જિંદગીનામા : આસ્વાદ

–ડો. તૃપ્તિ જે. રંગપરિયા

 જિંદગીનામાં 1980 માં હિન્દી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કૃષ્ણા સોબતીની નવલકથા છે. સ્વાતંત્ર્યોતર કાળમાં હિન્દી મહિલા નવલકથાકારોમાં કૃષ્ણા સોબતી નું નામ ટોચનું માનવામાં આવે છે. આધુનિક ખુલ્લા વિચારો અને પંજાબી મસ્તીથી ભરપૂર લેખનના ધની કથા લેખિકા કૃષ્ણા સોબતી નો જન્મ પંજાબનું શહેર ગુજરાત જે અત્યારે પાકિસ્તાનની હદમાં છે ત્યાં 18 ફેબ્રુઆરી 1925 માં થયો હતો. તેમની શિક્ષા દીક્ષા લાહોર,સીમલા અને દિલ્હીમાં પૂર્ણ થઈ.

 કૃષ્ણાજી સ્વભાવે મોફાટ, સ્વચ્છંદ,ફકકડ અને ગજબની નીડર નારી હોવા છતાં તેમના વ્યક્તિત્વમાં સાદગી અને સરળતા હતી. એક બાજુ લેખન અને જીવનમાં દબંગ છે તો બીજી બાજુ આચાર વિચારમાં અભંગ. કૃષ્ણાજીમાં સુભદ્રા કુમારી ચૌહાણની રાષ્ટ્રીય ભાવના, મહાદેવી વર્મા ની આત્મવેદના અને મનુ ભંડારીની નારીભાવનાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. એમની નવલકથાઓમાં પ્રેમચંદની સામાજિકતા, યશપાલની વિદ્રોહવૃત્તિ અને રેણુની પ્રાદેશિકતા નો સમન્વય દેખાય છ. આ બધા ગુણોનો  દર્પણ છે એમની નવલકથા જિંદગીનામાં…

 જિંદગીનામાં નવલકથામાં કોઈ કોઈ જગ્યાએ નારી જીવનના વિભિન્ન પાસા વર્ણીત છે. તો કોઈ જગ્યાએ પંજાબી જીવનના ક્ષેત્રિય રંગથી રંગાયેલા દ્રશ્યો. જિંદગીનામાં નવલકથામાં લોક આસ્થા, રૂઢિઓ,  પરંપરા, રીતિ -રિવાજો, તહેવાર, ઉત્સવ, ગીત નૃત્ય વગેરેનું સુંદર ચિત્રણ છે. સંબંધોની પવિત્રતા અને સદભાવ ગ્રામ્ય પરિવેશ માં ઉદ્ઘાટિત કરવામાં આવ્યું છે. કૃષ્ણાજી એ ગ્રામ્ય પરિવેશમાં થઈ રહેલા પરિવર્તનને પણ રેખાંકિત કર્યું છે. જિંદગીનામાં પંજાબ ક્ષેત્રની પ્રાદેશિક વાતાવરણની કથા છે. 20 મી શતાબ્દીની શરૂઆતથી બીજા વિશ્વયુદ્ધ વચ્ચેના અખંડિત પંજાબ પ્રદેશ ના ગ્રામીણ જીવનને કૃષ્ણા સોબતીએ કથા વસ્તુના રૂપે ગ્રહણ કરેલ. પૂરી નવલકથામાં લેખિકાએ  ખેડૂતોની દુઃખ, પીડાઓ વર્ણવી છે. લેખિકાનું માનવું છે કે સામાજિક સંઘર્ષ નું કારણ એ સમયે દેશમાં ઘટીત ઘટનાઓ  છે. તત્કાલીન સમય અને ઘટનાઓ ને આધાર બનાવી પાત્રોના માધ્યમથી સુંદર કથા સૂત્ર  પ્રસ્તુત કરી પંજાબ ક્ષેત્રની ઝાંખી પ્રસ્તુત કરી છે. લોક ભાષા અને લોક બોલીઓનો ધારા પ્રવાહ પૂરી નવલકથાનું સશક્ત પાસું છે.

        જિંદગીનામાં નવલકથા પંજાબ પ્રદેશના ડેરા જટ્ટા ગામમાં વસતા હિન્દુ મુસ્લિમ અને શીખ સમુદાયની જિંદગીનું સજીવ  ચિત્રણ આ નવલકથાનો આધાર છે. કથાના પ્રારંભમાં સાહજીના પરિવાર ની કથા છે. જે ગામમાં બહુ પ્રતિષ્ઠિત છે અને ગામનો જમીનદાર છે. પંજાબી લોકોમાં  લડાઈ, સ્ત્રીઓમાં સોતિયાડાહ, પ્રતિશોધ,હત્યા, જમીન સંપત્તિના પ્રશ્નોનું ખૂબજ ઝીણવટ પૂર્વક વર્ણન કરી પંજાબ પ્રદેશની જીવનશૈલી રૂઢિઓ- અંધવિશ્વાસ, પરંપરાઓનું ખંડન કરી પ્રગતિશીલ વિચારની પ્રેરણા લેખિકા નું ધ્યેય છે.

       જિંદગીનામાં નવલકથાના પ્રારંભમાં લેખિકાએ પંજાબના ભવ્ય વૈભવશાળી ઇતિહાસનું ગૌરવ ગાન એક લાંબી કવિતાના માધ્યમથી કરેલ છે. પ્રેમ આ નવલકથાનો મુખ્યબિંદુના રૂપમાં છે. પંજાબી લોકોના જીવનમાં પ્રેમ જે પ્રકારે ભળ્યો તેનું હૃદય સ્પર્શી ચિત્રણ પાત્રોની કથાઓના માધ્યમથી વર્ણીત થયેલ છે. કૃષ્ણાજી એ નવલકથામાં  પંજાબના ડેરા જટા ગામમાં વસતા ત્રણ સમુદાય હિન્દુ ,સીખ, મુસ્લિમ ની એકતા એમની દિનચર્યાનું સુંદર વર્ણન કરી અખંડિત ભારતની ઝાંખી પ્રસ્તુત કરી છે. લેખિકાએ નવલકથામાં લોકોની પાયાની સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો છે. પાંચ નદીઓથી ઘેરાયેલો  પંજાબ પ્રદેશ હરિયાળી થી ભરપૂર છે. ખેતીવાડીને અનુકૂળ વાતાવરણ હોવા છતાં પંજાબના મોટાભાગના ખેડૂતો ગરીબ છે. ગરીબી નું કારણ જમીનદારોનું  શોષણ છે.ખેડૂતોની તનતોડ મહેનતથી પંજાબ ધનધાન્યથી સંપન પ્રદેશ બન્યો છે પણ ત્યાંના ખેડૂતો ગરીબીથી ઘેરાયેલા છે. ખેડૂત દેવાના બોજમાં દબાયેલો પેઢી દર પેઢી ગુલામીમાં જીવન વિતાવે છે. નવલકથામાં મોહમ્મદિન ની નજરમાં સુવરની નસલ વાળું આ દેવું કીડીની ચાલ થી હાથી બનતું જાય છે. શાહજી  પાસેથી  લીધેલું દેવું દિવસે બમણું અને રાત્રે ચાર ગણું થતું જાય છે ભટ્ટી નું કેવું છે કે ઢોરઢાખર તો ક્યારેક વાછરડું વાછરડો આપે છે પણ ઉધાર નું વ્યાજ દિવસ રાત વધતું જ જાય છે. દેવામાં દબાયેલા ખેડૂતો ધીરે ધીરે ભૂમિહીન મજુર બની જાય છે શાસન દ્વારા ગ્રામીણ ખેડૂતોની એકતાને તોડવાના પ્રયાસો, ષડયંત્રો કરવામાં આવ્યા. ખેડૂતોમાં મોટાભાગે મુસલમાન હતા. મહાજન સાહુકાર મોટાભાગે હિન્દુ હતા. આર્થિક સ્તરનો ભેદભાવ ધર્મ આધારિત પણ માનવામાં આવ્યો.

          જિંદગીનામાં નવલકથા પંજાબની જનતાના અનવરત જીવન સંઘર્ષની કથા છે અહીં પંજાબ વિભાજનથી ઉત્પન્ન ભયાનક સ્થિતિઓનું વર્ણન પણ કર્યું છે આર્થિક અસમાનતાથી ઉત્પન્ન થયેલી સમસ્યાઓ ધર્મના હસ્તક્ષેપથી વધારે વિકરાળ બની પવિત્ર ચીનાબ અને જેલમ નદીમાં મનુષ્યના રક્ત વહેતા જોઈ પોતાની જન્મભૂમિ છોડીને જતા મજૂર પંજાબીઓના હૃદયની પીડા કૃષ્ણજી એ મર્મસ્પર્શી ઢંગે વર્ણવી છે. ધર્માંધતા અને સાંપ્રદાયિકતાનો આસરો લેનારી શોષણ વ્યવસ્થાની પોલ ખોલવાનો પ્રયાસ લેખિકાએ કર્યો છે કૃષ્ણાજી એ નવલકથાના માધ્યમથી દૃષ્ટિગત કર્યું છે કે પીડાઓ અને યાતનાઓના આ ભયંકર સમયમાં પણ માનવીય પ્રેમ પૂર્ણ રૂપે નષ્ટ નથી થયો. ‘જિંદગીનામાં’ નવલકથા પંજાબના વર્તમાન યથાર્થ ની સાથે અતિત ના વૈભવને ઉદ્ઘાટિત કરે છે.અવિભાજિત ભારતમાં પંજાબની કૃષક સંસ્કૃતિ, મહાજની વ્યવસ્થા, હિન્દુ- મુસ્લિમ સંબંધ,રાગ- દ્વેષ,પ્રેમ,આદર,સત્કાર વગેરે માનવીય આચાર વિચારને પંજાબી શૈલીમાં પ્રસ્તુત કરવાનો સફળ પ્રયાસ છે. જિંદગીનામાં

         ધર્માધારિત વિભાજન ભારતમાં હિન્દુ -મુસ્લિમ વૈમનસ્યનું કારણ બન્યું. આવા વિકરાળ વિભાજનના યથાર્થ કારણો શોધવાનો પ્રયાસ છે જિંદગીનામાં. નવલકથામાં કૃષ્ણા સોબતીએ પોતે પોતાના મનોભાવો વ્યક્ત કર્યા છે જે એમના જીવનના આદર્શો છે જિંદગીનામાં એક એવા ઘરની કથા છે જે પંજાબની ભૂમિ પર વસેલું છે. પંજાબની પ્રાકૃતિક શોભા સ્વર્ગ ને ભુલાવે એવી છે. ગ્રામીણ પરીવેશ lની છટ્ટાનું ઉત્તમ ઉદાહરણ છે જિંદગીનામાં નવલકથા. માનવીય સ્વતંત્રતા અને રૂઢિઓ પ્રત્યે વિરોધ આ નવલકથાની વિશેષતા છે

  ડૉ તૃપ્તિ.જે.રંગપરિયા, મદદનીશ પ્રાધ્યાપક હિન્દી, સરકારી વિનયન કોલેજ,ભાણવડ, જીલ્લો દેવ  ભૂમિ દ્વારકા