યોગેશ જોશી કૃત ‘સમુડી’ની પાત્રાલેખનકળા

– મુકેશ શિયાળ

        યોગેશ જોશીનો જન્મ તારીખ 3 જુલાઇ 1955 ના રોજ મહેસાણામાં થયો હતો. પિતાનું નામ ભાનુપ્રસાદ જોશી હતું. એમનું વતન ઉતર ગુજરાતનું વિસનગર. યોગેશ જોશીએ M.Sc. સુધીનો અભ્યાસ કર્યો હતો. એટલે યોગેશ જોશી આર્ટ્સના વિદ્યાર્થી નથી, પણ વિજ્ઞાન વિદ્યાશાખાના વિદ્યાર્થી છે. વ્યવસાયે તેઓ ભારત સરકારના દુરસંચાર વિભાગ (BSNL)માં ટેકનિકલ ઓફિસર તરીકે સેવાઓ આપે છે. બે વર્ષ પહેલા જ તેઓ સેવા નિવૃત થયા અને અમદાવાદમા પોતાના સંતાનો સાથે નિવૃત જીવન ગાળે છે. યોગેશ જોશી સાહિત્યકાર છે. ગુજરાતી સાહિત્યમાં એમને ઘણું બધું લખ્યું છે. યોગેશ જોશી અત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદમાં સાહિત્ય મંત્રી તરીકે સેવાઓ આપે છે. યોગેશ જોશીની પહેલી નવલકથા ‘સમુડી’ 1984માં ‘શબ્દસૃષ્ટિ’ સામયિકમાં હપ્તાવાર પ્રગટ થયા બાદ તે નવભારત સાહિત્ય મંદિર દ્વારા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ. આ રચના ગુજરાતી લઘુનવલ તરીકે ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. આ લઘુનવલ નાયિકાપ્રધાન સાહિત્ય કૃતિ છે. ‘સમુડી’ પછી યોગેશ જોશીએ ‘જીવતર’, ‘નહિતર’, ‘આરપાર’, ‘વાસ્તુ’, ‘ભીનાં પગલાં’ વગેરે નવલકથાઓ આપી છે. અહીં પ્રસ્તુત ચર્ચામાં “‘સમુડી’(લઘુનવલકથા)ની પાત્રાલેખન કળા” કેન્દ્ર સ્થાને હોઈ તેની જ ચર્ચા વધુ ગ્રાહય છે.

        ‘સમુડી’ નાયિકા પ્રધાન કૃતિ છે, તેની નાયિકા સમુડી છે. બીજું પાત્ર સમુડીનો પતિ તેજો છે. નવલકથામાં બીજું એક દંપતિ છે હર્ષદ- નયના. સ્ત્રી પાત્રોમાં હર્ષદના માતૃશ્રી શાંતાબેન જેને લોકો ‘શાંતાફઈ’ તરીકે ઓળખે છે. નવલકથાની સમગ્ર ઘટનાના કેન્દ્રમાં નાયિકા સમુડી છે. અને સમુડીનું સર્વાંગ સુંદર ચિત્ર આપણી સમક્ષ દોરી આપનાર છે હર્ષદ. એટલે એવું કહી શકાય કે હર્ષદના મુખે કહેવાયેલી નાયિકા સમુડીની કથા એટલે લઘુનવલ ‘સમુડી’. નવલકથાનું તળ ઉતર ગુજરાતનું છે. માટે પાત્રો પણ તે રીતના રિવાજો, બોલી, પહેરવેશ વગેરેથી સ્પર્શતા જ જોવા મળશે. નવલકથાને દોરી જનારું, ગતિ આપનારું પાત્ર સમુડી છે. લઘરવઘર ઘાઘરી પોલકું પહેરીને ખેતરોમાંથી સમીસાંજે પાછા ફરતા ગાડામાં, લદાયેલા પાકની આડશ લઈને ગાડા પાછળ લટકતી સમુડીને લેખકે ખૂબ જ જીણવટ પૂર્વક ચીતરી આપી છે. આઇબરો…. આઇબરો… શબ્દ ગોખતી આ નાયિકાનું બાહ્ય સૌંદર્ય કેવું છે જુઓ : “મોટું કપાળ. સપ્રમાણ નાક. પણ નસકોરાં સહેજ મોટાં. હસે ત્યારે બંને નસકોરાં ને હોઠના ખૂણાને જોડતી લયયુક્ત વળાંકવાળી રેખાવાળું જાણે ફ્રી-હેન્ડ રચાય. ઉપરના દાંત વાંકાચૂકા. નીચલો હોઠ જરીક જાડો. હડપચી પર ત્રણ ભૂરાં ટપકાં ત્રિકોણના આકારમાં ત્રોફાવેલાં. લાવણ્યથી ભર્યોભર્યો સ્નિગ્ધ ચમકતો પાતળો દેહ. ઊંચાઈ પાંચેક ફૂટ. ખૂબ લાંબા વાળ. ખાસ્સો મોટો અંબોડો વળે. પાતળી કમર, ભરાવદાર છાતી.” (‘સમુડી’ પાનાં નં. 16) આવી એક સુંદર ભારતીય નારીને લેખકે કૃતિની નાયિકા બનાવી છે. જે યોગ્ય છે. સમુડી દરેક રીતે હોશિયાર, કામગરી, સ્નેહાળ અને મહેનતુ છોકરી છે. તે શાંતાફઈને ઘરે કામ કરતી વેળાએ કોઈ કચાશ નથી રાખતી. કામચોરીનું તો કોઈ નામ જ નહી. શાંતાફઈના ઘરે સમુડીએ એક પારિવારિક વાતાવરણ ઊભું કર્યું છે. તેને પોતાના ઘરે કોઈ ભૌતિક સુખ નથી જોયું માટે શાંતાફૈબાને ઘરે જ કામ કરતાં કરતાં જે સુખ અનુભવાય તે બધુ તે લુટી લેવા તત્પર છે. ચાર વર્ષની ઉમરે તેનું સગપણ થઈ ગયેલું. દસેક વર્ષની ઉમરે તો તે વાડમાં વેલો વધે તેમ વધવા લાગેલી. તેને તૈયાર થવાનો ખૂબ શોખ. સાતમ આઠમના મેળામાથી તે પોતાના સૌંદર્ય પ્રસાધનો ખરીદી લાવે. એક દ્રશ્ય જુઓ : “શાંતાફૈબા શાક લેવા જાય ત્યારે એ આયના સામે ઊભી રહી ચહેરો જોયા કરે. ટેરવે કાજળ લઈ આંખોમાં લપેડા કરે. પછી ટેરવું ભમ્મરો પર ઘસે. બેય આંખને ખૂણે, ચીપિયાને છેડે થોડું કાજળ લઈ અણિયાં કાઢે. કંકુનો આઠઆની જેવડો ચાંલ્લો કરે ને થોંડુક સેંથીમાં પૂરે! પછી શાંતાફૈબાની સાડી લઈ, આવડે એવી પહેરીને આયના સામે ઊભી રહે. સ્તનનો ઊભાર તથા કમરનો વળાંક નીરખે. પછી શરીરનું વજન જમણા પગ પર રાખી, કમરનેય જમણી બાજુ લચકાવી, અજન્તાની શિલ્પકન્યા જેવો આકાર રચે! કદાચ ક્યાંક આવા કોઈ શિલ્પનો ફોટો કે કેલેન્ડર જોયું હશે અથવા તો છાપામાં કોમલગુટિકાની જાહેરાતની કન્યાય જોઈ હશે.” (‘સમુડી’ પાનાં નં. 17) જેટલો  તેમને સજવાનો શોખ એટલો જ નવું નવું શીખવાનો પણ શોખ. ભરતગૂંથણ તો સમુડીને ખૂબ સરસ આવડતું. ઉપરાંત શાંતાફૈબાએ સમુડીને પ્લાસ્ટિકના વાયરમાંથી બગલથેલા, પાકીટ, કાચની ભૂંગળીઓનાં તોરણ, ઝુમ્મર ને એવું બધુ બનાવતા શીખવેલું. અને આ બધી ‘સમુડી મેઈડ’ ચીજો શાંતાફૈબા વેચી આપતા.

        પ્રકૃતિના ખોળે મોટી થયેલી સમુડીને દૂર વરસાદ વરસે છે તેની પણ ઘાણેન્દ્રિય સતેજતા થઈ જાય. આંબે નવા મોર આવ્યા હોય કે કોઈ વૃક્ષને નવા પાન ફૂટયા હોય તો પણ સમુડીના ધ્યાન બહાર ના હોય. પ્રથમ વરસાદની આહ્લાદક અનુભૂતિને તે નૈસર્ગિક રીતે જ માણે છે. કશીય માનવ સભ્યતા તેને પોતાની પ્રકૃતિથી દૂર કરી શક્તિ નથી. તે પ્રથમ વરસાદથી ભીંજાયેલી માટીને માત્ર સૂંઘતી જ નથી પણ તેનો સ્વાદ પણ ચાખીને જોઈ લે છે. પવનના અલગ અલગ રૂપોને સમુડી ખૂબ સારી રીતે અનુભવે છે. લેખકે અહી સમુડીના પાત્ર દ્વારા ઇન્દ્રિય સંવેદ્ય ભાવકોને ચખાડ્યો છે તે અનેરો છે. સમુડી તળાવમાં તરી જાણે છે, પવનની માદકતાને ઓળખી જાણે છે, વૃક્ષના ફળને ચોરી જાણે છે, રસોડામાની ઉંદરડીને કૂશળતાથી પકડી જાણે છે, પોતાના ચારિત્ર્ય પર કોઈ હાથ નાખે તો દાતરડું લઈ કોઈનું માથું પણ વાઢી જાણે છે. એટલે સર્જકે શક્ય એટલા બધા ગુણો આ નાયિકામાં જોયા છે. સર્જકનું આ માનસ સંતાન છે. પ્રસાદ બ્રહમભટ્ટે એક લેખમાં નોધ્યું છે : “કૃતિના બીજાથી સત્તરમા પ્રકરણ વચ્ચે લેખકે હર્ષદ-સમુડીના ભૂતકાળની કેટલીક લાગણીપૂર્ણ, સંવેદનશીલ ક્ષણોને જીવંત કરી છે. રબારીની નમાયી છોકરી સમુડી નાનપણથી બ્રાહ્મણ જ્ઞાતિનાં શાંતાફૈબાના ઘરે કામ કરવા જતી. હર્ષદ શાંતાફૈબાનો એકનો એક છોકરો. સમુડી અને હર્ષદ વચ્ચે ઉમરનો તફાવત ખાસ નહીં. સમુડી કામવાળી હોવા છતાં શાંતાફૈબાએ તેને માનો પ્રેમ અને હૂંફ આપ્યાં. સમુડીને પણ હર્ષદ માટે ઊંડી લાગણી. તેને માટે તે હાથ લોહીલુહાણ થઈ જાય તોયે તેને ભાવતાં બોર તોડીને ચોરી લાવે. બંને સાથે ગામ બહાર ટેકરી પર સૂર્યાસ્ત જોવા જાય, રેલવેના પાટા પર હાથમાં હાથ લઈ દૂર સુધી દોડે. આ બધી બાલ સહજ ક્રિયાઓ હતી તેમાં કશી સભાનતા ન હતી.” (પ્રસાદ બ્રહમભટ્ટ, અધીત : પર્વ-1, પાનાં નં. 70) ‘સમુડી’ લઘુનવલમાં સમુડી અને હર્ષદ એક બીજા વિના પૂર્ણ રૂપે જોઈ શકાય તેમ નથી. જો જોવા ધારીએ તો ઘણી કચાશો સામે ઊભી રહે તેમ છે. પણ હા જે બાળપણની સમુડી હતી તે તેજા સાથે લગ્ન થયા બાદ ઘણી બદલાયેલી જોવા મળશે. તેની વ્યવ્હારિક રીત-રસમમાં સુધારો જોવા મળે છે.

        લઘુનવલકથાના પાત્ર સંદર્ભે ભરત ઠાકરે લખ્યું છે : “સર્જકની રુચિ પ્રમાણે સર્જન આકાર લે છે. પાત્રનિરૂપણ એ સર્જકની આગવી મૂડી છે. પાત્રના માનસમાં થતું પરિવર્તન મનોવૈજ્ઞાનિક રીતે વાસ્તવિક લાગવું જોઈએ. વસ્તુ અને પાત્ર બંને નિકટતમ સંબંધથી જોડાયેલા છે. પાત્રોથી પ્રસંગો સર્જાય છે. વસ્તુમાંથી પાત્ર રચાતું જાય અને પાત્રમાંથી વસ્તુ ઊકલતી જાય એવો લગભગ નવલનો ક્રમ હોય છે. પ્રયોગશીલ સર્જકોએ ભિન્ન પ્રયોગ કર્યા છે. તેમ છતાંય લઘુનવલ માટે પાત્રો સજીવ હોય એ જરૂરી છે, વસ્તુ અને પાત્રની ભિન્ન ભિન્ન રેખાઓ રચાઇ જાય તો નવલ ખામીભરી છે તેમ કહી શકાય.” (મધ્યકાલીન-અર્વાચીન સાહિત્યસ્વરૂપો, ડો. ભરત ઠાકર, પાના. નં. 90) તે રીતે પણ સમુડી અને હર્ષદ બંને જીવંત અને સાંપ્રત પાત્રો છે. અને આગળ નોધ્યું તેમ બંને પાત્રોની હયાતી થકી જ વ્યક્તિગત રૂપ ઊભું થાય છે. હર્ષદ અને સમુના સ્નેહ સંબંધના બીજ એમની બાળપણની મૈત્રીમાં રહેલાં છે. હર્ષદને સમુના વ્યક્તિત્વનું અજબ આકર્ષણ છે. તેને નાનપણથી જ વનવગડામાં રખડવાનો શોખ છે. તે હવે મોટા થયા પછી પોતે ક્યારેક અસ્વસ્થ થાય તો જ જંગલમાં જતો. હર્ષદનો જન્મ ગામડાગામમાં થયો હોવા છતાં તેમણે તરતા આવડતું નથી. તે સમુડી સાથે બોર, કાતરા, કેરી વગેરે ચોરવા જતો પણ હવે કેટલીક શરારતો છોડી દીધી છે. હર્ષદને જો કોઈ નાનપણમાં ઠપકો આપતું તો તે જંગલમાં જઈ કોઈ વૃક્ષની નીચે ઘસઘસાટ ઊંઘી જતો. એટલે સમુડીની જેમ હર્ષદને પણ પ્રકૃતિનું ભારોભાર આકર્ષણ છે. હર્ષદ પોતાની ભાવિ પત્નીની જે મનોહર પરિકલ્પના કરતો તેવી જ તેને સુંદર પત્ની નયના રૂપે મળે છે. પણ તેના માનસ જગતમાં તો સમુડી જેટલું સ્થાન અન્ય કોઈ સ્ત્રી પાત્રનું નથી માટે જ દરેક ક્ષણે નયનાના વર્તનનું તે સમુડી સાથે સરખામણી કરે છે. હર્ષદને મન નયના અને સમુડી બંનેમાં સમુડી દરેક રીતે ચડિયાતી જણાય છે.

        સમુડી લઘુનવલથાની પ્રસ્તાવનામાં જયંત કોઠારી નોંધે છે : “સમું અને હર્ષદને જોડતી કડી તે વગડાનું આકર્ષણ છે. હર્ષદ ઇંદ્રિયાનુરાગી પણ છે. સમુની સાથે ટેકરી પરથી સૂર્યાસ્ત જોવા એ જતો હોય છે. એના કેટલાક નાજૂક ને સૂક્ષ્મ ઇંદ્રિયસંવેદનો અહી આલેખાયેલાં છે. બારણાંમાંથી આવતા અજવાળામાં થોડીક ક્ષણ ચાલતા ને સુકાઈ જતાં, ફર્શ પર થતાં પોતાના ભીના અર્ધવર્તુળની નોંધ હર્ષદની આંખો લે છે. નયનાના સાથમાં દશેય ઇન્દ્રિયોથી અરણ્યનું પાન કરતો હોય એવું દીવાસ્વપ્ન એ અનુભવે છે. પણ એમ લાગે છે કે હર્ષદનો ઇન્દ્રિયરાગ એ વધુ તો એના સ્વપ્નલોકનો, એની કપોલકલ્પિતની સૃષ્ટિનો અંશ છે; સમુડીની જેમ નર્યા વાસ્તવનો અંશ નહીં….. ઇન્દ્રિયવ્યાપારમાં હર્ષદ એક વખત જ સક્રિય થતો દેખાય છે – સમુને બાથમાં ભીડીને એ ચુંબન કરી બેસે છે ત્યારે. પણ આ ઘટના એને પોતાને જ અસ્વાભાવિક લાગે છે અને એની શરમ અનુભવે છે. સ્વપ્નલોક જાણે વ્યવહારલોકનાં પડલ તોડી બહાર ધસી આવ્યો! સમુના જીવનમાં આવી અસ્વાભાવિક ઘટનાને જાણે અવકાશ નથી, કેમકે એનો ઇન્દ્રિયરાગ નૈસર્ગિકતાથી અને સમથળ પ્રવર્તે છે.” (‘સમુડી’ પાના. નં. 11) હર્ષદ અને સમુડીમાં આજ તો તફાવત છે કે સમુડી વાસ્તવ જગતમાં નૈસર્ગિક, પ્રકૃતિગત જીવન જીવી રહી છે. જ્યારે હર્ષદ સ્વપ્નલોકમાં રાચી રહ્યો છે. માટે નયના જેવી સુકોમળ, સુંદર પત્ની મળી હોવા છતાં તેને વાસ્તવમાં સુખ નથી મળી રહ્યું. હર્ષદ સમુડીથી મુગ્ધ છે, કારણકે સમુડી હર્ષદની આસપાસનાં સઘળાં નારીપાત્રોથી અનોખી છે, ઓરીજનલ છે. કોઇની પ્રતિકૃતિ નથી, એના સહવાસથી હર્ષદમાં પરિવર્તન આવે છે. સમુના સ્પર્શ માત્રથી હર્ષદને પોતાપણાનો અનુભવ થાય છે. કહો કે સમુડીને પોતાને પોતાની ખબર નથી એટલી હર્ષદને સમુ વિશે ખબર છે. મધુ રાયે યથાયોગ્ય જ નોધ્યું છે : “સમુડી પોતાના બાવડેથી જીવતી, સકર્મક છોકરી છે. તેનાથી તદ્દન જુદો, હર્ષદ પોતાના વિચારોમાં જીવતો અકર્મક છોકરો છે. હર્ષદ બીજી બધી રીતે સામાન્ય, કદાચ નિર્બળ બતાવાયો છે, છતાં તે દંભી નથી. એના પાત્રનું આકર્ષણ એની સચ્ચાઈ. તે પ્રામાણિકતાથી વાચકો પાસે પેશ આવે છે. પોતાના મનના ભાવ કોઈ સંકોચ વિના નોંધી શકે છે. સમુડીની ઉઘાડી જાંઘ, સાસરાનાં કપડાં ધોતી છોકરીનાં માદક શરીર, જાતિય આવેગોની અન્ય ઘટના તે સહેજે ગિલ્ટી વિના, અથવા સહેજે બડાઈ વિના નોંધે છે. સરળ હ્રદયનો હર્ષદ નિસર્ગનો પણ પ્રેમી છે. સમુડીની આંગળી ઝાલી તે વગડાં, પહાડ, ટેકરા, નેસડા, સીમ, ઝાડ, પશુપંખી ને સૂર્યાસ્ત જુએ છે.”

        લેખકે કશીય અતિશયોક્તિ વિના બંને પાત્રોની કાળજી રાખી ઘડયા છે. એટલું જ નહી પણ બંનેની પ્રકૃતિ સરખી હોવા છતાં ભિન્ન ભિન્ન જોવા મળશે. બને પાત્રોના પરિચયથી જ કથા આગળ ચાલે છે અને વિષયવસ્તુ ઘડાતું જાય છે. જેમ જેમ કથા પ્રવાહ આગળ ચાલે છે તેમ બંને નાયક નાયિકાના ચરિત્રો ભાવકો સમક્ષ પારદર્શક થતાં જાય છે. શરૂઆતમાં તો હર્ષદના પાત્રમાં આપણને નયનાથી સંતોષ ના થવામાં એક પ્રકારનો વિકારી અસંતુષ્ટ વ્યક્તિ જણાય છે, માનવસહજ પોતાની વસ્તુ કરતાં બીજાની વસ્તુ વધુ ગમે તેવી ખોખલી માનસિકતાની પ્રતીતિ થાય છે પણ વાસ્તવમાં બંને પાત્રો નાયક ને નાયિકા એકબીજાથી આકર્ષાયા છે. બંને માનસિક રીતે સ્વીકારે પણ છે. પણ સમાજની રૂઢિ અને રિવાજો બંનેને એક થવા દેતા નથી. એક શેઠ છે તો બીજી નોકર છે. બંને વચ્ચે લગ્ન ક્યારેય શક્ય નથી. આ એક એવો તારુણ્યનો સંબંધ છે જે ભવિષ્યમાં એક ઘટાદાર વૃક્ષ બનીને વિસ્તરી રહ્યો છે. બંને પાત્રો થકી જ નવલકથાનો ઘાટ યોગ્ય ઘડાયો છે. મણિલાલ હ. પટેલે તેથી જ તો કહેવું પડ્યું છે : “યોગેશ જોશીએ પાત્રોનાં ગુણ લક્ષણોની યાદી કરીને ઓળખાવ્યાં છે પણ પછી ક્રિયા અને ઘટનાઓમાં એ વ્યક્તિમત્તા ચરિતાર્થ થાય છે. તેજા જેવા ગૌણ પાત્રો પણ કલમના થોડાક લસરકાથી ઊપસ્યા છે ને જીવંત પ્રતીત થયાં છે. સમું પરનો સોમાનો બળાત્કાર, સોમાની હત્યા, સમુના લગ્ન વખતની તંગ સ્થિતિ, એના બાપનું પાછળથી થતું ખૂન, સમું હીરાઘસું તેજાને પરણીને મુંબઈ જાય છે તે નવલકથાનો વિકાસ દર્શાવે છે. એ પૂર્વે પણ સમુનાં તોફાનો, કાર્યો ને હરકતો વર્ણવાયા છે. એ જ રીતે હર્ષદનું આંતરમુખી વ્યક્તિત્વ, એની સમુ-નયના વચ્ચેની ગતિસ્થિતિના વર્ણનો  વગેરે કૃતિને સમતોલ રાખે છે. ગ્રામીણ સમાજની કેટલીક ખાસિયતો ને મોસમના વર્ણનો પણ ધ્યાનપાત્ર છે. સમુ ને હર્ષદ કોઈ વર્ગ કે જાતિનાં નથી પણ ‘માનવ’ છે, ‘માણસ’ છે એમ લેખકે બતાવ્યું છે. માણસ તરીકેની એમની લાગણી એટલે જ સાચી ને આવકાર્ય છે.”

        ટૂંકમાં આ નવલકથાના આ એવા બંને પાત્રો છે જે યોગેશ જોશીની કલમે ઘડાયા છે. કોઈ ચોક્કસ તળના નહીં બલકે સમગ્ર માનવજાતની તરુણાવસ્થાના આ પ્રતિનિધિઓ છે. તે વાતને નકારી નહી શકીએ. આવા સબળ પાત્રોને લઘુનવલ જેવાં સ્વરુપમા જ યોગ્ય સ્થાન મળે છે. આપણાં લેખક ભલે વિનયન વિદ્યાશાખાના અભ્યાસુ નથી છતાં એક સહજ ભાવક તરીકેની તેમની સંવેદના સ્ફૂર્યા વિના રહેતી નથી. સાહિત્ય તે આંતર સ્ફૂરણ છે તે સાબિત કરી બતાવ્યું છે. અને વળી આધુનિક યુગના આવા ભૌતિક યુગમાં સાહિત્યને આવી ભાવના સભર કૃતિ મળે છે, આવા સૌ યુવાનોના પ્રતિનિધિ પાત્રો મળે છે તે આનંદની જ ક્ષણો ગણાય વળી.

                                                                                મુકેશ એમ. શિયાળ

                                                                                        (કળસાર)

સંદર્ભો :

‘સમુડી’ – યોગેશ જોશી.

સત્તર સાહિત્ય સ્વરૂપો – પ્રસાદ બ્રહમભટ્ટ.

મધ્યકાલીન-અર્વાચીન સાહિત્ય સ્વરૂપો – ડો.ભરતકુમાર ઠાકર.

અધીત : પર્વ-1 – સંપાદકો : જે.એમ.ચંદ્રવાડિયા અને અન્ય.                                                 

મુકેશ એમ. શિયાળ

મુ.પો. કળસાર, તા. મહુવા, જી. ભાવનગર. 364130

મો. નં. 8511988701

Email : parimal1781@gmail.com