તારી પરવાનગી માગુ જો તને ફાવે તો
મન કહે છે તને ચાહુ જો તને ફાવે તો
હું તો ઝાકળના મોતીને ય કદી અડકુ છુ
એમ બસ હુ તને અડકુ જો તને ફાવે તો
કયાંક એકાંતમા અથવા તો કશે મહેફિલમા
તારી બાજુમા હું બેસુ જો તને ફાવે તો
રૂબરૂ મળવાની ઇચ્છા જો કદી જાગે તો
મારું સરનામુ હું આપુ જો તને ફાવે તો
પ્રેમની બાબતે કંઈ પૂછપરછ ના ચાલે
તે છતાં ચાલને પૂછુ જો તને ફાવે તો
ચોતરફ પ્રેમની મોસમની હવા ગૂંજે છે
હું તને ધ્યાનમા રાખુ જો તને ફાવે તો
હું ખલીલ એમને એકાદ ગઝલ તારી પણ
મારા નામે લખી આપુ જો તને ફાવે તો
—- ખલીલ ધનતેજવી