મકરન્દ દવે એવા સર્જક છે કે જેમની કલમ સાહિત્યનાં જુદાં-જુદાં સ્વરૂપોને સ્પર્શીને ફલીભૂત થઈને સાહિત્યમાળામાં મોતી પોરોવ્યા છે. કવિજીવ એવા મકરન્દ દવે જ્યારે ગદ્ય સાહિત્યમાં કલમ અજમાવે છે ત્યારે તેમનું ગદ્ય પણ પદ્ય માફક લાગણીઓનાં તંતુઓથી ઝડિત લાગે છે. તેમની રચનાઓમાં “પીડ પરાઇ” એ અલગ તરી આવતી કૃતિ છે જે પ્રસંગચિત્રનો સંગ્રહ છે. પ્રેમ, કરુણા, દયા, પ્રમાણિકતા, ભક્તિ, સમાજસેવા, સમાજસુધારણા જેવા મૂલ્યગ્રાહી વ્યક્તિઓના જીવનનાં પ્રસંગોને ચિત્રિત કર્યા છે. આ માટે તેમણે કોઈ નિશ્ચિત દેશ-કાળને પસંદ કર્યા નથી. તેઓ ભારતના બનારસ કાશીમાં ફરે છે તો અમેરિકામાં પણ ભ્રમણા કરે છે અને બગદાદમાં પણ દૃષ્ટિ ફેલાવે છે, આધુનિક યુગની સાથે મધ્યકાલીનયુગ, પ્રાચીનયુગ, વૈદિકયુગ અને પૌરાણિકકાળમાં પણ એવા વ્યક્તિઓની ખોજ કરી તેમના જીવનનાં પ્રસંગોને અહીં પસંદ કરે છે. અંતે તો અહીં ધર્મધ્યાન, પ્રભુસેવાની સાચી સમજ અને અધ્યાત્મ સાધનાની જ વાતો કેન્દ્રસ્થાને રહી છે.
“વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે,
પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.”
ભક્તકવિ નરસિંહ મહેતા રચિત, ગાંધીજીની પ્રિય એવી આ રચનાની ઘેરી અસર મકરન્દ દવે પર પણ જણાય છે. તેઓને દુનિયામાં જ્યાં-જ્યાં બીજાના દુઃખ, દર્દો પોતાના કરી લેતા કે દુઃખ દર્દોને દૂર કરવા માટે કંઈપણ કરી છૂટતાં મહામાનવો આકર્ષે છે. પુણ્યકર્મ કે સેવા, મદદ કરવી એ સ્વભાવ હોય નહીં કે કંઈક વિશેષ કર્યાનું અભિમાન, દંભ રાખવો. આવા દીનદુઃખીઓ પાછળ ઘસાઈને ઉજળા થનારાઓની વાત કરવામાં લેખકને વધારે રસ છે પછી તે સામાન્ય વ્યક્તિ હોય કે દેવી-દેવતા તેથી જ તેમની કૃતિનું શીર્ષક “પીડ પરાઈ” કૃતિનાં હાર્દને પૂર્ણતઃ અભિવ્યક્ત કરે છે.
લેખકે પસંદ કરેલા ચરિત્રો પોતાનાં જીવન દ્વારા લોકોને જીવન જીવવાની સાચી રીત શીખવી જાય છે. પોતાની ઈચ્છા, જરૂરિયાત, આરામ, આદત કે સુખસાહેબીને બદલે દુઃખી, પીડિત વ્યક્તિની પીડાને દૂર કરવા માટે તત્પર રહેતા અને તેને જ સાચો ધર્મ માનનારા મહાનુભાવોને માટે એ જ પ્રભુસેવા અને એ જ પૂણ્યકર્મ છે. પ્રથમ પ્રસંગચિત્ર ‘અનુકંપા’માં માતા ઉમા ભગવાન શંકરને પ્રસન્ન કરવા આકરી તપસ્યા કરે છે અને અંતે એક નાનકડાં ડુક્કરનાં બચ્ચાંને બચાવવા માટે પોતાની સંપૂર્ણ તપસ્યાના ફળને સમર્પિત કરીદે છે. એ જ તેમની સાચી પરીક્ષા હતી જેમાં તેઓ ઉતીર્ણ થયા અને મહેશ્વરને પામી શક્યા. યુગો-યુગોની તપસ્યા એક જીવને બચાવવાના પુણ્ય સમાન છે. ‘સતની કાવડ’ પ્રસંગચિત્રમાં મયાગર અને મેકરણ બે મિત્રોની વાત છે જે ગિરનારની ભૂમિ પર ગુરુદત્તને ચરણે જીવન ગાળે છે ને ગુરુ આદેશથી મેકરણદાદા પોતાના વતન કચ્છ જઇ સેવા કાર્ય કરે છે. તેઓ મયાગરને કહે છે કે,
‘જીવતરની ગોળીમાં છાશ ભેળા છાશ ન થઈ જતા પણ નિરાળા તરી રહેતા નવનીતનાં પારખાં કાઈ જંગલમાં થોડાં થશે?” (“પીડ પરાઈ”, પૃષ્ઠ-૧૩)
સંસારમાં રહીને સમાજ સેવાકાર્યને જ પ્રભુસેવા ગણવી અને જીવનને સફળ કરવાની આ સમજ નિરાળી છે. ‘એનું કર્યું કબૂલ’ પ્રસંગચિત્રમાં અલ્લાહ લાખોની સંખ્યામાં હજ કરવા આવતા બંદાઓની બંદગી મંજુર કરતા નથી આ વાતની જાણ બે ફરીસ્તાઓની વાતચીત પરથી થાય છે,
“આ વર્ષે કેટલા માણસો હજ કરવા આવ્યા?
‘ચાળીસ લાખ,’ બીજાએ જવાબ આપ્યો.
‘અને એમાંથી કેટલાની હજ ખુદાએ કબુલ રાખી?
‘કોઈની નહિ.” (“પીડ પરાઈ”, પૃષ્ઠ-૫૬)
પરંતુ એક આદમી જે હજ કરવા ગયા પણ નથી તેની હજ ખુદાએ પ્યારથી સ્વીકારી અને તેને ખાતર ખુદાએ બીજા હાજીઓના ગુના પણ માફ કર્યા. તે મોચી અલ-બિન-મૂફિકે પેટે પાટા બાંધીને હજ કરવા પૈસા બચાવ્યા હતા. પરંતુ પડોશીને ત્યાં ભૂખથી તરફડતા બાળકો જોઈને તેમનું મન દુઃખી થઈ ગયું. તેમણે હજ માટેના પૈસા તેમને આપી દીધા. પોતે હજ કરવા જઈ ના શક્યા. ખુદા તેમની આ કરુણાથી પ્રસન્ન થઈ તેમને એકને જ હજનાં સાચા હાજી તરીકે સ્વીકારે છે. આવી જ વાત ‘ત્રાયતે મહંતો ભયાત’ પ્રસંગચિત્રમાં પણ છે. જેમાં કોઈ એકની ભક્તિ કે નિષ્ઠા કરુણાથી પ્રભાવિત થઈને તેના પુણ્યકર્મને કારણે બીજા અનેક પાપીઓ પણ તરી જતા હોય છે ઈશ્વરની માફી મેળવતા હોય છે. બાવાઅભરામ યહૂદીઓનાં આદિ વડવા. પારકું દુઃખ કે વિપદ દેખી ઓગળી પીગળી જતા. તે ભગવાનના ભારે માનીતા. સોદોમ અને ગોમોરા શહેરનાં વસનારા રહેવાસીઓનાં પાપ કર્મો વધી જતા ભગવાન તે શહેરોને ભસ્મિભૂત કરવા આવે અને રસ્તામાં અભરામના મહેમાન થાય છે. અભરામના પત્ની સારાહ તેમને પ્રેમથી જમાડે છે. અભરામને જ્યારે ભગવાનના આગમનના કારણની જાણ થઈ ત્યારે ભગવાનને તેઓને માફ કરવાની વિનવણી કરે છે. ભગવાન તેમની વાતનું માન રાખી કહે છે કે,
‘જા, એ દૈવતવાળા દસને ખાતર પણ આખું સોદોમ શહેર ઊગરી જશે.’ કહી અદ્રશ્ય થયા. સોદોમ શહેર બચી ગયું લેખક કહે છે કે,
‘ધર્મનો એક છાંટો પણ માનવને મહાભયમાંથી ઉગરી લે છે” (“પીડ પરાઈ”, પૃષ્ઠ-૬૧)
સંસારનો ત્યાગ કરીને તપસ્યા દ્વારા જ ઈશ્વર પ્રાપ્ત નથી થતા પરંતુ સંસારી રહીને પણ પ્રમાણિકતાથી જીવન જીવીને ઈશ્વરના પ્યારા થઈ શકાય છે. એવી જ કંઈક વાત ‘જીવનની ધરી’ પ્રસંગચિત્રમાં તુલાધારની છે. તેઓ એક વેપારી અને લક્ષ્મીમાતાનાં ભક્ત છે, કાશી નગરીમાં જીવન જરૂરિયાતની નાની-મોટી વસ્તુઓ તેમની દુકાનમાં વેચાતી, તેમના સત્યવચન અને પ્રમાણિક સ્વભાવ, વ્યવહારને કારણે જ તે વર્ષોથી દુકાન સંભાળે છે. બીજાની ચડતી-પડતીનાં સમયમાં પણ તેમનો રોજગાર સ્થિર જ રહે છે. તે જોઈને ઘણાંને આશ્ચર્ય થાય. સ્વભાવ સંત જેવો જાણે સાચા મુનિવર. તેમને માયાનું બંધન છોડવાનું કોઈ કહે તો તુલાધાર તેમને સમજાવતા કે,
‘માયાના બંધનમાં હું નથી પડ્યો ભાઈ, માતાની ગોદમાં છું. નથી જાણતા? શ્રીમાતાની મોહિની શક્તિથી તો આખું વિશ્વ મોહિત છે. ભાગીને ક્યા જશો? ત્યાગીને શું કરશો? વનમાં જશો તો અંદરની વાસના કંઇ કેડો નહીં મૂકે. લંગોટીનો લીરો પણ તમારા ત્યાગમાં બંધનનું દોરડું બની જશે. માટે જ્યાં છો ત્યાં ભગવતી લક્ષ્મી માયાને ચરણે વંદન કરો અને સચ્ચાઈથી ચાલો! એ પ્રસન્ન થશે તો ભવનાં બધાએ બંધનો કાપી નાખશે.’ (“પીડ પરાઈ”, પૃષ્ઠ-૧૮)
પોતાનાં વેપારમાં શુદ્ધ અને પ્રમાણિકપણે વર્તવાથી તેમને જીવનમાં જે સિદ્ધિ સાંપડી છે જે વિનમ્રતા તેમના સ્વભાવમાં આવી છે તે જોઈને કઠોર તપસ્યાથી તન-મનને કઠોર પર્વતશીલા જેવું બનાવનાર, અનેક સિદ્ધિઓ હાંસલ કરનાર ઝાઝલીમુનિના પોતાના પરના ગર્વને ભાંગે છે અને તુલાધારને નમસ્કાર કરે છે.
મુનિવર, સંત માટે સર્વે મનુષ્ય સમાન હોય છે. રંક હો યા રાજા, ગૃહિણી હો યા દાસી, સંત સ્ત્રી હો યા ગણીકા, સર્વ માટે મુક્તિનાં દ્વાર ખુલ્લા જ છે. આ વાતની પૃષ્ટિ ‘આગના આંસુ’ પ્રસંગચિત્રમાં લોખંડી સ્વામી અને ગણિકાનાં જીવનપ્રસંગથી થાય છે.
કિન્નરોનું ગુણ કીર્તન, ગંધર્વનો ખરોવૈભવ, આનંદ-વિલાસ, ઇન્દ્રની સભા બધું જ જેનો આત્મદીપ ઝળહળી ઉઠ્યો છે એવા અકીંચન નર પાસે કંઈ હિસાબમાં નથી ‘પ્રજ્ઞા-પ્રાસાદ’માં આ વાત સમજાવતા ગૌતમબુદ્ધ પોતાના પ્રિય ભાઈ સૌંદરાનંદને કહે છે કે,
‘શરૂઆતમાં પ્રાપ્તિની વિહવળતા, મધ્યમાં ભોગની લોલુપતા અને અંતમાં વિયોગનો ભય રહે એવા સુખને કોઈ સમજુ માણસ સુખ કહી શકે ખરો? એ બધું પડછાયાને બચકા ભરવા જેવું છે.’
(“પીડ પરાઈ”, પૃષ્ઠ-૪૬)
જે સુખ બાહ્ય પરિસ્થિતિ કે સામગ્રી પર આધાર રાખે તે ખરેખર સાચું સુખ નથી પરંતુ પરાધીનતા છે માટે જ સાચું સુખ પોતાની અંદર જ છે.
‘રૂહાની ચિરાગ’માં બસરાના એક તાલેવાન વેપારી એહમદ-બિન-આદમની શાંતિની નીંદ ઉડી ગઈ છે. તેના બધા ગુલામો, નોકર-ચાકર, સગા-વહાલા, ઢોરઢાંખર બધા પોઢી ગયા હતા ત્યારે અઢળક દોલતનો માલિક અજંપામાં આંટા મારતો હતો. ત્યા તેની નજર એક ગુલામ છોકરી રાબિયાની ઓરડીમાં બળતા દીવા તરફ પડે છે જેને તેણે અપાર પીડા આપી છે. બગદાદના અમીર શરાબી મહેમાનોની ઈચ્છાનો અમલ કરતા તેણે ગોઠણની રચના જોવા રાબિયાના ગોઠણ ભાંગી નાખ્યા. અસહ્ય વેદનાની મારી તે ચીસો પાડી ઉઠી પણ કોઈએ રાબિયાનાં તરફડાટ સામે ના જોયું ને ખુદાની માનવીનાં દેહની રચનાની કરામત જોઈ રહ્યા. તે જ રાબિયા અહીં અલ્લાહની પાસે દુવામાં પોતાના માલિક પર રહેમ કરવા તેના ગુનાહોની માફી માંગે છે તેના બેકરાર દિલમાં ઠંડક ભરવા કહે છે ત્યારે અહેમદનું હૃદય પરિવર્તન થાય છે. રાબિયા સહિત બધાં ગુલામોને મુક્ત કરી મૂકે છે. સાચી શાંતિ બહારથી નહીં પણ અંદરના ઉજાસથી જ મળે છે.
મકરન્દ દવેએ વર્ણવેલ દરેક પ્રસંગચિત્ર એ જીવનનાં કોઈને કોઈ સારા મૂલ્યને શીખવી જાય છે. એક પુણ્યશાળી પવિત્ર સજ્જન વ્યક્તિની લાક્ષણિકતાઓ કેવી હોવી જોઈએ તે તેમનાં પાત્રો દ્વારા આપણને જાણવા મળે છે. લેખકે ક્યાં પાત્રનાં જીવનનો કયો પ્રસંગ પસંદ કરી અહીં વર્ણવ્યો છે તે પણ રસનો વિષય છે. જેમ કે પાત્રનાં જીવનનો એવો પ્રસંગ કે જેના દ્વારા તેના જીવનનો ધ્યેય જ બદલાઈ જાય. ‘અમર દેવીદાસ’પ્રસંગચિત્રમાં સંતદેવીદાસ રક્તપીતિયા લોકોની સેવા કરે છે આવા રોગીષ્ટને જોઈને લોકો અણગમો વ્યક્ત કરી ત્યાંથી દૂર થઈ જાય જ્યારે અમરબાઈ આવા રોગમાં પીડાતા દુઃખી લોકોને જોઈને સંતની સાથે સેવા કાર્યમાં લાગી ગયા અને પોતાનાં પતિ તથા સાસુને ઘરેણા આપી વિદાય આપી પોતાનું જીવન સેવા માટે જ સમર્પિત કર્યું. સંતદેવીદાસની સાથે તેમનું નામ જોડાઈ ‘અમર દેવીદાસ’થી જ તેઓ નામના મેળવે છે, ઓળખાય છે.
લેખક જાણે પોતે જ પ્રશ્ન કરે છે અને પોતે પોતાના પાત્રોના મોઢે તે પ્રશ્નના જવાબ પણ આપે છે જેમ કે,
‘ભગવાનની સહુથી નજીક લઈ જતી કેડી કઈ?
ભગવાનમાં ભરપૂર ભરોસો, ને ભારોભાર નમ્રતા. (“પીડ પરાઈ”, પૃષ્ઠ-૬૪)
‘ભૂમિયો’ પ્રસંગચિત્રનો આ સંવાદ એક પંડિત અને એક ચિથરેહાલ આદમીનો છે. પંડિત એવા ભૂમિયાની તલાશમાં છે જે તેને ભગવાનનો ભેટો કરાવી આપે અને માર્ગ બતાવે. તેમને આ માણસને મળવા આકાશવાણી દ્વારા જણાવાય છે. આ વ્યક્તિને જોઈ પંડિતને તેના પર દયા આવે છે પણ તે આદમી તો પોતાનામાં જ મસ્ત છે, દુઃખ-દર્દ તેને સ્પર્શતું પણ નથી અને પોતાને ખૂબ સુખી વ્યક્તિ ગણાવે છે દરેક પરિસ્થિતિમાં તે સકારાત્મક વિચારો ધરાવે છે તેને સંપૂર્ણ વિશ્વાસ છે કે જો તે નર્કમાં જશે તોપણ ઈશ્વરને સાથે લઈને જ જશે આથી નર્ક પણ તેમને માટે એક સમાન જ છે. તેઓ કહે છે કે,
‘ભગવાનની મરજીમાં જ મારી મરજી ઓગળી-પીગળી ગઈ છે. એટલે ભગવાનની મરજી એ મારી મરજી, સમજ્યા ને!’ (“પીડ પરાઈ”, પૃષ્ઠ-૬૩)
વિલિયમ લોઈડ ગેરીસન જે અમેરિકન ગુલામોની બેડી તોડવામાં સૌથી પહેલો ઘરનો ઘા કરનાર. તેના જીવનને પણ લેખકે ‘મુક્તિગંગાના ભગીરથ’માં સામેલ કર્યું છે. જેના કાર્યો, વિચારો, ભાવના, મક્કમતા, ધીરજ આપણને ડોક્ટર ભીમરાવ આંબેડકરની યાદ અપાવી જાય છે. 1804માં જન્મેલ ગેરિસન 75 વર્ષના જીવનકાળ દરમિયાન ગુલામપ્રથા પર કપરા પ્રહારો કરીને તેમને પણ હક અધિકાર અપાવવામાં પોતાનું જીવન ગાળે છે છેવટે અબ્રાહમ લિંકન યુનાઈટેડ સ્ટેટ્સનાં પ્રમુખ પદે ચૂંટાયા અને ગેરીસનના જીવનભરનાં યુદ્ધનો વિજય ડંકો વાગ્યો. ગેરીસનની ૪૦વર્ષની સાધના ફળી અને 1879માં તેઓ સફર જીવન જીવી શાંતિથી પ્રાણ છોડે છે.
આ કૃતિમાંથી પસાર થતાં જણાય છે કે લેખક એવા ચરિત્રો પાત્રોને જ પસંદ કર્યા છે કે જે માનવ ધર્મને જ સર્વોપરી માને છે. ધાર્મિક ભેદભાવ કે જાતીય ભેદભાવને તેઓ અહીં સ્થાન આપતા નથી. પુરુષપાત્રો જેટલા બળકટ, ધાર્મિક, સહિષ્ણુ, પ્રામાણિક, સમાજસેવા પ્રભુસેવામાં મગ્ન છે તેમ સ્ત્રીપાત્રો પણ તેમની સમાંતરે સામાજિક કાર્યોમાં, ઈશ્વર ભક્તિ-સેવામાં, પ્રમાણિકતામાં, વિનમ્રતા, કરુણા, દયા જેવા આંતર ગુણોમાં ઉતરતા નથી. અમરબાઈ, અભરામનાં પત્ની સારાહ, ડોક્ટર નિવેદિતા જેવા સ્ત્રી ચરિત્રોનાં જીવનનાં પ્રસંગો તેની સાક્ષી પુરે છે.
‘ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી’
મકરન્દ દવેની આ રચના જાણે તેમના જીવનને જ વ્યક્ત કરે છે. જેમ ફૂલમાની સુગંધ આપોઆપ પ્રસરે છે તેમ સર્જકના મનમાં રહેલ ફોરમ કાગળમાં પ્રસરતી રહે છે તેઓ પોતે રાખતા નથી. તત્વચિંતન ધર્મચિંતન જે તેમના મનમાં છે તે જ તેમને “પીડ પરાઈ” જેવી રચના રચવા માટે પ્રેરે છે.
પ્રયાસ An Extension… A Peer Reviewed Literary e magazine, ISSN: 2582-8681 VOLUME 4 ISSUE 6 CONTINUE ISSUE 19 NOV- DEC : 2023