– અજય સોની
ઠંડીના દિવસો શરુ થઈ ગયા હતા. ઝાંખા ઉદાસ કરી મૂકે એવા દિવસો ઊગવા લાગ્યા હતા. આખો દિવસ ધુમ્મસ છવાયેલું રહેતું. આકાશ પણ જાણે થીજી ગયું હોય એમ ઠંડી વરસાવવા લાગ્યું હતું. જાણે કોઈ અચાનક જ બધું છોડીને ચાલ્યું ગયું હોય એમ રસ્તાઓ ટુરિસ્ટ વિનાના સૂમસામ થઈ ગયા હતા. ઠંડીની સિઝનમાં ટુરિસ્ટોની આવ-જા ઓછી થઈ જતી. એ પછીનું પહાડનું વાતાવરણ ઉદાસ કરી મૂકતું. પહાડીઓ ધુમ્મસની ચાદરમાં વીંટળાઈ વળતી. તડકો ભાગ્યે જ દેખાતો એ સિવાય આખો દિવસ ચામડી થીજવી નાખતો પવન વહ્યા કરતો. આજે પણ એના પગ રોજની જેમ એજ વળાંક પાસે આવીને અટકી ગયા. જ્યાંથી કિલ્લાના ભગ્ન અવશેષો સ્પષ્ટ દેખાતા હતા. તે પછી લાયબ્રેરીનું મકાન શરુ થતું હતું. રસ્તાની સમાંતર લાંબુ મકાન અંગ્રેજોના વખતનું હતું. અંદરનું ફર્નીચર અને પુસ્તકો પણ ખાસ્સા જૂના હતા. અંદર પ્રવેશતાં જ ઠંડી ફર્શ પર પડતાં પગલાં જૂદા જ સમયમાં લઈ જતા. પહાડની ઠંડી હવામાં પુસ્તકોની માદક ગંધ થીજી ગઈ હોય એમ ઘેરી વળતી.
સવારે ધુમ્મસમાં ઢોળાવ ચડતાં એની નજર લાયબ્રેરીના મકાનની પાછળના ભાગે આવેલા જર્જરીત કિલ્લા પર અટકી જતી. કિલ્લાના પથ્થરોએ એકબીજાનો સાથ છોડી દીધો હતો. વચ્ચેના મિનારા પર લીલ ચોંટી ગઈ હતી. લાયબ્રેરીથી આવતાં-જતાં એની નજર કિલ્લા પર પડતી અને એની ભીતર શારણી ફરવા લાગતી. કેટલાય વરસ થઈ ગયા એ કિલ્લાને આમ જ જોતો આવ્યો છે. તેમ છતાં જ્યારે પણ નજર સામે આવે. બે ઘડી અટકી જવાય અને ભીતર કશુંક શરુ થઈ જાય. એ કયો ભાવ છે એ નથી જાણતો પણ કિલ્લાનું ખેંચાણ છે. ઠંડા દિવસોમાં લાયબ્રેરીની અંદર બેઠા બેઠા પણ કિલ્લાનો વિચાર આવે અને બારી પાસે પહોંચી જાય. પુસ્તકોની ગંધ સમાવી બેઠાલા એના ફેફસાં બે ઘડી શ્વાસ લેવાનું ચૂકી જાય જ્યારે આંખ સામે કિલ્લો હોય. એને લાગે જાણે કિલ્લો એનો ઈતિહાસ કહેવા આતૂર છે પણ હંમેશા એ અવગણ્યા કરે છે. કિલ્લાની અડધી તૂટી ગયેલી દીવાલો પર કાળાશ ફેલાઈ ગઈ છે. એના પર લીલું ઘાસ ઊગી નીકળ્યું છે. એ ઘણીવાર એને નજરોથી પસવારતો રહેતો.
લાયબ્રેરીના ગેટને ખોલીને એ અંદર આવ્યો. પોસ્ટબોક્સમાંથી ટપાલ લીધી. ઉતાવળી નજરે બધી ટપાલને ફંફોસી લીધી. ન્યુઝપેપેરનું બંડલ લઈ એણે અંદરની લોબીમાં દિવસનું અંધારું કચડવા પગ ઉપાડ્યા. ઠંડી લોબીના સામેના છેડે ગયે જાણે કેટલોય સમય નીકળી ગયો હશે. એણે નજર તાણીને સામેની તરફ જોઈ લીધું. પછી એકાએક લાયબ્રેરીના મુખ્ય દરવાજા તરફ વળ્યો. દરવાજો ખોલી અંદર આવ્યો. અંધારામાં એક ચિરપરિચીત ગંધ એના ફેફસાંની બંધિયાર હવા સાથે ભળી ગઈ. અંધારું પીતો હોય એમ ફરી ઊંડો શ્વાસ લીધો. દિવસના ગાઢ અંધારામાં પણ એને જોવામાં મુશ્કેલી થતી હતી કે કઈ રેક ક્યાં રાખી છે અને કયો કબાટ કેટલા અંતરે છે. બે ડગલાં આગળ વધીને એ અટકી ગયો. જાણે કિલ્લામાં પ્રવેશતો હોય એમ એક ક્ષણ પગ અટકી ગયા. હસવાનો અવાજ ઘેરી વળ્યો. માથું નકારમાં ધુણાવતાં એણે લાઈટના બોર્ડ તરફ પગ ચલાવ્યા. નાનકડો બલ્બ વિશાળ હોલમાં અજવાળું કરવાનો વ્યાયામ કરવા લાગ્યો. એણે આગળ જઈને બારી પરના પડદા હટાવ્યા. એ સાથે જ પહાડી ઝાંખુ અજવાળું રાતથી હાંફતાં પુસ્તકો પર ફરી વળ્યું. ઠંડી ઋતુનો ઝાંખો અજવાસ ભોંય પર ચોંટી ગયો. એની નજર બંધ બારીના કાચની બહાર દેખાતા પહાડો તરફ સ્થિર હતી. દૂરથી ખેંચાઈ આવતી શાંતિ અહીં પણ પથરાયેલી હતી. શ્વાસ લેતાં પણ અવાજ થાય એવો સન્નાટો છવાયેલો હતો. લાકડાંની ફર્શ પર ધીમા પગલાં ભરતો એ ન્યુઝપેપરના રેક પાસે આવ્યો.
– પુસ્તકોની સાથે રહી રહીને તારું મગજ બગડી ગયું છે.
એણે ઝબકીને પાછળ જોયું. કોઈ ન હતું. એના હાથમાં ન્યુઝપેપર અટકી ગયું. ક્યાંથી આવ્યો આવાજ ? પુસ્તકોની રેક વીંધતી એની નજર આમતેમ અથડાવા લાગી. ફરી પોતાના કામમાં મન પરોવ્યું. એ દરમ્યાન એના કાન તો આસપાસના નાના સરખા અવાજ પર પણ મંડાયેલા હતા. રોજ આવું એકાદવાર તો થતું જ. ઓચિંતો કોઈનો અવાજ આવતો અને એ ઝબકી જતો. ક્યારેક કોઈ વાંચતું બેઠું હોય તો એ દોડતો એમને પુછવા જતો કે તમે હમણાં આવ્યો એ અવાજ સાંભળ્યો ? પણ પુસ્તકમાં ડુબેલું માથું નકારમાં હલીને ફરી પુસ્તકમાં ખોવાઈ જતું. એ વિચારમાં આમતેમ જોઈ રહેતો. એને કાંઈ સમજાતું નહીં. એણે થોડા દિવસ પહેલાં મારીયા આન્ટીને કહેલું કે, ”મને લાયબ્રેરીમાં અવાજો સંભળાય છે. એકલો બેઠો હોઉં ત્યારે કોઈના પગલાં મારી તરફ આવી રહ્યા હોય એવું થાય છે. હું બધે જોઈ આવું છું પણ મારા સિવાય કોઈ નથી હોતું. મારિયા આન્ટીના ચહેરા પર સળ પડી આવેલા. કશુંયે બોલ્યા વિના ક્યાંય સુધી એની સામે જોયા કર્યું હતું. પછી એમનો કરચલીવાળો હાથ એના યુવાન હાથ પર ફરતા હતા. “તારી લાયબ્રેરીની પાછળ કિલ્લો છે એટલે સંભળાય છે. પણ એ કિલ્લા બાજુ બહુ ધ્યાન નહીં આપવાનું.” એ સ્થિર નજરે મારિયા આન્ટીને જોઈ રહેલો. જાણીતો ચહેરો આજે અલગ જ લાગતો હતો. એણે કિલ્લા વિશે ક્યારેય કોઈ સાથે વાત નહોતી કરી. કેમ કે એ કિલ્લો એની અંદર ઉતરી ચૂક્યો હતો. એની ભગ્ન દીવાલો પર એ પોતે પણ ચડ્યો હતો. એના પર ચડીને અંદરની વાવમાં તાગવાનો પ્રયત્ન કરેલો. હવે એને દૂરથી જોઈને, અવાજો સાંભળીને એ ઉદાસ થઈ જાય છે. મારિયા આન્ટીને આવી વાતો કરતા પહેલીવાર સાંભળ્યા હતા. ઘણા વખતથી એ મારિયા આન્ટીને જાણતો હતો. વરસો સુધી નીચે ઘાટીમાં રહેતા હતા. પતિ ચાલ્યા ગયા પછી પોતે પહાડ પર રહેવા આવી ગયા હતા. જાણે પહાડ પર ખોવાઈ ગયેલા પતિને શોધવા આવ્યા હોય એમ દરેક ટુરિસ્ટને જોયા કરતા. નાનકડી હેન્ડીક્રાફ્ટની શોપ હતી અને એના પાછળના ભાગે એક જણ રહી શકે એટલું ઘર. એ મોટાભાગે સાંજના સમયે મારિયા આન્ટીની શોપ પર આવતો. કશુંક ગુંથ્યા કરતાં મારિયા આન્ટી એને જોઈને કામ પડતું મુકી દેતાં. પછી બન્ને વાતો કરતાં. પહાડની, ઠંડી વરસાવતા આકાશની, ઢોળાવોની, ટુરિસ્ટોની, અજાણ્યા ચહેરાઓની, લાયબ્રેરીની અને હમણાંથી અંગ્રેજોના જમાનાના કિલ્લાની.
એ પોતાની ખુરસી પર આવીને બેઠો. ટેબલ પર પોતે રાખેલી ટપાલ હાથમાં લીધી. જનરલ્સ છૂટા પાડીને બાજુ પર રાખી દીધા. બધું એજ હતું કોઈ અજાણી ટપાલ ન હતી. એજ વરસોથી આવતા જનરલ્સના અંકો અને એજ ખોલ્યા વિના પડી રહેતા ચોપાનિયા. આખો મહિનો રેક પર ટીંગાયા કરે. મહિનાના અંતે ઊતરીને પસ્તીમાં ભળી જાય.
એણે ખુરસી પર પીઠ ટેકવીની આંખો મીંચી. જાણે પેલા અવાજોની રાહ જોતો હોય એમ કાન સરવા થઈ ગયા. પણ ભીતર સુધી પ્રસરી ગયેલા સન્નાટો સંભળાયો. બહાર ઠંડી હવાના ઝોંકા વૃક્ષોને થથરાવતાં હતા. ઢોળાવ ચડતાં એનું ધ્યાન હંમેશા આકાશ તરફ રહેતું. આકાશમાં ઊડતા પક્ષીઓ કે પછી સમડીનું ચક્કર ફરવું એનું ધ્યાન ખેંચ્યા કરતું. એને થતું કે આમ જ પોતે પણ લાયબ્રેરીથી ઘર અને ઘરથી લાયબ્રેરી વચ્ચે ગોળ ગોળ ફર્યા કરે છે. કશું બદલાતું નથી. બધું એ જ રીતે બને છે જેમ પાછળ વહી ગયેલા દિવસમાં બન્યું હોય છે. એજ સવાર સાંજનું અજવાળું અને પહાડની ઠંડી હવા, સાંજે મારિયા આન્ટી સાથે બેસીને વાતો કરવી, એજ ઢોળાવ ચડવો-ઉતરવો અને અજાણ્યા ટુરિસ્ટોના ચહેરા પર ફરકતો આનંદ જોઈને ક્ષણિક રાજી થવું. આખી રાત ભીનાં અંધારામાં પથારીમાં પડ્યા પડ્યા સવારની રાહ જોવી અને ફરી પાછું એજ ચક્કર. ક્યારેક એવું થઈ આવતું કે એ જે દિવસ જીવે છે એ નવો જ છે કે પછી વહી ગયેલા દિવસોનું સ્વપ્ન.
એની સ્મૃતિ સિવાય ક્યાંય કશું નવું નથી ઘટતું. એને એવુ લાગે છે પણ એવુંયે નથી. સ્મૃતિ પણ વરસોથી એજ છે. એજ ચહેરો અને એજ ગુલાબી ગાલ પર અટકી જતો ગુલાબી તડકો, આજ ઢોળાવો અને આજ લાયબ્રેરીનું મકાન. સામા છેડે જ્યાં કેટલાય વખતથી નથી ગયો એ ખુણો, બંધિયાર હવામાં છેદ પાડી દેતો મીઠો અવાજ, ચર્ચની શાંતિમાં જોડાઈ જતાં પાતળા બે હાથ અને પાછા ફરતાં ઘેરાઈ આવતું પહાડ પરનું ઘેરું અંધારું. એકમેકમાં વીંટળાઈ વળતાં હાથ અને હૂંફની શોધમાં ભળી જતાં બે શરીર. બધું જ એને સાંજ પછી યાદ આવતું. એ રહી ન શકતો એટલે મારિયા આન્ટીને મળવા દોડી જતો. ત્યાં બેઠો રહેતો. કશુંયે બોલતો નહીં. આવતાં જતાં ટુરિસ્ટો અને શોપ પર વસ્તુઓ લેવા આવતાં અજાણ્યા ચહેરાઓને કશીક આશા સાથે જોઈ રહેતો. જાણે એ શોધી રહ્યો છે એ ચહેરો અહીં જ ફરી રહ્યો છે. હવામાં એનો પગરવ સંભળાય છે. એ સતત પાસે બોલાવી રહ્યો છે. પણ કશુંયે સ્થિર નથી થતું. ધુમ્મસની જેમ બધું બદલાયા કરે છે. દશ્યો પાછળથી બીજા જ દશ્યો નીકળે છે અને ફરી કાંઈક ત્રીજું. આંખ પર વિશ્વાસ નથી કરી શકાતો. ઘડીકમાં ધુમ્મસ બધું ઢાંકી દે છે. પછી આંખ સામેના દશ્યો ક્યારેય નથી બદલાતાં. સ્થિર જળની માફક અટકી જાય છે. જાણે ચડતાં-ઊતરતાં ઢોળાવ પર ચાલતાં એના પગ.
કિલ્લો જાણે રોજ તેને સાદ પાડતો હોય એવું લાગતું અને તેનું મન એ તરફ ખેંચાયા કરતું. નાનો હતો ત્યારે એક-બે વાર કિલ્લાની દીવાલો પર કૂતુહલવશ ચડ્યો હતો. અંદર અઘોચર અને એની વચ્ચે વાવ હતી. લીલના કારણે કાળું પડી ગયેલું પાણી સ્થિર થઈ ગયું હતું. ત્યારે એને અંદર ઊતરવાનું મન થયેલું પણ તે નહોતો ઊતર્યો. પછી માને ખબર પડી કે તે કિલ્લા પર ગયેલો. ત્યારે માએ ખૂબ માર માર્યો હતો અને કેટલુંયે સંભળાવ્યું હતું. અંતે મા પોતે જ વળગીને રડી પડેલી. એ પુછ્યા કરતો હતો કે શું છે એ કિલ્લામાં ? કેમ ન જવાય? પણ મા પાસે આંસુ સિવાય કોઈ જવાબ ન હતો. આજે પણ એજ પ્રશ્નો છે પણ જવાબો નથી. મા પણ ચાલી ગઈ. એને કેટલીયે વાર જાણવાનો પ્રયત્ન કરેલો કે મા એ દિવસે કેમ રડી હતી. પણ મા ચૂપ જ રહેતી. પછી તો એ સવાલ અને કિલ્લો જાણે હંમેશા માટે એની અંદર ઊતરી ગયા હતા. રોજ કિલ્લાને જોવાનું વળગણ થઈ ગયું હતું. કિલ્લો અવનવા રૂપે એને સ્વપ્નમાં દેખાતો. લાયબ્રેરીમાં બેઠા રહીને પણ કિલ્લાને જોયે રાખતો. વૃક્ષો પરથી વહી આવતો પવન કોઈ ગેબી ધ્વનીને તાણી લાવતો અને એની અંદરથી પણ એક સ્વર ઊઠતો. મન એ તરફ જવા દોટ લગાવતું. માદક ગંધનો ધોધ વહેતો અને એ તણાતો જતો. એવી જ ગંધ આવતી હતી જે એણે વરસો પહેલાં એક બંધ, અંધારિયા ઓરડામાં નાજૂક બદનમાંથી સુંઘી હતી. પછી તો એ ગંધ પવન ક્યાંય તાણી ગયો. વરસોના થર જામતા ગયા અને પહાડ એના રંગ-રૂપ બદલતું રહ્યું.
મુખ્ય દરવાજામાંથી આવતા અજવાસનો એક ટુકડો ફર્શ પર પડ્યો હતો. તેને થયું અજવાસ જરા ખસ્યો કે પછી એમ જ છે. વિચારો લંબાય એ પહેલાં જ એ ઊભો થઈ ગયો. અમસ્તો એક ચક્કર મારીને જાણે નક્કી જ હોય કે ક્યાં થોભવાનું છે એમ બારી પાસે ઊભો રહી ગયો. કિલ્લાની દીવાલ એને તાકી રહી હોય એવું લાગતું હતું. મારિયા આન્ટીએ કહેલું કે “તું એ કિલ્લાથી દૂર રહેજે. જો કે મારિયા આન્ટીને ક્યાં ખબર છે કે એ તો કિલ્લાથી દૂર જ છે, પણ કિલ્લો તેને બોલાવી રહ્યો છે.” દીવાલ પરના તુટેલા પથ્થરોમાં ઊગી નીકળેલું ઘાસ હવામાં લહેરાતું એની સુગંધ છોડે ત્યારે એ જાણે આવા જ કોઈ આહ્વાનની રાહ જોતો હોય એમ તણાતો જાય. પગ કાબુમાં ન રહે. મન તો ક્યાંય જઈ ચડે. કિલ્લાનો રસ્તો આવવાનો હોય ત્યાં એની ચાલ ધીમી પડી જાય. ઢોળાવ ચડતાં જ લાયબ્રેરીનું મકાન આવે અને તેની બરોબર પાછળ કિલ્લાની લાંબી દીવાલ દેખાય. બહારથી લાગે જાણે કિલ્લો લાયબ્રેરીની પાશ્વાદભૂ હોય. એમાંથી જ લાયબ્રેરી જન્મી હોય અને એમાં જ ફરી સમાઈ જવાની હોય. એને ઘણીવાર પ્રશ્ન થતો કે કોઈ વાંચવા નથી આવતું તો પણ શા માટે નિગમ આ લાયબ્રેરીને ચાલુ રાખે છે. અંગ્રેજો છોડી ગયા એ પુસ્તકો અને વિચારો એમ જ ધૂળ ખાય છે. પહાડી શહેરમાં કોઈને જાણે ખબર જ ન હોય કે અહીં કોઈ લાયબ્રેરી છે એમ બધાં આ રસ્તે ચાલ્યા જતા. પણ ભાગ્યે જ કોઈની નજર જતી. એવી જ રીતે કિલ્લો પણ અહીંના લોકો માટે ભુલાઈ ગયો હતો. ટુરિસ્ટ અને એમની સાથે જોડાયેલો બિઝનેસ હતો. બાકીના દિવસોમાં લોકો કામ વગર બહાર જ ન નીકળતા. આખો દિવસ ઘરમાં પડ્યા રહેતા. રાતે દારુ પીને સુઈ જતા. પહાડની હવા બદલાયા કરતી પણ લોકો એજ હતા જે પહેલાં હતા. કિલ્લો, લાયબ્રેરી, ધુમ્મસમાં ઓગળી જતા રસ્તા, ખીણની ધાર, દેવદારના વૃક્ષો, પહાડી કેડી પર ચાલી જતી સ્ત્રીઓ અને આ બધાંને જોઈ રહેલો કિલ્લો. અને કિલ્લાને તાકી રહેલો એ. જાણે કિલ્લો તેની આગળ પોતાના વરસો પાથરી રહ્યો હોય એવું લાગતું હતું. તેની કાળમીંઢ દીવાલોનું મૌન બોલતું હતું. પવનની થરથરાહટ એને વાચાળ લાગતી અને કિલ્લાનો ઈતિહાસ એની આસપાસ ખડો થઈ જતો. મારિયા આન્ટીએ એકવાર કહેલું કે આ કિલ્લો રાજાએ એની રાણી માટે બંધાવ્યો હતો.
તેણે ઝડપથી પગ ઉપાડ્યા. ફર્શ પર એના જ પગલાંનો અવાજ પડઘાતો હતો પણ એનું ધ્યાન બીજે કશેક સ્થિર થઈ ગયું હતું. મુખ્ય દરબાજાને તાળું મારીને એ ઝડપથી લોબી વટાવી ગયો. રસ્તા પર ચાલ્યા જતા એની નજર કિલ્લા તરફ ખેંચાતી હતી પણ તેણે એ તરફ ન જોયું. ઢોળાવ ઊતરતા એનું ઘર આવતું હતું પણ એ સીધો જ મુખ્ય બજારના રસ્તે ઉતાવળી ચાલે ચાલવા લાગ્યો. મન પર કિલ્લાના અવશેષો ખડકાતા જતા હતા. એક ચહેરો અને એક અવાજ જે વરસો પહેલાંના કોઈ આવા જ ઉદાસ, વાદળછાયા દિવસની બપોરે એની અંદર હંમેશા માટે ઊતરી ગયા હતા. હા, ત્યારે પણ એ આમ જ હાથમાં હાથ નાખીને કિલ્લા તરફ એને ખેંચીને જઈ રહ્યો હતો. ત્યારે માત્ર કિલ્લાનું આકર્ષણ ન હતું. એનું પણ હતું જ. અઘોચર રસ્તે વળ્યા અને એ પછી તો તણાતા જ ગયા. ઊંડી વાવના તળિયે પહોંચી ગયેલા. અંધારાના પડ ઊકેલતા ઊકેલતા જાણે ખુદ અંધારાના કોઈ નગરમાં જઈ પહોંચ્યા હતા. જ્યાં ચોતરફ અંધારું હતું. માત્ર હવડવાસ અને પાણીનો અવાજ હતો. એ ક્ષણમાંથી જાણે તે એકલો જ બહાર આવ્યો હતો. એ તો ફરી ક્યારેય પાછી આવી જ નહીં. જાણે પેલી હવડવાસ અને અડાબીડ અંધારું હંમેશા માટે તેની અંદર ઊતરી ગયું હોય એ ચહેરાને ખેંચી ગયું. ખાલી હાથે પાછો ફર્યો ત્યારે પેલા કિલ્લાની દીવાલો પરના કાળજૂના પથ્થરો હસી રહ્યા હતા અને એ રડી રહ્યો હતો. કશુંક ખોવાઈ ગયું હતું જે ફરી ક્યારેય મળવાનું ન હતું.
મારિયા આન્ટીની શોપ આવી ગઈ. એ અટક્યો ત્યારે એના શ્વાસ હાંફતા હતા. મારિયા આન્ટી સામાન ગોઠવી રહ્યા હતા. એમના ચહેરા પર નિરાંત જોઈને એને અકળામણ થવા લાગી. ઉતાવળો શોપની અંદર આવ્યો. એને જોઈને મારિયા આન્ટીને નવાઈ લાગી. એ દરરોજ સાંજે આવતો. હજુ બપોર થયા હતા.
“આજે લાયબ્રેરી નથી ખોલી કે શું?”
એ કાંઈ ન બોલ્યો. એની અંદર થીજી ગયેલો સમય હજુ ખસ્યો ન હતો.
“આર યુ ઓલરાઈટ ડિયર”
મારિયા આન્ટીના નરમ હાથ એના વાળ પર ફરવા લાગ્યા. એને થયું જાણે પેલો દૂર ચાલ્યો ગયેલો સ્પર્શ ફરી પાછો એને પસવારવા આવી ગયો કે શું?
“મને એ કિલ્લો ખેંચી રહ્યો છે. એ બધું જ યાદ આવે છે જે હું પાછળ છોડી ચૂક્યો છું.”
“શું યાદ આવે છે? શું છોડી ચૂક્યો છો.” મારિયા આન્ટીની આંખોમાં બરફના થર જામતા જતા હતા.
“એ ચહેરો, એ સ્પર્શ, આલિંગન, સુગંધ, સ્મિત અને….”
“મેં તને કહ્યું હતું ને કે એ કિલ્લાથી દૂર રહેવું. તને ખબર નથી કે એ કિલ્લો….”
મારિયા આન્ટીનો અવાજ એકાએક બંધ થઈ ગયો. એની પાસે બેસતા ફરી બોલ્યા.
“અંગ્રેજો આવ્યા એ પહેલાં અહીંના રાજાએ એ કિલ્લો એમની રાણી માટે બંધાવ્યો હતો. એ રાણી સાથે ઘણીવાર આ કિલ્લા પર આવતા. રાણી રૂપવતી હતી. પછી રાજાએ એ રાણીને છોડી દીધી અને રાણીએ હંમેશા માટે પોતાની જાતને એ કિલ્લામાં કેદ કરી લીધી. દાસીઓ સાથે એ કિલ્લામાં જ રહેતી. બહાર નીકલવાનું બંધ કરી દીધું હતું. ત્યાં સુધી કે છેલ્લે તો દાસીઓ પણ ચાલી ગયેલી. અંતે એક વાસ એ કિલ્લામાંથી ઊઠી અને રાજા સુધી પહોંચી. પછી તો રાજા પણ બિમારીમાં પટકાયા અને ચાલ્યા ગયા. અંગ્રેજો આવ્યા અને રાજ ગયું. ઘણાં અફસરોએ એ કિલ્લા પર પોતાનું અધિપત્ય સ્થાપવાની કોશિશ કરી પણ ન ફાવ્યા. કેટલાય મરી ગયા અને કેટલાય પાગલ થઈ ગયા.”
એ એકચિતે સાંભળી રહ્યો હતો. એને રાણીનો ચહેરો જાણે સાવ પાસે જ દેખાતો હતો.
“બધાં કહે છે કે રાણી ચુડેલ બનીને બધાંને ડરાવે છે. જે કોઈ એ તરફ જુએ એમને ખેંચી લે છે. હું એટલે જ તને કેહેતી હતી કે તું એ કિલ્લાથી દૂર રહેજે.”
મારિયા આન્ટીનો અવાજ નંખાઈ ગયો હતો.
“મને કાંઈ નથી થયું. હું એ કિલ્લાની અંદર પણ જઈ આવ્યો છું. ત્યાં કોઈ ચુડેલ નથી.”
“તું શું કહી રહ્યો છો તને ખબર છે? બધું ભુલી જા અને થોડાં દિવસ મારી પાસે રહી જા.”
“ના, આન્ટી. મને કિલ્લો બોલાવી રહ્યો છે. મારે જવું પડશે. એ દીવાલો પરથી કોઈ સ્ત્રીનો અવાજ આવી રહ્યો છે. અંદર સાચે જ કોઈ કેદ છે. અંદરની વાવમાં સંતાઈને એ મને બોલાવી રહી છે. એની ચીસો મેં સાંભળી છે. એવું નથી કે આ માત્ર સપનુ છે પણ કેટલાય વરસથી હું સાંભળતો આવ્યો છું. એ કોઈ રાજાની રાણી છે કે નહીં મને નથી ખબર.”
એ ઊભો થયો અને મારિયા આન્ટીએ એનો હાથ સજ્જડ પકડી લીધો.
“આન્ટી, મને લાગે છે કે કોઈ મને સતત બોલાવી રહ્યું છે. મારી અંદર એ અવાજ પડઘાઈ રહ્યો છે. કોઈ એ કિલ્લામાં કેદ છે મારે એને છોડાવવી પડશે. એ કોઈ રાજાની રાણી નથી આન્ટી પણ એક સ્ત્રી છે જે વરસો પહેલાં મારી સાથે આ જ પહાડના રસ્તે ફરી છે અને એક કાળે કિલ્લામાં ખોવાઈ ગઈ છે.”
એ ચાલવા લાગ્યો. મારીયા આન્ટીના હાથમાંથી એના હાથ સરકી ગયા. ધુમ્મસિયા રસ્તા પર એનો પડછાયો સરકતો દૂર ચાલ્યો ગયો અને ધીમે ધીમે એ ઓઝલ થઈ ગયો. મારિયા આન્ટી રડમસ અવાજે બબડ્યા.
“એ રાણી ફરી રૂપ બદલીને આવી ગઈ. કેટલાનો ભોગ લેશે.”
મારિયા આન્ટીની નજર સામે એમના પતિનો ખોવાઈ ગયેલો ચહેરો આવ્યો. જે આવા જ ધુમ્મસિયા દિવસોમાં પહાડમાં ખોવાઈ ગયો હતો.
* * *
અજય સોની
પ્લોટ નંબર-૯૯/એ, રામનગર-૧,
અંજાર-કચ્છ, પીનકોડ-૩૭૦૧૧૦
મો. ૯૦૩૩૮ ૪૩૮૦૫
ઇમેઇલ – ajaysoni.kutch@gmail.com