ખેલૈયાના ઝૂરાપાનું ગીત

-વિરેન પંડ્યા ‘વિરલ’

સૂની આ શેરીઓ, સૂના સૌ ચોક છે, સૂની છે નોરતાની રાત !

સૂના છે ગીત ને સૂની સૌ પ્રિત છે, અધૂરી છે ઓરતાની વાત.

ખેલ્યાં ‘તા રાસ ને ઘૂમ્યાં ‘તા ગરબે, દીધો ‘તો તાળીઓનો તાલ;

નાચ્યાં ‘તા રાતભર, ઝૂમ્યાં ‘તા જોમથી, વિસરી બેઠાં ‘તાં સૌ કાલ!

વિતેલી કાલ જો, આવી ઊભી છે આજ, મોટેરો થઇને આઘાત.

સૂની છે નોરતાની રાતO

એકલાં તો ખાલીખમ હૈયું ચૂંથાય, કાંઈ ગરબા રમાય એમ થોડાં?

ઘરમાં તે રાસ સાવ એવો રમાય જાણે ઓસરીમાં દોડયાં હો ઘોડાં!

સૂકી છે મોજ, ના સખીઓનો સાથ છે, અળગી છે તારાથી જાત.

સૂની છે નોરતાની રાતO