‘ધાડ’ વાર્તામાં વાતાવરણ (લોકાલ) અને નાટ્યત્મકતાનું હૃદ્ય આલેખન

– ગીતા કુકડિયા

ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ વાર્તાકારોમાં કચ્છ પ્રદેશના બહુમુખી પ્રતિભાના સ્વામી ડૉ. જયંત ખત્રીનો સમાવેશ અગ્ર હરોળમાં થાય છે. આધુનિક ગુજરાતી સાહિત્યમાં ટૂંકીવાર્તાના પિતામહ સમાન ગણાતા ડૉ. જયંત ખત્રી માત્ર વાર્તાકાર તરીકે જ નહીં, પરંતુ એક કામદાર નેતા, માનવતાવાદી તબીબી સેવક, પ્રમાણિક રાજકારણી, મંત્રમુગ્ધ કરી દે તેવા દ્રઢ વક્તા, સુંદર ચિત્રકાર અને સંગીતપ્રેમી હતા. સાચા અર્થમાં અનેક ક્ષેત્રોમાં બહુમુખી પ્રતિભા ધરાવતા વિશેષ વ્યક્તિઓમાં ડૉ.જયંત ખત્રીની ગણના કરવામાં આવે છે.

           ડૉ.જયંત ખત્રી ડૉક્ટરની પદવી પ્રાપ્ત કર્યા પછી પ્રારંભમાં મુંબઈમાં પ્રેક્ટિસ શરૂ કરે છે ને પછી માંડવી (કચ્છ)માં આવીને વસે છે. ડૉક્ટર મનુભાઈ પાંધી અને વાર્તાકાર બકુલેશ ખત્રી તેમના નિકટના મિત્રો હતા. આ મિત્રોએ તેમને હંમેશા સાહિત્ય સર્જનમાં સતત હૂંફ આપતા રહ્યા હતા. ડૉ. જયંત ખત્રી એક સ્વસ્થ ને સંવેદનશીલ બૌદ્ધિક માણસ હતા. જીવનને હચમચાવી મૂકે એવા અનેક અનુભવોમાં પણ પોતાની સ્વસ્થતા ગુમાવતા નહોતા. મુંબઈ નિવાસ દરમિયાન બકુલેશ જીતુભાઈ મહેતા અને ખ્વાજા અહમદ અબ્બાસ જેવા વાર્તાકાર મિત્રોના સતત સહયોગ અને સહવાસથી વાર્તાલેખન તરફ તેમનું મન ઢળ્યું હતું. ‘વરસાદની વાદળી’ નામની પ્રથમ વાર્તાથી લખવાની શરૂઆત કરે છે અને ‘ડેડ એન્ડ’ તેમની છેલ્લી વાર્તા ગણવામાં આવે છે. તેમણે ઢગલાબંધ ટૂંકીવાર્તાઓ આપી નથી પરંતુ માત્ર ત્રણ વાર્તાસંગ્રહમાં લગભગ ૩૦ વર્ષના લેખન દરમિયાન ૪૧ વાર્તાઓ આપી છે.

             ‘ફોરાં’ (૧૯૪૪), ‘વેહતાં ઝરણાં’ (૧૯૫૨) અને ‘ખરા બપોર’ (મરણોત્તર,૧૯૬૮) તથા જુદાં – જુદાં સામયિકોમાં પ્રગટ થયેલી આઠ વાર્તા અગ્રંસ્થ ગણાય છે. ‘લોહીનું ટીપું’, ‘આનંદનું મોત’, ‘ખીચડી’, ‘હું’, ‘ગંગી અને અમે બધાં’, ‘સિબિલ’ વગેરે જેવી વાર્તાઓ વાસ્તવલક્ષી અભિગમથી લખાયેલી છે. તો વળી ‘અમે બુદ્ધિમાનો’, ‘યાદ અને હું’, ‘અમે’, ‘પ્રતાપ ઓ પ્રતાપ’, ‘ડેડ એન્ડ’, ‘ખલાસ’, ‘જળ’ વાર્તાઓ વિશિષ્ટ નિરૂપણરીતિ ને પ્રયોગાત્મક વલણને લીધે ધ્યાન ખેંચે તેવી વાર્તામાં સ્થાન મેળવે છે. ‘પતંગનું મોત’, ‘માટીનો ઘડો’, ‘નાગ’ માં રહસ્યને કલાત્મક રીતે વ્યંજિત કરવામાં પ્રતીકો અને કલ્પનાનો વિનિયોગ થયેલ છે. ‘ધાડ’, ‘ખરા બોપર’ અને ‘માટીનો ઘડો’ માં પ્રદેશવિશેષનું જીવંત અને તાદૃશ ચિત્રણ વાર્તા સાથે આંતરસંબંધ ધરાવે છે. આમ, સ્વરૂપની દૃષ્ટિએ આ બધી વાર્તાઓ રણપ્રદેશના વાતાવરણની સાથે – સાથે ઘટનાપ્રધાન પણ છે. અહીં ‘ધાડ’ વાર્તામાં વાતાવરણ (લોકાલ) અને નાટ્યાત્મકતાનું વર્ણન વાર્તાને ક્લાકીય રીતે કેવી ઊંચાઈ આપવામાં ઉપયોગી થાય છે તે વિષય પર દૃષ્ટિપાત કરીશું.          

           ટૂંકીવાર્તા એ આપણે જાણીએ છીએ તેમ તેના સાહિત્યસ્વરૂપની દૃષ્ટિએ પડકારજનક સાહિત્ય સ્વરૂપ છે. તેમાં સર્જક પાસે તે પળેપળની સાવધાની માંગી લે તેવું સાહિત્યસ્વરૂપ છે. ખાસ કરીને આ સ્વરૂપમાં શબ્દની પૂરેપૂરી કરકસરને અપેક્ષિત ગણવામાં આવે છે. ટૂંકીવાર્તામાં પૂરી સાવધતા, કળાસંયમ અને ઊંચી સર્જકતાનો જો સમન્વય સંધાય તો જ ટૂંકીવાર્તામાં ધારી સફળતા મળે છે. ગુજરાતી સાહિત્યના નામાંકિત અને સફળ વાર્તાકારોમાં ડૉ. જયંત ખત્રીનો સમાવેશ થાય છે. તેમની કેટલીક વાર્તાઓ સ્વરૂપ અને રચનારીતિની દૃષ્ટિએ વિશ્વ સાહિત્યમાં પણ સ્થાન પામે તેવી છે. વિશ્વના નામાંકિત ટૂંકીવાર્તાના  લેખકો  થોમસ હારડી અને ડિગલ્સની વાર્તામાં વાતાવરણ એટલે કે લોકાલને બાદ કરતા કંઈ પણ વધતું નથી તેમ જયંત ખત્રીની કેટલીક વાર્તામાં વાતાવરણ એટલે કે પરિવેશને કાઢી નાખવામાં આવે તો વાર્તાનું મૂળ તત્વ મરી જાય છે. જયંત ખત્રીની વાર્તાઓમાં પણ પરિવેશ વાતાવરણ (લોકાલ) ને આધારે જ સમગ્ર વાર્તા આકાર લે છે. તેમનાં પાત્રો તેની સમગ્ર કલ્પનાને આકાર આપવાનું કામ તેના વાતાવરણ પર આધારિત છે. પાત્રનું મનોવલણ અને તેમની લાગણીઓનું જગત ક્યાં સ્થળ પ્રદેશમાંથી આવે છે તેના દૃષ્ટિબિંદુ પર આધાર રાખે છે. ખત્રીની વાર્તામાં તેનાં પાત્રો જેવાં છે, તેવાં જ વાર્તામાં આકાર લઈને આવે છે. તે પ્રદેશમાં તેને જીવતાં શીખવે છે ને પોતાનું કાલ્પનિક પાત્ર પણ નિષ્ઠાપૂર્વક વાસ્તવિકતાનું રૂપ ધારણ કરે છે.

           ‘ધાડ’ વાર્તામાં સ્થળ, પ્રદેશ, વાતાવરણ (લોકાલ) ખૂબ મહત્વનું છે. વાર્તાનો કથક તો પ્રાણજીવન છે. તેને ખલપાત્ર ઘેલો ખરેખર ઘેલું લગાડે છે. જ્યારે પ્રાણજીવનને નોકરી છૂટી જાય છે ત્યારે મરુભૂમિમાં વસવાટ કરતો તેનો મિત્ર ઘેલો તેને યાદ આવે છે. ઘેલો હંમેશાં પ્રાણજીવનને કહેતો કે,” દોસ્ત પ્રાણજીવન, તું એકવાર મારે ગામડે આવ, આ ધરતી લહેજત ત્યાં આવ્યા વિના મળતી નથી અને એ ધરતી વચ્ચે જ ત્યાં ના માણસોનાં મન પારખી શકાય છે.” તેથી પ્રાણજીવન ઘેલાને મળવા માટે તે કંઈ પણ વિચાર્યા વગર નીકળી પડે છે. આખી વાર્તા પ્રાણજીવનના મુખે કહેવાય છે. તે આ પ્રદેશનો નથી પણ તેની પરિસ્થિતિ તેને આ પ્રદેશમાં અકસ્માતે લઈ આવે છે. ઘેલાનો વ્યવસાય પણ તેના વ્યક્તિત્વ સાથે પ્રગટ થઈ જાય છે. ઘેલાના દેખાવમાં ઊંચો કદાવદાર દેહ ને તેનો બિહામણો ચહેરો જોતાં લાગે છે કે, તે આજ પ્રદેશમાં કેટલી મક્કમતાથી જીવતો થઈ ગયો છે. તે જયારે કથકને પહેલી વખત મળવા આવે છે, ત્યારે તે ચોક્કસ અને સાવચેત પગે પ્રવેશ કરે છે. પ્રાણજીવન બોલે છે કે, “ત્યાં એવી વાંજણી ધરતી હતી કે એની છાતી માંથી કોઈ દાહાડો ધાવણ આવતું જ નહીં ધૂળ, વંટોળિયા, ટાઢ, તડકો, કાંટા ઝાંખરાં અને નિ: સીમ મેદાનોની એ વાતો મને સંભળાવી ગમતી. કારણ મને ધરતી કોઈપણ ધરતી, તરફ પ્યાર હતો.” એવું કહી લેખન પ્રાણજીવનના મુખે કચ્છ પ્રદેશના પરિવેશ વાતાવરણને ઉજાગર કરે છે. અહીં વાર્તાનો મુખ્ય કેન્દ્રવિચાર ઘેલાની ‘ધાડ’ પાડવાના વ્યવસાયનો સંકેત કરવામાં આવ્યો છે. ‘ધાડ’ એટલે રાત્રે ચોરી, લૂંટ કરવી તે. ખત્રીની વાર્તામાં સૌથી મહત્વનું તેના વાર્તાસંકેતો ઉકલવાનું છે. તેમની વાર્તામાં સીધેસીધી વાત કરવામાં આવતી નથી. પરંતુ વાર્તામાં સંકેતો આપવામાં આવે છે. જો આ સંકેતો ઉકેલાય તો જ વાર્તની કલાત્મક્તાનો સાચો આનંદ પામી શકાય છે.

      ‘ધાડ’ વાર્તામાં ડૉ. જયંત ખત્રીએ વાતાવરણ પરીવેશનનાં જે કેટલાક આંખે ઊડીને વળગે તેવા વર્ણનો કરેલા છે. જેવાં કે….

       ‘ દોસ્ત પ્રાણજીવન, આ જીવતરનો ભેદ અને એની મુશ્કેલી ઉકેલવાનો માર્ગ એક જ છે , કે માથાભારે થવું; આપણાથી વધારે તાકાતવાન હોય એનાથી વધારે તાકાત બઢાવવી અને એને નીચો નમાવવો.’  (પેજ નં. ૧૦)

            ‘હું ધરતી ખૂંદતો ભટક્યા કરું છું – એ મારો શોખ છે, બેકારી મારો ધંધો છે.’  (પેજ નં. ૧૨)

               ‘જ્યાં પ્રકૃતિ વીફરે અને માણસ અમિત્ર બને ત્યારે કોણ જીવે અને કોણ મરે એ માત્ર જુગારની સોગઠાબાજીનો પ્રશ્ન હતો.’  (પેજ નં. ૧૮)

            ‘બપોરે ભયંકર પવન વાવો શરૂ થયો. કાંટાળા છોડવાઓની આજુબાજુની બખોલમાંથી નોળિયા, ઉંદર અને સાપ નાસભાગ કરી રહ્યા હતા. ધૂળના રજકણોએ ઉપર ઊંચકાય ઊંચકાય આકાશને મેલું કરી દીધું હતું.’  (પેજ નં.૩૨)

              ‘ઉજરડા પડેલી ખંડિત ધરતીના દેહની મોકળાશ પર મેં ફરી મારું પ્રયાણ આદર્યું.’ (પેજ નં. ૩૨)

            વાર્તાનું ખલ પાત્ર ઘેલો એવું માને છે કે, આપણાથી વધારે તાકાતવર હોય તેનાથી વધારે તાકાતવર થઈને એને નીચે નમાવો તો જ આ ધરતી પર જીવી શકાય છે. ઘેલો આ પ્રદેશમાંથી ઊભું થયેલું પાત્ર છે. ઘેલો પોતાની આસપાસના વાતાવરણને સારી રીતે પચાવી ગયો છે. જેમ ચેરિયાના છોડને જોઈને મોટો થયેલો ઘેલો રણમાં ટકી રહેવા માટે કાંટાળા છોડની જેમ ધરતી પર ટકવા માટે નિર્દયતાનો ભેખ ધારણ કરે છે. ઘેલાને આ રણ પ્રદેશમાં ટકવા માટે બળવાન બનવું પડે છે. તે ઘેલાની આ જીવન ફિલોસોફી પાછળ આ વાતાવરણ (લોકાલ) નો સૌથી મોટો ફાળો છે.

              ઘેલો પ્રાણજીવનને કહે છે કે દયા, મમતા, કરુણા એ બધું તો માત્ર ચોપડીમાં જોવા મળે છે. પરંતુ સાચું તો એ છે કે આ ધરતી પર વધારે માથા ભારે થઈને રહે તે જ આ ભૂમિ પર સારું વધારે જીવન જીવી શકે છે. આવું માનતો ઘેલો પણ આ અસદવાળા રણપ્રદેશમાં બીજા કરતાં વધારે તાકાતવાન બનીને સારું જીવન જીવી શકે છે. સાવ સૂકી, વેરાન ધરતી પર જાકારો દેતી ભૂમિ પર રહેતો ઘેલો પ્રાણજીવનને પોતાની સાથે લઈ જવા માટે તૈયાર કરે છે. તે પ્રાણજીવનને કહે છે ‘જ્યારે હું જોખમથી લડવા તૈયાર થાઉશું ત્યારે હંમેશા જોખમની મારી સામે હાર થાય છે સમજ્યો’, એમ કહીને પોતાની સાથે પ્રાણજીવનને ધાડ પાડવા આવવા માટે કહે છે. એ જ સમયે આંગણામાં ઉંદર દોડી આવતાં ઘેલો તેના પર પગરખું મારીને પગ તળે કચડી નાખે છે. કૂતરાને પણ જરૂર નથી તો પણ લાત મારે છે. તેની પત્નીને પણ કારણ વગર માર મારતો ઘેલાને જુએ છે. આ દૃશ્યોમાં રહેલી ક્રૂરતા પ્રાણજીવનને કંપાવી મૂકે છે તેમ ભાવક્ને તેની નાટ્યત્મકતા સ્પર્શી રહે છે.

                ધાડ પાડવા જાય છે ત્યારે ઘેલો શેઠને કહે છે, “ઉતાવળે તિજોરી ખોલ નહીં તો ઘડીકમાં ન થવાનું થઈ જશે, પરંતુ ઘડીકમાં ઘેલા પર જ કુદરતનો કેર પડે છે ને એક પળમાં ન બનવાનું બની જાય છે. ઘેલા પર પક્ષઘાતનો હુમલો થાય છે. અને ઘેલો ધરાશાય થઈ અને જુલા પર પછડાય પડે છે. થોડીવાર પહેલાં જ ઘેલો બધાને પોતાના ‘હું’ કારમાં રમાડતો હતો તે શેઠની જુવાન દીકરીના પરાણે ચુડલા ઉતારવા જતાં જુલા પર પડી ભાંગે છે.” અહીં શરીફાબેન પણ કહે છે કે, વાર્તાની આ કેન્દ્રવર્તી ક્ષણ કેવી અદ્ભુત નાટ્યાત્મકતા સાથે મૂકાઈ છે. અને વાર્તા અહીંથી આખી પલટાઈ જાય છે. પ્રાણજીવન બેભાન ઘેલાને પોતાના ખભા પર ઊંચકીને તેના ઘર સુધી પહોંચાડે છે. અહીં પ્રાણજીવનનું જીવન પરિવર્તન થાય છે.

         પ્રાણજીવન વિચારે છે કે, તે એક ઘટનાને અંત આપવા ગયા હતા પણ પાછા વળતી વખતે તે ઘેલાના માત્ર નિસહાય બનેલા શરીરને લઈને પાછો ફરે છે. આમ, ધાડ વાર્તાએ વાતાવરણ, સ્થળ, પરિવેશનું ઉત્તમ ઉદાહરણ ખત્રીની આ વાર્તામાં જોવા મળે છે. ડૉ. જયંત ખત્રીએ ધાડ વાર્તા લખી ત્યારે એમાં ઘેલાને એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે સંબંધ હતો. છતાં પણ તેને કોઈ સંતાન ન હતું. અહીં ઘેલાની નામર્દાનગીપણું છતુ થાય છે. જ્યારે ‘ધાડ’ ફિલ્મ પરેશ નાયક દ્વારા બનાવવામાં આવી છે. તેમાં પણ ધેલાને બે પત્ની હતી તેવું બતાવવામાં આવ્યું છે. આમ, અંતે કહી શકાય કે ડૉ. જયંત ખત્રીની ‘ધાડ’ વાર્તા વાતાવરણ (લોકાલ) અને નાટ્યાત્મકતાને ઉજાગર કરતી સૌથી ઉત્તમ વાર્તામાં સ્થાન પામે છે.

      સંદર્ભ સૂચિ :

૧. ખરા બપોર : જયંત ખત્રી.

૨. જયંત ખત્રીની ગદ્યસૃષ્ટિ, સંપાદક: ડૉ. શરીફાબેન વીજળીવાળા.

૩. કથાસૃષ્ટિ :  પ્રસાદ બ્રહ્મભટ્ટ.

૪. સત્તર સાહિત્યસ્વરૂપ : પ્રસાદ બ્રહ્મભટ્ટ.

૫. ધાડ : ડૉ. જયંત ખત્રીની અને પરેશ નાયકની ધાડ ફિલ્મ, યોગેશ જોષી : પરબ, ફેબ્રુઆરી-૨૦૧૮.

ગીતા ડી. કુકડિયા (પીએચ.ડી સ્કોલર) GSET

કવિ શ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોટાદ