કિરણ ખેની
જયંત ખત્રી(૧૯૦૯-૧૯૬૮)પાસેથી ત્રણ દાયકા સુધીની વાર્તાઓ આપણને મળી છે જેમાં તેમની પાસેથી ‘ફોરાં’(૧૯૪૪),’વહેતાં ઝરણાં’(૧૯૫૨) અને ‘ખરા બપોર’(૧૯૬૮) એમ કુલ ત્રણ વાર્તાસંગ્રહમાં કુલ મળીને ૪૧ ટૂંકીવાર્તાઓ મળે છે. આ બધી વાર્તાઓમાં ખાસ કરીને ‘લોહીનું ટીપું’, ‘ધાડ’, ‘ખરા બપોર’, ‘હીરો ખૂંટ’, ‘માટીનો ઘડો’, ‘તેજ,ગતિ અને ધ્વનિ’, ‘કૃષ્ણજન્મ’, ‘નાગ’, ‘સિબિલ’,’ખીચડી’ તેમજ ‘ડેડ એન્ડ’ જેવી વાર્તાઓ વિષયવસ્તુ,રચનારીતિ,અભિવ્યક્તિ પરત્વે વિશેષ ધ્યાન ખેંચતી વાર્તાઓ છે.
આ બધી વાર્તાઓમાં તેમણે ધાડ,ખૂન,બળાત્કાર,આપઘાત, ગાંડપણ, વેશ્યાજીવન, પ્રણયવેફૈલ્ય, જીવલેણ રોગ,ગરીબી,ભૂખમરો,મૃત્યુ વગેરે માનવજીવન સાથે જોડાયેલાં વિષયોનું વાસ્તવિક ચિત્ર રજુ કર્યું છે.જેમાં તેમનાં અંગત જીવનમાં બનેલી ઘટનાઓ,પરિસ્થિતિ તેમને આ પ્રકારની વાર્તાઓ લખવામાં સહાયભૂત બની છે.કેમકે જયંત ખત્રી પોતે ભીષણ ગરીબી,ભૂખમરો તેમજ ડૉ,હોવાનાં નાતે માનવશરીરની અને માનવમનની રુગ્નતાના તેઓ સાક્ષી રહ્યાં છે. જે તેમની દરેક વાર્તાઓમાં કોઈને કોઈ રીતે ડોકાયા જ કરે છે. આ પ્રકારનાં જ વિષયવસ્તુને આલેખતી તેમની પાસેથી ‘ખીચડી’વાર્તા મળે છે જેમાં ખાસ ગરીબી, વર્ગવિષમતા અને થોડે અંશે જોવા મળતાં જાતિયતાના પ્રશ્નોને ધ્યાનમાં રાખી આ વાર્તાને સામજિક દ્રષ્ટિકોણથી અહીં મૂલવવાનો પ્રયાસ છે.
‘ખીચડી’ વાર્તાની નાયિકા લખડી પોતાના ગરીબ પરિવાર માટે બીજાના ઘરમાં વાસણ-કુસણ,ઘર સાફ કરવા, પાણી ભરી આપવું વગેરે કામો કરી થોડું ઘણું કમાઈ પરિવારનું ભરણ-પોષણ કરે છે. ઘરમાં જુવાન ભાઈ વિઠ્ઠલ આરીભરતનું કામ કરતો હોઈ છે પણ દિવસે જેટલું કમાતો એ બધું રાત્રે દારૂ પીવામાં વાપરી નાખતો,અપંગ પિતા અને ખાંસ ખાંસ કરતી મા નાના-મોટા કામ કરીને લખડીને મદદ કરતી આમ ઘરની તમામ જવાબદારી લખડીનાં ખભે આવી પડે છે.જેને એ ખૂબ સિફતપૂર્વક અને હોંશે-હોંશે નિભાવે છે.એવા વિષયવસ્તુ સાથે આ વાર્તા રચાયેલી છે.
વાર્તામાં પ્રથમ જે સામજિક સમસ્યા રજુ થઇ તે છે વાર્તામાં આવતી ગરીબી.જયંત ખત્રી પોતે આ સમાજની ભીષણ યાતનામાંથી પસાર થયા હોવાથી દરેક વાર્તામાં ગરીબી કોઈને કોઈ રીતે આવે જ છે તેમ અહી પણ પાત્ર અને પરીસ્થિતિને વળ આપવામાં ગરીબીનું પાસું મહત્વનું બનીને આવ્યું છે.લખડી સોળ વર્ષની છે પણ આ સોળ વર્ષ ક્યાં અને કેમ પસાર થઇ ગયા એનો એને લગીરે ખ્યાલ નથી રહ્યો.કારણ કે ઘરના સભ્યો માટે ખીચડી કમાવવી,ખીચડી રાંધવી અને ખીચડી પીરસવી એમાં જ એનું જીવન પસાર થયું છે અને થઇ રહ્યું છે.જ્યાં સુધી ઘરમાં ખીચડી હતી ત્યાં સુધી તો કશો વાંધો ન હતો પણ ધીમે ધીમે ઘરમાં રહેલી ખીચડી ખૂટે છે એ સાથે જ અપંગ પિતાની ધીરજ પણ ખૂટે છે.પુત્ર વિઠ્ઠલ પાસેથી તો કોઈ અપેક્ષા નથી પરંતુ લખડી એક માત્ર આધાર હોવાથી લખડી પણ દિવસનાં આરંભે જ કશું કમાઈ શકતી નથી ત્યારે આમને આમ ક્યાં સુધી ચલાવવું ? એ અપંગ પિતાને પ્રશ્ન થાય છે.આ માત્ર એ એક પિતાનો પ્રશ્ન નથી રહેતો પણ જગતમાં આવા અનેક પરિવાર અને પરિવારના મોભી સમાન પિતાઓનો પણ આ સવાલ બની રહે છે.જે વાર્તાકારનું દર્શન પણ છે.
લખડી ખીચડી કમાવવા નીકળી હોય છે પણ કોઈના ઘરે કશું જ કામ કે કરેલાં કામનાં પૈસા મળતાં નથી ત્યારે નિરાશ થયેલી લખડી પોતાના હાથની છેલ્લી બચેલી બંગડી પોતાના ભાઈને આપીને ખીચડી કમાવવાનો પ્રયત્ન કરી જોવે છે પણ જેના નસીબમાં ખીચડી હવે લખી જ નથી એ લખડી સાંજ સુધી પોતાના ભાઈનાં આવવાની રાહ જોવે પણ ભાઈ આવતો નથી ત્યારે ભૂખથી અસહ્ય બનેલાં અને પીડાતા પિતા લખડીને બોલાવી કહે છે, ‘તારા જેવીને ખીચડી કમાવી એ રમત વાત છે,બહુ જ સહેલું છે, સમજી ? સમજે છે ?’ અને એમ શરીર વહેંચીને લખડી ખીચડીને બદલે મીઠાઈ અને વધુ જોઈતી હોઈ તો એ પણ લખડી હવે કમાઈ શકે એમ છે એવો નિર્દેશ વાર્તાના અંતમાં કરાયેલો છે.વાર્તાના અંતે ગરીબી લખડીનાં જીવનમાં એ રીતે ઓતપ્રોત થઇ ગઈ હોય છે કે લખડી પોતે જેમ ખીચડી હાંડલામાં રાંધતી એમ અંતે એ પણ રંધાવા લાગે છે.
આ રીતે વાર્તાકારે સમાજની કેટલીક સમસ્યાઓ પૈકી ગરીબીને અહી એક અવિનાભાજ્ય પાત્ર રૂપે આ વાર્તામાં રજુ કરી છે.તેમજ ગરીબીનાં કારણે ગરીબ લોકોએ ભોગવવી પડતી હાડમારી,કપરી સ્થિતિ અને એમાં કશું જ પ્રાપ્ત ન થાય ત્યારે પોતાના શરીરને વ્હેચીને પૈસા કમાવવાનો વારો આવે એ હદ સુધીની વાત અહી ઉપસાવેલી છે.ગરીબીની પરાકાષ્ટા તો ત્યારે આવે છે જયારે એક બાપ એક દીકરીને પૈસા કમાવવા માટે સમાજમાં એક વ્યવસાય રૂપે જે પ્રચલિત તે કામ કરવાનો સંકેત આપે છે.અને લખડી પણ ઈચ્છા વિના જ એમાં ઝંપલાવે છે.અને પછી તો એ રોજિંદી ક્રિયા બની જાય છે.તેમજ પિતા,માતા અને ભાઈ ટકે-ટકે ખાવાં માટે જે ફાંફા મારે છે તેમાં ખીચડી મળશે કે કેમ એ ભાવ આપણને ભાવક તરીખે તરત જ પમાય જાય છે.જેમકે,
“એનો ભાઈ સાંજના વહેલો વળી આવતો અને ખાટલે બેઠો-બેઠો,મીંદડી જેમ ઉઘાડા દૂધના ટોપિયા તરફ જુએ એમ,રસોડા તરફ મીટ માંડી બેસી રહેતો.ખીચડીનું હાંડલુ ચૂલે ચડે કે તરત જ લખડીનો બાપ મેડીના ગોખ આગળથી ઘસડાતો ઘસડાતો દાદરની કિનાર આગળ બેસી રહેતો.અને એના લંગડા પગને નીચે લટકતો રાખી લખડીને પોતાની હાજરીની જાણ કરતો.”
આમ,ગરીબી લખડીનાં પરિવારને બધી તરફથી ઘેરી લે છે.અને ગરીબીના આ દલદલમાં સતત લખડી અને લખડીનો પરિવાર ફસાતો જાય છે.જે આજના તમામ ગરીબ લોકોની અવદશાને પણ તાકે છે.દરેક ગરીબની આજ હાલત હોઈ છે એ લેખકે બતાવી આપ્યુ છે.આ રીતે સમાજની એક ખૂબ જ મોટી સમસ્યા અહી વાર્તાના માધ્યમે લેખકે આલેખી બતાવી છે.
ગરીબી ઉપરાંત બીજી એક સામાજિક સમસ્યાનો આછો ચિતાર પણ લેખકે અહી મૂકી બતાવ્યો છે જે વર્ગવિષમતાનો પ્રશ્ન છે.સમાજમાં છેક આદી કાળથી એક વર્ગ ઉચ્ચ અને બીજો વર્ગ નિમ્ન,એક શાસન કરનાર તો બીજો શોષક વર્ગ.આ વાર્તામાં પણ આ જ વસ્તુ લેખકે શંકર શેઠના પાત્ર રૂપે મૂકી આપી છે.જે લખડીની ગરીબી અને આર્થિક સ્થિતિનો લાભ ઉઠાવી પોતાની શારીરિક વાસના સંતોષે છે.ત્યારે પરિસ્થિતિમાં મુકાયેલી અને ફસાયેલી લખડી શંકર શેઠની આ પ્રકારની હરકતને મનોમન સ્વીકારી લે છે.તેનો વિરોધ એ કરતી નથી તેમજ કોઈ ને કશી જાણ કરતી નથી.એની આ છુપ્પી એક ક્ષણે આપણને ખૂંચે પરંતુ તેની ગરીબી અને ઘરના લોકોને જમાડવાના ભાગ રૂપે એ આ બધું કરે છે એની જાણ હોવાથી એ સહજ રીતે ગ્રહણ થાય છે.ગરીબ લોકોની આવી જ સ્થિતિ થાય છે ને હોઈ છે.એ વાચક સારી રીતે સમજી જાય છે.
વાર્તામાં ત્રીજી સામાજિક સમસ્યા જોવા મળે છે એ છે જાતિયતાનો પ્રશ્ન.લખડીનો ભાઈ વિઠ્ઠલ,લખડીનાં પિતા અને શંકર શેઠ આ ત્રણ પુરુષ પાત્રોની સામે લખડી અને એની માં.એમ બે સ્ત્રી પાત્રો અહી છે.અહી લખડી સમગ્ર ઘરની જવાબદારી નિભાવે છે.જયારે જુવાન જોધ એવો લખડીનો ભાઈ વિઠ્ઠલ બધી કમાણી દારૂમાં ખર્ચી નાખે છે આથી લખડીની મા અને પિતાને એ દીઠ્ઠો ગમતો નથી,ગાળો ભાંડવામાં આવે છે પણ રખડેલ એવા વિઠ્ઠલનું રૂવાડુંય ફરકતું નથી.કેમકે,લખડી હંમેશા વિઠ્ઠલનો પક્ષ લેતી હોય છે.પિતા અપંગ હોવાનાં કારણે મૃત્યુ સમાન જીવન જીવે છે.ત્યારે આવી પરિસ્થતિમાં લખડીને શારીરિક કમાણી કરવાનો વારો આવે છે.જેના લેખકે ઘણાં સંકેતો વાર્તામાં અગાઉ જ મૂકી દીધા હતા જેમ કે, વિઠ્ઠલ ઘણી વખત પોતાની માને કેહતો કે, ‘લખડી પોતેય ખીચડી જેવી જ છે-નહિ બા ?’ આ રીતે ખીચડી જેમ હાંડલામાં રંધાય એમ લખડી તો રંધાતી જ હતી હવે તો એનું શરીર પણ એમાં હોમાય રહ્યું છે.જેને શંકર શેઠ જેવા કેટલાંયે ભોગવવા તૈયાર જ બેઠા છે.જે જીવતા જીવનની વરવી વાસ્તવિકતા પણ છે.આપણી આસ-પાસ જ આવા અનેક દાખલાઓ છે.આ વાર્તા તો ફફ્ત આ પ્રકારની સ્થિતિનું માત્ર પ્રતિનિધિત્વ જ કરે છે. આનાથી પણ ભીષણ અને કડવા સત્યો આપણાં સમાજમાં આજે પણ જોવા મળે છે.
આમ,લખડીના પાત્રના નિરૂપણનાં માધ્યમે જયંત ખત્રીએ ભીષણ ગરીબીમાં જીવતાં અને શ્વાસ લેતાં માનવીની યાતનાનો થોડાક અંશ અહી ખૂબ માવજત પૂર્વક મૂકી આપ્યો છે. આ સાથે સાથે વર્ગવિષમતા અને જાતિયતાનો પ્રશ્ન પણ ખૂબ નાના એવા પરિમાણથી લેખકે અહી સારી રીતે દર્શાવ્યો છે.એ રીતે પ્રસ્તુત વાર્તા સામજિક સમસ્યાઓને આલેખતી વાર્તા વિશેષ બનવા પામી છે.
સંદર્ભ:
જયંત ખત્રીની શ્રેષ્ઠ વાર્તાઓ – સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા