જીવનની માર્મિક પરિસ્થિતિનો આલેખ : ‘આવાગમન’

– પ્રા. ચાર્વી ભટ્ટ

          વ્યકિત જે રીતે માનવજીવનની ઘટમાળમાં જીવે છે, જે વિચારે છે તેના પાછળ તેનું મન અને સંજોગ જવાબદાર હોય છે. આ ઘટના જ માનવજીવન કે વર્તનને અલગ દિશામાં દોરે-પ્રેરે છે. વિજય શાસ્ત્રીના વાર્તાસંગ્રહ ‘આવાગમન’ની વાર્તાઓમાં પણ માનવવર્તણુક અને પરિસ્થિતિનો ચિતાર આપતી વાર્તા છે, જેમાં સર્જકે માનવીય મન, સંબંધને આકારિત કરવાનો પ્રયત્ન કર્યો છે.

          ‘આવાગમન’ વાર્તાસંગ્રહની ચૌદ વાર્તાઓમાંથી મોટાભાગની વાર્તા નવનીત સમર્પણમાં છપાઈ છે. આવાગમનની વાર્તા ‘જીવ તો બળે છે ને!’માં મા પિતાના મૃત્યુ પછી અસ્થિર થઇ ગઈ છે ગમે ત્યારે ગમે ત્યાં ચાલી જાય છે, પત્ની પાસે, પતિ તરીકે, પુત્ર મા વિશે બધું જ ઘસાતું સાંભળી લે છે ત્યારે જીવ બળતો જ હોય છે.પણ તે કશું બોલી શકતો નથી. પત્નીને માત્ર સાસુને આવતા ૮૬૩ ના પેન્સનથી જ મતલબ છે. જયારે પુત્ર મા ને રૂમમાં જ બંધ કરી દઈએ તો એ ક્યાય બહાર ન જાય એવી પત્નીની વાતથી દુ:ખી થાય છે. એ દુ:ખી પણ થઇ શકે છે એવી સભાનતા આવતા સુખ અનુભવે છે.

          ‘ભાર’માં પુત્રવધુના સ્વભાવને લીધે કચવાતા જીવે દીકરાને વિદેશ મૂકતા અરુણાબહેનને જીવ ચચરાય છે, બીજી બાજુ મોટા દીકરાને ત્યાં સીમંત પ્રસંગે કે બાળક આવે છે ત્યારે અરુણાબહેનને ન બોલાવતા પછીથી બાળક સાચવવાની તાણ જયારે ઉભી થાય છે ત્યારે મા ને અમેરિકા બોલાવે છે અને બીજી બાજુ નાના દીકરાની વહુને ત્યાં પણ બાળક આવે છે. લાગણીમાં અટવાતા અરુણાબહેનને સતત બંને દીકરા અને પુત્રવધુમાંથી કોનું વધારે રાખવું તે વિચારવાનો સતત ભાર લાગે છે.

          દીકરીમાં જ પોતાને જોતી રુકિમણીની દીકરી જ્યારે અન્ય છોકરાના પ્રેમમાં પડે છે ત્યારે એક દિવસ પતિ હિમતલાલ સાળાને ત્યાં નાની દીકરીને મૂકી દે છે. પરંતુ તે ત્યાંથી પણ બીજા સાથે ભાગી જાય છે અને એ છોકરાનું નામ પણ રમેશ છે ત્યારે રુકિમણીને તેનો ભૂતકાળ યાદ આવે છે. તેના પ્રેમીનું નામ પણ રમેશ જ હતું. અહી સર્જકે માના ભૂતકાળને દીકરીના ભવિષ્યને એક સાથે જોડી દઈ વાર્તારસને જમાવ્યો છે.

          ઘર નોકરીના આંટાફેરામાં જિંદગી ઢસડી નાખતા રમણીકલાલને નિવૃત્તિ પછી ગામડાના ઘરે જઈને રહેવાની ઈચ્છા છે પણ કોઈ ને કોઈ સંજોગે તે જઈ શકતા જ નથી. મન શરીર અને સંજોગ તેના સાથે સંતાકૂકડી જ રમે છે. ગામડાના ઘરે રમણીકલાલ જયારે જવા નીકળે છે ત્યારે પક્ષાઘાતના હુમલાથી જ શરીર સાથ છોડી દે છે ‘સંતાકૂકડી’માં અંતે તે કહે છે, “ આ બધું કઈ બે મિનીટમાં નહોતું થયું. ખાસ્સા લાંબા વખતથી ભેગું થયું હતું. આ તો હું જ મારા મન જોડે સંતાકૂકડી રમ્યા કરતો હતો. એક્કે વાર પકડાયો નહોતો. આ વખતે પકડાઈ ગયો.” (પૃ. ૫૨) આ વાકયથી સમજાય છે કે તે પોતાથી પણ ભાગતા હતાં. કદાચ નિર્ણયથી પણ.

          ભૂલ પછી પસ્તાવાનો શો અર્થ? એ વાતને સાર્થક કરતી વાર્તા એ ‘સ્વામી ચંદ્રકાંત’. અચાનક ચંદ્રકાંત સુખની માયા છોડવાના પ્રયત્નો કરે છે એ વસ્તુનો સામનો કરે છે અને તેની પત્ની તેની સાથે રહીને કોઈ પણ નિયમ વગર બધું જ સુખ અને માયા છોડી દે છે,પત્નીના મૃત્યુ પછી ચંદ્રકાન્તને ખબર પડે છે કે પત્નીએ તો ભાવતી મીઠાઈથી માંડીને કેટકેટલું ત્યાગ્યું છે, સહજતાથી. ખબર પડવા પણ ન  દીધી અને પોતે બધું છોડવા મિથ્યા પ્રયત્નો કર્યા એ વાતની પ્રતીતિ થતા એ કહે છે, “સુખી થવા આદરેલા ઉપાયોનું સ્મરણ જ દુઃખી કરતુ હોય છે.” (પૃ.૬૫) ચંદ્રકાંતને પાછુ સંસારમાં વળવું છે પણ હવે તો ઘણું મોડું થઇ ગયું હોય છે.

‘આવાગમન’ વાર્તામાં મૃત માતાની જગ્યા ઓરમાન મા કઈ રીતે લઇ લે છે એની વાત છે. અહી મા નું મૃત્યુ નવી મા તરીકે આવતી સ્ત્રીના આગમનનું કારણ બને છે. વાર્તામાં ઘુંટાતો લાઘવ વાર્તાકારને ઉણો ઉતારે છે. ‘ક્ષય’માં રમીલાને જયારે ક્ષય થાય છે ત્યારે હસમુખને અંકિતા પ્રત્યે અનુભવાતું આકર્ષણ માનવીય વૃત્તિનું દ્યોતક બને છે. ‘ગંગા નાહ્યા’ વાર્તામાં કાકાને બીમારીને લીધે ઘરમાં ગોંધાઈ રહેવું પડે છે એનું દુ:ખ છે, બહાર જતા કાકી અને ઘરના સભ્યો તૈયાર થયા ત્યાં તો કાકાની તબિયત બગડે છે. બોલી કઈ ન શકે પણ સાંભળે સમજે બધું. પત્ની, પાડોશી,પુત્રવધુની વાતો સાંભળતા પથારીમાં પડ્યા પડ્યા કાકાને થાય છે કે ખરેખર તો મારી અહી બધા ચિંતા કરે છે એટલે ‘ગંગા નાહ્યા’. આ વાર્તામાં નિબંધ સાથે કથાનું મિશ્રણ છે.

‘એક દા’ડાનો ફેર’ અને ‘બાબુજી ધીરે ચલના’માં કેન્દ્રમાં મૃત્ય છે. બાબુ જે છોકરીને પ્રેમ કરે છે એની સગાઇ થવાની છે એ વાતની જાણ થતા જ તળાવમાં આપઘાત કરી લે છે. ‘એક દા’ડાનો ફેર’માં આપઘાત કરતો મોહન એક દિવસ પહેલા રમીલાને પામી અને મૃત્યુથી મુખોમુખ થતા બચી જાય છે. આ બંને વાર્તા પ્રેમમાં મૃત્યુનો આભાસ રચી બતાવે છે.

‘આવાગમન’ સંગ્રહની દરેક વાર્તામાં ‘રુકિમણી હિમતલાલ દવે’ વાર્તાને બાદ કરતાં મોટેભાગની વાર્તામાં પુરુષ કથનકેન્દ્રમાં છે. પુરુષની આપવીતી અને વૈચારિક માનસની આજુબાજુ ગુંથાયેલું કથાવસ્તુ સર્જકની પ્રતિભાને વાર્તામાં ખરી ઉતારે છે. ‘અંતે શું થશે?’ એ પ્રશ્ન સાથે ભાવક વાર્તામાં જોડાયેલ રહે છે. ઉતાવળે લેવાતા નિર્ણય, ભૂતકાળ, રોજબરોજની ઘટમાળ, મૃત્યુની કલ્પના આ કથાવસ્તુના કેન્દ્રસ્થ વિષય છે. આ કારણે માનવીય જીવનની પરિસ્થિતિનો માર્મિક ચિતાર સર્જકે હસતા હસતા વાર્તાની ગૂંથણીથી આપ્યો છે.

સંદર્ભ : ૧. આવાગમન , લે. વિજય શાસ્ત્રી, પ્ર.આ :૨૦૦૮, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ

પ્રા.ચાર્વી રાજેશ ભટ્ટ, અધ્યાપક, શ્રીમતિ નિરંજના પંકજ મહેતા મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ.

પ્રયાસ An Extension… (A Peer Review Literary E- Journal) Volume 3, Issue 6, November-December: 2022