ગુલાબીની વ્યથા- કથા

-પારુલ ખખ્ખર

જળની ઝાકમઝાળ વચાડે જીવલો બઉ મૂંઝાય… ગુલાબી શું કરીએ?

ખારી ખારી નદિયુઓ કાંઠા તોડીને વઇ જાય…ગુલાબી શું કરીએ ?

તારા ગઢમાં સોના-રૂપા- હીરાની ક્યાં ખોટ… ગુલાબી

તારા ધસમસ દરિયે ખમ્મા કદી ન આવી ઓટ… ગુલાબી

તોય થોરની લાળ સમું કૈક કર્યા કમઠાણ … ગુલાબી શું કરીએ ?

ખારીખારી નદિયું કાંઠા તોડીને વઇ જાય… ગુલાબી શું કરીએ?

જપ- તપ -ભુવા- માદળીયાના કંઈક કર્યા કમથાણ… ગુલાબી

નગર ધણીને આંગણ તોયે ચપટી માટી તાણ… ગુલાબી

નછોરવી આ કાયા તીણી નજર્યુથી વીંધાય… ગુલાબી શું કરીએ?

ખારીખારી નદિયું કાંઠા તોડીને વઇ જાય… ગુલાબી શું કરીએ?

શીશ નમાવી, પાય પડું છું રાખો મારું માન… ગુલાબી

નાનકડી બે પગલી હાટુ ફરી જોડીએ જાન… ગુલાબી

રાત પડે ને હાલરડાના સુર મને સંભળાય… ગુલાબી શું કરીએ ?

ખારી ખારી નદિયું કાંઠા તોડીને વઈ જાય… ગુલાબી શું કરીએ?

તમથી અદકા જાગે અમને બેટડિયાના કોડ… રુપાળી

જાન જોડીએ પાર ના આવે એવી મોટી ખોડ… રૂપાળી

વાત પડે જો બાર તો સીધી ચોરે જય ચર્ચાય… રૂપાળી શું કરીએ ?

જળની ઝાકમઝાળ વચાડે જીવલો બહઉ મૂંઝાય…રૂપાળી શું કરીએ?

સત્યવતીએ જેમ ઉગાડ્યા વંશવેલને પાન… રૂપાળી

વેદવ્યાસનું ધ્યાન ધરીને એમ મળે વરદાન… રૂપાળી

કાઠા થઈને હામ ભરો તો મોટા ઘર સચવાય… રૂપાળી શું કરીએ?

જળની ઝાકમઝાળ વચાડે જીવલો બઉ મૂંઝાય…રૂપાળી શું કરીએ?

ગુલાબી =પતિ માટેનું પ્રેમભર્યું સંબોધન