ઇન્દુ જોશી
ઠંડીમાં થરથરતી, કામ કરતી હું અકળાવાની તૈયારીમાં જ હતી.બબડતી જતી હતી, “ગ્લોબલ વોર્મિંગ જ તો? બીજું તો શું હોય? નહિતર ગુજરાતમાં આટલી ઠંડી કોઈ દિવસ જોઈ છે?”
“લે. આ પાછું નવું. મમ્મી,તું વાત શેની કરે છે? ઠંડીની કે ગરમીની? ગુજરાતમાં અત્યારે ઠંડી વધારે પડે છે એમ તારું કહેવું છે?” નીલ મારી પાસે આવી ઊભો રહ્યો.
હું ગુસ્સામાં હોઉં કે અકળાયેલી હોઉં ત્યારે મને ઠેકાણે લાવવાનું કામ એનું જ એમ એણે જાતે સ્વીકારી લીધેલું. એટલે એ હકદાવે તે મારી પાસે આવી જતો.
“અરે, આ જોતો નથી? ઠરી ચાલી હું તો. ઝટ કામ પણ પતતાં નથી.”
“પણ મમ્મી ?”
એ જાણી જોઈને આવે વખતે વાતો કરાવતો.
“મારી એક શંકા તારે દૂર કરવી જ પડશે. ઠંડીમાં ગ્લોબલ વોર્મિંગ ક્યાંથી આવ્યું?”
“લે. હવે તારા જેવા અગીયારમાં ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં ભણતાં છોકરાને મારે સમજાવું પડશે કે ગ્લોબલ વોર્મિંગને કારણે બધી જ ઋતુઓની તીવ્રતા વધી ગઈ છે ?”
વાતને ટાળવા મેં મનમાં જે આવ્યું તે હાંકયું.
હો હો હો કરતાં મારા સિવાયના બાકીના ત્રણ – નીલ, કોલેજમાં ભણતી અને નામ પ્રમાણે ગુણ ધરાવતી મારી ચિબાવલી તેજા અને રજાના દિવસે અડધો અડધ સમય બાગકામમાં વિતાવતા વેદાંત – હસી પડયાં.
નીલને ક્યાં ખબર હતી કે ઠંડી તો બહાનું હતી ! અસલમાં એક લેખ લખવાનો હતો અને સામયિકમાં મોકલવાનો હતો. આજે રવિવાર હતો. આવતીકાલે છેલ્લો દિવસ હતો. આજે જો ના લખાય તો થકવી દેતી નોકરીના કામ અને ઘરનાં રોજના કામમાં ચાલુ દિવસે ક્યાં સમય મળે તેમ હતું? સાચી વાત જો આ ત્રણેય જાણે તો મારી તબિયત શેને કારણે બગડે છે તેનું વિશ્લેષણ કરી એ જ તારણ પર આવે કે નોકરી કરવા સાથે લેખ લખવા જેવા વધારાના કામ લેવાય જ નહીં.
ત્યાં જ એનો ફોન આવ્યો.
નીલ બોલ્યો, “મમ્મી, લે. બિરવા માસીનો ફોન.”
વેદાંત બોલ્યા વિના હવે કેમ રહે, “ હવે તારી મમ્મીની ઠંડી કેવી ઊડે છે તે જોજે.”
“ જલદી કહે,”બિરવા બોલી.
આને કાયમ બધી જ વાતની ઉતાવળ.મનમાં બબડતી હું બોલી, “બોલ.”
“ જો આજે આ સંપેતરા ઉપર ચડાવું છું. તારે આમાંથી જે પહેરવું હોય તે અહીં નીચે મૂકી રાખું.”
“ અરે યાર, આ એક વધારાનું કામ ! આ બધું નક્કી કરવા માટે મારું મગજ હમણાં ઠેકાણે નથી. એક તો આ ઠંડી. આજે રવિવાર. કેટલા વધારાના કામ.”
“કામ તો વળી એમ ક્યાં પતવાના હતા ?” તે બોલી.
એ પણ ક્યાં છાલ છોડે તેમ હતી ?
બિરવા મારાથી અઢી વર્ષે નાની. કૂતરાં, બિલાડાં, વાંદરાં, ખિસકોલાં એને નાનપણથી પ્રિય.પ્રાણીશાસ્ત્ર વિષયમાં કોલેજમાં એને સુવર્ણચંદ્રક મળેલો. પછી ત્યાં જ નોકરીએ લાગેલી.મને ઓછું બોલવાની ટેવ પણ બિરવા મોંમાં આંગળા નાખી બોલાવે. હિમાલય પર બરફ ખૂટે તો બિરવાની વાતો ખૂટે !
ગળા સુધી મને ખાતરી હતી કે આ લાંબુ ચલાવશે. તો પણ ફોન તો ઉપાડવો જ પડે. નહિતર તે નીલ, તેજા કે વેદાંતના ફોન પર રિંગ માર્યાં કરે. સરવાળે બધાં પાછાં મારા પર જ ચીડાવાના ! એના કરતાં….
એમ વિચારતાં ફોન ઉપાડેલો.
“કેવું ચાલે છે ઈશલી? ચા પીધી ? આજે ચામાં આદુ નાખેલુ ? જીજાજી ઉઠ્યા ?છોકરા શું કરે છે ? આજે જમવામાં શું બનાવવાની છે?
લાકડાની લાંબી પાતળી સળી પર ભરવેલી કાગળની રંગીન ચકરડી પવનનો ધક્કો લાગતા જગોળ ગોળ ફરવા માંડે તેમ માંડ ઠરેલું મન ફરી પાછું ચક્કર ચક્કર !
“બેન, આ બધા જ પ્રશ્નોમાંથી કયા પ્રશ્નનો જવાબ પહેલો આપું ?” અકળામણ માંડ દબાવતા હું બોલી.
“જે પ્રશ્નનો જવાબ વધુ સારી રીતે આવડતો હોય તે પહેલો બોલવો.”
હો હો કરતી બે ઘરને સંભળાય એવી રીતે ખડખડાટ હસતી તે બોલી.
માસ્તર તો અમે બંને. એટલે પ્રશ્નો એ રીતે જ પૂછાય અને જવાબ પણ એ રીતે જ મળે.
એને ક્યાં કોઈ જવાબ સાંભળવાની તમા હોય ! એવી તો અલ્લડ !
એનું આગળ ચાલ્યું, “ સાંભળ ,આજે મારા સાસુ બાજરીની ખીચડી બનાવવાના છે ચૂલા પર. એટલે આપણને છુટ્ટી ! એ મોકલવાના છે.”
“અચ્છા ! તો બેન મારા આટલા હરખે કેમ કૂદે છે તે થોડું સમજાયું ! એક ટંક માટેનું રસોડું છૂટયું છે એટલે. અને તે પણ રવિવારે ! હરખ હવે તું બિરવાસ્તાન ! “ મેં જરા આ નાટકીય રીતે કહ્યું. વાત કરતા મને થોડું સારું લાગ્યું.
એની વાત આગળ ચાલી, “ એટલે જ આ લગ્નમાં પહેરવાના કપડાં ધોઈ કરીને પાછા પોટલામાં મુકું છું. તારે આમાંથી કોઈ લઈ જવા હોય તો બોલ.”
અમારા માસીના છોકરાના લગ્ન અઠવાડિયા પહેલાં જ થયેલા તે વખતના પોટલા ખોલેલા તેની તે વાત કરતી હતી. મારા ફોઈ સાસુના છોકરાનું લગ્ન અઠવાડિયા પછી હતું એટલે ભારે પ્રસંગમાં પહેરવા લાયક પોતાના કપડા વિશે એ મને પુછતી હતી. ભારેમાની સાડીઓ અને બીજા ડ્રેસીસ પણ પાછા એના એ જ બીજાના પ્રસંગે થોડા પહેરવાના હોય? ભલે ને બીજા પ્રસંગવાળા પહેલા પ્રસંગમાં ન આવ્યા હોય તોપણ ?
અને એમ બહેનો વચ્ચે અને બહેનપણીઓ વચ્ચે ખાસ કરીને ભારે મોંઘાં વસ્ત્રો બદલવાની હોશ આપનાર અને લેનાર બંને પક્ષે જે અનુભવાતી હોય તેને શબ્દોમાં વ્યક્ત કરવી અઘરી છે.તેમાં લગ્નમાં પહેરવાના મેચિંગ સેટ પણ ગણી લેવા.
“જો, મેં ગ્રહશાંતિમાં પહેરેલી તે જાંબલી ઝાંયવાળી ભૂરી સાડી, ટેમ્પલ બોર્ડરવાળી પહેરવી છે ? અને ડાર્ક ગુલાબી ફૂલ પાંદડીવાળી પણ બહાર કાઢી રાખું છું.”બિરવા બોલી.
મારું મગજ માંડ-માંડ એની વાતોમાં ધ્યાન આપવાનો પ્રયત્ન કરતું હતું.
મેં કહ્યું,” મને જોયા વગર ખબર નહિ પડે. એક કામ કર. વિડીયો કોલ કર.”
બિરવાએ વિડીયો કોલ કર્યો. એનું મોં દેખાયું. પહેલા તો હસવાનું જ.
પછી કહે કે,“છછુંદરને શું કહેવાય ખબર છે ઇંગ્લિશમાં ?”
મેં એને કહ્યું,” આ વળી છછુંદર વચ્ચે ક્યાંથી આવ્યું ?”
“અરે, તું સાંભળ તો ખરી ! હું અનુવાદનું કામ લઈને બેઠી છું. તેમાં મારે છછુંદરનું અંગ્રેજી જોવું હતું. મેં જોયું અને એ બોલતી વખતે તો હું એટલું બધું હસી એટલું બધું હસી..” કહેતામાં તો એનું હસવાનું ફરી પાછું ચાલુ થઈ ગયું.
મેં કહ્યું, “ આગળ બોલીશ હવે ?”
તે કહે, “ એનો ઉચ્ચાર કરીએ ને તો આપણું મોં પણ છછુંદર જેવું થઈ જાય.” વળી પાછુ હસવાનું ચાલુ.
“જો આ રીતે બોલાય.” અને બોલતા પહેલા તો પાછું એનું હસવાનું રોકાય જ નહીં.
એને હસતી જોઈને મને પણ રમૂજ થઈ.
“એને અંગ્રેજીમાં કહેવાય shrew .જો મારું મોં જો. શ્રુઉઉઉઉઉ.” એના મજાકીયા મોંને જોઈને સવારથી રવિવારે પતાવવાના કામોની યાદીએ જે ઘમાસાણં મચાવેલું તે જાણ બહાર જ મનથી દૂર થતું ગયેલું.
પછી મને કહે,” જો તું બોલ.”
હું તેના જેવા ચાળા કરતી બોલી,“શ્રુઉઉઉઉઉ.”
ફરી અમે બંને એકબીજાની સામસામે જોઈને બોલ્યા.
અને પછી જે હસાહસ.
બે-ત્રણ મિનિટ આ ગમ્મત ચાલી. તેટલામાં તો અમે અમારા ઘર છોકરા બધુ ભૂલી ગયેલા અને મસ્તી કરતી બે નાની છોકરીઓ થઈ ગયેલાં. અમારે એકબીજાની સંગત હોય પછી કોઈની જરૂર નહીં.
સુજીત પણ ટોળમાં કહેતો, “ઈશાબહેન, બિરવાએ ભલે મારી સાથે પ્રેમલગ્ન કર્યા છે પણ તમારી સાથે તે જેવી ખીલે છે તેવું તો મારી સાથે નહીં જ.”
તે એમ જ હોય ને ! આમ તો સ્વભાવમાં ગભરુ. પણ કઈ વાત પર જીદે ચડી સાહસિક નિર્ણયો કરે તે કહેવાય નહીં. મારા લગ્ન પછી બીમાર થઈ ગયેલી. બે દિવસ સુધી કશું ખાધું નહોતું એણે. ગભરુ ખરી પણ મમ્મી પપ્પાની અનિચ્છા છતાં તેણે સુજીત સાથે લગ્ન કરેલાં.
નાનપણથી લઈને આજ સુધીની અમારી બધી જ વાતો એકબીજાથી ખાનગી નહોતી.વળી લગ્ન પછી પણ નોકરી અને ઘર એક જ શહેરમાં. એટલે મળાતું પણ ખરું. પિયર અને સાસરે બંને જગ્યાએ વડીલ સ્ત્રીઓની જોહુકમી સહન કરીને, અને તેમાંથી રસ્તો કાઢીને અમે અમારી મરજી મુજબ રહી શકીએ તેવી સ્થિતિમાં હવે ગોઠવાઈ ગયેલા.પણ અમુક પ્રસંગોએ હ્રદયને વલોવીને તાર તાર કરી નાખેલું. સૌથી નજીકના સંબંધો હતા ન હતા થઈ જાય એવી કટોકટીમાંથી પણ પસાર થઈ ગયેલા અમે એકબીજાને ટેકે ટકી શકેલા. અભ્યાસ માટેની લગનીમાં અમે નવેસરથી અમારી જાત પામી શકેલા. મેં લેખનકાર્ય શરૂ કરેલું અને તેણે એક પ્રકાશન સંસ્થા દ્વારા આવેલો પ્રસ્તાવ સ્વીકારી વિજ્ઞાનના પુસ્તકનું અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ કરવાનું કામ માથે લીધેલું.એનો છોકરો અલય બારમા ધોરણમાં હતો. એ રાતે વાંચતો હોય ત્યારે બિરવા અનુવાદનું કામ કરતી.અમારા બંનેની નોકરી સવારની. અપેક્ષા અને ઉપેક્ષા – આ બંને શબ્દોના કુટુંબના સભ્યો દ્વારા થતા ભરપૂર ઉપયોગે અમને બંનેને યથાર્થ જ્ઞાન આપ્યું હતું. હવે બંનેના કુટુંબ પક્ષે અમને ન છંછેડવાની બિનશરતી સમજૂતી સાધી હતી.
બાકી વાસ્તુના દિવસે પણ સુજીતે તેને રડાવેલી. તે યાદ આવતા મારું મન કડવાશથી ભરાઈ જતું.
સુજીત તરફથી અનેક પ્રકારની માનસિક ધમકીઓ અને ભરપૂર અનિશ્ચિતતાઓ સાથે તે અહીં જુદી રહેવા આવી.સલામતીનું કોચલું તોડવાનો મહાવરો તો સ્ત્રીઓને નાનપણથી જ કરવો પડતો હોય છે ! અનેક હાડમારી છતાં સ્વતંત્રતાનો આનંદ તેના મનને પ્રફુલ્લિત કરતો જતો હતો તે હું જોઈ શકતી હતી.
નવા ઘરમાં પછી તો તેના સાસુ-સસરા અને બીજા સંબંધી પણ મળવા આવતા અને ખુશ થતા. તે જોયા પછી જ સુજીત ખુશ થયેલો.સંબંધોને નવો વળાંક આપવાનું જેટલું જરૂરી સ્ત્રીઓને લાગે છે તેટલું પુરુષોને કેમ નહી લાગતું હોય!
તેના નવા ઘરની પાછળ એક ખુલ્લું ખેતર હતું. થોડેક દૂર એક ગામ. પક્ષીઓ મુક્ત રીતે અહીં આવતા. તેને ગમતા કૂતરાં, બિલાડાં, વાંદરાં, ખિસકોલાંઅહીં આવે . એ ફોટા પાડીને મને મોકલે. તેના ઘરની પાળી ઉપર મમરા સેવ વગેરે ખાવાનું નાખે.
થોડાં વર્ષો પહેલાં વિલાઈ ગયેલું તેનું હાસ્ય ફરી ખુલ્લા ખેતરમાં લહેરાતા પવન જેવું લહેરાવા માંડ્યું હતું.
ફાર્મહાઉસ જેવો અનુભવ કરાવતું તેનું ઘર શહેરની કોલાહલથી દૂર અને કુદરતને ખોળે શાંતિ પમાડે તેવું હતું.
બિરવા બે-ત્રણ વખત મારું નામ જોરથી બોલી એટલે મારી તંદ્રા તૂટી.
તે કહેતી હતી, “તું આવજે આજે સાંજે. સાંજની ચા સાથે પીશું.આખો દિવસ ઊડે છે અહીં કાળી કાંકણસાર. અંગ્રેજીમાં તેનેRed-naped Ibis કહે છે. લાલ ટોપી જેવો આકાર માથા પર હોય અને લાંબી ચાંચ હોય તેવા પક્ષીઓના ઝુંડના ઝુંડ અહીં આવે છે. વઢવાણા તળાવ પાસે પણ એનો ફોટો અને નામ લખેલા છે એ જ છે આ પક્ષીઓ. ઘઉંને પિયત થાય છે. પેલા ખેડૂત કાકા થોડા થોડા કલાકે પાણી વાળવા આવે છે. આ પક્ષીઓ જમીનમાંથી નીકળતા જીવડાં ખાય. ઝુંડ આવે,ઊડે, અવાજ કરતાં જાય અને ખાય. ઈશા, આખું દ્રશ્ય એટલું તો સરસ લાગે છે !આ ઋતુમાં તો આખો દિવસ આ પક્ષીઓ રહે છે.સાંભળે છે ઈશા ? ક્યાં ખોવાઈ જાય છે વારે-વારે ?”
પસાર થઈ ગયેલા દ્રશ્યોની તંદ્રામાં ખોવાયેલી મને તેણે ઢંઢોળી.
હું બોલી, “ હા હા. ચોક્કસ મળીએ બપોરે. ઘઉંના લીલાછમ ઊગેલા જવારાની ઉપર આનંદથી ઊડતાં કાળા કાકણસાર જોવા હું આવું છું.”
કહી ફોન મૂકી ઘરના કામ પતાવવા હું દોડી.
#####################