-હેમલ કણસાગરા
પ્રસ્તાવના :
સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે. એક તો આ ભારતવર્ષની પ્રાચીનતમ ભાષા છે. તે ઉપરાંત ભારતની સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે અને ભારતીય પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિની વાહક પણ છે. આ સિવાય સંસ્કૃત ભાષા ભારતીય ભાષાઓની જ નહિ, પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે.
સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથો લખાયેલા છે. રામાયણ, મહાભારત કરતાં પણ પ્રાચીન ગણી શકાય તેવા ઋગ્વેદાદિ વેદ પણ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. સંસ્કૃત ભાષાની અન્ય એક વિશેષતા એ પણ છે કે તેની લખવાની રીત અર્થાત્ લિપિમાં પણ સમયાંતરે પરિવર્તન આવેલું જોવા મળે છે. બ્રાહ્મી, શારદા, બંગાળી, ગ્રંથ, નાગરી, નેવારી, મૈથિલી, તેલુગુ, મલયાલમ વગેરે જેવી અનેક લિપિઓમાં સંસ્કૃત ભાષાનું લેખનકાર્ય થયેલું જોવા મળે છે. પરંતુ પાણિનિએ લખેલા વ્યાકરણમાં કોઈ પણ જાતનો ફેરફાર થયેલો જોવા મળતો નથી.
વિષય પ્રવેશ :
લિપિ વિશે જોતાં પહેલા ભાષા, બોલી અને લિપિ વિશે થોડું ઊંડાણપૂર્વક સમજ કેળવી લઈએ. ભાષા તેને કહેવાય, જેને પોતાનું સ્વતંત્ર વ્યાકરણ હોય, જેમ કે, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વગેરે. ત્યારે બાદ બોલી તેને કહેવાય જે માત્ર ઉચ્ચારણમાં જ સ્થાન ધરાવતી હોય, જેમ કે કચ્છી. જ્યારે લિપિ તેને કહેવાય જે લખાણમાં પ્રવૃત્ત થતી હોય છે, જેમ કે ગ્રંથ, દેવનાગરી વગેરે. ભાષાની બાબતમાં એ જરૂરી નથી કે તેની સ્વતંત્ર લિપિ હોય. કોઈ ભાષા અન્ય લિપિમાં લખાતી હોય તેવું પણ બની શકે છે. જેમ કે સંસ્કૃત, હિન્દી, મરાઠી વગેરે ભાષાઓ દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે. જ્યારે ગુજરાતી એ ભાષા અને લિપિ બંને છે, કારણ કે તેનું સ્વતંત્ર વ્યાકરણ પણ છે અને તેની લિપિ પણ જોવા મળે છે. આમ ભાષા, લિપિ અને બોલીમાં રહેલો તફાવત જોવા મળે છે.
લિપિના સંદર્ભમાં જોઈએ તો ઈ. સ. પૂર્વે ૩૦૦થી લઈને ઈ. સ. ૩૦૦ સુધી સંસ્કૃત ભાષા બ્રાહ્મી લિપિમાં લખવામાં આવતી હતી. સમય જતાં બ્રાહ્મી લિપિમાંથી ગ્રંથ લિપિ અને ગુપ્ત લિપિ વગેરે જેવી લિપિઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. ઈ. સ.ની ૩૦૦ પછી ગુપ્ત લિપિમાંથી શારદા લિપિ, નાગરી લિપિ વગેરે લિપિઓનો વિકાસ થયેલો જોવા મળે છે, જેનો અંદાજીત સમય ઈ. સ. ૭૦૦ની આસપાસનો ગણી શકાય. શારદામાંથી કાશ્મીરી, ગુરુમુખી વગેરે લિપિઓનો વિકાસ થયો. ગ્રંથ લિપિમાંથી તમિલ, મલયાલમ, સિંહલ, તેલુગુ વગેરે ભાષાઓનો વિકાસ થયો. તદનુસાર નાગરી લિપિમાંથી બંગાળી, દેવનાગરી, ઓરીયા વગેરે લિપિઓનો વિકાસ થયો અને દેવનાગરી લિપિમાંથી ગુજરાતી વગેરે લિપિઓનો વિકાસ થયેલો જોવા મળે છે. આપણે અહીં ગ્રંથ લિપિ તથા દેવનાગરી લિપિમાં રહેલા સામ્ય-વૈષમ્ય વિશે અભ્યાસ કરીશું.
ગ્રંથ લિપિની વિશેષતાઓ :
ગ્રંથ શબ્દનો અર્થ પુસ્તક, એક પ્રકારનો છંદ, બંધન વગેરે થાય છે. લખવું આ શબ્દ પણ યથાર્થ રૂપમાં અહીં સાકારિત થતો જોવા મળે છે, કારણ કે લખવું (TO WRITE) શબ્દ સંસ્કૃત મૂળ ધાતુ लिख् પરથી ઉતરી આવ્યો છે. लिख् ધાતુનો અર્થ ખોદવું એવો થાય છે. લક્કડખોદ જે પ્રકારે લાકડું ખોદવાની ક્રિયા કરે છે, તેને સંસ્કૃત ભાષામાં लिख् ધાતુ દ્વારા ઓળખવામાં આવે છે. ગ્રંથ લિપિના નામકરણ વિશે વિચારતાં પણ એવું જ લાગે છે કે તેની લખવાની પ્રક્રિયાના આધારે જ તેનું નામકરણ થયું હશે. ગ્રંથ લિપિ શલાકા પદ્ધતિથી લખાતી જોવા મળે છે. ગ્રંથ લિપિ સંદર્ભે વિચારીએ તો તેની લેખન રીતમાં અક્ષરોની બનાવટ એક ગ્રંથિ અર્થાત્ ગાંઠ, સાંધો એ પ્રકારની રચના જોવા મળે છે. આમ ગ્રંથ લિપિમાં પણ એ પ્રકારનું લખાણ જોવા મળતું હોવાથી ગ્રંથિ પરથી ગ્રંથ નામકરણ પણ યથાર્થતા ધારણ કરતું જોવા મળે છે.
તેની બીજી વિશેષતા એ છે કે ગ્રંથ લિપિ કાગળ પર લખવાની પરંપરા કરતાં પ્રાચીન છે. ભારતમાં કાગળની શરૂઆત આધુનિક યુગમાં ઈ. સ.ની ૧૭મી સદી આસપાસ થયેલી જોવા મળે છે. જયારે ગ્રંથ લિપિનો સમય ઈ. સ. સાતમી સદીથી ગણી શકાય. ગ્રંથ લિપિની એક અન્ય વિશેષતા એ છે કે તે લિપિમાં સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, અપભ્રંશ વગેરે અનેક ભાષાઓમાં લખાયેલું સાહિત્ય સચવાયેલું જોવા મળે છે. તદનુસાર ગ્રંથ લિપિ એ તમિલ, મલયાલમ વગેરે અનેક ભાષાઓની જનની પણ થવા પામી છે. તે જ રીતે સંયુક્તાક્ષરોમાં જોઈએ તો ‘ક્ષ’નું સચોટ જ્ઞાન પણ ગ્રંથ લિપિ પરથી થાય છે. ‘ક્ષ’ સંયુક્તાક્ષર ‘ક્’ તથા ‘ષ’નું જોડાણ થઈને બનેલો છે, જે ખરેખર ખૂબ જ ઓછા શિક્ષકોને પણ ખ્યાલ હશે. જેની સચોટ માહિતી ગ્રંથ લિપિ પરથી થાય છે. ગ્રંથ લિપિમાં ‘ક્ષ’નું લખાણ પણ ‘ક’ તથા ‘ષ’ના જોડાણથી થાય છે.
દેવનાગરી લિપિની વિશેષતાઓ :
દેવનાગરી લિપિમાં શીરોરેખા એ તેની વિશેષ ઓળખ છે. દેવનાગરી એ એક લિપિ માત્ર છે. તેનું પોતાની સ્વતંત્ર વ્યાકરણ ન હોવાથી તે ભાષા તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી શકી નથી. પરંતું બીજી એક વિશેષ બાબત એ છે કે તે અનેક ભાષાઓની લિપિ તરીકે ગણના પામી છે. દેવનાગરી લિપિ એ સંસ્કૃત, હિન્દી, પાલિ, કોંકણી, સિંધી, મરાઠી વગેરે જેવી અનેક ભાષાઓની લિપિ બનવા પામી છે. દેવનાગરીના ઉદ્ભવનો સમય ઈ. સ.ની ૧૦મી સદી આસપાસનો ગણી શકાય. દેવનાગરી લિપિમાંથી ગુજરાતી વગેરે ભાષાઓનો પણ ઉદ્ભવ થયો છે, જેનો અંદાજીત સમય ઈ. સ.ની ૧૫મી સદી આસપાસનો ગણી શકાય. દેવનાગરી લિપિ વિશ્વમાં સર્વાધિક પ્રયુક્ત લિપિઓમાંથી એક છે.
ગ્રંથ અને દેવનાગરી વચ્ચે ભેદ :
૧) શીરોરેખા : મૂળગત તફાવત બંને લિપિઓમાં એ છે કે ગ્રંથ લિપિમાં શીરોરેખા જોવા મળતી નથી, ગ્રંથ લિપિમાં એક ગ્રંથિ અર્થાત્ ગાંઠની રચના જોવા મળે છે, જ્યારે દેવનાગરી લિપિની વિશેષતા જ એ છે કે શીરોરેખા તેની શોભા બરાબર છે.
૨) સંયુક્તાક્ષર : ગ્રંથ લિપિમાં બ્રાહ્મી લિપિની માફક સંયુક્તાક્ષર ઉપર-નીચે લખવામાં આવે છે, જેમ કે, ગ્રંથ લિપિમાં અમુક્રમે ઈશ્વર, સ્તવન, સ્નાન, મુગ્ધ, વગેરે શબ્દો , , , , આ મુજબ લખવામાં આવે છે, જ્યારે દેવનાગરી લિપિમાં સંયુક્તાક્ષર આગળ-પાછળ લખવામાં આવે છે (ઉપરના ઉદાહરણો અનુક્રમે ईश्वर, स्तवन, स्नान, मुग्ध).
૩) અનુસ્વારનું ચિહ્ન : બ્રાહ્મી લિપિની જેમ ગ્રંથ લિપિમાં અનુસ્વારનું ચિહ્ન વર્ણની પાછળ કરવામાં છે, પરંતું દેવનાગરી લિપિમાં અનુસ્વારનું ચિહ્ન વર્ણની ઉપર કરવામાં આવે છે. ગ્રંથ લિપિમાં કં આમ લખાય છે, જ્યારે દેવનાગરી લિપિમાં कं આ મુજબ લખવામાં આવે છે.
૪) સ્વરાંકન : ગ્રંથ લિપિમાં ‘ઉ’, ‘ઊ’, ‘ઋ’, ‘એ’, ‘ઐ’, વગેરે સ્વરોનું અંકન વર્ણની આગળ કે પાછળ સમાન્તર કરવામાં આવે છે. ઉદા. : ગ્રંથ લિપિમાં ચુ, ચૂ, કૃ, કે, કૈ વર્ણોને અનુક્રમે , , , , આ પ્રકારે લખવામાં આવે છે, જ્યારે દેવનાગરી લિપિમાં આ તમામ સ્વરોનું અંકન વર્ણની ઉપર કે નીચે અનુક્રમે ‘चु’, ‘चू’, ‘कृ’, ‘के’, ‘कै’ આ મુજબ કરવામાં આવે છે.
૫) રેફ સૂચક ચિહ્ન : ગ્રંથ લિપિમાં રેફ દર્શાવતું ચિહ્ન વર્ણની નીચેથી ઉપર કરવામાં આવે છે, ઉદાહરણ તરીકે ગ્રંથ લિપિમાં (આચાર્ય, ચર્ચા, દર્શન શબ્દો) , , આ મુજબ લખવામાં આવે છે, જ્યારે દેવનાગરી લિપિમાં રેફની નિશાની વર્ણની ઉપર કરવામાં આવે છે. ઉપરના ઉદાહરણો દેવનાગરીમાં आचार्य, चर्चा, दर्शन મુજબ લખાય છે.
૬) દીર્ઘ ‘ઈ’નું ચિહ્ન : ગ્રંથ લિપિમાં દીર્ઘ ‘ઈ’ સ્વરની નિશાની દેવનાગરી લિપિમાં રેફની નિશાનીની માફક કરવામાં આવે છે. ઉદા. ગ્રંથ લિપિમાં (તીર્થંકર, સુન્દરી શબ્દો) , આ રીતે લખવામાં આવે છે, જ્યારે દેવનાગરી લિપિમાં तीर्थंकर, सुन्दरी આ પ્રકારે લખવામાં આવે છે.
૭) હ્રસ્વ ‘ઇ’નું ચિહ્ન : ગ્રંથ લિપિમાં હ્રસ્વ ‘ઇ’ની નિશાની દેવનાગરી લિપિમાં થતાં દીર્ઘ ‘ઈ’ની નિશાની સમાન જોવા મળે છે. જેમ કે, ગ્રંથ લિપિમાં (લિપિ શબ્દ) આ મુજબ લખાય છે, જ્યારે દેવનાગરી લિપિમાં लिपि આ મુજબ લખવામાં આવે છે.
૮) હલન્તની નિશાની : ગ્રંથ લિપિમાં હલન્તની નિશાની વર્ણની ઉપરની તરફ કરવામાં આવે છે. જ્યારે દેવનાગરી લિપિમાં હલન્તની નિશાની વર્ણની નીચેની તરફ કરવામાં આવે છે. જેમ કે, ગ્રંથ લિપિમાં હલન્ત ર્ આ પકારે લખાય છે, જ્યારે દેવનાગરી લિપિમાં ‘र्’ આ મુજબ લખવામાં આવે છે.
ગ્રંથ અને દેવનાગરી વચ્ચે સામ્ય :
૧) વિસર્ગ તથા ‘આ’ સ્વરાંકન : ગ્રંથ લિપિ તથા દેવનાગરી લિપિમાં વિસર્ગ તથા ‘આ’ સ્વરનું અંકન વર્ણની પાછળ સમાનરૂપે થતું જોવા મળે છે. જેમ કે, ગ્રંથ લિપિમાં વિસર્ગ તથા ‘આ’ સ્વરનું ચિહ્ન (કઃ અને કા શબ્દો અનુક્રમે ) , આમ લખાય છે, જ્યારે દેવનાગરી લિપિમાં વિસર્ગ અને ‘આ’ સ્વરનું ચિહ્ન ‘कः’, ‘का’ આ મુજબ થતું જોવા મળે છે.
૨) ‘ક’, ‘ઠ’, ‘દ’, ‘પ’ તથા ‘વ’ વગેરે વ્યંજનોમાં સામ્ય : ગ્રંથ લિપિ તથા દેવનાગરી લિપિના વ્યંજનોનો અભ્યાસ કરતાં ‘ક’, ‘ઠ’, ‘દ’, ‘પ’ તથા ‘વ’ વગેરે અમુક વ્યંજનોના લખાણની પ્રક્રિયામાં થોડું-ઘણું સામ્ય જોવા મળે છે. ઉપરના વર્ણો અનુક્રમે ગ્રંથ લિપિમાં , , , , આ પ્રકારે લખવામાં આવે છે, જ્યારે દેવનાગરી લિપિમાં અનુક્રમે ‘क’, ‘ठ’, ‘द’, ‘प’, ‘व’ આ મુજબ લખાય છે.
૩) ‘ર’ અને ‘શ’ વર્ણોમાં લિપિગત સામ્ય : ગ્રંથ લિપિમાં જે સમાનતા ‘ર’ અને ‘શ’ વર્ણલેખનમાં જોવા મળે છે, તે સમાનતા દેવનાગરી લિપિમાં પણ જોવા મળે છે, આમ ‘ર’ અને ‘શ’ અને વર્ણલેખનમાં બંને લિપિઓમાં પોતપોતાની લિપિગત સમાનતાના દર્શન થાય છે. ઉદા. ‘ર’ અને ‘શ’ અનુક્રમે ગ્રંથ લિપિમાં , આ પ્રકારે લખાય છે, જ્યારે દેવનાગરી લિપિમાં ‘र’, ‘श’ આ મુજબ લખાય છે.
૪) ‘ય’ અને ‘ન’ વર્ણ વિશે : ગ્રંથ લિપિમાં જે પ્રકારે સંયુક્તાક્ષરમાં સંયુક્ત ‘ય’ અને ‘ન’ વર્ણોનું લખાણ કરવામાં આવે છે, તેની સાથે દેવનાગરીનો ‘ય’ અને ‘ન’ વર્ણ વધારે સામ્ય ધરાવતો જોવા મળે છે. ઉદા. ગ્રંથ લિપિમાં ‘ભવિષ્ય’માં ‘ય’ની નિશાની દેવનાગરી લિપિમાં લખાતા ‘य’ સાથે સામ્ય ધરાવે છે, તે જ રીતે ગ્રંથ લિપિમાં ‘જ્વલન્ત’માં ‘ન’ની નિશાની દેવનાગરી લિપિમાં લખાતા ‘न’ સાથે સમાનતા ધરાવે છે.
૫) ‘એ’ અને ‘ઐ’ કારાન્તની નિશાનીમાં સામ્ય : ગ્રંથ લિપિ તથા દેવનાગરી લિપિમાં ‘એ’ અને ‘ઐ’ કારાન્તની નિશાનીમાં સંપૂર્ણ સામ્ય જોવા મળે છે, , તફાવત છે માત્ર ચિહ્નદર્શક સ્થાનનો. ઉપર કહ્યા મુજબ ગ્રંથ લિપિમાં એ બંને ચિહ્ન વર્ણની આગળ કરવામાં આવે છે, જ્યારે દેવનાગરી લિપિમાં એ બંને સ્વરની નિશાની વર્ણની ઉપર કરવામાં આવે છે. ઉદા. અનુક્રમે ‘કે’ અને ‘કૈ’ ગ્રંથ લિપિમાં , આ મુજબ લખાય છે, જ્યારે દેવનાગરી લિપિમાં ‘के’, ‘कै’ આ પ્રકારે લખવામાં આવે છે.
૬) ‘ઓ’ કારાન્તની નિશાની : ગ્રંથ લિપિમાં ‘ઓ’ કારાન્તની નિશાનીમાં જે રીતે ‘એ’ની નિશાની વર્ણ પહેલા અને ‘આ’ની નિશાની વર્ણ પછી કરવામાં આવે છે, તે જ રીતે દેવનાગરી લિપિમાં આ બાબતનું સામ્ય જોવા મળે છે. દેવનાગરી લિપિમાં પણ ‘એ’ની નિશાની વર્ણ ઉપર અને ‘આ’ની નિશાની વર્ણ પછી કરવામાં આવે છે. ઉદા. ‘કો’ શબ્દ ગ્રંથ લિપિમાં આ મુજબ અને દેવનાગરી લિપિમાં ‘को’ આ પ્રકારે લખવામાં આવે છે.
૭) લખાણની પદ્ધતિ : ગ્રંથ લિપિ અને દેવનાગરી લિપિ બંને લિપિઓ સમાનરૂપે ડાબેથી જમણે લખાવામમાં આવે છે. આમ આ બંને લિપિઓમાં એક ક્ષૈતિજ રેખાની માફક લખાણ થતું જોવા મળે છે.
સંદર્ભગ્રંથ સૂચિ:–
૧) સંસ્કૃત પાઠ્યપુસ્તક ધોરણ ૯ : ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર, વિષય-સલાહકાર : સુરેશચંદ્ર જ. દવે, લેખન-સંપાદન : ડૉ. કમલેશકુમાર છ. ચોકસી તથા અન્ય, પ્રથમ આવૃત્તિ : ૨૦૧૩.
૨) ગ્રંથ લિપિ : એક અધ્યયન (લેખ) : ડૉ. ઉત્તમસિંહ, શ્રુતસાગર, વર્ષ-૧, અંક-૨, કુલ અંક-૨, જુલાઈ ૨૦૧૪, સંપાદક : કનુભાઈ લલ્લુભાઈ શાહ, પ્રકાશક : આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદીર, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર.
૩) સાર્થ ગૂજરાતી જોડણી કોશ (પુરવણી સહિત) : ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, પ્રકાશક : રાજેન્દ્ર ખીમાણી, કુલસચિવ ગૂજરાત વિદ્યાપીઠ, મુદ્રક : વિવેક જીતેન્દ્રભાઈ દેસાઈ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ, નવમું પુનર્મુદ્રણ, ઓક્ટોબર ૨૦૧૨,
લેખક : કણસાગરા હેમલ અશોકભાઈ
અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, સરકારી વિનયન કોલેજ,
જામકલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા,
મો. : ૯૪૨૭૭૨૪૩૮૦
EMAIL : hakansagra11@gmail.com