– પ્રકાશ પરમાર
સદેવંત-સાવલિંગાનાં કથાનકની બે પરંપરાઓ પ્રચલિત છે. વીરરસપ્રધાન(સાહસકથા) અને શૃંગારરસ પ્રધાન(પ્રણયકથા). રાજસ્થાન અને ગુજરાતમાં આ કથાનક સૌથી વધુ ખ્યાત છે. રાજસ્થાનમાં પ્રણયકથા તો ગુજરાતમાં બંને પરંપરાઓની કૃતિઓ પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં મધ્યકાલીન સમયમાં આ કથાનક જુદાં-જુદાં સર્જકોએ આલેખ્યું છે. જોઇએ…
(૧) સદયવત્સવીર પ્રબંધ- ભીમ
(૨) સદયવત્સચરિત્ર રાસ- રાજકીર્તિ
(૩) સદયવત્સ સાવલિંગા ચોપઇ- કેશવિજય
(૪) સદયવત્સ સાવલિંગા ચોપાઇ(ચઉપઇ) – કીર્તિવર્ધન/કેશવ
(૫ સદેવંત-સાવલિંગાની ચોપાઇ- નિત્યલાભ
(૬) સદયવત્સ સાવલિંગાનો રાસ – રંગવિજય ૩
સદેવંત-સાવલિંગાનું કથાનક ઘણી ભારતીય ભાષાઓમાં પ્રખ્યાત છે. ગુજરાત સિવાય સિંધ, પંજાબ અને માળવા(રાજસ્થાન) જેવા સીમાવર્તી પ્રદેશોના કથનાત્મક સાહિત્ય સ્વરૂપો અને લોક્પરંપરાઓમાં આ કથાનક નિરૂપાયું છે. તેની પ્રાચીનતાના સંદર્ભમાં અબ્દુલરહેમાન કૃત ‘સંદેશક રાસક’ અને જાયસી કૃત ‘પદ્માવત’ માં મળતા ઉલ્લેખો મહત્વના છે. એ મુજબ રામાયણ, મહાભારત, નલચરિતની સાથે સાથે સદયવત્સની કથાનો પણ ઉલ્લેખ મળે છે. એટલે કે એ સમયે આ કથા સામાન્ય લોકસમુદાયમા પ્રચલિત હતી. એ સિવાય પાલિતાણામાં તેની વાવડી હોવાના પુરાવા પણ મળે છે. હવે સદેવંત-સાવલિંગાના કથા એકમો જોઇએ.
સાહસકથા :
- ઉજ્જૈયનીનાં રાજા પ્રભુવત્સના પુત્ર સદેવંતને દ્યુતનું વ્યસન હોવા છતાં સ્વયંવરમાં તેના ગુણોને કારણે સાવલિંગાની પ્રાપ્તિ, સગર્ભા સ્ત્રીનું રક્ષણ કરતા રાજમાન્ય હાથીનું સદેવંત દ્વારા મૃત્યુ, ખુશ થયેલા રાજાએ સદેવંતને યુવરાજ બનાવવાની ઘોષણા, પ્રધાનની કાનભંભેરણીથી દેશવટો અને પત્ની સાથે સદેવંતનો ગૃહત્યાગ અને નગરમાંથી પ્રસ્થાન.
- કુળદેવીની પરીક્ષામાં સફળતા અને બે પાસા તેમજ લોહછુરિકા મેળવવી, આગળ ચાલતા સદયવત્સને પતિ તરીકે મેળવવા તપ કરતી અને ન મળતા અગ્નિસ્નાન માટે તૈયાર થયેલી રાજકુમારી લીલાવતી સાથે લગ્ન, ગુફામાં મસ્તક છેદનની શરતે પાંચ જુગારીઓ સામે સદેવંતનો વિજય થતાં બધાને જીવનદાન, સ્મરણકરતાં હાજર થવાનું ચોરોનું વચન અને છૂપી રીતે લક્ષમૂલ્યનો કંચૂક બાંધવો, ત્યાથી નંદરાજાની લક્ષ્મીની પ્રાપ્તિ.
- પ્રતિષ્ઠાનપુરમાં પહોંચતા બ્રાહ્મણને ત્યાં રોકાવું અને વસ્ત્રાભૂષણ ખરીદવા માટે સદેવંતનું નગરગમન, પાંચ દિવસે પોતે પાછો નહિ ફરે તો બળી મરશે એવી સાવલિંગાની શરત, નગરપ્રવેશ કરતા અપંગના અપશુકન, સાચી હકીકત જાણી અપંગ સાથે નગર પ્રવેશ, એક વિવાદનો ન્યાય કરવો અને કામસેના(વારાંગના)નું સદેવંત પર મોહિત થવું, અપંગના રોકવા છતાં સદેવંતનું કામસેના સાથે ગમન, નાયક દ્વારા જુગાર રમીને ધન કમાવવું, વસ્ત્રાભૂષણ ખરીદીને વધારાનું ધન અપંગ અને વેશ્યાને આપી દેવું, કંચૂક પણ વેશ્યાને આપી ત્યાંથી પ્રસ્થાન કરી જવું, એક શેઠ દ્વારા કંચૂક પોતાનો હોવાની ફરિયાદ, કામસેનાને શૂળી ચડાવવાનો દંડ, વધસ્તંભ પરથી વેશ્યાને છોડાવવી અને ચોરોની સહાયતાથી સમસ્ત સેનાને પરાસ્ત કરવી, વાસ્તવિકતાનો ખ્યાલ આવતા રાજાનું દીકરી-જમાઈ સાથે મિલન.
પ્રણયકથા :
- કોંકણદેશના વિજાપુરમાં મહિપાલ રાજાનો પુત્ર સદયવત્સ(સદેવંત) અને તેના મંત્રીની પુત્રી સાવલિંગા. યોગ્ય સમયે કુમાર અને સાવલિંગાને ગુરુકૂળમાં વિદ્યાભ્યાસ માટે મુકવા, સાવલિંગાને અલગ ભણાવવાની વ્યવસ્થા કરવી, કુંવરી ‘આંધળી’ અને કુમાર ‘કોઢી’ હોવાનું તરકટ, અચાનક પંડિત બહારગામ જવાથી ભણાવવાનું કામ સદેવંતને સોંપવું, ત્યારે ભ્રમ દૂર થવો અને એકબીજાના પ્રેમમાં પડવું, એકાંતમાં પ્રણય ગાઢ બનવો અને લગ્નની પ્રથમ રાત્રીએ મળવાનું વચન, બન્નેનો અલગ અલગ જગ્યાએ વિવાહ થવો, સ્ત્રી વેશે સાવલિંગાને મળવા જવું, મંદિરમાં મળવાનો સંકેત, નશો કરીને સદેવંતનું સૂઇ જવું, સંકેત સૂચક દુહો લખીને સાવલિંગાનું સાસરીમાં ગમન, સદેવંતનું બાવાના વેશે પોહપાવતી નગરમાં જવું, ત્યાં સૈન્ય ભેગું કરીને રાજાને હરાવી રાજકુમારી અને સાવલિંગાની પ્રાપ્તિ.
આ પ્રણયકથામાં ક્યારેક(કેટલીક કૃતિઓમાં) પ્રસંગોની ભિન્નતા જોવા મળે છે, તો કયાંક પાત્રોમાં વિવિધતા જોવા મળે છે. ગુજરાતની લોકપરંપરામાં આ કથાનક સાત ભવના પ્રણય સુધી વિસ્તર્યું છે. આ પરિવર્તન કથાને વધુ પ્રભાવશાળી બનાવવા થયું હશે. કેટલાંક મહત્વના કથાઘટકો દ્વારા કથાની આંતરિક સંરચના સમજીએ.
- દેશવટો (ગૃહત્યાગ)
પ્રાચીન સમયથી દેશવટાનું કથાઘટક અનેક કથાઓમાં આલેખાયુ છે. તેમાં જુદાં જુદાં નિમિત્તો અથવા કારણો ભાગ ભજવતા હોય છે. આ કથાનક સજા, દંડ, રાજઆજ્ઞાનો ભંગ, આળ કે કોઇની કાનભંભેરણીને કારણે અસ્તિત્ત્વમાં આવે છે. આની સાથે જોડાયેલું મહત્ત્વનું કથાઘટક તે ગૃહત્યાગ. દેશવટાની સજા મેળવેલ નાયક અનેક કષ્ટો સહન કરી અંતે તે પુનઃ પોતાના નગરમાં માનસન્માન મેળવે છે. સદેવંત સાવલિંગાની કથામાં પણ ગૃહત્યાગ મહત્ત્વનો ભાગ ભજવે છે. ‘સદયવત્સવીર પ્રબંધ’માંસ વીરરસવાળી કથા પરંપરાનું આલેખન થયું છે. તેમાં એક ગર્ભવતી સ્ત્રીને બચાવતા રાજમાન્ય જયમંગળ હાથીનો વધ કરવાના કારણે સદેવંતને સજાના ભાગ રૂપે દેશવટો મળે છે. સાવલિંગા પણ પતિ સાથે ગૃહત્યાગ કરે છે. અહીં રાજઆજ્ઞાની પાશ્ચાદ્દભૂમાં પ્રધાનની કાનભંભેરણી છે. તે ભયને કારણે સદેવંતને યુવરાજ બનતા રોકે છે. કારણ કે, એક પ્રવાસમાં યુવરાજના ધનખર્ચ પર રોક લગાવી હતી. તેનો બદલો લેશે એવા ભયને કારણે તે કાનભંભેરણી કરે છે. અહીં નાયક પરોપકાર કરવા જતા આપત્તિમાં ફસાય છે. આ ઘટના કથાને નવી દિશામાં લઇ જાય છે. આ કથાઘટક દ્વારા સર્જકને કથાનાં વિકાસમાં મોકળાશ મળી રહે છે. એ સિવાય મુખ્ય પાત્રના વિકાસમાં, નાયકના પરાક્રમો માટે આ ઘટક ઘણું ઉપયોગી બને છે. ભારતીય કથાસાહિત્યની અનેક કૃતિઓમાં પતિ-પત્નીનો સાથે ગૃહત્યાગ નિરૂપાયો છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આવા વિકટ સંજોગોમાં પત્ની સ્વઃઈચ્છાએ પોતાના પતિ સાથે ગૃહત્યાગ કરે છે. જેમકે… રામ અને સીતા. રામાયણમાં પિતા(રાજા)ની આજ્ઞા જ મહત્વની ભૂમિકા ભજવે છે. દશરથની પત્ની(કૈકેયી)ના વચનથી બંધાયેલ છે. પરંતુ તેમાં પણ મંથરાની કાનભંભેરણી મહત્વની છે. થોડે દૂર જઇને વિચારીએ તો શ્રવણનાં માતા-પિતાનો શાપ પણ કાર્યસાધક કહેવાય. એવી જ રીતે નળકથામાં દમયંતી પણ નળની સાથે ગૃહત્યાગ કરે છે. તેમણે નિયતિને વશ થઇને વનગમન કરવું પડે છે. જુગારમાં સર્વસ્વ હારી જવાથી ઘર છોડવાનું થાય છે. ત્યાં પણ કલિનું પાત્ર નિષેધક ભૂમિકામાં છે. આજ પ્રકારનુ કથાનક પાંડવ-દ્રોપદીનું છે. તેમાં કપટની ભૂમિકા(નિયતિ જ) મહત્વની છે. તો શામળની પદ્યવાર્તા ‘મદનમોહના’માં પણ નાયક-નાયિકા રાજાના ક્રોધથી બચવા માટે ગૃહત્યાગ કરે છે. અહીં આપણને પલાયનવૃતિ દેખાય છે. તેમાં પ્રતિકૂળ સમયને કારણે ઘર છોડવું પડે છે. આમ, ઘણાં બધા કથાનકો ગૃહત્યાગ સાથે જોડાયેલા છે. તેનાં કારણો નિમિત્તો અલગ અલગ હોય છે. જે કથાસંરચના અને કથાવિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
સદયવત્સ કથાની શૃંગારિક પરંપરામાં પણ નાયક ગૃહત્યાગ કરે છે. પ્રેમીકા (સાવલિંગા)ના લગ્ન બીજે થવાથી તેને મળવા(મેળવવા) માટે સ્વ-ઈચ્છાએ ઘર છોડવાની ઘટના બને છે. અહીં નાયિકાને મળવાનું વચન પૂર્ણ ન થતાં પોતાના દુઃખને દૂર કરવા માટે નાયક પુનઃ પ્રયત્નના ભાગ રૂપે ગૃહત્યાગ કરે છે. તેમાં તેની લક્ષ્યગામી ગતિ જોવા મળે છે. સદેવંત બાવાનાં વેશે સાવલિંયાની સાસરીમાં જાય છે. નાયક ગૃહત્યાગ તો કરે છે પણ સાથે સાથે વેશપલટો કરીને નાયિકાને મેળવવા કાર્યાન્વીત બને છે. ક્યારેક કારણ બદલાતા કથામાં બીજુ કથાનક ભાગ ભજવતું હોય છે. ‘મદનમોહના’માં પોતાની(સ્વની) ઓળખ છુપાવવા માટે વેશપલટો કરે છે. મોહના વેશપલટો કરે છે મદનને મેળવવા, જ્યારે સદેવંત ઘર છોડે છે સાવલિંગાને મેળવવા. આમ, નાયક-નાયિકા ક્યારે કંઇક મેળવવા માટે કે વિશેષ પ્રાપ્તિ માટે ગૃહત્યાગ કરતા હોય છે. તેમાં તેમની સ્વ-ઇચ્છા અથવા સજા/દંડ જવાબદાર હોય છે.
- કસોટી(શરત) : પાણી સાટે લોહી
વીરરસવાળી પરંપરામાં આ કથાઘટક મહત્વનું છે. ગાઢ વનમાં સાવલિંગાને તરસ લાગતા હરસિધ્ધિ દેવીની પરબમાંથી લોહી આપવાની શરતે સદેવંત પાણી લઇ આવે છે. લોહી આપવા નશો કાપે છે. પણ કશું ન નીકળતા માથું કાપવા તૈયાર થાય છે. તેને કારણે દેવી પ્રસન્ન થાય છે. દ્યુત તથા સંગ્રામમાં વિજય થાય તેવી કોડી અને કટારી વરદાન રૂપે આપે છે. જેને કારણે કથામાં કેટલાંક મહત્વના પ્રસંગો ઉમેરી શકાયા છે. આ કથા એકમ શામળકૃત ‘સિંહાસન બત્રીસી’ની દસમી ગંધર્વસેનની વાર્તામાં તેમજ ત્રીસમી ભગીરથની વાર્તામાં પણ આલેખાયું છે. ત્યાં લોહી માગતી હરસિધ્ધિને વિક્રમ મસ્તક આપવા તૈયાર થાય છે. પ્રસન્ન દેવી તેણે અમરકીર્તિનું વરદાન આપે છે. અહીં પણ સદેવંતને કીર્તિ અપાવે તેવું વરદાન છે. આ કસોટી સદેવંતની કથાને વિક્રમકથાચક્ર સાથે જોડે છે. આ પ્રકારની કસોટીઓ મોટાભાગે લોકખ્યાત કથાનકોમાં વધુ જોવા મળે છે. થોડાં પરિવર્તનો સાથે તે જુદી-જુદી કૃતિઓમાં જોવા મળે છે.
- સ્વપ્ન અને પ્રતિબિમ્બ(કથાપ્રયુક્તિ)
પ્રતિષ્ઠાનપુરમાં એક ઝઘડો ચાલતો હતો. ત્યાં સદયવત્સ પહોંચે છે. રાજમાન્ય ગણિકા કામસેનાને સ્વપ્નમાં ભોગવ્યાં બદલ સોમદત્ત શેઠ પાસે આક્કા મૂલ્ય માંગે છે. આ વાતનો ન્યાય કરવાનું કાર્ય સદેવંતને સોંપવામાં આવે છે. સદેવંત દર્પણ સામે ધનનો ઢગલો કરી, અક્કાને દર્પણમાંથી તેની માંગણી પ્રમાણે ગણી લેવાનું કહે છે. આ કથાપ્રયુક્તિ દ્વારા નાયકના બુધ્ધિચાતુર્યની કસોટી થાય છે. કથાને રોચક બનાવવા માટે આવી કથાપ્રયુક્તિનું નિરૂપણ મહત્વનું બને છે.‘પુણ્યવંતજાતક’માં પુણ્યવંતનો પ્રજ્ઞાવાદી મિત્ર ગણિકા અને શ્રેષ્ઠીપુત્રનાં આવા ઝઘડાનો ન્યાય કરે છે. ચારિત્રરત્નગણિકૃત ‘દાનપ્રદીપ’(ઇ.સ.૧૪૪૩)નાં આઠમાં પ્રકાશમાં જલદાન ઉપર રત્નપાલ રાજાની કથા આવે છે. તેમાં તેના પૂર્વભવના વૃત્તાંતમાં સિધ્ધિદત્ત અને ધનદત્તની વાત છે. ત્યાં ધનદત્તની વિવેક બુધ્ધિનો પ્રસંગ થોડા ફેરફાર સાથે ઠગારી માંગણી અને તેવીજ ચુકવણી વિશે છે. તેમાં ધૂર્ત વેપારીની લૂચ્ચાઇ છે. સ્વપ્નમાં થાપણ તરીકે મૂકેલી રકમ અરીસામાં પ્રતિબિમ્બથી ચૂકવે છે. અહીં ઠગનાર યુક્તિ તરીકે તર્કજાળનો ઉપયોગ કરે છે. ‘કથા સરિત્સાગર’ની એક કથામાં આનો અવળો પ્રયોગ જોવા મળે છે. ત્યાં છળ સામે પ્રતિછળનો નહિ પણ છળ માટે જ પ્રયોગ થાય છે. એક સંગીતકારે વીણાવાદનથી શ્રીમંતનું મનોરંજન કર્યું, એટલે એણે ખજાનચીને કહ્યું કે આ સંગીતકારને ઇનામ આપો. પરંતુ તેને ઇનામ ન મળતા શ્રીમંતને ફરિયાદ કરે છે; ત્યારે શ્રીમંત જણાવે છે કે થોડીવાર મે તને તારી જેમ શ્રૃતિસુખ આપ્યું.
તર્કછળની સાથેસાથે ક્યારેક શબ્દછળનો પણ પ્રયોગ થતો હોય છે. એમાં શબ્દોનો પોતાને ઉપયોગી અર્થ કરીને સામેવાળાને ઠગવામાં આવે છે. આવી ઘણી કથાઓ પ્રચલિત છે. ‘વસુદેવહિંડી’માં આવું એક કથાનક જોવા મળે છે. તેમાં શબ્દછળ દ્વારા સામેવાળાને છેતરવામાં આવ્યો છે.
- આળઃ (ચોરીનું)
સદયવત્સના ઉપરી વસ્ત્રના છેડે છૂપી રીતે એક ચોર લક્ષ્યમૂલ્યનો કંચૂક બાંધી દે છે. જે કામસેના નામની ગણિકાને તે ભેટમાં આપે છે. એક નગરસેઠ એ પોતાનો હોવાની રાજાને ફરીયાદ કરે છે તેથી કામસેના પર ચોરીનું આળ ચડે છે. પરિણામ સ્વરૂપ કામસેનાને શૂળીએ ચડાવવાની સજા મળે છે. સદયવત્સ ચોરીનો આરોપ પોતે લઇ(ઓઢી) લે છે. સાવલિંગાને બચાવવા પોતાના સ્થાને ત્યાં મિત્રને મૂકીને જાય છે. નાયક નાયિકાને બચાવીને ત્યારબાદ મિત્રને પણ બચાવી લે છે. અહીં ચોરીનું આળ આકસ્મિક રીતે ગણીકા ઉપર આવી જાય છે. તેણે ચોરી ન કરી હોવા છતાં ભેટમાં મેળવેલી વસ્તુને કારણે ફસાય છે. તેણે નાયક મદદ કરે છે. અહીં કથામાં એક પ્રકારની ગૂંચ ઊભી કરીને રોમાંચકતા લાવવામાં આવી છે. આ આળને કારણે જ કથાનાયકને પોતાની જ વીરતા, પરોપકાર જેવા ગુણો સિધ્ધ કરવાનો અવસર મળે છે. જે કથાને સુખદ અંત તરફ લઇ જાય છે.
- વિદ્યાભ્યાસ નિમિત્તે પ્રણયસંબંધ :
વિદ્યાભ્યાસ નિમિત્તે અનુરાગ જન્મવો એ મધ્યકાળનું ઘણું જ લોકપ્રિય કથાઘટક છે. પાઠશાળામાં ભણતી રાજપુત્રીઓ કોઇના પ્રેમમાં ન પડે અથવા તેમના રૂપથી કોઇને આકર્ષણ/અનુરાગ ન થાય એ માટે ગુરૂ ક્યારેક પરદાનું તરકટ ઊભું કરે છે. તેનાથી બંને વચ્ચે જન્મતી આંતરિક નીકટતા રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો ક્યારેક વિદ્યાભ્યાસ કરતી યુવાન રાજપુત્રીઓના શીલ રક્ષણ માટે અથવા તો ગુરૂ-શિષ્ય કે સહાધ્યાયી વચ્ચે પ્રત્યક્ષ દર્શનથી આકર્ષણ ન થાય એ માટે પરદાનો બાહ્ય અંતરાલ ઊભો કરવામાં આવે છે. તે સિવાય બંને પાત્રો વચ્ચે જાતીય ઘૃણા ઉપજાવવા માટે તે પાત્ર ‘આંધળું’ કે ‘કોઢી’ હોવાનું જુઠ્ઠાણું ફેલાવવામાં આવે છે. પરંતુ અકસ્માતે સાચી પરિસ્થિતિનું જ્ઞાન થતાં બંને વચ્ચે અનુરાગ જન્મે છે. મધ્યકાલીન કથાસાહિત્યમાં આ કથાઘટકનો સ્વાભાવિક રીતે ઉપયોગ થતો આવ્યો છે.
સદેવંત સાવલિંગાની શૃંગારિક પરંપરામાં આ પ્રસંગ આ રીતે જોવા મળે છે; પૂર્વ દિશામાં કોંકણદેશના વિજાપુરમાં મહારાજા મહિપાલને સદેવંત નામે પુત્ર હતો. તેમના મંત્રીની સાવલિંગા નામે પુત્રી હતી. યોગ્ય સમયે રાજાએ સદેવંતને ભણવા મૂક્યો; તો મંત્રીએ પણ સાવલિંગાને તે જ પાઠશાળામાં ભણવા મૂકી. તેણે બધા કરતાં અલગ રાખીને ભણાવવાની સલાહ આપી. પંડીતે તેણીને પરદા પાછળ રાખીને ભણાવવાની વ્યવસ્થા કરી. રાજકુમારના પૂછવાથી તે ‘આંધળી’ હોવાનું અને સાવલિંગાને તે ‘કોઢી’ હોવાનું જણાવ્યું. એક દિવસ કોઇ કારણસર પંડિતજી નગરમાં જતા બધાને ભણાવવાનું કાર્ય સદેવંતને સોપ્યું. સાવલિંગાના અશુધ્ધ ઉચ્ચારણના કારણે બંને વચ્ચેનો ભ્રમ દૂર થવાથી એકબીજાના પ્રેકસૂત્રે બંધાઇ ગયા. પછીથી સમયાંતરે પ્રણય(પ્રીતિ) દૃઢ બનતી ગઇ. આમ, સાથે અભ્યાસ કરતાં કરતાં એકબીજા પત્યે અનુરાગ જન્મે અને વિકસે છે.
મધ્યકાલીન કથાસાહિત્યની ઘણી કૃતિઓમાં આ કથાઘટક પ્રયોજાયું છે. કેટલીક વિગત ફેર સાથે તે નયનસાર અને સૌભાગ્યમંજરી(વિનયચંદ્રસૂરિકૃત), મદનકીર્તિ અને મદનમંજરી(પ્રબોધ કોશ), બિલ્હણ અને શશીકલા (જ્ઞાનાચાર્યકૃત ‘બિલ્હણ પંચાશિકા), સુંદર અને રૂપા(માધવકૃત ‘રૂપસુંદરકથા’), મધુ અને માલતી (ચત્રભૂજદાસકૃત ‘મધુમાલતી’), મદન અને મોહના(શામળકૃત ‘મદન-મોહના) જેવી કથાઓમાં આલેખન પામ્યું છે. આમ, તેરમી સદીથી લઇને અઢારમી સદી સુધીના મધ્યકાલીન કથાસાહિત્યમાં આ કથા રૂઢિ અતિશય લોકપ્રિય હોવાના પુરાવા છે. આ બધા કથાનકોમાં નાયિકા રાજકુમારી છે. જ્યારે નાયક બ્રામ્હણ પુત્ર, પ્રધાનપુત્ર હોય છે. પરંતુ સદયવત્સની કથામાં નાયક રાજપુત્ર છે, અને નાયિકા મંત્રીની પુત્રી છે. આ કથાઓમાં રાજકુમારી નીડર દર્શાવાય છે. તે પુરુષ પાત્રને એનકેન રીતે મનાવે છે. આ કથાઓમાં બંનેના પ્રણયનો સાક્ષી મોટાભાગે ગુરૂ બનતો હોય છે. કેટલીક કથાઓમાં આ પાત્રોને સજાના ભાગરૂપે કે બીકને કારણે ગૃહત્યાગ કરવો પડે છે. આ પાત્રો ક્યારેક મૃત્યુદંડમાંથી જેમતેમ બચીને કથાન્તે સત્કાર પામતા હોય છે.
વિધ્યાભ્યાસ નિમિત્તે થતો પ્રણય ઘણી કથાઓમાં ગુરૂ શિષ્યા સાથે, તો ક્યારેક સાથે ભણતા સહાધ્યાયી સાથે થાય છે. ગુરૂ શિષ્યાના પ્રણયમાં ક્યારેક યોજનાગત કાર્ય થતું હોય છે. જેમ કે… વીણાવાદન શીખવાડતા ઉદયન-વાસવદત્તામાં અનુરાગ જન્મે છે. ત્યાં વાસવદત્તાના પિતા ચંદ્રપધ્યોતની યોજના કાર્ય કરે છે. તો કેટલીક કથાઓમાં બંને યુવાન હોવાથી એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવે છે. જ્યારે મદનકીર્તિ – મદનમંજરીના કથાનકમાં સુંદર સ્વર બંનેને મેળવવામાં સહાયક બને છે.
- પૂર્વભવ સુધી કથાનો વિસ્તાર :
ભારતીય સંસ્કૃતિમાં પુનઃ જન્મની વાત પ્રાચીન સમયથી જોવા મળે છે. પુનઃ જન્મ માટે કેટલાંક કારણો જવાબદાર માનવામાં આવે છે. તેમાં પાપ-પુણ્યની પૂર્તિ, કશુંક નવીન પ્રાપ્ત કરવા, શાપના ફળ સ્વરૂપે, અતૃપ્ત ઝંખના કે નવનિર્માણ માટે પુનઃ જન્મ શક્ય બનતો હોય તેવી અનેક કથાઓ મળે છે. મધ્યકાળમાં પુરૂષદ્વેષિણી નાયિકાનાં કથાનકોમાં પૂર્વજન્મનું વેર લેવાની વૃત્તિ કારણભૂત બને છે. ક્યારેક તેમાં પ્રેમીને મેળવવાની વૃત્તિ પણ પ્રબળ હોય છે. સદેવંતકથાની શૃંગારિક પરંપરા આ કથા એકમ(પૂર્વજન્મનું) પછીથી ઉમેરાય હોય તેમ છે. તેના ઘણાં કારણો હોઇ શકે. તેમાં આઠ ભવના અધુરા પ્રણયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં બ્રાહ્મણ-બ્રાહ્મણી, ચકલો-ચકલી, હરણ-હરણી, મોર-ઢેલ, હંસ-હંસલી, રાજા-રાણી, વાંદરો-વાંદરી અને છેલ્લે સદેવંત-સાવલિંગાનું મિલન શક્ય બને છે. આપણી ભજન પરંપરાના કથનાત્મક ભજનોમાં પૂર્વભવનું ગાન થાય છે. ભરથરી અને પિંગલાના કથનાત્મક ભજનમાં તેમના ચાર ભવનું આલેખન જોવા મળે છે. તેમાં પોપટ-પોપટી, મૃગ-મૃગલી, બ્રાહ્મણ-બ્રાહ્મણી અને છેલ્લે ભરથરી અને પીંગલાની વાત આવે છે. અહીં દરેક ભવમાં સંપૂર્ણ સંગાથ પ્રાપ્ત ન થવાની વાત છે. જ્યારે સદેવંતની કથામાં અતૃપ્ત પ્રણય/ મિલનની વાત છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ કથામાં પુરુષપાત્ર પ્રથમ મૃત્યું પામે છે. આ કથાભજનમાં તો છેલ્લા જન્મમાં પણ સંગાથ ન મળવાની વાત છે. પરંતુ સદેવંત-સાવલિંગાનાં કથાનકમાં અંતે સુખદ મિલન શક્ય બને છે.
ભારતીય સંસ્કૃતિમાં જન્મ જન્માંતર કે પુનઃજન્મની કથાઓ કઇંક અધુરપને પુર્ણ કરવા કે કશાંકની પૂર્તિ માટે અસ્તિત્વમાં આવી હશે. બંને કથાનકોમાં કેટલાંક અવતારોની સમાનતા જોવા મળે છે. આ પ્રકારની સામ્યતા લોક પરંપરાના કથાનકોમાંથી આવી હશે. વીરરસપ્રધાન વાળી પરંપરામાં પણ પૂર્વજન્મની વાત આવે છે. આમ, પ્રાચીન સમયથી કથાઓમાં કશીક પૂર્ણતા સિધ્ધ કરવા માટે કથાકારો પૂર્વજન્મ સુધી કથાનો વિસ્તાર કરતાં હોય છે. મધ્યકાલીન સમયમાં લખાયેલી સદેવંત-સાવલિંગાનું કથાનક આપણી લોકપરંપરામાં પણ ઘણું લોકપ્રિય રહ્યું છે. તેના વિશે વિશદ અભ્યાસ થવો હજી બાકી છે.
સંદર્ભ સામગ્રી :
(૧) અનુસંધાન- હરિવલ્લભ ભાયાણી
(૨) મધ્યકાલીન પ્રેમકથાઓ : એક અભ્યાસ- હસુ યાજ્ઞિક
(૩) સદયવત્સવીર પ્રબંધ- કવિ ભીમ વિરચિત – સંપા.ડૉ.મંજુલાલ મજમુદાર
(૪) સદયવત્સ-સાવલિંગા કી પ્રેમકથા – અગરચંદ નાહટા (રાજસ્થાન ભારતી)
(૫) સદેવંત-સાવલિંગાની વારતા – પ્રકા.જાગુષ્ટે બુક્સ પ્રા.લી.અમદાવાદ
પ્રા.પ્રકાશ આર.પરમાર
મદદનીશ પ્રાધ્યાપક (વર્ગ-2)
ગુજરાતી વિભાગ,
સરકારી વિનયન અને વાણીજ્ય કૅાલેજ, નેત્રંગ. જિ.ભરૂચ.