ડૉ. રાજેન્દ્રકુમાર રમેશભાઈ બાંભણિયા
ભારતીય સાહિત્ય ક્ષેત્રે જેમનું નામ હંમેશા ખૂબ માનપૂર્વક લેવાય છે એવા સર્જક પ્રેમચંદ (1880 – 1936) હિન્દી અને ઉર્દૂના ભાષાના નોંધપાત્ર સાહિત્યકાર છે. તેમનું મૂળ નામ ધનપત રાય શ્રીવાસ્તવ. સાહિત્યજગતમાં તેઓ નવાબ રાય અને મુનશી પ્રેમચંદ તરીકે ઓળખાય છે. હિન્દી ભાષામાં લખાયેલી તેમની વાર્તાઓ અને નવલકથાઓએ એ સદીના સાહિત્યસર્જકોને સાહિત્યમાં વાસ્તવ નિરૂપણની એક નવી દિશા ચીંધી હતી. તેમની પાસેથી ૧૮ જેટલી નવલકથાઓ અને ૩૦૦ ઉપરાંત વાર્તાઓ મળે છે. તેઓ એક સંવેદનશીલ લેખક, જાગૃત નાગરિક, કુશળ વક્તા અને વિદ્વાન સંપાદક હતા. નવલકથા ક્ષેત્રે તેમનું યોગદાન જોઈને પ્રખ્યાત બંગાળી નવલકથાકાર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમને “નવલકથા સમ્રાટ” (उपन्यास सम्राट) કહીને સંબોધ્યા છે. ૧૯૩૬માં પ્રકાશિત “ગોદાન” એ તેમની અંતિમ પૂર્ણ નવલકથા છે. તેમની તો ખરી જ, પરંતુ હિન્દી અને ભારતીય સાહિત્યની પણ તે એક નોંધપાત્ર નવલકથા છે.
‘ગોદાન’ નવલકથામાં હોરી નામનો ખેડૂત કેન્દ્રસ્થ પાત્ર છે. તે સખત મહેનત કરીને તેના પરિવારનું ભરણપોષણ કરે છે. પરંતુ કમનસીબે હોરી પર દેવાનો બોજ છે. હોરી રાયશેઠના ઘરે પણ કામ કરે છે. હોરીને ઘણા વર્ષોથી પોતાને ઘેર ગાય રાખવાની ઈચ્છા છે. જેથી તેના બાળકો પણ દૂધ અને દહીં ખાઈ શકે. એક દિવસ હોરી રસ્તામાં તેના મિત્ર ભોલાને મળે છે. ભોલો વિધુર થયો છે. તેની પાસે ઘણી ગાયો છે પણ તેના સિવાય એ ગાયોને સાચવનાર કોઈ નથી. હોરી ભોલાને કહે છે કે તું મને એક ગાય આપ હું તને કન્યા શોધવામાં મદદ કરીશ. બીજી બાજુ ભોલાની વિધવા દીકરી ઝૂનિયા અને હોરીના દીકરા ગોબર વચ્ચે પ્રણયાંકુર વિકસે છે. ઝૂનિયા ગર્ભવતી બને છે. ગોબર શરૂમાં તો તેને ગામથી દૂર શહેરમાં ભગાડી જવાનું વિચારે છે. પણ પછી ડરનો માર્યો ઝૂનિયાને છોડી તે એકલો શહેરમાં ભાગી જાય છે. હોરીની પત્ની ધનિયા ઝૂનિયાને વહુ તરીકે અપનાવે છે અને પોતાના ઘર-પરિવારમાં સ્થાન આપે છે. પણ ઝૂનિયાના પિતા ભોલાને આ ગમતું નથી. તે ઝૂનિયાને પણ નફરત કરવા લાગે છે. તે હોરીને કહે છે કે કાં તો ઝૂનિયાને ઘરમાંથી બહાર કાઢી નાખ અથવા આપણા બેની મિત્રતા ખત્મ સમજી મેં આપેલ ગાયની કિંમત મને ચૂકવ. ગરીબ હોરીને કેમેય કરી ગાયની કિંમત ચૂકવવી પડે છે. બીજી બાજુ ઝૂનિયાને લીધે પંચાયતમાં પણ હોરી અને તેના સમગ્ર પરિવારની ભારે બદનામી થાય છે. ઉપરથી પંચાયત હોરીને સજા કરે છે કે તેના ખેતરના પાકનો અડધો પાક પંચાયતને આપવો પડશે. આ બાજુ હોરીનો ભાઈ હીરો ઈર્ષાનો માર્યો હોરીની ગાયને ઘાસમાં ઝેર ભેળવી મારી નાખે છે. હોરી પાસે કશું જ બચતું નથી. તે ફરી મજૂરી કરવા લાગે છે. ગોબર શહેરમાંથી પાછો આવે છે. તે થોડા પૈસા કમાયો છે તેનાથી પિતાનું દેવું ભરી પિતાનો આર્થિક ભાર હળવો કરવા મથે છે. પણ પૈસા ખૂટતા ફરી તેને શહેરમાં કમાવા જાવું પડે છે. આ બાજુ અચાનક હોરીની તબિયત બગડતાં તેની બંને દીકરીઓએ તેની જગ્યાએ મજૂરીકામ કરવા જવું પડે છે. થોડા સમય પછી હોરીનું મૃત્યુ થાય છે. હોરીનું ક્રિયાકર્મ કરવાના બદલામાં પંડિતજી ધનિયાને કહે છે કે તારા આખા સમાજને જમાડ અને ક્રિયાકર્મ કરનાર પંડિતને એક ગાય દાનમાં આપ. ત્યારે ધનિયા વિચારે છે કે જે જીવતે જીવત ગાયનું સુખ ના પામી શક્યો એના મૃત્યુ પછી આ પંડિત એની મુક્તિ અર્થે ગાયનું દાન કરવાનું કહે છે.
હોરી, ધનિયા, ગોબર વગેરે પાત્રોની કથા નિમિત્તે પ્રેમચંદ આ નવલકથામાં ગ્રામીણ અને શહેરી જીવનની નાનાવિધ સમસ્યાઓનું વાસ્તવિક નિરૂપણ કરે છે. કૌટુંબિક સમસ્યાઓ, જાતિગત ભેદભાવ, ગ્રામજનો પર પોલીસનો આતંક, રાજકીય અને આર્થિક સમસ્યાઓ વગેરે સમસ્યાઓનું નિરૂપણ પ્રેમચંદે ખૂબ જ સહજ રીતે કરેલ છે. સમાજમાં જોવા મળતી સામાજિક અને આર્થિક સમસ્યાઓ તરફ તેમનું ધ્યાન વિશેષ છે. આ સમસ્યાઓના મૂળમાં તેઓ અંધશ્રદ્ધા અને ધાર્મિક ભય, જમીનદારો, ખેડૂતો, પટવારીઓ વગેરે દ્વારા સામાન્ય જનનું શોષણ, કર ચૂકવવામાં મુશ્કેલીને કારણે ઘર ખાલી કરવું, મૂડીવાદીઓ, શાહુકારો, સરકારી અધિકારીઓ, પોલીસ, ગ્રામ પંચો દ્વારા શોષણ, નિરક્ષરતાને કારણે ગ્રામજનોની દુર્દશા વગેરે બાબતો જુએ છે. લગ્ન વિષયક રીતિરીવાજોને લીધે ઊભી થતી સમસ્યાઓ, શહેરના યુવામાનસ પર પશ્ચિમી જીવનપ્રણાલીનો વધી રહેલો પ્રભાવ અને તેના પરિણામે તેમનામાં આવતી સ્વચ્છંદતા જેવી સમસ્યાઓથી પણ તેઓ ભાવકને અવગત કરાવે છે.
ગ્રામ્યજીવનનું પ્રતીતિકર વાતાવરણ ઊભું કરવા તેઓ ખેડૂત, શાહુકાર, જમીનદાર, ગોવાળ, પંડિત, પોલીસ વગેરે તમામ વર્ગના પાત્રોનું નિરૂપણ કરે છે. તો શ્રીમંત, સંપાદક, અધિકારી, મિલ-માલિક, વકીલ, મેયર, પ્રોફેસર, વીમા એજન્ટ વગેરના પાત્રોના વાસ્તવિક નિરૂપણથી શહેરીજીવનનો ચાક્ષુસ પરિચય કરાવે છે. એક તરફ ગ્રામ્ય સમાજની ઘરેલું સ્ત્રીઓ અનેક સમસ્યાઓનો સામનો કરે છે તો બીજી તરફ શહેરની શિક્ષિત સ્ત્રીઓમાં સ્વતંત્રતાને નામે વધી રહેલ સ્વચ્છંદતા પર પ્રકાશ પાડતાં તેઓ લખે છે : “मुझे खेद है, हमारी बहने पश्चिम का आदर्श ले रही है, जहां नारी ने अपना पद खो दिया है और स्वामिनी से गिरकर विलास की वस्तु बन गई है। पश्चिम की स्त्री स्वछंद होना चाहती है। इसलिए की वह अधिक विलास कर सके हमारी माताओं का आदर्श कभी विलास नहीं रहा। पश्चिम की स्त्री आज गृहस्वामिनी नहीं रहना चाहती। भोग की विदग्ध लालसा ने उसे उच्छृंखलता बना दिया है।”
એ સમયની ગ્રામ્યજીવનની અસમંજસભરી આબોહવાનું પણ સુંદર અને કલાત્મક નિરૂપણ અહીં જોવા મળે છે. ઔધોગિક ક્રાંતિને કારણે ગોબર જેવા અનેક યુવાનો રોજગાર માટે ગામડાઓમાંથી શહેરો તરફ સ્થળાંતર કરવા લાગ્યા. તો બીજી બાજુ માલતી – મહેતા જેવા શિક્ષિત યુવક-યુવતીઓ ગ્રામસુધારણા અર્થે શહેરોમાંથી ગામડાઓમાં જવા લાગે છે. શહેરમાં જતા ગરીબ ગ્રામીણ લોકો મિલોમાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે. એમની ગરીબાઈ, લાચારી અને નિરક્ષરતા તેમને શહેરના જમીનદારો, મૂડીવાદીઓ અને મિલમાલિકોની શોષણવૃત્તિનો શિકાર બનાવે છે. ગ્રામજીવન અને શહેરજીવનના ઉભય કથાનકનું એક જ નવલકથામાં નિરૂપણ તત્કાલીન ભારતનું સર્વગ્રાહી ચિત્ર રજૂ કરે છે. શહેરજીવનમાં શોષણનો ભોગ બનતો મજૂર વર્ગ આજે પણ આપણે જોઈએ છીએ, જે સર્જક પ્રેમચંદની દીર્ઘદૃષ્ટિનો પરિચાયક બની રહે છે. જોકે પ્રેમચંદ, પન્નાલાલ પટેલ વગેરે જેવા સર્જકોએ ખેડૂતો અને મજૂરોના કરેલ વાસ્તવલક્ષી નિરૂપણોને કારણે આજે એમનાં અધિકારોનું રક્ષણ કરતાં ઘણાં કાયદાઓ અમલમાં આવ્યાં છે. તેમ છતાં હજુ શોષણની આ પરંપરા અટકી નથી એ વરવી વાસ્તવિકતા છે.
ગોદાનમાં ગ્રામ્યજીવનની કથા મુખ્ય છે કે નગરજીવનની કથા મુખ્ય છે એ અંગે વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે. ઘણાં વિવેચકો ગોદાનમાં નિરૂપાયેલ ગ્રામજીવનની કથાને મુખ્ય ગણાવે છે. પરંતુ ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવશે કે શહેરીજીવનની કથાએ પણ નવલકથાનો અડધોઅડધ કથાપટ રોક્યો છે. એ રીતે આ બંને કથાઓ સમાંતર ચાલે છે એવું કહી શકાય. વળી, એ સમયે નગરજીવનની કથા ભાવકોને અને વિવેચકોને કદાચ ખૂચતી હશે અને ગૌણ લાગતી હશે. પણ સાંપ્રત સમયસંદર્ભ સાથે જ્યારે આપણે તેમાં નિરૂપાયેલ નગરજીવનની કથાને જોઈએ ત્યારે તે વધારે વાસ્તવિક અને પ્રતીતિકર લાગે છે.
નગરજીવન અને ગ્રામજીવનના સંદર્ભથી જરા જુદી રીતે એ કૃતિને જોઈએ તો તેની કથા મહદંશે સામાન્ય જનની એમાંય ખાસ કરીને ખેડૂતજીવનની સમસ્યાઓની આસપાસ ફરે છે. શાહુકારો, જમીનદારો, અધિકારીઓ વગેરે ખેડૂતોનું શોષણ કરતા રહે છે. શહેર અને ગામ બંને મળી ખેડૂતનું શોષણ કરે છે. એ દૃષ્ટિએ જોઈએ તો કથાને ગ્રામજીવનની કથા અને નગરજીવનની કથા એવા ભાગોમાં વહેંચવાથી ખેડૂતજીવનની સમસ્યાઓને નજરઅંદાજ કરવા જેવું થાય. ‘ગોદાન’ નૈતિકતા અને ખોટા આડંબર/આદર્શોની સામે જમીની વાસ્તવિકતાને પ્રસ્તુત કરે છે. તેમાં સામંતવાદી તથા મૂડીવાદી શોષણ સામે સંગઠિત વિદ્રોહનું બ્યુગલ વાગતું સંભળાય છે.
પ્રેમચંદે દરેક વર્ગના પ્રતિનિધિરૂપ પાત્રો લઈને સમગ્ર સમાજનું ચિત્રણ કર્યું છે. જમીનદાર અમરપાલ સિંહ, ઉદ્યોગપતિ ખન્ના, સ્વાર્થી પત્રકાર ઓમકારનાથ, ચૂંટણી નિષ્ણાત તંખા છે. તેઓ ગરીબ મજૂરવર્ગ અને ખેડૂતવર્ગના શોષક છે. મહેનત તો ખેડૂત જ કરે છે. આ શોષક પાત્રોના નિરૂપણ વિના સમાજનું ચિત્ર અધૂરું રહી જાય.
હોરી કોઈ મહાકાવ્યનો વીર અને ધૈર્યવાન નાયક નથી. તે છે એક સામાન્ય ખેડૂત. તે પોતાની શક્તિ છે ત્યાં સુધી અવરોધક સમસ્યાઓ સામે લડત આપે છે. પણ છેલ્લે હારી જાય છે. આ સંદર્ભે પ્રેમચંદે જ હોરીના વ્યક્તિત્વ વિશે કરેલ વાત જુઓ : “जीवन के संघर्ष में उसे सदैव हार हुई, पर उसने कभी हिम्मत नहीं हारी, प्रत्येक हार जैसे उसे लड़ने की शक्ति दे देती थी। मगर अब वह उस अंतिम दशा को पहुँच गया था, जब उसमें आत्मविश्वास भी न रहा था।”
હોરીના પાત્ર નિમિત્તે સર્જકે તત્કાલીન સમાજમાં ખેડૂતોની દુર્દશાનું સુંદર ચિત્ર આપ્યું છે. ગામડાના ખેડૂતનું શોષણ શહેરના શાહુકાર વેપારીઓ અને ગામડામાં વસતા તેમના એજન્ટો દ્વારા થાય છે. ખેડૂતોને તેમના પાકનો અપૂરતો ભાવ આપવો, પાક ખરીદી લીધા પછી પણ તેમને સમયસર પૈસા ના ચૂકવવા, ખેડૂતોને ઉછીના આપેલ પૈસાનું ખૂબ ઊંચું વ્યાજ લેવું અને એ રીતે તેમનો પાક અને જમીનો મફતના ભાવે પડાવી લેવા વગેરે રીતે શાહુકારો / વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ થાય છે. ગોબર જેવા ખેડૂત પુત્રો આર્થિક રીતે આત્મનિર્ભર બનવા માટે શહેરોમાં રોજગારી માટે જાય છે. ત્યાં તેમને રોજગારીના નામે મજૂરી જ કરવી પડે છે. મિલ માલિકો દ્વારા વધારે કામ અને ઓછું વેતન આપી તેમનું શોષણ થાય છે. ખન્નાની મિલ પરની હડતાળ તેનો પુરાવો છે. આમ, સામાન્ય ગરીબ વર્ગ બધી બાજુથી કેવી રીતે શોષણનો ભોગ બને છે તેનું નગ્ન વાસ્તવિક ચિત્ર આ નવલકથામાં રજૂ થયું છે.
પ્રેમચંદે આ નવલકથામાં ખેડૂત જીવનની સમસ્યાઓ સાથે માનવજીવનના શાશ્વત મૂલ્યોને એકરસ કરી દીધાં છે. એમણે એમનાં યુગના માનવીઓના સારાં-નરસાં તમામ પાસાંઓનું સૂક્ષ્મતાપૂર્વક નિરૂપણ કર્યું છે. એટલે જ આ નવલકથા લખાયાને આજે ૮૭ વર્ષ થવા આવ્યા છતાંય પ્રેમચંદનું દર્શન અને તેમનો દૃષ્ટિકોણ આજેય આપણને એટલો જ પ્રતીતિકર અને હૃદયસ્પર્શી લાગે છે. પ્રેમચંદે જે સમસ્યાઓ અને વર્ગભેદની વાત કરી છે તેમાંથી આજના સમાજને મુક્ત કરવો એ જ આ સમયની માંગ છે અને એ જ પ્રેમચંદ, પન્નાલાલ પટેલ જેવા સર્જકોને આપેલ સાચી શ્રદ્ધાંજલિ છે. આવું થશે ત્યારે જ ભારત ખરા અર્થમાં સ્વતંત્ર થયું કહેવાશે.
‘ગોદાન’માં નિરૂપાયેલ ગામ અને નગરની કથા આજેય દરેક ગામ અને નગરમાં ઓછા-વત્તા પ્રમાણમાં જોવા મળે છે. કોણ જાણે કેટલા ખેડૂતો હોરીની જેમ શોષણનો ભોગ બની જીવ ગુમાવતા હશે. કોણ જાણે ગોબર જેવા કેટલાય યુવાનો ગામડાઓ છોડીને શહેરોમાં મજૂરી કરવા જાય છે અને ત્યાં શોષણનો ભોગ બનતા હશે. આ તમામ પાસાંઓને ધ્યાનમાં રાખી જોઈએ તો આ નવલકથા આજના સમયમાં પણ એટલી જ પ્રસ્તુત અને પ્રતીતિકર જણાય છે. એ સમયે ખેડૂત જીવન તરફ સૌનું ધ્યાન દોરવામાં અને એમનામાં આત્મસન્માનની ભાવના જન્માવવામાં પ્રેમચંદ જેટલા સફળ થયા હતા એટલા જ સફળ આજે કોઈ ભાવક એ કૃતિને વાંચે તો પણ થાય એ જ આ કૃતિની ચિરંજીવિતા છે. સમાજચેતનાને સતત ધબકતી રાખતી તેમની આવી સર્જનાત્મક કૃતિઓને કારણે જ તેઓ સાહિત્યજગતમાં કલમના સિપાહી તરીકે જાણીતા છે.
સંદર્ભ : ગોદાન, પ્રેમચંદ; પ્રકાશક : ડાયમંડ પોકેટ બુક્સ; પ્રથમ આવૃત્તિ, 2012
=======================
ડૉ. રાજેન્દ્રકુમાર રમેશભાઈ બાંભણિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, શ્રી આર. આર. લાલન કૉલેજ, ભુજ, કચ્છ – 370001
Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 1 January- February 2024