કાવ્ય: ૩. હે જીવ તારા ગામતરા કિયા રે ગામ : ક્રિષ્ના વ્યાસ

કોરું સરવર ને ભીનો હંસલો

બોલકી હૈયાની ફાળ…

હે જીવ તારા ગામતરા કિયા રે ગામ..

કેવો અહેસાસ, કેવો શ્વાસ 

ને કેવી તે આસની આ પાળ…

હે જીવ તારા ગામતરા કિયા રે ગામ..

મૂંગી આ વેદના, ઘેરી સંવેદના 

ઘેરા એના આભ ને પાતાળ…

હે જીવ તારા ગામતરા કિયા રે ગામ.

પંચમહાભૂતનું કેવું આ પૂતળું

સમરણ પણ કેવા રે વાચાળ…

હે જીવ તારા ગામતરા કિયા રે ગામ.

લાંબી આ જાતરા, લાંબી રે કેડિયું

ઝળહળતું કલરવતું, ઝંખનાનું કોડિયું

કોહવાશે કાયાનો કાળ….

હે જીવ તારા ગામતરા કિયા રે ગામ.