છોડીને આવ તું : ડો. વિરેન પંડયા

ગુજરાતી સાહિત્યમાં ખૂબ મોડો મોડો જેનો સ્વીકાર થયો, એ સાહિત્ય-સ્વરુપ ગઝલ આજે ગુજરાતી સાહિત્યનું સૌથી વધુ વંચાતું અને સર્જાતું સાહિત્ય સ્વરુપ બન્યું છે. જો કે હજી કેટલાક સાહિત્યકાર વડીલોનો ગઝલ પ્રત્યેનો અણગમો અકબંધ રહ્યો છે. પણ છતાં ખૂબ તટસ્થપણે એ માન્યા વગર નહિ ચાલે કે ગઝલ સ્વરુપ કવિતાના ઉચ્ચ શિખરો સર કરવામા સફળ રહ્યું છે. એની સાબિતી છે – ગુજરાતી ભાષા-સાહિત્યના વિવિધ સામયિકોના લગભગ પ્રત્યેક અંક્મા અચૂક છપાતી ગઝલો. આવી ગઝલના જાણકાર કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના ગઝલસંગ્રહ ‘છોડીને આવ તું’સંદર્ભે ગઝલ અને ગઝલકારને સમજવાનો એક નમ્ર પ્રયાસ, ચાલો આપણે પણ બધું છોડીને કરીએ.

આપણે એક એવા ગઝલકારની વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેને મા પછી કોઈ બીજો શબ્દ પોતીકો લાગ્યો હોય, તો એ ગઝલ છે. એમણે પોતે લખે છે, તેને ગઝલ કહેવાય એવી સભાનતા વિના જ છઠ્ઠા ધોરણમાં ભણતા ત્યારથી લખવાનું શરુ કરી દીધેલું ! આપણને સહજ જ આપણા મધ્યકાલીન ભક્તકવિઓ યાદ આવી જાય છે. એ કવિઓએ તો ઇશ્વર-ભક્તિના ભાવથી લખ્યું હતું, જે પછીથી ઉત્તમ કવિતાઓ ઠરી ! ‘મિસ્કીન’દસમા ધોરણમાં હતા ને સાહિત્ય પરીષદમાં ગઝલકાર ગની દહીવાલાને મળવાનું થયું. તેમને પોતાની રચના બતાવીઅને ગની દહીવાલાએ મહોર મારી કે, ‘છોકરા, આ તો સરસ ગઝલ લખી છે…’ત્યારે પોતે લખે છે, તે ગઝલ કહેવાય એવી ‘મિસ્કીન’ને ખબર પડી. ને પછી તો તેઓ ગઝલ લેખન અને સ્વરૂપ બંને ક્ષેત્રે ઊંડા ઉતરતા ગયા. ગુજરાતી ગઝલકારોનો અભ્યાસ કર્યો અને અકાદમી મારફતે ‘ગઝલવિશ્વ’નામનું નવોદિત ગઝલકારોને પોષતું-ઘડતું ત્રૈમાસિક પણ ચલાવ્યું. એક સમયે પોતે લખે છે, તેવી સમજ બીજા પાસેથી મેળવતા ‘મિસ્કીન’, અનેક નવોદિતોને ઉત્સાહથી આવકારે છે, પ્રોત્સાહે છે અને ટપાલ મારીને ટકોરાબંધ પણ કરે છે. એવા સાંગોપાંગ ગઝલમય ગઝલકાર ‘મિસ્કીન’ની ગઝલોને મમળાવીએ-માણીએ.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’મુશાયરામાં હોય કે પુસ્તકના પાનાં પર તરત આપણા પોતીકા  લાગવામાંડે એવા સર્જક છે. બે જ પંક્તિમાં આપણને એની સાથે વર્ષોની ઓળખાણ હોય એવી રીતે જોડી દેવાનીતાકાત એમની કલમમાં છે. આ સંગ્રહની પ્રથમ ગઝલ જ જુઓ :

તારું કશું ન હોય તો છોડીને આવતું,

                                તારું જ બધું હોય તો છોડી બતાવ તું.[1]

               કેટલી સરળ શૈલી ! અને વાત ? ગ્રંથોના ગ્રંથો ભરાય એવડી મોટી. ગઝલના શેરમાં રહેલી ક્ષમતાને આ કવિ જાણે છે અને એ ક્ષમતાઓ સિદ્ધ કરવાનો કસબ પણ એ સુપેરે પ્રયોજી શકે છે. કોઈ પણ કૃતિમાં અનિવાર્ય એવી સરળતા-સહજતા અને છતાં વિષયનું ઊંડાણ ‘મિસ્કીન’ની મોટા ભાગની રચનાઓમાં માણવા મળે છે.

કવિની કાવ્યલેખનની પ્રવુત્તિ એ માત્રશબ્દરમત નથી પણ પોતાની જાતને શોધવાની મથામણ છે. અને જ્યારે આપણી જાતથી આપણે પરિચિત થઈ જઈએ, પછી કોઈ ઓળખ અજાણી નથી રહેતી. પણ શોધવા માટે કોઈ ચીજ ખોવાઈ છે , એ ખબર પડવી જરૂરી છે. એ સભાનતા જ જીવનને એક લક્ષ્ય આપે છે. ‘મિસ્કીન’ના શબ્દો જ માણીએ :

હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,

હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.[2]

આ માણસમાત્રની સમસ્યા છે. પોતે માણસ છે -એ ઓળખ એ ગુમાવી બેઠો છે. એ હિંદુ છે, મુસલમાન છે; ડોક્ટરછે, વકીલ છે; ગરીબ છે , અમીર છે, પણ માણસ છે ? એ પ્રશ્ન માણસને થતો જ નથી. અને એથી જ એ પ્રશ્નમાં છુપાયેલા જવાબમાં રહેલું મનુષ્યત્વ એ દિવસે દિવસે ગુમાવતો જાય છે.

એક સર્જક તરીકે ‘મિસ્કીન’આ બધી વિસંવાદિતાથી ખળભળી ઊઠે છે. આખું જગત જ્યારે ચકરડીએ ચડ્યું હોય ત્યારે કોઈ એક વ્યક્તિ એને કેમ અટકાવી શકે ? એટલે જ કવિ બધાને પોતાની સાથે જોડે છે, બધાની મદદ માંગે છે. અને મદદમાં વિશેષ કંઈ નથી કરવાનું, ફક્ત એક વખત એ વાતને નજરઅંદાજ ન કરીએ તોય ઘણું શાંત થઈ જાય. તેથી જ માત્ર એક વાર આગ ઠારવાની દ્રષ્ટિએ આગ જોવાનું કવિ સૂચવે છે:

સળગે બહારઅન્દર આ આગ કોઈ ઠારો,

ડોકાઈને ઘડીભર આ આગ કોઈ ઠારો.[3]

અંદર અને બહાર સળગતી આગ પાણીથી નહી બુઝાય, દાનતથી બુઝાશે.ને એ માટે બળની નહી, હિંમતની જરૂર હોય છે. ‘મિસ્કીન’એટલે તો કહે છે:

બળથી ઝાઝી હિમ્મત કર,

પછી નિરાંતે દરિયો તર.[4]

‘વતન ગુચ્છ’શીર્ષક્ની છ ગઝલોમાં આપણને કવિ તેમના વતનની લટાર મરાવે છે. એ આપણા માટે ‘મિસ્કીન’છે, પણ પોતાના વતન માટે તો એ ‘રાજીયો’-‘રાજુડો’જ છે. અને બહુ સભાનપણે તેઓ ત્યાં કોઈ ઉપનામ પહેરીને જવા નથી માગતા. અને એક જ શેરમાં એ આપણને ગામમાં રમતા ‘રાજુડા’ને તાદૃશ્ય કરી આપે છે;

કૈં કડબ, કુંવળ અને રાડાનું ગામ,

ગોઈઢલે રમતા એ રાજુડાનું ગામ.’[5]

આ ગઝલોમાં પ્રયોજાયેલા કડબ, કુંવળ રાડા જેવાં તળબોલીના શબ્દો, તેમાં નિરૂપાયેલો પરિવેશ, વતન માટેનો સર્જકનો અનુરાગ – ભાવકને પણ પોતાના ગામ જવાની હઠ કરાવે તેવો છે.

કવિતા હોય અને પ્રણયની વાત ન આવે તે કેમ બને ? અહી પણ કેટલીક ગઝલોમા એ વિષય નિરૂપાયો છે. મિલન કરતા વિરહ કવિઓને વધુ આકર્ષે છે, કેમ કે મિલનનો બીજો છેડો વિરહ છે. જ્યારે વિરહનો અંત નિશ્વિતપણે મિલન જ છે. વિરહનો પણ એક અનોખો રોમાંચ હોય છે, પ્રિયપાત્રને મળવાની તડપમાં અટકળો કરીને વ્યાકુળ થઈ ગયેલા એક પ્રિયજનની વ્યાકુળતા જુઓ:

કેટલીને ક્યાં લગી કરવી હજુ અટકળ સજનવા,

કાં હવે આવો કાં તેડાવો લખી કાગળ સજનવા.[6]

ઇન્ટરનેટ અને વોટ્સઅપના જમાનામાં પણ આ કાગળ લખીને તેડાવવાની વાત એવી ને એવી જ  તરોતાંજાને રોમાંચક લાગે છે.

‘મિસ્કીન’ગઝલના છંદશાસ્ત્રને સારી રીતે જાણે છે. પણ એને મન શાસ્ત્ર કરતાં સર્જન વધુ મહ્ત્વનું છે. કવિતાને કવિતા બનતા અટકાવે તેવા કાવ્યશાસ્ત્રને વળગી રહેવા નથી માગતા.એટલે જ ગઝલના દરેક શેરમાં અનિવાર્યપણે એક સમાન આવતા રદીફને પણ તેઓ કાવ્યોચિત ન લાગતા, સમજીને બદલે છે. છંદોને આત્મસાત કર્યા પછી, છંદનું બંધન ફગાવી દેનારા બહુ ઓછા સર્જકોમાંના ‘મિસ્કીન’એક છે.

‘આમ’એવા એક શબ્દને કેંદ્ર બનાવીને બે સુંદર ગઝલો આ સંગ્રહમાં છે એક શેર જોઈએ :

આમ નહિ પણ આમ,નાના આમ, ના રે આમ છે,

બાર ગઉ પહેલાં જ બોલી સાથ બદલાતું બધું.’[7]

એક ‘આમ’શબ્દ કવિના સ્પર્શથી કેવો ‘ખાસ’બની શકે તેનો આ નમુનો છે. પરંપરાગત શબ્દો કે અર્થોની તો અહીં સુંદર ગઝલો મળે જ છે, પણ સર્જક્ને ભાષાના ક્રિયાપદો ઓછાં પડે ત્યારે તે નવા ક્રિયાપદો ઉપજાવવા પણ તૈયાર જ છે. અને નવા ન લાગે એ રીતે ‘નવા ક્રિયાપદોની ગઝલ’આ સંગ્રહનો હિસ્સો બને છે :

પ્રથમ મેઘ જેવું આ તારું ખબરવું,

ફરી એક વગડાનું પૂંઠે પગરવું[8]

આ‘ખબરવું’, ‘નગરવું’, ‘બજરવું’જેવા ક્રિયાપદોના અર્થો શબ્દકોશમાં નહિ મળે, પણ હદયકોશમાં એ તરત ઘર કરી લેશે. આટલી ઊંડી ગઝલની સમજણ સાથે ગઝલ સાથે કામ પાડનારા આ સર્જક માત્ર સમજણથી નહિં, નિસ્બતથી ગઝલ સર્જે છે. પોતાનામાં રહેલી કચાશને દૂર કરવા એ હંમેશા જાગતો સર્જક છે. પોતાની સમજણને સંગોપવા તત્પર સર્જક જ ઈશ્વરને પણ કહી શકે કે :

કાચો છું તો સમજણ આપ,

કાં તો પાછું બચપણ આપ.[9]

કેટલાક ઉત્તમ ગુજરાતી શેરોમાંનો આ ટૂંકી બહરનો શેર વારંવાર મમળાવવો ગમે એવો છે. સંગ્રહના અંતે થોડા ગીતો પણ મુકાયા છે,પણ અહી આપણે ગઝલકાર ‘મિસ્કીન’ની જ વાત કરીએ છીએ, એટલે ગીતો પછીઅલગથી માણીશું.

અમુક ગઝલોમાં હજી વધુ શક્યતા દેખાય છે, ઓછી ઘૂંટાઈ હોય એવું લાગે છે. એટલે જ શ્રી હર્ષદ ત્રિવેદીએ પણ આ સંગ્રહના પ્રાગટય વખતે આવી ઇચ્છા વ્યક્ત કરી છે કે, “ઇચ્છીએ છીએ કે, રાજેશ વ્યાસનો રજળપાટ આવનારા વર્ષોમાં વધુ ઝળહળતી ગઝલો લઈને આવે”[10] પણ પ્રસ્તાવનામાં સર્જકે સ્પષ્ટતા કરી છે કે, “આટલા વર્ષોમાં ગઝલનું સર્જન સંખ્યાની દૃષ્ટિએ વિપુલ માત્રામાં કહી શકાય, પરંતુ આ સંગ્રહમાં મૂકેલી ગઝલો મારે માટે એક વિશિષ્ટ મૂલ્ય ધરાવે છે. તે છે તેની સર્જનપ્રક્રિયાનું અને આથી જ આ ગઝલોને પહેલી પસંદ કરી છે.”[11]  એટલે સાભિપ્રાય જ સર્જકે અ સંગ્રહની ગઝલો પસંદ કરી છે. એમને પરિણામમાં નહિ,પ્રક્રિયામાં રસ છે. અને એ જ કારણે આ સંગ્રહ નવોદિતો માટે માર્ગદર્શનરૂપ બને એવો છે. આશા રાખીએ કે , આપણા આ‘મિસ્કીન’નો રઝળપાટ ક્યારેય ન શમે, અને એ રખડવાનો આનંદ ગઝલ રૂપે સતત ગુજરાતી કવિતાને સમ્રુદ્ધ કરતો રહે.

સંદર્ભ :

પ્રત્યક્ષ’-જુલાઈસપ્ટેમ્બર : ૨૦૦૭

છોડીને આવ તું’– રાજેશ વ્યાસ મિસ્કીન‘(પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ)


[1]પૃ.-૧છોડીને આવ તું’–રાજેશ વ્યાસ મિસ્કીન’(પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિરઅમદાવાદ) દ્વિતીય આવૃત્તિ : ૨૦૧૪

[2]પૃ.-છોડીને આવ તું’–રાજેશ વ્યાસ મિસ્કીન’(પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિરઅમદાવાદ) દ્વિતીય આવૃત્તિ : ૨૦૧૪

[3]પૃ૧૬છોડીને આવ તું’–રાજેશ વ્યાસ મિસ્કીન’(પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિરઅમદાવાદ) દ્વિતીય આવૃત્તિ : ૨૦૧૪

[4]પૃ.-૨૩છોડીને આવ તું’–રાજેશ વ્યાસ મિસ્કીન’(પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિરઅમદાવાદ) દ્વિતીય આવૃત્તિ : ૨૦૧૪

[5]પૃ.-૨૮છોડીને આવ તું’–રાજેશ વ્યાસ મિસ્કીન’(પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિરઅમદાવાદ) દ્વિતીય આવૃત્તિ : ૨૦૧૪

[6]પૃ.-૨૮છોડીને આવ તું’–રાજેશ વ્યાસ મિસ્કીન’(પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિરઅમદાવાદ) દ્વિતીય આવૃત્તિ : ૨૦૧૪

[7]પૃ.-૪૨છોડીને આવ તું’–રાજેશ વ્યાસ મિસ્કીન’(પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિરઅમદાવાદ) દ્વિતીય આવૃત્તિ : ૨૦૧૪

[8]પૃ.-૪૪છોડીને આવ તું’–રાજેશ વ્યાસ મિસ્કીન’(પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિરઅમદાવાદ) દ્વિતીય આવૃત્તિ : ૨૦૧૪

[9]પૃ.-૫૭છોડીને આવ તું’–રાજેશ વ્યાસ મિસ્કીન’(પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિરઅમદાવાદ) દ્વિતીય આવૃત્તિ : ૨૦૧૪

[10]સમીક્ષાછોડીને આવ તું’–રાજેશ વ્યાસ મિસ્કીન’–હર્ષદ ત્રિવેદી (પ્રત્યક્ષ’-જુલાઈસપ્ટેમ્બર :૨૦૦૭)

[11]પૃ.-૫છોડીને આવ તું’–રાજેશ વ્યાસ ‘મિસ્કીન’(પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર-અમદાવાદ) દ્વિતીય આવૃત્તિ : ૨૦૧૪

ડૉ. વિરેનકુમાર ય. પંડ્યા : ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કૉલેજ -ગઢડા(સ્વા.), જિ. બોટાદ-૩૬૪ ૭૫૦.