ચાંદીના કડલાં

  • તન્વી ટંડેલ

   વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે હતું.ગામને સીમાડે આવેલા છૂટા છવાયા ઘરોમાં માણસો ખેતરેથી થાકીને લોથપોથ હાલતમાં ઘરમાં બેસી રહ્યા હતા. સ્ત્રીઓ સાંજના ભોજનની વ્યવસ્થામાં મશગુલ હતી ને પુરુષો ખાટલે આરામ ફરમાવતા હતા.એકલ દોકલ બાળકો આંબાના વૃક્ષ નીચે હીંચકે ઝૂલતા હતા.એક ખખડધજ ઝૂંપડીને ઝાંપે વાનજી વિચારમગ્ન અવસ્થામાં ઊભો હતો.ત્યાં જ શકુએ આવી ચા ની રકાબી તેને ધરી.

‘ કહું સુ,આ ચા મેલી સે ટાઢી થાય સે, થાયકા હશો તે એ પી ને સંધાય વિસાર કરજો.’

વાનજીએ યંત્રવત ચા લીધી,પીધી ને ચૂપચાપ ફરી ત્યાં જ ઉભો રહ્યો.તેને આમ ચિંતાગ્રસ્ત જોઈ નાછૂટકે ઘરકામ મૂકી શકુ એ તેની સાથે વાત કરવી પડી.

‘ વાનજી,તારી બધી વાત હાચી પણ ઓમ તારા પેટનું પાણી નથ હાલતું પોતાની છોડી ને કુણ આમ…. આપણી શ્યામલી કાઈ વધની નથ હો..મુ ગમે ઈ કરી પણ તારી આ વાતમાં રાજી નઈ. સંધીય બાજુએથી ખોટી વાત સે તારી.’શકુ આજીજીભર્યા સ્વરે બોલતી હતી.

‘લખમી સાંદલો કરવા આવે ત્યારે ઘર બંધ કરી બેસી નો રેવાય.’ગુસ્સામાં આટલું બોલી રકાબી ને જોરથી હડસેલી.

પણ, મુ કહું સુ…..હજુ શકુ વધુ બે શબ્દો બોલે ત્યાં જ તેના ગાલ પર સટાક કરતો એક તમાચો ઝીંકાયો.આંખોમાં નાનકડું ખાબોચિયું લઈ શકુ સીધી ઘરમાં જતી રહી. રસોડાની પછીતે ઉભેલી શ્યામલી મા -બાપુનો આ સંવાદ સાંભળતી હતી.બાપુ જ્યારે દારૂ પીને આવે ત્યારે ઘરમાં થતી મારઝૂડની તે સાક્ષી રહેતી. તેનો બાપુ તેને મન રાક્ષસ સમાન હતો પણ આજે તો પોતાના લીધે મા ને.. ! આવા કઈ કેટલાયે દ્રશ્ય -અદ્રશ્ય ઘા મા સહન કરતી હશે. શ્યામલી માટે આ અસહ્ય હતું.તે બધું સમજતી હતી પણ પ્રતિકાર કરવો ગામની સ્ત્રીઓના સ્વભાવમાં જ ન્હોતું.ઘા  તેને સંભળાતા ને સમજાતાં.રોજ ચોમાસુ આંખોમાં ઉભરાતું.પોતે સમજણી થઈ ત્યારથી લઈને આજપર્યંત તેણે મા ને રીબાતા જોઈ હતી પણ ખબર નહિ કેમ તેનું વિચલિત મનમાં હમેશા આ બધું જોઈ ભયંકર તુફાન સર્જાતું.અને એ જ તોફાને આજની વાત સાંભળી જ્વાળામુખીનું સ્વરૂપ ધારણ કર્યું હતું.તેને મા ના શરીર પર દેખાતા ઉઝરડાંની વેદના અનુભવાતી હતી.પણ આજે ‘ ઘા ‘ સીધો તેના પર હતો , તેની અસર તેના પૂરેપૂરા અસ્તિત્વ પર થવાની હતી.જો બાપુનું કહ્યું થાય તો ….એ વિચારમાત્રથી એ હલબલી ગઈ.તેના સપનાં..તેનું આકાશ..સઘળું છીનવાઈ જવાનું હતું.

   નાની હતી ત્યારે સામેના ઘરે  જ મોટે ભાગે એ રહેતી.જીવી ને કિશન બન્ને ભેગી ઘર ઘર રમતી.નાનકડી ચણીયાચોળી પહેરી, લાલ રંગની ભરેલી ઓઢણી ઓઢી તે કિશનની વહુ બનતી ને જીવી સાસુ.થોડી લાલી લિપસ્ટિક ને પાછું માથે એકાદ ફૂલ ખોસીને એ સાચે જ રૂપાળી લાગતી.ધીમે ધીમે ત્રણેય મોટા થતાં ગયા.એકબીજાની આંખોમાં સ્નેહની સરવાણી વહેતી પણ છાની છાની,જીવી ‘ ભાઇભી’ બોલતી ત્યારે આંખો શરમથી લાલ થઇ જતી. બારમું ધોરણ પૂર્ણ થતાં જ કિશન મામા ને ઘરે આગળ ભણવા શહેર ગયો ,તે પહેલાં બંનેના હૈયે એકબીજાનું નામ લખાઈ ચૂક્યું હતું. પણ જીવીની ભાઈભી બનવાનું સ્વપ્ન પર બાપુ દ્વારા આવતીકાલે મોટું પૂર્ણવિરામ મુકાવાનું હતું.બાપુ કાલે એના વિવાહ નક્કી કરવા જવાના હતા તે પણ એક બીજવર જોડે.તેની પત્ની લગ્નના પહેલા જ વર્ષે અચાનક મરી ગઈ હતી ને એક છોકરી હતી. આ બધું બાપુ પૈસા માટે,માત્ર ને માત્ર પૈસા માટે …..તેને ગુસ્સો આવ્યો થયું કે એક પળ માટે પોતે કિશન પાસે શહેરમાં ભાગી જાય! પણ એક જ ક્ષણમાં બધું સમેટાઈ ગયું.કિશન શહેરમાં પણ ક્યાં હતો કોઈ ભાળ નહોતી. ને કેટલાંય સમયથી ક્યાં એને મળી હતી.કદાચ કિશન હવે એ પોતાનો કિશન ….નહિ જ રહ્યો હોય. શહેરની બદલાયેલી હવાની વાત જીવીએ એકાદ વાર કરી પણ હતી.

    બે દિવસ માંડ વીત્યા ત્યાં છોકરાના ઘરેથી આવી વિવાહનું નક્કી કરીને ગયા. શ્યામલી ને નાળિયેર ને પહેરામણ રૂપે એક સાડી આપી ગયા. શ્યામલી નામ પ્રમાણે એકદમ વિરુદ્ધ હતી એકદમ ભૂરી ભૂરી દેખાવડી.જોતા જ ગમી જાય..ભૂખરા વાળ ને ગોરો વાન.એટલે ના ગમવાનો પ્રશ્ન જ નહોતો. બાપુની ઈચ્છા મુજબનું ભવિષ્ય તેણે સ્વીકારી લીધું. અંદરો અંદર સખીઓ તરફથી તેને જાણ થઈ કે થનાર જમાઈ ભગત હતો.ભગત એટલે કોઈ પણ પ્રકારનું વ્યસન નહિ.નહિ માંસાહાર કે નહિ દારૂ….એ વાતે શ્યામલી નું મન આશ્વસ્ત થયું કે દારૂ પીને માર તો નહિ ખાવો પડે!

    રૂડાં તોરણીયા બંધાયા ને ભીંતે લીંપણ થયું. હનુમાનજી ને હરખાતા હરખાતા સખીઓ ગણી( તેલ ચડાવવા) કરવા લઈ ગઈ. સખીઓ શ્યામલી ને ચિડવતી હતી કે થનાર જમાઈ નસીબદાર કે શ્યામલી મળી ત્યારે શ્યામલી ના મનનાં સપનાઓની રંગોળીનું ચિત્ર વેરવિખેર હતું. કારણ ક્યાં એના સપનાઓનો રાજકુમાર કિશન…મોટું ઘર… શહેર ની હવા..ક્યાં તેને  કશુંય મળ્યું હતું.તેમ છતાં પોતાના ચહેરાને તેણે હસતો રાખવાનો હતો.તેલ ચડાવતી વખતે તેને થઈ રહ્યું હતું કે તેના જીવનમાં તેલની જેમ સઘળું ઢોળાય રહ્યું છે…વેરવિખેર.. ચોમેર ઝળહળીયાં…આંખોના આંસુ વચ્ચે તેણે હસવાનું હતું. સખીઓનાં કોલાહલનો ઉત્તર આપવાનો હતો કે પહેલી રાતે એનો વર શું કરશે એ આણામાં બધું વિગતે જણાવશે એમ.સઘળું વેરવિખેર તેલ સમેટી લીધું હાથમાં ને ચાલી પડી પોતાના ઘર તરફ.હા કદાચ આમ છેલ્લી વાર.આંખોમાં ચોમાસુ દશ્યમાન થયું પણ સૌને એમ કે પિયર છૂટવાના લીધે તે રડી રહી છે.મંડપ બંધાયા ને કંકુ ચોખા ફૂલો વધાવી ઘરમાં લગ્નની દાળની સુગંધ આવી . લાપસી નો મેળ નહોતો પડ્યો બાપૂથી તે ચકતાં દ્વારા બાપુ એ ‘પોતાની ‘ આબરૂ સાચવી હતી. મા ની આંખોમાં નારાજગી કામમાં વર્તાઈ હતી પણ લાચાર આંખો ચૂપચાપ જોયા કરતી હતી. 

     જાનૈયા આવ્યા ,વરરાજા ને જોવા બધી સખીઓ એકબીજાને ધક્કો મારી ઓઢણીની આડમાં જોઈ લેતી હતી. શ્યામલી ને તો જેની સાથે જીવન ગુજારવાનું હતું એનો ચહેરો જોવાનો ઉત્સાહ નહોતો કારણ એને જતાંની સાથે જ પત્ની ની સાથે મા બનવાનું હતું.ક્યારેય ન કલ્પેલી પરિસ્થિતિમાં તે ઊભી હતી. બાપનો હાથ ઝાલી ચાર પાંચ વર્ષની નાનકડી દીકરી જાન લઈ આંગણે ઊભી હતી.લગ્નના શુભ મંગલ સાવધાન શ્લોકના ગાન સાથે શ્યામલીના લગ્ન લેવાયાં.લગન વખતે ઢોલના નાદ સાથે ચાંદીના મોટા કડલાં શ્યામલીને પહેરાવાયા.કન્યાવિદાય થઈ ગઈ. લંગડાતી ચાલે, સાડલો પહેરી તે સાસરે પહોંચી ગઈ.

    શ્યામલી નાની હતી ત્યારથી તેને ઝાંઝરીનો શોખ.પોતે ચાલતી હોય ને ઝાંઝરનો છમ છમ છમ ઝણકાર આવે તો કેટલું સરસ લાગે.ઘણીવાર મા ને કહ્યું હતું મેળામાંથી સરસ ઝાંઝરી લઈ આપવા પણ જ્યાં બે ટંક રોટલાના ફાંફા હતા ત્યાં ચાંદીના ઝાંઝર લેવાનો પ્રશ્ન જ ઉપસ્થિત ન થયો.ને પોતાના બાદ બીજી બે બહેનો આવી. મા એ પહેરેલ ચાંદીના કડલાં’ જોઈ તેને તે પહેરવાનું બહુ મન થતું પણ ઝાંઝર નું સ્વપ્ન એમનું એમ જ રહ્યું ને આજે આટલા મોટા વજનદાર , મા ના જેવા જ કડલાં જોઈ તે રાજી થઈ ગઈ.બે માણસ દ્વારા તેને શ્યામલીના પગે તે પથ્થર દ્વારા ઠોકીને પહેરાવવામાં આવ્યા.ઝાંઝરનો રૂમઝૂમ ઝણકાર નહોતો પણ કડલાનું વજન જોરદાર હતું. મા ને તેણે મંડપમાં પૂછ્યું, ‘ મા આ કડલાં પહેરવા જ પડહી ? બહુ વજન સે, નહિ હેંન્ડાતું…ખમાતું ય નથી માવડી.’ ત્યારે મા એ રડતાં રડતાં કહ્યું હતું…,’ શ્યામલી, આ કડલાનો ભાર હવે આખ્ખી જિંદગી હુચકવો જ પડહી…’ ત્યારે તેને બહુ સમજાયું નહિ.તે તો કડલાં ને દાગીનું સમજી માંડ માંડ ઊભી થઈ હતી.

   આખી રાત લગ્ન ને મળસ્કે નવી સવાર સાથે સાસરે પહોંચેલી શ્યામલીને પોતાનો વર જોવાનો એક પણ મોકો જ ના મળ્યો. ગળા સુધી ઓઢેલ પાનેતરમાં વર જોવો કેમનો એ જ પ્રશ્ન હતો. રસ્તામાં એક શબ્દ પણ વાતચીત થઈ નહોતી.એક નાનકડી છોકરી નવી મા,નવી મા બોલી પોતે પાંચ છ વાર સાંભળ્યું પણ  કોઈક મોટું માણસ તેને પોતાની નજીક આવતા રોકતું હોય એવું તેને લાગ્યું.

‘ ઘેર જાઇને તારી નવી મા ને દેખજે ‘ વારંવાર તેને કોક સમજાવતું હતું. સાસરે પહોંચતા જ નાનકી એ જીદ માંડી મા નો ચહેરો જોવો એટલે ઘર પ્રવેશ વખતે જ ઓઢણી થોડી ખોલવા કોઈક પહાડી અવાજ આવ્યો. વર ની જગાએ દીકરીએ ચહેરો જોયો કેવું વિચિત્ર!

‘ કહું સુ, મારી મા બહુ રૂપાળી સે..’કહેતા ક તે કૂદી પડી ! તેના વરે તેના તરફ નજર નાખી ને બન્નેની આંખો મળી. ઊંચો કદાવર દેહ, આંખોમાં તો જાણે લાવા ભભૂકતો હોય એવી લાલઘૂમ આંખો,ભાવવિહીન ચહેરો …પોતે તો તેનાથી અડધી ઉંમરની લાગતી.તેને તરત આંખો નીચી કરી.

‘ હાય…હાય…કેવો ક સે.., બાપુ  ને જરાય વિસાર ના આયો મને આવા હારે પઈનાવતા’ તે મનમાં જ બોલી પડી.તેને બીક લાગી. સાસુનો અવાજ આવતા જ ચૂપચાપ પાનેતર સરખું કરી રડતી રહી.એક મિનિટ માટે તો થયું કે આ બધું મૂકી પાછી પિયર જાય. એટલામાં જ નાનકી હાથ પકડી તેને અંદરના ઓરડામાં લઈ ગઈ.

એક ખાટલો ઢાળ્યો હતો ત્યાં જ તેને બેસાડી નાનકી સાથે આવેલ ઘરના કોઈક સભ્યે પોતાના પિયરથી આણેલ થેલા ત્યાં મૂક્યા.

‘ ભાઇભી ,આ થેલો આયા રાખ્યો સે,બીજો સામાન ટેમ્પીમાં પાસળ આવે સે.તમને કાઈ જોઈ તો આ નાનકી કે મુને કેજો.’

‘ હોવ…’ આટલો હોંકારો માંડ દીધો ત્યાં પેલો અંદર આવ્યો.તેને જોતા જ પેલી યુવતી ઓરડામાંથી બહાર નીકળી. નાનકી બાપુ…બાપુ … મા હાથે વાત હું કર લવ પસી જ તમારો વારો આવહી… નવી મા તમારું નામ હુ સ? તમ ચિયો પાવડર લગાવ સો તે આઇટલ્યા ધોળા સો… મનેય તે તમારા દાબડામાંથી તમાર જેવો પાવડર આલજો હો….’ એકસામટું બોલ્યે જતી હતી. શ્યામલી નાનકીની વાતો સાંભળી થોડું હસી ત્યારે જ પેલો બોલ્યો, ‘ નાનકી જા બારે..તને કાઇકી કાઈ આપ્પાના હતા તે બોલાવે સે.’ નાનકી તરત બહાર ગઈ ને શ્યામલી થોડી ધ્રુજી.તે થોડો નજીક આવ્યો હોય એવું લાગ્યું. શ્યામલી ને સમજાયું નહિ કે પોતે શું કરે? ત્યાં જ બોલ્યો,’ કહું સુ, ઝટ તૈય્યાર થઈ જા.મંદિરે જાવાનું સ એવું મા એ કેવડાયું સે.’ 

  પ્રેમનો એક શબ્દ,એક ઉચ્ચાર નહિ…, તે માંડ હા બોલી શકી.તે કિશનની સરખામણી મનોમન કરી ઊઠી પણ હવે …સઘળું બસ પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું.એકવાર પણ કિશન ને હવે એ જોઈ નહિ શકે. તરસ લાગી … ગળું સુકાતું હતું પણ….પોતાની તરસ છીપાવવા કરવું શું… પાણી બહાર હતું…જવું કેમનું….શું કરવું કઈ જ  ના સમજાયું. બધા વિચારો બાજુ પર ખંખેરી રાહ જોવા લાગી કે પેલો બહાર જાય તો પોતે કપડાં બદલી શકે.સામે રાખેલ એક મોટા કાચની તિજોરીમાંથી કપડાં લઈ તે ઓરડામાંથી ગયો ત્યારે હાશ થઈ. થેલામાંથી કપડાં કાઢી ફટાફટ બીજો સાડલો પહેર્યો ત્યાં જ નાનકી પાણીનો લોટો લઈ આવી.ફટાફટ પાણી પી ગઈ. લોટો આપતા કોમળ હાથનો સ્પર્શ થતાં જ થોડું સારું લાગ્યું. એની આંખો જોઈ તે  માંડ થોડું પરાણે હસી ને પછી એનો હાથ પકડી કુળદેવી ને પગે લાગવા મંદિરે ગયા.

    દિવસભર દોડધામમાં વીત્યો.બધા આવીને સાડલો ઊંચો કરી કરી શ્યામલી ને જોતા, ને હાથમાં પાંચ દસ રૂપિયા મૂકતા.પેલો તેના ભાઈબંધો સાથે ઘેરાયેલો હતો. નાનકી બધાને નવી મા પકડી પકડીને બતાવતી હતી.મનમાં થયું, આખી દુનિયાના સઘળાં તેનો ચહેરો જોઈ ચૂક્યા પણ પતિ એ તો તેને ધરાઈને જોઈ જ નહોતી.શું પોતે એને ગમતી નહિ હોય, મરેલી પત્ની ને ભૂલ્યો નહિ હોય..! 

        લગ્નનો થાક, રાતનો ઉજાગરો..શ્યામલી ઊંઘવા તત્પર હતી. પણ પેલા સાથેની પહેલી રાત કેવી જશે ના વિચારોમાં તે બેચેન હતી.સખીઓએ જે વર્ણન કર્યું હતું તે બધું મનમાં ઘૂમરાયા કરતું હતું.રાત થતાં જ અંદરના ઓરડે તે આવી.સાથે પેલો પણ આવ્યો.તે ફરી ધ્રુજી..તિજોરીમાંથી કપડાં કાઢ્યા ને શ્યામલી નજીક બેઠો.ધ્રૂજતી શ્યામલી ને જોઈ ફરી ઉભો થયો ને ઓરડા બહાર જતો રહ્યો.તે કઈ વિચારે તે પહેલાં જ નાનકીનો અવાજ આવ્યો. નાનકીને લઈ ફરી તે રૂમમાં આવ્યો.

‘ આજ આ નાનકી ભેગુ હુય જા, મુ નયાં બીજો ખાટલો ઢાળું સુ .’ નાનકી ખુશ થઈ  ગઈ. મા સાથે સૂવા મળશે… તરત પેલો બીજા ખાટલે ઊંઘી ગયો.શ્યામલીના લગ્નની પ્રથમ રાત્રિ નાનકી સાથે પૂરી થઈ. થાકેલી હોવાથી તરત ઊંઘી જવાયું. નાનકી ને મિત્ર ગણવી કે દુશ્મન તે હજુ શ્યામલી પોતે નક્કી કરી શકી નહિ.સખીઓ ને શું વાત કરવી એ હજુ એમનું એમ જ રહ્યું.

   બીજા જ દિવસથી ઘરકામ ચાલુ થયું. ઢગલાબંધ કામ હતા. માણસ માફક ઓરડા ય વધારે ને કામ એ ય વધારે. આખો દિવસ ઘરકામ કરીને થાકેલી શ્યામલી ને ટેવ પડી ગઈ રોજની પેલાની. રોજ રાત્રે નાનકી સાથે ઓરડામાં આવવું,એ જ તિજોરીમાંથી એક જોડી કપડાં કાઢી ખાટલો ઢાળીને ઊંઘી જવું. તે દારૂ નહોતો પીતો, મારતો નહોતો, પણ તેનામાં પ્રેમ હતો જ નહિ.તે માંસાહાર નહોતો કરતો ને પત્નીને અડકવું તેને ન્હોતું ગમતું.રોજ બસ રાત્રે તે એને જોઈ શકતી. વાતચીત તો થતી જ નહિ. ઢગલો કામ ને સાસુનું વર્તન તો જાણે લાવા ભભૂકતો હોય એવી આજ્ઞાઓ….અઠવાડિયું માંડ વીત્યું. રોજ રાત્રે ખુલતી તિજોરી, ઢળતો ખાટલો ને નિશબ્દ રાત્રિ તેની દિનચર્યાનો ભાગ બની ગયું. આણું કરવા પિયરીયા આવ્યા ને મહિનો ઘેર પિયર રહેવા મોકલી ત્યારે શ્યામલી ને હાશ થઈ.પિયરીયા સખીઓ દ્વારા પુછાયેલ પ્રશ્નોના શ્યામલી કોઈનેય ઉત્તર ના આપી શકી.

 મહિનો ઘરે તે ચૂપચાપ રહી. મા બાપુ ને લાગ્યું કે દીકરી લગ્ન બાદ સમજણી ને શાંત થઈ ગઈ.ઘરે આવી પગનાં કડલાં કાઢવા બહુ પ્રયત્નો કર્યા, પથ્થર માર્યા,પગ આખો લોહીથી ખરડાઈ ગયો પણ કડલાં ના નીકળ્યા. 

મા એ કહ્યું, સામલી…આ કડલાં હવે નો નીકળે… ધણી મરે કે તારો જીવ જાય તારે જ એ ઉતારાય’.

     સાસરેથી  મહિના પછી તેડવા આવ્યા ત્યારે તેને રડવું પણ ના આવ્યું.અઢળક કારણો વચ્ચે શા માટે રડવું એ જ હવે મહત્વનું નહોતું. મા એ તેની આંખો સામે જોયું ત્યારે તે એટલું જ બોલી શકી, 

‘ આ ચાંદીના કડલાંનો ભાર હવ વેઠવો જ પડહી’