પરેશકુમાર પારેખ
કાવ્ય, કથા કે નાટક, સાહિત્યના કોઇ પણ સ્વરૂ૫ના આસ્વાદ કરતા સહૃદય૧ વાચકને એક હકીકતની તરત જ પ્રતીતિ થઈ જાય છે કે તે તે સાહિત્ય સ્વરૂપનો સર્જક કવિ, કથાકાર કે નાટ્યકાર પોતપોતાની સાહિત્યકૃતિના માધ્યમ દ્વારા સમગ્ર સમાજને કલ્યાણકારી પંથે ચાલવાની પ્રેરણા આપે તેવો કોઈક વિશિષ્ટ જીવનસંદેશ પાઠવવા ઈચ્છતો હોય છે. સરકૃત સાહિત્યમાં તો કાવ્યનું લક્ષણ એટલી વ્યાપક રીતે બાંધવામાં આવ્યું છે કે નાટક, કથા, આખ્યાયિકા, ચમ્પૂ૨ વગેરે અન્ય સર્વ ગદ્ય-પદ્ય-સ્વરૂપોનો સમાવેશ પણ કાવ્યના એકમાત્ર શીર્ષક તળે જ કરવામાં આવે છે.૩ પ્રત્યેક લલિતકલાની જેમ કાવ્યનાં પણ મુખ્ય બે પ્રયોજનો આ પ્રમાણે સ્વીકારવામાં આવ્યાં છે :
सद्यः परनिर्वृत्तये कान्तासम्मिततया उपदेशयुजे । – काव्यप्रकाश १/२
એક તો, માનવજીવનની અનેક અનિવાર્ય જંજાળોને સહૃદય ભાવક ઘડીભર ભૂલી જાય, એવો ઉચ્ચ પ્રકારનો અપાર્થિવ, લોકોત્તર આનંદ કવિતાએ આપવાનો હોય છે.૪ અને બીજું, પ્રિયતમાની મુગ્ધતા અને માધુર્ય ધારણ કરીને કવિતાએ, કથાવસ્તુના નિરૂપણમાંથી સ્વયમેવ ઉપસતો, જીવનને ઉદાત્ત અને ઊર્ધ્વમુખ બનાવે તેવો, કશોક ગૂઢ છતાં હૃદયસ્પર્શી જીવનસંદેશ રસિક વાચક સમક્ષ રજૂ કરવાનો હોય છે. આ રીતે, આનંદ સાથે ઉપદેશ આપવાની એક સુનિશ્ચિત પ્રણાલિકા પ્રત્યેક સંસ્કૃત કવિના સર્જન-વ્યાપાર સાથે સુશ્લિષ્ટ રીતે સંકળાયેલી રહી છે.
‘ઋતુસંહાર’ અને ‘મેઘદૂત’ નામનાં ખંડકાવ્ય, ‘કુમારસંભવ’ અને ‘રઘુવંશ’- નામનાં બે મહાકાવ્યો તેમજ ‘માલવિકાગ્નિમિત્ર’, ‘વિક્રમોર્વશીય’ તથા ‘અમિજ્ઞાનશાકુન્તલ’ – નામનાં ત્રણ નાટકો, એમ કુલ સાત કૃતિઓ કવિકુલગુરુ કાલિદાસે રચ્યાની એક લગભગ સર્વસ્વીકૃત પરંપરા છે. આ સાતેય કૃતિઓ વિશેની એક નોંધપાત્ર વાત એ છે કે એ પ્રત્યેક કૃતિમાં કવિએ શૃંગારને મુખ્ય રસ તરીકે સ્વીકારીને સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રણય-સંબંધનું વિવિધ દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. આંગ્લ કવિ-નાટ્યકાર શેક્સપિયરે ૩૭ નાટકો લખ્યાં છે, પરંતુ એ સર્વ નાટકોમાંનાં કથાવસ્તુ, પાત્રો અને પ્રસંગો દ્વારા તેમણે માનવની હૃદયભૂમિ પર પ્રેમ ઉપરાંત શોક, ક્રોધ, પરાક્રમ, ભય, આશ્ચર્ય, લજ્જા, હાસ્ય, જુગુપ્સા, નિર્વેદ, વિષાદ, વૈર, કપટ, દુષ્ટતા, આભિજાત્ય, વિશ્વાસઘાત વગેરે જે અન્ય અસંખ્ય ભાવો આવિર્ભાવ પામે છે, તે બધાનું પ્રકટીકરણ કર્યું છે. કાલિદાસ સાથે જ જેમની નાટ્યકાર તરીકે ગણના થાય છે એવા મહાકવિ ભવભૂતિએ ‘મહાવીરચરિત’, ‘માલતીમાધવ’ અને ‘ઉત્તરરામચરિત’ –એ ત્રણ નાટકો રચ્યાં છે, પરંતુ તેમણે એ ત્રણેય કૃતિઓમાં અનુક્રમે વીર, શૃંગાર અને કરુણ એ ત્રણનું મુખ્ય રસો તરીકે નિરૂપણ કરીને, સમુચિત અને સુ-આસ્વાદ્ય વૈવિધ્ય સર્જ્યું છે. કોઇ પણ સહૃદયના મનમાં એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઉદભવે કે કાલિદાસની કૃતિઓમાં એવું વૈવિધ્ય શા કારણે ઉપલબ્ધ થતું નથી ? આ પ્રકારની એકવિધતા કવિએ શા માટે અપનાવી હશે ? વૈવિધ્યસભર નિરૂપણનું કૌશલ શું કાલિદાસની પ્રતિભામાં ન હતું ?—આવા પ્રશ્નો ભલે સહજ ગણાય, પરંતુ વસ્તુસ્થિતિ એવી નથી. પ્રણયના એક-માત્ર ભાવને પોતાની સર્વ કૃતિઓમાં કેન્દ્રસ્થાને રાખીને કાલિદાસે તેનું નિરૂપણ કર્યું છે, એ હકીકત નિર્વિવાદ છે; પરંતુ કવિની સર્વ કૃતિઓનો સૂક્ષ્મ દૃષ્ટિએ સ્વાધ્યાય કરતાં એક અત્યંત સૂચક અને દ્યોતક તથ્ય ઊપસી આવે છે : પોતાની સાહિત્ય-કારકીર્દિનો કવિએ પ્રારંભ કર્યો ત્યારથી જ સ્ત્રી-પુરુષ-સંબધ અથવા પતિ-પત્ની સંબંધની સમસ્યાએ કવિનાં ચિત્ત હૃદયનો કબજો લઇ લીધો હશે; માનવજીવનને સુખસંપન્ન અને સત્ત્વ-સમૃદ્ધ બનાવવામાં આ સંબંધ નિર્ણાયક મહત્ત્વ ધરાવે છે, એવી સુદૃઢ પ્રતીતિ કવિને થઈ ગઈ હશે; અને તેથી પતિ-પત્ની સંબંધ સ્થિર, સંવાદપૂર્ણ અને આદર્શ દામ્પત્ય-મંગલના સ્વરૂપે શી રીતે વિકસી શકે ? એ પ્રશ્નનું ઊંડું મનન-મંથન કરીને કવિએ એક સાચા અને સંનિષ્ઠ સર્જકની ભૂમિકાએ પેાતાની લાક્ષણિક પદ્ધતિએ સંશોધન આદર્યું હશે. સંશોધનની સર્જનાત્મક પ્રયોગશાળામાંથી કવિને લાધેલી શોધો અને સિદ્ધિઓનો આવિષ્કાર તેમણે તેમની એક પછી એક સર્જાતી કૃતિઓમાં કર્યો. માનવહૃદયના આ સનાતન ભાવ – પ્રણયની કોઈ વિશિષ્ટ અને નૂતન ફિલસૂફીની પ્રેરણા કવિને સંભવ છે કે નીચેના મંત્ર અને શ્લોકોમાંથી પ્રાપ્ત થઈ હોય :-
(1) कामस्तदग्रे समवर्तताधि मनसो रेतः प्रथमं यदासीत् ।
सतो बन्धुमसति निरविन्दन् हृदि प्रतीष्या कवयो मनीषा ॥
- ऋग्वेद १०-१२९-४
અર્થાત્ – ‘આ વિકાર-સમૂહ સૃષ્ટિની પ્રાગવસ્થા દરમિયાન, પરમેશ્વરના મનમાં મૂળભૂત બીજસ્વરૂપ એવા કામનો પ્રાદુર્ભાવ થયો, એટલે કે ‘હું બહુ થાઉં, પ્રજનન કરું’ – એ પ્રકારની સિસૃક્ષા તેમનામાં જન્મી, અંતઃકરણમાં બુદ્ધિપૂર્વક ઊડું મનન કરીને, ક્રાન્તદર્શી કવિઓ અસત-સત સાથેના સંબંધનો પાર પામ્યા.’
(૨) ऊर्ध्वबाहुर्विरौम्येष: न च कश्चित् शृणोति मे ।
धर्मादर्थश्च कामश्च स धर्मः किं न सेव्यते ॥
- महाभारत १८-५-४९
અર્થાત્ – “બે હાથ ઊંચા કરીને હું પોકાર કરું છુ, પરંતુ કોઇ મારું સાંભળતું નથી : ધર્માચરણ દ્વારા (પણ) અર્થ અને કામની પ્રાપ્તિ થઈ શકે છે, તે ધર્મનું સેવન તમે કેમ કરતા નથી ?″
(૩) धर्माविरुद्धों भूतेषु कामोડस्मि भरतर्षभ । – गीता ७-११
अर्थात् – ‘હે ભરતર્ષભ, સર્વ પ્રાણીઓમાં ધર્મથી અવિરુદ્ધ, એટલે કે ધર્મસંમત જે કામ છે, તે હું છું.’
ઉપર્યુક્ત અવતરણોમાંથી નીચેના બે મુદ્દાએ કવિના સંવેદનશીલ હૃદય પર ઊંડો પ્રભાવ પાડ્યો હોય એમ જણાય છે : –
(અ) સુષ્ટિના આદિકાળમાં ઈશ્વરના મનમાં કામનો પ્રાદુર્ભાવ થયો એટલે કામ એ માનવ-હૃદય સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતો એક સ્થાયી ભાવ છે;
(બ) પરંતુ એ કામનું સેવન, એની સંપ્રાપ્તિ ધર્મસંમત પ્રકારે થાય તો જ એની સાચી કૃતાર્થતા છે.
અને પછી તો, કામ, પ્રણય, સ્ત્રી-પુરુષ-સંબંધ અને દામ્પત્ય વિશેના આ મુદ્દાઓને પોતાની સર્જક પ્રતિભાનો સંસ્પર્શ આપીને, એને માનવ-હ્રદયસ્પર્શી સ્વરૂપમાં કેવી રીતે નિરૂપી શકાય, એ જ કવિની સાહિત્ય-કારકીર્દિનું એકમેવ પ્રયોજન રહ્યું હોવું જોઈએ, અને અગાઉ કહ્યું તેમ, પોતાનાં કાવ્યો દ્વારા સહૃદય ભાવકનાં મન-હૃદયને અલૌકિક આનંદ આપતાં જ, એ પ્રક્રિયામાંથી જ, માનવ-સમાજનું કલ્યાણ કરે તેવો, સ્ત્રી-પુરુષ સંબંધ વિષયક, કોઈક અપૂર્વ સંદેશ આપવાનો તેમણે સંકલ્પ કર્યો હશે.
‘અભિજ્ઞાનશાકુન્તલ’ નાટકમાં દાંપત્ય અંગેની સ્વકીય વિભાવનાને કવિએ ક્રમે ક્રમે કેવી રીતે સંપન્ન કરી છે, તેનું હવે આપણે તેમની આ કૃતિના સંક્ષિપ્ત રસદર્શન દ્વારા નિરીક્ષણ કરીએ. કાલિદાસની દાંપત્ય-વિભાવનાનું ઉચ્ચ અને ઉદાત્ત પરિપાટી પરનું નિરૂપણ આપણને ‘અભિજ્ઞાનશાકુન્તલ’ માંથી પ્રાપ્ત થાય છે.
‘અભિજ્ઞાનશાકુન્તલ’ અને ‘રઘુવંશ’ એ બે કૃતિઓમાં કાલિદાસ દામ્પત્ય વિભાવનાનું જે અદ્ભુત ઊર્ધ્વીકરણ સાધે છે તે ખરેખર સમગ્ર સંસ્કૃત સાહિત્યના ઈતિહાસમાં અજોડ અને અભૂતપૂર્વ છે. અતિથિસત્કારનું ઉત્તરદાયિત્વ પાલિત પુત્રી શકુન્તલાને સોંપીને કુલપતિ કણ્વ થોડા મહિના માટે શકુન્તલાનાં પ્રતિકૂળ દેવનાં શમન અર્થે સોમતીર્થ ગયા છે, તે દરમિયાન મૃગયા માટે નીકળેલો ચક્રવર્તી રાજા દુષ્યન્ત આશ્રમમાં આવી ચડે છે અને શકુન્તલાના સૌન્દર્યને જોઇને મુગ્ધ બને છે; શકુન્તલા પણ દુષ્યન્તનાં સૌજન્ય- સંસ્કારપૂર્ણ વ્યક્તિત્વથી અંજાઈ જાય છે અને પિતાની ગેરહાજરીમાં, એમની સંમતિની રાહ જોયા વિના જ ગાંધર્વપ્રકારના વિવાહ-વિધિથી દુષ્યન્તને પરણે છે. થોડા જ દિવસમાં શકુન્તલાને તેડવા હસ્તિનાપુરથી કોઇક રાજપુરુષને મોકલવાનું વચન આપીને અને પ્રેમનાં ચિહ્ન (=અભિજ્ઞાન) તરીકે પોતાની વીંટી શકુન્તલાની આંગળીમાં પહેરાવીને દુષ્યન્ત વિદાય લે છે.
અહીં સુધીના દુષ્યન્ત-શકુન્તલાના પ્રથમ દૃષ્ટિના પ્રણય અને પરિણયના નિરૂપણમાં કશી જ વિશિષ્ટતા કે નવીનતા નથી; પરંતુ યૌવનના ઉન્માદમાં અને પ્રેમના સંભ્રાન્ત આવેશમાં બંને પ્રેમીઓએ વડીલની અનુજ્ઞાની અવગણના કરી છે, એ અનૌચિત્ય દંડપાત્ર બનવું જોઈએ. એટલે, દુષ્યન્તની વિદાય પછી દુષ્યન્તના જ વિચારોમાં શકુન્તલા લીન હોય છે ત્યારે ક્રોધમૂર્તિ દુર્વાસા આશ્રમમાં અતિથિ તરીકે આવે છે, પરંતુ अयं अहं भो: । અર્થાત્ – ‘અરે, આ હું આવ્યો છું !’ એવા એમના શબ્દો શકુન્તલા સાંભળતી નથી. શકુન્તલાનું તો માત્ર શરીર જ ત્યાં હતું, ચૈતન્ય તો દુષ્યન્ત સાથેની પ્રણયસૃષ્ટિમાં વિહરતું હતું. દુષ્યન્ત પ્રત્યેના વ્યક્તિનિષ્ઠ પ્રેમે જ શકુન્તલાને આતિથ્યધર્મના ઉલ્લંઘન માટે, એટલે કે સમષ્ટિના પ્રતિનિધિભૂત દુર્વાસાના અનાદર માટે પ્રેરી, અને દુર્વાસાનો દુર્નિવાર્ય શાપ, એ વિશેની કશી જ જાણ વિના પોતાના પર આ રીતે નોતરી બેઠી : –
विचिन्तयन्ती यमनन्यमानसा तपोधनं वेत्सि न मामुपस्थितम् । स्मरिष्यति त्वां न स बोधितोऽपि सन्…. – ४-१
અર્થાત્ – એકાગ્ર ચિત્તથી જેના વિશે વિચારતી તું, આંગણે આવેલા મારા જેવા તપોધનને ધ્યાને લેતી નથી, તે વ્યકિત, ફરી ફરીને યાદ અપાવવા છતાં તને યાદ કરી શકશે નહી.
સખી અનસૂયા મહાપ્રયત્ને દુર્વાસાને રીઝવીને, ‘પ્રેમનાં ચિહ્નરૂપ (અભિજ્ઞાન) કશુંક આભૂષણ (ઘરેણું) બતાવવાથી શાપનું નિવારણ થશે’ – એટલા પૂરતો શાપને હળવો બનાવી શકી; પ્રેમમાંથી સ્વાર્થ વગેરે ક્ષુદ્ર ભાવોનું વિરેચન કરીને તેનું શુદ્ધીકરણ સાધવા માટે, પ્રેમીઓને સંકટ અને સંવેદનાની અગ્નિપરીક્ષામાંથી ઉત્તીર્ણ થવું અનિવાર્યું હતું, પરિણામે, પતિગૃહે જઇ રહેલી શકુન્તલાની આંગળીમાંથી પેલી વીંટી માર્ગમાં શચીતીર્થના જળમાં શકુન્તલાના ખ્યાલ બહાર સરી પડે છે. દુર્વાસાના શાપની અસર તળે દુષ્યન્ત સગર્ભા શકુન્તલાને ઓળખી કે સ્વીકારી શકતો નથી. શકુન્તલાના પ્રત્યાખ્યાન પછી વીંટી મળે છે, શકુન્તલાને અન્યાય કર્યાના અક્ષમ્ય અપરાધ બદલ દુષ્યન્ત પશ્ચાત્તાપની વેદનાની વહ્નિમાં પૂરેપૂરો તવાય છે. બીજી બાજુ, શકન્તલાએ મારીચ-ઋષિના આશ્રમમાં પુત્રને જન્મ આપ્યો છે અને સાત વર્ષ સુદીર્ઘ વિરહવ્રતમાં તે કઠિન તપોમય અને અધ્યાત્મલક્ષી આશ્રમજીવન જીવી રહી છે. આમ બંનેનો પ્રેમ હવે નિર્મળ, ઉદાત્ત અને ઊર્ધ્વીકૃત બન્યો છે અને પુનર્મિલન માટે બંનેની પાત્રતા સધાય છે, પરંતુ દામ્પત્યની વિભાવનામાં કાલિદાસ એક અધિક અને નવીનતર તત્ત્વ અહીં ઉમેરે છે : દાનવોની સામે દેવોની સેનાનો સેનાપતિ બની શકે તેવા કુમાર(કાર્તિકેય)નો જન્મ (‘કુમારસંભવ’), – એ શિવગૌરીનાં દાંપત્યનું પ્રયોજન હતું તેમ, આ રાષ્ટ્ર(ભારતવર્ષ)ને પોતાના નામથી વિભૂષિત કરે તેવા ચક્રવતી પુત્ર(ભરત)ની પ્રાપ્તિના મહિમાની અપુત્ર દુષ્યન્તને પ્રતીતિ થાય એ જરૂરી હતું. તેથી મૃત્યુ પામેલા સાર્થવાહ ધનમિત્રના પ્રસંગને અંતે ‘આ દુષ્યન્ત પછી અમારા કુળમાં શ્રાદ્ધ-અંજલિ કોણ અર્પશે ?’ પોતાના પિતૃઓ પોતાના માટે આવું વિચારીને દુ:ખી થતા હશે એવું યાદ આવતા એનું સ્મરણ અસહ્ય બનતા દુષ્યન્ત મૂર્છા પામે છે, અને ત્યાં જ દુષ્યન્ત-શકુન્તલાના પુનર્મિલનની પ્રક્રિયાનો આરંભ થાય છે અને એ પુનર્મિલન સંપન્ન થાય છે, ત્યારે આદર્શ પ્રેમની પરાકાષ્ઠા રચાય છે. શરીરસૌન્દર્યના આકર્ષણ માટે હવે ત્યાં અવકાશ નથી. પ્રેમના પ્રતીક તરીકે વીંટી જેવાં ક્ષુલ્લક સાધનની હવે પ્રેમીઓને જરૂર રહેતી નથી. પ્રણયની પરિસમાપ્તિ પ્રેમીઓ હવે પરસ્પરની સંકુચિત વાસના-તૃપ્તિમાં નહી, પરંતુ પુત્ર, પાડોશી, પ્રજા, સમાજ અને સમસ્ત સચરાચર સૃષ્ટિ અને સમષ્ટિ સાથેનાં સંપૂર્ણ તાદાત્મ્યમાં માણે છે. એ સમયના મારીચ ઋષિએ દુષ્યન્તને પાઠવેલા આશીર્વચનો અત્યંત સૂચક છે : –
दिष्ट्या शकुन्तला साध्वी सदपत्यमिदं भवान् ।
श्रद्धा वित्तं विधिश्चेति त्रितयं तत्समागतम् ॥ શાકુન્તલ ७, २९
અર્થાત્ – સાધ્વી શકુન્તલા, આ સુપુત્ર સર્વદમન અને સૌન્દર્યમૂર્તિ એવો તું એટલે કે દુષ્યન્ત એટલે બીજું કશું જ નહીં પરંતુ શ્રદ્ધા, સૌભાગ્ય અને વિધિ એ ત્રણનું સુભગ સંમેલન !
આમ, પતિ-પત્ની વચ્ચે સંપૂર્ણ સુમેળ, અને એ બન્નેની સમષ્ટિ સાથે પૂરી સંવાદિતા. ઉપરાંત એમના દામ્પત્યમાંથી વિશ્વકલ્યાણ અર્થે સમષ્ટિને સુપુત્રનો લાભ મળે એવું કાલિદાસને અભીષ્ટ લાગે છે.
કાલિદાસની દામ્પત્ય વિભાવનાનું સમગ્રતયા સૂક્ષ્મ અને મર્મસ્પર્શી દર્શન કરતાં આપણને સંસારના એક સનાતન સત્યનો સાક્ષાત્કાર થાય છે કે દામ્પત્યપ્રેમ એ માનવજીવનનું સાધ્ય નથી, વિશ્વકલ્યાણની પરમપવિત્ર સિદ્ધિની યાત્રામાં એ તો એક સાધનમાત્ર છે. કવિકુલગુરુ કાલિદાસના સમૃદ્ધ અને સત્ત્વશીલ સાહિત્યસર્જનનો સારરૂપ આ સંદેશ અનેક શતકોના કાળપ્રવાહ પછી આજે પણ સહૃદય માટે એટલો જ પ્રસ્તુત, મૂલ્યવાન અને ઔચિત્યપૂર્ણ રહ્યો છે.
પાદટીપ :
1. સહૃદય : સાહિત્યનો રસાસ્વાદ માણી શકે તેવી વ્યક્તિ માટેના કાવ્યશાસ્ત્રના આ પારિભાષિક શબ્દનું લક્ષણ અભિનવગુપ્ત નામના સુપ્રસિદ્ધ સાહિત્યવિવેચક આ પ્રમાણે આપે છે : –
येषां काव्यानुशीलनाभ्यासवशाद् विशदीभूते मनोमुकुरे ।
वर्णनीयतन्मयीभवनयोग्यता ते हृदयसंवादभाजः सहृदयाः ।
ધ્વન્યાલોક–લોચન’ પૃ. ૧૩
અર્થાત્ – કાવ્યનાં અનુશીલન અને અભ્યાસને કારણે વિશદ બનેલાં જેમના મન-દર્પણમાં, વર્ણવાઈ રહેલ વસ્તુ સાથે તન્મય બની જવાની યોગ્યતા હોય તે, હૃદય સાથે સંવાદ સાધવાની ક્ષમતા ધરાવનાર વ્યક્તિઓ સહૃદયો છે.
2. ચમ્પૂ : જે ગદ્ય અને પદ્ય બન્નેથી મિશ્રિત હોય તેવા કાવ્યપ્રકારને ‘ચમ્પૂ’ એવું નામ આપવામાં આવ્યું છે. આચાર્ય વિશ્વનાથ તેનું લક્ષણ આ પ્રમાણે આપે છે : –
गद्यपद्यमयं काव्यं चम्पूरित्यभिधीयते ॥
– સાહિત્યદર્પણ ૬-૩૩૬
3. काव्येषु नाटकं रम्यं तत्र रम्या शकुन्तला । એ સુપ્રસિદ્ધ ઉક્તિમાં “કાવ્યોમાં નાટક રમ્ય છે અને નાટકોમાં ‘શાકુન્તલ’ રમ્ય છે.” એમ કહેવાયુ છે. એ જ દર્શાવે છે કે નાટકનો સમાવેશ કાવ્યમાં થઇ જાય છે.
‘કથા’ અને ‘આખ્યાયિકા’ જેવા સંપૂર્ણ રીતે ગદ્ય સાહિત્ય પ્રકારોને પણ સંસ્કૃત વિવેચકો કાવ્યના પ્રકારો જ ગણે છે. આ જ કારણે બાણભટ્ટ અને સુબન્ધુ જેવા ગદ્યલેખકો પણ મહાકવિઓ જ ગણાય છે.
4. કાવ્યના રસાસ્વાદમાંથી પ્રાપ્ત થતા ઉચ્ચ અને અલૌકિક આનંદનું વર્ણન સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ગ્રંથોમાં આ મુજબ કરવામાં આવ્યું છે.
(અ) सकलप्रयोजनमौलिभूतं विगलितवेद्यान्तरं आनन्दम् । – કાવ્યપ્રકાશ १-२
એવો આનંદ કે જે સર્વ પ્રયોજનોના મુકુટસ્થાને છે અને જેના આસ્વાદ સમયે સઘળી સભાનતા સંપૂર્ણ રીતે મનમાંથી સરી જાય છે.
(બ) वेद्यान्तरस्पर्शशून्य: ब्रह्मास्वादसहोदर: । – સાહિત્યદર્પણ – ३/२
એટલે કે એવો (આનંદ), –જેના આસ્વાદ સમયે કોઇ પણ સભાનતાનો સ્પર્શ ચિત્તમાં રહી શકતો નથી, અને જે બ્રહ્મ-સાક્ષાત્કાર સમયે યોગીઓને મળતા આનંદનો સગો ભાઈ છે.
=======================
ડૉ. પરેશકુમાર ગણપતલાલ પારેખ, આસિસ્ટન્ટ પ્રોફેસર, સંસ્કૃત વિભાગ, શ્રીમતી સી.આર.ગાર્ડી આર્ટ્સ કોલેજ, મુનપુર
Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 1 January- February 2024