ઘરઝુરાપો: વર્તમાન અને અતીતની વચ્ચે અથડામણ

-મોન્ટુકુમાર એ. પટેલ

          અનુઆધુનિક ગુજરાતી સાહિત્યમાં નારિવાદી ચેતના, દલિત ચેતના, ગ્રામ ચેતના, નગરચેતના અને વિદેશી સાહિત્ય અથવા ડાયસ્પોરિક સાહિત્ય જેવી વિવિધ ધારાઓ જોવા મળે છે. વિદેશમાં રહીને ગુજરાતી ભાષામાં સાહિત્ય સર્જન કરવાની પ્રવૃત્તિ વિકસી તે વીસમી સદીની દેન છે. ડાયસ્પોરા સાહિત્ય ગુજરાતી સાહિત્યના મુખ્યપ્રવાહોની જ શાખા છે. ડાયસ્પોરા શબ્દ ગ્રીકભાષાના DIA+SPORA એમ બે શબ્દોનો બનેલો છે. DIA એટલે એકમાંથી બે થવું અથવા અલગ થવું, SPORA એટલે બિયાં અથવા છૂટું નંખાયેલું બિયારણ. છૂટા છવાયા બીજ અથવા બિયાં ફેંકાય અને એમાંથી જે ઊગે તે ‘ડાયસ્પોરા’. ઇતિહાસ  પ્રસિદ્ધ માન્યતા પ્રમાણે ‘ડાયસ્પોરા’ શબ્દ યહૂદી પ્રજાનો છે કે તેમના માટે વપરાયેલો છે.

          ડૉ. ધીરુ પરીખના મતે, “ડાયસ્પોરા એટલે દેશાન્તરનિવાસી.”

          ગુજરાતીઓનું ગુજરાત બહાર અન્ય દેશોમાં સ્થળાંતર અને સાહસિકતા તેની આગવી ઓળખ બની ગઈ છે. આજે ગુજરાતી પ્રજા લગભગ એક સો પચીસથી વધુ દેશોમાં વસવાટ કરે છે. જેમ કે, અમેરિકા, બ્રિટન, આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, હોંગકોંગ, ચીન, જાપાન, દુબઈ, કેનેડા, વગેરે દેશોમાં વસતા ગુજરાતી પ્રેમીઓ દ્વારા ગુજરાતી ભાષા-સાહિત્ય અને સંસ્કૃતિના ધબકારને જીવંત રાખવાનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. જે તે દેશનો સમાજ, માહોલ, પરિસ્થિતિ, વાતાવરણ, સંઘર્ષ, અનુભવો, અંગત લાગણીઓ અને મનોભાવોને શબ્દો દ્વારા વાચા આપીને કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ, નાટક, વિવેચન, ગઝલ, પ્રવાસવર્ણન, લઘુકથા, પત્રકારત્વ વગેરે ક્ષેત્રોમાં સર્જનકાર્ય થઈ રહ્યું છે.

          ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય એટલે ગુજરાત બહાર વિદેશમાં વસતા ગુજરાતી સર્જકો દ્વારા સર્જન પામેલું સાહિત્ય. છેલ્લા પાંચેક દાયકમાં આ સાહિત્ય ઉત્તરોતર વૃદ્ધિ પામતું રહ્યું છે.

          અમેરિકા સ્થિત કવિઓના હાથે ગુજરાતી ડાયસ્પોરા કવિતા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન થયું છે. આ નોંધપાત્ર પ્રદાન કરનારા કવિઓમાં આદિલ મન્સૂરી, પન્ના નાયક, બાબુ સુથાર, ભરત ઠક્કર, નટવર ગાંધી, પ્રીતિસેન ગુપ્તા, ભરત ત્રિવેદી, શકુર સરવૈયા, પ્રીતમ લખલાણી, સુધીર પટેલ વગેરેએ કવિતા ક્ષેત્રે પોતાની કલમ ચલાવી છે. આ બધા કવિઓમાંથી બાબુ સુથાર નોંખા ઉપસી આવે છે.

          બાળપણમાં ‘ભોદિયા’ નામથી જાણીતા કવિશ્રી બાબુ સુથારનો જન્મ ભારોડી નામના ગામમાં થયો હતો. પિતાનું નામ કોહ્યાભાઇ. તેમના જન્મસમયે આ ગામ બાલાસિનોર તાલુકો અને ખેડા જિલ્લામાં હતું. હાલમાં આ ગામ મહીસાગાર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલું છે. કવિની જન્મતારીખ ૧ જૂન, ૧૯૫૫ શાળાના રેકોર્ડ મુજબ છે, જે ખોટી છે. સાચી જન્મતારીખ વિશે તેઓ પોતાની આત્મકથા ‘મને હજી યાદ છે-૧’ માં કહે છે, “મારો જન્મ ૧૯૫૬ના ઑગસ્ટ માહિનામાં અર્થાત શ્રાવણ મહિનામાં બળેવના દિવસે કે એના એક બે દિવસ પહેલાં થયો હતો.”

          તેમણે પ્રાથમિક શિક્ષણ વતનમાં મેળવ્યું. બી.એ. ગુજરાત યુનિવર્સિટી (૧૯૭૯), એમ.એ. ની પદવી ગુજરાતી વિષય સાથે એમ. એસ. યુનિવર્સિટીમાંથી (૧૯૮૧) ત્યારબાદ એમ.એ.ની પદવી ભાષાવિજ્ઞાન વિષયમાં પ્રથમ વર્ગ સાથે એમ.એસ. યુનિ. વડોદરાથી પ્રાપ્ત કરી હતી અને આ પદવી મતે હરગોવિંદદાસ કાંટાવાળા સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયો હતો. એમ.એ.ના શરૂઆતના અભ્યાસ દરમિયાન ટેલિફોન ઓપરેટરની નોકરી કરી હતી. એમ.એ. પૂરું કાર્ય બાદ એમ.એસ. યુનિ. ના ભાષાવિજ્ઞાન વિભાગમાં ટીચિંગ આસિસ્ટન્ટની નોકરી મળી તો બીજી બાજુ સંદેશમાં પત્રકાર તરીકે પણ કામ કરતાં હતા. તેમણે ભરતી મોદીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી મેળવી. ત્યારબાદ તેઓ અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સાઉથ એશિયા સ્ટડીઝ વિભાગમાં ગુજરાતીનું અધ્યાપન કાર્ય કર્યું. તેમના ઘડતરમાં બે મહાનુભાવોનો વિશેષ ફાળો. એમ.એ.ના અભ્યાસ દરમિયાન ભરતી મોદી અને સુરેશ જોશી તેમના શિક્ષકો હતાં. જેમને કવિને કાચા ઘડાનો આકાર આપ્યો અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા એ તો એ ઘડાને પકવવા માટેના એક નિભાડા તરીકે કામ કર્યું.”

          ડૉ. બાબુ સુથાર ગુજરાતી ભાષા-સાહિત્યનું એક વિરલ વ્યક્તિત્વ, સર્જક, ભાષાવિજ્ઞાની, ભાષાના તત્ત્વચિંતક અને સંપાદક તરીકે ખ્યાતનામ છે. નવલકથા, નવલિકા, કવિતા, વિવેચન, બાળસાહિત્ય અને અનુવાદ ક્ષેત્રે તેમની કલમ અને સર્જનશીલતા વહેતી રહી છે. તેમની પાસેથી ‘શ્રીમદ્ કાગડાપચ્ચીસી’, ‘વાક્યકથા’, ‘વળગાડ’, ‘નિંદ્રાવિયોગ’, ‘કાંચડો ને દર્પણ’ જેવી ભિન્ન ભિન્ન વિષયોને રજૂ કરતી નવલકથાઓ મળે છે. ‘ગુરુજાપ અને માંલ્લું’, ‘સાપફેરા’, ‘વિષાદોત્સવ’, ‘નદીચાલીસા’, અને ‘ઘરઝુરાપો’ જેવા કાવ્યસંગ્રહો મળે છે. ‘ચોતરેથી’, અને ‘ઘણઉઠાવ’ એમના વિવેચન સંગ્રહો છે. સાહિત્ય ઉપરાંત ભાષાવિજ્ઞાન ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. ભાષાની પ્રથમ ‘લનર્સ ડિક્શનરી’ તૈયાર કરવાનું માતબર શ્રેય તેમને ફાળે જાય છે. ‘સંધિ’ ત્રૈમાસિકનું સંપદાન પણ તેમને સંભાળ્યું હતું. ઇયતા અને ગુણવત્તાની દૃષ્ટિએ સર્જકનું સર્જન અનુઆધુનિકયુગના સર્જકોમાં ગણનાપાત્ર સ્થાન અપાવે તેવું છે.

          ‘સંધિ’ સામયિકમાં ‘એક કાવ્ય’ નામે કવિની કવિતા પ્રકાશિત થાય છે. આ કવિતામાં કવિતા વિશે કવિ કહે છે,

“હું કવિતા નથી લખતો.
હું તો મારી ઇન્દ્રિયો પર લાગેલા લૂણને માત્ર સાફ કરતો હોઉં છું.
હું મારી ભાષાના કેટલાક શબ્દોનું
આયુષ્ય વધારવાનું કામ કરતો હોઉં છું.
મને સામાજીક વાસ્તવિક્તા શું છે
એની ખબર નથી.
મને રૂપાન્તર નામની બલાની પણ ખબર નથી.
મને ‘પદાવલી’, ‘કલ્પન’ જેવા શબ્દો
‘ખમીસ’ અને ‘ચડ્ડી’ કરતાં ઉપયોગી નથી લાગતા.
હું છંદમાં કવિતા નથી કરતો.
પણ હું છંદશાસ્ત્ર જાણું છું.
એ શાસ્ત્રના જ્ઞાનના આધારે
હું એટલું કહી શકું કે
છંદને ધૂપેલની જેમ માથામાં નાખી શકાય નહીં.
એનો કાંસકાની જેમ માથું ઓળવા માટે પણ ઉપયોગ કરી શકાય નહીં.
સાચું પૂછો તો મને છંદ કરતાં ઊલિયું વધારે મહત્વનું લાગે છે.
કેમ કે એનાથી હું આખી રાત દરમિયાન
મારી જીભ પર ભેગો થયેલો કચરો
દૂર કરી શકતો હોઉં છું.”

          બાબુ સુથાર ગ્રામીણ પરંપરા, માન્યતાઓ, રીત-રિવાજો અને વિધિ-વિધાનોને વિષયવસ્તુ બનાવીને કવિતામાં નિરૂપિત કરતાં રહ્યાં છે. અનુઆધુનિક કવિતાનું એક મહત્ત્વનું લક્ષણ પોતાના મૂળ-કુળની વાત, પરંપરા વગેરે વિષયો કવિની કવિતામાં સબળ રીતે આલેખિત થયા છે.

          બાબુ સુથારની કવિતામાં અનુઆધુનિક કવિતાના લક્ષણો ઘરઝુરાપોની કવિતામાં વિશિષ્ટ રીતે પ્રગટ થયેલા જોવા મળે છે.

Home Thoughts from Abroad

“Oh, to be in England
Now that April’s there,
And whoever wakes in England
Sees, some morning, unaware,
That the lowest boughs and the brushwood sheaf
Round the elm-tree bole are in tiny leaf,
While the chaffinch sings on the orchard bough
In England—now!”

“આહ, હમણા હોવું ઇંગ્લેન્ડમાં
એપ્રિલ આવ્યો છે ત્યાં જ્યારે,
અને જાગશે જે પણ કોઈ ત્યાં ઇંગ્લેન્ડમાં
એ જોશે કે, જાણબહાર જ, કો’ક સવારે,
નીચામાં નીચી ડાળીઓ ને ગુચ્છા ઝાડીઝાંખરાના
વિશાળ એલ્મ વૃક્ષની ફરતે ફૂટી રહ્યાં છે પાંદડા નાના,
જ્યારે ફળવાટિકાની ડાળોમાં કોયલ ગીતો ગાઈ રહી છે,
ઇંગ્લેન્ડમાં -અત્યારે!….”

          ઘર-ઝુરાપો અને વતન-ઝુરાપો ખરેખર શું છે એનો અનુભવ મોટા ભાગના મનુષ્યોને જીવનના કોઈકને કોઈક તબક્કે તો થતો જ હોય છે. રોબર્ટ બ્રાઉનિંગની આ રચના ઘરઝુરાપાની જ વ્યથા છે. કવિને કદાચ રોબર્ટ બ્રાઉનિંગની રચનાઓ ઉપરથી પ્રેરણા મેળવીને ઘર અને વતનથી દૂર થયાની વેદનાની વાત ઘરઝુરાપોના કાવ્યોમાં કરી છે.

          ઘરઝુરાપો આપણને આપણી અપૂર્ણતાની લાગણી કરાવતો હોય છે. (સિયોરાન પચ્ચીસી, અનુ. બાબુ સુથાર)

          કવિનો ઇ.સ. ૨૦૧૦માં પ્રકાશિત થયેલો અપૂર્ણતાની લાગણીનો અહેસાસ કરાવતો અછાંદસ કાવ્યસંગ્રહ છે ઘરઝુરાપો (Nostalgia). આ કાવ્યસંગ્રહનું મુખપૃષ્ઠ ખ્યાતનામ ચિત્રકાર શ્રી અતુલ ડોડીયાએ તૈયાર કર્યું છે અને શ્રી જયંત પારેખ અને શ્રી રસિક શાહને આ કાવ્યસંગ્રહ અર્પણ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૦નો ડાયસ્પોરા લેખન પારિતોષિક (એવોર્ડ ફોર ડાયસ્પોરા રાઇટિંગ) ઘરઝુરાપો કાવ્યસંગ્રહને કેન્દ્રમાં રાખીને એનાયત કરવામાં આવ્યો છે. જુદા જુદા સામયિકોમાં આ કાવ્યસંગ્રહની કવિતાઓ પ્રકાશિત થયેલી છે. ડૉ. બાબુ સુથાર ડાયસ્પોરા લેખન પરિતોષિક મેળવનાર પ્રથમ સર્જક હતા. આ પુરસ્કાર રાજકોટની ગ્રીડ્સ સંસ્થા દ્વારા ઑક્ટોબર, ૨૦૧૦માં આપવામાં આવ્યો હતો. ઘરઝુરાપો કાવ્યસંગ્રહમાં કુલ એકતાળીસ કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાવ્યોને કવિએ ચાર ઊથલામાં ગ્રંથસ્થ કર્યા છે.

પ્રથમ ઊથલો ‘એતદ્’ નામના સામયિક અગિયાર જેટલી રચનાઓ સાથે પ્રકાશિત થયો હતો. બીજો ઊથલો ‘તથાપિ’ નામના સામયિકમાં આઠ જેટલી રચનાઓ સાથે પ્રગટ થયો હતો. ઊથલો ત્રીજો પણ ‘તથાપિ’ સામયિકમાં આઠ રચનાઓનો સમાવેશ થાય છે. ચોથો ઊથલો ‘સંધિ’ નામના સામયિકમાં પ્રગટ થાય છે.

          ઘરઝુરાપોના પ્રથમ ઊથલાની પ્રથમ રચના અમેરિકાના ફિલાડેલ્ફિયામાં આવેલ કવિના નિવાસસ્થાનની આજુબાજુની વર્તમાન પૃષ્ઠભૂમિથી પ્રારંભાઈને કવિના ગુજરાતસ્થિત વતનનું ગામ ભરોડીના અતીતમાં જઈને વિરમે છે. કવિની વર્તમાનની ક્ષણો અને અતીતની સ્મૃતિઓને સાથે સાથે મૂકાતા તેમાંથી વ્યક્ત થતો ડાયસ્પોરાનો ભાવ કેવો રસાસ્વાદ કરાવે છે તે જુઓ,

“બરફ પડી રહ્યો છે,

વીજળીના અજવાળા સાથે ચાંદીની પતરીઓ

ઘસાઈ રહી છે.

દિવસે અંગૂઠાના નખ જેવડું લાગતું આ શહેર,

રાત્રે જોજનોના જોજન સુધી

પથરાઈ ગયું છે.

વૃક્ષોની અંદર અને વુર્ક્ષોની બહાર

સૂનકાર જાળાં ગૂંથી રહ્યો છે.

મને યાદ આવે છે મારા ગામની એ રાતો

જ્યારે હું સૂતો હતો ઓસરીમાં

ઉંના મોલની અનાગલી ઝાલીને

કયારેક હું બાએ કહી વિક્રમ રાજાની વાર્તામાં

આવતા ઘોડાની પીઠ

પર

દોડી પલાણતો.”

          કવિ વર્તમાનથી વાત આરંભે છે અને પહોંચી જાય છે ભૂતકાળના સ્મરણોમાં, ઘર, વતન અને ઓસરીમાં, બાની વાર્તાઓમાં. કવિએ એક છેડે કૃષિજીવન, ગ્રામ્યજીવન તો બીજા છેડે નગરજીવનની વાસ્તવિકતા પણ બતાવી છે. આ કાવ્યમાં પોતાના ઘર, ગામ-વતનનો ઝુરાપો અનેક કથાઓ, લોકકથાઓ, દંતકથાઓ, સંદર્ભો આવે છે. બાળપણમાં જીવાયેલી અને સ્મૃતિપટમાં ઝિલાયેલો સમયગાળો આ કાવ્યમાં રજૂ થયો છે.

          પરદેશમાં રહેવા છતાં વતન પ્રત્યેનો લગાવ, પ્રેમ અને સૂનકાર ડાયસ્પોરિક કવિતાનું મહત્ત્વનું લક્ષણ છે. ગ્રામીણજીવનમાં ઇતિહાસ, લોકકથા, રિતરિવાજો, રૂઢિઓ, પરંપરા, માન્યતા, દંતકથા વગેરેનું કેટલું બધું મહત્ત્વ છે તેના વિવિધ સંકેતો કાવ્યાત્મક રીતે રજૂ થયા છે.

“ઘરઝુરાપોનું ચોઘડિયું હવે પૂરું થયું

માતાજીનો રથ નીકળે

એમ ગામ નીકળેલું

મારી નાડીઓમાં

એને હમણાં જ વળાવીને પાછો આવ્યો છું

મારી હયાતીના ઝાંપે.”

          ભૂતકાળમાં ગામમાં જીવાયેલી અને માનસપટમાં ઝિલાયેલી સ્મૃતિઓને વાચા આપવા માટે કવિ વર્તમાનથી અતીત તરફ જાય છે અને તેમાંથી કપોળકલ્પના રચે છે અને તેમાંથી પમાતો ઘરઝુરાપોનો ભાવ વર્તમાન અને અતીતની વચ્ચે અથડાયા કરે છે.

          ઘર અને વતન વિશેનું ચિત્ર જયારે કવિના માનસપટમાં બદલાયેલું જોવા મળે છે ત્યારે અતીતનું માધુરી અને વર્તમાનનો વલોપાતનો સમય કવિની નજર સમક્ષ તરવરે છે.

“ઘરઝુરાપાનો

હવે કોઈ અર્થ રહ્યો નથી

જોતાંની સાથે જ

જેમ બાળક

માને જોઇને બાઝી પડે

એમ

છેલ્લે જ્યારે હું મારે ગામ ગયો ત્યારે

મારા ગામના પાદરને

બાઝી પડેલો

મને

એમ કે પાદર મને ઊંચકી લેશે

મને એમ કે પાદર મને

એક ખભેથી બીજા ખભે કરશે

અમને એમ કે પાદર મને…

પણ એવું કઈ ના બન્યું

ઊલટાનો હું લોહીલુહાણ થઈ ગયો

મારા રોમેરોમમાં…”

          કવિ આ વાતની પુષ્ટિ મને હજી યાદ છે-૫૭ (ઘરમાં ઘરઝુરાપો) માં કરે છે. “લુણાવાડામાં થોડો આરામ કરીને અમે ભરોડી ગયાં. કોણ જાણે કેમ મને કારમાં બેસીને મારા ગામમાં પ્રવેશવાનું જરા પણ ગમ્યું ન હતું. મને લાગેલું કે હું કોઈક ભૂલ કરી રહ્યો છું. જે રસ્તાઓ પર હું ચડ્ડી અને ખમીસ પહેરી, બે હાથની મુઠ્ઠીઓ વાળીને, આમતેમ દોડ્યો હોઉં એ રસ્તાઓ પર હું કારમાં બેસીને જાઉં એ પરિસ્થિતિએ મને અંદરથી હચમચાવી નાખેલો. મારે પાછા પેલું ચડ્ડી-ખમીસવાળું બાળક બની જવું હતું. પણ એ શક્ય ન હતું.

          ભરોડી એક તો સાવ નાનું ગામ. … ઘર પાસે કાર ઊભી રાખી હું કારમાંથી બહાર નીકળ્યો કે તરત જ મને કેટલીક ભેંસોનું ભાંભરવું સંભળાયું. એ ઘડીએ જ મને લાગ્યું કે હું હવે મારા ગામમાં આવી ગયો છું. જો કે, એ ક્ષણે મને બીજી પણ એક લાગણી થયેલી. મને થયેલું: અરે હું કેટલાં બધાં વરસો દૂર હતો મારા વતનથી! કેમ કે, અમેરિકામાં મેં આટલાં બધાં વરસો દરમિયાન ક્યારેય ભેંસો ભાંભરતાં સાંભળી ન હતી. મને હજી પણ યાદ છે: ભેંસોના ભાંભરવાનો અવાજ જેવો મારા કાન પર પડ્યો એ જ ક્ષણે ભેંસોના પોદળાની ગંધ પણ મને ઘેરી વળેલી. પણ કોણ જાણે કેમ મને એ ગંધ અજાણી લાગતી હતી. મારાથી કદાચ એ ગંધ સહન પણ થતી ન હતી.”

          ત્રીજા ઊથલામાં કવિએ પરંપરાઓ, માન્યતાઓ, રિતરિવાજો, ભૂતપ્રેત, અંધશ્રદ્ધા, વહેમ તથા ગ્રામીણજીવનની ગતિવિધિઓનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે.

“આજે કાળી ચૌદશ

આજે ફૂટેલા હાંડલીમાં આખું વરસ ગાળ્યા પછી

રૂપલી ડાકણ બહાર આવશે…

વરસાદ નહીં હોય તોપણ

ઈશ્વર પોતાનું મોં છુપાવવા

છત્રી લઈને આ છેડેથી પેલે છેડે નીકળી જશે.”

          છેલ્લા ઊથલામાં કોમી હુલ્લડો, હિંસાચાર, ભ્રષ્ટાચાર, સાંપ્રત રાજકારણ અને રાજકારણીઓ પર કવિએ પ્રતીકાત્મક રીતે વ્યંગ અને કટાક્ષ કર્યો છે.

“કાંચડાઓની સભા મળી છે

વડો કાંચડો એ સભાઓને સંબોધી રહ્યો છે

એકડાથી માંડીને મીંડા સુધી

બધે જ આપણાં રાજ્યો છે.”

          અનુઆધુનિક કવિતાના લક્ષણોને રજૂ કરતી બાબુ સુથારની કવિતામાં તળપદા શબ્દો, વાક્યમાં એકથી વધુ વખત આવતા આવર્તનો દ્વારા લય અને ભાષાને ધારદાર બનાવે છે. ગ્રામચેતનાના સૂક્ષ્મ સંકેતો, ઇતિહાસ, દંતકથા, લોકકથા, ગ્રામ્ય પરિવેશ અને બીજીબાજુ એ પરંપરાનું એક નવું ભાવજગત જોવા મળે છે. ગામની આજુબાજુની ટેકરીઓ, ડુંગરા, ખેતરો, વાડીઓ, બાવળના જંગલો વગેરેની સૃષ્ટિ અનેક સાંકેતિક સંદર્ભો વડે ડાયસ્પોરાનો ભાવ રચે છે. ભાવ, ભાષા, સંવેદન અને અભિવ્યક્તિના સંદર્ભમાં કવિનું કવિકર્મ નોંધપાત્ર છે.

          કવિની કવિતા વિશે કવિશ્રી મણિલાલ હ. પટેલ નોંધે છે કે, “કાવ્યનાયકનો ઘરઝુરાપો અનેક આયામોમાં અભિવ્યક્તિ પામે છે. વ્યતીત અને એ કાળનું વાસ્તવ આ કાવ્યોમાં ‘અતિવાસ્તવવાદી’ રીતે અભિવ્યક્ત પામતું કળાશે… તો વળી કવિએ આધિ, ભૌતિકવાદી તરકીબો પણ યોજી છે… એટલે કાવ્યોમાં સંકુલતા તથા વૈવિધ્ય આવે છે… અહીં કશું સપાટ રીતે કહી દેવાયું નથી. એને સૂક્ષ્મતા અપાઈ છે. અથવા ફેન્ટસી વડે વધુ પ્રભાવક બનાવાયું છે.” (કવિતા કાલની અને આજની, પૃ-૨૪૩)

          બાબુ સુથાર ગ્રામીણચેતના જેવા મહત્ત્વના અનુઆધુનિક લક્ષણને ભાષાઅભિવ્યક્તિની નિજી તરેહને કારણે બાબુ સુથાર આ સમયના આધુનિક, પ્રયોગશીલ અને મહત્ત્વના કવિ છે. ઘરઝુરાપોની કવિતા સુંવાળી છતાં બાવળના સૂળ સમી અણીયાળી છે એમ કહી શકાય. ઘરઝુરાપોએ એક બાજુ વાસ્તવિક વર્તમાન અને બીજી બાજુ અતીતની અથડામણના અનેક આયામો અને અપૂર્ણતાની લાગણીનો અહેસાસ કરાવતો કાવ્યસંગ્રહ છે.

સંદર્ભ:

ઘરઝુરાપો, બાબુ સુથાર, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, ૨૦૧૦

કવિતા કાલની અને આજની, મણિલાલ હ. પટેલ,

અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો, મધુસૂદન કાપડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી, ૨૦૧૧

અમેરિકામાં ભારતીયો, પ્રવીણ ન. શેઠ, ગુજરાત સાહિત્ય અકાદમી, ૨૦૦૧

મોન્ટુકુમાર એ. પટેલ

મદદનીશ પ્રાધ્યાપક,

ગુજરાતી વિભાગ,

ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ,

જામનગર.