ભારતીય ભાષાઓમાં મલયાલમ ભાષા તરફ આપણા વાચકોનું ધ્યાન બહુ ઓછું આકર્ષાયું હોય એવું લાગે છે. અહીં મલયાલમ ભાષામાં લખાયેલી એવી એક નવલકથા વિશે ચર્ચા કરવાનો ઉપક્રમ છે. તકષી શિવશંકર પિળળાકૃત ‘ચેમ્મીન’ નવલકથામાં સમાજના રીતિરિવાજો અને માન્યતાઓને વળગી રહેલા પાત્રો છે તો વળી એ જ માન્યતાઓ કે પરંપરા સામે આક્રોશ કરતો ચેંબન કુન્ય પણ છે.
પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવા મૂળ બે ભાગમાં લખાયેલી આ નવલકથાને ગુજરાતીમાં લાવવાનો યશ કમલ જસાપરાને ફાળે જાય છે. ગુજરાતને પણ ૧૬૦૦ મીટરનો લાંબો દરિયાકિનારો છે. આપણે ત્યાં સાહસકથાઓ મળે છે. વેપાર અર્થે આપણી પ્રજા દૂર દૂર દરિયાઈ સફર ખેડીને જાય છે તેની કથાઓ મળે છે. પણ સામાજિક રીતિરિવાજો કે માન્યતાઓને કે પછી આ દરિયાકાંઠાને કેન્દ્રમાં રાખીને લખાયું હોય એવું ખાસ સાહિત્ય મળતું નથી. એની સામે કેરળના દરિયા કિનારે વસ્તી કળાપ્રેમી પ્રજાના સામાજિક રીતિરીવાજો અને માન્યતાઓને ઉજાગર કરતી સરસ કૃતિ આપણને ‘ચેમ્મીન’ મળી આવે છે.
માછીમારના જીવન સાથે જોડાયેલી આ કથા છે માછીમારના જીવનનો સંઘર્ષ અહીં કેન્દ્રસ્થાને છે. એક રીતે જોવા જઈએ તો ‘ચેમ્મીન’ નવલકથા એ પ્રણયકથા છે. પ્રણયકથાની સાથે લેખકે સામાજિક ગૂંફન ખૂબ બારીકાઇથી કર્યું છે. અહીં કથાના મુખ્ય બે પાત્રો કરુત્તમ્મા અને પરીકુટ્ટીના પ્રણયની કથા શરૂઆતની કથાનો ભાગ રોકે છે. અહીં કરુત્તમ્મા અને પરિકૃટ્ટીના પ્રેમની કથા તો નિમિત માત્ર જ લાગે છે. અહીં એ પ્રેમકથા નિમિત્તે લેખક માછીમારોના જીવનની કથા આપણી સમક્ષ મૂકી છે.
આ પ્રદેશમાં સમાજમાં કચડાયેલા વર્ગો પ્રત્યે સહાનુભૂતિ અને ઉચ્ચવર્ગની વિડંબના પહેલેથી જ જોવા મળે છે. અહીંના સમાજમાં ખિસ્તી અને ઇસ્લામધર્મી પાત્રો અવારનવાર દેખા દે છે. આ નવલથામાં પણ આપણે જેને કથાનાયક કહીએ છીએ તે પરીકુટ્ટી મુસલમાન છે. તેમના પિતા સાથે તે દરિયાકિનારે વેપાર કરવા આવ્યો છે. કથાની નાયિકા છે કરુત્તમ્મા. જે માછીમારની દીકરી છે. લેખકે શરૂઆતમાં આ બંને પાત્ર વચ્ચે પ્રણય થતો બતાવ્યો છે પરંતુ એ બંનેના પ્રણય વચ્ચે સામાજિક માન્યતાઓ એ અંતરાય રૂપ બને છે. નાયક મુસલમાન છે અને નાયિકા માછણ છે એટલે એ બંનેના લગ્ન થઈ શકે નહીં. માટે લેખકે ખૂબ બારીકાઈથી કથાને જુદી દિશામાં વાળી છે.
આ નવલકથાની વસ્તુસંકલનાની વાત કરીએ તો અહીં બાળપણની મૈત્રી, પરસ્પર દુશ્મનાવટ રાખતા કે કોઈક રીતે પોતાનું જ સારું ઇચ્છતા પાત્રો, અલગ અલગ બે સમાજના સંતાનો વચ્ચે પ્રેમ, બે પ્રેમીઓના મિલન આડે અંતરાયરૂપ બનતા મા-બાપ કે અમુક અંશે સામાજિક પરિબળો, દ્વેષીલો પતિ અને પત્ની વફાદાર હોવા છતાં તેના ઉપર મુકાતો આરોપ, સાવકી મા અને પુત્રી…. વગેરે જેવી અનેક બાબતોને કેન્દ્રમાં રાખીને લેખકે કથાને જોડી છે.
આપણે ત્યાં દરિયાને દેવ તરીકે માનવામાં આવે છે. ત્યારે આ પ્રજાતિ દરિયામાતા તરીકે ઓળખે છે. એમને ત્યાં એવી માન્યતા છે કે જ્યાં સુધી કાંઠા ઉપર રહેલી માછણ પોતાની જાતને પવિત્ર રાખશે ત્યાં સુધી દરિયામાં માછલી પકડવા જનાર માછી સુરક્ષિત રહેશે. દરિયામાતા તેની રક્ષા કરશે. જ્યારે ચક્કીને પરીકુટ્ટી અને કરુત્તમ્માના પ્રેમની જાણ થાય છે ત્યારે તે કરુત્તમ્માને સમજાવે છે કે તારે આખી જિંદગી એક માછણ બનીને રહેવાનું છે. પરીકુટ્ટી મુસલમાન છે તો તું એમની સાથે સ્નેહથી જોડાઈ ન શકે. ચક્કીના પાત્ર દ્વારા દરિયાકાંઠે વસતા લોકોની માન્યતાઓ પ્રગટ થાય છે.
ચક્કી અને ચેંબન કુન્ય પતિ પત્ની છે. કથાની શરૂઆતમાં જ આપણને ખબર પડે છે કે ચેંબન કુન્યનું પાત્ર ખૂબ લાલચું છે. તેમની પાસે દીકરીને પરણાવવાના પૈસા નથી. હોડી ખરીદવાના પણ પૈસા નથી. ચેંબન કુન્ય દીકરીના પ્રેમી પરીકુટ્ટી પાસેથી પૈસા ઉછીના માંગે છે. તેમને કોઈપણ રીતે ધનાઢ્ય બનવું છે. પૈસાદાર બનવા માટે તે કંઈ પણ કરવા તૈયાર છે. નવલકથાની શરૂઆતમાં જ જોઈએ તો કરુત્તમ્મા અને પરીકુટ્ટી વચ્ચે સંવાદ થાય છે…
” મારા બાપુ જાળ અને હોડી ખરીદવા જાય છે.’
‘તું ભાગ્યશાળી છે.’
કરુત્તમ્માને આનો જવાબ ન સૂઝયો. થોડીવારે એણે કહ્યું: ‘પણ પૂરતાં પૈસા નથી. અમને થોડાં રૂપિયા ઉધાર આપી શકશો? ” (પૃષ્ટ- ૧)
પરીકુટ્ટીએ લાગણીવશ થઈને ચેંબન કુન્યને જાળ અને હોડી ખરીદવા પૈસા આપ્યા. પણ એવી રીતે પૈસા લેવા સામે નાયિકાને વિરોધ હતો. એ બંને વચ્ચે કોઈક પ્રકારની સોદાબાજી થઈ હતી અને એ નાયિકાને મંજૂર ન હતી. આમ લેખક નાયિકાને જુદી ભૂમિકાએ આલેખવા માંગે છે એનો સંકેત આપણને અહીંયા જ મળી રહે છે. ચેંબન કુન્ય પરીકુટ્ટી પાસેથી પૈસા લે છે અને ધીમે ધીમે એ નવી હોડી અને જાળ ખરીદે છે. એમની પાસે હવે પૂરતા પૈસા છે પરંતુ એ પરીકુટ્ટી પાસેથી ઉછીનાં લીધેલા નાણાં પાછા આપવા તૈયાર નથી. ચક્કી અને કરુત્તમ્મા બંને એને વારંવાર સમજાવે છે પણ તે કોઈ રીતે સમજતો નથી અને પરીકુટ્ટીના પૈસા તેને પાછા આપતો નથી. આ બાજુ પરીકુટ્ટી પણ ક્યારેય તેમની પાસે એ પૈસા માંગવા જતો નથી એણે પાછા લેવા માટે ક્યારેય એ પૈસા આપ્યા જ નહોતાં. એમને તો કરુત્તમ્માએ એકવાર મજાકમાં પૂછેલું અને લાગણીના તાંતણે બંધાઈને એમણે આ પૈસા આપ્યાં હતાં.
સમગ્ર નવલકથા ત્રીજા પુરુષમાં કહેવાય છે. સમયની ગતિ રેખાયિત છે. નવલકથાનો ઢાંચો અને કથનરીતિ પરંપરાગત છે. આમ કહીએ ત્યારે એનું મૂલ્ય ઘટી જતું નથી આ રીતે પણ જુદી ભાત પાડી શકાય છે. પ્રશ્ન એ છે કે નવલકથાને ઘાટ આપવામાં પરંપરાગત કથનરીતિ કેવો ભાગ ભજવે છે. વાર્તાતત્વો ઉપર ભાર આપવામાં આવ્યો હોય તો ‘જિજ્ઞાસારસને કેવી રીતે દ્રવતો’ રાખવામાં આવ્યો છે? આ નવલકથાકાર સંકેતાર્થો દ્વારા આગળ વધતા નથી. તેઓ પોતાની ઉપસ્થિતિ દ્વારા નવલકથા કેવો વળાંક લેવાની છે એનું સૂચન કરી આપે છે.
કરુત્તમ્મા અને પરીકુટ્ટીના લગ્નની શક્યતા છે જ નહીં આ સંજોગોમાં નવલકથાને કઈ દિશામાં વિકસાવી શકાય? ચેંબન કુન્ય વધુ ને વધુ શ્રીમંત બનતો જાય છે. આમ નવલકથાના વિકાસની એક જુદી જ દિશા લેખકે ચીંધી બતાવી છે. ધનાઢ્ય થવાની મહત્વકાંક્ષા તેને ક્યાં લઈ જશે? માનવમાં રહેલી ધનલોલુપતા એને સર્વનાશ તરફ લઈ જશે- આવા જીવનસત્ય સામે કોઈને વાંધો ન હોઈ શકે. એ સત્ય નવલકથામાં પાત્રો દ્વારા, ચરિત્ર દ્વારા મૂર્ત થવું જોઈએ. એક બાજુ ધનલોલુપ પિતા સામે માથું ઊંચકવાનું ને બીજી બાજુ ચક્કીમાં રહેલા પરંપરાગત સમાજની સામે ઝુકવાનું નહીં અને પોતાના પ્રેમને સંવર્ધવાનો. સમુદ્રની પાર્શ્વભુમાં નાયિકાના સંઘર્ષને સૂક્ષ્મ અને સંકુલ ભૂમિકાએ વિસ્તારવાની તક હતી. સર્જકતા આવા સંઘર્ષને કળાત્મક બનાવીને ઉત્તમ નવલકથામાં રૂપાંતરિત કરી શકે.
અહીં નવલકથાકાર ગરીબ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માંગે છે. આમ તો સરેરાશ ગરીબ કુટુંબનું ચિત્ર જ આપ્યું છે. વળી ઈર્ષ્યાખોર, ઝઘડાળું પાડોશીઓનું ચિત્ર નવલકથાને વાસ્તવવાદી સ્પર્શ આપે છે. માછીમારોની જમાત કરુત્તમ્માની ટીકા કર્યા કરે, મુખીની આણ ચેંબને રાખી નથી એ કારણે આ સમાજ પણ ટીકા કરે; ટૂંકમાં દીકરી અને બાપ – બંને સામે સમાજને જુદા જુદા વાંધા છે. મુખી અને ચેંબન વચ્ચેનો સંઘર્ષ વિસ્તરે, કરુત્તમ્માની મા બીજી સ્ત્રીઓ સાથે ઝઘડે અને એમાંથી કલંકકથાઓ બહાર આવે. નવલકથા જાણે સામાન્ય સ્તર ઉપર ગતિ કરતી હોય એમ આપણને લાગશે.
આ નવલકથામાં વારેવારે માછીમાર સમાજનું સામાજિક દર્શન પણ જોવા મળે છે. જ્યારે કરુત્તમ્મા પળની નામનાં માછીને પરણીને સાસરે જાય છે ત્યારે તેમને જુદી જુદી સ્ત્રીઓ કેવી રીતે સમજાવે છે એ જોઈએ…
“નલ્લપેન્ને કરુત્તમ્માને કહ્યું :
‘દીકરી! અમે એક પુરુષને તારે હવાલે કરીએ છીએ.’
‘છોકરીને પુરુષના હાથમાં સોંપવામાં નથી આવતી. આપણે ત્યાં એથી ઉલટું જ છે.’
કાળી એ બીજી જ વાત કરી :
‘આટલો ખ્યાલ રાખજે દીકરી ! પ્રચંડ મોજાંઓવાળા દરિયામાં આપણા મરદોને કામ કરવાનું હોય છે. ‘
કુન્યીપેન્ને ચેતવણી દીધી :
‘ સ્ત્રીઓના મન ભારે ચંચળ હોય છે. સંભાળજે, દીકરી ! ‘ ” ( પૃષ્ઠ- ૧૨૧)
સાસરે આવી નવો સંસાર શરૂ કરતી કરુત્તમ્માને ગામના લોકોની કુથલીનો સામનો કરવો પડે છે. શરૂઆતના બે-ચાર દિવસના આનંદ-પ્રમોદ પછી પળનીમાં રહેલો પરંપરાગત પુરુષ જાગી ઊઠે છે. એ રીતે કરુત્તમ્મા અવારનવાર અપમાનિત થતી રહે છે. ચક્કી માછણના મૃત્યુના સમાચાર કરુત્તમ્માને પહોંચાડવા તેનો પ્રિયતમ જાય છે. પરિણામે પળનીના વહેમીલા સ્વભાવને વકરવા માટેના પૂરતાં કારણો મળી રહે છે. વળી પોતાના ગામના રહેવાસીઓ પણ પળનીના મનને બહેકાવવામાં વધારે ભાગ ભજવે છે. આમ જોવા જઈએ તો અહીં સરેરાશ ભારતીય કુટુંબની વાત, સમાજજીવનની વાત કરવામાં આવી છે.
ચક્કી જ્યારે બીમાર હોય છે ત્યારે તે પરીકુટ્ટીને પોતાની પાસે બોલાવે છે. આ સમયે બંને વચ્ચે જે સંવાદ થાય છે એ તો બહું હૃદયદ્રાવક છે. જોઈએ…
” ‘ મારા દીકરા ! તું લગ્ન કરી લે. વેપાર વધારી તું સુખી થા એવું હું ઈચ્છું છું. ‘
આ જ વાક્ય કોઈપણ રીતે ભૂંસી ન શકાય એવું આ વાક્ય- પરીકુટ્ટીના કાનમાં સદા ગુંજયા કરતું હતું. એ રાતે કરુત્તમ્માએ પણ આ જ કહ્યું હતું; પરંતુ તેમને જે જવાબ આપ્યો હતો એ જવાબ એણે ચક્કીને ન આપ્યો.
‘મારા દીકરા ! તું હવે કરુત્તમ્માને સતાવીશ મા. એનાં હવે લગ્ન થઈ ગયા છે. હવે એને સતાવીશ નહિ. ‘
પરીકુટ્ટી સ્તબ્ધ બની ગયો. આ વાક્યો કોઈ અદ્રશ્ય વાણીની જેમ એના કાનમાં અથડાતા હતા. હવે એના જીવનમાં વચ્ચે નહીં આવવાની આજ્ઞા એને કુદરત તરફથી થતી હતી. આ ભ્રમણા હતી કે ? ના પરીકુટ્ટીએ એના સગા કાને સાંભળ્યું હતું:
‘પરીકુટ્ટી ! તું હવે કરુત્તમ્માનો ભાઈ થયો છે. એને કોઈ ભાઈ નથી. એટલે મારા દીકરા ! તું એનો ભાઈ બનીને પડખે ઊભો રહેજે.’ ” (પૃષ્ઠ- ૧૮૫)
જે છોકરીને પોતે પ્રેમ કર્યો છે એ જ છોકરીનો ભાઈ બનીને રહેવાનું હવે એમને કહેવામાં આવે છે. પરીકુટ્ટી માટે આ બહુ નાજુક ક્ષણો છે.
સમગ્ર નવલકથામાંથી પસાર થઈએ ત્યારે જેને આપણે કથા નાયિકા કહીએ છીએ તે પાત્રમાં બહુ ખાસ પરિવર્તન આવતું નથી પણ ચેંબન કુન્યના વ્યક્તિત્વમાં ધીમે ધીમે પરિવર્તન આવતું જાય છે. એ પરિવર્તન માટેની બધી જ શક્યતાઓ લેખકે પહેલેથી જ નિર્દેશી આપી હતી. એ જે રીતે પોતાની પત્ની સાથે દીકરીના સંદર્ભે, પરીકુટ્ટીના સંદર્ભે વાતચીત કરે છે એના આધારે આટલું તો કહી શકાય. એટલે નવલકથાકારે પોતાની સર્જકતાનો ઘણો બધો લાભ ચેંબન કુણ્યને આપ્યો છે.
દરિયાના છોરુ તરીકે જાળવવાની એ આમન્યાનો સૌપ્રથમ ભંગ થાય છે ચેંબન કુન્ય દ્વારા. એ પરીકુટ્ટી પાસે નાણા ઉછીના લે છે પણ એને માછલી વેચાતી આપતો નથી. પોતાની દીકરી માછલી વીણવા જાય છે તો એને મારીને કાઢી મૂકે છે. ધીમે ધીમે એના લોભલાલચ વધતા જાય છે અને તેનાં નિર્દયતા, સ્વાર્થ પરીકુટ્ટીને તો બરબાદ કરે જ છે પરંતુ પોતાના કુટુંબને પણ બરબાદ કરી મૂકે છે. બીજા શબ્દોમાં કહીએ તો ચેંબન કુન્ય પોતે જ પોતાનું પતન નોતરે છે.
એ લોકોમાં એવી માન્યતા છે કે જ્યારે દરિયામાતા રજસ્વલા હોય ત્યારે કોઈએ માછલી પકડવા જવાનું નહિ. આ સમયે દરિયાનું પાણી પણ લાલ થઈ જાય છે. પરંતુ ચેંબન કુન્ય આ વાતનું માન રાખતો નથી અને એ સમયે પણ તે હોડી લઈને માછલી પકડવા માટે નીકળી પડે છે. ચેંબન કુન્ય વારંવાર સમાજના નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેમણે કોઈપણ નવું કાર્ય કરવું હોય તો મુખીને જાણ કરીને તેને નજરાણું ધરવાનું હોય છે. પરંતુ તે પોતે જાળ અને હોડી ખરીદવા જાય છે ત્યારે મુખીને એ વાતની જાણ પણ કરતો નથી.
કરુત્તમ્મા જ્યારે લગ્ન કરીને સાસરે જાય છે એટલે થોડા સમય પછી એમને દીકરી જન્મે છે. લગ્ન અને માતૃત્વ- આ બે મહત્વની ઘટનાઓ વચ્ચેના સમયને નાની મોટી ઘટનાઓ, દાંપત્યજીવનના વારાફેરાથી ભરી દેવામાં આવ્યો છે. બીજી બાજુ ચેંબન પોતાની નાની દીકરીનું બહાનું કાઢીને ફરી લગ્ન કરે છે. એ રીતે આમાં અપરમાનું કથાઘટક પણ ઉમેરાય છે. એ અપરમા પાછી આંગળિયાતને લઈને આવી હતી એટલે તેની સાથે સંકળાયેલા પ્રશ્નો પણ ઉમેરાયા. આ બધામાં પરીકુટ્ટીનું પાત્ર સાવ ઉપેક્ષિત બની જાય છે. આ યુવાન પ્રેમી છે પણ એ કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાને અક્ષમ છે. એ કોઈપણ ઘટનાનો દોર પોતાના હાથમાં લઈ શકતો નથી. કોઈ ચોક્કસ નિર્ણય કરવાની, સમાજની ઉપરવટ જવાની એનામાં શક્તિ નથી પરિણામે એની સામે મુકાયેલો પળની વધારે વ્યક્તિત્વસભર પુરવાર થાય છે.
નવલકથાના અંતે સમુદ્રમાં પાછલી પકડવા નીકળેલા પળનીનું ચિત્ર આંકવામાં આવ્યું છે. પહેલીવાર વિગતે દરિયાઈ વાતાવરણની અનુભૂતિ વાચકને થાય છે. જોઈએ..
” હોડી નિચ્છલ બની ઉભી રહી. પરંતુ, ઘુમરીમાં સપડાઇને એ વિસ્તારક્ષમ સમુદ્રમાં વર્તુળ દોરતી હોય એમ લાગ્યું. પાણીનું વહેણ જાણે ગોળ ગોળ ફરતું હતું. ફરી પાછું પળનીએ ધ્યાન દઈને જોયું; પોતે કોઈ વમળમાં ફસાઈ ગયો હતો કે શું? હોડી ફરી પાછી મોટાં મોટાં વર્તુળો સર્જતી હતી. ત્યારે પણ પળનીએ રસી ખેંચી રાખી હતી. ” (પૃષ્ટ-૨૮૭)
‘The old men and the sea’ નવલકથામાં વૃદ્ધ માછીમાર અને તેની જાળમાં ફસાયેલી શાર્ક માછલી વચ્ચેના સંવાદો છે એવી જ રીતે અહીં પણ પળની અને શાર્ક વચ્ચે સંવાદ ચાલે છે. ફરક માત્ર એટલો જ છે કે ‘The old men and the sea” નવલકથામાં વૃદ્ધ માછીમાર પોતાની માછલી( દરિયાકિનારે પહોંચે છે ત્યારે માત્ર હાડપિંજર જ બચે છે )ને દરિયા કિનારા સુધી લઈ આવે છે અને અહીં પળનીને એમનાં કાંઠાના લોકોની માન્યતાઓને વશ થઈને લેખકે દરિયા સામે પરાજિત થતો બતાવ્યો છે.
નવલકથાના અંતે લેખક જણાવે છે કે:” બે દિવસ પછી એક સ્ત્રી તથા એક પુરુષના અલિંગનબદ્ધ મૃતદેહો એ દરિયાકાંઠા ઉપર ખેંચાઈને આવ્યા. એ કરુત્તમ્મા તથા પરીકુટ્ટીના શરીર હતા. ” (પૃષ્ટ- ૨૯૧)
આમ આ સમગ્ર નવલકથામાંથી પસાર થનાર વાચકને એક નિર્દોષ પ્રેમની અને પોતાનાં સમાજની માન્યતાઓ સામે ઝૂકી જનારી સ્ત્રીની અનુભૂતિ થશે. તે પોતાના પતિને વફાદાર થઈને જીવવા માંગે છે પણ તેમના પતિના વેમીલા સ્વભાવના લીધે એમનું પૂર્ણ રીતે પતન થાય છે. લેખકે આ સમાજની માન્યતાઓ અને રીતિરિવાજોને પણ આપણી સમક્ષ ખોલી આપ્યાં છે. કેરળના માછીમાર સમાજને આપણી સમક્ષ વિશિષ્ટ રીતે ઉજાગર કરતી આ એક પ્રાદેશિક નવલકથા છે.
આરતી એમ. સોલંકી, શોધછાત્ર, ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી.
પ્રયાસ An Extension… A Peer Reviewed Literary e magazine, ISSN: 2582-8681 VOLUME 4 ISSUE 6 CONTINUE ISSUE 19 NOV- DEC : 2023