ભારતીય લોકકથા આધારિત આધુનિક નાટક: નાગમંડળ- મહિરથસિંહ ઘનશ્યામસિંહ પરમાર

ભારતીય લોકકથા આધારિત આધુનિક નાટક: નાગમંડળ

प्रतिग्रहीतुं प्रणयिप्रियत्वात् त्रिलोचनस्तामुपय क्रेम च।

सम्मोहनं नाम च पुष्पधन्वा धनुष्यमोघं समधत्त बाणम्॥६६॥

“નિજભક્ત પ્રત્યેની પ્રીતિના  કારણે ત્રિલોચન તે માળાને સ્વીકારવા તત્પર થયા, (એ જ ક્ષણે) કામદેવે પણ પોતાના ધનુષ્ય પર સંમોહન નામનું અમોઘ બાણ ચઢાવ્યું.”

કાલિદાસ કૃત મહાકાવ્ય ‘કુમારસંભવ’ના ઉક્ત શ્લોકમાં કામદેવ સમાધિસ્થ શિવ પર સંમોહન વિદ્યાનો પ્રયોગ કરી હિમાલય પુત્રી ઉમા પ્રત્યે આકર્ષણ જન્માવે છે. અસુર તારકાસુરના વધ અર્થે શિવ અને ઉમાનું મિલન આવશ્યક છે. તે બન્ને દ્વારા ઉત્પન્ન થયેલી સંતતિ કુમાર કાર્તિકેય તારકસુરનો વધ કરે છે. આ સંમોહન વિદ્યાના અનેક દૃષ્ટાંતો આપણાં ભારતીય પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. ભારતીય જન માનસમાં સંમોહન વિદ્યા અને પ્રક્રિયા એક મહત્ત્વના ભાગ રૂપે જોડાયેલી છે. મંત્ર- તંત્રની શક્તિ દ્વારા આ સંમોહનથી ઇચ્છિત કાર્ય સિદ્ધ કરી શકાય છે. પ્રાચીન વેદ અથર્વવેદમાં સંમોહન પ્રક્રિયાના અનેક મંત્રો જોવા મળે છે. વાલ્મિકી કૃત રામાયણમાં યુદ્ધકાંડના ૪૪મા સર્ગમાં ઇન્દ્રજીત રામ અને લક્ષમણ પર સંમોહન વિદ્યાના પ્રયોગ રૂપે નાગપાશનો પ્રયોગ કરે છે. જેના પ્રતાપે બન્ને કુમારો મૂર્છિત બને છે.

तौ तेन पुरुषव्याध्रौ क्रुद्वेनाशीविषै: शरै:।

सहसाभिहतै वीरौ तदा प्रेक्षन्त वानरा:॥३८॥

“इस प्रकार क्रोधसे भरे हुए इंद्रजित् ने उन दोनों पुरुष- प्रबर वीरोंको सहसा सर्पाकार बाणोंद्वारा बाँध लिया। उस समय वानरों ने उन्हें नागपाश में बद्ध देख॥”

ગિરીશ કારનાડ કૃત ‘નાગમંડળ’(૧૯૮૮)  નાટક દક્ષિણ ભારતની લોકકથા પર આધારિત છે. પ્રસ્તુત નાટકનું કથાબીજ કારનાડને એ. કે. રામાનુજન પાસેથી સાંભળેલી કથામાંથી પ્રાપ્ત થયેલું છે. ભારતીય કથાઓમાં નાગ દેવતા, પિતૃ અથવા અર્ધ માનવ સ્વરૂપે જોવા મળે છે. દક્ષિણ ભારતમાં નાગને કામ વાહક(Romantic)ના પ્રતીક રૂપે જોવાય છે.

સર્પ જાતિ અથવા નાગ સમુદાય જે મનુષ્ય જાતિમાં પણ જોવા મળે છે. નાગ પ્રજાતિ મનુષ્ય સાથે પરા- પૂર્વથી ગાઢ રીતે સંકળાયેલા છે. જેના અંશ રામાયણ- મહાભારત જેવા પૌરાણિક મહાકાવ્યોમાં તેમજ સાંપ્રત સમયે પૌરાણિક કથાવસ્તુને આધુનિક સમયે પ્રસ્તુત કરતાં સર્જક અમિષ કૃત શિવ ટ્રાયોલોજી નવલકથા શ્રેણીના ભાગ: ૨ ની ‘નાગવંશ’માં પણ જોઈ શકાય છે. તેમજ જયશંકર પ્રસાદે મહાભારતના પ્રસંગ સર્પયજ્ઞને કેન્દ્રમાં રાખી ‘जन्मेजय का सर्पयज्ञ’ નાટક આપે છે. જેમાં મહાભારત અને હરિવંશ પુરાણમાં આવતી નાગ અને માનવ સંબંધની કથાને કેન્દ્રમાં રાખી લખાયેલું નાટક છે.

મહાભારતમાં આદિપર્વના અધ્યાય ૨૧૪ થી ૨૧૯ માં ખાંડવ દહનની કથા વિસ્તરેલી છે. ખાંડવ વનમાં તક્ષક પુત્ર અશ્વસેન ઇન્દ્રની સહાયથી છટકી જવા સફળ થાય છે. પરિણામે કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન પ્રત્યે માતાના મૃત્યુ તેમજ ખાંડવ વનનો પ્રતિશોધ લેવા કર્ણના તીર પર સ્થાન પ્રાપ્ત કરે છે. કૃષ્ણની સહાયથી અર્જુન બચે છે. તેમજ મહાભારતમાં આદિપર્વના અધ્યાય ૧૧૯ માં કૌરવો દ્વારા ભીમને વિષયુક્ત આહાર આપી નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે. ભીમ નાગલોક જઈ પહોંચે છે. જ્યાં કુંતીના દાદા શૂરસેન ભીમને વિષના નિરાકરણ અર્થે વિષનાશક ખીર તેમજ ભીમને મહાબલી બનાવવા કુંડોના રસનું પાન કરાવે છે. આદિપર્વના અધ્યાય ૪૧ થી ૪૪ તેમજ ૪૯ થી ૫૩ માં આવતી આસ્તિકની કથામાં પરિક્ષિતને દંશ આપેલ તક્ષકને હોમવા જન્મેજય સર્પ યજ્ઞ કરે છે. સર્પોની રક્ષા કરવા જરત્કારુ માતા અને તે જ નામે પિતાનો પુત્ર તેમજ તક્ષકનો ભાણેજ આસ્તિક જન્મેજય પાસે જઈ સર્પયજ્ઞ બંધ કરાવે છે. પરિણામે આસ્તિક તક્ષક તેમજ સમગ્ર નાગજાતિ અને નાગલોકની રક્ષા કરે છે. વાસુકિ નાગની નાગકન્યા ઉલૂપી સાથે અર્જુન વિવાહ કરે છે. ભીમનો પૌત્ર બર્બરિક ઘટોત્કચ અને નાગકન્યા અહિલાવતીનો પુત્ર છે જેની મહાભારતના યુદ્ધ પહેલા રણચંડીને આહુતિ આપવામાં આવે છે. તદ્ઉપરાંત શ્રીમદ્ભાગવત મહાપુરાણના દશમસ્કંધના પૂર્વાર્ધમાં આવતી કાલિયનાગ કથામાં શ્રી કૃષ્ણ કાલિયનાગને ગરુડના ભય થકી રક્ષણ આપે છે. આમ, નાગ અને મનુષ્યના પરસ્પર સંબંધની અનેક કથાઓ પૌરાણિક વિષયવસ્તુમાં પ્રાપ્ય છે

દક્ષિણ ભારતની લોકકથા પર આધારિત ગિરીશ કારનાડનું નાટક ‘નાગમંડળ’માં મુખ્ય પાત્ર ઈચ્છાધારી નાગ છે. ભારતીય પ્રદેશોની વિભિન્ન લોકબોલીઓમાં આકાર પામતી લોકકથાઓમાં નાગ અને મનુષ્ય સંબંધોની અનેક કથાઓ મળે છે. ગુજરાતી સાહિત્યમાં જોરાવરસિંહ જાદવે સંપાદન કરેલ ‘લોકસાહિત્યની નાગકથાઓ’ તદ્ઉપરાંત વિજયદાંન દેથાનું રાજસ્થાની લોકસાહિત્યનું સંપાદન ‘बातां री फुलवाड़ी’માં આવી અનેકાધિક કથાઓ વિભિન્ન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. નાગનું પાત્ર મનુષ્યને સામાજિક તેમજ આર્થિક ક્ષેત્રે હૂંફ આપતું, નાયક સ્વરૂપે અથવા પોતાની પ્રકૃતિ આધીન નાગ મદદ કરનાર મનુષ્યને દંશતું પાત્ર પણ જોવા મળે છે. આમ, ઈચ્છાધારી સર્પના પોતાની ઈચ્છા મુજબ મનુષ્યાકૃતિ ધારણ કરતાં તેમજ માનવ સાથે એક યા બીજી રીતે જોડાયેલા અનેક દૃષ્ટાંતો લોકસાહિત્યની કથાઓમાંથી પ્રાપ્ત થાય છે. સાંપ્રત સમયે ‘નાગિન’ અને ‘નાગમણી’ જેવી ટી.વી. શ્રેણીઓ તેમજ ‘નાગિન’(૧૯૭૬, ૧૯૮૬) ફિલ્મમાં વસ્તુત: આ જ તત્ત્વની વાત વણાયેલી છે.

ગિરીશ કારનાડે એ. કે. રામાનુજનની લોકકથા, કલ્પનાશક્તિ અને પોતાના ભારતીય તત્ત્વ તેમજ માનસની પરિપાટીએ ‘નાગમંડળ’ની રચના કરી. જેના વિશે અનુવાદક બી. આર. નારાયણ જણાવે છે:

“भारतीय आख्यानों में नाग का इच्छित रूप धारण कर लेना एक जनप्रिय और सशक्त कथावस्तु रही है। बड़े- से- बड़े लेखक भी इन मिथकों से प्रभावित होते रहे हैं। विज्ञान चाहे जितनी भी उन्नति कर ले पर साहित्यकार कल्पनाजीवी ही रहेगा। उसकी दुनिया अलग ही रहेगी। वह जो कुछ कहना चाहता है उसे कल्पना और मिथक के द्वारा सशक्त और प्रभावशाली ढंग से कह देता है। यह बात इस नाटक से सिध्ध होती है।”

પ્રસ્તુત નાટ્યાકૃતિનું મૂળ કથાબીજ અર્થાત્ એ. કે. રામાનુજનની લોકકથા જોઈએ,

“કોઈ પણ સ્ત્રીને સંદેહની દૃષ્ટિથી જોતો એક રાજકુમાર પોતાનો દેહ બે ભાગમાં ચીરીને અને એક અડધા ભાગને સ્ત્રી બનાવીને એની સાથે લગ્ન કરીને એક નિર્જન વનનાં રાજમહેલમાં એને બંદી બનાવે છે. ત્યાં અકસ્માતે આવેલો એક જાદુગર એને જોઈને એના મોહમાં પડે છે. રાજકુમારની નજર બચાવીને એની સાથે સંબંધ બાંધે છે. રાજકુમારને ખબર પડે છે કે તરત જાદુગર નાગ બનીને સ્નાનાગૃહને મોરીમાંથી બહાર નીકળી જાય છે. નીકળતી વખતે નાગના દેહના રાજકુમારની તલવારથી બે ભાગ થઈ જાય છે. નાગની પ્રેયસી એના અડધા ભાગને સળગાવીને તાવીજમાં ભરીને પોતાના હાથ પર બાંધી લે છે.”

 પ્રસ્તુત લોકકથા આધારે ‘નાગમંડળ’ ઉપરાંત ચંદ્રશેખર કમ્બારનું ‘સિરિ સંપિગે’ નાટક રચાયેલું છે. આ બન્ને નાટકોમાં કેટલીક સામ્યતાઓ છે. જેના વિશે રંગ- ચક્ર નાટ્ય-વિવેચન પુસ્તકમાં ધ્વનિલ પારેખનું વિવેચન છે. ડૉ. રાજેશ્વરી પટેલે ‘નાગમંડળ’ નાટકની મંચનકલા કેન્દ્રમાં રાખી તૈયાર કરેલો લેખ ‘તાદર્થ્ય’ સામયિકના અંક: ૫, ઓક્ટોબર ૨૦૧૮ માં પ્રકાશિત છે. Mythના દૃષ્ટિકોણથી Dolors Collellmir એ ‘નાગમંડળ’ પર ‘Mythical Structure in Girish Karnad’s Naga-Mandala’ પર પ્રકાશિત લેખ ઇન્ટરનેટ (www.publications.ub.edu)પર ઉપલબ્ધ છે. ‘નાગમંડળ’ અને ‘તુઘલક’નો ટીકાત્મક પૃથ્થકરણ’ ઈ-જરનલ ‘Quest Journal’માં Ardra Joseph અને JIsha Jijumon(www.questjournals) એ પ્રકાશિત કરેલ છે. નારીવાદી વલણને કેન્દ્રમાં રાખી ડૉ. અમિતા ઘોષનો પ્રકાશિત IJCRT(www.ijcrt.org) પર માર્ચ ૨૦૧૮માં અભ્યાસ લેખ જોઈ શકાય છે.

ગિરીશ કારનાડનું નાટક ‘નાગમંડળ’ ભારતીયતા તેમજ આધુનિકતા એમ બન્નેની છબી ઉપસાવે છે. ‘નાગમંડળ’ નાટકની કથાવસ્તુ બે અંકોમાં વિસ્તરેલી છે. નાટક પોતાની વિશેષ કથાગૂંથણી એટલે કે નાટકની અંદર એક બીજું નાટક લઈ પ્રગટે છે.

નાટકની શરૂઆત થાય છે પ્રસ્તાવનાથી. સ્થાન છે ઉજ્જડ મંદિર. એવી જગ્યા જ્યાં કોઈ માનવીનો પગફેરો નથી. આવા મંદિરના ગર્ભગૃહની થાંભલીના ટેકે એક માનવી બેઠો છે. તે એક સર્જક છે. એક સન્યાસીએ તેને આ મહિનાની કોઈ પણ એક રાત્રિએ સંપૂર્ણ જાગરણ કરવાનું કહ્યું હતું. જેમાં તે નિષ્ફળ નિવડ્યો. જો આ રાત્રિએ જાગરણ ન થાય તો નિશ્ચય તેનું મૃત્યુ થાય તેમ છે. પરિણામે યત્ન પૂર્વક જાગી રહેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આવી વિષમ પરિસ્થિતી આવવાનું કારણ જણાવતા કહે છે, તેણે રચેલા નાટકો જોવા આવેલા પ્રેક્ષકગણને મળતી પૂરતી સુવિધાનો અભાવ ઉપરાંત તેના નાટકો જોઈ પ્રેક્ષકો નિદ્રાધીન બની જવાથી સર્જકને શાપ મળ્યો છે પરિણામે આવી વિષમ પરિસ્થિતિમાં જીવન અને મૃત્યુ વચ્ચે અટવાયેલો છે. આ પ્રસંગે નાટ્યકાર કારનાડની રંગભૂમિ ક્ષેત્રે નવજાગૃતિ(રેનેસાં) લાવવાની વિચારધારા પ્રગટે છે. જેમાં ભારતીય રંગમંચના નવોત્થાન ઉપરાંત નાટક માણનાર સમાજને મનોરંજન, ભારતીયતા તેમજ જીવન ઉપિયોગી સાર મળે તે સૂર પ્રગટે છે.

રાત્રિના સમયે આવી ખંડેર જગ્યાએ તે સર્જકને કોઈનો અવાજ આવે છે. તે જુએ તો જ્યોતિઓ વાતો કરતી- કરતી મંદિરમાં જ આવી રહી હતી. બધી જ્યોતિઓ એકત્રિત થાય છે અને તે જે ઘરમાં હતી તેમાં કેવા કેવા પ્રકારે પ્રસંગો બન્યા તેની વાતો કરે છે. એવામાં પાછળથી એક બીજી ‘નવી જ્યોતિ’(નાટકમાં નામ: नयी ज्योति) આવે છે. તેના વિલંબનું સૌ કારણ પૂછે છે. જણાવતા તે કહે છે, વૃદ્ધ પતિના કક્ષમાંથી સુંદર સ્ત્રીને બહાર નીકળતા તેની પત્નીએ જોઈ પરિણામે બંને વચ્ચે ભીષણ કજિયો થયો. પ્રસંગ બન્યાનું કારણ જણાવતા તે કહે છે કે તે ઘરની વૃદ્ધાને એક વાર્તા અને ગીત કંઠસ્થ છે. કિન્તુ તેણીએ કોઇની સમક્ષ તે પ્રગટ જ ન કર્યા. પરિણામે કંટાળી ગયેલા તે બન્ને નિદ્રાવશ ઘરડી સ્ત્રીના મુખમાંથી નીકળી ઘરના એક ખૂણામાં લપાઈ ગયા. રાત્રિના સમયે વૃદ્ધાનો પતિ પોતાના કક્ષમાં આરામ કરવા જાય તે અનુકૂળ સમયે વાર્તાએ સુંદર યુવતીનું અને ગીત તેની સાડી બની તેના કક્ષમાં ગયા. સુંદર યુવતીને તેના કક્ષામાંથી બહાર નીકળતા જોઈ તે બન્ને દંપતિ વચ્ચે ઝઘડો થયો. તે ગીત અને વાર્તાએ પોતાને સંગ્રહ કરવાનો પ્રતિશોધ વૃદ્ધા સાથે લઈ સ્વતંત્ર બની નીકળી ગયા. આ દૃશ્ય નિહાળતી; તે ઘરમાં રહેતી નવી જ્યોતિએ તેમને વેરાન મંદિરમાં આવવાનું આમંત્રણ આપ્યું.

વાર્તા તે મંદિરમાં આવે છે. જ્યોતિઓ તેમને એક વાર્તા સંભળાવવા વિનંતી કરે છે ત્યારે તે વાર્તા સ્વરૂપે રહેલી યુવતી તેમને પોતે કહેલી વાર્તા બીજા લોકોને સંભળાવવા કહે છે. એ સમયે ત્યાં સંતાઈને સઘળું જોઈ રહેલો સર્જક પ્રકાશિત થઈ પોતાને વાર્તા સંભળાવવા કહે છે. તે ખાતરી આપે છે કે તેણે સાંભળેલી વાર્તા બીજા સુધી પહોંચાડશે. સર્જક યુવતી સમક્ષ એક શરત મૂકે છે કે તેને ઊંઘ ન આવવી જોઈએ. નાટ્યકાર ગિરીશ કારનાડે પ્રસ્તુત પ્રસંગે સાહિત્યની વિશાળતા તેમજ સાહિત્યના આદાન- પ્રદાનની વાત મૂકી આપી છે. સાહિત્યને કોઈ સીમિત ક્ષેત્રમાં ન રાખતા તેના વિશાળ પરિપ્રેક્ષ્યની વાત કરી છે.

યુવતી સર્જકને વાર્તા કહે છે જેમાં નાટક આકાર પામે છે. પ્રારંભ પ્રથમ અંકથી થાય છે.

પ્રથમ અંક જેમાં નાટકની નાયિકા રાણીના લગ્ન અપ્પણ્ણા (અર્થાત્: કોઈ એક માણસ) સાથે થાય છે. આ નવદંપતિનું ગૃહસ્થ જીવન આંતરદ્વંદ્વથી ઘેરાયેલું અને વિચ્છિન્ન છે. કેમ કે અપ્પણ્ણાને નગરની એક ગણિકાનું આકર્ષણ છે. અપ્પણ્ણા બાળપણથી જ અનાથ છે. નગરમાં રહેતી એક અંધ વૃદ્ધા (નાટકમાં સંબોધન अन्धी माँ) ને અપ્પણ્ણા પ્રત્યે સારો ભાવ. નવદંપતીને નિહાળવા અપ્પણ્ણના ઘરે પોતાના પુત્ર કપ્પણ્ણા (અર્થાત્: કાળો માણસ) ની સહાયથી આવે છે. ઘરની બહાર તાળું લાગેલું જાણી તેને આશ્ચર્ય થાય છે અને કપ્પણ્ણાને ઘરનું આંગણું જોવા કહે છે. એવામાં રાણીનો અવાજ કપ્પણ્ણાને કાને પડે છે. ડરને લીધે માતાને ઉઠાવી ત્યાંથી નાસવાનો યત્ન કરે છે. અંધ વૃદ્ધા તેને અટકાવી રાણીને મળવા જાય છે. રાણી સાથેની વાતચીતમાં વૃદ્ધાને અપ્પણ્ણાને નગરની ગણિકાનું આકર્ષણ અને પરિણામે તેમના ભગ્ન ગૃહસ્થ જીવનનો ખ્યાલ આવે છે. રાણીની મદદ કરવા વૃદ્ધા કપ્પણ્ણાને ઘરે જઈ લાકડાના ડબડામાં રાખેલ એક કાગળની થેલી લાવવા કહે છે. રાણી તે થેલી લવાવનું પ્રયોજન પૂછતાં અંધ વૃદ્ધા જણાવે છે:

अन्धी माँ: वही बता रही हूँ, सून। बैठ जा। (दोनो बैठ जाती हैं।) मैं जन्म से अन्धी हूँ। भला कौन मुझसे शादी करता? मेरे बापू मेरे लिए वर खोजते- खोजते थककर चूर-चूर हो गये थे। एक दिन हमारे घर एक संन्यासी आया। घर में मैं अकेली थी। मैंने सब प्रकर से उसकी सेवा की। गरम- गरम चावल बनाकर पेट भर परोसा। संन्यासी बड़ा खुश हुआ। मुझे जडियों के तीन टुकड़े देकर बोला- जो भी पुरुष यह जड़ी खएगा, वह तुम पर आसक्त हो जएगा। (पृ. 22)

સંમોહન જડીબુટ્ટીના પ્રતાપે તે અંધ વૃદ્ધાના લગ્ન થાય છે. કપ્પણ્ણા તે કાગળની થેલી લઈ આવે છે. અંધ વૃદ્ધા તેમાંથી સૌથી નાનો ટુકડો રાણીને આપી પતિ અપ્પણ્ણાને પીવડાવવા કહે છે. રાણી તે જડીબુટ્ટીના સૌથી નાના ભાગને દૂધમાં ભેળવી પતિને આપે છે. તેના સેવનથી અપ્પણ્ણાને શારીરિક નબળાઈ આવી મૂર્છિત બને છે. રાણી પાણીનો છંટકાવ કરી ભાનમાં લાવે છે. અપ્પણ્ણા રાણીને ધક્કો મારી, દરવાજે તાળું લગાવી ચાલ્યો જાય છે.

થોડા દિવસો પછી અંધ વૃદ્ધા રાત્રિના સમયે રાણીને મળવા અને તેમના ગૃહસ્થ જીવન વિશે ખાતરી કરવા આવે છે. ઘરની બહાર ફરી તાળું જુએ છે. અંધ વૃદ્ધાને સંમોહન જડીબુટ્ટી પર પૂર્ણ વિશ્વાસ છે. તેથી પુત્ર કપ્પણ્ણાને જણાવે છે કે આવી પૂર્ણચંદ્ર પૂનમની રાત્રીમાં પોતાની સુંદર પત્ની સાથે અપ્પણ્ણા ફરવા ગયો હશે. મા- પુત્રના સંવાદથી રાણી જાગી જાય છે અને અવાજ લગાવે છે. રાણી સાથેની વાતચીતમાં અંધવૃદ્ધાને ખ્યાલ આવે છે કે જડીબુટ્ટીની સંમોહન વિદ્યાની અસર થઈ નથી. પરિણામે અંધ વૃદ્ધા જડીબુટ્ટીનો સૌથી મોટો ટુકડો રાણીના હાથમાં મૂકે છે. શરૂઆતમાં ભયને કારણે વૃદ્ધાના વિચારો સાથે સહમત થતી નથી. કિન્તુ સુખદ ગૃહસ્થ જીવનની અભિલાષાએ રાણી તે જડીબુટ્ટી લઈ લે છે.

બીજા દિવસે સવારે અપ્પણ્ણા તેની સાથે જંગલી કૂતરો લઈ ઘરની પાછળના ભાગમાં બાંધે છે. જેથી અંધ વૃદ્ધા અને તેનો પુત્ર કપ્પણ્ણા ઘરની આજુ-બાજુ પણ આવે નહિ. અપ્પણ્ણા સ્નાન કરીને આવે ત્યાં સુધીમાં રાણીને ભોજન તૈયાર કરવાનું કહે છે. રાણી જડીબુટ્ટી વાટી દાળમાં મેળવે છે. દાળમાં અચાનક વિસ્ફોટ થાય છે અને તેનો રંગ રક્તવર્ણ- લાલ બને છે. દાળ ઉકળી વાસણની બહાર આવવા લાગે છે. ઘર ધૂમાડાથી ભરાઈ જાય છે. આ સઘળું જોઈ રાણી ભયભીત બની, અઘટિત ઘટવાના ભયે તે દાળનું પાત્ર લઈ ઘરની બહાર સર્પના દરમાં ઢોળી નાખે છે. આ સમય દરમિયાન રાણીને ઘરમાં ન જોતા અપ્પણ્ણા તેને શોધે છે. અપ્પણ્ણા મુખ્ય દ્વાર તરફ નજર કરે ત્યાં રાણી દાળ રાફડામાં ઢોળી પાછી આવતી હોય છે. રાફડામાં ગરમ દાળ ઢોળાવવાથી તેમાં રહેતા નાગના શરીરમાં બળતરા થાય છે. નાગ ફુંગારતો દરની બહાર આવે છે. સંમોહન વિદ્યાની અસર થવાથી રાણી પ્રત્યે તે મોહિત થાય છે. રાણીની પાછળ પાછળ તે જાય છે. ઘરની બહાર નીકળવું તેમજ આવવામાં વિલંબ થવું પરિણામે અપ્પણ્ણા રાણીને તમાચો મારે છે. રાણી ચક્કર ખાઈ પડી જાય છે. આ સઘળું દૃશ્ય નાગ જુએ છે અને પોતાના દરમાં ચાલ્યો જાય છે.

તે દિવસની રાત્રિએ તે નાગ રાફડામાંથી બહાર નીકળી સ્નાન કક્ષમાંથી ઘરમાં પ્રવેશે છે. તે નાગ ઈચ્છાધારી છે. પોતાની ઈચ્છા મુજબ મનુષ્યાકૃતિ ધારણ કરી શકે છે. ઘરમાં પ્રવેશી આબેહૂબ અપ્પણ્ણાનું સ્વરૂપ ધારણ કરે છે. (નાટયકાર તેનું નામ ‘નાગપ્પા’ રાખે છે). તે નાગપ્પા રાણીને શોધતો શોધતો તેના આરામ કક્ષમાં આવે છે. રાણીથી થોડુંક અંતર રાખી તેને નિહાળી રહ્યો છે. ઘરની બહાર બાંધેલો જંગલી કૂતરો સર્પને ઘરની અંદર પ્રવેશતા જોઈ સતત ભસતો રહે છે. આ સાથે નાટક તેનો મહત્ત્વ તેમજ રસપ્રદ વળાંક લઈ પ્રથમ અંકની સમાપ્તિ થાય છે.

પ્રથમ અંક જ્યાં પૂર્ણ થયો તે જ સમય અને પ્રસંગે બીજા અંકની શરૂઆત થાય છે. અંક બદલાવવા છતાં નાટક સળંગ પ્રવાહે આગળ ચાલે છે. નાગપ્પા રાણી સાથે પ્રેમભરી વાતો કરે છે. આ ક્રિયા રાણી માટે આશ્ચર્ય પમાડનારી હતી. કિન્તુ પતિ દ્વારા મળતો પ્રેમ રાણી માટે સાર્વથી અધિક છે. રાણી અને નાગપ્પાનું ગૃહસ્થ જીવન સુખમયી રીતે પસાર થાય છે. આ દરમિયાન રાત્રિએ રાણી પોતે ગર્ભવતી હોવાનું અને ચાર મહિના પસાર થઈ ગયાનું નાગપ્પાને જણાવે છે. નાગપ્પા આ વાત કોઈને પણ ન જણાવવા રાણીને કહે છે. રાણી કોઈને ન કહેવામાં સહમત થાય છે. સવાર થતાં નાગપ્પા ત્યાંથી જવા માટે તૈયાર છે. એવામાં રંગમંચ પર ભજવાતા પ્રસ્તુત નાટકમાં પ્રકાશ યોજનાના પ્રયોગથી નાગપ્પાનું અપ્પણ્ણામાં રૂપાંતરણ થાય છે. પ્રસ્તુત પ્રસંગે નાટયકાર ગિરીશ કારનાડની આગવી સર્જક પ્રતિભા ખીલે છે. અપ્પણ્ણાનો અચાનક પરીવર્તન થતો સ્વભાવ રાણી માટે આશ્ચર્યની બાબત છે. કોઈ અન્ય પુરુષનો ગર્ભ હોવો અને તેનું બાળક પોતાની પત્નીના ગર્ભમાં  સેવાતું જોઈ અપ્પણ્ણાને ક્રોધ આવે છે. રાણીને ઘરની બહાર ઢસડી તેના ગર્ભને મારી નાખવા તેના પર પથ્થર ફેંકવા જાય છે ત્યાં અચાનક નાગ રાણી પર ચડી અપ્પણ્ણા તરફ ફુંગારે છે. અપ્પણ્ણા તે પથ્થર નાગને મારવા જાય છે ત્યારે નાગ પાછો જઈ પોતાના રાફડામાં ચાલ્યો જાય છે. આ તકનો લાભ લઈ રાણી ઘરમાં જઈ દરવાજો અંદરથી  બંધ કરી દે છે. અપ્પણ્ણા દરવાજો ખોલવાનો યત્ન કરે છે કિન્તુ ભયભીત રાણી દરવાજો ખોલતી નથી. અપ્પણ્ણા ગ્રામપંચને બોલાવવાનું કહી ત્યાંથી ચાલ્યો જાય છે.

આ દિવસની રાત્રિએ ઘરની અંદર પુરાયેલી રાણી અત્યંત દુઃખી છે. એવામાં નાગપ્પા આવી રાણીની નિર્દોષતા માટે પંચ સામે નાગનું દિવ્ય અર્થાત્ નાગની સાક્ષીએ સોગંધ લેવા કહે છે. જેના પરિણામે અપ્પણ્ણા તેનો ગુલામ થશે. રાણી તેમાં સહમત થાય છે.

બીજે  દિવસે ગ્રામપંચ એકત્રિત થાય છે. રાણીને પોતાની નિર્દોષતા તેમજ સત્યની પરીક્ષા અર્થે ગરમ લોખંડ હાથમાં પકડી સોગંધ લેવાના છે. કિન્તુ રાણી ગરમ લોખંડને સ્થાને નાગનું દિવ્ય કરવા કહે છે. જે વાત ગ્રામપંચ સ્વીકારે છે. રાણી તેના ઘરની બાજુમાં રહેલા નાગના રફડા પાસે જાય છે ત્યારે તેમાંથી નાગ બહાર આવે છે. તે જોઈ પંચ, ગ્રામજનો તેમજ રાણી બધા ભયભીત બને છે. સર્પથી ડરી રાણી ગરમ લોખંડનું દિવ્ય કરવા કહે છે. આ સમય દરમિયાન અંધ વૃદ્ધા દિશાહીન જીવને પોતાના પુત્ર કપ્પણ્ણાને શોધતી ત્યાંથી પસાર થાય છે. આ પ્રકારે જીવનની વિષમતા જોઈ રાણી પુન: નાગનું દિવ્ય કરવા તૈયાર થાય છે. દિવ્ય કરતાં રાણી સોગંધ ખાય છે:

रानी:  मेरा पति और यह  नागराज-इन दो के अलावा मैंने किसी और को छुआ तक  नहीं। किसी भी पुरुष को मैंने अपना शरीर छूने नहीं दिया। यह झूठ हो तो यह नागराज मुजे डस ले। और मैं यहीं मर जाऊँ। (पृ. 57)

 નાગના દિવ્યમાં, સત્યની પરીક્ષામાં રાણી સાંગોપાંગ પાર ઊતરે છે. ગ્રામજનો રાણીને દેવી તેમજ પતિવ્રતા સ્ત્રી માની પાલખીમાં તેને અને પતિ અપ્પણ્ણાને બેસાડી તેમનું સન્માન કરે છે. અપ્પણ્ણા પણ રાણીના પગમાં પડી પોતાના ભૂલની ક્ષમા યાચે છે.

સમય પસાર થતાં રાણીના ગર્ભથી એક પુત્રનો જન્મ થાય છે. આમ, યુવતી સ્વરૂપે રહેલી વાર્તા પોતાની આ કહેતી વાર્તાને પૂર્ણ જાહેર કરે છે. કિન્તુ વાર્તા સાંભળતો સર્જક આ અંતથી સંતુષ્ટ નથી. તેને અંતમાં અપ્પણ્ણાનું શું થયું? તેમજ નાગપ્પાનું શું થયું? તે બન્નેના દૃષ્ટિકોણથી અંત જાણવાની ઈચ્છા દર્શાવે છે. તેથી યુવતી પોતાની વાર્તા આગળ ચલાવે છે. જેમાં અપ્પણ્ણા જાણે છે કે રાણી દ્વારા થયેલું બાળક પોતાનું નથી. તેને આ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી. પરિણામે અપ્પણ્ણાને પોતાના આ પ્રકારના પ્રારબ્ધ તેમજ અસંતોષ સાથે જ રાણી સાથે જીવન પસાર કરવાનું છે. જેમાં અપ્પણ્ણાની પુરુષ સંવેદના પ્રગટે છે. 

નાગપ્પાના દૃષ્ટિકોણથી યુવતી વાર્તા કહે છે. નાગપ્પા પોતાની મંત્રશક્તિ વડે નાનું સ્વરૂપ ધારણ કરી રાણીના વાળમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. રાણીને વાળમાં ભાર જેવું જણાય છે. અપ્પણ્ણા કાંસકા વડે તેના વાળ સમારે છે. એવામાં કાંસકો અટકે છે. અપ્પણ્ણા યત્નથી કાંસકો ચલાવે ત્યાં નાગનું મૃત શરીર નીચે પડે છે. નાગના અગ્નિ સંસ્કાર તેમજ પિંડદાન જેવી ઉત્તર ક્રિયાઓ રાણીનો પુત્ર કરે તેવી રાણીની અભિલાષા છે. અપ્પણ્ણા તેનો સ્વીકાર કરે છે. કારણ કે નાગને કારણે રાણી અને અપ્પણ્ણાનું ગૃહસ્થ જીવન સુખી બન્યું ઉપરાંત બાળકના નવજીવનમાં નાગની મહત્ત્વની ભૂમિકા રહી છે.

વાર્તાએ કહેલાં આ બીજા નવા અંતથી સર્જક સંતુષ્ટ છે. કિન્તુ જ્યોતિઓને દુઃખાન્ત સ્વીકાર્ય નથી. પરિણામે સર્જક નવો ત્રીજો અંત પ્રગટ કરે છે.

રાણીના કેશમાં વજન જણાવવાથી અપ્પણ્ણા કાંસકાથી વાળ સમારે છે. કાંસકો આગળ ન ચાલતા યત્નપૂર્વક ચલાવવાથી તેમાં રહેલો સર્પ નીચે પડે છે, જે જીવતો છે. અપ્પણ્ણા નાગને મારી નાખવા લાકડી લેવા જાય છે. એવામાં રાણી પોતાના સૌભાગ્યના પ્રતીક એવા વિશાળ અને સુંદર કેશમાં નાગને સ્થાન આપે છે. આ પ્રકારનો અંત જ્યોતિઓ સ્વીકારી આનંદથી નાચી ઊઠે છે. આમ, ભારતીય નાટ્યપરંપરા અનુસાર પ્રસ્તુત નાટકનો અંત સુખાન્ત આવે છે.

નાટકના અંતે સવાર થાય છે. દરેક જ્યોતિઓ ધીરે-ધીરે કરતી ચાલી જાય છે. અંતે ભગ્ન મંદિરમાં માનવ એકલો બેઠેલો છે. પોતે મહિનાની છેલ્લી રાત્રિ જાગરણ કરી પસાર કરી. તેને પોતાને આનંદ થાય છે કે તેણે મટકું માર્યા વિના રાત્રિ પસાર કરી! પરિણામે તે જીવતો રહ્યો. પોતાના અંગોને જોઈ- સ્પર્શ કરી પોતાના જીવતા હોવાના નિશ્ચય સાથે તે સ્થાનમાંથી ઊઠી, પ્રેક્ષકોને નમસ્કાર કરતો; સ્મિત સાથે ત્યાંથી ચાલ્યો જાય છે.

ગિરીશ કારનાડની પ્રસ્તુત નાટ્યાકૃતિ એક વિશિષ્ટ પ્રકારની રચના સાથે પ્રગટ થાય છે. નાગ અને માનવ સંબંધની કથા ભારતીય તત્ત્વને ઉજાગર કરે છે. પતિ- પત્નીના આતરદ્વંદ્વની કથામાં પત્નીના આંતરભાવો તેમજ ગૃહસ્થ જીવનને હૂંફ આપતું ઈચ્છાધારી નાગનું પાત્ર કેન્દ્રમાં છે.

વર્ષ ૧૯૯૭માં ‘નાગમંડલા’ શીર્ષક સાથે ફિલ્મ જગતમાં ‘નાગમંડળ’ નાટકનું કન્નડ ભાષામાં ફિલ્મ પ્રકાશિત થયેલું. જેની પટકથા સ્વયં ગિરીશ કારનાડે તૈયાર કરેલી અને દિગ્દર્શન ટી. એસ. નાગાભારનાએ કરેલું. પ્રસ્તુત ફિલ્મને કર્ણાટક રાજ્યની બેસ્ટ ફિલ્મ તરીકે તેમજ ‘આર્યભટ્ટ ફિલ્મ એવૉર્ડ’ પણ એનાયત થયેલો. પ્રસ્તુત ફિલ્મમાં અપ્પણ્ણા-નાગપ્પાનું પાત્ર પ્રકાશ રાજે અને રાણીનું પાત્ર વિજયાલક્ષ્મીએ ભજવેલું. ‘નાગમંડલા’ ફિલ્મ ‘ઇન્ટર નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’ અંતર્ગત Indian Panorama માં પસંદગી પામેલી. વિજયદાંન દેથાની ‘बातां री फुलवाड़ी’ની ‘दुविध्या’ લોકવાર્તા ‘નાગમંડળ’ નાટક સાથે બહુધા અંશે સમાનતા ધરાવે છે. ‘दुविध्या’ લોકવાર્તાને કેન્દ્રમાં રાખી ૧૯૭૩માં મણિ કૌલે ‘દુવિધા’ શીર્ષક સાથે ફિલ્મ તેમજ વર્ષ ૨૦૦૫માં અણમોલ પાલેકરે ‘પહેલી’ ફિલ્મ ફિલ્મજગત પર વહેતી કરી.

વર્ષ ૧૯૮૯માં શ્રેષ્ઠ સર્જનાત્મક નાટ્યકૃતિ તરીકે ‘નાગમંડળ’ નાટકને ‘કર્ણાટક સાહિત્ય અકાદમી પુરસ્કાર’ પ્રાપ્ત થાય છે. નાટકની પ્રથમ મંચ પ્રસ્તુતિ અમેરિકાના મિનિયાપોલિસમાં આવેલા ‘ગથરી થિયેટર’ના ત્રીસ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ગોરલેંડ રાઇટના દિગ્દર્શન હેઠળ ‘નાગમંડળ’ નાટકની પ્રસ્તુતિ થાય છે. આ નાટકનો અંગ્રેજી અનુવાદ ગિરીશ કારનાડે જ કરેલો. નાટકની પ્રથમ પ્રસ્તુતિ લોકપ્રિય અને સફળ નીવડી. પરિણામે તેનાથી પ્રભાવિત બની ‘ગથરી થિયેટરે’ બીજું આવું એક ઉત્તમ નાટક લખવાની પ્રેરણા આપી. પરિણામે કારનાડે ૧૯૯૫માં મહાભારતની મિથ આધારિત ‘અગ્નિ મત્તુ મલે’ નાટક પ્રકાશિત કર્યું. ‘નાગમંડળ’ નાટકનો પંજાબીમાં અનુવાદ સુરજીત પાતર ‘નાગછાયા’ શીર્ષક સાથે કરે છે. જેનું ૯ જુલાઈના રોજ દિલ્હીના કમાની પ્રેક્ષક ગૃહમાં સફળ મંચન પણ થાય છે.

આમ, આપણા જીવન સાથે સંકળાયેલી એક એવી પણ રહસ્યમય દુનિયા(Mysterious World) છે. જે દંતકથા કે વાર્તા સ્વરૂપે ઉપરાંત પૌરાણિક ગ્રંથોમાં રહેલા દૃષ્ટાંતો રૂપે રહેલી છે. આ રહસ્યમય (Mysterious) તત્ત્વને આધારે નાટ્યકાર ગિરીશ કારનાડે આધુનિક માનવીની પ્રતિક્રિયા, તેનું જીવન- દર્શન તેમજ તેની સાથે જોડાયેલું ભારતીય તત્ત્વ (Indigenous Elements) ને ઉજાગર કરે છે.

સંદર્ભ:

૧. कालिदास ग्रंथावली, વસંત પરીખ, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ. ૨૦૧૬, પૃ. ૬૨

૨. श्रीमद्वाल्मीकीय रामायण, द्वितिय भाग, अनु. पं. रामनारायण, गीताप्रेस गोरखपुर, प्रथम आ. संवत. 2017, पृ. 1167

૩. नागमण्डल, गिरीश कार्नाड, अनु. बी. आर. नारायण, भारतीय ज्ञानपीठ, पाँचवाँ सं. 2011, पृ. 77

૪. રંગ- ચક્ર, ધ્વનિલ પારેખ, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ. 2014, પૃ. 38

સંદર્ભ ગ્રંથ:

૧. नागमण्डल, गिरीश कार्नाड, अनु. बी. आर. नारायण, भारतीय ज्ञानपीठ, पाँचवाँ सं. 2011, पृ. 77

મહિરથસિંહ ઘનશ્યામસિંહ પરમાર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦

Prayas An Extension… A Peer reviewed literary e journal, ISSN – 2582-8681, vol. 4, Issue 1, Jan.-Feb:2023