રાવજીના સમકાલીન અને તેની જેમ અલ્પ આયુષ્ય ભોગવનાર મણિલાલ ભગવાનજી દેસાઈ વલસાડ પાસેના ગોરગામના વતની. તેમનો જીવનકાળ ઈ.સ.૧૯૪૯થી ઈ.સ.૧૯૬૬નો ગણાય છે. યુવાવયે – ૨૬ વર્ષ અને ૧૦ માસે તેમનું નિધન અમદાવાદમાં થયેલું. ગ્રામપરિવેશ અને કૃષિસંસ્કાર જન્મજાત એમના લોહીમાં એકાકાર હતા.
રાવજી પટેલના મૃત્યુ બાદ રઘુવીર ચૌધરીએ ‘અંગત’ નું સંપાદન કરી રાવજીની તમામ કવિતાઓ એક સાથે સંગ્રહ કરેલી, તેમ મણિલાલ દેસાઈના મૃત્યુ બાદ કવિ જયંત પારેખે ‘રાનેરી’ (૧૯૬૮) રૂપે મણિલાલ દેસાઈના કાવ્યો એક સંગ્રહરૂપે પ્રકાશિત કર્યા. મણીલાલે ‘ચીગો’ નામની નવલકથા લખવાની શરૂ કરેલી પરંતુ, તેમના અચાનક નિધનને કારણે તે અધૂરી રહી ગયેલી.
‘રાનેરી’ ને વાંચતા પ્રથમ નજરે જ સમજાય કે આ કાવ્યો ઈ.સ.૧૯૬૦થી ઈ.સ.૧૯૬૬ દરમિયાન એટલે કે માત્ર છ વર્ષના સમયગાળામાં રચાયાં છે. ‘રાનેરી’ કાવ્યસંગ્રહમાં ગીત, સોનેટ, અછાંદસ રચનાઓ, ગઝલ, લઘુકાવ્યો વગેરે છે. ‘ગાંધીજીના શિષ્યો’ એ મણીલાલની પ્રથમ રચના. ‘રાત’, ‘નગર’, ‘પલ’, ‘અંધારું’, ‘તોય તમે ના આવ્યા’, ‘અમદાવાદ’, ‘બોલ વાલમના’, ‘રાનેરી’ ‘જંગલો’, ‘રંગલયગતિ’ – વગેરે મણિલાલની સત્વવંતી રચનાઓ છે.
ગુજરાતી સાહિત્યમાં રાધા-કૃષ્ણ પ્રેમના પ્રતિક તરીકે આવે છે. સુરેશ દલાલ હોય કે હરીન્દ્ર દવે, કૃષ્ણ દવે હોય કે પ્રિયકાંત મણિયાર. એમની જેમ જ મણિલાલ દેસાઈએ પણ ગીતકાવ્યોમાં રાધાકૃષ્ણને વિષય બનાવી પ્રણય- વિરહનું સુંદર આલેખન કર્યું છે. ‘સખી કહો રે’, ‘મળે રાધા જો’, ‘ઉજાગરો’, ‘દોહ્યલુ કામ’, ‘મારા લાલને’, ‘હળવે રહીને’, – વગેરે જેવા અનેક રાધા-કૃષ્ણ વિષયક ગીતકાવ્યો મણિલાલે રચ્યાં છે. ગીત એ મણીલાલનું સાદ્યંત નૈસર્ગિક કાવ્ય વાહન રહ્યું છે. તેમણે પોતાના ગીતોમાં લયની અનેક ભંગીઓ રજૂ કરી છે. કૃષ્ણ અને રાધાના કાવ્યોમાં વિરહનું આલેખન વિશેષ જોવા મળે છે. જ્યારે અન્ય રચનાઓમાં પ્રણયની અંકુરિત લાગણીનો સ્વતંત્ર ભાવ, વિરહની વ્યાકુળતા, પ્રણયમાં રીસામણા-મનામણા, વિસ્મરણ માટે કરાતા પ્રયત્નો – વગેરે અનેકવિધ ભાવો સર્જકે પ્રતીક – કલ્પનો થકી આલેખ્યા છે.
‘સખી કહો રે’ નામક ગીતમાં કવિ પ્રણયમાં આશા અને વિરહની પરાકાષ્ઠાનું વર્ણન કરવા પ્રેમના પ્રતિક એવા કૃષ્ણને માધ્યમ બનાવી કહે છે:
“અંતરમાં આગ ઓકે વિરહનો દાવાનળ,
ફાગણની લુય વાય શ્વાસે
ઉનાળો આમ સખી નિશ્વાસે નિશ્વાસે,
હૈયુ ભરેલ શ્યામ આશે
સખી ! કહો રે, મરું હર એક શ્વાસે.”
સામાન્ય રીતે સાહિત્યમાં અને જીવનમાં જે દિવસો પ્રણયીજનોને મારતા હોય છે તે છે વસંત ઋતુ અને વર્ષાઋતુના દિવસો. ફાગણમાં લૂ ના હોય. ફાગણ એટલે રંગોનો ઉલ્લાસ. ચારે બાજુ પ્રકૃતિ ખીલી હોય છે પણ પ્રિયતમ પાસે નથી તેથી પ્રેમિકાને ફાગણનો પવન લૂ જેવો લાગે છે. અહીં વપરાયેલ નિશ્વાસે નિશ્વાસે દ્વિરુક્ત શબ્દપ્રયોગ વિરહની ઉષ્ણતાને પ્રગટાવે છે. એક રીતે ઉનાળો છે છતાં હૈયું શ્યામની આશથી ભરેલું છે. અહીં વિરોધાભાસ સાથે સર્જકે ચમત્કૃતિ સર્જી છે, ને અંત જુઓ:
“કઇ રે ઋતુમાં તને વાંસળી વ્હાલી કહે,
સુદર્શન ક્યારે તું ધારે?
હર ક્ષણ, હરેક ઋતુ મારે,
કહે તુ શ્યામ !કઇ રે ઋતુમાં વધારે.”
આ ગીતકાવ્યમાં ઉત્તમકોટિના પ્રેમ અને વિશુદ્ધ વિરહની પ્રતીતિ થાય છે. ‘મળે રાધા જો’ રચનામાં કવિએ કૃષ્ણ અને રાધા પ્રત્યેના પોતાના ભક્તિભાવને ગાયો છે:
“મળે રાધા જો કોઈને તો કહેજો
કે નીર મને યમુનાના વ્હાલા છે એટલા જ,
મળે માધવ જો કોઈને તો કહેજો,
કે તીર મને સૂરના વ્હાલા છે હજુ એટલા જ.”
કવિ પોતાનો ભાવ વ્યક્ત કરતા કહે છે કે જો કોઇને રાધા મળે તો કહેજો કે યમુનાના નીર મને એટલાં જ વ્હાલાં છે જેટલાં તમને છે. તો કૃષ્ણને સંબોધતા કહે છે: કૃષ્ણની વાંસળીમાંથી ઉત્પન્ન થતાં સૂરરૂપી તીર પણ હજુ એટલા જ વ્હાલાં છે. અને છેલ્લે કવિ કહે છે:
“માધવના મનમાં ગોકુળ વસ્યા કેટલા”
અહીં કવિએ માધવના મનની વાત રાધાને પૂછતાં રાધા અને કૃષ્ણની અંતરંગતા, સમીપતાનુ દર્શન કરાવ્યું છે. સંદેશો મોકલતી આ ગીત રચના રાધાકૃષ્ણની પ્રીતિ પ્રત્યેની પ્રીતભક્તિ અભિવ્યંજીત કરે છે.
‘હળવે રહીને હાક મારો’ માં પ્રણયમાં લોકોની બીક જેવી સામાન્ય બાબતને કાવ્યાત્મક ચમત્કૃતિનો ઓપ આપ્યો છે.
“સુતેલી સૈયર આ જાગી જશે ને
વહી જાશે રે વાત પ્રીત કેરી;
નહીં રહે રાત આ સુનેરી.
ઘર ઘર ને ગલી ગલી વાત થશે ભલી ભલી,
હળવે રહીને હાક મારો.”
નાયિકાની સાથે એની બહેનપણી પણ સુતેલી છે. એ જો જાગી જશે તો કાલે સવારે પ્રણયની વાત ખુલ્લી પડી જશે. અહીં કવિ ઘેર ઘેર અને ગલી ગલી પોતાના પ્રેમની વાત ખુલ્લી ન થઈ જાય તે માટે હળવે રહીને પ્રેમીને હાક મારવાનું કહે છે. તો ‘ઉજાગરો’ માં સર્જકે રાધાકૃષ્ણને માધ્યમ બનાવી વિરહની વ્યાકુળતા તો વ્યક્ત કરી જ છે, સાથોસાથ મિલનની મધુરતાને પણ વાગોળી છે.
“સુણીને મોરલીનો નાદ મધરાતે હું
ઝબકી ને એવી તો જાગી
ત્યારથી આ નૈણાને ક્યાંય ન ગોઠતું,
સખીઓ સૌ સંદેશા કહી કહી થાકી ને તોય નહીં આવ્યો કહ્યાગરો
સખી! મારી આંખોમાં ખૂંચે ઉજાગરો.”
ઉજાગરો એટલે રાતોનું જાગરણ. પિયુના મીલનમાં જે ઉજાગરો મીઠો લાગે છે. તે જ ઉજાગરો વિરહમાં આકરો લાગે છે. આંખોમાં ખૂંચે છે. ઉજાગરાને જોવાની કવિની રીત અહીં કંઈક અનોખી જ છે. પ્રેમી છે તો કહ્યાગરો પણ આજ કેટલાય સંદેશા કહેવડાવ્યા પછી પણ એ આવ્યો નથી. ને જ્યારે તે સુતેલી છે ત્યારે પણ તેના મનમાં પિયુની જ રઢ છે આંખમાં જાણે કસ્તર પડ્યુ હોય ને આંખ મીંચાય નહીં તેમ આજે પિયુ મિલનની યાદમાં આંખે ઉજાગરો વેઠ્યો છે. નાયિકાનો આ પ્રેમી, પ્રેમિકાના હૃદયમાં કેટલાય પ્રણય- વિરહના મધુર ભાવો જગાડી જાય છે.
સંસ્કૃત સાહિત્યમાં કવિ જયદેવે ‘ગીતગોવિંદ’ માં જે મિલનશૃંગાર ગાયો છે, તેવો જ અહીં મણિલાલે પણ ગયો છે. ‘તોય તમે ના આવિયા’, ‘તમે આવો ત્યારે’, ‘તમે નહોતા ત્યારે’, ‘અંધારું’ – ઉત્તમ રચનાઓ છે, ‘અંધારું’ ની પંક્તિઓ જુઓ:
“અંધારું આંખોમાં આંજ્યુ અંજાય,
એને ઘૂમટામાં સાત્યુ સંતાય મારા બાલમા
અંધારુ પીળું આકાશ નહી બાલમા,
અંધારું લાલ લાલ સુંવાળું ફુલ.”
લાલ રંગ પ્રીતિનો રંગ ગણાય છે. માટે કવિએ અહીં અંધારાને લાલ કહ્યું છે. આવું જ એક બીજું ગીત ‘રાતના ફુલ’ નાયિકાના મુખમાં મુકાયું છે. ‘વાલમા’ ના સંબોધન દ્વારા સ્ત્રીસહજ જીદનો લટકો અને લહેકો ભાવસ્થિતિને ઉપસાવી આપે છે.
‘સવાર મારા હોઠ પર ચુંબન કરે છે’ એ કાવ્યમાં સવાર-સાંજ-રાત એ ત્રણેયને સર્જકે એક આક્રમક સ્ત્રી કલ્પીને પ્રકૃતિ વર્ણન કર્યું છે. સવાર સાંજ અને રાતની ત્રાસજનક પરિસ્થિતિ ઉપર જાતીય હિંસક આવેગનો આરોપણ થયેલું જોવા મળે છે. ‘બોલ વાલમના’ એ તો એમની સારી એવી કીર્તિ પામેલી ગીતરચના છે. એકમાત્ર ‘રાનેરી’ થી ગુજરાતી કવિતા સાહિત્યમાં ચિરંજીવી સ્થાન અંકિત કરનાર મણિલાલ દેસાઈનું ગીતકાવ્ય ‘બોલ વાલમના’ ગુજરાતી કાવ્યરસિક ભાવકોમાં ખૂબ જ લોકપ્રિય છે. લોકગીત શૈલીનું આ ગીત વારંવાર જુદા જુદા ગાયકોના કંઠે સાંભળવા મળે છે. માત્ર ગાયકીને લક્ષમાં લઇ કેટલાક લોકો અજાણતા પણ એને લોકગીતના ખાનામાં મુકી દે છે. જોકે આવી ‘ભૂલ’ જ આ ગીતની બેહદ લોકપ્રિયતા પુરવાર કરી આપે છે.
જેના આગમનની એંધાણીઓ મળી ચૂકી છે, એવા પ્રિયતમના મિલનનો તલસાટ અનુભવતી પ્રિયતમાના કંઠે કવિએ આ ગીત મૂક્યું છે. ગીતની ધૃવચક્કી જ ભાવકના હૈયાને સ્પર્શી જાય છે, અને લાંબા સમય સુધી હૈયામાં ગુંજતી રહે છે.
“ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.”
ઘરમાં સૂતી હોય કે ઉમરે ઉભી હોય, ત્યારે પણ નાયિકાને પ્રિયતમના જ બોલ સંભળાયા કરે છે. એ નથી છતાંય તેની હાજરી વર્તાય છે. પ્રગાઢ અને અસ્ખલિત પ્રેમ હોય ત્યાં જ આવું બને.
“કાલ તો હવે વડલાડાળે ઝૂલશું રે લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું રે લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને
વાગશે રે બોલ વાલમના.”
નાયકાની નિંદ્રામાં પણ તેનો પ્રિયતમ જ છવાયેલો છે. પ્રિયતમના આગમન પછી નાયિકાની ગતિ- પ્રવૃત્તિ કેવી હશે ? નાયકાએ અહીં આવતીકાલનું પણ આયોજન કરી રાખ્યું છે. આવતીકાલે પિયુ મિલનના આનંદમાં વડલાડાળે ઝૂલવાની, મોરલા સાથે કૂદવાની એની ઝંખના છે. તે વેળા કદાચ કાંટો વાગી જશે લાગી જશે તો પણ પિયુ સાથે હોવાથી તેને ચિંતા નથી. એકવાર પ્રિયતમનું મિલન થઈ જાય પછી એની સાથે વાડને વેલે વાલોળ-પાપડી વીણવાની પણ હોંશ છે. પ્રેમના સૂક્ષ્મ સુંદરતા ભર્યા આવિર્ભાવોમાં આ સળંગ ગીત સૈકાઓથી લહેરાતું રહ્યું છે. કવિના અંતરતમમા તેના સાહિત્યનો લય ગૂંજ્યા કરે છે. તેમની આ રચના વિશે યશવંત ત્રિવેદી લખે છે કે:
“ગુજરાતી સાહિત્યમાં કવિતા વંચાતી રહેશે ત્યાં સુધી ‘બોલ વાલમના’ વંચાતું અને સંભળાતું રહેશે. પ્રિયતમા બે અવસ્થાઓ એકસાથે અનુભવે છે જાગૃતિ અને નિદ્રાની. આવી અવસ્થામાં જ અજંપાની માધુરી અને પ્રિયમિલનનો તલસાટ કવિ પ્રગટ કરે છે.”
‘કવિતાનો આનંદકોશ’- યશવંત ત્રિવેદી (પૃ.૧૦૦)
માત્ર ત્રણ કડીના આ ગીતમાં પાદર ઘૂઘરા, વડલાડાળ,મોરલા, કાંટો, વાડ, વાલોળપાપડી – વગેરે શબ્દો વડે કવિએ ઇન્દ્રિયપ્રત્યક્ષ ગ્રામ્ય વાતાવરણ ખડું કર્યું છે. કવિએ લય પર વધારે ભાર મૂક્યો છે. સમગ્ર કાર્યમાં ‘રે લોલ’ જેવો પરંપરિત શબ્દ ગેયતાવર્ધક બની રહે છે. લોકગીતનો આભાસ કરાવતું આ એક ઉત્તમ ઉર્મિગીત બન્યું છે તેમાં અતિશયોક્તિ નથી. પ્રલંબલયની રચનાઓમાં મણીલાલ એ રમેશ પારેખ અને અનિલ જોશીના પૂર્વજ છે. તેમની દરેક રચનાઓમાં દરેક શબ્દ કામઠાના દોરની જેમ તંગ હોય છે. ‘આભ’ અને ‘બોલ વાલમના’ એ સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ કોટિની કહી શકાય તેવી રચનાઓ છે. રાધાકૃષ્ણને કેન્દ્રમાં રાખીને રચાયેલા ‘ઉજાગરો’ ,’દોહ્યલુ કામ’, ‘હારજીત’, અને ‘મળે રાધા જો’ – જેવી રચનાઓમાં ભાષા- લય- પાત્ર- ભાવ પરત્વે સર્જક પ્રિયકાંત મણિયારને અનુસર્યા છે.
તો ‘મનામણા’ કાવ્યમાં મણિલાલે નાયકની પ્રણયાનુભૂતિને આલેખવા રીસામણા-મનામણા ને અદભુત રીતે આલેખ્યા છે. નાયકે, નાયિકાને પ્રેમથી ચીડવી છે. કાળવી મેઘ જેવી અને પાતળી રેખ જેવી રહી છે. નાયક ઘણો રમૂજી છે. નાયિકાને મનાવતા મનાવતા કહે છે:
“કહીએ નહીં હોય જેવા લોક,
વાત મે આજે એટલી જાણી
બહાર તો આવ્યું પૂર ને તું તો ઘરમાં સૂતી
સોડ રે તાણી.”
પ્રણયેચ્છાને વ્યક્ત કરતો કવિ જે રીતે નાયિકાને ચીડવી શકે છે તેટલી જ સુપેરે તેને મનાવી પણ શકે છે. ચાહતના મેઘધનુષી રંગોનું સર્જકે સુંદર આલેખન કર્યું છે. આમ શ્રી મણિલાલની કવિતા વિશે ચિનુ મોદી નોંધે છે કે:
“મણિલાલ ગુજરાતી ગેયરચનાના કાઠાને અને એમાં આજ લગી સચવાયેલી પરંપરાઓને એકસામટી તોડીને, ગીત સાથે જોડાઈ ગયેલા સફાઈકામને ઓગાળીને સંકુચિતપણામાંથી મુકત કરી આપે છે.” ‘અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રણયનિરૂપણ : ડૉ. તરુલતા મહેતા (પૃ.૩૬૮)
‘એને ભૂલવા’ કવિતામાં પ્રિયતમાની સ્મૃતિને ભૂલવા મથતા પ્રણયીનો હિંસક આવેગ નિરૂપાયો છે. પરંતુ એ સહજ લાગતો નથી. રાવજી પટેલના કાવ્યોમાં અનુભવાતો આદિમ ઉદ્રેક તેના લોહીના ધર્મ જેટલો સહજ ને સ્વાભાવિક લાગે છે. મણીલાલના કાવ્યોમાં એવું અનુભવાતું નથી. કાવ્યની અભિવ્યક્તિ રીતે જોતા પણ મણિલાલના ઉપકરણો ક્યાંક નબળા લાગે છે. મણિલાલના બધા જ પ્રણયકાવ્યો સહજ રીતે અભિવ્યક્તિ પામી શક્યા છે. પ્રણયની અનુભૂતિમાં ખાસ કરીને ગીતકાવ્યોમાં વિશિષ્ટ સર્જનાત્મકતાના દર્શન થાય છે. ગઝલ, છંદોબદ્ધ કાવ્ય, અને ગીત કાવ્યોમાં પણ પ્રણયનિરૂપણ જોવા મળે છે. તો ક્યારેક લોકગીતની ભાષા અને લય પણ જોવા મળે છે. એમ કહી શકાય કે મણિલાલના કાવ્યોમાં પ્રણયાનુભૂતિના રંગીન ભાવો પ્રગટ થયા છે.
મણિલાલે, રાવજીની જેમ લોકગીતના સંસ્કારો પણ ઝીલ્યા છે. પણ પ્રણયાનુભૂતિના આલેખનમાં, વર્ણનમાં કલ્પન અને પ્રતીકનું સંયોજન ખૂબ જ ઓછું જોવા મળે છે. સાદી સીધી અને સરળ ભાષામાં રચાયેલા આ કાવ્યો મનહર છે. જો કવિની મર્યાદા વિશે કહેવું હોય તો કહી શકાય કે મણિલાલના કાવ્યોમાં વિરહની વ્યાકુળતા પર વિશેષ ભાર મૂકાયો છે. અને બીજી અનુભૂતિનું આલેખન અલ્પ છે. છતાં મણિલાલ જે હાંસલ કરી શકયા છે તે દૃષ્ટિએ જોતાં પ્રણયની અનુભૂતિના આલેખનની કવિકર્મ સિદ્ધિને બીરદાવી જ પડે.
રાવજી પટેલની જેમ મણિલાલ દેસાઈ પણ અર્વાચીન ગુજરાતી કવિતાના ગગનમાંથી અકાળે ખરી પડેલો તારલો છે. છતાં પોતાને મળેલા અલ્પ સમયમાં પણ તેમની પરિમિત કવિપ્રતિભા દ્વારા પરંપરિત ગીતસ્વરૂપમાં આકર્ષક પ્રયોગશીલ વલણ તેમણે દાખવ્યું છે. ‘તોય તમે ના આવિયા’, ‘બોલ વાલમના’, ‘મળે જો રાધા’, ‘અંધારું’ – જેવી લોકપ્રિય ઉત્તમ કૃતિઓ થકી તેઓ આપણને સદાય યાદ રહેશે.
ડૉ. વંદના રામી , મદદનીશ પ્રાધ્યાપક , સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ કઠલાલ