દિવાળી – લાલજી વાસીયા

જો દિવાળી અને બેસતું વર્ષ આવ્યું પણ આપણું ઘર તો સાવ સૂનમૂન જ બેઠું છે, રંભા એ એમનાં પતિ લાખાને કહ્યુ”                                                                     

” દર વરસે દિવાળી આવે પણ હે ભગવાન અમે તો વળી કેવા કર્મો કર્યાં કે અમારે તો દર દિવાળી વારાફરતી બળતી જ આવે. આ આજુબાજુના છોકરાઓ કેવા સરસ મજાના કપડાં પહેરીને ફરે ને ફટાકડા ઢગલાબંધ ફોડે ને મીઠાઈઓના તો ફુવારાઓ ફૂટે ને પાણીની જેમ વહે…. ને આપણા છોકરા બધાને ખાતા જોઈ રહે. એમને બચારાને એક પેંડો પણ નસીબ નથી થાતો. ” રંભાની વાણીમાં અને નસીબમાં દરિદ્રતા છલકાઈ રહી હતી.

“અય…. તમને કહું છું, સાંભળો છો? પેલા ગામના પાર્થભાઈ પાસે જાવ ને થોડા વ્યાજે રૂપિયા લઈ આવો કારણ કે આ વખતે તો આપણા સગામાં પણ કોઇ નથી ગુજરી ગયું એટલે છોકરાઓને હું નો કહી શકું કે એમનો હોગ છે એટલે મીઠાઈ નો લાવી શકીએ. હવે તો છોકરાઓ પણ સમજુ થઈ ગયા છે એટલે એમને પણ ખબર પડી જાય છે કે બા ખોટું બોલે છે. “
          “લાખો બોલ્યો”,
” તું કહે તો જ હું જાવ?? મને નહિ ખબર પડતી હોય! મને નહીં થતું હોય કે મારા છોકરા પણ મીઠાઈ ખાય?? હું ગયો હતો પણ એમણે રુપિયા એના સંબંધી ને આપી દીધા. તું ચિંતા કરમાં હું સવારે મીઠાશ લાવી દઈશ. પણ સવારમાં તો બેસતું વર્ષ થાય. નવા વર્ષની શરૂઆત થાય એટલે સવારે થોડું કંઈ ઉધારે લેવાય. હવે તું અને છોકરા  જમી ને સુઈ જાવ હું અત્યારે મારા ભાઈબંધ પાસે પૈસા માંગવા જાવ છું. કદાચ મેળ પડી જાય તો છોકરા મીઠાઈ ખાય. ” કહીને ખખડધજ મકાનમાંથી લાખો બહાર નીકળ્યો.

લાખો બહાર ગયો કે તરત રંભાએ માતાજીની છબી પાસે જઈને એક દીવાની માનતા માને છે કે,” હે માતાજી,  મારા ધણી ને જો પૈસા મળી જાહે તો હું તમને એક જોડ દીવા કરી પછી જ મોઢામાં અનનો કોળિયો નાંખીશ. “

થોડીવાર માં લાખો  પાછો આવે છે, પણ એ તો ખાલી હાથે આવ્યો હતો. એટલે તેમનો ચહેરો ઉદાસ દેખાય છે.

રંભા  પૂછે છે કે શું કઈ મેળ પડ્યો છે? લાખો  ડોકું હલાવીને ના પાડે છે.

“ના, ક્યાંય મેળ નથી પડતો. બે ત્રણ માણસોને મળ્યો પણ કોઈએ હા નથી પાડી. એ સારું માતાજી કંઇક ઉપાય કરશે! હવે તમે સૂઈ જાવ.”

રંભા  માતાજીની છબી આગળ જાય છે અને કહે છે,” હે માતાજી! મેં તો ટેક લીધી છે એનું શું? ભલે ગમે તેમ માતાજી મારી કસોટી કરો પણ હું એકની બે તો નહી જ થાવ. તમે મારી કસોટી કરો છો ને હું પણ પાણી મૂકું છું કે કાલે મારા ઘરે જ્યાં સુઘી મીઠાશ નો આવે ને ત્યાં સુધી હું પાણી નહીં પીવું. “

બીજી તરફ છોકરાઓ ઘરની બહાર આવીને ફળિયામાં બધા ભેગા થાય છે અને ફટાકડા ફોડીને ઉજવણી કરતા હતા. ત્યારે રંભાના છોકરા એ જોઈને ખુશ થાય છે. એમની ફટાકડા ફોડવાની ઈચ્છા એમના ચહેરે દેખાતી હતી પણ હાય રે ગરીબી!! આંખોથી આનંદ લઈને બધા આડા પડ્યા.
                       સવાર પડી. રંભા ને  યાદ આવ્યું કે બાજુમાં નોકરી કરતા ચીમનકાકાને અમારા ઘરની બધી જ ખબર હોય કે આ વર્ષ અમારા ઘરે મીઠાશ આવી છે કે નહીં. દર વખતે ચીમનકાકા થોડી મીઠાશ છોકરાઓને આપે પણ આ વખતે તો ચીમનકાકા પણ બહાર ફરવા ગયેલા એટલે હવે ઘરે તો કોણ મીઠાશ આપવા આવે?

પરંતુ લાખાને વિશ્વાસ હતો કે ગમે તેમ થાય પણ મીઠાશ તો હું છોકરાઓ માટે લાવીને જ જંપીશ. એ બાપડો લાખો  સવાર સવારમાં ધ્રુજતા પગે મુખીની દુકાને પહોંચ્યો ને દબાયેલા અવાજે મુખીને કહ્યું કે મારે આ વખતે ઉધારે મીઠાશ લેવાની છે. મુખીએ એક નજર નાંખી અને મનમાં જ બોલ્યો, ” હે ભગવાન, નવું વર્ષ અને સવાર સવારમાં ઉધાર લેવા ગ્રાહક આવ્યો?  ભલે ભગવાન તારી જેવી મરજી. એનીય ઈચ્છા તો થતી હશે ને મીઠાઈ ખાવાની?? “

“બોલ ભાઈ શું જોવે છે? “

” તમારી દુકાન છે શેઠ. મારે તો ઉધાર લેવું છે તો જે આપવું હોય એ આપો. “

મુખીએ તો લાડવા, પેંડા, ગાઠીયા અને જલેબી જોખી દીધા. એ બાપડો લાખો  મીઠાશ લઈને ઘરે ગયો.

” તમે મીઠાશ લાવ્યા? ” હાથમાં થેલી જોઈને રંભા બોલી.

જવાબ હા મળ્યો એટલે રંભા તરત ઘરમાં ગઈ ને માતાજીની માનતા પૂરી કરે છે પછી પાણી પીવે છે. બાળકો પણ ખુશ થઈ ગયા મીઠાઈ જોઈને.

નવા વર્ષે કુટુંબીજનો સવારથી જ રામ રામ મળવા આવે એટલે ગામડામાં તો એવો નિયમ હોય કે એમને મોં મીઠું કરાવવું. થોડીવાર થઈ કે એમના ઘરે પણ તેમનાં કુટુંબીજનો આવવા લાગ્યા.

રંભાએ પછી હોંશે હોંશે બધી મીઠાશમાંથી થોડી થોડી મીઠાશ થાળીમાં રાખી મહેમાનોને દેવા મંડી! આખો દિવસ પુરો થયો ને સાંજ પડી. સાંજે બધાજ ઘરના સભ્યો સાથે મળીને સંકલ્પ કરે છે કે આખું વર્ષ આપણી આળસને કારણે જ આપણી દિવાળી સારી નથી જતી પણ આવતી દિવાળી ગમે તેમ કરીને સારી આવે એવો પ્રયત્ન હવે સૌએ કરવાનો છે. 

ReplyForward