ચારણીસાહિત્ય ઇતિહાસનો સ્ત્રોત

-ડૉ. વર્ષા કે. વાળા

ઇતિહાસ એ માનવજીવનનું પ્રતિબિંબ પાડતું શાસ્ત્ર છે. ઇતિહાસ એ મનુષ્યે ભૂતકાળમાં રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય ક્ષેત્રોમાં કરેલી પ્રવૃતિઓનું પરીક્ષણ  કહી શકાય. તેથી ઇતિહાસ લેખન માટે હકીકતની શુધ્ધતાની સાથે યોગ્ય સંકલન પણ અતિ આવશ્યક છે. ઇતિહાસનાં આલેખન  માટે મનુષ્યની ભૂતકાલીન ઘટનાઓ, તેની વાસ્તવિકતાનું નિરૂપણ તેમજ નિરૂપણ કરવાની પધ્ધતિ મહત્વની હોઈ છે. ઇતિહાસ લેખન માટે આવશ્યક જરૂરી દસ્તાવેજો અને સાહિત્યિક સાધનો આધાર જરૂરી હોઈ છે. અર્વાચીન યુગમાં ઇતિહાસનું ક્ષેત્ર ઘણું વ્યાપક બન્યું છે. ઇતિહાસ લેખન માટે પ્રાપ્ત પુષ્કળ લેખિત  અને મૌખિક સાહિત્યિક સાધનોનાં વિવિધ પાસાંને વૈજ્ઞાનિક પધ્ધતિથી ચકાસી ઇતિહાસનું આલેખન કરવામાં આવે છે.

  • ઇતિહાસ જાણવાના સ્ત્રોત

        No document no history ( દસ્તાવેજો નહિ તો ઇતિહાસ નહિ) આ સિદ્ધાંત અમલમાં મુકીને ઇતિહાસ લેખનનો પાયો નાખ્યો. આથી અવશેષીય અને સાહિત્યિક સાધન યોગ્ય રીતે ચકાસી ઇતિહાસ લેખનનો પ્રારંભ થયો. ભૂતકાળમાં માનવજીવન અને માનવ પ્રવૃતિઓ વિશે માહિતી આપતા કોઈપણ અવશેષ કે અહેવાલને ઐતિહાસિક સાધન કે સ્ત્રોત કહેવાઈ છે. ઇતિહાસ લેખન માટે આવા ઐતિહાસિક સાધનોનાં  મુખ્ય ત્રણ પ્રકાર દર્શાવામાં આવ્યા છે. ૧.અવશેષો કે નમુના ૨.અહેવાલો કે દસ્તાવેજો ૩.અલિખિત સાધન કે મૌખિક પરંપરાઓ. ઇતિહાસ લેખનનાં સ્ત્રોત તરીકે  અલિખિત સાધન કે મૌખિક પરંપરાઓમાં લોકસાહિત્ય, લોકકથાઓ, ચારણીસાહિત્ય, દંતકથાઓ, રહસ્યકથાઓ, ઐતિહાસિક કહેવતો, વીરગાથા વગેરે ગણાવી શકાય.

  • ચારણી સાહિત્ય – એક પરિચય

  લોકકંઠે સચવાઈ રહેલું અને પેઢી દર પેઢી ઉતરી આવેલું સાહિત્ય એટલે ચારણી સાહિત્ય. ચારણી સાહિત્યે ઇતિહાસને ઉજાગર કર્યો છે. ચારણી સાહિત્યે ઈતિહાસને મૌખિક પરંપરાના રૂપે લોકભોગ્ય બનાવેલ છે.

ગુજરાતી સાહિત્યના મધ્યકાળપૂર્વેથી પ્રાકૃત અપભ્રંશના ભાષાગત સંસ્કારોને જાળવતી ચારણ સાહિત્યની ઉજ્જવળ પરંપરા જોવા મળે છે. ભાષાવિદો ચારણી સાહિત્યને   ‘જૂની ગુજરાતી’ કે ‘મારું ગુર્જર’ અને  ડૉ.તેસ્સાતોરી તેને ‘જૂની પશ્ચિમી રાજસ્થાની’  તરીકે દર્શાવેલ છે.તે રાજસ્થાન અને ગુજરાતમાં સમાનરૂપે બોલાતી ભાષા ઉત્ક્રાંત થઈને વંશપરંપરાગત ઉતરીઆવીને સ્વતંત્રરૂપે ચારણી સાહિત્ય સંવર્ધીત થયું. ચારણી સાહિત્યની વિલક્ષણ ભાષાકીય લઢણીને કારણે અલગ તારી આવે છે.

  • ચારણી સાહિત્યનો ઉદભવ અને વિકાસ

       ચારણી સાહિત્યનાં ઉદભવ અને વિકાસ માટે આઠમી કે નવમી સદીથી ચૌદમી સદીનો સમયગાળો ગણવામાં આવે છે. ગુજરાતમાં ચારણી સાહિત્યનો આદિકાળ કચ્છનાં લાખા ફુલાણીનાં કવિ માવલ વારસડાથી શરૂ થઇ હોવાનું માનવામાં આવે છે. સોલંકીયુગનાં સાહિત્યમાં લાખાફૂલાણીનાં દુહા મળે છે. જોકે વિદ્વાનોના માટે ચારણી સાહિત્યના મૂળ ઊંડા છે. કાશીરામ શર્મા અને કે.કા.શાસ્ત્રીનાં માટે ચારણી સાહિત્ય એ સુત સાહિત્યની પરંપરા છે. શ્રી રતુદાન રોહડિયા પણ એ વાત સમર્થન આપેલ છે અર્થાત પ્રારંભે ચારણી સાહિત્ય કંઠસ્થ રાખવાની પરંપરા હોવાથી પ્રાચીન કાળનું સાહિત્ય ઉપલબ્ધ નથી. સોલંકીકાલીન ચારણી સાહિત્યનાં અનેક પદ્ય રચાયા હોવાથી ચારણી સાહિત્યનો ઉદભવકાળ સોલંકીયુગ કહી શકાય.

 ચારણી સાહિત્ય એટલે ચારણ કવિઓએ જન્માંવેલી વિશિષ્ટ સાંસ્કૃતિક પરંપરા. ચારણી સાહિત્યનો ઉદભવ  રાજપૂત રાજાઓના આશ્રયે  ઉદભવ થયેલો જોવા મળે છે. જેના વાહક ચારણો કવિ, ગાયક અને સલાહકારી તરીકે ત્રિવિધ કામગીરી અદા કરતા આવ્યા છે. રાજપૂતયુગમાં ચારણી સાહિત્યનો ઉદભવ ભલે ચારણની જીભે થયો હોય પરંતુ  તેના અન્ય  સર્જકો પણ છે. સીતારામ લાળશ રાજસ્થાની શબ્દકોશમાં એમ જણાવેલ છે કે “ચારણી સાહિત્ય નાં સર્જકો કેવળ ચારણો જ નહિ પરંતુ ભાટ, રાવળ, મોતીસર, રાજપૂત, મીર, બ્રાહ્મણ વગેરે પણ છે.” ચારણી સાહિત્ય કોઈ કોમ કે કોઈ ધર્મ નાં વાડાથી પર એવું વિશાળ સ્તરનું સાહિત્ય છે. માટે અનેક વિદ્વાનોનાં માટે ચારણી સાહિત્યને એક વિશેષ શૈલીનું સાહિત્ય ગણ્યું છે.

  • ચારણી સાહિત્યની ભાષા ડિંગળ

       ચારણી સાહિત્યને ‘ડિંગળ સાહિત્ય’ પણ કહેવામાં આવે છે. કારણ કે ડિંગળ ભાષા ચારણી સાહિત્યને સમૃદ્ધ કરવામાં મહત્વનો ફાળો છે. ડિંગળ ભાષા એક પ્રાચીન કાવ્ય ભાષા છે. ડિંગળ કવિતા મુખ્યત્વે વીરરસાત્મક હોય છે. ડિંગળ ભાષાનું પાયાનું સ્વરૂપ જૂની પશ્ચિમી રાજસ્થાની કે મારું ગુર્જર છે. ડિંગળ ભાષાનાં જૂનામાં જુના નમુના શ્રી નરોતમ સ્વામીએ શોધેલા છે, જેમાં ચૌદમી અને પંદરમી સદીની ડિંગળ ભાષાની રચનાઓના દ્રષ્ટાંતો જોવા મળે છે. તેમાં રણમલ છંદ, સોમપ્રભાચાર્યનાં કુમારપાળ પ્રતિબોધ ડિંગળ ભાષાનો પુર્વભાસ જોવા મળે છે. રાજસ્થાન, ગુજરાતી, સોરઠી એ પ્રભેદો ડિંગળ ભાષામાં સમયાંતરે અસ્તિત્વમાં આવતા ગયા.

  • ચારણી સાહિત્યનું સ્વરૂપ  

       ચારણી સાહિત્ય મોટે ભાગે પદ્ય સ્વરૂપે હોય છે. પરંતુ ચારણી સાહિત્યની અમુક રચનાઓ ગદ્ય સ્વરૂપે પણ જોવા મળે છે.કેટલીક રચનાઓ ગદ્ય અને પદ્ય એમ મિશ્ર સ્વરૂપે જોવા મળે છે.

પદ્ય – વેલી, સાકો, રાસો, વિલાસ, પ્રકાસ, રૂપક, સરોજ, સલોક, ઝમાળ, ઝૂલણા, કવિત, અને ગીત ઈત્યાદી છંદો ઉપલબ્ધ થાય છે.

ગદ્ય – વચનીકા, ખ્યાત, ઇતિહાસપ્રસંગ, પટ્ટા, હકીકત, પીઢયાંવલી, હાલ, વાર્તા, અને વાક્યા સ્વરૂપે ઉપલબ્ધ છે.

  • ચારણી સાહિત્યની વિષયસામગ્રી  

        ચારણી સાહિત્યમાં વિષયોની વિવિધતા જોવા મળે છે. ચારણી સાહિત્યમાં દેવી-દેવતાના સ્તવનો, ભક્તિપદો, સંત, સતી, શુરવીરોની પ્રશસ્તી, યુદ્ધ વર્ણનો,શોર્ય ગીતો તેમજ મરશિયાઓ, બૌધાત્મક પદો, પુર, ધરતીકંપ કે દુષ્કાળ જેવી કુદરતી આપતિ વિષયક સાહિત્ય કંઠસ્ત પરંપરા કે હસ્ત લિખિત સ્વરૂપે મળી રહે છે. ખાસ કરીને ચારણી સાહિત્યમાં ઐતિહાસિક વિષય વિશેષ પ્રમાણમાં જોઈ શકાય છે.  

        ચારણી સાહિત્યએ ઇતિહાસને સાચવ્યો છે. ખાસ કરીને ગુજરાતની ઐતિહાસિક ઘટનાઓ કે પ્રસંગો ને સંદર્ભે ચારણી સાહિત્યમાં અનેક કૃતિઓની રચના થઇ છે. જેમાં ઐતિહાસિક મુલ્ય યોગ્ય રીતે તપાસી ઇતિહાસની ખૂટતી કડીઓને જોડી શકાય છે. ચારણી સાહિત્ય પ્રાદેશિક ઇતિહાસને ઢંઢોળવામાં મદદરૂપ થઇ શકે છે. ચારણી સાહિત્યમાં અનેક ઐતિહાસિક રચનાઓ ઉપલબ્ધ છે તેમજ ઐતિહાસિક પ્રસંગો પણ અસંખ્ય માત્રામાં લખાયેલા છે જેમકે  હાલાં ઝાલા રાં કુંડળીયાં, રાખોરાય ધણજી, કુંડલાની ચડાઈનો પવાડો, રાં’દેશળ વચનીકા, અજાજામની ગજગત વગેરે જેવા અસંખ્ય ઐતિહાસિક રચનાઓ ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં જોગીદાસ ખુમાણ, અભો સોરઠીયો, બરવાળાનાં શુરવીર ઘેલાશા જેવા વીરોનાં ઐતિહાસિક પ્રસંગો તેમજ સીમાડાના સંગ્રામો, ગ્રામવીરો, સીમવીરો, કુળવીરો વિશે રચાયેલા કાવ્યો, દુહાઓ, છંદોમાં ઇતિહાસની વિગતો સચવાયેલી જોવા મળે છે.

  • ચારણી સાહિત્યનું ઐતિહાસિક મહત્વ

       ચારણી સાહિત્યનુંઐતિહાસિક મુલ્ય ઘણું છે. ભારતીય સંસ્કૃતિના સામાજિક સાંસ્કૃતિક અને જીવનમૂલ્યોની સાચી ઓળખ દર્શાવનાર ચારણી સાહિત્યનાં ઐતિહાસિક મહત્વ દર્શાવવા અનેક વિદ્વાનોએ પોતાના મંતવ્યો રજુ કર્યા છે. ડૉ. અંબાદાન રોહડિયા  નોંધે છે કે ચારણી સાહિત્યમાં સાહિત્યિક તત્વોને દુર કરીને તેમાં ઐતિહાસિક પાસા પ્રત્યે લક્ષ રાખવામાં આવે તો તેમાંથી ઇતિહાસની ઘણીબધી કાચી સામગ્રી મળી શકે તેમ છે. જેમકે વઢવાણનાં રાજા પૃથ્વીરાજસિંહ અને હળવદનાં રાજા હરિસિંહ વચ્ચે બકરી માટે થયેલ લડાઈનો પ્રસંગ ઝમાળ નામે છંદમાં પ્રચલિત થયેલો હતો.   

ડૉ. મોતીલાલ મેનારીયા ચારણી સાહિત્યનું ઐતિહાસિક મુલ્ય દર્શાવતા જણાવેલ છે કે મધ્યયુગીન ભારતનો ઇતિહાસ લખવા અને જાણવા માટે ડિંગળ સહિયતાની શોધખોળ જરૂરી છે. પંદરમી સદીના ઉતરાર્ધથી લઈને ઓગણીસમી સદીના મધ્યાંતર સુધીના લગભગ ચારસો વર્ષનાં લાંબા કાળ નાં ઇતિહાસનું વિગત પૂર્ણ વૃતાંત જો ક્યાંય મળતો હોય તો તે ડિંગળ સાહિત્યમાં છે. ઉદાહરણ તરીકે ‘ખીચી અચળદાસની વચનીકા’ માં ગાગોરગઢનાં રાજા અચળદાસ અને માંડવગઢના સુલતાન વચ્ચેનું યુદ્ધ આલેખાયેલ છે. તેવી જ રીતે ‘રાવ રતનસિંહ-મહેસદાતરી’ માં ઔરંગઝેબ અને મહારાજા જસવંતસિંહ વચ્ચે ઉજ્જેન આગળ યુદ્ધ ખેલાયું અને રતનસિંહ વીરગતિ પામ્યા તેનું વર્ણન છે.  

        ડૉ.સૌભાગ્યસિંહ શીખાવત ચારણી સાહિત્યનું મહત્વ દર્શાવતા જણાવે છે કે ચારણી સાહિત્ય રાષ્ટ્રીય ભાવનાનું પ્રેરક સાહિત્ય છે. તેમાં જનજીવનની રક્ષા, સ્વધર્મ પાલન, ગૌધન પૂજા, કુળ-ગામની રક્ષા તથા વિવિધ સંજોગોમાં ઉભા થયેલા પડકારોનો સામનો કરવાની ભાવના લઇ થયેલા સંગ્રમોના અનેક પ્રસંગો સમાયેલા છે.ચારણી સાહિત્યમાં ઐતિહાસિક પ્રસંગો અને પૌરાણિક પ્રસંગો વિશેષ જોવા મળે છે. ચારણી સાહિત્યમાં રચાયેલા ઐતિહાસિક કાવ્યો બહુધા વીર કાવ્યો છે. જેમાં તપ, ત્યાગ, બલિદાન, શુરવીરતા અને જીવનમૂલ્યોને રજુ કરેલ છે. ઉદાહરણ આશાજી રોહડિયા કૃત ‘રા’ખેંગાર રી બીયાખરી ’ માં  કચ્છનાં રાજવી રા’ખેંગારજી અને સિંધના હમીર સુમરા વચ્ચે થયેલ યુદ્ધની ઘટનાનું વર્ણન થયેલું છે. ઇસરદાસ્જી રોહડિયા રચિત ‘હાલા ઝાલા રા કુંડળીયાં’ માં ધ્રોળનાં ઠાકોર જસાજી અને હળવદનાં રાજવી રાયસિંહજી વચ્ચે થયેલ યુદ્ધની ઘટના વિશે માહિતી મળે છે. આવી રીતે અનેક વીરકાવ્યોમાં ઇતિહાસ અને ઐતિહાસિક વિગતો સારી પેઠે નોંધાયેલ છે.  ઝવેરચંદ મેઘાણી ચારણી સાહિત્યનું ઐતિહાસિક મહત્વ દર્શાવતા જણાવેલ છે કે ગાયકવાડ અને કંપની સરકારનાં લશ્કર સામે ખડા થનારા દ્વારકાના વાઘેરોની મર્દાનગીનાં લાંબા રણકાવ્યો  દ્વારા વાઘેરોની કંપની સરકાર સામેની લડાઈ વિશે જાણવા મળે છે.

સમાપન

       ચારણી સાહિત્ય પોતે તો સમૃદ્ધ થયું પણ તેણે સમાજની, ઈતિહાસની અને સંસ્કૃતિની વિરલ સેવા કરી છે.કાવ્યભાષામાં ઝીલાયેલ ઇતિહાસ ભલે શુદ્ધ ઇતિહાસ ન ગણવામાં આવે છતાં ઇતિહાસની વિપુલ સામગ્રી ચારણી સાહિત્યમાં જળવાઈ રહી છે. સુરા, સંત, સતી તેમજ તત્કાલીન ઘટનાઓની ઐતિહાસિક વિગતો તેમાં નોંધાયેલી છે.ચારણી સાહિત્ય સત્ય, માનવીય મુલ્યો, વીરત્વ, સતીત્વ, દેશભક્તિ, સ્વામીભક્તિ, પરોપકારવૃત્તિ, શોર્ય, સ્વધર્મ પ્રીતિ ઈત્યાદી કલાત્મક રીતે મહિમાગાન થયેલુ છે. માટે ડૉ.જગદીશ પ્રસાદ ચારણી સાહિત્યને વિશ્વસાહિત્યને મળેલી એક અપૂર્વ ભેટ તરીકે ઓળખાવે છે. આમ, ચારણી સાહિત્ય સાહિત્યની દ્રષ્ટીએ મહત્વપૂર્ણ હોવાની સાથે-સાથે આ સાહિત્ય ઇતિહાસ નજરે પણ પરમ ઉપયોગી છે.

પાદનોંધ

૧. ડૉ.ધારેયા રમણલાલ, ઇતિહાસનું તત્વજ્ઞાન અને ઇતિહાસ લેખન અભિગમ, યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ, તૃતીય આવૃત્તિ ૨૦૧૦, પૃ-૨૪૩

૨. વૈષ્ણવ, રક્ષા ડી. મધ્યકાલીન ગુજરાત અને ચારણી આખ્યાનો-એક તુલનાત્મક અધ્યયન(મહાશોધનિબંધ), ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ, ૨૦૦૦, પૃ-૬૨

૩. એજન, પૃ-૮૬,૮૭                         

૪. એજન, પૃ-૬૫

૫. મેઘાણી, ઝવેરચંદ, ચારણો અને ચારણી સાહિત્ય, અમદાવાદ, ૧૯૪૩, પૃ-૪૮

૬. વ્યાસ, દર્શના ડી. ચારણી સાહિત્યમાં શિવનું નિરૂપણ : એક અધ્યયન (મહાશોધનિબંધ), ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, રાજકોટ, ૨૦૦૭, પૃ-૫૦

૭. મેધાણી, ઝવેરચંદ, ઉપરોક્ત ગ્રંથ, પૃ-૯૭

૮. ડૉ.રોહડિયા, અંબાદાન, સાહિત્યના સીમાડે, ગુજરાત સાહિત્ય અકાદમી, અમદાવાદ,   પૃ-૧૦,૧૬

૯. મેઘાણી, ઝવેરચંદ ઉપરોક્ત ગ્રંથ, પૃ-૮૯

ડૉ. વર્ષા કે. વાળા

મદદનીશ પ્રાધ્યાપક (વર્ગ-૨)

સરકારી વિનયન કૉલેજ વલ્લભીપુર