‘મહાભોજ’ રાજનીતિ વિષયક હિન્દી નવલકથા

-જયદીપ ચાવડા

        મહાભોજ. લેખિકા મન્નુ ભંડારી. રાજનીતિના ક્ષેત્રમાં એક મહિલાના હાથે લખાયેલી સૌથી પહેલી નવલકથા કહી શકાય. મતલબ આ ક્ષેત્રે પહેલ કરનાર લેખિકા ગણી શકાય. પ્રગટ થઈ ઈ.સ. ૧૯૭૯ માં. આ એવા સમયે લખાઈ જયારે મહિલાઓને ઉંબરો ઓળંગવો પણ મુશ્કેલ હતો. લાજ બહુ અનિવાર્ય હતી. જે આજે પણ દેખા દે છે. આવા સમયે એક સ્ત્રી સર્જકના હાથે રાજનીતિ જેવા ક્ષેત્રમાં કલમ ચલાવવી એક નોંધનીય અને મહત્વની ઘટના બની રહે છે.

      નવલકથા કાલ્પનિક છે છતાં વાસ્તવિકતા બહુ સહજતાથી છલકી આવે છે. આ નવલકથાને પ્રકાશિત થયે ઘણો સમય વીતી ગયો છે. છતાં આજે એટલી જ પ્રસ્તુત લાગે છે. એનો ખ્યાલ કૃતિ વાંચતા આવી જાય છે.

       “ લાવારિસ લાશ કો ગિધ નોચ-નોચકર ખા જાતે હૈ”

    નવલકથાને ઉધાડતું આ પે’લું વાક્ય. આ લાશ લાવારિસ નથી. ગામનાં એક યુવા બિસેસર ઉર્ફે બિસૂની છે. જે એક ક્રાંતિકારી છે. દલિત છે. મુખ્ય વાત તો આ જ છે. ખાલી એક યુવા ક્રાંતિકારીની લાશ નથી એક દલિત યુવા ક્રાંતિકારીની લાશ છે. અને જેની હત્યા થઈ છે. તપાસ ચાલે છે રાજનેતાઓની દેખરેખ નીચે. આખા ગામમાં એક જ નામની ચર્ચા છે. પણ કોઈની હિંમત નથી મોઢું ખોલવાની. પોલીસ બયાન લે છે પણ કોઈની બોબડી બોલે તો નવાઈ. ધાક છે ત્યાંની પોલીસ અને સરકારની. રિપોર્ટ તો એમને બનાવવો છે એવો જ બનશે. કોઈ બોલે કે ન બોલે.

      પાત્રો કાલ્પનિક છે પણ એના પદો વાસ્તવિક. જેને તમે આજનાં પદો સાથે સરખાવી શકો છો. જાજો ફરક નથી ત્યારના પાત્રોમાં અને આજનાં પાત્રોમાં. મુખ્યમંત્રી, પાર્ટી અધ્યક્ષ, ગૃહમંત્રી, શિક્ષામંત્રી, વિકાસમંત્રી, સ્વાસ્થ્યમંત્રી અને વિત્તમંત્રી ન જાણે કેટલા મંત્રીને આવરી લીધાં છે. આ લોકોએ પોતાના પદોને શોભવવામાં પણ કોઈ કમી રાખી નથી.

     આ સિવાય અન્ય ક્ષેત્રો પણ છે. સરકાર અને અન્ય ક્ષેત્રોને જોડતું એક મહત્વનું પાસું છે – પૈસા. અન્ય લાલચો પણ ખરી. જેવી કે બઢતી અને જો ન માને તો પડતી. અદલા-બદલી વગેરા.. વગેરા… બહું જ સહજતાથી કોઇના અંકનુ(સામાયિક) નામ આસમાની સફળતા પ્રાપ્ત કરી લે છે. તો કોઈ અંક કોઈ નિર્જન પ્રદેશમાં ખોવાઈ જાય છે. ડી.જી.પી.નું પ્રમોશન થઈ જાય છે તો એસ.પી. નો તબાદ્લો થઈ જાય છે. મંત્રીમંડળમનાં સ્થાન એમ જ બદલાઈ જાય છે. ઇન્કમ ટેક્સ ઓફિસર થોડું હસી લે એટલું પૂરતું છે. મુખ્યમંત્રીનો સ્વભાવ શાંત- સૌમ્ય છે. એમને ખાલી ડોક જ હલાવે. હાથ – પગ તો વ્યસ્ત છે. મેં કીધુંને આ બધું એટલી સહજતાથી થઈ જાય છે જેમ સડક સાંજે પડખું ફરીને સૂઈ જાય અને સવારે ક્યારે સજ્જ થઈ ગઈ ખબર ન પડે.

     “ઈધર લાશ ચીર-ફાડ કે લીયે શહર ગઈ, ઉધર ઘટના કી ચીર-ફાડ કા સિલસિલા શુરુ હો ગયા”

     જોરાવર. ઉંમર ચાલીસ. અડધાથી વધારે સરોહા ગામનો માલિક. મુખ્યમંત્રી દાસાહેબની પાર્ટીનો માણસ. શાળા પણ એના બાપાની. છતાં કોઈ મોટાઈ નહીં, ખાલી અહંકાર ભરેલો એટલું જ. બિસૂની હત્યા પાછળ આખું ગામ જેનું નામ મનોમન લેતું તે જોરાવર પોતે. પણ હિંમત છે કોઈની કે કોઈ નામ લે એનું પોતાના બયાનમાં. દાસાહેબ બહુ દયાળુ માણસ છે. બધું સંભાળી લે છે.

     “દુહાઈ ગરીબો કી સબ દેતે હૈ, પર ઉનકે હિત કી બાત કોઈ નહીં સોચતા. જનતા કો બાંટકર રખો… કભી જાત કી દિવારે ખીંચકર, તો કભી વર્ગ કી દિવારે ખીંચકર.

જનતા કા બંટા – બિખરાપન હી તો સ્વાર્થી રાજનેતાઓ કી શક્તિ કા સ્રોત હૈ.”

     મુખ્યમંત્રી દાસાહેબનું ભાષણ સાંભળીને ભલભલા લોકો મંત્રમુગ્ધ થઈ જાય. કોઈ વિચારી જ ન શકે આપણા નેતા કંઈ ખોટું કરી શકે. લોકો અંજાય, ખેંચાય અને એમના ભાષણમાં ઓગળી જાય. લોકો અગાઉની વાતો ભૂલી જાય કે અગ્નિસંહાર કરવામાં કોનો કોનો હાથ હતો. એમાં કેટલા લોકોના મોત થયા હતા. આગળ આવું નહીં થાય એની શું ગેરંટી? બિસૂની મોતનું શું? બસ લોકો તો મુખ્યમંત્રીની નવી ઘરેલું ઉદ્યોગ યોજના અને તેમાંથી લાભનો હિસાબ લગાડવા માંડે. એનું ઉદ્દઘાટન કરી એકાદ બે ને તો યોજનાનો લાભ પણ આપી દે. શું જોઈએ લોકોને બીજુ?

     “કુર્સીં સે ઉતરે હુએ મંત્રી ઔર કુર્સીં પર બૈઠે હુએ મંત્રી મે કિતના અંતર હોતા હૈ.”

     વિરોધી પાર્ટી. સ્વાભાવિક છે એક સત્તા પર હોય એટલે બાકી બધી વિરોધી પાર્ટી. હેને? આ સિક્કાની બે બાજુ જેવું. ક્યારેક છાપ તો ક્યારેક કાંટ. ક્યારેક સત્તા આની ક્યારેક તેની. મૂળે બંનેમાં જાજો ફરક નહીં. જેની સત્તા વધું બધું એનાં….

 ગાંધીજીએ તો પાર્લામેન્ટને વેશ્યા કીધી છે. જેની સત્તા એ એની થઈ જાય. ખરું પણ છે…

     “ જન- સંચાર કે સાધનો કો અપના ભોંપુ બનાકર રખ દિયા હૈ.”

    જન- સંચાર(મીડિયા) પર બહું મોટો કટાક્ષ કર્યો છે. બેઠેલી સરકારની પીપુડીં બની જવું અને પછી આખો દિવસ એનાં જ ભજન – કીર્તન ગાવા. એ ક્યાંની વાત થઈ?

અહીં એક અંક છે ‘મશાલ’. જે ચલાવે છે દત્તાબાબુ. જે હવે એક સત્તાધિશ નીચે કામ કરે છે. પૈસા આગળ માણસ કેટલો નીચો હોય છે નહીં?? દાસાહેબની સારી-સારી ને મોટી-મોટી વાતો તો સુકુલબાબુની અવહેલના. અને હત્યાની પૂરેપૂરી તપાસ થશે એવી હૈયાધારણા. એવો એક મોટો અહેવાલ છાપી દે છે પોતાના અંકમાં.

     “પુલિસ ઔર કાનૂન કે હાથ બહુત લંબે હોતે હૈ ઔર આંખે કાફી તેજ. ન દેખે તો હાથી તક ન દેખે, પર ઉતર આયે તો ફિર ચીંટી તક ભી નહીં બચ સકતી – નજર સે, ન ગિરફત સે.”

     પોલીસતંત્રની વરવી હકીકત બયાન કરતું દાસાહેબનું વિધાન.

     બિંદા. બિસૂનો દોસ્ત. રુકમાનો પતિ. બિસૂની હત્યા પે’લા જે અગ્નિકાંડ થયો હતો તેમાં કોના- કોના હાથ છે એનાં પૂરતા સબૂત એને મળી ગયા હતા. પણ કુદરતને કબૂલ નહીં હોય કે ગુનેગારો બહાર આવે. અને એની જ હત્યા થઈ ગઈ. એણે શોધેલા પ્રમાણ બિંદા પાસે હતા. પણ બિંદાને ખબર હતી કે એમાં નહીં તો પોલીસ એની મદદ કરે નહીં તો સરકાર. બધું એમનાં…..

     “જૈસી યહાં કી સરકાર, વૈસી દિલ્લી કી સરકાર. હમને તો સબકોં દેખ લિયા સાહબ, એક વહ શરાબી સરકાર થી, એક યહ પિશાબી સરકાર….

સસુરે સબ એક સે…..”

     રાજનેતા અને તેમની રાજનીતિથી કંટાળી ગયેલાં, રોષે ભરાયેલા વ્યક્તિની(બિંદા) અવાજ.

     ચૂંટણી નજીક હતી અને એમાં આ હત્યાકાંડ થઈ ગયો. બધાને ખબર હતી કોણે કરી, શેના માટે કરી પણ કોઈથી ચું કે ચા… થાય ખરું? નહીં. એક્પા પોલિટિકલ પ્રેસર, બીજીપા પોલીસની સખ્તી.

    પોતાની પાર્ટીનો માણસ એટલે બદનામી પાર્ટીની. બદનામી એટલે ખુરસી ગઈ. પણ દાસાહેબ જેવા ભગવદ્દ ગીતાના ભાવક ઠંડા દિમાગથી વિચારે. એમણે આ ઘટનાને દાબવા એક યોજના બહાર પાડી. એક સભા યોજી. પીડિત પરિવારના ઘરે મુલાકત. બિસૂના બાપને પોતાની ગાડીમાં બેસાડી સભા સુધી લઈ આવ્યાં અને યોજનાની શરૂઆત મૃતકના(બિસૂ) પિતાથી. વાહ… એક નવો જ માહોલ ગામમાં ફેલાય ગયો. પૈસાની ગણતરીઓ કરવા લાગ્યા લોકો. આ વખતે તો ગામનું નામ સ્માર્ટ વિલેજમાં. તાલિયા…..

       દાસાહેબને ડીજીપી જોડે સારું બને. કહો કે એમનો જ માણસ. બિસૂનો કેશ એમણે કોઈ સારા ઓફિસરનાં હાથમાં સોંપવા સૂચવેલું. રિપોર્ટ એવો તૈયાર કરે કે પરિણામ એમણે ધારેલું આવે. એની માટે ડીજીપીએ એસ.પી સકશેનાને આ કેશનો બહું શાંતિ પ્રિય રીતે રિપોર્ટ તૈયાર કરવા કહ્યું. પણ સકશેનાની ઈમાનદારી આ કેશને સ્ટડી કરતા-કરતા જાગી ગઈ. ને રિપોર્ટ તૈયાર થયો હત્યાનો. પણ દાસાહેબની સૂઝ બૂજથી હત્યાને એનાં દોસ્ત બિંદા પર બહું સરળતાથી ઢોળી દેવામાં આવી. સકશેનાનો તબદલો. ગુનેગાર બહાર ફરે, નિર્દોષ જેલમાં સડે.

     ટૂંકમાં, આખીય નવલકથામાં એક લાશને ચુંથતા રાજનેતાઓનું ચિત્રણ થયું છે. એ જોઇ શકાય છે.

     કેશ ક્લોઝ થવાની ખુશીમાં એક મોટી પાર્ટી રાખવામાં આવે છે. મોટી-મોટી હસતીઓના ચહેરા દેખા દે છે. શીવાજ – રીગલ, બ્લેક ડોગ, સ્કૉચથી લઈને દેશી રમ સુધીની લગભગ પચ્ચીસ પ્રકારની દારૂ અને કંઇક કૂકડા – બિલાડાનાં ટાંગની રેસિઁપીનો મહાભોજ હાજર છે.

     અંતે, મહાભોજમાં થતી વાતો – ઠહાકો દ્વારા ઉપજતી હકીકત –

     “અરે યો તો ધોતી કે નીચે ભી નંગે ઔર સસુરી ઇસ રાજનીતિ મેં તો ધોતી કે બહાર ભી નંગે.”

     ‘મહાભોજ’ ની કથનશૈલી મુખ્યત્વે વર્ણાત્મક પદ્ધતિની રહી છે. ભાષાશૈલી વિશે વાત કરીએ તો વ્યગ્યાંત્મક વધારે છે. દાસાહેબ, સુકુલબાબુ અને દત્તાબાબુના ચરિત્ર – ચિત્રણમાં આ પ્રકારની ભાષાનો પ્રયોગ વધારે થયો છે. પ્રસ્તુત નવલકથામાં ભાષા વિનિયોગ અદ્ભૂત થયો છે. ગામનાં થાણાનું વર્ણન, સુકુલબાબુની સભાનું વર્ણન તથા પાત્રોની ચરિત્રગત વિશેષતાઓનાં ચિત્રણમાં ભાષાની ક્ષમતા જોઈ શકાય છે. મુખ્યમંત્રી દાસાહેબની ઘરેલું-ઉદ્યોગ-યોજનાનાં પ્રચારમાં જે શબ્દો વાપર્યા છે તે ભાવકને આકર્ષે છે. પ્રસંગાનુરૂપ ભાષા મહાભોજની એક વિશેષતા છે. ગામનાં અભણ લોકો અને શિક્ષિત પાત્રોની મન:સ્થિતિનાં વર્ણનમાં ભાષા સાર્થક નીવડી છે. ઉપરાંત વાક્યરચનાની વિવિધતા જોવા મળે છે. સરળ અને સંયુક્ત બંને પ્રકારના વાક્યોનો પ્રયોગ થયેલો છે. કહેવતો અને રૂઢિપ્રયોગ ભાષાની જીવતંતા દર્શાવે છે.

     ટૂંકમાં, મહાભોજ શિલ્પ-શૈલી અને ભાષાપ્રયોગની દ્રષ્ટિએ એક સશક્ત અને કલાત્મક રચના છે.

     આ કૃતિની મર્યાદા વિશે વાત કરીએ તો લેખિકાએ આ કૃતિને કાલ્પનિક કીધી છે. તેમ છતાંય વાસ્તવિકતાનું વરવું સ્વરૂપ આપણે જેઈ શકીએ છીએ. નવલકથાની શરૂઆતમાં જ કહી દીધું છે કે – તેમ છતાં કોઈને આમાં પોતાનું બિંબ અથવા રૂપ જોવા મળે તો એ સંયોગવશ હશે.

     આ એક ડર છે. જ્યારે નરી હકીકત લખવી હોય, પાત્રો, વસ્તુ અને ઘટનાઓ કાલ્પનિક લઈને એમાં વાસ્તવિકતાનું નિરૂપણ કરવાનું હોય, લોકો સામે એ સચ્ચાઈને પીરસવાની હોય છતાં કાયદા અને કાનૂન કરતાંય લાંબા હાથનો ડર રહે. આ ભીતિ કોઇપણ લેખકમાં રહેતી હોય છે. એમાંય જ્યારે રાજનીતિ જેવા ક્ષેત્રની વાત આવે ત્યારે તો વધુ.

     અહીં ‘મહાભોજ’માં ભાગ્યે જ લેખિકાએ એવો કોઈ ખૂણો રહેવા દીધો છે. જયાં કોઈ આંગળી ચીંધે. અહીં રાજનેતા તેમની રાજનીતિ, ચૂંટણી, વૉટબેન્ક વગેરેના ચિત્રણ જોઈ શકાય છે.

     લેખિકાની બળકટ, વ્યંગ્યાત્મક, સંવાદી સુયોજય ભાષા, શિલ્પ અને કથનની આગવી તરેહ, રાજનીતિ જેવું ક્ષેત્ર અને એમાંય પોતાના વ્યક્તિગત અનુભવનો નિચોડ. આ કૃતિની મર્યાદા શોધતા માથામાં ખંજવાળ આવે. આખી કૃતિ વાંચી. એની વિશેનાં લેખો વાંચ્યાં પછી પણ ક્યાંય કોઈ ક્ષતિ જોઈ શકાય નથી. તેમ છતાં મારાથી ક્યાંક ચૂક થઈ હોય એવું બની શકે.

     ટૂંકમાં, આ એક એવી ચિરંજીવી કૃતિ છે.

★ સંદર્ભ સૂચિ :-

૧. સંપુર્ણ ઉપન્યાસ(મહાભોજ), મન્નૂ ભંડારી (નવલકથા), રાધાકૃષ્ણ પ્રકાશન, નવી દિલ્લી. આ. ૨૦૦૯.

જયદીપ ચાવડા,

પીચે.ડી સ્કોલર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ- ૩૮૦૦૧૪

મો.નં. ૯૭૧૪૮ ૨૭૨૦૪.

E-mail – Chavada21@gmail.com

માર્ગદર્શક – ડૉ. કનુભાઈ વસાવા

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.