પરબ ભલેને બાંધ્યાં હો, એના ઘરનું જળ અગરાજ
માતપિતાને બાળ્યાં હો, એના ઘરનું જળ અગરાજ
લીલાં વૃક્ષો કાપ્યાં હો, એના ઘરનું જળ અગરાજ
બીજે ઈશ્વર ભાળ્યા હો, એના ઘરનું જળ અગરાજ
જોર જૂલમથી તોડી હો નાના માણસની છતને
મર ને મંદિર બાંધ્યાં હો, એના ઘરનું જળ અગરાજ
જેની નસનસ નીચોવી, પીધી હો તાંસળીયુભર
ખીલે તરસ્યાં માર્યાં હો, એના ઘરનું જળ અગરાજ
છો ને સપ્તાહ બેસાડી હો, લ્હાણ કરી હો લાખેણી
અવળાં લક્ષ્મી ધાર્યાં હો, એના ઘરનું જળ અગરાજ
દાદાની થાળીમાં અન્નનો ભેદ કર્યો હો, પછી ભલે
અખંડ સદાવ્રત રાખ્યાં હો, એના ઘરનું જળ અગરાજ
તરસ્યા ખોબાને પણ જોયાં હો ચામડિયાં ચશ્માંથી
ઊંચેથી જળ પાયા હો, એના ઘરનું જળ અગરાજ
જેના ઘરનું પાણી હો અગરાજ, છતાં એ આવે ને
ઘરથી પાછા કાઢ્યા હો, એના ઘરનું જળ અગરાજ
~ સ્નેહી પરમાર