મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ ઘણું પ્રાચીન અને બહુધા હસ્તલિખિત સાહિત્ય છે.અને આ સાંસ્કૃતિક વારસાને સાચવી-જાળવી રાખવાનું કાર્ય આપણાં સંશોધકો અને સંપાદકોએ કર્યું છે. આપણાં આ પ્રાચીન વારસાની અવગણનાં કર્યા વિનાં અને જો સારી રીતે સુલભ કરી આપવામાં આવે તો એ સમયખંડની કલ્પનાશીલતાં, વિવિધ પ્રયોગો, ઉપકરણો, હર્ષોલ્લાસ, વેદનાઓ વગેરેને શબ્દોમાં ઢાળનાર સર્જકોની જીવન પ્રત્યેની દ્રષ્ટિ વગેરેનો ખ્યાલ આપણે મેળવી શકીએ છીએ.
અદ્યતન યુગમાં અતીતની પરંપરાને આપણે જ્યાં સુધી પૂરેપૂરી સમજી શકતાં નથી ત્યાં સુધી તેને પામી શકાતી નથી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પરંપરાને પણ આત્મસાત્ કર્યા વિના આપણે તેને પૂરેપૂરી પામી શકાતી નથી.
આપણો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ખજાનો પણ અતિ સમૃદ્ધ છે. એમા અનેક સાહિત્યસ્વરૂપો ખેડાયા છે. અનેક મોટા ગજાનાં સંતો, ભકતો – કવિઓનાં શિખરો છે. ધર્મ સંપ્રદાય અને ભક્તિભાવથી અને નાદલીલાનાં સૌદર્યથી પ્રભાવક વિચારો અને ભાવોઊર્મિભરી રચનાઓ દ્વારા પ્રજાનાં હ્નદયને તાજગીસભર રાખે એવી ભક્તિજ્ઞાનની પરંપરાઓ પણ વહેતી જોવાં મળે છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની આપણી વિપુલતા અને ગુણસમૃદ્ધિ જોતાં, મધ્યકાળની આ સમૃદ્ધ પરંપરાનાં સમૃદ્ધ સાહિત્યને, શાસ્ત્રીય રીતે સંશોધીને અધિકૃત વાચના દ્વારા આપણાં મધ્યકાલીન સાહિત્યનાં અભ્યાસી વિદ્વાનોએ એને સંશોધી – સંપાદિત કરી આ સાહિત્યને સમજવું આપણી માટે સુલભ કરી આપ્યું છે.
* * * *
સંશોધન એટલે શુદ્ધ કરવું.- શુદ્ધિ કરવી એટલે કે દોષરહિત ચોખ્ખું – સ્વચ્છ કરવું. ભેળસેળ દૂર કરવી. એવો થાય છે જે ભેળસેળ છે તેને દૂર કરી,સત્યને શોધવાનું એ તેનું પ્રયોજન હોય છે. સાહિત્ય-સંશોધક પણ હકીકતો એટલે કે સત્ય ઉપર આધારિત અંદરનાં અને બહારનાં પ્રમાણો દ્વારા કૃતિનાં કર્તૃત્ત્વ અને સમયને નિશ્ચિત કરી, વૈજ્ઞાનિક દ્રષ્ટિથી કર્તાનાં મૂળ લખાણ સુધી પહોંચવાની મથામણ કરતો હોય છે અને પોતાનાં આધારો, પ્રમાણભૂત માહિતીને રજૂ કરીને થોતાનાં મંતવ્યો તારવતો હોય છે.
મધ્યકાળમાં આપણે ત્યાં નરસિંહ મહેતાનાં સમય અંગે તથા તેમની શંકાશીલ કૃતિઓનાં કતૃત્ત્વ અંગે પણ ઘણાં સંશાધનો થયાં છે. પ્રેમાનંદનાં નાટકોનાં કતૃત્ત્વ વિશે પણ ઝીણવટપૂર્વક સંશોધન થયું છે. સંશોધકો શ્રમપૂર્વક માહિતી એકત્રિત કરીને, પ્રમાણભૂત માહિતીનાં આધારે કૃતિનાં કતૃત્ત્વનાં પ્રશ્નો ચર્ચાયા છે. એક સર્જક પર અન્ય સર્જક્નો પડેલો પ્રભાવ અંગે પણ ચકાસણી થઈ છે. જેમ કે ભાલણનો નાકર પર અને એ બંનેનો પ્રેમાનંદ પર પડેલો પ્રભાવ પણ જોવાં મળે છે. સંશોધકો દ્વારા આપણે ત્યાંની ભક્તિ અને જ્ઞાનધારાનાં મૂળ સુધી પહોંચવાનાં પ્રયાસો થયાં છે.અને અનેક કૃતિઓનાં આંતર-બાહ્ય પ્રમાણો દ્વારા સાહિત્યકારોનાં નામનાં ગોટાળા દૂર કરાયા છે.
આ પ્રકારની સંશોધન-પ્રક્રિયા-આવો પરિશ્રમ જો સમૃદ્ધ પુસ્તકાલયો સુલભ હોય તો જ થઈ શકે છે. મધ્યકાલીન સાહિત્યમાં સર્જકની જન્મતારીખ, એની કૃતિનો મૂળ સ્રોત, એણે અન્ય સર્જકોનાં પૂર્વલેખોમાંથી કરેલ ઊઠાંતરી વગેરે નિશ્ચિત કરવામાં પણ સંશોધન પ્રક્રિયા ઘણી ઉપયોગી થઇ શકે છે. *
સાહિત્યમાં સંપાદનની પ્રક્રિયા પણ અનેક સંકટોથી ભરેલી જોવાં મળે છે.કારણ કે મધ્યકાળનું સાહિત્ય બહુધા હસ્તલિખિતિ રૂપે તથા ભિન્ન ભિન્ન સમયાંતરે લહિયાઓ દ્વારા ઉતારેલ જોવાં મળે છે. એમનાં સ્થળ, ભાષા, બોલી, લેખનપધ્ધતિ, લિપિ -મરોડ વગેરે જુદાપણું હોય તો તે લહિયાનાં પ્રાદેશિક રંગો-ઉચ્ચારણો પણ એમાં ઝીલાયેલાં જોવાં મળે છે. આ બધી કસોટીઓમાંથી મળ કર્તાન અભિપ્રેત પાઠ-વાચના સુધી પહોંચવામાં સંશોધક-સંપાદક મૂળ મંજિલ સુધી પહોંચે ત્યારે જ ખરો કહેવાય. કર્તાનાં મૂળ સુધી પહોંચવામાં સંશોધક-સંપાદકની ખરી કસોટી છે.
સંપાદન પ્રક્રિયા માટે સંશોધક ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર થતો હોય છે. જેમ કે કેટલીક હસ્તપ્રતો, હસ્તપ્રત ભંડારોમાંથી કે કોઈ વ્યક્તિની માલિકીની હોય અને કોઈ એક જ કૃતિની અનેક હસ્તપ્રતો મળી આવે ત્યારે સંશોધક તેમાંથી મૂળવાચના – શ્રદ્ધેય વાચના તૈયાર કરવા માટે અનેક હસ્તપ્રતોનાં જૂથો પાડીને એનું અલગ કોષ્ટક તૈયાર કરતો હોય છે. લહિયાએ લખેલાં વર્ષને ધ્યાનમાં રાખી એની લિપિ, વર્ણો, ભાષાનું સ્વરૂપ, અસંગત જોડણી પ્રાસ,છંદ વગેરેનાં જ્ઞાનને કામે લગાડી શક્ય એટલી ભેળસેળ દૂર કરી મૂળ લખાણની સમીપ પહોંચતાં બ્રહ્માનંદ સહોદરની અનુભૂતિ કરતો હોય છે.ઘણીવાર બે હસ્તપ્રતોનાં અલગ પાઠ, સંદર્ભથી જ સાચા પાઠનો સંકેત મળી જતાં મૂળ પાઠ સુધી સરળતાથી પહોંચી શકાય છે.
દા.ત.’ગુર્જર રસાવલી ‘માં બ.ક.ઠાકોર, એમ.ડી. દેસાઇ અને મધુસૂદન મોદીએ કેટલાક મધ્યકાલીન કાવ્યો હસ્તપ્રતોને આધારે પ્રગટ કર્યા છે. એમાં જૈન કવિ શાલિભદ્રસૂરિ દ્વારા રચિત ‘ વિરાટપર્વ ‘ ( ૧પમી સદી) પણ સંગ્રહાયેલું છે. સામાન્ય રીતે જૈન કવિઓની કૃતિનાં અંતે દીક્ષા કે ધર્મસંસ્કારો જોવાં મળતાં હોય છે. જ્યારે આ જૈન કવિએ જૈન પ્રવાહને ઉલ્લેખીને વ્યાસનાં મહાભારતની કથાનું અનુસરણ કરીને સંસ્કૃત વૃત્તબદ્ધ ‘રાસા ‘ જેવું કાવ્ય આપ્યું છે.તેની પંક્તિમાં ભીષ્મનો સંવાદ આ મુજબ જોવાં મળે છે. :
” જેણિ દેસિ જિણ માણસ મોહઈ “
અહીં ‘જિણ ‘શબ્દનો અર્થ મધુસુદન મોદીએ ‘જૈન’ બતાવ્યો છે. જ્યારે વાસ્તવમાં હસ્તપ્રતમાં લહિયાએ ‘ જિણ ‘શબ્દમાં જાણી બૂઝીને કે ગફલતથી હ્નસ્વ ‘ ઇ ‘ઉમેરીને ‘ જિણ ‘શબ્દ દ્વારા સંપાદકને અન્ય અર્થ તરફ દોર્યા હોવાનું સૂચવાય છે.લા.દ.સંસ્કૃતિ વિદ્યામંદિરમાંથી સં.૧૬૦૪માં લખાયેલી જૂની હસ્તપ્રત મુજબ પંક્તિ આ પ્રમાણે જોવાં મળે છે. :
” જેણિ દેસિ જણ માણસ મોહઇ ”
અહીં ‘જેણિ દેસિ ‘ – જે દેશ પ્રત્યે મનુષ્યોનાં મન એવો લેખકને ઉદ્દિષ્ટ પાઠ જોવાં મળે છે. આમ, આ કૃતિ કોઈપણ જૈન સંદર્ભનાં સ્પર્શ વિનાની મહાભારતની પરંપરાની કૃતિ જોવાં મળે છે.તે જ રીતે ‘ સુદામાચરિત્ર ‘માં આવતી પંકિતનો સંદર્ભ જોઈએ :
” યક્ષકંદર્મ સત્યા સેવે રે કાર્લિદી અગર ઉખેવે રે .”
અહીં ‘ઉખેવે ‘નો અર્થ ‘ ઉછાળવું ‘ન સમજાયાથી મગનભાઈ દેસાઇ વગેરેએ ‘ કાલિંદી અગર ઉસેવે રે ‘એ બીજી પ્રતનાં પાઠને સ્થાન આપ્યું. આમ, પાઠાંતરોમાં મૂળ પાઠ નક્કી કરવામાં અન્ય પ્રતોનું સમર્થન મળતાં સંશોધકોને મુશ્કેલી પડી નથી.’ કુંવરબાઈનું મામેરું ‘ની પંક્તિ જોઈએ તો.:
” વેવાઈ ગયા ઉતારો કરી છે. હસણી !
રસણી નાત ઘણી નાગર તણી. “
અહીં ‘ હસણિ ‘ શબ્દ નર્મ વિનોદ જેવાં પાઠ સામે જૂની પ્રતમાં ‘ રસણી ‘શબ્દ રસ-વાળી જોવાં મળે છે. અહીં લિપિનાં મરોડનાં કારણે ‘ હ ‘નો ‘ર’ થયો હોવાનું અનુમાન કરવાં પ્રેરે છે.આ ઉપરાંત આ જ આખ્યાનની અન્ય એક પંક્તિ જોઈએ તો :
” ભાભીએ કુવચન કહ્યું મહેતાને લાગી દાઝ.”
અહીં મળેલ પ્રત મુજબ ભાભી સાથે જોડાયેલ ‘એ’ પ્રત્યય પછી લહિયાએ આવધાનથી ‘એક’ શબ્દ લખ્યો હોવાનું સંભવે છે. માટે ‘ભાભી’ એકવચન એ પાઠ પછીથી કુવચનમાં બદલાયો હોવાનું સંભવે છે.
જયવંતસૂરિની ‘ શૃંગારમંજરી ‘માંથી ‘કાઠલક્ષણ મુરખ પ્રીંઈ દિન માંહિ સુ-વાર .” અહીં ‘ કાઠલક્ષણ ‘ માંનો ‘ લ ‘અને ‘ ભ ‘નો મરોડ ન ઉકેલી શકતાં લહિયાએ ‘ કાઠભક્ષણ ‘ને સ્થાને ‘ કાઠલક્ષણ ‘લખ્યું હોવાનું સંભવ છે. કાઠભક્ષણ-નો અર્થ અગ્નિસ્નાન- બળી મરવાં જેવો થાય છે. અન્ય પ્રતોનાં સહાયથી આ સંદર્ભ સમજાય છે.
આમ, સંપાદકને વિવિધ પ્રતો વાંચતાં લિપિનાં વર્ણોનું અનુભવે સારૂ એવું જ્ઞાન પ્રાપ્ત થયું હોય અને તેમને એ માટે છંદસુઝ તથા ભાષા-સ્વરૂપની જાણકારી હોય તો એ મૂળ પાઠ સુધી પહોંચી શકે છે. હસ્તપ્રતોનાં જૂથ પાડી પ્રમાણોને આધારે લેખકને ઈષ્ટપાઠ સુધી પહોંચવામાં સરળતાં રહે છે. કથાકારો કે લહિયાઓએ મૂળ વાચનામાં પ્રચલિત પંક્તિઓ મૂકી દીધી હોય તો એ પ્રક્ષપણો જૂની પ્રતોને આધારે દૂર કરી શકાય છે. ‘ મામેરુ ‘કૃતિમાં પણ અધિકૃત અને ઉચિત પાઠને આધારે તેનાં પ્રક્ષેપણો દૂર કરવામાં આવ્યાં છે. જો કે મૂળ કૃતિમાં થયેલાં આ પ્રકારનાં જાળાં -ઝાંખરાં દૂર કરવાનું થોડુંક અઘરું છે પણ સાવ અશક્ય નથી.
આપણે ત્યાં સંશોધન-સંપાદનનાં શ્રીગણેશ નર્મદ જેવાં પશ્રિમી કેળવણી પામેલાં સર્જકોને લીધે થયાં છે. ‘ દશમસ્કંધ ‘નું અને દયારામનાં કાવ્યોનું સંપાદન કરીને આપણે ત્યાં સંશોધન-સંપાદનની દિશામાં પ્રથમ પગલાં પાડ્યાં હતા.ત્યારબાદ દલપતરામે ફાર્બસની ‘ રાસમાળા ‘ માટે ઐતિહાસિક રાસાઓ એકત્રિત કર્યા હતા. નવલરામે ‘ મામેરું’નું સંપાદન કર્યું. આ પછી આપણે ત્યાં ‘બૃહત્ કાવ્યદોહન ‘નાં ગ્રંથો, પ્રાચીન કાવ્યમાળા, ‘ આનંદકાવ્ય મહોદધિ ‘ જેવાં કેટલાંક મધ્યકાલીન કાવ્યોનાં સંપાદનો પ્રાપ્ત થયાં. આ રીતે મધ્યકાલીન કાવ્યોનાં સંપાદનો પ્રાપ્ત થયા. આ રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં સંપાદનની ગતિ આગળ વધતી ગઇ છે.અને એનાં પ્રકાશનમાં વિવિધ સાહિત્ય સંસ્થાઓ પણ પ્રવૃત્ત થતી ગઇ છે. જેમ કે જે વડોદરાની ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈની ભારતીય વિદ્યાભવનમાંની સિંધી ગ્રંથમાળા, ફાર્બસ ગુજરાતી સભા, ફાર્બસ ગુજરાતી સભા, ગુજરાત વિદ્યાસભા જેવી વિદ્યાસંસ્થાઓએ મધ્યકાલીન રચનાઓને પ્રકાશમાં લાવવાનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. મોહનલાલ દલીચંદ દેસાઈનાં ‘જૈન ગુર્જર કવિઓ ‘દ્વારા આ દિશામાં થયેલું કાર્ય પણ ઘણું અમૂલ્ય છે.
આમ, આ પ્રકારે વિવિધ સંસ્થાઓ અને વિદ્વાન સંપાદકોએ વિવિધ ભંડારોમાં સંગ્રહાયેલી મધ્યકાલીન હસ્તપ્રતોને એકત્રિત કરીને, આપણને સુલભ કરી આપી અને એમની વિદ્યાનિષ્ઠાનો પ્રામાણિક પરિચય પણ આપ્યો છે. સંશોધન-સંપાદનની પ્રક્રિયાને લીધે જ આપણી પાસે નરસિંહ, મીરાં, અખો, પ્રેમાનંદ, શામળ અને દયારામ, આનંદઘન, ભાલણ, ભોજો, ધીરો, પ્રીતમ, નાકર, વિસ્ણુદાસ, વિશ્વનાથ – જેવાં અનેક નાનામોટા કવિઓની કૃતિઓ પ્રકાશિત થઈને આવતી રહી છે. મધ્યકાળની પ્રાચીન કૃતિઓ ‘ વસંતવિલાસ ‘, ‘ કાન્હડદેપ્રબંધ ‘, ‘ રણમલ્લછંદ ‘, ‘ ‘ હંસાઉલી ‘,’માધવાનલકામકંદલાપ્રબંધ ‘ જેવી અનેક કાવ્યકૃતિઓની હસ્તપ્રતને આધારે શુદ્ધ વાચના આપણને સુલભ થઈ છે. આ ઉપરાંત એક જ કથાનક ધરાવતાં મધ્યકાળનાં ફાગુકાવ્યો, બારમાસીઓ, વિવિધ કવિઓ દ્વારા રચિત અભિમન્યું વિષયક અને અન્ય સમાન કથાનકોવાળાં સપાદનો પ્રગટ થયાં છે.
મધ્યકાળનાં સંશોધન-સંપાદનમાં વિવિધ સામયિક સંસ્થાઓ તથા અન્ય વિદ્યાસંસ્થાઓનું પણ અમૂલ્ય યોગદાન રહેલું છે. જેમકે ગુજરાત વિધાપીઠે ‘ પ્રાચીન ગુર્જર ગદ્ય સંદર્ભ ‘ માં ગુજરાતી ગદ્યરચનાઓ આપી છે.’ ફાર્બસ ગુજરાતી સભા ‘એ વિવિધ કવિઓનાં ‘ મહાભારતીય પર્વો ‘નું સંપાદન કર્યું છે.’ ગુજરાત વિદ્યાસભા ‘એ મધ્યકાળનાં વિવિધ કવિઓએ લખેલાં કાવ્યોની સંશોધિત કૃતિઓ પ્રગટ કરી છે. આ દરેક સંસ્થાઓએ મધ્યકાળની હસ્તપ્રતોની સંકલિત યાદી તૈયાર કરીને, તેને પ્રકાશિત કરી છે.પાટણનાં ગ્રંથભંડારો, ‘ ફાર્બસ સાહિત્યસભા ‘, ‘ ગુજરાત વિદ્યાસભા ‘, ‘ પ્રાચ્ય વિદ્યામંદિર ‘, ગુજરાતી પ્રેસ, ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન, ડાહીલક્ષ્મી લાયબ્રેરી, લાલભાઈ દલપતભાઈ સંસ્કૃતિમદિર જેવી અનેક સંસ્થાઓમાં પ્રાચીન મધ્યકાલીન ગુજરાતીની અસંખ્ય હસ્તપ્રતો જળવાયેલી છે. જે હજુ સુધી પ્રકાશમાં આવવાની બાકી છે.આ ઉપરાંત રાજસ્થાની કે વિદેશી ગ્રંથભંડારોમાં કે વ્યક્તિઓની અંગત માલિકીનાં સંગ્રહોમાં પણ ઘણી હસ્તપ્રતો સચવાયેલી છે. કેટલાંક અંશે પ્રયત્નો થયાં હોવા છતાં મધ્યકાલીન ગુજરાતી હસ્તપ્રતોનું હજી સુધી સંપૂર્ણ તારણ મેળવી શકાયું નથી. ભોગીલાલ જ.સાંડેસરા અને ઉમાશંકર જોશી દ્વારા આ દિશામાં ઘણાં સફળ પ્રયત્નો થયાં છે. ડૉ. સાંડેસરાએ મ.સ.યુનિવર્સિટી,વડોદરામાં પોતાનાં વિભાગને સંશોધન- સંપાદનનું કેન્દ્ર બનાવી પ્રાચીન-મધ્યકાલીન કૃતિઓનાં સંપાદનો હસ્તપ્રતોને આધારે અધિકૃત વાચના પ્રકાશિત કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આ માટે તેમણે સોમાભાઈ પારેખ સાથે ૩૮ જેટલાં ફાગુઓને સમાવિષ્ટ કરતો ‘ પ્રાચીન ફાગુસંગ્રહ ‘, થશોધર કૃત ‘ પંચાખ્યાન બાલાવબોધ ‘, ‘ વર્ણક સમુચ્ચયનાં બે ભાગ ‘, અમૃતકલશ કૃત ‘ હમ્મીરપ્રબંધ ‘ વગેરે મધ્યકાળની પ્રાચીન કૃતિઓને પ્રકાશમાં લાવવાનું કાર્ય કર્યું છે. તેમણે કરેલ ગુજરાતી સાહિત્યનાં સંશોધન-સંપાદનની કામગીરી સહુનું ધ્યાન ખેંચે છે. ત્યારબાદ ડૉ. મંજુલાલ મજુમદારે પ્રાચ્ય વિદ્યામંદિરમાં સચવાયેલી મધ્યકાળની કાવ્યગુણથી સભર ‘ માધવાનલ કામકંદલાપ્રબંધ ‘સંપાદિત કરી હતી. તેમણે અન્ય કવિઓની કૃતિ સાથે તેનો તુલનાત્મક અભ્યાસ પણ કર્યો છે. વડોદરા યુનિવર્સિટીએ ‘ પ્રાચીન ગુર્જર ગ્રંથમાળા ‘નાં ૧૫માં ગ્રંથ તરીકે ડૉ.સુરેશ જોશી સંપાદિત કવિ નરહરિ કૃત ‘ જ્ઞાનગીતા ‘તેમજ ૧૬માં ગ્રંથ તરીકે જ્ઞાની કવિ વસ્તો વિશ્વંભરનાં ‘ વસ્તાનાં પદો ‘વગેરે હસ્તપ્રતો મેળવીને તેની સમીક્ષિત વાચના સાથે પ્રકાશિત કરેલ છે.
ઇતિહાસનાં ઊંડા અભ્યાસી અને સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ ભાષા સાહિત્યની પ્રાપ્ત સામગ્રીનો શાસ્ત્રીય વિનિયોગ કરવાનું કૌશલ ધરાવનાર એવાં ડૉ.ભોગીલાલ જ. સાંડેસરા એ પણ સંખ્યાબંધ મધ્યકાલીન કૃતિઓનાં સંપાદનો આપ્યાં છે. તેમણે તુલનાત્મક દ્રષ્ટિએ કરેલાં સંપાદનો પણ સમૃદ્ધ નીવડ્યાં છે. ડૉ.કાતિલાલ બ. વ્યાસ શ્રી. મંજુલાલ મજમુદાર, મધુસૂદન મોદી જેવાં ખંતીલા અને પ્રાચીન કૃતિઓને શોધી કાઢી એ જ કથાનકવાળી અન્ય કૃતિઓને એકત્રિત કરી તેનો તુલનાત્મક અભિગમથી મધ્યકાલીન કૃતિઓનું સપાદન કર્યું છે. સાહિત્ય વિવેચનનાં ઊંડા અભ્યાસી એવાં વાડિલાલ ચોકસીએ જૈન કવિઓ વિશે માહિતી એકત્રિત કરી એમનાં વિશે ઉત્સાહપૂર્વક સંશોધન કરી પ્રકાશિત કરતાં રહ્યાં છે.
આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીનાં અધ્યક્ષપદે રહેલાં શ્રી. ઉમાશંકર જોશી દ્વારા થયેલ સંશોધન-સંપાદનની કામગીરીનો લાભ પણ આપણને પ્રાપ્ત થયો છે.તેમણે ડૉ.હરિવલ્લભ ભાયાણી સાથે ‘ દશમસ્કંધ ‘અને રમણલાલ જોશી સાથે ‘ અખેગીતા ‘ – બંને નમૂનેદાર સપાદનો અધિકૃત વાચના સાથે પ્રકાશિત કર્યા છે. ગુજરાત વિદ્યાપીઠે પણ વર્ષો પૂર્વે ‘ ગુજરાતી ગદ્યસંદર્ભ ‘ જેવો પ્રાચીન મધ્યકાલીન ગદ્યકૃતિઓ મૂલ્યવાન સંચય મુનિશ્રી. જિનવિજયજીની પ્રેરણાથી પ્રકાશિત થયો હતો.જેમાં તરૂણપ્રભસૂરિની બારવ્રતની કથાઓ, માણિક્યચંદ્રસૂરિ કૃત ‘ પૃથ્વીચંદ્ર ચરિત્ર અપરના મ વાગ્વિલાસ ‘ વગેરેનું સંપાદન કર્યું છે. આ ઉપરાંત મગનભાઈ દેસાઈ સંપાદિત પ્રેમાનંદનાં ત્રણેક આખ્યાનો પણ પ્રકાશિત થયેલાં જોવાં મળે છે.
ગુજરાત વિદ્યાસભા, ગુજરાત સાહિત્યસભા, ફાર્બસ ગુજરાતી સભા, અન્ય કેટલીક સંસ્થાઓએ મધ્યકાલીન સાહિત્યકૃતિઓની અધિકૃત વાચનાઓ પ્રકાશિત કરી છે. ઉદા.નરસૈ મહેતાનાં પદ, પ્રેમાનંદનાં આખ્યાનો, મહાભારતનાં નાકર,વિષ્ણુદાસ તથા અન્ય કવિઓનાં પર્વોનાં સુંદર પ્રકાશનો આપ્યાં છે.ફાર્બસે ડૉ.રમેશ જાની સંપાદિત સમર્થ ઊર્મિકવિ રાજેનો કાવ્યસંગ્રહ ‘ રાજેનાં પદો ‘નામે પ્રકાશિત કર્યો છે. આ ઉપરાંત મટુભાઈ કાંટાવાળા, અંબાલાલ જાની, રામલાલ મોદી જેવાં અનેક સંશોધકોએ મધ્યકાલીન સાહિત્ય કૃતિઓનું સંપાદન કરી, પોતાની અભ્યાસ નિષ્ઠાનો પરિચય આપ્યો છે. ઉમાશંકર જોશીએ આપેલાં આખાના અભ્યાસગ્રંથને પણ આપણે ત્યાં ઉત્તમ નમૂનેદાર ગણવામાં આવ્યો છે. એમનાં અખા -પ્રેમાનંદની કૃતિઓનાં સંપાદનો પણ એટલાં જ નમૂનેદાર બન્યાં છે.ડૉ.હરિવલ્લભ ભાયાણી, ડૉ.ભોગીલાલ સાંડેસરા, કે.કા.શાસ્ત્રી, કાન્તિલાલ વ્યાસ જેવાં વિદ્વાનોએ પણ આ દિશામાં ઘણું મૂલ્યવાન પ્રદાન કર્યું છે. ભાયાણીએ મધ્યકાલીન સાહિત્યકૃતિઓમાં ઉત્તમ કક્ષાનાં સંશોધનો-સંપાદનો આપ્યા છે. તેમણે વૈજ્ઞાનિક કથામૂલક સંશોધન દ્રષ્ટિથી અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યવાળી શાસ્ત્રીય દ્રષ્ટિથી મધ્યકાલીન કૃતિઓનાં તુલનાત્મક પાઠભેદો આપ્યાં છે.
ડૉ.શિવલાલ જેસલપુરા એ નરસિંહ મહેતા, અખો, પ્રેમાનંદ જેવાં મધ્યકાળનાં સમર્થ કવિઓની સમગ્ર કૃતિઓની હસ્તપ્રતોને તેની શુદ્ધ વાચના સાથે મધ્યકાલીન કૃતિઓનાં નોંધપાત્ર સંપાદનો આપ્યાં છે આ ઉપરાંત તેનો તુલનાત્મક અભ્યાસ પણ કર્યો છે. મધ્યકાળનાં ઊંડા અભ્યાસી એવાં જયંત કોઠારીએ મધ્યકાલીન કૃતિઓનાં અધિકૃત શાસ્ત્રીય ઢબે અનેક સંપાદનો તથા મધ્યકાલીન ગુજરાતી ભાષાનો ‘ શબ્દકોશ ‘ આપ્યો છે.આ ઉપરાંત જૈન ગુર્જર કવિઓ અંગે ઊંડો અભ્યાસ દ્વારા તથ્યમૂલક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સંશોધનાત્મક અધ્યયન કર્યુ છે.
પ્રા.ભૂપેન્દ્ર બા. ત્રિવેદીએ મધ્યકાલીન સાહિત્ય કૃતિઓનાં અર્થઘટનો તેમજ અખાની તત્ત્વ વિચારણાં અંગેનાં સંપાદનો આપ્યાં છે.પ્રો.રમણલાલ ચી.શાહ જેઓ નળ દમયંતી કથાનાં વિશિષ્ટ અભ્યાસી હતા.તેમણે જૈન કૃતિઓનાં પ્રવેશક અને ટિપ્પણો સાથેનાં અભ્યાસયુક્ત સંપાદનો આપ્યાં છે.
નર્મદથી આરંભાયેલું સંશોધન-સંપાદનનું કાર્ય ક્રમે ક્રમે વિસ્તરતું ગયું છે. એમાં શાસ્ત્રીયતા પ્રવેશતાં અધિકૃત વાચનાઓ પણ સમયાંતરે પ્રકાશિત થતી આવી છે. પ્રેમાનંદનાં આખ્યાનો ઉપરાંત ‘ હંસાઉલી ‘, ‘ સહ્રયત્સ ચરિત્ર ‘, ‘માધવાનલકામકંદલા પ્રબંધ ‘, ‘ રણમલ્લછંદ ‘, શાલિસૂરિનું ‘ વિરાટપર્વ ‘ તથા અખો,પ્રેમાનંદ, શામળ, દયારામની મહત્ત્વની કૃતિઓનાં શાસ્ત્રીય સંપાદનો આપણને પ્રાપ્ત થયાં છે. હજુ પણ ઘણાં મધ્યકાલીન ફાગુ – બારમાસીઓનાં સંગ્રહો ભંડારોમાં સંગ્રહાયેલાં જોવાં મળે છે. જેમનાં શાસ્ત્રીય સંપાદન બાકી છે. અદ્યતન સમયમાં રમેશ શુક્લ, બળવંત જાની, કાન્તિભાઈ શાહ, દર્શના ધોળકિયા, કીર્તિદા શાહ વગેરે આ અંગે સજજતાથી મધ્યકાલીન કૃતિઓની સેર આગળ વધારી રહ્યાં છે. આ ઉપરાંત આપણી વિદ્યાકીય સંસ્થાઓ દ્વારા પણ આ દિશામાં કાર્ય થઈ રહ્યું છે. મધ્યકાળની કૃતિઓને સંપાદિત કરવાનો પ્રવાહ વેગવંતો બનતો જાય અને આપણી પાસે પ્રાપ્ત સચવાયેલી જૂની હસ્તપ્રતો અદ્યતન પેઢી માટે અલભ્ય ન બની જાય એ પૂર્વે આપણે પણ મધ્યકાળનાં સંશોધન સંપાદનમાં જાગૃતતા લાવવી જરૂરી બને છે. અને આવી કૃતિઓનાં મૂળ પાઠ સુધી પહોંચવાં માટે સંશોધકો અને વિદ્વાનોએ આ કાર્ય હાથ ધરવું જોઈએ.જેથી મધ્યકાલીન સાહિત્યવૈભવ પૂર્ણ રીતે પ્રકાશમાં લાવી શકાય અને આપણો આ મધ્યકાલીન સાહિત્ય વારસો જાળવી પણ શકાય.
આમ, સમગ્રતયા વિહંગાવલોકન કરતાં આપણે ગૌરવ અનુભવીએ છે કારણ આપણને ઘણાં બધાં શ્રેષ્ઠ સર્જકો, વિદ્વાનો, સંશોધકો- સંપાદકો પાસેથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને લગતું ઘણું બધું સાહિત્ય પ્રાપ્ત થઈ શક્યું છે.
* * * *
સંદર્ભ :
૧.ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (મધ્યકાળ) – અનંતરાય રાવળ ,ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય પ્ર.આ.૧૯૯૨.
૨. ‘બુદ્ધિપ્રકાશ’ (વર્ષ ૧૮૫૪- વર્ષ૨૦૧૬) સંપા.મધુસૂદન પારેખ, રમેશ શાહ,ગુજરાત વિદ્યાસભા,અમદાવાદ,પ્ર .અંક. ૧૮૫૦.
૩.કેટલાંક સંશોધનો પ્રાચીન ગ્રંથોમાં – ભોગીલાલ જ. સાંડેસરા, નવચેતન પ્રકાશન, પ્ર.આ.
૧૯૭૬.
૪.મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – હસુ યાજ્ઞિક, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ પ્ર.આ.
૨૦૧૩.
ઝાલા ચેતના પ્રતાપસિંહ
અનુસ્નાતક ગુજરાતી વિભાગ,વલ્લભવિદ્યાનગર.
ઈમેલ : zalachetana9@gmail.com
Mo.no : 8780804931
Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 5 September – October 2024