નેહ લાગ્યાની વાત : ‘તરુરાગ અને નદીસૂક્ત’                

ડૉ. વિરેન પંડ્યા

              અનુગાંધીયુગના કવિ તરીકે વિશેષ જાણીતા જયન્ત પાઠક પાસેથી આઠ જેટલાં કાવ્યસંગ્રહો મળે છે. કવિની કવિતામાં  તેનો વતનપ્રેમ અને પ્રકૃતિપ્રેમ સહજ ધ્યાન ખેંચે  છે. કવિ પોતાનો પ્રકૃતિ સાથેનો સઘન નાતો ‘થોડો વગડાનો શ્વાસ’ કવિતામાં સ્પષ્ટ કરી આપે છે :

“પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને

નાડીમાં નાનેરી નદીઓનાં નીર;

છાતીમાં બુલબુલનો માળો ને

આંગળીમાં આદિવાસીનું તીણું તીર;

રોમ મારાં ફરકે છે ઘાસમાં,

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.”[1]

કવિએ કવિતામાં કબૂલેલો આ પ્રકૃતિ સાથેનો ઘનિષ્ઠ સંબંધ રચાયો કેવી રીતે ? કવિના રોમ ઘાસમાં ફરકતા કેવી રીતે થયા ? એમની નાડીમાં કઈ નાની-નાની નદીઓનાં નીર વહી રહ્યાં છે ? એનો ઉત્તર આપવા કવિ જયન્ત પાઠક થોભે એવાં નથી. એ તો એની મસ્તીમાં લયલીન છે. પણ સ્મૃતિકથાકાર જયન્ત પાઠક પાસે જઈએ તો આ કવિની કવિતાને સમજવાનો રાજમાર્ગ એક ભાવક તરીકે આપણે પામી શકીએ છીએ. મુખ્યત્વે સ્મૃતિકથાકાર તરીકે જયન્ત પાઠક ‘વનાંચલ’નાં લીધે વધુ જાણીતા છે. પણ અહીં આપણે ‘વનાંચલ’નાં અનુસંધાનરૂપે લખાયેલી સ્મૃતિકથા ‘તરુરાગ અને નદીસૂક્ત’ વિષે થોડી વાતો કરવાના છીએ.

              જયન્ત પાઠકનું જન્મશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. સર્જકની શતાબ્દી તેનાં સર્જનોને પુનઃ મૂલવવાનો અને તેનાં ઓછાં પ્રકાશમાં આવેલાં ગ્રંથો સુધી ભાવકને દોરી જવાનો અવસર હોય છે. ‘વનાંચલ’થી તો લગભગ દરેક ગુજરાતી ભાવક પરિચિત હોય જ, પણ ‘તરુરાગ અને નદીસૂક્ત’ વિશે બહું ઓછી ચર્ચા થઈ છે. ‘વનાંચલ’ જયન્ત પાઠકના વતનપ્રેમને અભિવ્યક્ત કરતી સ્મૃતિકથા છે, તો ‘તરુરાગ અને નદીસૂક્ત’ તેમના વૃક્ષપ્રેમની પ્રતીતિ કરાવતી સ્મૃતિકથા છે. અહીં વૃક્ષો વિશે ૧૪ અને નદીઓ વિશે ૮ એમ કુલ ૨૨ નિબંધો ગ્રંથસ્થ થયા છે. ઈ.સ. ૧૯૮૭માં ‘તરુરાગ’ નામે નિબંધસંગ્રહ પ્રગટ થયેલો, એમાં કેટલાંક નિબંધો ઉમેરીને ઈ.સ. ૧૯૯૫માં ‘તરુરાગ અને નદીસૂક્ત’ પ્રગટ થાય છે. મનુભાઈ પંચોળી ‘દર્શક’ની ‘અરણ્યનું મહિમાગાન’ પ્રસ્તાવના સાથે પ્રગટ થયેલ આ સ્મૃતિકથામાં જયન્ત પાઠકનો તરુરાગ ભારોભાર નિરૂપાયો છે.

              ‘ઝાંપાનો વડ’ નિબંધમાં આલેખાયેલો મિત્ર સાથેનો સંવાદ જયન્ત પાઠકના તરુરાગને સુપેરે સ્પષ્ટ કરી આપે છે. જુઓ :

              “હમણાં જ વતનનો એક લંગોટિયો દોસ્ત મળી ગયો. ઘણાં માણસો ને ઘણાં ઝાડની યાદ કરી કરીને ખબર પૂછી. કેટલાંક છે ને કેટલાંક નથી; ગયાં. એકાએક મેં પૂછ્યું : ‘પેલો વડ છે કે ઝાંપાવાળો ?’ ‘એ તો પડી ગયો ક્યારનોય, વંટોળિયામાં.’ સામાન્ય અખબારી હેવાલ આપતો હોય એ રીતે મિત્રે કહ્યું. ‘હેં ! એમ ! ના હોય !’ મારાથી બોલાઈ ગયું. મારા મોંના હાવભાવ જોઈને પેલો મિત્ર મને વિસ્મયથી તાકી રહ્યો. હું કવિ છું એ વાત એ જાણતો હતો, પણ અત્યારે કદાચ એવા ગાંડપણથી આગળની અવસ્થામાં છું, એવું એને લાગ્યું હશે. એણે કહ્યું : ‘કેટલું જૂનું ઝાડ હતું ! પડી જ જાય ને ! એ વંટોળિયામાં તો ભલભલાં ઝાડ ઊખડી ગયેલાં; એની આવરદા પૂરી થયેલી એટલે વધારે ક્યાંથી જીવે !’ ‘ના, ના; ફરી વંટોળિયો આવે ને હું ઊખડી જાઉં ત્યાં સુધી તો આ વડ અડીખમ ઊભો રહેવાનો જ ! એ ગોઠ ગામને ઝાંપે થોડો ઊગ્યો હતો ! એ તો મારા હૃદયના રાગમાં છે !’”[2]

              માત્ર વડ જ નહિ, આવા તો અનેક વૃક્ષો લેખકના હૃદયના રાગમાં ઝૂલે છે. આજની પેઢી વૃક્ષોને ભાગ્યે જ નામથી ઓળખે છે, ત્યારે જયન્ત પાઠકના મનોજગતમાં બાળપણમાં જોયેલા વૃક્ષો વ્યક્તિ, સ્થળ કે ગુણ સાથેના અનુબંધ સહીત લહેરાઈ રહ્યા છે. નિબંધોના શીર્ષકોથી એ પામી શકાશે. અહીં ‘ઝાંપાનો  વડ’, ‘પાલ્લીનો પીપળો’, માલગુણનો આંબલો’, ‘વાડાની આંબલી’, નદી કાંઠાની કણજી’, ‘પસાયતાનો  તાડ’ જેવા સ્થળ સાથે જોડાયેલા વૃક્ષો છે, તો ‘બુધાનો લીમડો’, ‘નાથા ડોસાનો આંબો’ જેવા વ્યક્તિઓ સાથે જોડાયેલા વૃક્ષો પણ છે. સાથે જ  ‘એકલવાયો શીમળો’ કે ‘નામાંકિત કઢાઈ’ જેવા વિશિષ્ટ ગુણ ધરાવતા વૃક્ષો પણ  છે. આ વૃક્ષોના નામકરણ ભાવકને પણ પોતાના ગામ, શૈશવ અને પાદરના વૃક્ષોની યાદ અપાવ્યા વિના રહેતા નથી. માણસના વ્યક્તિચિત્રોના અનેક ઉદાહરણો આપણને સાહિત્યકારોએ આપ્યા છે, પણ વૃક્ષચિત્રો અને એ પણ વ્યક્તિચિત્રો જેવા બહુ ઓછી માત્રામાં આલેખાયા છે. જાણે વૃક્ષો માનવીય ગુણ ધરાવતા જીવતા ચરિત્રો હોય એ રીતે લેખક ‘એકલવાયો શીમળો’ નિબંધમાં લખે છે :

              “જેમ જાતજાતના સ્વભાવવાળાં માણસ તેમ જાતજાતના સ્વભાવવાળાં વૃક્ષો. કેટલાંક પ્રેમાળ ને સ્વજનો જેવાં, આપણને જોતાં જ હસીલળીને બોલાવે, સામે ચાલીને તેડી લે, તો કેટલાંક  વળી મીંઢા અતડાં, કોઈ એમના દમામથી આપણને છેટાં રાખનારાં તો કોઈ વળી સ્વભાવે જ વેરાગી જેવાં. એમને આપણે પાસે જઈએ, એમને અડકીએ, એમના ખોળામાં ખેલીએ-કૂદીએ તે ના ગમે; સંસાર વચ્ચે તેઓ એકલવાયાં.”[3]

              આ વાંચ્યા પછી આપણી સોસાયટીના નાકે ઊભેલું વૃક્ષ પણ આપણે જુદી રીતે જોતાં થઈએ છીએ. એને કોઈ વિશિષ્ટ અસ્તિત્વ તરીકે અનુભવવાની ચાવી આ સંગ્રહના નિબંધોમાં પડેલી છે. જો એ હાથ લાગી જાય, તો હજી બચી ગયેલી પ્રકૃતિને માણવાનો અવસર આપણે પામી શકીએ એવી જીવંતતા આપણામાં આ નિબંધો પૂરી દે છે.

              અહીં આંબલી, કોઠા, આંબાના મહોરનો સ્વાદાનુભાવ અનેક નિબંધો કરાવે છે. માત્ર નદી કે વૃક્ષોમાં જ  નહિ, લેખક પથ્થરમાં સૌંદર્ય જોઈ શકે છે. ‘નકશા બહારની નદી’માં ધુસ્કો નદીના રેતાળ પટમાં પડેલો પથ્થર આપણને પણ આકર્ષિત કરે એવી રીતે લેખકમાં રહેલા કવિએ આલેખ્યો છે. આવાં તો અનેક વર્ણનોથી આ સંગ્રહ સમૃદ્ધ છે. જયન્ત પાઠકના ગદ્યનો એક નમૂનો પણ આ વર્ણનની વાત નીકળી છે ત્યારે અહીં મૂકવો જોઈએ. ‘નદીનું મૂળ-ઋષિનું કુળ’ નિબંધમાં ટૂંકા વાક્યો અને પ્રાસ યોજીને લેખક કેવું ગદ્ય ઘડે છે ! જુઓ :

              “પૂર્વમાં પથરાયેલાં એ અડાબીડ જંગલો; નહીં વાટ, નહીં કેડી. સૂરજ પણ બાપડો અથડાતો-કુટાતો પ્હાડ-ઝાડ વટાવતો મહામુસીબતે બહાર નીકળે. આવા વગડામાં આદિવાસીઓનાં છૂટાંછવાયાં છાપરાં. રાત પડે એટલે ભય એ આખાય મુલકને ઘેરી લે. વાઘ ને દીપડા, શિયાળ ને ઝરખ ભરખ માટે ભમતાં હોય; ત્રાડ ને છીંકોટાથી વાતાવરણ સ્તબ્ધ હોય. રોજ નદીએ જઈએ ને ઉપરવાસ નજર કરીએ; નદીમાં પૂર આવ્યું હોય ત્યારે પેલા ધોધની કલ્પનાથી મન ભરાઈ જાય, ઊભરાઈ જાય. અરે, શમણામાં અનેક વાર પેલો ધોધ ને હાથણી પણ દેખાય; પણ વગડો વીંધીને એ જગાએ કેવી રીતે જવાય ! એ પહાડો, એ ધોધ, એ હાથણી –બધું કેટલું પાસે ને છતાં કેટલું આઘે !”[4]

              આ ગદ્યમાંથી પસાર થતાં આપણે પણ ગોઠ ગામની આજુબાજુની પ્રકૃતિમાં લેખકની જેમ જ રમમાણ થઈ જઈએ છીએ. પણ નિબંધ પૂરો થતાં જે બધું પાસે હતું તે ક્યાંય છેટું જતું રહ્યું છે -તેનો અહેસાસ વિષાદમાં ડૂબાડી દે છે. આવાં લલિત ગદ્યની સાથે સાથે અલંકારો પણ આ નિબંધોને સુંદર કલાઘાટ આપે છે. જોઈએ કેટલાંક દૃષ્ટાંતો :

“આમ તો અમને એ કોઈ દયાપાત્ર ડોસા જેવો લાગતો.”[5] (ઉપમા અલંકાર)

“…કાળી કાળી ડાળડાળીઓથી બાંધેલો (લીમડો), પવનથી પૃથ્વીને નંખાતો મોટોમસ વીંઝણો જ જોઈ લો !”[6] (રૂપક અલંકાર)

“નાગો વરસાદ પડે ત્યારે જાણે આખો લીમડો પ્રવાહી સોનું થઈને દદડતો જણાય.”[7] (ઉત્પ્રેક્ષા અલંકાર)

“ભૂરી ડોશીનું છાપરું ને પંડ્યાકાકાનું ઘર ત્યારે ભયથી થરથરતાં હોય.”[8] (સજીવારોપણ અલંકાર)

              અલંકારોની સાથે જ કલ્પનો પણ આ નિબંધોને સમૃદ્ધ કરે છે. પણ ભાષા કરતાંય લેખકનાં બળકટ સ્મરણથી જ આ નિબંધો વધુ આસ્વાદ્ય બન્યા છે. લેખકના મનમાં ચાલીસ વર્ષ પહેલાં નષ્ટ થયેલું જંગલ હજીય સ્મૃતિ રૂપે જીવંત છે અને એ સ્મૃતિએ જ લેખકને મૃત્યુ  પર્યંત ભાવકના હૃદયમાં જીવતા રાખ્યા છે. મરણ પર સ્મરણનો વિજય ‘માલગુણનો  આંબલો’ નિબંધમાં લેખક સરસ રીતે નિરૂપે છે. માણસને મળેલું સ્મરણનું વરદાન ક્ષય પામેલું સ્મૃતિમાં જીવતું કરીને, સ્થળકાળ વટીને ભોગવવાની આઝાદી આપે છે. અને એ સ્મરણ છે ત્યાં સુધી મરણ કશાનો પૂરો વિલય કરી શકતું નથી એ લેખકનું તત્વજ્ઞાન સ્મરણનું મૂલ્ય સમજાવી જાય છે. જયન્ત પાઠક ભલે તેમની જન્મ-શતાબ્દી ઉજવવા આપણી સાથે નથી, પણ તેનાં સંસ્મરણોનું આપણે જે સ્મરણ આદર્યું છે, તે જયન્ત પાઠકના મરણને ઓગાળીને આપણા હૃદયમાં તેમને પુનઃ જીવિત કરી આપે છે.

              વૃક્ષ, નદી કે પ્રકૃતિનાં નિરૂપણો અને મનુષ્યનો પ્રકૃતિ પ્રત્યેનો અનુરાગ બહુ જૂનો છે. આપણા ઋષિઓએ ‘અરણ્યસૂક્ત’ કે ‘નદીસૂક્ત’ રચીને પ્રકૃતિનો  મહિમા કર્યો છે. ‘રામાયણ’, ‘મહાભારત’ જેવાં મહાકાવ્યો પણ  પ્રકૃતિવર્ણનોથી ભરપૂર છે. એ પરંપરામાં જયન્ત પાઠકના આ નિબંધો ગુજરાતી ભાષાની અંજલિ છે. એ પરંપરા સાથે જોડીને જોઈશું તો આ નિબંધોનું મૂલ્ય સમજી શકાશે. જો કે, આજના સમયમાં પ્રકૃતિ નિરૂપણો શહેરી જીવનથી ત્રાસેલાં સર્જકનો બળાપો હોવાની સંભાવના વધારે છે. પણ જયન્ત પાઠકના નિબંધો સંદર્ભે એવું નહિ કહી શકાય. ‘બેઠી ચાલનો બેસણો’ નિબંધમાં પોતાના આ તરુરાગને શુદ્ધ નેહ તરીકે ઓળખાવતા તેઓ આવી સંભાવનાઓથી કેટલાં પર છે, તેનું પ્રમાણ આપે છે. તેઓ કહે છે :

              “બેસણા જેવી નાની, ક્યારેક તો નામ વગરની નદીઓની યાદ આવે છે ત્યારે એક વિચિત્ર લાગણી થાય છે. બાપડાં આ નાનાં નદી-નાળાં, વાંઘા, કોતર ! ન કવિતામાં ને ના નકશામાં – કશામાં નહીં ! પૃથ્વીમાં આવી નામ વગરની નદીઓ જ વધારે હશે, પણ બહુમતીનો કોઈ અવાજ નહીં ! વરસાદ પડે ત્યારે છલકાવું – મલકાવું ને પછી સૂકાંભઠ્ઠ ! સિન્ધુ કે સરસ્વતી જેમ વેદોમાં એમનાં સૂક્તો નહીં; નર્મદાષ્ટક કે ગંગાલહરી જેવાં એમનાં સ્તોત્રો નહીં. ગંગા કે યમુના જેવી પવિત્રતા તો એમનાં ભાગ્યમાં હોય જ ક્યાંથી ? મારા જેવો કોઈ એકાદ નદી વિશે લખે તો એને Nostalgia કહીને વર્ણવવામાં આવે. કહેવામાં આવે કે માણસને ભૂતકાળમાં જવાની કે જીવવાની સહજ વૃત્તિ હોય છે. જેઓ વર્તમાનથી અસંતુષ્ટ હોય, સાંપ્રત જીવનવ્યવસ્થામાં બરાબર ગોઠવાઈ શક્યા ન હોય તેઓ, બાળક જેમ સલામતી ને હૂંફ માટે વારંવાર માને વળગવા જાય તેમ અતીતને વળગવા જાય છે. ખરું હશે, Nostalgiaનો બચાવ કરવાનો ન હોય. કહેવું છે તે તો એટલું જ કે “તમારે મન માને તે કહેજો, નેહ લાગ્યો મને ઊંડો રે !” બસ, નેહ લાગ્યાની વાત છે.”[9]

              ‘તરુરાગ અને નદીસૂક્ત’માંથી પસાર થનાર ભાવકને આ ‘નેહ લાગ્યાની વાત છે’ એની પ્રતીતિ પાને-પાને થયા વગર નહિ રહે. ‘વનાંચલ’ જેટલું મહત્વ આ સ્મૃતિકથાને નથી મળ્યું. અને એ માટે શ્રી સતીશ વ્યાસ ચીંધી આપે છે તેવી મર્યાદા પણ જવાબદાર છે :

              “’તરુરાગ’ જયન્ત પાઠકના ‘વનાંચલ’માં જોવા મળતા પ્રકૃતિરાગનો જ સ્વૈરવિસ્તાર છે – જાણે ખેંચેલી વાડસીમા. એનું સ્વરૂપ નિબંધનું છે. નિબંધની ચુસ્તી એમાં, અલબત્ત, જોવા મળે છે પણ ‘વનાંચલ’ જેવી અને જેટલી તાજગીનો અનુભવ એમાં થતો નથી.”[10]

              આમ છતાં ‘તરુરાગ અને નદીસૂક્ત’ કવિ જયન્ત પાઠકની કવિતાનાં મૂળ અને નિબંધકાર જયન્ત પાઠકનાં કુળનો સુપેરે પરિચય કરાવી આપે છે. સ્વતંત્ર રીતે માત્ર વૃક્ષ કે નદી વિશેના સંસ્મરણોની સ્મૃતિકથા રૂપે આ સંગ્રહ ગુજરાતી સાહિત્યમાં એક નોખી ભાત તો પાડે જ છે, સાથે સાથે આ નેહ લાગ્યાની વાત સહૃદય ભાવકને પણ નેહ લગાડ્યા વિના રહેતી નથી.


[1]સંદર્ભ સૂચિ :

 ‘જયન્ત પાઠકનાં કાવ્યો’ –સં. ઉશનસ; આદર્શ પ્રકાશન અમદાવાદ; આ. ૧૯૯૦; પૃ. ૪૨

[2] ‘તરુરાગ અને નદીસૂક્ત’ જયન્ત પાઠક; રન્નાદે પ્રકાશન અમદાવાદ; આ. ૧૯૯૫; પૃ. ૧૯

[3] એજન; પૃ. ૩૭

[4] એજન; પૃ. ૬૯

[5] એજન; પૃ. ૧૭

[6] એજન; પૃ. ૨૯

[7] એજન; પૃ. ૩૧

[8] એજન; પૃ. ૭૬

[9] એજન; પૃ. ૧૦૧

[10] ‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૫’; ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ; આ. ૨૦૧૧; પૃ. ૩૪૧

સંદર્ભ ગ્રંથ :

૧. ‘તરુરાગ અને નદીસૂક્ત’ જયન્ત પાઠક; રન્નાદે પ્રકાશન અમદાવાદ; આ. ૧૯૯૫.

૨. ‘જયન્ત પાઠકનાં કાવ્યો’ –સં. ઉશનસ; આદર્શ પ્રકાશન અમદાવાદ; આ. ૧૯૯૦.

૩. ‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૫’; ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ; આ. ૨૦૧૧.

ડૉ. વિરેનકુમાર ય. પંડ્યા

મદદનીશ પ્રાધ્યાપક

ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કૉલેજ

ગઢડા(સ્વા.), જિ. બોટાદ – ૩૬૪ ૭૫૦.