-ડૉ. તૃપ્તી જે. રંગપરિયા
`તમસ’ નવલકથામાં એક સમયખંડની વાત લેખક ભીષ્મ સાહની કરે છે, એપ્રિલ ૧૯૪૭ નો સમય હતો, ત્યારનો પંજાબ જીલ્લાનો પરિવેશ. દેશ આઝાદ થવાને આરે હતો. અંગ્રેજી હુકુમત સત્તા સોપતા પહેલા હિન્દુસ્તાનમાં ફૂટ પાડવામાં સફળ થઇ જાય છે. બ્રિટીશ સત્તા એ ભારતનો અરીસો તોડી નાખ્યો. જેમાં હિન્દુસ્તાનની જનતા એકસાથે પોતાનો ચેહરો જોતી હતી. ‘તમસ’ નવલકથા મૂળ રૂપે હિન્દી છે, આ નવલકથા પર ગોવિંદ નિહલાની એ ટી .વી સીરીયલનું નિદર્શન કર્યું છે.
‘તમસ’ ભીષ્મ સાહનીની બહુચર્ચિત નવલકથાઓમાની એક છે. જેમાં આઝાદીની ઠીક પહેલા પંજાબમાં સાંપ્રદાયિકતાના ભયજનક અંધારામાં ડૂબેલા એ થોડા દિવસોની ધાર્મિક જડતાનો ઉપયોગ કરતી પૂંજીવાદી રાજનીતિ અને તેનાથી રક્તરંજિત હજારો નિર્દોષ લોકોની હત્યાઓ, બળવાઓ, મારકૂટ, લુંટફાટના ખતરનાક ખેલો આ વાતાવરણને ભીષ્મ સાહનીએ ‘તમસ’માં ઈતિહાસ બોધ સાથે રજૂ કરેલ છે .
દેશ આઝાદ થયા પછી પણ ભારતમાં ‘અંધકાર’ છે તો સચોટ રૂપે કહી શકાય કે દેશની ધરતીમાં હજુ પણ સાંપ્રદાયિકતા રૂપી ‘તમસ’ દૂર થયો નથી. એનું જીવતું જાગતું ઉદાહરણ આજે પણ જોવા મળે છે. ભીષ્મ સાહનીની આ નવલ કથા તો શું એના પછી પણ સૈકડો નવલકથા લખાઈ તો પણ આ વિશે ઓછી છે. સમય વિસ્તારની દ્રષ્ટિએ આ નવલકથામાં સ્વતંત્રતા પૂર્વની પાંચ દિવસની કથા છે, પરંતુ કથામાં પ્રસંગ, સંદર્ભ, અને નિષ્કર્ષ જે ઉભરે છે તે પાંચ દિવસની કથા ન રહીને વીસમી સદીના હિન્દુસ્તાનની સોં વર્ષની કથા બની જાય છે. આ નવલકથા જાતિ પ્રેમ, ધર્મ, સંસ્કૃતિ, પરંપરા, ઈતિહાસ અને રાજનીતિની સંકલ્પનાઓની આડમાં શિકાર કરનારી પ્રતિગામી શક્તિઓના દુ:સાહસ ભરેલા કૃત્યો પ્રસ્તુત કરે છે. હિંદુ –મુસ્લિમ સાંપ્રદાયિકતા અને દેશવિભાજન પર કેટલીય સાહિત્ય કૃતિઓ, નવલકથાઓ, નવલિકાઓ ચર્ચિત છે. ગુજરાતી સાહિત્ય અને હિન્દી સાહિત્યમાં દેશ વિભાજનથી ઉત્પન્ન સમસ્યાઓ અને ધાર્મિકકટ્ટરતાના ભયાનક દ્રશ્યો ઉભારતી કથાઓ સાહિત્યકારો માટે આકર્ષણનું કેન્દ્ર રહી .
હિન્દી સાહિત્યમાં દેશ વિભાજન અને હિંદુ મુસ્લિમ ધર્મની કટ્ટરતાથી ઉત્પન્ન થયેલ સમસ્યાઓ, મારકૂટ, લૂટફાટ, સ્થળાંતર અને આઝાદી સમયના દેશ વિભાજનના અનુભવેલ ભયાનક દૃશ્યોને કેટલાય લેખકોએ પોતાની કૃતિઓની કથા તરીકે વર્ણવેલ. ભીષ્મ સાહની એ નવલકથા ‘તમસ’ દેશ વિભાજન અને ધાર્મિક કટ્ટરતાના નરી આંખે જોયેલ દૃશ્યો આ નવલકથામાં વર્ણવી એ સમયે રાજનીતિના ચક્રવ્યૂહમાં ધર્મનો આશરો લઈને ખેલાયેલ લોહીની હોળીના દૃશ્યો આંખો સામે તરવળે તેવું વર્ણન આ નવલકથામાં લેખકે કર્યું છે જેનો રસાસ્વાદ લેતા એવું લાગે કે આ તમામ દ્રશ્યોના લેખક સાક્ષી રહ્યા હોય .
ભીષ્મ સાહનીનો જન્મ અને તેના વ્યક્તિત્વનો વિકાસ રાવલપિંડીમાં જ થયો હતો. અને એપ્રિલ ૧૯૪૭ માં રાવલપિંડી શહેરની આજુ બાજુ ના ૧૨૦ ગામોમાં પાંચ છ દિવસ થયેલા સાંપ્રદાયિક ઝગડાઓના લેખક સાક્ષી રહ્યા છે.લેખક જણાવે છે કે, શહેરના હેલ્થ ઓફિસર સાથે હું લોહા ખાલસા ગામે ગયો હતો કુવા માં રસાયણિક પદાર્થ નાખવા માટે. જેનાથી કુવામાં સડતી લાશોને કારણે કોઈ બીમારી ન ફેલાય. તોફાનો પછી હજારોની સંખ્યામાં લોકો પોતાનું ગામ છોડી ને રાવલપિંડી તરફ ચાલ્યા ગયા. લેખકે લોકોના ટોળાઓ જતા જોયા છે .
‘તમસ’ નવલકથાની શરૂઆત જ સાંપ્રદાયિક ઝગડા કરાવવાની પૂર્વ નિર્ધારિત યોજનાથી થાય છે. મુરાદઅલી નામનો વ્યકિત નથ્થુને પાંચ રૂપિયાની નોટ આપી ભૂંડ મારી અને મસ્જીદમાં ફેકવાનો હુકમ કરે છે. મસ્જીદ સામે મરેલું ભૂંડ જોઈને મુસ્લિમો ઉતેજીત થાય છે. ત્યારબાદ તરત જ ગાયને મારી કાપી અને હિંદુ મંદિરમાં ફેકવાની ઘટના બને છે. જેનાથી હિંદુઓ ભડકી ઉઠે છે. સંદેહ, શંકા, અવિશ્વાસ, અસુરક્ષાના ભાવો બંને કોમો વચ્ચે જન્મે છે. આ અંધાધુંધીની સ્થિતિ શહેર, ગામડા, મહોલ્લાઓમાં મહામારીની જેમ ફાટી નીકળે છે. સ્થિતિ બેકાબુ બની અમાનવીય જનસંહારનું રૂપ લે છે. લેખકે આ પ્રસંગે કટ્ટરધાર્મિકતા, ધર્માન્ધતા, મોકાપરસ્તી વગેરે મન:સ્થિતિઓને સામાજિક સંદર્ભોમાં રજૂ કરેલ છે. આ વાત શરૂઆતથી જ સમજાય છે કે, ઝગડા કરાવનાર લોકો પડદા પાછળ અને ઝગડા કરનાર નિર્દોષલોકો સામસામે હોય છે. મતલબ કે ઝગડા થઇ રહ્યા ન હતા, ઝગડા કરાવવામાં આવ્યા હતા. કથાની શરૂઆત ત્યાંથી જ થાય છે. જ્યાં હિંદુ –મુસલમાનોમાં ગેરસમજ વધતી જાય છે. એવા સમયે તર્ક-વિતર્ક કે વાતો દ્વારા લોકોને સમજાવવાનો કોઈ માર્ગ રહ્યો નહતો. એક બાજુ જાતિગત નારા, ‘વંદે માતરમ’, `ભારત માતા કી જય’ અને ‘મહાત્મા ગાંધી કી જય’ના નારા સંભળાય રહ્યા હતા તો બીજી બાજુ ‘પાકિસ્તાન જિંદાબાદ’ અને ‘કાયદે આઝમ જિંદાબાદ’ના નારા સાંભળી રહ્યા હતા. મુસ્લિમ લીગ તરફથી પ્રચાર કરવામાં આવી રહ્યો હતો કે, કોંગ્રેસ હિંદુઓની ફોઝ છે. એને મુસલમાનો સાથે કોઈ લેવા દેવા નથી. કોંગ્રેસ સમજાવે છે કે કોંગ્રેસ હિંદુ-મુસ્લિમ અને સીખ બધાની છે. તો મુસ્લિમો વિરોધ કરે છે કે જે મુસલમાન કોંગ્રેસમાં છે તે હિંદુઓના કુતરાઓ છે. તેને હિંદુઓથી નફરત નથી પણ તેનાજ કુતરાઓ થી નફરત છે. તર્ક પ્રસ્તુતિકરણ પર વળતો જવાબ મળે છે કે કોંગ્રેસના અધ્યક્ષ મોલાના આઝાદ મુસલમાન છે છતાય હિંદુઓનો સૌથી મોટો કુતરો છે. જે ગાંધીજીનાં ઈશારે ચાલે છે. આમ પૂરી કથામાં ‘તમસ’ ની છાયા ફેલાયેલી છે. હિંદુ –મુસ્લિમ સંપ્રદાયોની રાજનીતિ સ્વાધીનતા સંગ્રામને નબળું બનાવનાર સાબિત થાય છે. એની અસરથી સમાજમાં અજ્ઞાન અને અંધવિશ્વાસ વધવાને કારણે લોકો ધર્માંધ બની વિવેકબુદ્ધિથી ભ્રષ્ટ થયા. વિવેકશીલ લોકોનો પ્રભાવ પણ એ સમયે આ ધાર્મિકકટ્ટરતાના વાતાવરણને દૂર ન કરી શક્યો. ભીષ્મ સાહનીએ વ્યંગ્ય વિદ્રુપ શૈલીમાં ખુબજ સરળતાથી આ બાબતોનું સ્પષ્ટીકરણ કર્યું છે .
‘તમસ’માં લેખકે પરિસ્થિતિઓમાં રહેલી નગ્નતાઓને વ્યંગ્ય શૈલીમાં વર્ણવી પાઠકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. દિક્ષાપ્રસંગના વર્ણનમાં એક રણવીર નામનો અણસમજુ યુવકને દેવવ્રત જેવો કટ્ટર હિંસાવાદી પોતાની દિક્ષા પદ્ધતિથી નૃશંસ હત્યારો બનાવી દે છે. અને તે જોત જોતામાં દેવવ્રત પછી રણવીરના રૂપમાં વિષેલા દાંત લઈને એક નવી પેઢી તૈયાર કરે છે. ધર્માન્ધતા એ અમાનવીય બની અને ખતરનાક રૂપે રક્તપાતની ખુલી છૂટ લઇ લોહીની નદીઓ વહાવી. દેવવ્રત, સોહનસિહ, મિરદાદ, કોમ્યુંનીષ્ટ કાર્યકર્તાઓ દ્વારા બળવો રોકવાના પ્રયાસ સફળ ન થયા અને સ્થિતિ ગંભીર બની. લોકો ધાર્મિક ઝનૂનમાં સમાધાન કરવું એટલે નમતું જોખવું સમજતા એને કારણે અંગ્રેજો પણ આ અંધાધૂધી રોકવામાં અસફળ રહ્યા. બક્ષી કહે છે કે, “બળવો કરાવનાર અંગ્રેજ, કાબુમાં લેનાર પણ અંગ્રેજ, ભૂખ્યા મારનાર પણ અંગ્રેજ, અન્ન દેનાર પણ અંગ્રેજ, ઘરથી બેઘર કરનાર પણ અંગ્રેજ, ઘર વસાવનાર પણ અંગ્રેજ, દરેક બાજી લઇ ગયો અંગ્રેજ”. સાંપ્રદાયિક હિંસાથી મરતા નિર્દોષ લોકો જેને મારવાનું કોઈ કારણ ન હતું તેવા પગલેટ જનરલની હત્યા, શાહનવાઝ દ્વારા રઘુનાથના નોંકર મીલ્ખીની હત્યા, શાહનવાઝ જેનો રઘુનાથ પ્રાણથી પણ વાહલો મિત્ર હતો તે રઘુનાથના આખા પરિવાર ને શાહનવાઝ પર અપાર વિશ્વાસ હતો તે રઘુનાથના ખાલી ઘરમાં મીલ્ખીને મારી નાખે છે .
લેખક ભીષ્મ સાહની અન્ય લેખકોની તુલનામાં અલગ એ જગ્યા એ છે કે, તેમણે બ્રિટીશ સામ્રાજ્યની કૂટનીતિઓ માટે બ્રિટીશ પ્રતીનીધિઓને ઉભા કરીને તેમના જ દ્વારા બ્રિટીશ સામ્રાજ્યની ધૃણાસ્પદ નીતિઓની ટીકા કરાવી છે. ડે. કમીશ્નર રિચર્ડને બે રૂપોમાં વર્ણવ્યા છે. એક સામાન્ય મનુષ્યના રૂપમાં અને બીજું બ્રટીશ સરકારની નીતિઓને કાર્યાન્વિત કરનાર પ્રશાસકના રૂપમાં લેખક લખે છે કે, “આ ખંડમાં ચક્કર લગાવતા રિચર્ડને જોઈને કોઈ ન કહી શકે કે તે મોટા અધિકારી છે. અહિયા તેઓ ભારતીય ઈતિહાસના મર્મજ્ઞ લાગે, ભારતીય કળાના જાણકાર. હા પ્રશાસકની ખુરશી પર બેસે તો બ્રિટીશ સામ્રાજ્યના પ્રતિનિધિ લાગે. તેઓ એ નીતિઓ કાર્યાન્વિત કરતા જે લંડનથી નિર્ણિત થઇને આવતી. પ્રશાસન ક્ષેત્રમાં વ્યક્તિગત માન્યતાઓની દખલગીરીને કોઈ સ્થાન ન હતું. તે અસંગત મનાતું.” એટલા માટે રિચર્ડને વ્યકિતગત રૂપે બ્રિટીશ સામ્રાજ્યની નીતિઓ માટે દોષી ન માની શકાય. માનવતાવાદી દૃષ્ટિએ લેખક આવા વિષયોની સમિક્ષા કરે છે.
નવલકથના બીજા ખંડમાં લેખકે ગામડાઓની બદહાલીનું વર્ણન કર્યું છે. સાંપ્રદાયિક ઝગડાઓની આગ ગામડા સુધી પોહચી ગઈ હતી. મુસલમાનોના ગામમાં રહેતું એકમાત્ર સિખ કુટુંબ કેવી મુશીબતોમાં સપડાયું તેનું વર્ણન લેખકે કર્યું છે કે, હરનામ સિહને પોતાના ગામમાંથી કાઢી મુકવામાં આવે છે. અને બહારથી આવેલા બળવાખોરો દ્વારા તેનું મકાન–દુકાન સળગાવી નાખવામાં આવે છે. હારનામ સિહ આવી પરિસ્થિતિમાં બીજા ગામમાં જઈ એક મુસલમાન ઘરમાં શરણ લે છે. જે ઘરમાં હરનામ સિહ શરણ લે છે તે ઘર હરનામસિહનું મકાન–દુકાન સળગાવનાર બળવાખોરોમાંથી એકનું હોય છે, પરંતુ અહી શરણ દેનાર મુસલમાનની માનવતા પણ લેખકે વર્ણવી છે. હરનામ સિહની દીકરી જસવીર એવા ગામમાં હોય છે જ્યાં મુસલમાનો અને સીખો વચ્ચે ધામાંસાન લડાઈ થઇ રહી હોઈ છે. બીજી બાજુ હરનામ સિહના દીકરા ઇકબાલસિહને મુસલમાન પકડીને બળપૂર્વક મુસલમાન બનાવી દે છે. કથામાં ઇકબાલસિહનો પ્રસંગ ખુબજ માર્મિક બની રહ્યો છે.
ભીષ્મ સાહનીઆ નવલકથાથી અદભૂત શિલ્પી રૂપે ઉભરી આવ્યા છે. ‘તમસ’ના માધ્યમથી લેખકે સિદ્ધ કરી બતાવ્યું છે કે, સ્વતંત્રતા પછી પણ ભારતીય જનમાનસ ઉપર સાંપ્રદાયિકતા રૂપી ‘તમસ’ છવાયેલું છે. આ સમસ્યાને ખુબજ ઝીણવટપૂર્વક આ નવલકથામાં લેખકે વર્ણવી છે. ‘તમસ’ પોતાની અંદર રહેલ ‘અંધકાર’નું સાક્ષાત્કાર કરાવે છે. ‘તમસ’માં કોઈ કથા નથી અનેક નાની –મોટી ઘટનાઓનો સમુચ્ચય છે. ‘તમસ’નું પ્રકાશન ૧૯૭૩માં થયું ત્યારે અનેક સમિક્ષાઓ, ટીપ્પણીઓ, લેખો છપાયા.
લેખકે ‘તમસ’માં પોતાના અનેક સંસ્મરણોનું યથાર્થ વર્ણન કર્યું છે. તમસ સાચા અર્થમાં કુચક્રોની કથા છે જેણે સ્વાર્થની કુટનીતિની હદ વટાવી. ‘તમસ’ એ સમયનો પ્રાસંગિક દસ્તાવેજ રજૂ કરતી કાલંજયી કૃતિ છે.
પ્રા.તૃપ્તિબેન રંગપરિયા, મદદનીશ અધ્યાપક, (હિન્દી), સરકારી વિનયન કૉલેજ ભાણવડ, દેવભૂમિ દ્વારકા.
Prayas An Extension… Volume – 3, Issue 5, September – October : 2022 ISSN : 2582-8681