“રણછોડભાઈ મારૂનું મેઘાણીલોકસાહિત્યસંશોધન-સંપાદન”-એક વિહંગાવલોકન

-કૃપાલી કામળિયા

          વિશ્વસાહિત્યના પરિપ્રેક્ષ્યમાં ભારતીય સાહિત્યનું બહૂમૂલ્ય પ્રદાન રહ્યું છે. ગુજરાતી ભાષા અભિવ્યક્તિનું એક સચોટ માધ્યમ છે. ગુજરાતી સાહિત્ય અંતર્ગત અનેક સાહિત્ય સ્વરૂપો ખેડાયા. જેમાં ઝવેરચંદ મેઘાણી, જયમલ્લ પરમાર, ડૉ.પ્રભાતશંકર, ડૉ.બાર્કર, જયંત સેકડીવાળા ઈત્યાદી લોકસાહિત્યકારો એ ગૂર્જર ધરામાં ભમી વળ્યા છે. ધૂળમાં રતનનો હીરો ઝળહળે એમ ગુજરાતનાં સૌરાષ્ટ્ર પ્રાંતીય વિસ્તારમાં ભમતાં લોકલાડીલા રણછોડભાઇ મારૂનો પરિચય મેળવીએ…

                        રણછોડભાઈ બીજલભાઇ મારૂનો જ્ન્મ તા. ૨૯/૦૩/૧૯૬૪ ને રવિવાર ના રોજ ગોહિલવાડ ભાવનગર ના પાલિતાણા ગામમાં છેવાડાના વણકર સમાજના સામાન્ય પરિવારમાં થયો.પેટે પાટા બાંધીને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા માતા ગંગાબેન અને પિતા બીજલભાઇ ખેતાભાઇ મારૂ મહેનતું હતાં. માતા-પિતાની છત્રછાયામાં ઉછરતા રણછોડ મારૂ એક ચોપડી પાસ છે. વણકરવાસ ખારા નદીને કાંઠે આવેલો છે. દારુણ ગરીબીમાં તેમનો ઉછેર થયો. વંશપરંપરા મજૂરીનું કામ હતું. છ ભાઈઓ અને બે બહેનો. રોટલો હોય તો ડુંગળી ન હોય અને ડુંગળી હોય તો રોટલો ન હોય એવી પરિસ્થિતિમાં જીવ્યા. રખડું ને ભણવામાં ઠોઠ. થોડા ક્કકા આવડતા હતાં તે આધારે વાંચતાં શીખ્યા. ૧૨ વર્ષની ઉંમરે દાદાજી પાસેથી વાર્તાઓ સાંભળતા અને મેઘાણી સાહિત્યના પ્રેમી બન્યા. બાળપણથી વાર્તા સાંભળવાનો શોખ હતો. ઈ.સ. ૧૯૮૦ માં ‘સૌરાષ્ટ્રની રસધાર’ વસાવી તેનો પહેલો ભાગ અને મેઘાણી બાપુનો પ્રથમ ફોટો જોયો, દર્શન કર્યા. ઈ.સ. ૨૦૦૨માં પોતાના જ નિવાસસ્થાને ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિભવન’ બનાવ્યું. મેઘાણીના પગલે પગલે પરિભ્રમણ કર્યું. ‘સાદું જીવન શ્રેષ્ઠ જીવન’ તેઓ જીવે છે. ઈ.સ. ૨૦૧૨માં ઉપેન્દ્ર ત્રિવેદીએ મેઘાણી જેવા વસ્ત્રો ધારણ કરવાની પ્રેરણા આપી હતી. ત્યારથી તેઓ પાઘડીથી લઈ પગના પગરખા સુધીના વસ્ત્રો મેઘાણી જેવા હૂબહૂ ધારણ કર્યા.

                       હળવું સ્મિત અને શરમાળ પ્રકૃતિના રણછોડ મારૂ એ શાળાના પહેલા પગથિયા પર આવીને ઠોઠ નિશાળિયો તરીકે હતા પરંતુ આજે એ શાળા-મહાશાળાઓમાં જઈને મેઘાણીની વંદના કરી. તેમજ ઠેર-ઠેર ગામેગામ વિહરી મેઘાણીની લોકગાથામાં જીવન વ્યતીત કરે છે. ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, ચિત્રલેખામાં તેમના વૈવિધ્યસભર કાર્યની સવિશેષ નોંધ લેવાણી. દૂરદર્શન-ગિરનારમાં તેમની સાથે વાર્તાલાપ થયો. સંત શિરોમણી પૂજ્ય મોરારીબાપૂ એ અસ્મિતા પર્વમાં શાલ ઓઢાડી સન્માન કર્યું. આજ સત્તાવન વર્ષની ઉંમરે પણ તેઓ નીરોગી અને ઉત્સાહી છે. ચહેરા પરની રોનક કિરણોરૂપે પ્રસરે છે.   

           રણછોડભાઈના અનુભવે ભાંગ્યું-તૂટ્યું વાંચતા તો શીખી ગયા પરંતુ ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ૧૯૮૦-૮૧ માં લોખંડ-પતરાનો ભંગાર ભેગો કરીને રૂ! ૩૫ માં ‘ સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૫’ પુસ્તક ખરીદ્યું હતું. ત્યારબાદ ભંગાર દ્વારા મેઘાણીના પુસ્તકો ખરીદવાનો ક્રમ ચાલતો રહ્યો. તેમની જીવિત ઈચ્છા ‘મેઘાણીના પગલે કાઠિયાવાડનાં કોતરોમાં’ નામનું પુસ્તક લખવાની હતી. જે પૂર્ણ કરી. હાલ આ પુસ્તક છપાય રહ્યું છે. ટૂંક સમયમાં પ્રકાશિત થવા જઈ રહ્યું છે. તેમની બીજી એક ઈચ્છા અવસાન પછીની છે કે દેહદાન કર્યું છે ને તેમની છાતી ઉપર મેઘાણીનું ‘સોરઠી બહારવટિયા ભાગ-૨’ મૂકીને દફનાવવામાં આવે જેથી મૃત્યુ બાદ પણ મેઘાણીબાપુનો આત્મા તેમની સાથે રહે. ૫૧વર્ષની ઉંમરે મેઘાણીનું અવસાન થયું હતું. તેવી જ રીતે રંછોડભાઈને પણ ૫૧ વર્ષે દેહ છોડવો હતો પરંતુ સાહિત્યને જરૂર છે એની માંગ વધતાં તેમજ શુભેચ્છકોના સહકારથી આગળ પણ મેઘાણીના સાહિત્યને વધુ સારી રીતે મોકળાશ આપવાના હેતુસર જીવી રહ્યા છે.

                 સાહિત્ય રસિકોનો મીઠો મધૂરો આવકાર ‘સૌરાષ્ટ્રના મેઘાણી’ નામે બિરુદ મળ્યું. જીવનના પાછલા વર્ષોમાં પણ તેઓ પોતાનું યોગદાન મેઘાણીના ફાળે રાખે છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો પ્રભાવ તેમના જીવન પર છે. આમ, ‘ઠોઠ થી ઠેઠ સુધી પહોંચનાર રણછોડભાઈ મારૂનું જીવનદર્શન મળે છે કે એક અભણ માણસ જો પ્રયાસ કરે તો તે ભણેલાને પાછા પાડી દે તેમ છે. માત્ર અક્ષરજ્ઞાન મહત્વનું નથી પણ સાથેસાથે જીવનજ્ઞાનની અનુભૂતિ વિરલ છે.

રણછોડ મારૂની શોધયાત્રા…..

             ખોળ્યાં ખંડેર, ખોળ્યા ડુંગરા, ખોળ્યા જંગલ ને ઝાડ,

                મેઘાણીના માર્ગે ,હું ખોળીશ, કાઠીયાવાડ!

              મેઘાણીબાપુના પુસ્તકો ખૂબ જ વાચ્યાં. તેને આત્મસાત કરતાં એ દિશા તરફ એક કદમ આગળ વધવાની ઝંખના. બાપુના પુસ્તકોમાં જે પાળિયા, કબરો, ડુંગરા,ટીંબા, ગીરના નેસડા, ખંડેરો, હથિયારો, વાવ-કૂવા, જાનવરો, પશુ-પંખી, જૂનાં પહેરવેશમાં રહેતા કાઠિયાવાડના લોકો વગેરે નોંધ્યા મુજબ ત્યાં જ્વું અને તે સ્થળના દર્શન કરવાં, જીવનનો મહામૂલો આનંદ લેવો.એટલે રણછોડભાઈએ કાઠિયાવાડના જીલ્લાના નકશા લીધા, મેઘાણીના પુસ્તકો, જેવા કે-‘ સૌરાષ્ટ્રની રસધાર’(ભાગ-૧થી૩), ‘સોરઠી બહારવટિયા’(ભાગ-૧થી૩),’ ‘પરક્મ્મા’, ‘સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં’, ‘સોરઠને તીરે તીરે’, ‘સોરઠી ગીતકથાઓ’, ‘સમરાંગણ’, ‘રા ગંગાજળિયો’, ‘પુરાતન જ્યોત’, ‘રંગ છે બારોટ’, ‘દયાનંદ સરસ્વતી’ અને મેઘાણીના પુત્ર વિનોદ મેઘાણી તથા હિમાંશી શેલતનાં સંપાદન કરેલા પુસ્તકો, ‘લિ. હું આવું છું’ ના ભાગ-૧-૨. તેમજ અંતરછબીનો નીજનંદ આધાર લઈને રણછોડભાઇની ભવ્ય સવારીએ જે-તે સ્થળોની યાદ તૈયાર કરી ગામ-પરગામ તરફ યાત્રાનો પ્રારંભ કર્યો. શુભ-અશુભ પ્રસંગોએ જતાં, બસમાં કે ટ્રેનમાં, રિક્ષા કે સાઈકલ લઈને જતાં  ત્યારે જે-તે માણસો મળતા તેમની મુલાકાત કરી પોતાની મનુસ્મૃતિમાં સાચવતાં. તેમની પાસેથી પાળિયા,કબરો,નદી,ડુંગરા વગેરે ક્યાં આવ્યાં છે, ક્યાંથી જવાય છે, ક્યા તાલુકામાં છે તે બધુ જાણીને માહિતી પ્રવાસ નોંધપોંથીમાં ટાંકતા. એમ કુલ ૨૦૦ સ્થળોની યાદી કરીને પોતાની શોધયાત્રાનો પ્રથમ પગ માંડ્યો તા.૦૪/૦૯/૨૦૦૨, બુધવારના રોજ પ્રથમ ગીરમાતાની ગોદમાં છે એવા ભયંકર સ્થળ વેજલકોઠે જવાનું થયું.

               દિવસે યાત્રાનો પ્રવાસ ખેડી રાત્રિના બે વાગ્યે લખવાં બેસી જતાં તો છેક સવારો સવાર સુધી. ખંતીલી મહેનત, તપ ને ઉત્સાહનું કાર્ય સતત ત્રણ વર્ષ સુધી ચાલ્યું. છેલ્લા ૩૭ વર્ષથી તેઓ આ ક્ષેત્રે પોતાનું યથાવત યોગદાન આપી રહ્યા છે. મેઘાણીને તેઓ પોતાના ભગવાન માને છે. રાત-દિવસ એક કરીને તડકા-છાંયડા સામુ જોઈ બેસી ન રહેતાં રણછોડભાઇની આ ઝોળી મેઘાણીના અમૂલ્ય જ્ઞાનથી છલોછલ છે.

              રણછોડમારૂ એ મેઘાણીના સાહિત્ય સર્જન સ્થળો અને પ્રત્યેક ગામેગામ ભમી વળી અસંખ્ય જાતીઓના મહેમાન બન્યા. કાઠિયાવાડી ભોમનું શિરમોર વ્યક્તિત્વ તરીકે ઉત્તરદાયિત્વ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મેઘાણી અથવા તેમની કલમ જ્યાં પણ ગઈ છે ત્યાં છેલ્લા ૨૦ વર્ષમાં ફરી વળ્યા છે. અને તે સ્થળની ફોટોગ્રાફી તેમજ શોધયાત્રાનું સંશોધન કર્યું છે. મેઘાણીએ પોતાના સાહિત્યમાં વર્ણવેલી ખાંભી, ડુંગરા, નદી,જંગલ, પર્વતોને તેઓ ખૂંદી વળ્યા છે અને કલેક્શન માટે સૌરાષ્ટ્રના ૪૬૮ ગામડાઓ ફરી તે સ્થળોની ૫૦૦ જેટલી ફોટોગ્રાફી કરી છે. તેઓએ ૩૫ વર્ષથી આ વિચારને અનુલક્ષીને ૧૦૦૦ જેટલા મેઘાણીના સર્જનના સાહિત્ય તેમજ અન્ય પુસ્તકોની ગ્રંથમાળારૂપે લાઈબ્રેરી ઘરમાં વસાવી છે. જ્યાં જ્યાં તેઓ જતાં ત્યાંનો ખર્ચ,ફોટાઓ, લખેલી હસ્તપ્રત, શોધયાત્રા દરમિયાન બનેલી ઘટના તેમજ હદયને સ્પર્શી જનાર ઉમદા કાર્યની નોંધ સાંપ્રત સમયમાં પણ આજ સુધીની સચવાયેલી છે.

                     છેવાડાના ગામડાના તળ સુધી જઈને ત્યાંના લોકો સાથે રહીને મેઘાણીના જીવનસંદેશનું આદાન-પ્રદાન કરવાની આ યાત્રા જ્યારે પુસ્તક સ્વરૂપે ગ્રંથસ્થ થાય છે ત્યારે એ સફળ નીવડે છે.

રણછોડમારૂની સંપાદનયાત્રા……

                સૌરાષ્ટ્રની ધરતી પર જન્મેલા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની ગયા વર્ષે ૧૨૩મી જ્ન્મજયંતી ઉજ્વાઈ ગઈ. જેમાં અનેક સાહિત્યકારોએ મેઘાણીના સર્જનની વાતો કરી હતી. આ બધા વચ્ચે મેઘાણી વિશે પીએચ.ડી કરનાર સંશોધક કરતાં પણ વધુ સાહિત્ય એકત્ર કરનાર ધોરણ ૧ પાસ એવા મજૂર રણછોડભાઇ મારૂ એ વિપુલ સંપાદન શોધયાત્રા ખેડી છે. સંપાદન ક્ષેત્રે કામ કરતાં કરતાં સંશોધનમાંથી “મેઘાણીના પગલે કાઠિયાવાડના કોતરોમાં” દળદાર ગ્રંથ તૈયાર કરતી વેળાએ જ્યારે ૧૨૦૦ પાનાં લખાઈ ગયા બાદ થોડું કામ બાકી રાખ્યું કેમકે, મેઘાણીને કલકત્તાની એક કંપનીમાંથી એકવાર લંડન જવાનું પણ થયેલું તે સ્થળે રણછોડભાઈ મેઘાણીજીના માધ્યમથી જવા ઈચ્છતા હતાં અને લંડનની મુલાકાત બાદ ૧૯૦૦ પાનાંનો ગ્રંથ પૂર્ણ કરીને ગુજરાતને સૌથી મોટું મેઘાણીનું સાહિત્ય અર્પણ થયું. આ યાત્રા દરમિયાન તેમણે મેઘાણીના સાહિત્ય સર્જન સ્થળો અને મેઘાણીએ વીર એભલવાળાની વાર્તા લખી છે તે તળાજાના ડુંગર ઉપર આવેલી ગુફા, એભલ ગુફા જેવા ૨૦૦થી વધુ સ્થળોની મેઘાણીની અદામાં મુલાકાતો લીધી અને સંપાદનકાર્ય આગળ વધાર્યું. ભવિષ્યમાં કાઠિયાવાડના મસાણમાં સૂતેલા શૂરાઓને સજીવન કરનારા મેઘાણીએ જે-જે પાળીયાનો ઉલ્લેખ કર્યો છે તેના ફોટા સાથેનું પુસ્તક પ્રકાશિત કરવાની આગેકૂચ ધરાવે છે.

                તમારા સાહિત્યનો,વાંચુ છું રોજ લેખ,

               તેમાં નહીં પડે મેખ,મારા મરતાં મેઘાણી !

               તમારા સાહિત્ય તણાં,મે પીધેલ પાણી,

               પીઉ બીજા ત્યારે તે મોળા લાગે મેઘાણી!

               જગત કહે ઝવેર,તમે મસાણમા સોડ તાણી

               મારૂ કહે મનથી,મોજૂદ માનું છું મેઘાણી !

                   મેઘાણી પ્રેમની લાગણી છે તે સાર્થક કરવા માટે તેમનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. તેમજ પ્રેમથી ‘મેઘાણીબાપુ’ કહીને બોલાવતા. આ ઝળહળતો પ્રેમ ભાવકને તેમના સંપાદનો થકી પમાય છે.

               કુરબાનીથી કાળચક્ર સુધી વસાવું પુસ્તક અનેક,

              માગીને પણ મેળવીશ, મારા મરતાં સુધી મેઘાણી!

                 રણછોડભાઈ ઈતિહાસ પ્રેમી છે. તેમનું એક પુસ્તક ‘સિહોરના બ્રાહ્મણ રાજવંશનો ઈતિહાસ’ નામે પ્રકાશિત થયેલ છે. ત્રિકમદેવ જાનીના વંશ વસ્તારની આજદિન સુધી માહિતી અને ઈતિહાસકથા કહેલ છે. જુદાં જુદાં સ્થળો એ ફરી, તમામ કડીઓ મેળવી છે. તેમની સંપાદનયાત્રા સાંપ્રત સમયમાં પણ અવિરતપણે શરૂ છે. સચોટ માહિતીનું પ્રદાન કરવામાં રણછોડ મારૂ પાવરધા છે. અથાક પરિશ્રમ કરતાં, ખભે ઝોળી નાખી, કલમને કોદાળી બનાવી મેઘાણી સાહિત્ય જ્યાં જુઓ ત્યાં ખેડતાં રહ્યાં.

                ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ક્યારેય પ્રવેશ ન કર્યો હોય તેવા રણછોડભાઈએ જાણ્યે-અજાણ્યે પોતીકું સાહિત્ય બનાવી યાત્રા આરંભી. પોતાના જીવનના અમૂલ્ય વર્ષો મેઘાણી સાહિત્ય પાછળ વીતાવ્યા અને સમાજને માહિતી આપી. ‘ઠોઠ થી ઠેઠ સુધી પહોચવા’ ની આ યાત્રા ફલદાયક રહી. તેમના સર્જનમાં ઊંડાણપૂર્વકનું તથ્ય રહેલું છે. વૈવિધ્યસભર ચિત્રાંકન સાથે આબેહૂબ શોધકાર્ય બિરદાવવાને લાયક છે. એકંદરે તેમની આ સંપાદનયાત્રા આગળ ધપતી રહે અને સમાજને તેનું ભાવભર્યું પીરસણ થાય એ અભ્યર્થના.

સમાપન

           મેઘાણીના પગલે પગલે ચાલતાં કાઠિયાવાડના કોતરોમાં ભમતાં રણછોડભાઇ મારૂનું સાહિત્ય ક્ષેત્રે વિરલ પ્રભૂત્વ છે. કાઠિયાવાડની ભૂમિ પર આળોટતાં જેટલું મળ્યું તેનો સંગ્રહ કર્યો છે. નવીનતમ ઐતિહાસિક અનુઆધુનિક યુગમાં મેઘાણીનું લોકસાહિત્ય ક્ષેત્રે સંશોધન-સંપાદન કરીને રણછોડ મારૂએ અનેક પ્રયાસો કરી ઘણી બધી સામગ્રી એકઠી કરી. એ સંકલનને તપાસતાં એમ કહી શકાય કે તેઓ વિદ્વાન કે સંશોધકથી સહેજ પણ ઉતરતાં નથી! ગાંધીયુગીન મેઘાણીના સાહિત્યને સાંપ્રત સમયમાં પણ યથામૂલક દસ્તાવેજીકરણ કર્યું છે. પાયાના પથ્થર વિના ઈમારત ન ચણાય એ સમયે રણછોડભાઇએ સાચા મોટી શોધીને તેનું મૂલ્ય ચકાસ્યું લોકસાહિત્ય ક્ષેત્રે અસંખ્ય સંશોધન થયેલું છે. એ અંતર્ગત નાવીન્યસભર કાર્યભૂમિકા ભજવનાર એકમાત્ર રણછોડભાઇ રહ્યા છે. સાંપ્રત લોકસાહિત્યકારની નોંધમાં ગણનાપાત્ર રહે. ગુજરાતનાં જુદાં જુદાં પ્રદેશોમાં લોકસાહિત્યની સરવાણી વહે છે તેમાં કાઠિયાવાડના ખોળે ઉછરેલા “સૌરાષ્ટ્રનાં મેઘાણી” રણછોડભાઈ મારૂનું સંપાદન લેખન શિરમોર રહ્યું છે.

સંદર્ભ સૂચિ :-

૦૧. ‘મેઘાણીના પગલે કાઠિયાવાડના કોતરોમાં’, પૃ. ૬૭૫

૦૨. ‘મેઘાણીના પગલે કાઠિયાવાડના કોતરોમાં’, પૃ. ૬૭૬

સંદર્ભ ગ્રંથ :-

૦૧. ‘મેઘાણીના પગલે કાઠિયાવાડના કોતરોમાં’

                                     -રણછોડભાઈ મારૂ

૦૨. ‘સિહોરના બ્રાહ્મણ રાજવંશનો ઈતિહાસ’

                                     -રણછોડભાઇ મારૂ                     

 કામળિયા કૃપાલી દિનેશભાઇ

શ્રીમતી પી.એન.આર.શાહ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, પાલિતાણા.

મો.- ૯૪૦૮૯૧૧૨૮૦, ઈ-મેઈલ         :- kamliyakrupali@gmail.com