મણિલાલ નભુભાઈ દ્વિવેદીના સ્ત્રી કેળવણી વિષયક વિચારો- પ્રિયંકા ત્રિકમભાઈ પરમાર

મણિલાલ નભુભાઈ દ્વિવેદી પંડિતયુગના એક અગ્રણી સાક્ષર તરીકે ગુજરાતી સાહિત્યમાં કાયનું સ્થાન પામ્યા છે. કવિતા, નાટક, નવલકથા, ચરિત્ર, નિબંધ, વિવેચન, ભાષાંતર, સંશોધન, સંપાદન એમ અનેક ક્ષેત્રોમાં તેમની ચેતનવંતી લેખિનીએ વિહાર કરેલો છે. ભારતના પ્રથમ પંક્તિના પંડિત તરીકે તેઓ એમના સમયમાં છેક ઈંગ્લેન્ડ અને અમેરિકા સુધી ખ્યાતિ પામ્યા હતા. ચાળીસ વર્ષની અલ્પ આયુષમાં વિપુલ સાહિત્યભંડાર મૂકી જનાર આ સાક્ષરવર્યના સ્વર્ગારોહણને ઘણા વધારે વર્ષ પૂરા થયા છે. એ સમયગાળામાં સમાજસુધારો કેળવાયેલા વર્ગનું મુખ્ય લક્ષ્યબિંદુ બન્યો હતો. ગુજરાતના શિક્ષિત સમાજમાં એવી જાગૃતિ આણી હતી કે હિન્દુ સમાજના જુના રિવાજોનો નાશ કરીને લગ્ન, જ્ઞાતિ, સ્ત્રી-પુરુષ સમાનતા, કેળવણી આદિ વિષયોમાં તે પ્રગતિ સાધવા માગતો હતો. એ સમયમાં સ્ત્રી-પુરુષ સમાનતાનો સિદ્ધાંત તેમને માન્ય નથી. તેઓ સ્ત્રી અને પુરુષને એકબીજાનાં પૂરક તરીકે સ્થાપી બતાવે છે અને તેથી બંનેની કેળવણી પણ ભિન્ન હોવી જોઈએ તેવું પ્રતિપાદન કરે છે.

મણિલાલ સ્ત્રી-પુરુષ સ્વભાવભેદને આગળ ધરીને તેઓ સ્ત્રીને પોષકશક્તિ અને પુરુષને ઉત્પાદક શક્તિ તરીકે ગણાવીને બંનેના શારીરિક અને માનસિક બંધારણમાં રહેલો ફરક તારવી આપે છે. ‘પુરુષ’ શરીરબળપ્રધાન છે અને સ્ત્રી માનસિક બલ પ્રધાન છે. એમ કરીને બંનેને એકબીજાના પૂરક તરીકે સ્થાપે છે.

મણિલાલના સુધારાસંબંધી લખાણોનો પ્રારંભ ‘નારીપ્રતિષ્ઠા’થી થાય છે. જેમાં તેમણે સ્ત્રી કેળવણીની નિઃસંકોચ હિમાયત કરી છે. દેશની ઉન્નતિનો વિચાર સ્ત્રી શિક્ષણ વગર થઈ શકે નહિ.

મણિલાલના સ્ત્રી કેળવણી વિષયક વિચારોને વર્તમાન પરિસ્થિતિઓના સંદર્ભમાં વિચારીએ તો આજે પણ તે વિચારોની સાર્થકતા એટલી જ છે જે તે સમયે પણ હતી. પ્રાચીન અને નવીન બંનેનું અવલોકન કરીને પોતાનું તાત્વિક દ્રષ્ટિબિંદુ તેઓ રજુ કરે છે. પરદેશગમન, સ્ત્રી કેળવણી લગ્નમાં સ્ત્રી પુરુષની સંમતિ, બાળલગ્ન કન્યાવિક્રય વગેરે સુધારાઓ ઈચ્છ્યા હતા.

દેશની ઉન્નતિનો વિચાર સુશિક્ષિતો વગર થઈ શકે નહીં. દેશના સંસ્કાર વિકાસ યોજનાના એક અંગરૂપે મણિલાલે શિક્ષણ તત્વ અને પદ્ધતિની પર્યાલોચન કરી છે તેમના કેળવણી વિષયક વિચારો વ્યાપક અને અદ્યતન સ્વરૂપ ધારણ કરે છે. તેઓ કહે છે કે, “કેળવણી એટલે માણસની સર્વ રીતની સુધારણા તે એવી કે, જેથી કરી તેને જે કર્તવ્ય કર્મ કરવાના હોય તેમાં તે સફળ થાય, સુખી થાય.”

સ્ત્રી પુરુષ સમાનતા

વિધાતાની સૃષ્ટિમાં પ્રત્યેક વસ્તુ સજોડ દીઠામાં આવે છે. જેમાં પશુવર્ગ, મનુષ્યવર્ગ એ સર્વેમાં સ્ત્રી અને પુરુષ એવી જોડી જણાય છે. આવી જાતની વિજાતીય સૃષ્ટિ રચવાનો મુખ્ય હેતુ વૃદ્ધિ સિવાય બીજો જણાતો નથી સ્ત્રી એ પોષકશક્તિનું સ્વરૂપ છે. પુરુષ બંનેના યોગ વિના સૃષ્ટિકાર્ય સંભવતું નથી. વળી, ઈશ્વર પોતે પણ એ શક્તિ વિના જગત રચી શકતો નથી. એ પુરાણમાં પણ કહે છે જ્યારે પોષકશક્તિ અને ઉત્પાદક શક્તિ ભેગા થાય ત્યારે જ એક આખી શક્તિ-આનંદ ઉત્પન્ન થવાની. આ પરથી સહજ સમજાશે કે સ્ત્રી અને પુરુષ અન્યોન્યનાં અર્ધા અંગ છે. અને સ્ત્રી ખરેખરી અર્ધાંગના જ છે. અહીં મણિલાલ સ્ત્રી અને પુરુષના સમાન હકની વાત કરે છે. જો પુરુષો નોકરી કરતા હોય તો સ્ત્રીઓ પણ કરવાનો અધિકાર છે. સ્ત્રીઓના અધિકારો વિષે એક બાબતમાં તે જરાય પડતુ મૂકવા તૈયાર નથી. તેઓ જણાવે છે કે કાયદાએ પણ સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ જાતની અસમાનતા રાખવી જોઈએ નહીં. દીકરા અને દીકરી વચ્ચે કોઈ જાતનો ભેદભાવ ન હોવા જોઈએ.

જે રૂઢિ અને કાયદાના ઘડતરમાં સ્ત્રીઓ કોઈજ હિસ્સો ન હોતો, જેને માટે કેવળ પુરુષ જ જવાબદાર છે તે કાયદા અને રૂઢિનો જુલમ નીચે સ્ત્રી કચડાતી આવી છે. સમાજની વ્યવસ્થામાં રચાયેલી જીવનની યોજનામાં પુરુષને પોતાનું ભાવિ નિર્માણ કરવાનો જેવો અને જેટલો અધિકારી છે તેવો ને તેટલો જ પોતાનું ભાવિ નક્કી કરવાનો હક સ્ત્રીનો છે.

પ્રત્યેક સમાજ ઘડતરનું સૌથી મોટું યંગ સ્ત્રી છે મનુએ પણ પોતાની સ્મૃતિમાં કહ્યું છે કે, જ્યાં સ્ત્રીવર્ગની સ્થિતિ અધમ છે, ત્યાં ધર્મ નથી. સ્ત્રી એક દિકરી તરીકે, પત્ની તરીકે મિત્ર તરીકે માતા તરીકે વગેરે અલગ-અલગ સ્વરૂપમાં તે જોવા મળે છે. સ્ત્રીઓની માતા તરીકેની મહત્તા તપાસીએ તો સ્ત્રીઓની વિશેષ બુદ્ધિ દરેક વિદ્વાન પુરુષે વખાણેલી છે. પોતાના બાળકને નાની-નાની બાબતોને સારા માર્ગે ચલાવવાની ટેવ પાડવાથી બાળકના મનમાં મારા સંસ્કારોનું બીજ રોપે છે. જે જીવનમાં આગળ જતાં પુરવાર થાય. આવું કાર્ય કરવામાં સારામાં સારો શિક્ષક પણ સારી માતા કરતાં ઉતરતો છે.

જ્યારે આપણે એક પુરુષને શિક્ષણ કરીએ છીએ ત્યારે માત્ર એક પુરુષને શિક્ષિત કરીએ છીએ, પરંતુ સ્ત્રીને શિક્ષિત કરીએ છીએ. એક શિક્ષિત સ્ત્રી એ પરિવારમાં એક મુશ્કેલીઓ સામે ટકી રહેનારો મજબૂત સ્તંભ છે. એક માતા તરીકે ભાવિ પેઢીના ઘડતર માટે પણ સ્ત્રીનું શિક્ષિત હોવું આવશ્યક છે, પરંતુ દુઃખની વાત એ છે કે મફત કન્યા કેળવણી અને ‘બેટી બચાવો’ નારા વચ્ચે પણ ભારતમાં 64.7 ટકા સ્ત્રી જ શિક્ષિત છે. જીવનના દરેક ક્ષેત્રોમાં સ્ત્રીઓએ સફળતાનો ડંકો વગાડ્યો છે. સ્ત્રીની મહેનત અને દ્રષ્ટિની સાથે શિક્ષણે પણ સચોટ ભૂમિકા ભજવી છે. શિક્ષણ સ્ત્રીને માત્ર આંખો જ નહીં પાંખો પણ આપે છે. શિક્ષિત બન્યા પછી સ્ત્રી પોતાના સંતાનોને જીવનમાં સારા માર્ગે આગળ વધારવા પ્રયત્ન કરશે. દીકરીને માત્ર રસોડાને હવાલે કરતાં પહેલાં તેને ભણતર અને ગણતરમાં ટોચે પહોંચાડવાનો પ્રયત્ન કરશે.

સમાજ ઘડતરના આધારરૂપ નારીને તેના તેમજ સમાજ શ્રેય સારુ ભણાવવાની આવશ્યકતા પર મણિલાલે ભાર મૂક્યો છે સ્ત્રી ધર્મજ્ઞાન, કર્મજ્ઞાન, વ્યવહારજ્ઞાન અને સ્ત્રી પોતાની જાત ઉપર ઉભી રહી શકે એટલે કે આજીવિકા સિદ્ધ થાય તે વિષયનું જ્ઞાન ત્રણ મળી કેળવણીનો વિષય પૂરો થાય છે.

બાળલગ્નનો વિરોધ

લગ્ન એ સમાજ સુધારણાનો પ્રાણપ્રશ્ન છે. પુરોગામી તથા સમકાલીન સુધારકોની માફક મણિલાલ બાળલગ્નનો તિરસ્કાર કરતા હતા. બાળપણમાં લગ્ન કરવાને કારણે આપણા સમાજમાં ભાગ્યે જ સોમાંથી બે ત્રણ જોડાં એવાં નીવડે છે કે પરિપૂર્ણ સુખી હોય. પરણેલાં સ્ત્રી-પુરુષોને જે દુઃખ આવી પડે છે તે બધામાંના પોણાભાગના દુઃખ બાળલગ્નમાંથી થયેલાં હોય છે. આપણા શાસ્ત્રમાં લગ્નને એક પવિત્ર અને અખંડ બંધનમાં શાસ્ત્રમાં લગ્નને એક પવિત્ર અને અખંડ બંધનમાં મનાય છે. લગ્ન એટલે શું તે સમજતા પહેલાં બાળકોને પરણાવી દેવાં એ ઘણું ભયભરેલું અને તેમને જીવતેજીવત મોટા દુઃખના ખાડામાં નાંખ્યા જેવું છે આપણા સમાજમાં પુરુષને 21 વર્ષ અને સ્ત્રીને 18 વર્ષે લગ્ન કરવાની જોગવાઈછે. એ જ હેતુથી કે સ્ત્રી-પુરુષ એકબીજાના સ્વભાવ વગેરેને ઓળખી શકે, અને યોગ્ય જણાય તો જ લગ્નસંબંધથી જોડાય. નિર્બળ શરીર અને નિર્બળ મનવાળાં છોકરાં શરીરે દુ-ખી થઈને તથા સારો વિરોધાભ્યાસ વગેરે ન કરતાં કુમાર્ગે જઈને દુઃખ પેદા કરે છે.

જો સ્ત્રી કેળવણી પામેલી હશે તો આવા પ્રકારના લગ્નસંબંધથી ક્યારેક જોડાતી નથી. કેળવણી પામેલી સ્ત્રી પોતાનાં બાળકોને પણ પૂરી વય થયા વગર બાળલગ્ન કદાપિ કરાવી શકતી નથી. જો આપણે સ્ત્રી-પુરુષ સંબંધને તંદુરસ્તી અને પવિત્ર દ્રષ્ટિએ જોઈએ અન આપણી જાતને ભાવી પેઢીના નૈતિક કલ્યાણના ટ્રસ્ટી તરીકે લેખીએ તો અત્યારના મોટાભાગનાં દુઃખો નિવારી શકાય એમાં શંકા નથી.

નારી પ્રતિષ્ઠા અને પુનર્લગ્ન

મણિલાલે પોતાના સ્ત્રી કેળવણી વિષયક વિચારોમાં નારી પ્રતિષ્ઠા અને પુનર્લગ્ન સંબંધી વિષયને જણાવ્યો છે. આ સંસારમાં આપણી પ્રીતિ અનેક પ્રાણી અને બીજી વસ્તુઓ સાથે જોડાય છે તે પ્રમાણે એક વખત એક પુરુષની સાથે લગ્ન કર્યા પછી તે દેવયોગે ગુજરી ગયો તો બીજા પુરુષ સાથે લગ્ન કરવું એમાં પાપ છે, એ  સમજી શકાતું નથી જ્યારે પોતાનો પ્રિય ઘોડો મરી જાય તો બીજો લાવે છે, નોકર કામ પરથ નાસી જાય તો બીજો ચાકર રાખે છે, કપડાં જૂનાં કે બગડી જાય તો બીજા નવા કપડાં આવે છે તો પછી બિચારી અભણબાળા જે પાપ અને પુણ્યમાં બિલકુલ અજાણ છે તેનો પતિ ગુજરી જાય તો બીજો પતિ કરવો તે તેને પાપરૂપ જેનું લાગવાનું કંઈ કારણ નથી. જો આવું જ હોય તો સ્ત્રીઓએ પુનર્લગ્ન કરી શકે છે. તે પાપરૂપ નહિ પણ એ જ સ્વાભાવિક નિયમ હોવો જોઈએ. ફરીથી સ્ત્રી પોતાની નવી જીંદગી શરૂ કરે તેમાં જ પુણ્ય હોવું જોઈએ.

પુનર્લગ્ન સમાજની નજરમાં જાણે ઊતરતું કાર્ય…. સમાજ પુનઃલગ્નને જલ્દી સ્વીકારતો નથી. પહેલાનો સમય સંકુચિત હશે. પણ આ સમાજમાં આધુનિકતા આવી છે. પુનર્લગ્નને લોકો ધીમે-ધીમે અપનાવતા થયા છે. સ્ત્રી વિધવા હોય કે પછી છુટાછેડા થયેલી સ્ત્રી પોતાના જીવનને ત્યાં જ રોકી શકતી નથી. તેમજ બાળલગ્નો વગેરે ને કારણે ઘણી વખત જે ઘેર બાળવિધવાઓ હોય તેમણે હિંમત ધરીને પોતાના રક્ષણ નીચેની બાળાઓના યોગ્ય રીતે વિવાહ કરાવી દઈને સુધારો કરવો જોઈએ. વિધવા મહિલાઓ પુનઃવિવાહને લઈને હવે મક્કમતાથી વિચારી રહી છે. ઘણા લોકોને લાગે છે કે પાછળની ઉંમરમાં સહારો મળે તે માટે કદાચ આ નિર્ણય લેવામાં આવે છે. પરંતુ માત્ર આ એક કારણ નથી. હવે નોકરી કરતી અને પગભર મહિલાઓ પોતાના સંતાનો માટે ખાસ કરીને દીકરીઓના એક ઉમદા ભવિષ્યને લઈને સહકાર, સાથ અને હૂંફ માપે પુનઃલગ્ન કરી રહી છે.

આજની તારીખમાં સંતાનો પોતાના માતા-પિતા વિશે આ રીતે વિચારવા લાગ્યા છે એ વાત નાનીસુની નથી. એ સમયમાં આપણે જે વાતની કલ્પના પણ નહોતા કરી શકતા. એ આજે વાસ્તવિકતા બની ગઈ છે. ભલે તેનું પ્રમાણ નહીંવત્ છે. પરંતુ તેનો આરંભ થઈ ગયો છે. એવું નથી કે આપણે ત્યાં પુનઃલગ્નનો રિવાજ નથી. પરંતુ મોટેભાગે વિધુરો જ ફરીથી લગ્ન કરે છે એ આજના યુવાન સંતાનોની સરાહનીય વિચારધારા છે.

આપણા રાજ્યમાં વિધવા પુનઃલગ્નને પ્રોત્સાહિત કરવા માટે આ વર્ષના બજેટમાં જાહેર કરેલી ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાનું અમલીકરણ શરૂ કરવા માટે હવે મહિલા અને બાળવિકાસ વિભાગે જી. આર. બહાર પાડ્યો છે જેમાં રૂ. 25 હજારની આર્થિક સહાય આપવામાં આવી છે.

સ્ત્રી કેળવણી

પ્રાચીન યુગમાં સ્ત્રીઓને શિક્ષણ મેળવવાની તકનો સદંતર અભાવ ન હતો. પરંતુ મધ્યયુગના બાળલગ્ન અને પડદાપ્રથાને કારણે સ્ત્રીઓની ઘર બહારની પ્રવૃત્તિ પર એક નિષેધો અને નિયંત્રણો આવ્યાં. મધ્યયુગની ભારતીય સમાજના સ્ત્રીઓના શિક્ષણની જરૂર નથી એવી વિચારધારા વિકાસ પામી. અંગ્રેજોએ આગમન પછી પશ્ચિમના વ્યક્તિસ્વાતંત્ર્ય અને ઉદારમતવાદી મૂલ્યોના પ્રભાવ હેઠળ તેમજ સમાજસુધારકોના પ્રયત્નોને કારણે ભારતમાં સ્ત્રીઓ માટે શિક્ષણના દ્વાર ખુલ્લાં મુકાયાં. તે સમયગાળામાં સાક્ષર મણિલાલે નારી શિક્ષણના ઉદ્દેશ્યથી ઈ.સ. 1885ના ઓગસ્ટથી ‘પ્રિયંવદા’ સામયિકની શરૂઆત કરી. ‘પ્રિયંવદા’માં સ્ત્રી કેળવણી, આરોગ્ય, શરીર વિજ્ઞાન, સ્ત્રીઓના સાંસારિક પ્રશ્નો, સ્ત્રીઓની સામાજિક સ્થિતિ વગેરે વિશે લેખો આવતા.

જ્ઞાનબળથી આપણે બીજાં બધાં પ્રાણીઓ કરતાં અલગ છીએ અને આ જ્ઞાનબળ એ કેળવણીથી જ પ્રાપ્ત થાય છે. કેળવણી મેળવવાનો દરેક નાગરિકને અધિકાર છે અને માણસમાં સ્ત્રી અને પુરુષ બંને આવે છે તો સ્ત્રીના હક ઘણાખરા પુરુષ જેટલા જ છે તેથી પુરુષોની સ્ત્રી પણ કેળવણી લઈ શકે છે. સ્ત્રીઓના વિકાસના આધાર તરીકે શિક્ષણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે શિક્ષણ વિવિધ અધિકારોને સુરક્ષિત કરવા માટે તેમજ સ્ત્રીઓ અને મહિલાઓને સક્ષમ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિક્ષિત મહિલાઓ કામ કરવામાં અને આર્થિક રીતે મજબૂત હોવાના કારણે ગરીબીને ઓછી કરવામાં સક્ષમ છે. શિક્ષિત સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓની સરખામણીમાં તેમના બાળકોનું 50 ટકા વધુ રક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે. એક શિક્ષિત સ્ત્રી એ પરિવારનો અનેક મુશ્કેલીઓ સામે ટકી રહેનારો મજબૂત આધારસ્તંભ છે. એક માતા તરીકે, ભાવિ પેઢીના ઘડતર માટે પણ સ્ત્રીનું શિક્ષિત હોવું આવશ્યક છે. આજે જીવનમાં ધ્યેય /સંઘર્ષ અને પડકારોમાં જે ધરમૂળથી જે પરિવર્તનો આવ્યાં છે. સુખ-આનંદ અને વિકાસના નવાનવા આયામો વિસ્તર્યાં છે એવા સંજોગોમાં સ્ત્રી-શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે.

જીવનના દરેક ક્ષેત્રોમાં સ્ત્રીઓએ સફળતાનો ડંકો વગાડ્યો છે. એમાં સ્ત્રીની મહેનત અને દ્રષ્ટિની સાથે-સાથે શિક્ષણે પણ સચોટ ભૂમિકા ભજવી છે. સ્ત્રીના અલગ-અલગ રૂપમાં તે પત્ની, માતા, બેન, દિકરી વગેરે ભૂમિકામાં જોવા મળે છે. આ બધી ભૂમિકાઓ સારી રીત ભજવવા માટે માત્ર પારંપરિક અનુભવ ન શીખવતાં નવી વિકાસની ટેકનોલોજી અને દુનિયાનું જ્ઞાન તેને શિક્ષણ દ્વારા પ્રાપ્ત થશે તો તેનામાં આત્મવિશ્વાસનો વિકાસ થશે.

કેળવણી તો દુર્ગુણને કહાડનારી છે. કેટલાક લોકો સ્ત્રીને પુરુષ કરતાં ઉતરતા દરજ્જામાં જોવે છે જાણે તેની દાસી છે. કેળવણીથી જો દુર્ગુણ થતો હોય તો પુરુષે પણ ન લેવી જોઈએ હું તો કહું છુ કે પુરુષ કરતા સ્ત્રીનું મન વધારે કોમળ છે માટે જો સ્ત્રીને બાળપણથી જ કેળવવામાં આવે તો આગળ જતાં પોતાના જીવનમાં સારા પરિણામ લાવી શકે છે. કહેવાય છે કે દુનિયાનો છેડો પોતાનું ઘર અને ઘરનો છેડો પોતાની સ્ત્રી એ કહેવું ખોટું નથી. જેમ સ્ત્રી વિના સંસાર સુનો છે તેમ કેળવણી રહિત સ્ત્રીનું જીવન અંધકારરૂપ ભયંકર જંગલ જેવું છે.

ઘણા લેખકો એવા હોય છે જે કેવળ પોતાના જમાનામાં આગળરૂપ હોય છે ને કેટલાક લેખકો એવા હોય છે, જે પોતાના જમાનામાં બળોને ઝીલતાં – ઝીલતાં પોતાના જમાનાને ઘડે છે. અનેક થોડાક એવા પણ હોય છે, જેમનું સાહિત્ય એક નહીં પણ અનેક જમાનાનું ઘડતર કરીને ચિરંજીવ બને છે. શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી આ ત્રીજા કોટીના લેખક હતા.સાહિત્યકારની વિશેષ તો તેમણે પોતાના લેખનકાર્ય વડે પ્રજાને સ્વધર્મ અને સ્વસંસ્કારનું ભાન કરાવનાર સક્રિય લોકનાયક તરીકે જવાબદારી બજાવી હતી અંગ્રેજી શિક્ષણની આપણા પ્રજાજીવન પર પડેલી અસરનું મણિલાલે વિસ્તૃત પૃથ્થકરણ કર્યું છે. તેમાં સ્ત્રી સન્માનની ભાવના, સ્ત્રી કેળવણી અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ વગેરે બાબતો પર ચર્ચા કરી છે.

તત્કાલીન સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ

8 માર્ચે વિશ્વભરમાં ‘મહિલા દિવસ’ ઉજવાય છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના અન્ય અનુકરણની જેમ આપણે પણ મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ. મેં પણ અહીં મહિલા જીવનની ઉન્નતિ – અવગતિની ચર્ચા – ચિંતનનો પ્રયાસ કર્યો છે. 

‘સ્ત્રી દેવી છે, માતા છે, દુહિતા છે, ભગિની છે, પ્રેયસી છે,’ ‘સ્ત્રી’ ત્યાગમૂર્તિ છે અબળા-સબળા છે, શક્તિ છે, નારાયણી છે, પ્રેરણામૂર્તિ છે, રહસ્યમયી છે, માયાળુ અને પ્રેમાળ છે, સહનશીલ છે, લાગણીપ્રધાન છે, ‘સ્ત્રીની આગવી ઓળખ પુરુષ પ્રધાન સમાજે બનાવી છે, પરંતુ સ્ત્રી શું નથી કરી શકતી ? આ પ્રશ્નને જવાબમાં દર્શાવવો છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન સમયાનુસાર બદલાતુ રહ્યું છે, ધર્મશાસ્ત્રોએ નારીને ક્યાંક બહુમાન આપ્યુ છે; તો ક્યાંક તેને નિરાધાર પણ દર્શાવી છે.

‘નારી તું નારાયણી’ માં નારીને આદર્શ રૂપે, માતૃશક્તિ રૂપે નવાજી છે અને સાથે સાથે આજની વરવી વાસ્તવિકતા પ્રત્યે આક્રોશ પણ છે. આજે સ્ત્રી ઉત્કર્ષની વાતો અગાઉ ક્યારેય નહીં થઈ હોય એટલી થઈ રહી છે. તો બીજી બાજુ નારી પોતાની સ્વાધીનતાના પોકારો કરતી, પુરુષોની પરાવલંબી બનતી જાય છે… કાંતો એ પુરુષોની ગુલામ છે, કે એ પુરુષોની રીજવતી નારી છે. પોતાનું ઉન્નત સ્થાન ગુમાવીને તે મનોરંજનનું રમકડું બનતી જાય છે પરંતુ માનવ જાતમાં સમષ્ટિગત કરુણાઓ સ્નેહનું સિંચન કરવાની શક્તિ નારી સિવાય બીજા કોઈમાં નથી. રવિન્દ્રનાથ ટાગોર માને છે ‘સ્ત્રી’ એ સૃષ્ટિની સર્વોત્તમ કૃતિ. સ્ત્રી સમાજની નિર્માત્રી છે. મનુષ્યની ધારક, રક્ષક અને પોષક ત્રણેયની ભુમિકામાં સ્ત્રી જ છે. વિનય વિવેક અને વિનમ્રતા સ્ત્રીના સ્વભાવમાં જ છે જે ઘરની લક્ષ્મી, કુળની શાન અને કુટુંબનો પ્રાણ છે જો કે સ્ત્રીના વાસ્તવ જીવન પર નજર કરીએ તો કંઈક જુદું જ છે.  

આપણા સમાજમાં હવે સતીપ્રથાને નાબૂદ કરી દેવામાં આવી છે, પહેલાં તો પતિ મરતા ત્યારે સ્ત્રીને પતિની ચિતા સાથે બાળી મુકવામાં આવતી, પરંતુ આજે તો પતિના જીવતે જીવ અનેક સ્ત્રીઓ દહેજની હોળીની આગમાં ભડકે બળે છે. આ ઘટનાઓ સતીપ્રથા કરતાંય વધારે ભયંકર છે મને લાગે છે કે આ હત્યાના પ્રકારો ભલે બદલાયા હોય, સ્ત્રીની હત્યા તો અત્યારે પણ એવી ને એવી ચાલુ જ છે. પહેલાના સમયમાં દીકરીને દૂધપીતી કરવામાં આવે છે આજે તો ગર્ભપરીક્ષણની મદદથી તેને ગર્ભમાં જ તેને મારી નાખવામાં આવે છે. જીવંત સ્ત્રીઓ પરના અત્યાચારોમાં સતત વૃદ્ધિ થતી જાય છે ભારતમાં છેલ્લા ચાલીસ વર્ષમાં બળાત્કારની ઘટનાઓમાં વધારો થયો છે, સ્ત્રીઓ સાથે અભદ્ર વાણી-વર્તન, મારઝૂડ, બળાત્કાર, મજબૂરીને કારણે વેશ્યાગીરી કે પછી આપઘાત કે હત્યા જેવી દુર્ઘટનાઓમાં ‘નારી તુ નારાયણી’ બનવાનું તો બાજુ પર, પણ તેના અસ્તિત્વ સામે જ ખતરો છે. આજે પણ લાખો સ્ત્રીઓ માટે સ્ત્રી હોવુ જ એક સમસ્યા છે.

આજે સ્ત્રીનું દેહ-લાલિત્ય ચારેકોર લિલામ થઈ રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં સ્ત્રી-દેહનું જ પ્રદર્શન ! સમાજ માટે સ્ત્રી એક વ્યક્તિ નહી, વસ્તુ છે, બજારની વસ્તુ છે. જાહેરાતો કે સિનેમાના પોસ્ટરોમાં સ્ત્રીનો દેહ દેખાડ્યા વિના તો જાણે આ દુનિયામાં કોઈ ચીજ વેચાતી જ નથી, સ્ત્રી તરીકે જાગૃત નાગરિક તરીકે પણ તેનો જોરદાર વિરોધ કરવો જોઈએ. મહાસતી અનસૂર્યાએ પોતાના તપોબળથી જ ત્રિદેવને મૃગબાળ બનાવી પારણામાં પોઢાડી દીધા હતા. સતી પાર્વતીએ પોતાના પતિના અપમાન માટે યોગબળથી અગ્નિ પ્રગટાવી વિલોપન કર્યું અને સતી સાવિત્રી યમરાજને જીતીને પોતાના પતિને સજીવન કરી શકી હતી… આટલી શક્તિ કુદરતે નારીમાં મુકી છે. આ સ્ત્રી શક્તિ ઓળખી પુરુષ જો એમાં સહભાગી બને પુરુષનું પુરુષત્વ અને સ્ત્રીનું સ્ત્રીત્વ પૂર્ણ બળ સ્ત્રી જન્મે દુર્બળ નહોતી. પરંતુ પુરુષપ્રધાન સમાજે એના માટે ઘડી રાખેલાં આદર્શો, રૂપ અને દુર્બળ બનાવી દીધી છે. તેની ફરતે આદર્શોની એવી જાળ ગૂંથવામાં આવી કે સ્ત્રી રાજીખુશીથી એ જાળમાં ફસાતી ગઈ. જે સ્ત્રીને શિક્ષણ દ્વારા નવજાગૃતિ મળી તેમજ પશ્ચિમી સભ્યતા, સંસ્કૃતિના પ્રભાવે નારી અસ્તિત્વ ને એક નવી દિશા મળી સ્વતંત્ર નિર્ણય લેવાની તક મળી છે. વ્યક્તિ તરીકે સ્વતંત્ર રીતે વિચારવાનો, રહેવાનો કોઈ અધિકાર નથી તે પણ ભારતની એક સ્વતંત્ર નાગરિક છે.

જુદાં – જુદાં ક્ષેત્રે સ્ત્રીએ સિદ્ધિ સર કરી છે. નારીએ સતત્ પોતાના વિકાસ માર્ગની અડચણોને દૂર કરી આગળ વધી રહી છે આપણો ભારત દેશ સ્વતંત્ર પણ નહોતો ત્યારથી સ્ત્રીઓનું યોગદાન રહેલું છે. આઝાદીની ચળવળમાં મકામ કાના, સરોજીની નાયડુ, કસ્તુરબા વગેરે રાજકારણમાં ઈન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, રાષ્ટ્રપતિ પદે પ્રતિભા પાટીલ, લોકસભા સ્પીકર મીરાંકુમાર વગેરે, સાહિત્ય ક્ષેત્રે મહાશ્વેતા દેવી, આશાપૂર્ણા દેવી, અરુંધતી રોય વગેરે અભિનય ક્ષેત્રે ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા, સંગીત ક્ષેત્રે લતા મંગેશકર, આશા ભોંસલે, શ્રેયા ગોસાલ વગેરે… વ્યવસાયક્ષેત્રે ઈન્દ્રા ગૂઈ, કિરણ મજુમદાર, ચંદા કોચર જેવી અનેક મહિલાઓએ અનેક ક્ષેત્રોને સફળતાથી સર કરી સ્ત્રીએ પોતાની અપાર શક્તિનો પરિચય કરાવી દીધો છે મહિલાઓની સફળતાને આંકડામાં જોઈએ તો વિશ્વના 20 ટકા અને એશિયામાં 26 ટકાથી વધારે વ્યવસાય મહિલાઓના નિયંત્રણ હેઠળ છે. દેશમાં આશરે 702 અબજ રૂપિયાની વધારે ઈન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગ મોટા પાયે બહેનો જ સંભાળી રહી છે, ઘૂમટામાં રહેતી બહેનો, મજૂરી કરતી બહેનો પણ અત્યારે મોબાઈલ, કમ્પ્યુટર, ઈન્ટરનેટ થી દેશ-વિદેશની માહિતી મેળવી રહી છે. સ્ત્રી જ્યારે પોતાની આગવી સૂઝથી દરેક કાર્યમાં આગળ વધી રહી છે.

સંદર્ભસૂચિ

  1. ઠાકર ધીરુભાઈ (2003), સુદર્શન ગદ્યગુચ્છ-2, પ્રથમ આવૃત્તિ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર.
  2. ઠાકર ધીરુભાઈ (2005), મણિલાલ નભુભાઈ જીવનરંગ, બીજી આવૃત્તિ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
  3. ઠાકર ધીરુભાઈ (2011), કેટલાક સાહિત્યિક વિવાદો (પહેલી આવૃત્તિ), ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ.
  4. https:://sandesh.com/woman-for-education-how-much/સ્ત્રી માટે શિક્ષણ કેટલું અનિવાર્ય કેટલું આવશ્યક ?
  5. https://gu.m.wikipedia.org

પ્રિયંકા ત્રિકમભાઈ પરમાર, પીએચ.ડી. રીસર્ચ સ્કોલર, ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.

Prayas An Extension… A Peer reviewed literary e journal, ISSN – 2582-8681, vol. 4, Issue 1, Jan.-Feb:2023