`માલગુડી ડેઝ’ ભારતીયતાની આગવી ઓળખ

-ડો. અલ્પા વિરાશ

 વર્તમાન સમયમાં અંગ્રેજીમાં લખનારા ભારતીય લેખકોની સંખ્યા ઘણી છે.પરંતુ તેમાં ઉત્તમ સર્જન દ્વારા વિશ્વભરમાં નામના મેળવનાર ઓછા હોવાના.જેમાં આર.કે નારાયણનું નામ પ્રથમ હરોળમાં વિના સંકોચે મૂકી શકાય.ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ આર.કે લક્ષ્મણના ભાઈ એટલે આર.કે નારાયણ.બંને ભાઈઓની વિરલ સર્જકતાએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે.બંનેના સર્જનમાં ભારતનો ‘સામાન્ય જન’ કેન્દ્રમાં રહ્યો છે.

            ‘માલગુડી ડેઝ’ આ કુતૂહલ પ્રેરક શબ્દ વિશે વિચારતા ખ્યાલ આવે છે કે ‘માલગુડી’ નામનું એક કલ્પિત ગામ અહીં કેન્દ્રમાં છે.જેના વિશે લેખક સ્પષ્ટતા કરે છે કે એ ગામ કોઈ નકશામાં કે બીજે ક્યાંય પણ નામાંકીત થયેલું નહિ મળે. અહીં માલગુડી કહેતા દક્ષિણ ભારતનો એક ભૌગોલિક પરિવેશ માત્ર અભિપ્રેરિત છે.બાકી માલગુડી તો ભારતના કોઈપણ ખૂણે મળી આવતું ગામ છે.આ કાલ્પનિક ગામની ખરી વાસ્તવિકતાઓ લેખક છતી કરે છે. અહીં નિરૂપણ પામતો માણસ એ ભારતના કોઈપણ છેવાડાના વિસ્તારોમાં જીવતો માણસ છે.ગરીબી,બેકારી,ભૂખમરો સિવાયની પણ કેટલીક કસોટીઓ માણસના જીવનમાં આવતી હોય છે.જે તેને સતત હંફાવ્યા રાખે છે.પરિણામે કાં તો માણસ હાર સ્વીકારી લે છે અથવા તો અંત ઘડીએ આવીને પણ ફરી બેઠો થાય છે.તે વખતે તેને કુદરતી સહાય મળી જતી હોય છે..

‘માલગુડી ડેઝ’ આમ તો વાર્તા સંગ્રહ છે. પરંતુ, અહીં આવતા પાત્રો કોઈને કોઈ સામાજિક,રાજકીય,આર્થિક,માનસિક કટોકટીનો ભોગ બન્યા છે.તેઓ પરિસ્થતિ સામે ઝઝુમી રહ્યા છે..તે બધા જીતી ગયા અથવા તો હારી ગયા અને જીવન જીવવાનો કોઈ માર્ગ બતાવી ગયા છે.જેની સાથે સામાન્ય કે ઉચ્ચ કોઈપણ વાંચકનો સંવેદનતંતુ આપોઆપ જોડાઈ જાય છે.આ પાત્રોમાં રહેલી પ્રામાણિકતા,ખુદ્દારી,ખુમારી,નિખાલસતા,પરોપકારીતા ઉડીને આંખે વળગે છે.પોતાની જાતને જરાય આડંબર કે સંકોચ રાખ્યા વગર પ્રગટ થવા દે છે.જેના કારણે આ પાત્રો એક જીવંત છાપ છોડી જાય છે.પરિણામે આ વાર્તાઓને ચરિત્ર કેન્દ્રી વાર્તાઓના વર્ગમાં મૂકવી વધુ ઉચિત જણાય છે.

    આ વાર્તા સંગ્રહમાં  ભારતમાં રહેતાં જુદાં જુદાં પ્રકારના ગુણ લક્ષણોયુક્ત માનવીઓના અંત: કરણો ખુલવા પામ્યા છે.એ સમગ્ર થકી ભારતનું જ દર્શન શકય બન્યું છે.લેખક આર.કે નારાયણે વ્યંગ્યાતમક રીતે ભારતીય જીવનના રંગો પ્રગટ કરે છે.સામાન્ય મધ્યમવર્ગીય જીવન જીવતા માણસના જીવનમાં કેવી કેવી મુશ્કેલીઓ અચાનક પણ આવી પડતી હોય છે તેની વાત લેખક કરે છે.વળી આ વાર્તાઓના પાત્રો વિવિધ વય જૂથના છે.અને તેમના જીવન ધોરણો પણ વિવિધ પ્રકારના છે.તેમની શ્રદ્ધા કે અંધ શ્રદ્ધાના નિયમો અલગ છે.પરંતુ, અંતત: એ સમગ્ર મળીને જ ભારત બને છે.એક એવું ભારત કે જે અખંડ છે અને અખંડ રહેવાનું છે.તે તેની વિવિધતા સભર જીવન સંસ્કૃતિના જ કારણે.

‘માલગુડી ડેઝ’માં સમાવિષ્ટ વાર્તાઓ જોઈએ તો અહીં સમાવિષ્ટ બધી વાર્તાઓમાં વાર્તા વળાંક અંતે આવે છે.ત્યાં સુધી પાત્ર ઝઝૂમતા રહે છે અને વાંચક પણ સાથે સાથે સંવેદાતો રહે છે.આ પાત્ર ભારતના કોઈ ખૂણાની ગલીને નાકે કે શેરીએ શેરીએ મળી આવશે.હવે દરેક વાર્તા વિશે વિચારીએ ;

૧. જ્યોતિષીની જિંદગીનો એક દિવસ :- વાર્તામાં જ્યોતિષ કેન્દ્રમાં છે.જે સડક પર પોતાનો જ્યોતિષીનો વ્યવસાય કરી રહ્યો છે.તેની પાસે આવનારને તે તેનો ચહેરો માત્ર જોઈને બધું સાચે સાચું કહી દે છે.વાંચક કે કોઈપણ સામાન્ય જનને આ બાબતે આશ્ચર્ય થાય જ.વાર્તામાં આગળ વધતાં જણાય છે કે જ્યોતિષ સાંજ પડતાં પોતાનો વ્યવસાય આટોપીને જવાની તૈયારી કરી રહ્યો છે ત્યાં અચાનક એક વ્યક્તિ આવી ચડે છે.જ્યોતિષને લાગે છે કે આવેલ વ્યક્તિ તેનો ગ્રાહક છે તે તેને પાસે બોલાવીને તેની પાસેથી જાણવાનો પ્રયત્ન કરે છે.આગંતુક તેની સામે શરત મૂકે છે કે જો તે પોતાના વિશે કંઇ ખોટું કહેશે તો તેણે તેને એક રૂપિયો આપવો પડશે.આ સાથે જ રાત્રિ વખત હોવાથી પેલાએ સળગાવેલી ચિરૂટના પ્રકાશમાં તેનો ચહેરો જ્યોતિષી જોઈને ઓળખી જાય છે.જ્યોતિષી હવે વાત આટોપી લેવાની ઉતાવળ કરે છે પણ પેલો વ્યક્તિ તેને છોડતો નથી.તે પૂછે છે કે હું માત્ર એટલું જાણવા માગું છું કે હું જેને શોધી રહ્યો છું એ મને મળશે કે નહિ..ત્યારે જ્યોતિષી કહે છે કે એ તો ક્યારનો પરલોક પહોંચી ગયો.પછી ચપટીક ભસ્મ પેલાના હાથમાં મૂકીને બોલ્યો ‘તારે કપાળે લગાવ અને ઘેર જા.દક્ષિણ દિશામાં ક્યારેય મુસાફરી નહીં કરતો.તો તું સો વરસનો થઈશ..’ આ આખી વાતનું રહસ્ય વાર્તાના અંતે ખૂલે છે.જ્યારે જ્યોતિષી સાંજે પોતાના ઘરે પાછો ફરે છે અને પત્નીને કહે છે ‘આજે મારા માથા પરથી બહુ મોટો ભાર ઉતરી ગયો.આટલાં વરસોથી અંદરથી મને થયા કરતું હતું કે મારા હાથ લોહીથી ખરડાયેલા છે…એને કારણે તો હું ગામ છોડીને ભાગી આવ્યો હતો.આ શહેરમાં આવીને રહ્યો અને તને પરણ્યો.આજે મને ખબર પડી કે જેને હું મરી ગયેલો માનતો હતો એ માણસ હજી જીવતો છે.’ અર્થાત્ જ્યોતિષી કોઈ ભવિષ્ય જોનાર નહિ. પરંતુ,સામાન્ય માણસ જ છે. જે જેટલું વધુ બીજા વિશે જાણે એટલું એ વધુ દુનિયામાં પ્રસિદ્ધિ પામે. એવા જ્યોતિષીઓ પણ દુનિયાના દરેક ખૂણે મળી રહેવાના..પરંતુ આ જ્યોતિષ વિશિષ્ટ લાગે છે. તેણે જાણે પોતે જ પોતાનું જ્યોતિષ જોયું અને આવનારી મુસીબતને દૂર કરી.તે એવી ક્ષણોમાંથી પસાર થયો જે ખૂબ કટોકટીથી ભરેલી હતી. તે પેલા વ્યક્તિને કહે છે કે ‘એક લારીની નીચે કચડાઈને એ મરી ગયો.’પેલાને રાહત થઈ અને તે ત્યાંથી નીકળી ગયો.

   અહીં જ્યોતિષ પણ બીજું કોઈ નહિ પરંતુ વ્યક્તિ માત્રમાં વસતી બીજી વ્યક્તિ.જેનું અંત: કરણ તેને સતત કોર્યા કરે છે.જુવાનીના જોશમાં થયેલી ભૂલોની આજીવન પણ ભરપાઈ ન થઈ શકે.પરિણામે દિવસ રાત તે પોતાની જાતને ખૂની હોવાનું અનુભવી રહ્યો હતો.આ ઘટનાને કારણે તે હળવો બને છે.

૨.ગુમ થયેલી ટપાલ :- આધુનિક ટેકનોલોજી અને નવીનતમ જીવનશૈલીમાં માણસ પણ પલટાયો છે.પરિણામે જીવનનિર્વાહના અને સંદેશાવ્યવહારના માધ્યમો પણ બદલાયા છે.તેના કારણે માનવ જીવનમાં હોવું જોઈતું સંવેદન પણ ઝાંખું પડવા લાગ્યું છે.માનવજીવનની યાંત્રિક્તાએ માણસને સંવેદન શૂન્ય બનાવ્યો છે.ત્યારે આ વાર્તા સાંપ્રત સમયમાં વધુ …….. છે.આવી ગુમ થયેલી ટપાલની જરૂર આજના દરેક માનવીને છે.આ વાર્તાના કેન્દ્રમાં થાનપ્પા નામનો ટપાલી કેન્દ્રમાં છે.જેને જેને એ કાગળો આપવા જાય તેને તેને એ પોતાનો માણસ લાગે એ રીતે એમની જોડે ભળી જાય..કારણકે થાનપ્પા માત્ર ટપાલી નથી એ તો જીવતો જાગતો ધબકતો માણસ છે.

મુદ્દાલી સ્ટ્રીટના રામાનુજમ સાથે તે અંગત રીતે જોડાઈ જાય છે.રામાનુજમ રેવન્યુ વિભાગની ઓફિસમાં સિનિયર ક્લાર્ક હતો. થાનપ્પા પેઢીઓથી એની ટપાલો લાવતો.પરિણામે તેના જીવનના તમામ સારા માઠા સમાચારોની તેને ખબર રહેતી. રામાનુજમની એક દીકરી હતી કામાક્ષી.ટપાલી તે દીકરીનું લગ્ન પણ ગોઠવી દે છે…વળી લગ્ન પૂર્વે આવતા તમામ પ્રશ્નોને પણ તે પોતાની કુશળ મતિથી નિવારી લે છે.અને જાણે પોતાના જ ઘરમાં લગ્ન હોય તેમ બધી જ જવાબદારી પણ ઉઠાવે છે.લગ્નની તારીખ ૨૦ મી મે નક્કી થાય છે.લગ્નના એ માહોલમાં રામાનુજમના કાકા ગુજરી ગયા અંગેનો ટેલીગ્રામ આવે છે..પણ થાનપ્પા એ કાગળ તેમના સુધી નથી પહોંચાડતો.તેની આ કુશળ મતિથી જ કામાક્ષી ના લગન વગર વિઘ્ને સંપન્ન થાય છે.અલબત્ત, રામાનુજમને એ બાબત પસંદ પડતી નથી.. રામાનુજમ અંતે કહે છે; ‘તું એવું વિચારીશ નહીં કે હું તારી ફરિયાદ કરીશ,પણ મને એનું દુઃખ છે કે તેં આવું કર્યું.’ થાનપ્પામાત્ર ‘તમારી લાગણી સમજી શકું છું’ એટલું બોલીને નીકળી જાય છે.એ સાથે જ જાણે આવી ટપાલની જોકે દરેક માણસને જરૂર છે પણ હવે તે ગુમ થઈ ગઈ છે તેવો બોધ પ્રાપ્ત થાય છે. અહીં થાનપ્પા એવી ક્ષણોમાં મુકાય છે કે જેમાં પોતે સાચો હોવા છતાં સાંભળવાનું થાય છે.

૩.ડોક્ટરનો ભરોસો :-  વાર્તામાં ડૉ.રામન કેન્દ્રમાં છે.જેઓ દર્દીને એક જ વારમાં જોતાં તેને શું બીમારી છે તે કળી જાય છે.એટલું જ નહીં પણ એ વ્યક્તિ કેટલું જીવવાની છે તે પણ ખાતરીપૂર્વક કહી બતાવે છે. અહીં ડૉ. રામન પોતાના અતિ નિકટના મિત્ર ગોપાલની બીમારી વખતે કટોકટીમાં મુકાય છે.ગોપાલ ગંભીર રીતે બીમાર પડે છે અને ડૉ.રામન તેની દેખભાળ કરવા જાય છે.તેમના ચહેરા પર આકરિત ગંભીર ભાવોએ જાહેર કરી દીધું હતું કે ગોપાળ હવે થોડા જ દિવસોનો મહેમાન છે.પરંતુ ડૉ.રામન પોતે પણ આ હકીકત સ્વીકારી શકતાં નહોતાં.પરંતુ,ગોપાલ માની જ લે છે કે તે હવે ટૂંક સમયમાં જ આ જગતમાંથી વિદાય લેશે.તેથી તે પોતાનું વિલ તૈયાર કરવા કહે છે. ડૉ.રામન એ વખતે મનોમન નક્કી કરે છે કે આ કટોકટી અને અંતિમ ક્ષણોમાં પણ ગોપાલ જો થોડું ઘણું પણ હસી શકે તો તેની બીમારી સો ટકા નહિ તો પાંચ ટકા પણ ઓછી થાય અને પછી ધીમેથી તેના પર વિજય મેળવી શકાય..એટલે તે ગોપાલને કહે છે કે તને કશું જ નથી થયું..આ તું અત્યારે એકદમ સ્વસ્થ છે.. એ સાથે જ ગોપાલ એક રાહતનો શ્વાસ લે છે અને પરિણામે તેની શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉત્તમ રીતે થવા લાગે છે.તેના હૃદયના ધબકારા નિયમિત થવા લાગે છે અને અંતે તે મોત પર વિજય મેળવે છે.. ડૉ.રામન એ રીતે કટોકટીભરી સ્થતિમાંથી બહાર નીકળે છે. અહીં જાણે માનવતા જીતી જાય છે..માણસ તનથી તો પછી પહેલાં તે મનથી જીવતો હોય છે.આવા ડૉ.પણ આપણે આપણી આસપાસ ફરતાં જોઈએ છીએ..

૪.ચોકીદારની બક્ષિસ :- આ વાર્તામાં ગોવિંદસિંહ નામક એક યુદ્ધમાં સેવા આપી ચૂકેલા વ્યક્તિની વાત છે.સેવા નિવૃત્તિ બાદ તે ચોકીદારની નોકરી મેળવે છે.સેવા નિવૃત્તિ અને પેન્શનની રકમ તથા પત્નીના સાથ સહકારથી તેની પાસે પુષ્કળ સમય રહેતો.આ બધી નવરાશનો સમય તેણે કળા આવિષ્કારમાં ગાળવો શરૂ કર્યો. માટીમાંથી કે લાકડાના વ્હેરમાંથી તે ચિત્રો કે મૂર્તિઓ બનાવવા લાગ્યો..પેન્શનની રકમ લેવા જતી વખતે તે પોતાના મેનેજર સાહેબને બક્ષિસ આપવા લાગ્યો..તેના બદલામાં તેને એક વાર એક બંધ પરબીડિયું મળે છે.જેમાં તેના મેનેજરે તેની કલાની પ્રશંસા કરી છે અને સો રૂપિયાનું ઇનામ જાહેર કરીને હર્ષ અનુભવ્યો હતો.અને એ રીતે તેને એ વિષયમાં આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું.પરંતુ આ શબ્દો તેના સુધી પહોંચે કે તેને કશું સમજાય તે પહેલાં ઘણું મોડું થઈ ગયું હતું.. તેણે માની લીધું હતું કે તેણે ઓફિસનું ચિત્ર ભેંટ સ્વરૂપે આપ્યું હતું તેના કારણે મેનેજરે ક્રોધિત થઈને તેનું પેન્શન બંધ કરવાનો કાગળ મોકલ્યો હશે..આ કાલ્પનિક ખ્યાલ તેના પર હાવી થઈ ગયો હતો પરિણામે તે પોતાની જાતને મૂર્ખ માનવા લાગ્યો હતો.તેથી અંતે નિર્ણય લે છે કે હવે તે ક્યારેય કોઈ ચિત્ર બનાવશે નહીં..આમ,આ વાર્તામાં પણ એક કટોકટીમાં મુકાયેલો માણસ જ છે.જે કટોકટી તેને જીવન પર જોખમરૂપ ભાસે છે. અહીં એક ભોળા નિખાલસ અને નેકદિલ માણસની છબી ખડી થાય છે.આવા ચોકીદાર થકી પણ ભારતના કોઈ ખૂણે વસતાં સામાન્ય જનની ઓળખ ઊભી થાય છે.

5. વાઘનખ :- વાર્તામાં કથા નાયક એક એવા સત્યથી વાકેફ કરાવે છે કે જે લોકોની સામે ભાગ્યે જ આવતું હોય છે.ખાતર બનાવનારી કંપનીમાં કામ કરતો વાર્તા નાયક એકવાર કોપ્પલ નામના ગામે ખાતરની જાહેરાત કરવા માટે નીકળે છે…પરંતુ આ ગામ ખૂબ અંતરિયાળ અને એકલું અટૂલું છે.જ્યાં માનવ વસ્તી નું પ્રમાણ ઓછું.ચારેકોર જંગલથી ઘેરાયેલ વીસ વીસ ઘરોના બે ફળિયાં જ માત્ર હતાં.જ્યાંથી મોટા ભાગની ટ્રેનો વગર રોકાયે પસાર થઈ જતી.તેથી કો પ્પલ જનારે આગળના રેલવે સ્ટેશને ઉતરી જવું પડતું.જ્યાં એક વયોવૃદ્ધ વ્યક્તિ ટ્રેનના એક વગર જોઈતા ડબ્બામાં પોતાનો  જોઈતો સરંજામ ગોઠવી સ્ટેશન માસ્તરને ફરજ બજાવતા.વાર્તા નાયક અહીં ઉતરે છે.સાંજે એ સ્ટેશન માસ્તરને ત્યાં જમે છે અને સ્ટેશને પાછો આવે છે… એ દરમિયાન એક વાઘ આવે છે જે તેને આખી રાત હંફાવે છે.જિંદગી અને મોતની વચ્ચે લાગેલી આ રેસમાં અંતે જીતી જાય છે.અને તેની યાદ રૂપે વાઘના ત્રણ નખ કાપી લે છે જેને તે પોતાની ત્રણ દીકરીઓના ગળામાં પહેરાવે છે.પરંતુ વાર્તા માત્ર આટલી જ નથી.જે વાઘને તેણે પરાસ્ત કર્યો હતો એ વાઘને કેટલાંક કહેવાતા બહાદુરો એ તમામ પૂર્વ તૈયારીઓ અને સાજ સરંજામ વડે વાઘને મોતને ઘાટ ઉતાર્યો હતો. એ બહાદુરીને લોકો સામે દેખાડવા વાઘને એક ગાડામાં નાખી સરઘસ કાઢવામાં આવ્યું હતું.વાર્તામાં એ રીતે જાણે ભારતની પ્રજાનું માણસ છતું થાય છે.

૬. ઈશ્વરન :- આ વાર્તા સંગ્રહમાં વ્યક્તિના આંતર મનને વધુ લક્ષ્યમાં લેવાયું છે. ઈશ્વર ન વાર્તામાં ઈશ્વર ન નામનો એક શાળાનો વિદ્યાર્થી કેન્દ્રમાં આવ્યો છે.જે સતત પરીક્ષાઓમાં નપાસ થતો રહે છે.દરેક વખતે તે નવી આશા તો સેવે છે પરંતુ,તેમાં તે નિષ્ફળ જાય છે.પરિણામ આવતા પૂર્વે જ તેના વિશે લોકો અભિપ્રાયો આપવા લાગે છે કે એ નપાસ જ થયો હશે.આ વાત ઈશ્વરન પલટવા માગે છે..પોતે પોતે ખરેખર શું છે તેની માત્ર તેને જ ખબર છે.પરિણામે બધાથી દૂર થઈને એકલો એકલો જીવવા લાગે છે.જ્યારે બધા વિદ્યાર્થીઓ ઇન્ટર મિડીયેટની પરીક્ષાનું પરિણામ જોવા માટે અગાઉથી જ પરિણામ સ્થળે પહોંચી જાય છે ત્યારે ઈશ્વરન આ બધાથી અલગ પડી સિનેમા જાય છે.ત્યાં તે ફિલ્મ જુએ છે.અલબત્ત,તેના મનમાં તો પરિણામ અંગેના જ વિચારો આવે છે.સિનેમામાં તે જે દૃશ્યો જુએ છે તે દૃશ્યોમાં ખોવાઈ જાય છે.તે સ્વર્ગની કલ્પનાઓ કરવા લાગે છે.તેના હાથમાં પણ ઘોડો છે એના પર તે સવારી કરે છે અને એ ઘોડો તેને જાણે સ્વર્ગમાં લઈ જાય છે. સિનેમામાંથી નીકળી તે પોતાનું જીવન ટુંકાવી નાખવાનો નિર્ણય કરે છે.તે માટે એક કાગળ પિતાને લખે છે.જેમાં તે પિતાને કહે છે તમારા બીજા દીકરાઓ પ્રત્યે તમારો પ્રેમ વહાવજો..હવે મારા કારણે તમારે નીચું જોવું નહિ પડે.તે નદીના કિનારે પગ પાણીને અડકાડીને બેસે છે..વળી વિચાર આવે છે કે એક વાર જઈને પોતાનું પરિણામ જુવે..તે પરિણામમાં તે સેકન્ડ ક્લાસ પાસ થયો હોય છે. એ વાંચતા ભાવકને લાગે કે હવે તે ફરી જીવન જીવવા લાગશે પણ એવું કશું જ બનતું નથી.તે નદીમાં ડૂબી મરે છે.. અર્થાત્ ઈશ્વરન જીતવા તો માંગે છે પરંતુ તેની જંગ માત્ર પરીક્ષા નથી.તે કોઈ ઊંચું નિશાન તાકવા માંગે છે. પરિણામે સેકન્ડ ક્લાસ થી પાસ થનાર ઈશ્વરનને લોકો હવે જુદી રીતે ઓળખવામાં હતાં.પરંતુ, ઈશ્વરન ને એ મંજૂર જ નહોતું..અથવા કહો કે સતત મળતી નિષ્ફ તાઓથી અંતે માણસ નાસીપાસ થઈ જાય છે અને તેની ગતિ નિરાશા રૂપ અંધકારમાં કોઈ નવી કાલ્પનિક આશા શોધવા તરફ જાય છે.

૭.પૂર્ણતાનો અભિશાપ :- આ વાર્તામાં એક કલાકાર કેન્દ્રમાં આવ્યો છે.કોઈ કલાકાર જ્યારે સંપૂર્ણ સમર્પણ ભાવથી કલાકૃતિ સર્જે છે ત્યારે તે પૂર્ણ બને છે.આ પૂર્ણ મૂર્તિના દર્શન કરનાર સૌ કોઈ એક નજરે બસ જોયાં જ કરે છે.સૌ કોઈને લાગતું કે આ મૂર્તિ જો અખંડ રહેશે તો કંઇક ને કંઇક અજુગતું થશે.તેથી સૌ સલાહ આપે છે કે એ મૂર્તિને કોઈ જગ્યાએ ખંડિત કરવી.પણ કલાકાર તેમ કરતો નથી.તેને તે કોઈ મંદિરમાં સ્થાપવા માગે છે.પણ લોકોએ તે માટે પણ ના પાડી એટલે તેણે પોતાના ઘરના પાછલા ભાગનો ઓરડો ખોલી નાખ્યો જેનો દરવાજો બહારની બાજુ પડતો હતો.નટરાજની એ અખંડ મૂર્તિને તેને સૌ દર્શનાર્થીઓ સામે મૂકી.કપૂરનો દીવો કર્યો.તે સાથે જ મૂર્તિના અંગો સળવળવા લાગે છે.અને નૃત્ય કરવા લાગે છે.પહેલો પગ જ્યાં પડ્યો ત્યાં જમીન ધરાશાયી થઈ જાય છે.પરિણામે અંતે મૂર્તિને માનભેર મંદિરમાં મૂકવાનો નિર્ણય લેવાય છે..ભારતીય દર્શન પ્રમાણે આરાધકની આસ્થા જડ પત્થરમાં પણ પ્રાણ ફૂંકતી હોય છે.બીજી રીતે જોઈએ તો અહીં એક સાચા કલાકારની ઓળખ ઊભી થાય છે.આ કલાકાર પણ વાર્તામાં કટોકટીમાં મુકાય છે.અત્યંત ખંતથી બનાવેલ મૂર્તિને માત્ર લોકોના કહેવાથી ખંડિત કરવી કે નહિ તેની વિમાસણ તે અનુભવે છે.

૮.પિતાની સહાય :- આ વાર્તામાં ‘ઈશ્વરન’ વાર્તાની માફક એક વિદ્યાર્થી કેન્દ્રમાં આવ્યો છે.શિક્ષક અને શાળા પ્રત્યેનો અણગમો વિદ્યાર્થીને ખોટું બોલવા પ્રેરે છે.સ્વામી નામનો એક વિદ્યાર્થી ભણવા જવામાં આનાકાની કરતા પિતાજી પૂછ પરછ કરે છે.અને સ્વામી તેને ન ગમતાં શિક્ષક વિશે ખોટી ફરિયાદો કરે છે.પરિણામે પિતા એક પત્ર લખે છે.અને આચાર્યને આપવા કહે છે.પરિણામે સ્વામીને પસ્તાવો થાય છે. ડર પણ લાગે છે અને જેમ તેમ કરીને વર્ગોમાં બેસે છે.પોતાની જાતને સાચી પુરવાર કરવા તે શિક્ષકને ઉશ્કેરે છે.શિક્ષક જો ઉશ્કેરાય તો તેને મારે અને પોતે સાચો પુરવાર થાય..તેથી તે થોડાં તોફાનો કરે છે.પરંતુ શિક્ષક તેને ખુબજ સહજ અને સૌમ્યતાથી સમજાવે છે.જેના કારણે સ્વામીની તકલીફોમાં વધારો થાય છે..તેમછતાં શાળા છુટતા પૂર્વે તે આચાર્યની ઓફિસ સુધી જાય છે.સંજોગો વશાત આચાર્ય હાજર નથી હોતા તેથી તેને તેના એ જ વર્ગ શિક્ષકને એ ચીઠ્ઠી આપવાનું કહેવામાં આવે છે..પરંતુ સ્વામી તેમ ના કરતા ઘરે પહોંચે છે.પિતા આ જાણતા કહે છે કે ‘મને ખબર જ હતી કે તું બીકણ છે એટલે કાગળ નહિ જ આપે.’ આ સાથે જ જાણે પિતા પોતાના પુત્રના અસત્યને પારખી જાય છે અને સીધા રસ્તે લઈ જાય છે.આ વાર્તામાં પણ વિદ્યાર્થી સ્વામી કટોકટીમાં મુકાય છે.શું કરવું કે શું ન કરવું તેના વિચારો તેના મગજમાં ઘૂમરાયા કરે છે.અલબત્ત,તેમાંથી તે બહાર નીકળે છે ખરો.

૯. એન્જિનની રામાયણ :- આ વાર્તામાં પ્રદર્શનમાં એક લોભામણી રમતમાં તેને ઈનામ રૂપે રોડ એન્જિન મળે છે.જેની યોગ્ય જગ્યાએ ગોઠવણી કરવાની જહેમતમાં તે અટવાઈ જાય છે.પરિણામે એન્જિન રૂપી ઈનામ આફત રૂપી ઘંટ બની રહે છે.પ્રદર્શનની જગ્યાએથી સીધું જ ભંગારમાં મોકલી દેવાની તેની ઈચ્છા કોઈ રીતે પાર પડતી નથી.રોડ એન્જિન ચલાવનાર કોઈ ન મળવાને કારણે તેણે એ પ્રદર્શન સ્થળ પર જ રાખવું પડે છે.પરિણામે નગર પાલિકાની નોટિસ આવે છે. એ માટે તેણે રોજના ૧૦ આના ચૂકવવા પડે છે.જ્યારે તેનો પગાર માત્ર ૩ આના છે…દેવું ભરતા ભરતા તે બેવડ વળી જાય છે.અંતે એકવાર એક યોગીના યોગ પ્રયોગ માટે એના ઉપર ચલાવવા માટે રોડ એન્જિન ની જરૂર પડતાં ત્યાં લવાય છે.જોકે ત્યાં યોગીને એ કામ કરવાની મનાઈ ફરમાવાય છે.એટલે યોગી આખા માનવ ટોળાને લઈને એક ખેતરમાં યોગ પ્રયોગ અર્થે જાય છે..યોગ પ્રયોગ બાદ એન્જિન આપોઆપ એક ખાલી કૂવામાં ખાબકે છે.અને એ સાથે એ માણસની દુવિધાનો પણ અંત આવી જાય છે. આમ,આ વાર્તામાં પણ એક પરિસ્થતિ માં મુકાયેલ માણસ છે જે તેમાંથી છુટવા ફાંફાં મારે છે..છેલ્લે જ્યારે તે બધું ઈશ્વર ઉપર છોડી દે છે ને ગામ છોડવાનું પણ નક્કી કરે છે ત્યારે તેની મુશ્કેલીનો અંત આવે છે. અહીં પણ જાણે ભારતીય દર્શન ની જ અભિવ્યક્તિ થતી જોવા મળે છે.કે માણસ જ્યાં સુધી પોતાની જાતને કુદરતને હવાલે સોંપે નહિ ત્યાં સુધી તેનો ઉદ્ધાર શક્ય બનતો નથી.કારણકે એ જ સર્વ શક્તિમાન તત્વ છે. અહીં પણ આ રીતે ભારતનું અનોખું દર્શન સાંપડે છે.

૧૦.મહિને પિસ્તાળીસ રૂપિયા :- આ વાર્તામાં એક કારકુન ની નોકરી કરતો મધ્યમ વર્ગીય માણસ છે.જે સતત મેનેજર દ્વારા સોંપાયેલ કામગીરી પૂરી કરવામાં મશગૂલ રહે છે. આ એક એવો કટોકટીમાં મુકાયેલ સામાન્ય માણસ છે કે જે ઘર પરિવારની જવાબદારી નિભાવવા માટે નોકરી કરે છે પણ તેમની સાથે હળીમળી શકતો નથી તેમને સમય ફાળવી શકતો નથી.એક વાર તે પોતાની દીકરી શાં તાને વચન સાંજે સિનેમા જોવા લઈ જવાનું વચન આપીને નીકળે છે પરંતુ, કામમાં તે એટલો બધો અટવાઈ જાય છે કે મનોમન રાજીનામું આપવાનું નક્કી કરી લે છે.એક બંધ પરબીડિયામાં તે રાજીનામું લઈને ઓફિસમાં જાય છે ત્યાંજ મેનેજર પોતાની કુશળ મતિ થી તેને પગાર વધારાની વાત કરીને બાંધી લે છે વળી, એ વધારો થતાં થોડીવાર લાગશે એવું પણ ગોઠવી દે છે.પરિણામે વેંકટ રાવ રોકાઈ જાય છે.તે ઘરે પહોંચે છે ત્યારે તેની દીકરી શાંતા નવા ફ્રોકમાં સજજ થયેલી તે સૂતી જુવે છે. આમ, વેંક્ટ રાવ પણ જીવનની કટોકટી ભરી ક્ષ્ણમાંથી પસાર થાય છે

૧૧.ધંધો બંધ પડે ત્યારે :- વાર્તામાં એક એવા બેરોજગાર માણસની વાત છે કે જે એકવાર ધંધો પડી ભાંગતા બીજો ધંધો શોધવાની લ્હાયમાં અવળાં માર્ગે ચડી જાય છે. અલબત્ત, એ કોઈ પ્રકારનું વ્યસન નથી પરંતુ,વ્યસનને પણ માત આપી દે એવું લાલચ અને મહત્વાકાંક્ષી તત્વ હતું..કથાનાયક રામારાવ એકવાર ધંધો શોધતો શોધતો લાયબ્રેરીમાં જઈ ચડે છે.અને તેની નજરે પડે છે ક્રોસ વર્ડ. એ ક્રોસ વર્ડને ઉકેલવામાં તે મશગુલ થઈ જાય છે.એક વાર તો ક્રોસ વર્ડ માટે ૮ હજારનું ઇનામની જાહેરાત વાંચતા જ તે હવાઈ કિલ્લા બાંધવા લાગે છે.તે ખૂબ ઉત્સાહથી ક્રોસ વર્ડ ગોઠવે છે.પણ પરિણામ આવતાં ખ્યાલ આવે છે કે તેણે ઘણી ભૂલો કરી હતી.પરિણામે જીવન ટૂંકાવવા માટે તે રેલ્વે સ્ટેશન જાય છે..તે પાટાઓ પર સૂઈને ટ્રેનના આવવાનો અવાજ સાંભળવા મથે છે પણ એ દિવસે ટ્રેન મોડી હોવાની જાણ થતાં તેને જાણે નવું જીવનદાન મળ્યું હોય તેમ તે ફરીથી જીવવાનું શરૂ કરે છે.આમ,અહી પણ રામાંરાવ જીવન મરણની ગંભીર કટોકટીમાં મુકાય છે.પરંતુ ભારતીય દર્શન મુજબ વ્યક્તિ જ્યારે સાવ છેક છેલ્લે પોતાની જાતને મૂકે છે ત્યારે જ તેનો ઉદ્ધાર થાય છે.

૧૨. અતીલ્લા :- વાર્તામાં અ તીલ્લા નામક કૂતરાની વફાદારીની વાત છે.પરંતુ, અહીં માણસની જ એક ઓળખ ઊભી થઈ છે..માણસ જાત માત્ર કેટલી અધીરી અને અધૂરી હોય છે તેની વાત કરવામાં આવી છે અહીં અતીલ્લા નામક કૂતરાને પહેલા તો ખૂબ જતનથી સાચવવામાં આવે છે એનું નામકરણ પણ વિશિષ્ટ રીતે કરવા માટે તેને અતીલ્લા (યુરોપની આફત) નામ આપવામાં આવ્યું.તેનો દેખાવ આકર્ષક હતો.તે ઘરે આવનાર કોઈ પણ અજાણી વ્યક્તિ ને જુવે અને તેની સાથે સન્માન પૂર્વક વર્તે છે.તેના આ સદગુણો છતાં માલિકને લાગે છે કે તે વફાદાર નથી.એકવાર ઘરમાં ચોરી થાય છે. અતિલ્લા એ ચોરની પાછળ પાછળ ચાલ્યો જાય છે. ઘર માલિકને ખબર પડે છે અને તરત નક્કી કરે છે કે ચોર આવવા છતાં અતીલ્લાએ જાણ કેમ ન કરી.પરંતુ, અ તિલ્લા ચોરે પોતાની પાસે છુપાવેલી પોટલી જુવે છે અને તેનો પીછો પકડે છે. છેક નદી કાંઠા સુધી તેને દોડાવે છે અને ઘરેણાંની પોટલી માલિક સુધી પહોંચાડે છે…આમ,આ વાર્તામાં માણસની કસોટી થઈ છે.અથવા કહો કે માણસની ઓળખ ઊભી થઈ છે.અર્થાત્ ભારતની ઓળખ ઊભી થઈ છે.

૧૩.કુહાડો :- કુહાડો વાર્તામાં વેલન નામક એક વૃક્ષપ્રેમી અને સંવેદનશીલ માણસ કેન્દ્રમાં છે. આ વેલ ન અઢાર વર્ષની ઉમ્મરે પિતાનો ઠપકો મળતા ઘર છોડીને ભાગી નીકળ્યો હતો.થોડા દિવસ ભટક્યો અને સડક પર જ સૂઈ રહેતો..એક દિવસ એક વૃક્ષ પ્રેમીએ તેને બગીચો બનાવવા સહાયક તરીકે કામે જોડ્યો..વેલને પોતાના તમામ અથાગ પ્રયત્નો દ્વારા સુંદર બાગ ઊભો કર્યો.જાણે ધરતી પર સ્વર્ગ ઉતાર્યું. જાત ભાતના ફૂલો અને વૃક્ષોથી તેની વચ્ચે રહેલ મકાન પણ ઝાંખું પડવા લાગ્યું. વર્ષો જતાં વેચવા કાઢ્યું. માલિકે મકાન આસપાસ જો સુંદર બાગ હોય તો ભવ્ય દેખાવ લાગે એ માટે બગીચો ખડો કરાવ્યો હતો.પણ હવે એ મકાન ખરીદવા કોઈ તૈયાર થતું નહિ. એ મકાનને લોકો ભૂતિયા મહેલ તરીકે ઓળખવા લાગ્યા. વેલન પણ વિચારતો કે આવા ઘરમાં કોઈ મનુષ્ય ન રહી શકે.એકવાર થોડાં લોકો આવે છે અને એ મકાનને તોડી પાડવાની શરૂઆત કરે છે.તેવામાં લીમડો કે જે વેલનની સાથે જ નાનેથી મોટો થયેલો તેને કાપવાની શરૂઆત થાય છે.. વેલન એ જીરવી શકતો નથી.લીમડો કપાવાનો એ તો નક્કી જ હતું.એટલે તે પેલા લોકોને વિનંતી કરે છે કે હું અહીંથી દૂર ચાલ્યો જાઉં પછી કાપજો..અને તે પોતાની ઝૂંપડીમાંથી પોતાનો સામાન લઈને નીકળી પડે છે…આમ,ઘર હિન થયેલો તે ફરી ઘર હિન થઈ જાય છે. અહીં વેલ ન થકી એક અતિ સંવેદનશીલ માણસ ની ઓળખ છતી થાય છે.

      આમ,આ વાર્તા સંગ્રહમાં માણસ ખાસ કરીને સામાન્ય જીવન જીવતો મધ્યમ વર્ગીય માણસ જ કેન્દ્રમાં આવ્યો છે.જે પોતાની રોજિંદી જિંદગીમાં ક્યારે ક ને કોઈને કોઈ રીતે અટવાયો છે.એ કટોકટીની સ્થિતિમાં તે સતત ઝઝૂમતો રહે છે.તેનું નિરાકરણ તે પોતે લાવી શકતો નથી.વાર્તા સ્વરૂપની દ્વષ્ટિએ જોઈએ તો આ વાર્તાઓ જુદી તરાહની બનવા પામી છે.ગુજરાતી વાર્તાઓ કરતા આ વાર્તાઓનું સ્વરૂપ અલગ છે. અહીં ધૂમકેતુ માફક ટુંકી વાર્તા કોઈ તણખો નથી.કે પછી મુનશીની માફક અર્વાચીન યુગનું અપૂર્વ પુષ્પ નથી. અહીં તો જે છે તે છે. અર્થાત્ રોજિંદા જીવાતા જીવનમાં આવતી કટોકટી છે.તેના કોઈ નિશ્ચિત સમય કે સ્વરૂપ નથી.વળી,તે કોઈ વય જૂથ કે જાતિ જોઈને આવતું નથી.તે એવી ક્ષણો છે કે જે માણસના જીવનમાં ગમે ત્યારે આવી શકે અને તેને હંફાવી શકે.તેમાંથી જ માણસની સાચી ઓળખ છતી થાય છે.કોઈ પલાયન કરી જાય છે તો કોઈ ચતુરાઈ કરી તેમાંથી પાર પડે છે.કોઈ ખરેખર જેવો છે તેવો ઓળખાય છે તો કોઈ ઢોંગ કરી જાય છે.સરવાળે પમાય છે તે માણસ જાત અને માણસનું અંત: કરણ.પરિણામે આ વાર્તાઓમાં ચરિત્રોનું ચિત્ર ઉત્તમ રીતે કંડારાય છે.

સંદર્ભ : માલગુડી ડેઝ ભાગ -૧ From an astrologer day. પ્રથમ આવૃત્તિ : જુલાઈ ૨૦૨૧, અરુણોદય પ્રકાશન

લેખક: આર.કે.નારાયણ. અનુવાદક :- કાન્તિ પટેલ

ડૉ અલ્પા વિરાશ. આસિસ્ટન્ટ પ્રોફેસર,માતૃશ્રી આર આર મોણપરા આર્ટ્સ કોલેજ ભાવનગર