ઘણા સહેલા સવાલોના જવાબો હોય છે અઘરા.

-ધ્રુવ દેસાઇ

ઘણા સહેલા સવાલોના જવાબો હોય છે અઘરા.

પતાવો તોય બાકી રહે હિસાબો હોય છે અઘરા.

ગણો દિવાની મીરાંને ભલે પાગલ એ નરસૈંયો,

પ્રભુને પામનારાનાં રુઆબો હોય છે અઘરા.

બધાને રાખીને સાથે કરે હર કામ એ સૌના,

મળ્યાં’તા એક સમયે તે નવાબો હોય છે અઘરા.

નથી સહેલાઈથી મળતાં ઇનામો એ શહીદોને,

શહાદત વ્હોરનારાના ખિતાબો હોય છે અઘરા.

મળે છે સાવ આસાનીથી જો યત્નો કરી લઈએ,

સતત જે જાગતાં રાખે એ ખ્વાબો હોય છે અઘરા.

નભે જેને મળ્યું છે સ્થાન ઊંચુ સૌ સિતારામાં,

એ ધ્રુવને માત દે જે આફતાબો હોય છે અઘરા.

~ ધ્રુવ દેસાઈ