ગીરની તાસીર બદલાઇ રહી છે…

                                                                          -પ્રવીણ સરવૈયા

                    ચોમાસામાં સાસણગીર લીલુંછમ થઈ જાય છે. ચોમેર મોટાં મોટાં બે-બે ફૂટનો વ્યાસ ધરાવતા પાનવાળા સાગ અને નાનાં મોટાં પાર વિનાનાં વૃક્ષોથી ગીર આખું ઘેઘુર બની જાય છે. વૃક્ષો-છોડ અને વેલ-ઝાડીની ઘટામાં જાત-જાતનાં ને ભાત-ભાતનાં જીવ-જંતુઓની સૃષ્ટિ એકબીજાં પર નભીને કુદરતની પોષણકડીને અતૂટ રાખતી અનુભવાય છે.

                    અમે ઓક્ટોબરનાં પ્રથમ અઠવાડિયે સાસણ જવા નીકળ્યા છીએ. બગસરાથી વિસાવદર થઈ સતાધારને રસ્તે સાસણ તરફ જવાનો કાચો માર્ગ આવે. માર્ગમાં બંને બાજુ ફળદ્રુપ ભૂમિ પર માના છોરુની જેમ વળગેલાં વહાલ ઉપજાવતા વૃક્ષો ઊભા છે. થોડેક દૂર ચેક પોસ્ટ છે. રસ્તો કાચો છે, ચેક પોસ્ટથી સાસણ સુધી કાચા માર્ગનું અંતર વીસેક કિલોમીટર જેટલું છે. સાંજના સાડા પાંચ થવા આવ્યા છે. અગાઉ રસ્તે ઠેક ઠેકાણે સાસણ ચેક પોસ્ટનું નાકું બંધ થવાનો સમય પૂછતાં આવ્યા છીએ. કોઇને સાચા સમયની ખબર નથી. બે-ચાર વ્યક્તિઓએ તો એમ પણ કહેલું કે, એ રસ્તે જશો નહીં, વચ્ચે નદી અને વોંકળામાં પાણી હશે.

                    અમે થોડી હિંમત કરીને આગળ વધી રહ્યા છીએ. સાંજ ઢળવા આવી છે. વાતાવરણમાં ગરમી કે ઠંડી નથી. વિસાવદરથી સાસણ તરફ જવાના રસ્તે ચડતાં જ ગીરનો અહેસાસ થાય તેવી પ્રકૃતિમાં અમે પ્રવેશી ગયા છીએ. સાવ સમ-ધારણ હવા ચાલી રહી છે. ક્યાંય પાંદડુંયે હાલતું દેખાતું નથી. રસ્તો ઉબડખાબડ અને ઓછા વરસાદને લીધે ધૂળિયો છે. હજી ગીરના ‘સફારી પ્રવાસીઓ’ માટે પંદરમી ઓક્ટોબર સુધી વેકેશન છે. આજે સાતમી તારીખ છે. અંદરના રસ્તાઓનું રીપેરીંગ કામ શરૂ હશે. અભયારણ્ય ખુલશે કે ગીર પ્રવાસીઓથી ધમધમતું થઈ જશે. અત્યાર સુધી પ્રવાસીઓને નિરાંત રહી કે ગીરની વન્ય સૃષ્ટિને ?

                  ચોમેર નીરવ શાંતિની વચ્ચે સામેથી એક અલ્ટો મોટર આવતી દેખાઈ. અમે ગાડી રોકાવી. ત્યાં તો અંદરથી અમારાં જાણીતાં શિક્ષિકા નર્મદાબહેન બહાર આવ્યાં. અમને નિરાંત થઈ, એમની ગાડી સાસણથી અહીં આવી ગઈ છે, તો અમારી ગાડી પણ સાસણ પહોંચી જશે. અમે નર્મદાબહેનનાં ખબર-અંતર પૂછી ચેક પોસ્ટ બંધ થવાનો સમય જાણી ઉતાવળાં ભાગીએ છીએ.

                    જો રસ્તો બંધ હોત તો ફરી પાછાં વિસાવદર આવી મેંદરડા થઈને સાસણ જવું પડે. જે અહીંથી સાસણ કરતાં ત્રણ ગણું વધુ અંતર થાય.

                    હવે અંધારાંનાં સમયે રાત્રે જ પ્રવૃત્ત વન્યજીવોને માણવા મળશે એવી આશા સાથે અમે પરમીટ મેળવી અભયારણ્યમાં પ્રવેશ કર્યો. ઓણસાલ વરસાદ ઓછો છે, જેને લીધે ઘાસ બહુ વિકસ્યું નથી. વૃક્ષોનો ઘેરો લીલો રંગ આંખોમાં નશાની જેમ ભરતાં સાવ ધીમી ગતિએ અમે આગળ વધી રહ્યા છીએ. કુરજીભાઈ બહુ કુશળતાથી ગાડી ચલાવે છે. ભગીરથભાઈ ‘ખમ્મા ગીરને’ કહેતાં અમારા આનંદ અને ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે.

                    ગીર શાંત છે, સૂમસામ છે, હેમખેમ છે અને ફૂલેલું ફાલેલું. મરીઝ સાહેબનો પેલો શેર, યાદ આવે છે;

                       તને પીતાં નથી આવડતું મૂર્ખ મન મારાં,

                       નહીતર દુનિયામાં પદાર્થ એવો કયો છે, જે શરાબ નથી !

                પણ અમારા માટે તો અહીં એવી કોઈ ચીજ નથી, જેનો નશો ન લાગે. ગીરનો ઘેરો ને માદક નશો અમે ત્રણે પ્રવાસીઓ પી રહ્યા છીએ. કાચા રસ્તે એકલદોકલ વાહનો સામે મળે છે, ગાઢ વનરાજી છે, પણ રસ્તો ખુલ્લો છે. હજી રુંજ્યું વળી નથી. વૃક્ષો જાણે ઝોકાં ખાતાં હોય એવું લાગે છે. ક્યાંય કોઈ પંખી સરખુંયે ફરકતું નથી. અમારી ડાબી તરફ ગીરની અદ્દભુત મુસાફરી કરાવતી રેલગાડીના પાટા સંતાકૂકડી રમતા દેખાય છે. અમારાંમાંથી કોઈ કશું બોલતું નથી. મંથર ગતિએ રસ્તો કપાઇ રહ્યો છે. રસ્તામાં જંગલેશ્વર મહાદેવ લખેલી એક જગ્યા આવે છે. આમ તો આ કોઈ જગ્યા ન કહેવાય. ઘર ઘર રમતાં થોડાં મોટાં છોકરાંઓએ બનાવેલી ઝૂંપડી જેવું લાગે. કેસરી ધજા અને ‘જંગલેશ્વર મહાદેવ’ લખેલ પટ્ટી ન હોય તો કોઈ આને જગ્યા ન કહે. અમે થોડીવાર ખોટી થયા. બાજુમાં આલાવાણી નેસ છે. નેસમાંથી દૂધ ભરીને એક ટેમ્પો વિસાવદર તરફ ગયો.

                    બરાબર અમારી સામે નીચે વોંકળામાંથી ચિત્તલ(પહુ)નો વોર્નિંગ કોલ આવ્યો. કોલ ઉપરાછાપરી આવવા માંડ્યો. ત્યાં દીપડો હશે. પણ આ પ્રતિબંધિત અભયારણ્ય છે. તેથી તમે જંગલમાં આંટા ન મારી શકો. અમે પ્રાણીઓનાં ઘરમાં આવ્યા છીએ, એથી કોઈનેય ડીસ્ટર્બ કરવા નથી અને નિયમો પણ તોડવા નથી.

                    ગીરે રાત્રીનો અંધકાર ઓઢી લીધો છે. ગાડીની હેડલાઈટથી રસ્તો ચાલતો હોય એવું લાગે છે. અને રસ્તાની બંને બાજુ ગાઢ ઝાડીમાંથી આવતું કાળું ડિબાંગ અંધારું અહીંથી અંદર આવવાની મનાઈ ફરમાવતું હોય એવું બિહામણું લાગે છે. તીડ-તમરાંનો અવાજ કદાચ મોટરના અવાજમાં દબાઈ જતો હશે. અંદરના ભાગે નિશાચરો પોત-પોતાનો શિકાર શોધતા હશે. શિકારીથી બચવા શિકાર ભયત્રસ્ત અધરેટી ઊંઘ ખેંચી લેતાં હશે. દોઢ બે કલાક અમે ગતિમાન રહ્યા, પણ ગીર જાણે નિર્જીવ ભાસતું રહ્યું. કોઈ કરતાં કોઈ જીવ ન ભળાયો.

                  આડાઅવળા વૃક્ષોની ડાળીઓ રસ્તા પર અમારાં વાહનને સ્પર્શી લે છે અને એનો તિરસ્કાર રવ અમને સંભળાય છે. રસ્તા પર પડેલ સાગનું સૂકું પાંદડું કે ડાંખળું કોઈ અગોચર જીવ જેવું ભાસે છે. અમને કોઈ વન્યજીવ ન ભળાયાનો કોઈ જ રંજ નથી. અમારે તો ગીરનું રાત્રિ દર્શન કરવું હતું, જે થઈ રહ્યું છે એનો જ આનંદ છે.

                    અમે ગેટ પર પરમીટ જમા કરાવી તાલાળા સાસણ માર્ગ પર આવી ગયા. સાસણ સરકારી સિંહ સદનના વિશાળ પરિસરમાંથી ગેસ્ટ હાઉસ પહોંચી જમી પરવારીને રેલવે સ્ટેશન તરફ નીકળ્યા. કેમ્પ સાઈટ પછી તરત ડાબી બાજુના રસ્તે થોડું ચાલો કે જમણી તરફથી રેલવે સ્ટેશને જવાય. આવાસો પૂરાં થતાં જ બંને તરફ જંગલ દેખાય. જો કે, જંગલમાં જ આવાસોનું નિર્માણ થયું હોય, ને છતાં આપણે તો જુદું જ વિચારીએ ! આપણાં ઘરમાં કોઈ આંટા મારે, ઘર અસ્તવ્યસ્ત કરે તો આપણને જરાય ગમે ? તો પછી બિલાડી કુળના ટોચનાં શિકારી પ્રાણી એવા જંગલના રાજાના ઘરમાં ઘૂસીને આપણે ગમે તેમ આંટાફેરા મારીએ – રિસોર્ટસ બનાવી નાંખીએ – જંગલો કાપીને વાડીઓ રચીએ તે કેટલું વ્યાજબી છે ? ને છતાં એ ઉદાર પ્રાણી બધું ચલાવીને પોતાનો માર્ગ કરી લે છે ! કેમકે, એને જીવવું છે. નવી પેઢીઓને એનો રૂઆબ અને દમામ દેખાડવા છે… એટલે એ ટકવા મથી રહ્યો છે.

                 રેલવે સ્ટેશન સાસણ કેમ્પ સાઈટની પૂર્વે આવેલું છે. પ્લેટફોર્મ પર એકલ દોકલ લાઇટનું અજવાળું થોડેક સુધી પથરાઈને રેલવેના પાટે અદૃશ્ય થઈ જાય છે. પ્લેટફોર્મ-પાટા અને પછી ઘનઘોર જંગલ ભળાય. કશું જ ન હોવાં છતાં ભય લાગે. દૂર અંધારે બાંકડે કોઈ બેઠેલું જણાયું. અમે ત્યાં પહોંચ્યાં. એક આધેડ ઉંમરનાં બહેન બાંકડે બેઠાં હતાં અને તેની સામે રેલવેની લાંબી લોરી પર એક માજી હતાં. અમે ‘જે શ્રી કૃષ્ણ’ કરી બેઠાં. થોડી જ વારમાં સામસામી બધી પૂછપરછને અંતે રેલ્વેમાં પટ્ટાવાળાની નોકરી કરતાં આ વિધવા બહેન સિંહની વાતોએ વળગ્યાં. અમારે તો એ જ વિષય કઢાવવો હતો. ‘આ મારી બા છે. એ બેઠાં છે ને, એની વાંહે જ એક ડાલામથ્થો સાવજ આવી ગ્યો. મને થયું કે માજી તો આજ ગ્યા. પણ ઈવડો ઇ સમજણો બહુ. માણા પર કોઇ દિ’ હુમલો નો કરે. માજીની પડખે થતો’કને કોટરની ખડકીમાં ગરી ગ્યો.’

                  પ્લેટફોર્મ બે-ત્રણ લાઈટોથી પ્રકાશમય છે. પણ આગળ પાટાની બંને કોર પથરાયેલું જંગલ પ્લેટફોર્મથી નીચે ઉતરવાની હિંમત હણી લે. પેલાં આધેડ ઉંમરનાં બહેન અને માજીના ચહેરા ભાળી શકાતા ન હતા. તેઓ અહીંના જ છે. એટલે ગીર અને સાવજનું ખમીર એની નસોમાં છે. અમે સિંહની આવી ઘણી વાતો સાંભળી. વાર્તાઓ નહીં, તેમણે જોયેલી ઘટનાઓ જ સાંભળી. વાતોમાં સચ્ચાઈનો રણકો અને ખાનદાની કુળનાં રાજવી પ્રાણી સાવજ પ્રત્યેનો અહોભાવ નીતરતો દેખાતો હતો.

                નાનકડાં, પણ સુંદર રેલવે સ્ટેશનની બાજુમાં કર્મચારીઓના આઠ-દસ ક્વાર્ટર્સ છે. ચારે ફરતાં જંગલની વચ્ચે આ વસાહત છે. મોટાભાગના આઉટસ્ટેટના કર્મચારીઓ છે. આજ સુધી ગમે તેવા ઉનાળે પણ લાઈટ હોય કે ન હોય, રાત્રે કોઈ બહાર ફળિયામાં સૂતું સાંભળ્યું નથી. અને આખા સાસણમાં કોઇને પણ પૂછો, સિંહે કોઇ દિવસ કોઇના પર હુમલો કર્યો નથી !

                  ગીરની વાતો હૈયામાં ભરી ગેસ્ટહાઉસ પહોંચી ઊંઘી ગયા. સવારે મોડા ઊઠ્યા કે પાણી નહીં ! ઉપડ્યા હિરણ તરફ.

                   ગીરની દરેક ઘડી અવિસ્મરણીય હોય છે, એ હકીકત છે. એમાંયે ગીરની સવાર તમને તાજગીથી ભરી દે ! નર્યો શુદ્ધ ઓક્સીજન ભરાય એટલો ભરી લો ફેફસામાં ! માંદા માણસને પણ સાજા કરી દે એવી હવા છે ગીરની !

                    હિરણને કાંઠે ઊભા રહી નદીને મન ભરીને માણી. સામે કાંઠે વેલા અને છોડવાઓ એક બીજાને અંકોડા ભીડીને નદીના જળને સ્પર્શ કરવા મથી રહ્યા છે. આ નદીના પટે રોજ રાત પડે કે સાવજડા સેંજળ પીતા ચાલ્યા જતા હશે. અને આ જ ઝાડીમાં કેટલાય ભય ત્રસ્ત જીવો જીવ બચાવવા લપાતા અને છુપાતા હશે. ઝાડી તરફથી નજર હટાવીને હિરણના ગોઠણ સમા વહેતાં પાણીમાં ઉતર્યા. નિર્મળ જળનો સ્પર્શ થતાં જ ‘કવિ દાદ’ સાંભરી આવ્યા !

                    ડુંગરથી દડતી, ધાર ઉતરતી પડતી પડતી આખડતી

                    હિરણ હલકારી જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

                    કિલકારા કરતી ડગલાં ભરતી જાય ગરજતી જોરાળી

                    હિરણ હલકારી જોબનવાળી, નદી રૂપાળી નખરાળી

                   આંકડીયાવાળી, મેઘઘટાળી, વેગડીયાળી, નખરાળી, ભેખડીયાળી, ભેવાળી,લટકાળી ; આવી ગીરની આ જોબનવંતી નદીમાં ખૂબ નાહ્યા. ઓણસાલના ઓછા વરસાદને કારણે નદી સાંકડા પટમાં વહે છે. સામે વાહાઢોળ ડુંગરો ભળાય છે. ઉગમણે ઘંટલો ને ઘંટલી નામની ટેકરીયું નદીમાં જાણે એને પોતાને જ નિહાળી રહી છે. અને અહીં નાજુક વળાંકો લેતી હિરણ એકધારી વહી જાય છે. ખરેખર આનંદની અનુભૂતિ રોમેરોમે વ્યાપી છે. સ્વર્ગ હશે ? હશે તો ક્યાં હશે ? એ હોય કે ન હોય અહીં તો અદકેરા આનંદથી મન પ્રફુલ્લિત છે. નહાવું એ તો સામાન્ય ઘટના છે. પણ ખળખળતી હિરણમાં નહાવું એ અનુભવ રોમાંચક છે.

                    હમણાં સિંહ દિવસ ઊજવણીની રીવ્યુ બેઠકમાં હાજરી આપવાની છે. એટલે નદીમાંથી નીકળવાનું મન નથી થતું, છતાં બહાર આવી ગયા.

                   સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં સાવજનો વસવાટ છે તેના પ્રતિનિધિઓ હાજર છે. ખુદ નાયબ વન સંરક્ષક શ્રી મોહન રામ પણ આવી ગયા છે. તાજેતરમાં ધારી રેન્જમાં તેવીશ જેટલાં સિંહોના આકસ્મિક મૃત્યુ થયા. એની ચિંતા સૌને છે. વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અધિકારીશ્રીઓએ નિયમ મુજબ થતી કાર્યવાહીની માહિતી આપી. અગાઉની ગણતરી મુજબ ૫૨૩ સિંહોનો અંદાજ બંધાયેલો. વનવિભાગના કુશળ અને નિષ્ઠાવાન સ્ટાફ, સંસ્થાઓ, પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોની ખેવનાથી સિંહોનો વસતીનો આંકડો ઘણો મોટો થયો છે. સૌની સતર્કતાથી વનસંવર્ધન સતત થતું રહ્યું છે. માત્ર સિંહો જ નહીં, વનસ્પતિ-ઘાસ-જીવ-જંતુઓ, સરીસૃપો અને પશુ-પંખી તમામમાં જાતિગત અને સંખ્યાગત વધારો થયો છે. જે હરખની વાત છે. ગીર અત્યારે એનાં પૂરા વિકસિત રૂપે લહેરાય છે. સિંહ પ્રત્યેની લોકોની જાગૃતિથી આ મહામૂલાં ટોચના શિકારી પ્રાણીનું રક્ષણ થશે. બાકીનું કામ વિભાગો કરશે. આવા સૂર સાથે સૌ બપોરનું ભોજન કરી દેવળિયા પાર્ક તરફ રવાના થયા.

                    ગીરની મુલાકાત દરમ્યાન જો તમને સિંહ જોવા ન મળે, તો નિરાશ થવાની જરૂર નથી. સાસણથી બહુ દૂર નહીં તેવો ‘દેવળિયા સફારી પાર્ક’ જે ગીર પરિચય ખંડ તરીકે પણ ઓળખાય છે, ત્યાં તમે સિંહ દર્શન કરી શકો. આ એક એવો રક્ષિત વિસ્તાર છે, જ્યાં ઘણી બધી જીવવિવિધતા જોવાં મળે છે. દેવળિયા પાર્કમાં સિંહ, દીપડા, હરણ, શિયાળ, જંગલીભૂંડ વગેરે સહજતાથી જોઇ શકાય છે. જંગલમાં જો તમે પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસીને સિંહ જોવાનો પ્રયત્ન કરશો, તો ઘણું મોંઘુ પડી જશે. એનાં કરતાં ‘દેવળિયા પાર્ક’માં સરળતાથી સિંહદર્શન કરી શકાય છે. દેવળિયા પરિચય ખંડની બહાર પાર્કની સમજૂતી દર્શાવતા નકશા, માહિતી ખંડ, ચા-પાણી રેસ્ટોરાં વગેરે છે. પાર્કમાં ક્યાં ક્યાં પ્રાણીઓ અને અન્ય વન્યસૃષ્ટિ છે તેની વિગતો પણ બહારથી જ મળી રહે છે.  

                    અમારા વાહને દેવળિયા પાર્કમાં પ્રવેશ કર્યો. રસ્તાની બંને બાજુ ઊંચું ઘાસ હવે સૂકું થઈને હવામાં ફરફરી રહ્યું છે. ક્યાંક પાંખા તો ક્યાંક ઘાટા વૃક્ષોની ઘટા આવે છે. દેશી નીલકંઠ, પતરંગા, લેલાં, પાનફૂત્કી, કપાસી જેવાં પંખીઓ પ્રવૃત્તિમય દેખાઇ રહ્યાં છે. જમણી બાજુના રસ્તે અમે ઘણા અંદર આવી ગયા છીએ. સૌની નજર સિંહને શોધી રહી છે. ત્યાં અમારી સામે એક બહુ મોટા નહીં, તેવા વૃક્ષની છાયામાં બે સિંહણો આરામ ફરમાવતી દેખાઈ. અમારું વાહન એનાથી વીસેક ફૂટ દુર ઊભું રહ્યું.

                  ગૌર, સ્વચ્છ વર્ણ. કપાળમાં ઊભો વેંત એકનો પાતળો શ્યામ લીટો. કાનની કિનાર, નાક ઉપરનો કોમળ ભાગ, પીઠ અને પગના પંજા પર કાળાશ પડતી રેખાની ઝાંય. ચહેરા પરની નિશ્ચિંતતા. અને ભવ્ય રૂપ. એક સિંહણ સામે બેઠી છે, બીજી તેની પીઠને પીઠ અડકાડીને આરામ ફરમાવી રહી છે. જોતાં એવું લાગે કે બંને સગ્ગી બહેનો હશે. સાસણ વનવિભાગના વાહનમાં સલામત રીતે બેઠેલાં અમે સૌએ મન ભરીને આ રાણીઓ નિહાળી. થોડે દૂર વનવિભાગના બે રેસ્ક્યૂ વાહનો અને કેટલોક સ્ટાફ ઊભા છે. એમને સિંહણોથી કોઈ ભય જણાતો નથી. કદાચ તેઓ એકબીજાંને ઓળખાવતાં હશે ! સિંહણો આરામ કરી રહી છે તેની બાજુના વોંકળાની સામે જ ચિત્તલ અને સાંભર સાવચેતીપૂર્વક ચરી રહ્યા છે. બંને વનની રાણીઓ ખરેખર ખૂબ સુંદર છે. અમે સિંહણદર્શન કરીને આગળ ચાલ્યા. રસ્તે પાણીનાં પોઈન્ટ પર બે શિયાળ મસ્તીથી નાહી રહેલાં જોયાં. જંગલી ભૂંડ અને સફેદ પીઠ ગીધ પણ નજીકમાં જ જોવાં મળી ગયાં.

                    થોડાક ઉતાવળે પાર્કમાંથી અમે પરત ફર્યા. અદ્દભુત અને મનોરમ્ય ‘દેવળિયા પરિચય ખંડ’નું દર્શન કરીને અમે સાસણ તરફ પ્રસ્થાન કર્યું.

                   ત્યાંથી તરત મેંદરડા રોડે ચડી ગયા. રસ્તામાં મધુવંતી ડેમના કિનારે ‘ખોખીના હનુમાન’ આશ્રમે ગયા. મુખ્ય સાધુને ‘નમો નારાયણ’ કરી આસપાસ થોડું ભ્રમણ કર્યું. ઓછો વરસાદ છે, છતાં ડેમની ખાસ રચનાને કારણે વિશાળ જથ્થામાં પાણી હિલોળી રહ્યું છે. સાધુ મહારાજે જણાવ્યું કે પાંચ-સાત વર્ષ અગાઉ અહીંથી બેઠા બેઠા જ અડધો પોણો કિલોમીટર દૂરનું ચોખ્ખું દેખાય એવું પાંખું જંગલ હતું. હવે અડાબીડ જંગલ થઈ ગયું છે. માલધારીઓ પર વન વિભાગે રોક લગાવી દીધી છે એને પરિણામે જંગલની વનસ્પતિ અને ઝાડ ખૂબ ફાલી રહ્યા છે. મહારાજશ્રી જંગલ સાથે વાતો કરી રહ્યા હોય અને પોતાનો રાજીપો વ્યક્ત કરી રહ્યા હોય એવું લાગ્યું.

                   અને ગીર હવે ચોક્કસપણે વિકસ્યું છે એનું વધુ એક પ્રમાણ અમને મળી ગયું.

                                          – પ્રવીણ સરવૈયા   

                                             ‘હરિવંશમ’

                                            ૫૭૬૧/ બી, પ્રમુખસ્વામી નગર,    

                                             વિદ્યાધીશ સ્કુલની પાછળ ,

                                                             કાળિયાબીડ, ભાવનગર.   પીન : ૩૬ ૪૦ ૦૨ .

                                             મો. : (૧) ૯૯૭૯૦ ૩૩૩૯૩ (W)   (૨) ૯૭૭૩૨ ૦૦૪૨૩

                                               email : pgsarvaiya@gmail.com