‘મન મગન હુઆ’ નિર્દેશ આકર્ષણનો નિદર્શન વિવેકજાગૃતિનું

-કટારા વિપુલકુમાર રૂપસિંહ

પ્રાચીન સમયથી સાહિત્ય અને સમાજ એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા રહ્યા છે. સાહિત્ય અને સમાજ વચ્ચે નાભિનાળ જેવો સંબંધ છે. સર્જક સમય અને સમાજરૂપી બાગનું ફૂલ છે એટલે સ્વાભાવિક રીતે તત્કાલીન દેશકાળની અસર તેની સાહિત્ય સુગંધમાં જોવા મળતી હોય છે. સાહિત્યકારની કાલ્પનિક રચનાઓમાં પણ જે તે સમયની ઘટનાઓની ઝલક જોવા મળે છે. સાહિત્યકારની કલ્પના પાછળ પણ વાસ્તવિક ઘટનાઓ કે અનુભવની છાપ પ્રગટતી હોય છે. સતીશ વ્યાસનું ‘મન મગન હુઆ’ નાટક પણ કંઈક આવી જ વાસ્તવિકતાનું બયાન કરતું નાટક છે.

          ‘મન મગન હુઆ’ નાટકના નાટ્યકાર છે સતીશ વ્યાસ. ગુજરાતી ભાષાના અધ્યાપક અને સારા વક્તા એવા સતીશ વ્યાસ અઘરા અને નીરસ વિષયને પણ ઉદાહરણો દ્વારા રસમય બનાવી દેતા હોય છે. ગુજરાતી સાહિત્યમાં નાટક અને વિવેચનક્ષેત્રે તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. ગુજરાતની પ્રતિષ્ઠિત મંગળજીભાઈ ઝવેરચંદભાઈ મહેતા વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળાના 36માં મણકાના ત્રીજા દિવસે ‘સાહિત્ય અને માનવમૂલ્યો’ વિષય ઉપર વ્યાખ્યાન આપતાં નાટ્યકાર સતીશ વ્યાસે કહ્યું હતું કે “ઉત્તમ સાહિત્ય ઉત્તમ મૂલ્યોનું જતન અને સંવર્ધન કરે છે, સાહિત્યનો ધર્મ લોકોને ખૂશ કરવાનો નથી પણ આત્માને પ્રજ્વલિત કરવાનો છે. સર્જકે સત્તાના પક્ષઘર બનવાનું હોતું નથી એણે તો સમાજના બહિષ્કૃત, પીડિત અને વંચિતોના વાણોતર બનવાનું છે.” અને ખરેખર આવા વાણોતર તરીકે સતીશ વ્યાસને આપણે તેમના સાહિત્યમાં જોઈ શકીએ છીએ. તેમણે ‘નો પાર્કિંગ’, ‘પશુપતી’, ‘જળને પડદે’, જેવા બાર જેટલા નાટકોની રચના કરી છે. ‘મન મગન હુઆ’ તેમનું બારમું નાટક છે.

          ઈ.સ.2020માં પ્રકાશિત થયેલું ‘મન મગન હુઆ’ બે અંકનું નાટક છે. તેનું શીર્ષક આકર્ષણનો નિર્દેશ કરે છે પણ તેનું વિષયવસ્તુ વિવેકજાગૃતિનું છે. શિક્ષણક્ષેત્રમાં પડેલા સત્વશીલ પાત્રોની ઘણે મોટેભાગે દરકાર લેવામાં આવી નથી. શિક્ષણ સાથે સંકળાયેલા સત્વશીલ પાત્રોના હાથમાં સમાજનું ઘડતર અને ભવિષ્ય રહેલું છે. સતીશ વ્યાસે નાટકના પૂર્વકથનમાં જ નોંધ્યું છે કે “સત્વશીલ, ગરવાં, નરવાં પાત્રો શિક્ષણ ક્ષેત્રમાં પડેલાં છે. જેને માત્રને માત્ર વિધાકાર્યમાં જ રસ છે. એવાં આપણાંમાંથી ઘણાંયે જોયા છે પણ એની યોગ્ય રીતે નોંધ લેવાઈ નથી.” એવાં સત્વશીલ પાત્રોના નિરૂપણને આધારે નાટ્યકારે શિક્ષણક્ષેત્રની કર્તવ્યપરાયણતા, સત્વશીલતા પ્રગટ કરી આપી છે.

          બે અંકના આ નાટકમાં મુખ્ય ત્રણ પાત્રો છે. અનુપમ, ગ્રીષ્મા અને રીમા. અનુપમ એક નિવૃત્ત અધ્યાપક અને પીએચ.ડી.ના માર્ગદર્શક છે. રીમા અનુપમના માર્ગદર્શન હેઠળ સંશોધન કરતી વિદ્યાર્થીની છે અને ગીષ્મા રીમાની દિકરી છે. આ ત્રણ પાત્રોના માધ્યમથી નાટ્યકારે શિક્ષણક્ષેત્રના સત્વને પ્રકાશિત કર્યું છે. સમગ્ર નાટકના વિષયવસ્તુની વાત કરીએ તો નાટકની શરૂઆત ડોરબેલના અવાજથી થાય છે. અનુપમ  દરવાજો ખોલીને જુવે છે તો કોઈ યુવતી આવી હતી. યુવતી પોતાનો પરિચય આપતાં જણાવે છે કે “હું ગ્રીષ્મા” આ ગ્રીષ્મા નામ પણ તેના માતા-પિતાને અનુપમે સૂચવ્યું હતું. ગ્રીષ્મા પોતાની મમ્મી અને અનુપમના સંબંધ વિશે જાણવા આવી હતી. અનુપમ અને ગ્રીષ્મા ઘરમાં બેસે છે. અનુપમ માત્ર પોતાના હાથે બનાવેલી કોફી પીવાના આગ્રહી હોવા છતાં ગ્રીષ્મા તેમના અને પોતાના માટે કોફી બનાવવાની જીદ કરે છે. અનુપમ જણાવે છે કે “બીજાના હાથની પી લઉં, પણ આપણા હાથની હોય તો વધારે જામે” (પૃ.10) છતાં પણ “તમારા ગમતા સ્વાદની જ બનાવીશ” એમ કહીને ગ્રીષ્મા કોફી બનાવે છે. અનુપમ ગ્રીષ્માને આવવાનું પ્રયોજન પૂછે છે ત્યારે ગ્રીષ્મા કહે છે કે “હું મારા મમ્મીના માર્ગદર્શકના દર્શન કરવા આવી છું. આ મંદિરિયે.” વધુ સ્પષ્ટતા કરતાં ગ્રીષ્મા જણાવે છે કે મારી મમ્મી પણ તમને મળવા આવતી ત્યારે ‘દર્શન’ શબ્દ વાપરતી. અનુપમ નમ્રતા વ્યક્ત કરે છે. દૃશ્ય બદલાય છે. બીજા દૃશ્યમાં રીમા અને ગ્રીષ્માના સંવાદો ચાલે છે. તેમના સંવોદમાં જ રીમા કેટલી સાહેબઘેલી થયેલી છે તેની જાણ થાય છે. તેની દરેક પ્રવૃત્તિઓમાં તેના સાહેબનો ઉલ્લેખ જોવા મળે છે. રીમા ગ્રીષ્માને કહે પણ છે કે “સારા શિક્ષક મળવા એય સારા વર મળવા જેટલું પ્રારબ્ધાધીન છે.” (પૃ.15) દોરડા કૂદવાથી માંડીને વાણી-વ્યવહાર, શરીરનું માપ વગેરેમાં રીમાં સાહેબમય બની ગયેલી જોવાય છે. બીજા દૃશ્યમાં અનુપમ અને ગ્રીષ્માના સંવાદો આગળ વધે છે. ગ્રીષ્મા સમાજશાસ્ત્રની અધ્યાપિકા છે. આ દૃશ્યમાં અનુપમની કહો કે અધ્યાપકની વિશિષ્ટ ભાષાશૈલીનો ભાવકને પરિચય થાય છે. અનુપમ પોતાના વર્ગના વિદ્યાર્થીઓને બે-બે ભાષાના અર્થો મળે તથા રમૂજ માટે પહેલા ગુજરાતી શબ્દ હોલે છે અને પછી તેનો અંગ્રેજી પર્યાય વિદ્યાર્થીને આપે છે. અનુપમની આવી ભાષા ગ્રીષ્મા પણ અપનાવીને તેમની સાથે વાતો કરે છે. ભાષાની સાથે-સાથે ભોજનની પણ વિશિષ્ટતા આ દૃશ્યમાં પ્રગટ થાય છે. ફરી દૃશ્યાંતર થાય છે. અનુપમ અને રીમાના સંવાદમાં રીમા સંશોધનકાર્યમાં જે વિલંબ કરી રહી છે તેની વાત કરવામાં આવી છે. રીમાના સંવાદોમાં કટાક્ષમાં પણ સાહેબ તરફનું આકર્ષણ પ્રગટે છે. જેવા કે

રીમાઃ   તમારી તો થઈ શકે સર ! વિના પ્રયત્ને થઈ શકે, માત્ર તમારા પક્ષે સ્વીકૃત હોવી જોઈએ. (પૃ.22)

રીમાઃ   હા સરા! તમારાને તમારા વિચારોમાં જ ઊંઘી જવાય. (પૃ.23)

          રીમાના આવા વિવિધ સંવાદોમાં તેનું સાહેબ તરફનું આકર્ષણ પ્રગટ થાય છે. પણ અનુપમના મનમાં આવો કોઈ ભાવ નથી. તેમને તો માત્ર સંશોધનકાર્ય કરાવવામાં જ રસ છે. અને એટલે જ રીમાના વિલંબને કારણે રીમાને સંશોધન છોડી દેવાની સલાહ પણ આપે છે. પણ રીમા સંશોધન છોડતી નથી. અને આવી સંશોધનની વાતો સાથે દૃશ્ય બદલાય છે. બીજા દૃશ્યમાં ગ્રીષ્મા જણાવે છે કે મમ્મી વિશેની આવી વિવિધ વાતો જાણવા તમારી પાસે આવી છું. આ જ દૃશ્યમાં ગ્રીષ્માના સંવાદમાં અધ્યાપક વિદ્યાર્થી માટે ‘બેટા’ સંબોધન કરે છે તે વાત વણી લઈને સર્જકે હાસ્ય સાથે વિચાર માંગતો પ્રશ્ન પણ મૂકી દીધો છે. ગ્રીષ્મા અનુપમને પૂછે છે કે “પરિવારની વ્યસ્તતા જ ખરેખર તેમના સંશોધનના વિલંબનું કારણ હતું?” બીજા દૃશ્યમાં રીમાની પરિવાર પ્રત્યેની, દિકરી, પતિ પ્રત્યેની વિવિધ જવાબદારીઓ કેવી બખૂબીથી નિભાવે છે તે વાત કરવામાં આવી છે. સારી ગૃહિણીના લક્ષણ આ દૃશ્યમાં જોવા મળે છે. બીજા દૃશ્યમાં અનુપમની શાક સમારવાની વિશિષ્ટતા જોવા મળે છે. અનુપમના મતે “સમારવું એટલે મૂળના ગમે તેવા આકારને સપ્રમાણ રૂપ આપીને તૈયાર કરવું.” (પૃ.32) તેમણે ‘સમારવાનો’ બીજો અર્થ ‘શણગારવું’ એવો કર્યો છે. વાતો-વાતોમાં ફરી અનુપમ ગ્રીષ્માને આવવાનું સ્પષ્ટ કારણ પૂછે છે ત્યારે ગ્રીષ્મા જણાવે છે કે “અંગત પ્રકલ્પ એટલે કે પ્રોજેક્ટ માટે આવી છું અને મારો પ્રોજેક્ટ મારી મમ્મી જ છે” દૃશ્યાંતર થાય છે. અનુપમ અને ગ્રીષ્મા જમવા બેસે છે. જમવાની બાબતમાં પણ અનુપમની એક વિશિષ્ટતા જોવા મળે છે. અનુપમ કહે છે કે “ભોજનનો તો એક કાર્યક્રમ કરવાનો હોઈ ભલે વાનગી એક કે બે હોય પણ નિરાંતે, મન ભરીને આરોગવાની, મમળાવવાની, વાગોળવાની, માણવાની.” અનુપમના આ વિવિધ સંવાદો ગ્રીષ્માને પણ મુગ્ધ બનાવી દે છે. ગ્રીષ્મા પોતાની મમ્મીની વિવિધ વાતો જાણવા માટે જ અનુપમને મળવા આવી હતી. એટલે અનુપમ લગ્ન પહેલાનાં કોલેજ સમયના રીમાના સંબંધની વાત કરે છે અને જણાવે છે કે “રીમાની સંશોધન પ્રત્યેની સજ્જતા ઓછી નહોતી છતાં પણ કોણ જાણે કેમ તેણે સંશોધનમાં દસ વર્ષ કાઢ્યાં” ત્યારે ગ્રીષ્મા સંશોધનના વિલંબનું સાચું કારણ દર્શાવતા કહે છે કે “મારી મમ્મી તમારા પ્રેમમાં હતી, એ પેલા યુવક સાથે ભાગી ગઈ એ પહેલાંની તમારા પ્રેમમાં હતી. અને છે. ચાહે છે માત્ર તમને અને તમને જ.” અહીં નાટકનો પ્રથમ અંક પૂરો થાય છે.

          બીજા અંકમાં રીમા ફોન પર પોતાની બહેનપણી નિલીમા જોડે વાતો કરે છે તેમાં તે સાહેબના પ્રેમમાં હતી એ વાત સ્પષ્ટ રીતે રીમાના મુખે નાટ્યકારે બતાવી છે. રીમાની આ વાતો ગ્રીષ્મા સાંભળી લે છે એટલે તે વધુ માહિતી માટે તે રીમાની અંગત ડાયરી પણ મેળવે છે. રીમા તો સંશોધનમાં “ભૂલ્યા ત્યાંથી ફરી ગણો નહીં પણ ભૂલ્યાં ત્યાંથી ફરી માણો” એવી ભાવના અને સાહેબનો સંગાથ મેળવવા સંશોધન કાર્યમાં વિલંબ કરી રહી હતી. જેમ તેમ કરીને દસ વર્ષે રીમા પોતાનું સંશોધન પૂર્ણ કરે છે. તેની ખુશીમાં સાહેબને પાર્ટી આપે છે અને સાહેબ માટે સૂટનું કાપડ લાવે છે પણ અનુપમ તેનો અસ્વીકાર કરે છે અને કાપડ ગ્રીષ્માના પતિને આપવાનું જણાવે છે. ગ્રીષ્માનો પતિ જ્યારે આ સૂટ પહેરીને આવે છે ત્યારે પણ રીમા બોલી ઉઠે છે કે “બરાબર સરની જેમ જ શોભે છે ઇશ્વાકુકુમાર”. આ વાતમાં પણ રીમાનો સાહેબ પ્રત્યેનો એકતરફી પ્રેમ જોવા મળે છે. બીજી બાજુ ગ્રીષ્મા પણ પોતાની અંતરવેદના જાણે સાહેબ સમક્ષ પ્રગટ કરે છે. તે પોતાના પતિની વાત કરતાં કહે છે કે “શોભે સાથે હોય તો બંને શોભીએ, પણ સર, જેટલો શોભે એટલો ગમે જ એવું થોડું હોય છે.” ગ્રીષ્માના આ સંવાદમાં તેના દામ્પત્યજીવનમાં કંઈક ખોટ હોય તેવું જણાય છે. ગ્રીષ્મા ઘણા ખચકાટ સાથે કંઈક પૂછવાનો પ્રયત્ન કરે છે પણ તેને ડર લાગે છે. અનુપમ અભયવચન આપીને વાત પૂછવાનો આગ્રહ કરે છે. દૃશ્ય બદલાય છે અને રીમા અને ગ્રીષ્માના સંવાદમાં રીમાનો પતિ જે શંકા કરતો તેનો ઉલ્લેખ હોસ્પિટલની ફાઈલ દ્વારા મળે છે. ગ્રીષ્મા ગુસ્સામાં પોતાની મમ્મીને ન બોલવાનું પણ બોલી જાય છે. “તુ તો માં છે કે છિનાળ ? છી! છી! તને મમી કહેતાંય હવે શરમ લાગે છે.” ગ્રીષ્માને ફાઈલ દ્વારા સાચી હકીકતની જાણ થાય છે ત્યારે તેને પસ્તાવો થાય છે. છતાં પણ અનુપમ અને રીમાના સંબંધની ચોખવટ માટે તે અનુપમ પાસે આવી હતી. ગ્રીષ્મા અનુપમને પૂછે છે કે “તમારા અને મમ્મી વચ્ચે કોઈ શારીરિક સંબંધ હતો ખરો ?” આ સવાલથી અનુપમ ગુસ્સે થાય છે પણ શાંતિથી ગ્રીષ્માને બધી સત્ય હકીકત જણાવે છે. દૃશ્ય બદલાય છે તેમાં ગ્રીષ્માના પ્રશ્નનો જવાબ મળી જાય છે. અનુપમની પત્નીના મૃત્યુ પછી રીમા તેમને આશ્વાસન આપવા આવી હતી. ત્યારે રીમા પોતાના પ્રેમનો એકરાર કરે છે પણ અનુપમ ‘ખીચડી’ના ઉદાહરણ દ્વારા તેને પોતાની જાતને પાછી વાળવા કહી દે છે. અને ત્યારબાદ કોઈ દિવસ રીમાને પણ આવો ભાવ પ્રગટતો નથી. તે વાત રીમાના સંવાદમાં જોવા મળે છે. રીમાની ગામની વીરડીની વાત દ્વારા રીમાના દેહની પવિત્રતા સર્જકે ખૂબ સરસ રીતે રજૂ કરી છે અને નાટકના ખરેખરા નિદર્શનનો ખ્યાલ આ વીરડીમાંથી જ મળી જાય છે. ભલે રીમા સાહેબને પ્રેમ કરતી હતી પણ એ તેનો સાત્વીક પ્રેમ હતો. તેને શરીરનું આકર્ષણ નહોતું. સાહેબે જ્યારે ‘પોતાની જાતને સીજવા દે’ એવી સલાહ આપી ત્યારથી જ રીમા પોતાની જાતને ઓળખી લે છે અને સાહેબ પ્રત્યે જે ભાવ આગળ હતો તે મનમાં લાવતી પણ નથી. નાટકના અંતે ગ્રીષ્મા અને રીમા બંને સાહેબ સમક્ષ હાથ ફેલાવે છે પણ સાહેબની પવિત્રતા એ બંનેના હાથને પ્રણામની મુદ્રામાં ગોઠવી દે છે અને ચાંગળું ઝીલતી દશામાં સાહેબના પ્રેમનું એક ચાંગળું માંગતી દર્શાવી છે અને નાટક પૂર્ણ થાય છે.

          રીમા ભલે અનુપમને એકતરફી પ્રેમ કરતી હોય પણ અનુપમમાં ક્યારેય રીમા પ્રત્યે તો ઠીક પણ કોઈપણ વિદ્યાર્થીની પ્રત્યે એવો ભાવ જન્મ્યો નથી. એ તો માત્ર સાચા વિદ્યાગુરું બની રહ્યા છે એ આપણે એમના સંવાદોમાં નાટકના અંત સુધી જોઈ શકીએ છીએ.

અનુપમઃ     અહીં તો વહાલ જ વહાલ છે. ભીતરમાં જે સતત દૂઝે છે, ઝરે છે અને વહે છે, માત્ર તારા પ્રતિ જ નહી, મારા પ્રત્યેક વિદ્યાર્થી માટે, પ્રત્યેક સ્વજન માટે. (પૃ.59)

અનુપમઃ     મૃત પત્નીનેય છેહ દઉં એવો હું નથી જ. ગ્રીષ્મા મારી કોઈ વિદ્યાર્થીની વિશે કદીય, આવું વિચારું કે કલ્પું એવોય નથી.

          અનુપમના આવા સંવાદોમાં અનુપમની એક અધ્યાપકની કર્તવ્યભાવનાના દર્શન થાય છે. આવા અનુપમના પાત્ર દ્વારા નાટ્યકારે અધ્યાપનકાર્યમાં જ રસ ધરાવતા અધ્યાપકોનું ગૌરવ વધારી આપ્યું છે. અત્યારના સમયમાં રાજકારણની જેમ શિક્ષણક્ષેત્રને પણ કૌભાંડનો રાફડો ગણી લેવામાં આવ્યું છે પણ  નાટક દ્વારા સર્જકે શિક્ષણ ક્ષેત્રની સત્વશીલતા, પવિત્રતા પ્રગટ કરી આપી છે. માત્ર મમ્મીનું ચરિત્ર તપાસવા આવેલી ગ્રીષ્માને ત્રણ-ત્રણ ચરિત્રોનો પરિચય મળી જાય છે. રીમા, અનુપમ અને પોતાનો. માનવસહજ લાગણી દરેક માણસમાં પડેલી છે. પ્રેમ, વિજાતીય આકર્ષણ એ માનવસહજ લાગણીઓ છે એ લાગણીઓ દ્વારા પણ સર્જકે સત્વશીલતાને ખૂબ સરસ રીતે નિરૂપી આપી છે. ડૉ. ચીમનભાઈ પટેલ આ નાટક વિશે જણાવે છે “માનવચરિત્રોના અંતરંગને પ્રગટ કરતું આ નાટક છે” ખરેખર અહીં માનવજીવનની અંતરંગ લાગણીઓ દ્વારા સર્જકે વિવેકજાગૃતિનું નિદર્શન કરી આપ્યું છે.  

સંદર્ભ:

૧) મન મગન હુઆ (૨૦૨૦)લે.સતીશ વ્યાસ.ડિવાઇન પબ્લિકેશન, અમદાવાદ.

કટારા વિપુલકુમાર રૂપસિંહ, પીએચ.ડી. સ્કોલર, ગુજરાતી વિભાગ, ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, મો. નં. 8238426379

Prayas An Extension… Volume – 3, Issue 5, September – October : 2022 ISSN : 2582-8681