નવા વર્ષ નિમિતે…

બસ થોડાક જ કલાકોમાં આ વર્ષ પૂરું અને નવું શરુ થઈ જશે. સમય એની નિર્ધારિત ગતિથી સતત આગળ ધપતો જ રહેતો  હોય છે પણ આપણને એનો અહેસાસ કેટલીક મહત્વની તારીખો અને પ્રસંગોએ જ થાય છે…સમયની અંદર સેંકડો સસ્પેન્સ પડેલા છે જેના વિશે અટકળો કરવું સાવ નકામું છે. વર્ષ વીતે એટલે ટી.વી. અને છાપાઓમા વર્ષની મહત્વની ઘટનાઓનું રિકેપ થવાનું શરુ થાય અને વ્યક્તિના પોતાના જીવનનું રિકેપ પણ શરુ થાય પણ એ હોલે હોલે અને મનમાં…ગયેલો સમય કદી આવતો નથી અને આવનારા સમય વિશે કશું કહી શકાતું નથી આ બે પરમ સત્યો આ સૃષ્ટિ ઉપર સદાબહાર રાજ કરે છે. માણસના હાથમાં છે માત્ર જીવવું અનુભવવું, પ્રતિક્રિયા આપવું, ખુશ થવું, પછડાવું, દુઃખી થવું, ઊભા થવું ફરી દોડવું અને ફરી અથડાવું, કુટાવું, પછડાવું વગેરે…આનંદના ઉત્સવો અને વેદનાના વ્યવહારો એ બધું જ માણસ અનુભવતો હોય છે એટલે વર્ષના અંતે નકામાં લેખાજોખા કરીને સાબિત પણ કરતો હોય છે કે આ વર્ષ બહુ ખરાબ ગયું અથવા સારું ગયું…સારું અને ખરાબ એ બે શબ્દો કરતા પણ કોઈ અતિ મહત્વનો શબ્દ હોય તો તે શબ્દ “ગયું” છે. ઈટ્સ ગોન…ગયું એટલે ગયું જ…તો હવે ગણતરીનું શું મહત્વ? પણ ડાહ્યા ડમરા લોકો કહેતા હોય છે કે એ સરવૈયામા જોઈને થયેલી ભૂલોમા સુધારો કરીને ચેતીને હવે પછી જીવવું જોઈએ…પણ આ “હવે પછીનો” સમય પણ અજાણ્યો છે,કઈ સ્થિતિ આવશે એ કોને ખબર? એટલે આપણે માણસે તો ફરીથી પેલી દોડવા , પડવા ઉઠવાની કસરત શરુ કરવી જ પડે છે…વર્ષના દરેક દિવસના અંતે માણસ કામ કરીને થાકે છે-કેટલીકવાર નિષ્ફળતા પણ પામે છે અને એન્જોયમેન્ટના નામે દુઃખોને ભૂલવાનો કીમિયો પણ અજમાવે છે…અને શક્ય છે કે નવા વર્ષે પાછું એ જ રિકેપ….આ ગયેલા સમય વિશે વિચારતા જીવનના અંતિમ સ્તરનો પણ વિચાર આવે અને પરમ સત્ય લાધે કે આપણે પણ એક દિવસ આમ જ  વીતી જવાના. દરેક મનુષ્ય વીતી ગયો છે-ચાલી ગયો છે અને દરેકે ચાલી જ જવાનું છે. તો પછી આ સુંદર પૃથ્વી ઉપરનું આપણું અસ્તિત્વ એ આપણને કોઈ અકળ જ્ઞાન આપી રહ્યું છે જેને પામવું આપણા માટે મુશ્કેલ છે. ફિલોસોફી ક્ષેત્રે અસ્તિત્વવાદની ચર્ચા કરનારા જીન પોલ સાર્ત્ર,આલ્બેર કામુ કે પછી હાઈડેગર જેવા ચિંતકોએ કહ્યું જ છે કે માણસનું પોતાનું જ અસ્તિત્વ માણસ માટે મહત્વનું અને લાજવાબ બાબત છે અને એની સામે બધું નકામું. એટલે દરેક વ્યક્તિના નૈતિક મૂલ્યો પણ અલગ જ હોવાના. કારણ કે વ્યક્તિ પોતાના અનુભવોમાંથી નૈતિક મૂલ્યો પ્રસ્થાપિત કરીને તેને ગ્રહણ કરીને તે મુજબ જ વર્તવાનો પ્રયત્ન કરે એ સમજી શકાય એવી બાબત  છે. આ બધું અનુભવવિશ્વ જ માણસને જીવાડે છે, હસાવે છે અને રડાવે છે એટલે આ સમય કે પછી વીતી જતું વર્ષ એ દરેક વ્યક્તિ માટે અનેક ફલેવરો મૂકીને જતું હોય છે. દરેક વ્યક્તિ પાસે વર્ષ દરમિયાન જીવાયેલ જીવનની ચુનિંદી ઘટનાઓ એટલી મહત્વની હોય છે કે એ તેના માટે વેદ સમાન બની રહે અને ‘વેદના’ શબ્દમાં જ વેદ છે એટલે જેટલું વેદનશીલ જીવન તેટલો જ મહત્વનો એ વેદ ગણાય એ અર્થમાં તો વેદના પામેલો વ્યક્તિ શ્રેષ્ઠ અનુભવ જ્ઞાની અને સંત છે એમ કહીએ તો પણ ખોટું નથી…વર્ષ દરમિયાન કેટલાય અજાણ્યા નવા ચહેરા પોતાના બની જાય અને જેને ઓળખતા હોઈએ તે ચહેરા ખોવાઈ જાય કે ભૂલાઈ જાય (જો કે ભૂલાવવું અશક્ય છે) એવી બધી સાપસીડી સતત આખા વર્ષમાં ચાલતી હોય છે. તો વળી તૂટી ગયેલા સંબંધો ફરીથી જોડાઈ જાય એવી ઘટનાઓ પણ બનતી હોય. વર્ષો આવતા રહે છે અને જતા રહે છે અને માણસ પોતાની રીતે જરૂરી ફેરફાર કરતો જીવતો રહેતો હોય છે. આ બધામાં મહત્વની બાબત છે Present Time. હાલનો સમય,જે ક્ષણે આપણે શ્વાસ લઇ રહ્યા હોઈએ એ જ ક્ષણ જીવનની સાચી ક્ષણ અને ત્યારે મનને ગમતું અને બીજાને અગવડમા ન મૂકતું હોય એવું  જીવવું એ હું માનું છું ત્યાં સુધી જોરદાર જીવન કહેવાય. આખા વર્ષમાં આવું કેટલું જીવ્યા?  એ પ્રશ્ન આપણે આપણને જ પૂછવો જોઈએ. આપણા ગમા અણગમા હોવાના જ અને આપણું અસ્તિત્વ જ સૌથી કિંમતી બાબત છે એટલે આખરે તો કેટલા લોકોને આપણે સાચવી કે ખુશ રાખી શકીએ? બધાને તો નહિ જ…પણ આપણા અસ્તિત્વ અને પારદર્શકતા સાથે જોડાયેલા લોકોને ખોઈ દેવું આપણને પાલવે નહિ એ પણ સત્ય બાબત છે.  આમ તો સત્યો ઘણા બધા છે અને એની માયાજાળ આસાનીથી ઉકલે એમ નથી. વર્ષો પહેલાં કોઈ મિત્રએ મેસેજ કરેલો કે “ સત્ય ત્રણ પ્રકારના હોય છે, એક-તમારું સત્ય,બીજું-મારુ સત્ય અને ત્રીજું- વાસ્તવિક સત્ય” આ વિચારવા જેવી વાત છે. એટલે સત્યની મારામારીમાથી જ મોટા ભાગના સંબંધો અવનવી દિશામાં ફંટાઈ જતા હોય ત્યારે શક્ય છે કે વાસ્તવિક સત્યથી તો આપણે સૌ વેગળા જ હોઈએ…પાછા મુદ્દા ઉપર આવીએ તો હેતને  વિચારોની હાઈટ સાથે પણ સંબંધ છે જ એટલે કેટલાક લોકોનું છૂટા પડવું જરૂરી પણ છે. આપણા માણસ તરીકેના ગ્રાફની ગરિમાના શરૂઆતના બિંદુને પણ ન સમજનારા લોકોથી છૂટા થવાનું થાય તો એ અફસોસ નહિ પણ આનંદની વાત કહેવાય. નિદા ફાઝલી કહે છે તેમ-

हर किसी से अपनी भी तबियत नहीं मिलती

 પણ આપણા અસ્તિત્વ સાથે જોડાયેલા સંવેદનશીલ સંબંધોમા જો ખટરાગ ઊભો થાય અને છૂટા પડવાનું થાય તો નિદા ફાઝલીની આ પંક્તિ મુજબ વેદનાનો વેદ રચાય-

तुम ये कैसे जुदा हो गए

हर तरफ हर जगह हो गए

     ક્યા ખોયા ક્યા પાયાનો હિસાબ માંડવાથી માણસને આનંદ ઓછો અને વ્યાધિ જ વધુ થવાની પણ એ વ્યાધિ થવી જરૂરી પણ છે. એના લીધે જ તો માણસના જીવનની વેલીડીટી વધે અને ઘટે પણ છે. આજદિન સુધીના સમયમાં મને મળેલા કામને મારી ફરજને મેં માનવતાપૂર્ણ રીતે બજાવી છે કે કેમ? મારા લીધે મારી સાથે જોડાયેલા ( આમ તો આખું વિશ્વ આપણી સાથે જોડાયેલું છે કારણ કે ભારતીય સંસ્કૃતિ સંપૂર્ણ વિશ્વના કલ્યાણની ભાવના ધરાવે છે) તેમજ અન્ય લોકોને કોઈ હેરાની-પરેશાની નથી થઈને? કેટલાને મદદરૂપ બની શકાયું? ફરજમાં નિષ્ઠા રાખી કે પછી એમાં પણ બેઈમાની જ કરી? મારા ગુરુ સાહિત્યકાર નાઝીર મનસુરી સાહેબે હું ભૂલતો ન હોઉં તો હું કોલેજના પહેલાં વર્ષમાં ૨૦૦૦મા હતો ત્યારે ભણાવતી વખતે આખા વર્ગને કહેલું કે ‘દેશભક્તિ વાતમાં નહિ વર્તનમાં હોવી જોઈએ. દેશભક્તિની મોટી મોટી વાતો કરનારા લોકો માત્ર બસમાં ટીકીટ કઢાવીને બેસે  તો ય એ મોટી દેશભક્તિ છે’ આ વાત મને અત્યારે યાદ આવી ગઈ. હું માનું છું કે મંદિર મસ્જિદમાં ૫ લાખનું દાન આપીને ૫૦ લાખની ટેક્સચોરી કરનારા કોઈ પણ દ્રષ્ટિએ ધાર્મિક કે દેશભક્ત નથી જ અને એની સામે ૧૦રૂપિયાની ટીકીટ કઢાવીને અપ-ડાઉન કરતો, મજુરી કરીને રાત્રે શાક રોટલો ખાઈને સૂઈ જનારો કે પછી હપ્તેથી બાઈક ખરીદીને હપ્તો ભરવાનું ચૂકી જતો અને દંડ ભરીને હપ્તા પૂરા કરીને પાસબુકમા બાઈક  પોતાના નામે કરાવતો, સેકંડ હેન્ડ કાર ખરીદીને ફેમીલીને ફેરવતો કે પછી બે મહિને એકવાર ફેમીલી સાથે મલ્ટીપ્લેક્સ ફિલ્મ જોવા જતો પરંતુ મોંઘા કોલ્ડડ્રીન્કસના ઓર્ડર આપતા અચકાતો, લોનથી ઘર ખરીદીને ટૂંકા પગારમાં ઘર ચલાવવામાં લાંબો થઇ જતો સામાન્ય માણસ એ ખરો ધાર્મિક અને ખરો દેશપ્રેમી છે કે જે અગવડ પડવા છતાં બેઈમાની નથી કરતો. નવા વર્ષની શુભકામના માટે એવા લોકો હકદાર છે જેનામાં માનવતા હજુ જીવે છે અને બીજા માણસ માત્રને જે ચાહે છે….બાકી કુતરા બિલાડા પણ જીવે જ છે. માણસ તરીકે જીવવામાં થોડોક ફેર હોવો જરૂરી છે.

      આપણા જન્મથી લઈને આ  ૩૧મી ડીસેમ્બરની બપોર સુધીનો આ લખુ છું ત્યાં સુધીનો સમય એ સમય આપણો ઈશ્વર, અલ્લાહ, ઈશુ છે. જેટલા પણ પરમાત્માના નામ છે તે છે…જરા એ તરફ જોશું તો આપણો આત્મારુપી અધિકારી આપણી જાત સાથે ભાષા વિના જ વાત કરવાનું શરુ કરશે અને કેટલીક ટીપ્સ પણ આપશે. આશાવાન સ્વરમા આવનારા નવા વર્ષ માટે શુભેચ્છા પણ આપશે…સમય સરી રહ્યો છે અને આપણે બધાં આ સૃષ્ટિના એક દિવસ ખરી જનારા તારા છીએ એટલે ખરવાની ખતરનાક કડવી સત્યતાને જાણીને જીવીએ…આપણે ખરીશું બીજા તારાઓ આવતા રહેશે અને સૃષ્ટિ સુંદર લાગતી રહેશે કારણ કે “ गर्दिश में तारे रहेंगे सदा” શક્ય હોય તો નરસિંહ મહેતા,અખો, કબીરને વાંચીએ અને માનસિક હોજરીને એટલી મજબુત બનાવીએ કે એ બધું સમજીએ અને પચાવીએ અને આટલું જો સકારાત્મક વિચારીએ તો જ આ નવા વર્ષને આવકારતા કહીએ કે ‘આવ,અમને નવું શીખવાડ, સત્યમાં ડુબાડ અને જીવનના અંતિમ સત્યની નજીક લઈ જાય એ પહેલાં માણસાઈ સુધી લઈ જા….’ કહીશું કે? ચાલો, પહેલાં પોતાની જાતને જ કહી જોઈએ. Lets Start…..

*(૩૧ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ઈશુના નવા વર્ષને આવકારતા લખાયેલી મારી ફેસબુક પોસ્ટ આંશિક સુધારા સાથે. આજે પણ એ વિચારો સાથે સહમત હોવાથી કશું કાઢવા-સુધારવાનું નથી થતું. જે તે વખતે પોસ્ટમાં પ્રયોજેલા અંગ્રેજી શબ્દો પણ યથાવત રાખ્યા છે.)

ડૉ. મનોજ માહ્યાવંશી, ડૉ. એપીજે અબ્દુલ કલામ ગવર્મેન્ટ કોલેજ, સિલવાસા, દાદરા અને નગર હવેલી, ૩૯૬૨૩0. 

મો- ૯૮૯૮૬૮૪૬૦૧, mahyavanshimanoj@yahoo.co.in

પ્રયાસ An Extension… A Peer Reviewed Literary e magazine, ISSN: 2582-8681 VOLUME 4 ISSUE 6 CONTINUE ISSUE 19 NOV- DEC : 2023