-ડૉ પારુલબેન પ્રબતાણી
ગુજરાતી સાહિત્યના રાષ્ટ્રીય રત્ન એટલે ઝવેરચંદ મેઘાણી.ગુજરાતી સાહિત્ય અને ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે આ સર્જકને માત્ર રાષ્ટ્રીય નહીં પણ આંતરરાષ્ટ્રીય સર્જકોની હરોળમાં પણ આપણે ગૌરવપૂર્ણ રીતે એમનું નામ મૂકી શકીએ છીએ. મેઘાણી એટલે કવિ, મેઘાણી એટલે વાર્તાકાર, મેઘાણી એટલે નવલકથાકાર, મેઘાણી એટલે લોક સાહિત્યકાર……. આગળ વધતા આ સૂચિ ખૂબ લાંબી બની શકે એમ છે પણ મેઘાણીનું પ્રત્યેક સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન રહેલું છે માત્ર સાહિત્ય નહીં પત્રકારત્વ, સંપાદક અને ક્રાંતિવીર તરીકે પણ તેમની આગવી ઓળખ જોવા મળે છે માત્ર પચાસ વર્ષના આયુષ્યમાં તેમના કાર્યો એ એમને અમર બનાવી દીધા છે.
ઝવેરચંદ મેઘાણીની વિપુલ અને વૈવિધ્યપૂર્ણ વાર્તાસૃષ્ટિ માંથી પસાર થતા એમના સ્ત્રી પાત્રો તરત જ આકર્ષે છે મેઘાણીની વાર્તાના પાત્રો લાચારીનો અનુભવ કરતા નહીં પરંતુ ખુમારીથી પરિસ્થિતિ સાથે બાથ ભીડતા બળુકા પાત્રો છે. એવી કેટલીક વાર્તાઓમાં ‘ચાંપરાજ વાળો’ નામની વાર્તામાં પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રજૂ થયેલ મીણલદેવી નું પાત્ર આવું જ વિલક્ષણ નારી ચરિત્ર છે. પ્રસ્તુત વાર્તામાં ચાંપરાજ વાળા ના જીવન ના ત્રણ પ્રસંગો રજૂ થયેલ છે જેમાં ત્રીજા પ્રસંગમાં ચાંપરાજ વાળાના પિતા એભલ વાળા પાસે આવી અને મારવાડ નો બારોટ સવાલ કરે છે ‘રાજપુત, હું માંગુ તે દેશો?’ એભલ વાળાની સંમતિથી બારોટ એભલ વાળાને માંગી લે છે ત્યારે એભલવાળો કહે છે “બારોટ હું તો બુઢ્ઢો છું. મને લઈ જઈને તું શું કરવાનો હતો.”ત્યારે બારોટ કહે છે કે”તને પરણાવીશ” કારણકે બારોટને મારવાડમાં ચાપરાજવાળા જેવા નરવીરોની અવતરવાની આશા હતી, પરંતુ એભલવાળો કહે છે “ચાપરાજની મા મીણલળદેવી જેવી કોઈ જડશે કે?”એમ કહી ભૂતકાળની વાત કહે છે. રણવાસમાં અનાયાસ એભલ વાળા થી એમની પત્ની મીણલદેવીને અડપલું થઈ ગયું ત્યારે છ માસનો ચાંપરાજ પારણામાં સૂતો હતો મીણલળદેવી એભલ વાળાને અટકાવીને કહે છે “હાં હાં ચાંપરાજ દેખે છે હાં !”એભલવાળો કહે : “એ છ મહિનાનું બાળક શું સમજે”ત્યાં તો ચાંપરાજ પડખું ફેરવી બીજી બાજુ જોઈ ગયો-પાછળથી ચાપરાજ વાળા ની મા એ અફીણ પીને આપઘાત કર્યો.
ઉપરોક્ત વાર્તામાં રજૂ થયેલ પ્રસંગમાં મીણલદેવી એક એવું અમર અને વિલક્ષણ સ્ત્રી ચરિત્ર છે જે પોતાના છ મહિનાના દીકરાની નજરમાંથી ઉતરી ગયા પછી જીવવા કરતા મરવાનું વિશેષ પસંદ કરે છે અને આવી સતી સ્ત્રીના કૂખેથી જ ચાંપારાજ વાળા જેવા વીર બાળકો જન્મે છે. મારવાડી ભૂતકાળની આખી ઘટના સાંભળી એભલ વાળાને મુક્ત કરે છે. મીણલદેવી માટે આ ઘટના નાની નથી પણ અપમાન જનક બાબત ગણાય છે. અને મૃત્યુને પસંદ કરતી આ સ્ત્રી મેઘાણીની વાર્તાનું અનોખી ભાત પાડતું સ્ત્રી પાત્ર છે.
`જટો હલકારો’ નામની વાર્તામાં આવતું રાજપુતાણી નું ચરિત્ર પર અનોખું અને અજોડ છે. પોતાના પતિ સાથે અંધારી રાતે ઘનઘોર વગડા વચ્ચે ચાલી જાય છે. તેનો પતિ કઠોર અને કર્કશ હોવા ઉપરાંત લાગણી વિહોણો પણ જોવા મળે છે આ બંનેની પાછળ પોતાના પિયરનો ટપાલી જટો હલકારો મળતા એમની સાથે વાતચીત કરતી રાજપૂતાણી ને ધમકાવી નાખે છે. આગળ જતાં રસ્તામાં બાર કોળી લૂંટારાઓ રાજપૂત અને રાજપૂતાણી ને રોકે છે તેના પતિ રાજપૂતને બાંધીને ગબડાવી દે છે રાજપુતાણીના બધાજ ઘરેણા ઉતરાવી પછી જીભની મશ્કરી અંગના ચાળા સુધી પહોંચે છે ત્યારે જટો હલકારો રાજપુતાણીને બચાવે છે લુંટારાઓ જતા રાજપૂતાણી પતિને છોડે છે. તરત રાજપૂત કહે છે “હાલો ત્યારે” તેમને પોતાની પત્ની માટે મોતને ભેટનાર જટા હલકારાની જરા પણ ચિંતા નથી ત્યારે રાજપૂતાણી ખુમારીથી એમના પતિને છોડીને જટા હલકારા સાથે સતી થાય છે.
મેઘાણીની વાર્તામાં આવતું આ રાજપુતાણીનું ચરિત્ર `નમાલા’ પતિની પત્ની બનીને જીવવા કરતાં જેની સાથે પાંચ ડગલા ચાલ્યો તેની આબરૂ બચાવવા માટે મોતને ભેટનાર વ્યક્તિ એમના માટે આદરપાત્ર બની જાય છે એમના પતિ ને સ્પષ્ટ શબ્દોમાં કહે છે ‘કાગ અને હંસ ની જોડી શક્ય નથી’ ભવ આખાના બંધનો હોવા છતાં તારા માટે તારું જીવતર વહાલું બની જાય અને ઘડીક ની ઓળખાણી બીજા માટે પ્રાણ આપનાર વ્યક્તિની જરા પણ ચિંતા કર્યા વિના આગળ વધવાનું સૂચન કરે છે પણ રાજપૂતાણી તેનો સાથ છોડીને જટા હલકારા સાથે સતી થવામાં પોતાનું જીવન વિશેષ ઉજ્જવળ બની રહેશે એવું વિચારે છે. આમ ખુમારીથી જીવતા આવા સ્ત્રી ચરિત્રો મેઘાણીનું અમર સર્જન છે.
‘દીકરો’ નામની વાર્તામાં પિતા ની આબરૂ જળવીને કૂળ ઉજાળતી હીરબાઈનું નારીરુપ વિલક્ષણ રીતે શબ્દરૂપ પામ્યું છે. દેવાત વાંક નામનો કાઠી આસપાસના કાઠીઓને ડરાવતો હોવાથી તમામ કાઠીઓ એમને રીઝવવાન પ્રયત્નો કરતા હતા ત્યારે આપા લાખો કહે છે કાઠી ના દીકરા બધા જ સરખા અહીં બંને વચ્ચે વેરના બીજ રોપાય છે લાખો વાળો લાખાપાદર જેવા નાનકડા ગામનો ધણી હતો ગામમાં પાછા ફરી દેવાંત વાંક સાથેના વેરના સમાચાર ભાયાતોને આપે છે અને તે દિવસથી તેમણે પરગામ રાત રોકાવાનું બંધ કરી દીધું છ-આઠ મહિના પછી લાખો વાળો પરગામ રાત્રોકાણો ત્યારે દેવાત વાંક ગામમાં કટક સાથે લાખાપાદર લૂંટવામાં આવે છે. લાખા વાળા ના ઘર માં આવી એમને બહાર આવવા જણાવે છે પરંતુ તે તો પરગામ છે ત્યારે દેવાત વાંક ફળિયામાં બાંધેલો વછેરો છોડીને લઈ જવા વિચારે છે જેથી તેના વિજયના પ્રતીક રૂપ આ વછેરો બીજાને બતાવી શકાય. ભાલો ઓસરીના કોરે ટેકવીને વછેરાને છોડવા વાંકો વળે છે ત્યારે લાખા વાળાની પુત્રી હીરબાઈ એ ભાલો દેવાત વાંકના બરડામાં સોસરવો ઉતારી દે છે.
હીરબાઈનું પાત્ર અહીં એ રીતે વિલક્ષણ બન્યું છે કે લાખા વાળાની એ એકમાત્ર દીકરી હોવા છતાં જે ખુમારીથી, જે સાહસિકતાથી અને જે બુદ્ધિ વાપરીને એમણે તત્કાળ શત્રુને મોતને ઘાટ ઉતાર્યો આ ઉપરાંત તેમને દેવાતના પડકારા, લાલઘૂમ આંખો કે લોહી તરબોળ ભાલો એ એમને મન કોઈ બીવા જેવું જણાયું નહીં અહીં રજૂ થયેલું હીરબાઈનું પાત્ર `તેજમલ ઠાકોર’ ના રાસડા માં આવતા તેજમલ ના પાત્ર સાથે સરખાવી શકાય છે.
`કરિયાવર’ વાર્તામાં રજૂ થયેલ હીરબાઈનું પાત્ર ‘દીકરો’ વાર્તામાં આવતા હીરબાઈ ના પાત્ર થી કંઈક જુદી જ રીતે આલેખાયેલ પણ એવી જ ખુમારીથી પિતાજીના ડગમગતા જીવનને સ્થિર બનાવીને પછી ખુમારીથી તમામ કરિયાવર લઈને સાસરે જાય છે હીરબાઈ એમના પિતાજીની એકમાત્ર દીકરી હોવાથી તેમને વળાવતી વખતે પચીસેક ગાડા ભરાય એટલો કરિયાવર દીકરી ને આપે છે પણ આ સવારી જ્યારે પાદરે પહોંચે છે ત્યારે તેમના કાકા અને પિતરાઈ ભાઈઓ ગાડા પાછા વળાવે છે. હીરબાઈ ના પિતાજી ને કહે છે”તું નિર્વંશ છો ડોસા અમે કંઈ નિર્વંશ નથી અમે કંઈ મરી નથી પરવાર્યા, તે આખો દરબાર ગઢ દીકરીના દાયજામા ઠાલવીને પારકે પાદર મોકલી રિયો છો!”હીરબાઈના પિતાએ ઘણી કાકલુદી કરી પણ તેઓ માન્ય નહીં હીરબાઈ પાછી આવે છે ત્યારથી તે પુત્રી માટી અને એમના પિતાની માતા બની ગઈ સાત ભેંસોનું દૂધ એકનું બીજી ને બીજીનું ત્રીજીને એમ પીવડાવી છેવટે સાતમી ભેંસના દૂધમાં સાકર, કેસર, ઈલાયચી, જાયફળ નાખી, પરાણે પિતાને પીવડાવીને યુવાન બનાવે છે અને મોમાંગી કિંમત આપી ગરીબ ઘરની યુવતી સાથે એમના લગ્ન કરાવે છે. ત્રણ વર્ષની અંદર દેવોના ચક્કર જેવા બે ભાઈઓ હીરબાઈ ના ખોળામાં ઘુઘવાટ કરે છે, ચોથા વર્ષે હીરબાઈ નો પતિ એમને તેડવા આવે છે ત્યારે હીરબાઈ ગઢની ખીલી પણ રેહેવા દેતી નથી અને ગામને પાદર બેઠેલા એમના ભાયાતો ને પડકારએ છે “આવો કાકા અને ભાઈઓ હવે ફરો આડા” -હીરબાઈના આવા ખુમારી ભર્યા શબ્દો નો જવાબ હવે એમના કાકા અને ભાઈઓ પાસે ન હતો.
આ મેઘાણીની વાર્તામાં આવતા આવા નારી રત્નો રોતા કકળતા નહીં પણ ખુમારી થી જીવતા એવા ખમીરવંતા પાત્રો છે એમની વાર્તાઓમાં રજૂ થયેલા. આ પાત્રો ગ્રામીણ પરિવેશ ના હોવા છતાં એમની આવી ખુમારી સહજ આકર્ષે છે મેઘાણી સ્ત્રી જીવનના અલગ અલગ પાસાઓને એમની વાર્તાઓમાં રજૂ કર્યા છે. કેટલીક વાર્તાઓમાં સ્ત્રી જીવનની વ્યથા-કથા ને પણ વાચા આપી છે, તેમના ગુણો – અવગુણો પર પણ પ્રકાશ પાડ્યો છે પરંતુ સ્ત્રી પાત્રોની બહોળી સૃષ્ટિના આવા ખમીરવંતા સ્ત્રીપાત્રો ગુજરાતી વાર્તા સાહિત્યના અમૂલ્ય આભૂષણ સમાન ગણાય છે.