરણાવી દે છે. વાસ્તવિકતાની જાણ થતાં જ તેના સાસરિયા ને ખાસ તો તેનો પતિ તેને ધૂત્કારે છે.નિર્દોષ બાલિકા સુભા તે માત્ર મૂંગી હોવાને કારણે તેનો પતિ તેને તરછોડી અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લે છે. પતિ તરફથી મળતો ધૂત્કાર, અનાદર નાયિકા સુભાને ખૂબ પીડે છે. લેખકે અહીં નારીજીવનની કરુણતા આલેખી છે.’બલાઈ’ વાર્તામાં પણ ટાગોરે નાયક બલાઈનો પ્રકૃતિપ્રેમ આલેખી પ્રકૃતિના તત્વો અને એમાંય ખાસ કરીને વૃક્ષનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે. ટાગોરની વાર્તામાં પ્રકૃતિ જીવનતત્વ તરીકે આલેખાય છે.
‘ખોકાબાબુનું પુનરાગમન’ વાર્તામાં નોકર રાઈચરણ પોતાના શેઠના એકના એક દીકરા ખોકાબાબુને રમાડવા દૂર કદંબના વૃક્ષ પાસે લઈ જાય છે. કદંબપુષ્પની ગાડી રમતા ખોકાબાબુ કદંબના ઝાડ પરનું પુષ્પ લેવાની જીદ પકડે છે. રાઈ ચરણ ઝાડ પરથી પુષ્પ લઈ પાછો આવે ત્યાં સુધીમાં તો ખોકાબાબુનું ચંચળ ચિત્ત તોફાની જળપ્રવાહ તરફ દોડી જાય છે. હતાશ રાઈચરણ તેને શોધવા દોડાદોડ, બૂમાબૂમ કરી મૂકે છે. પરંતુ ખોકાબાબુ તો પદ્માના જળમાં વિલીન થઈ ગયા હોય છે. ખોકાબાબુની માતા પોતાના દિકરાની ચોરીનો આરોપ રાઈચરણ પર મૂકે છે. દુઃખી હૈયે રાઈચરણ પોતાને ઘેર, વતન પાછો ચાલ્યો જાય છે. તે પછી પોતાને ત્યાં જન્મેલ પુત્ર, જે અસલ ખોકાબાબુ જેવો જ દેખાય છે. ખોકાબાબુ પ્રત્યેની અઢળક માયા, મમતાને કારણે એ કદાચ મારે ઘેર જ પુત્ર બનીને પાછા આવ્યા છે એમ વિચારી તેને નવાબપુત્રની જેમ ઉછેરે છે. સઘળું વેચી દઇ, અભાવ વેઠી દિકરાને ઉચ્ચ અભ્યાસ કરાવે છે. ને વાર્તાને અંતે રાઈચરણ પોતાના જ પુત્રને શેઠાણીને ‘આ તમારો પુત્ર છે’ એમ કહી સુપ્રત કરે છે. ને આ ત્યાગના બદલામાં એને મળે છે શું? શેઠાણી અને પોતાના જ સગા પુત્રની ઉપેક્ષા ને તિરસ્કાર. આ વાર્તામાં રાઈચરણને ત્યાગના બદલામાં પુત્ર ગુમાવવો પડે છે. ત્યાગના બદલામાં માણસને શું મળે છે? – માત્ર સ્વજનોનો તિરસ્કાર.એવી કડવી વાસ્તવિકતા પર સર્જકે પ્રકાશ પાડ્યો છે.
‘ઘાટની કથા’ એ સામાજિક વાસ્તવની કલાત્મક વાર્તા છે. આ વાર્તાનો આરંભ અને અંત ટાગોરે ઘાટથી જ કર્યો છે. ઘાટ એ સમગ્ર કથાનું કેન્દ્રબિંદુ છે. કહો કે જીવંતતત્વ છે. ઘાટ એ જ આ વાર્તાનો સર્વજ્ઞ કથક છે. નાયકા કુસુમની વેદના- સંવેદનાનો મૂક સાક્ષી છે. આ વાર્તામાં ઘાટે જ વાર્તાનાયિકાના મનોમંથનને વાચા આપી છે. વર્ષોના ઇતિહાસને પોતાનામાં સાચવીને, સમાવીને બેઠેલો ઘાટ વાર્તાનાયિકા અને તેનાં સંસ્મરણોથી વાકેફ છે. ઘાટ પાસે બેસીને કલાકોના કલાકો વાતો કરનારી વિધવા કુસુમ એક દિવસ અચાનક ઘાટ પર આવતી બંધ થઈ જાય છે. ગામમાં આવતો એક સંન્યાસી અને અસલ પોતાના પતિ જેવો જ લાગે છે. નાયિકા કુસુમ તેના તરફ આકર્ષાય છે. પરંતુ સંન્યાસીને તો કુસુમ પ્રત્યે જરાય આકર્ષણ નથી. ને એક દિવસ ગામમાંથી અચાનક ચાલી ગયેલો સંન્યાસી કુસુમના હૃદયમાં ફરી એકવાર હતાશા જગાડે છે. તે આત્મસમર્પણ કરવા પ્રેરાય છે. ઘાટના નિર્મળ નીરમાં રમેલી, ને ઘાટ સાથે જીવેલી, ઘાટને સ્વજન માની પોતાના સુખ દુઃખ વહેચવાવાળી કુસુમ વાર્તાને અંતે ઘટના જ ખોળામાં સમાઈ જાય છે.
“મારા ખોળામાં જે રમતી હતી તે આજે તેની રમત પૂરી કરીને મારા ખોળામાં ક્યાં સરકી ગઈ તે હું પણ જાણી શક્યો નહીં.”(પૃ.૧૨)
પતિ મૃત્યુ પામ્યો હોય અથવા પતિ દ્વારા તરછોડાઈ એવી હોય એવી સ્ત્રી માટે એક જ રસ્તો ખુલ્લો રહે છે,ને તે છે આત્મસમર્પણનો, જે કુસુમને અપનાવ્યો. કદાચ બંગાળી સ્ત્રીજીવનની આ જ વાસ્તવિકતા હશે. ટાગોરની વાર્તાઓમાં આવતા મૂક સાક્ષીઓ વાર્તાને, પરિસ્થિતિને, પ્રસંગને વધુ વેધક રીતે નીરૂપે છે. આ વાર્તા કળા અને વાસ્તવ બન્નેને સાથે લઈને ચાલે છે.
‘જીવતી અને મરેલી’ વાર્તામાં ટાગોરે વિધવા કાદંબિનીના દુર્ભાગ્યને નવીન પરિસ્થિતિમાં જુદી જ રીતે આલખ્યું છે વાર્તાનું શીર્ષક જ ‘જીવતી અને મરેલી’માં તત્કાલીન બંગાળી સમાજમાં વિધવા સ્ત્રીની દારુણ સ્થિતિને ધારદાર આલેખી છે. વિધવા સ્ત્રી જીવતી હોવા છતાં તે મરેલી છે. એવો વેધક કટાક્ષ પણ કર્યો છે. કુટુંબ પર બોજ ગણાતી વિધવા કાદંબિની મૃત્યુ પામી છે. એવી જાણ થતાં જ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પરિવારજનો શ્રાવણની અંધારી રાતે તેના શબને નોકરો દ્વારા અંતિમ સંસ્કાર માટે સ્મશાન મોકલી દે છે. વાસ્તવમાં નાયિકા મરી નથી માત્ર બેહોશ થઈ ગઈ હતી. સ્મશાને અગ્નિદાહ માટે લઇ જવાયેલી કાદંબિની, હોશ આવતા બેઠી થાય છે, કે નકરો તેને ભૂત સમજી બૂમાબૂમ કરી ત્યાંથી ભાગે છે. પોતે ભૂત છે એવું તે પણ માની લે છે. પણ હવે જવું ક્યાં? તે પોતાની બાળસખી યોગમાયાને ઘેર જાય છે. પોતે જીવતી નથી મરેલી છે એવું તે એક દિવસ યોગમાયાને કહી દે છે.
“બહેન હું તારી જ સખી કાદંબિની છું.પણ અત્યારે હું જીવતી નથી, હું મરેલી છું.”(પૃ.૬૧)
યોગમાયા ને તેના પતિની બોલચાલ સાંભળી તે રાત્રે જ કાદંબિની, યોગમાયાનું ઘર છોડી દે છે. ચોરીછૂપીથી પોતાના સાસરે પહોંચે છે.ને જુએ છે કે તેનો ભત્રીજો તાવમાં તરફડતો હોવા છતાં તેને યાદ કરી રહ્યો છે. ત્યારે તેની પ્રતીતિ થાય છે કે, પોતે મરેલી નથી. જીવતી છે. પોતે જીવતી છે કોઈ ભૂત-પ્રેત નથી. એ વાતની સાબિતી આપવા તે સ્વજનો સમક્ષ કાંસાની વાટકી કપાળમાં ઠોકી લોહી કાઢે છે. પણ જેઠ-જેઠાણી તેની સચ્ચાઈને સ્વીકારતા નથી. પોતાની જીવંતતાના અનેક પુરાવા આપવા છતાં પરિવારજનો તેને છાયા જ માને છે. ત્યારે વાર્તાને અંતે થાકી હારીને નાયિકા કાદંબિની તળાવમાં પડી આપઘાત કરે છે. વાર્તાને અંતે સર્જક લખે છે:
“કાદંબિનીએ મરીને સાબિતી આપી કે તે મરી ગઈ ન હતી.”(પૃ.૬૪)
એક વિધવા સ્ત્રી જીવતી હોય કે મરેલી પરિવારજનો માટે, સમાજ માટે તો તે મરેલી જ છે. એવો સૂર આ વાર્તામાંથી પ્રગટે છે. કાદંબિની આખી વાર્તામાં સંઘર્ષ કરીને અંતે મૃત્યુને વ્હાલુ કરે છે. જ્યારે ‘ઘાટની કથા’ની નાયિકા કુસુમ કઠોર વાસ્તવિકતાને ન સ્વીકારી શકતાં અંતિમ ઉપાય તરીકે મૃત્યુને સ્વીકારે છે. બંનેનું કથયિતવ્ય કેટલેક અંશે સમાન છે.
‘પોસ્ટમાસ્તર’ વાર્તાની નાયિકા રતન જે પોસ્ટમાસ્તરના ઘરનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. કામ કરતા કરતા તે માસ્તરની નાની-મોટી દરેક જરૂરિયાતોની ચીવટ રાખતી થઈ જાય છે. ધીરે ધીરે તેને પોસ્ટ માસ્તર સાથે લાગણી બંધાય છે. તેમની માયા થાય છે. તો પોસ્ટ માસ્તરના હૃદયમાં પણ અભણ, અબુધ રતન પ્રત્યે સ્નેહના તાર રણઝણવા લાગે છે. તેઓ તેને અક્ષરજ્ઞાન આપે છે.એક દિવસ ચોમાસામાં પલળવાથી માસ્તર એકાએક ગંભીર માંદગીમાં સપડાય છે. ને રતન તેમની પૂરા ભાવથી સેવાશુશ્રૂષા કરે છે. તેમને સાજા કરે છે. ગામડાની ગંદકીથી કંટાળેલા પોસ્ટમાસ્તર પોતાની બદલીની અરજી ન સ્વીકારાતા રતનનો વિચાર કર્યા વગર રાજીનામુ મૂકી કલકત્તા ચાલ્યા જવા તત્પર બને છે. પોતાની સાથે લઈ જવા રતન તેમને કરગરે છે. પણ પોસ્ટમાસ્તર:
“એ તો કેવી રીતે બને?” (પૃ.૧૮)
એમ કહી રતનને મૂકી ચાલ્યા જાય છે. રતનની સાથે સ્નેહ બંધાતા પોસ્ટમાસ્તરનું મન પણ આમ ચાલ્યા જતાં નથી માનતુ. તે પોતાની જગ્યાએ નવા આવનાર પોસ્ટ માસ્તરને રતનની ભલામણ કરે છે અને જતાં જતાં રતનને થોડા પૈસા આપવાનો પ્રયત્ન કરે છે. પણ રતન સ્વીકારતી નથી. ને પોસ્ટમાસ્તર ભારે હૈયે હોડીમાં બેસી રવાના થઈ જાય છે. પોસ્ટ માસ્તરનો સ્નેહ શોધતી રતનના હૃદયમાં કાયમ માટે હતાશા વ્યાપી જાય છે. આ વાર્તામાં આપણે કોઈ પાત્રને દોષી ઠેરવી શકતા જ નથી.ને તેમ છતાંય કરુણતા સર્જાય છે, ‘આ ફાની દુનિયામાં કોઈ કોઈનું નથી’ – એવા સૂકા તત્વજ્ઞાનનો આધાર લઇ પોસ્ટમાસ્તર તો ત્યાંથી ચાલી નીકળે છે. પણ નાયિકા રતન કયા તત્વજ્ઞાનનો આધાર લે? સામાજિક વાસ્તવના દુષ્પરિણામો સ્ત્રીઓને ભાગે વધુ સહન કરવાના આવે છે. એ વાત ટાગોરે આ વાર્તામાં યથાતથ આલેખી છે.
આ બધી વાર્તાઓની સમીક્ષા કરતા એટલું તો સ્પષ્ટ જણાઈ આવે છે કે રવીન્દ્રનાથે સમાજમાં, કુંટુંબમાં જે કઈ સારું નરસું છે, તેને પોતાના અંગેઅંગમાં ઉતારી સાહિત્ય સર્જન કર્યું છે. એ સમયના બંગાળની તત્કાલીન સામાજિકતા, નારીજીવનની કરુણતા, સુખ દુઃખ, વેદના- સઘળું તેમની અનુભૂતિમાં ઝડપાયું છે. અને સાહિત્યમાં સાંગોપાંગ આલેખાયું છે. માણસના મનમાં સંપત્તિ માટે મોહ હોય એ સ્વાભાવિક છે પરંતુ આ મોહ જ્યારે ઘેલછા બને છે, ત્યારે કેવો અનર્થ સર્જે છે. તેની વાત ટાગોરે ‘સંપત્તિ સમર્પણ’ વાર્તામાં યજ્ઞનાથના પાત્ર દ્વારા કરી છે. માણસને જીવવા માટે માણસની હૂંફ જોઈએ છે. સંપત્તિ તો ગૌણ છે. એ બાબત સૂક્ષ્મ વ્યંગ્ય ને તીવ્ર કટાક્ષ દ્વારા સર્જકે વેધકપણે વર્ણવી છે. તો ‘ગુપ્તધન’ વાર્તામાં પણ સર્જકે મનુષ્યની ધનસંપત્તિ માટેની ઘેલછા જ વ્યક્ત કરી છે.’સંપત્તિ સમર્પણ’ અને ‘ગુપ્તધન’ – આ બંને વાર્તાઓનું વસ્તુ કેટલેક અંશે સમાન છે.
રવીન્દ્રનાથ સાહિત્યકાર હોવાની સાથોસાથ સમાજચિંતક પણ છે.એમની સામાજિક વાર્તાઓ જેવી કે ‘કાબુલીવાલા’, ‘પોસ્ટમાસ્તર’, ‘ખોકાબાબુનુ પુનરાગમન’, ‘દ્રષ્ટિદાન’, ‘દુરાશા’ – વગેરેમાં નાતજાતના, ઊંચનીચના ભેદભાવ ઉપરાંત અંગત વેરઝેર, જૂની અદાવતો, આઘાત- પ્રત્યાઘાતો – જેવી જટિલ સમસ્યાઓ પણ નીરૂપાઈ છે. ને તેમાંથી નિષ્પન્ન થાય છે માનવતાનું સમ્યકદર્શન. નારીજીવનની કરુણતા પણ તેમણે કલાત્મક રીતે આલેખી છે. સપાટી પરથી સાદી ને સરળ લાગતી તેમની વાર્તાઓ છે તો ગહન ને સંકુલ. આ વાર્તાઓમાં તેઓ ક્યાંય ઉપદેશક બન્યા નથી. પરંતુ સમાજ પ્રત્યેની તેમની જીવનદૃષ્ટિ સૂક્ષ્મ રીતે કલાત્મકતાથી વ્યંજિત થાય છે. વિષયવૈવિધ્યની સાથોસાથ પાત્ર વૈવિધ્ય તેમજ અભિવ્યક્તિની અવનવી તરેહો પણ ભાવકને આકર્ષે છે.’ઘાટની કથા’ વાર્તામાં સર્જકે ઘાટને જ કથક બનાવી દીધો છે. મોટાભાગની વાર્તાઓ આત્મકથનાત્મક તેમજ સર્વજ્ઞ બનીને સર્જકે આલેખી છે. ક્યાંક મનોવૈજ્ઞાનિક ઢબે પણ વાર્તાઓનું આલેખન થયેલું જોવા મળે છે. કરુણ, શૃંગાર, અદભુત, અને શાંતરસમાં ટાગોરની કુશળતા છે. વાર્તાઓમાં કથાવસ્તુ, પાત્રો, રસ, અભિવ્યક્તિની તરેહ – આ બાબતોમાં જે અપાર વૈવિધ્ય જોવા મળે છે, એટલું ભાગ્યે જ કોઈ અન્ય સર્જકના સર્જનમાં જોવા મળે. ‘દૂરાશા’ની નાયિકા નવાબજાદી નુરૂન્નિસા, ‘ત્યાગ’ નો હેમંત, ‘કાબુલીવાલા’માં મિનિનો પિતા, ‘ખોકાબાબુનું પુનરાગમન’નો રાઈચરણ,’દ્રષ્ટિદાન’ની અંધ કુમુ, ‘ઘાટની કથા’ની કુસુમ, ‘જીવતી અને મરેલી’ની કાદમ્બરી, ‘પોસ્ટમાસ્તર’ની રતન – સમાજના આ ભિન્ન ભિન્ન પ્રકારના પાત્રોની કથા જોતાં ટાગોરને દરેક સ્તરની વ્યક્તિમાં, તેમની વેદનાઓમાં રસ હતો તે બાબત સ્પષ્ટ જણાઈ આવે છે. સમાજના સાવ નીચલા સ્તરના અને ગરીબીની રેખા નીચે જીવતા માણસોની કથા બંગાળી સાહિત્યમાં પ્રથમવાર રવીન્દ્રનાથની વાર્તાઓમાં આલેખાઈ. તેમના પુરોગામી બંકિમચંદ્રે બંગાળીમાં પ્રથમ નવલકથા ‘દુર્ગેશનંદિની’ ઈ.સ.૧૮૬૪માં આપી હતી. પરંતુ પ્રથમ વાર્તા તો ટાગોર પાસેથી જ મળે છે. ટાગોર અગાઉના બંગાળી સાહિત્યમાં ‘ઉપેક્ષિત જનો’નો પ્રવેશ નથી. ટાગોરની વાર્તાઓમાં સામાન્ય જનોની વેદનાને વાચા મળતાં આ દિશામાં સ્થિત્યાતર આવે છે.
ઈયત્તા અને ગુણવત્તાની દ્રષ્ટિએ વિશ્વના મહાન સાહિત્યકારોની હરોળમાં શ્રેષ્ઠ સ્થાન રવીન્દ્રનાથનું છે. ભારતીય સાહિત્યકારોમાં રવીન્દ્રનાથે શિરમોર કૃતિઓ રચી પોતાની આગવી ઓળખ ઉભી કરી ઉત્તુંગ શિખર સર કર્યુ છે.
સંદર્ભ :
(૧) ‘ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓ’ – સંપાદક : પ્રસાદ બ્રહ્મભટ્ટ)
(૨) ટૂંકીવાર્તા: અભ્યાસ અને આસ્વાદ
લે. ડૉ. બિપિન આશર, પ્ર આ. ૨૦૧૨, પાર્શ્વ પ્રકાશન
(૩) ટૂંકીવાર્તા : શિલ્પ અને સર્જન
લે.ડૉ.ભરત ઠાકર, પ્ર.આ.૨૦૦૯, ભારત પ્રકાશન
(૪) વાર્તાવિચાર : લે. રાધેશ્યામ શર્મા
પ્ર.આ. ૨૦૦૧, પાર્શ્વ પ્રકાશન
(૫) આધુનિકોત્તર ગુજરાતી ટૂંકીવાર્તા
લે. ડૉ.એલ.એસ.મેવાડા, પ્ર.આ.૨૦૧૩, પાર્શ્વ પ્રકાશન
(૬) ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકીવાર્તા
સંપાદક: જયંત કોઠારી, પ્ર.આ.૨૦૧૯, ગુર્જર સા.ભવન
લે. ડૉ.વંદના રામી
મદદનીશ પ્રાધ્યાપક
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલ.