અઘરું છે
બધું જાણવું.
એથીય
અઘરું છે
જાણતાં હોવા છતાં
ફરી ભૂલી જવું
અને
જાણવું ફરી
સંતાનની નજરે.
આંગળી પકડીને ચાલતાં શીખવ્યું હોય,
ખભા પર બેસાડી દુનિયા દેખાડી હોય,
પોતાને જરૂરની વસ્તુ છોડી દીધી હોય,
અને સંતાનના શોખ પૂરા કર્યા હોય,
છતાં
‘તમને કાંઈ ખબર ન પડે’
‘હવે તમારો જમાનો ગયો’
‘તમારે તો કાંઈક ને કાંઈક ઊભું જ હોય’
એવું ભારે હૈયે સાંભળી લેવું
અને
એ વખતે પોતે સંતાનનાં માટે કરેલું
મોઢા પર રોકડું પરખાવવાને બદલે
નસીબને દોષ દઈ,
પોતાનો જ વાંક જોઈ,
ગોઠાવાઈ જવું
સંતાનોની દુનિયામાં,
અઘરું છે.
અઘરું છે
પેલ્લેથી છેલ્લે સુધી
દરેક તબક્કે
પિતા થવું!
એટલે જ
કાંઈ પણ બની શકાય
પિતા પણ બની શકાય,
પણ
અશક્ય છે
પોતાનાં પિતા થવું!
– વિરેન પંડ્યા ‘વિરલ’