જવું પડે બધાએ ફેરા ફરી ફરીને ,
નાહક મથી રહ્યા છો ફૂલો ધરી ધરીને.
કાગળ ઉપર કલમથી મુઠીક શબ્દ વેર્યા ,
અર્થો લણ્યા પછી મેં ગંડા ભરી ભરીને.
રાખ્યા’તા સર્વ રસ્તા ખુલ્લા મેં જિંદગીના,
માયા બધી જતી રહી ઘરમાં ફરી ફરીને.
શંકા નથી મને પણ પાપી ગણો છો એમાં,
પુણ્યો કરેલ છે મેં જલસા કરી કરીને.
મારો એ જીવ જાણે કે થઈ ગયો યુધિષ્ઠિર,
કે જે નથી જવું ત્યાં સ્વર્ગે મરી મરીને.