“ઉનાળા ના આકરા અને અસહ્ય તાપ પછી અષાઢ એટલે કે જુન-જુલાઈ મહિનાથી વર્ષા-ઋતુ નું આગમન થાય છે.”
ટપુ પથારી માં પડ્યો-પડ્યો વર્ષા-ઋતુ નો નિબંધ યાદ કરતો હતો. માર્ચ મહિનામાં પરીક્ષા ના સમય ગાળા દરમિયાન એની મમ્મી કવિતા ઘરમાં જુના અને વધારાના મોબાઇલ માં એના જ અવાજ માં અલગ-અલગ નિબંધ રેકોર્ડ કરી આપતી. કવિતા એવું માનતી કે જેમ સાંભળી-સાંભળી ને ટપુડો ફિલ્મોના ગીતો મોઢે સરસ ગાઈ શકે છે તેમ ભણવાના પાઠ , નિબંધ કે કવિતા પણ સાંભળી ને તરતજ યાદ રહી જશે.
“વર્ષા-ઋતુ ને ઋતુની રાણી કહેવાય છે.”
“એ મમ્મા, રાણી તો છોકરી હોય ને??? તમે, દાદી, નાની કે રાણી લક્ષ્મીબાઈ……..તો આ વર્ષા-ઋતુ ને રાણી કેમ કહેવાય……?”ટપુડા ના સતત આવતા પ્રશ્નો રસોડાના અવાજ માં દબાઈ ગયા…..
“….રાણી તો તમે છો…..હે-ને, પાપાની રાણી………કવિતા રાણી”
“બાળકોને વરસાદ ના પાણી માં છબછબિયાં કરવાની મઝા આવે છે.”
ટપુડો એની મસ્તી માં હાથમાં સમાયએટલી રમકડાંની ગાડીઓ ને લઈ ને ફેરવતો જાય ને નિબંધ સાંભળતો જાય. બે-ચાર ગાડી ના જાણે નટ-બોલ્ટ છુટા કરી ને પાછા લગાવવાની મઝા ટપુ ને વિશેષ રહેતી હોય. વળી થોડી વાર થાય તો યાદ કરેલા નિબંધ ના બે-ત્રણ વાક્યો મોઢે બોલી જાય. વળી પથારી પર ચઢી ને રમવા લાગે અને એના મમ્મા ની મોટેથી પાડેલી બૂમ રૂમ ની દીવાલો પર પડઘાઈ ને પાછી વળે.
“વીજળી ના ચમકારા, વાદળ ના ગડગડાટ અને પવન ના સુસવાટા ભેર મેઘરાજાની ભવ્ય સવારી આવી પહોંચે છે. .”
“મમ્મા……મમ્મા…..” ટપુડા ની રમતા-રમતાઅચાનક આવેલી ચીસથી કવિતા નો હાથ લોટ ને ગુન્ધતાગુન્ધતાત્યાં જ અટકી ગયો. બે- રૂમ રસોડા ના ઘરમાં કવિતા એ અવાજની દિશામાં પોતાના થાકેલા શરીર ને દોડાવ્યું. એ પળવારમાં કંઇક અઘટિત થયાના વિચારો પણ આવી ગયા. છેલ્લા એક વર્ષથી કવિતા ની દિન-ચર્યા કોરોના-મહામારી ને કારણે બદલાઈ ગયી હતી. છોકરાઓને શાળાએ જવાનું બંધ હોય અને આખો દિવસ ઘરમાં જ હોય, કપિલ પણ સતત પ્રવાસ માં હોય તેવા સંજોગો માં હમેશાટપુડા પર ધ્યાન રાખવું અઘરું પડતું હતું.
એક સતત પ્રવૃત્ત-મય વ્યક્તિ તરીકે કવિતા હમેશાં પોતાના ઇન્ટીરીયર ડિઝાઇનિંગના ભણતર અને શોખ ને પોતાની કારકિર્દી તરીકે આગળ વધારવા ની ઇચ્છા ધરાવતી. એક નાના શહેર થી લગ્ન કરીને એક મોટા શહેર માં આવ્યા નું સૌથી મોટું સુખ એની કારકિર્દીમાં એ વધુ આગળ વધી શકશે તેવી આશા હતી. કવિતા માટે પૈસા મહત્વના નહોતા……પરંતુ મનગમતી પ્રવૃત્તિથી મળતો આનંદ એનાથી વિશેષ મહત્વ નો હતો. .
શરૂઆત માં કપિલ તરફથી પણ અનુકૂળતા, પ્રોત્સાહન અને સ્ત્રોત મળતા રહ્યા. કવિતા ની જરૂરિયાત પ્રમાણે બજારમાંથી સામગ્રી લઈ આપવી, કોઈ ક્લાયન્ટ સાથે સંપર્ક કરવાથી માંડી કવિતા જે સાઈટ પર હોય ત્યાં અચાનક પહોંચી જઈ ને એનું કામ ના પતે ત્યાં સુધી રાહ જોવાની કે એની ભાવતી કોફી ઓન-લાઈન ઓર્ડર કરી સાઈટ ના સરનામે મોકલી આપવાની કપિલ ને મઝા આવતી. કપિલ એવું માનતો કે આવું કરવાથી તેમના પણ પ્રેમ-લગ્ન છે એવી લાગણી ઊભી થાય છે.
જોકે લગ્ન ના ત્રણ વર્ષેતપન ના જન્મથી કવિતા ની વ્યાવસાયિકપ્રવૃત્તિ માં જાણે કે એક અલ્પ-વિરામ આવી ગયો. કપિલ ના ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટ ના વ્યવસાય ને કારણે હવે સતત પ્રવાસમાં રહેવાનું થતું. અલગ શહેર માં કુટુંબીજનો વગર એકલા હાથે તપન ને મોટો કરવામાં કવિતાની ઇન્ટીરીયર ડિઝાઇનિંગની આકૃતિ બદલાઈ ગયી. ને ધીમે-ધીમે કવિતા એ જાણે કે પોતાની મનગમતી પ્રવૃત્તિની ગતિ ધીમી કરી દીધી. એનો ઉકળાટ ક્યારેક ટપુડા પર ગુસ્સો કરીને , એને તમાચો મારીને કે ક્યારેક એકલા માં આંસુ સ્વરૂપે બહાર આવી જતો.
કવિતાની પહેલી બહેનપણી એટલે એની મમ્મી, જે હમેશાં કવિતા ને સમજાવતી કે , “બેટા , આમ તો આપનો તપન રીઢો બની જશે. મારવા થી કઈ એના માં ફેર પડવાનો છે? સમજાવટ થી કામ લે.” .
અને બીજી બાળપણ ની બહેનપણી રીન્કી. કવિતા આખા દિવસ માં કામ કરતા-કરતા શક્ય હોય ત્યારે બ્લુ-ટુથ હેડ-ફોન લગાવી ને રીન્કી સાથે સુખ-દુખની વાતો કરતી. ક્યારેક ચાલુ ફોન માં જ બંને હસતા તો ક્યારેક રડી પડતા. પણ કવિતા ને સતત એવું લાગતું કે બધા માં મારે જ સમજવા નું…….
“તને કેટલી વાર ના પાડી છે……આ પથારીમાં વાંદરા ની જેમ કૂદાકૂદ ના કર…..જો પડ્યો ને…..”
આટલું બોલતાં-બોલતાં કવિતા એ ટપુડાને બે તમાચા મારી દીધા. લોટ વાળા હાથ થી મારેલાતમાચાથી ટપુડા ના ગાલ પર લાલ ની જગ્યાએ સફેદ સઢ પડી ગયા. ટપુડા નું જોરથી રડવા નુંશરુ થઇ ગયું હતું. પણ કવિતા ને ખ્યાલ આવી ગયો કે આ તમાચા નું રડવાનું નથી અને એને કઈ વાગ્યું પણ નથી.. કવિતા ને હવે એ જાણવું હતું કે ટપુડા ને શું થયું છે.? પરંતુ જ્યાં સુધી ટપુડો કઈ કહે નહિ ત્યાં સુધી કવિતા નો માનસિક તાણ વધી રહ્યો હતો.
છેલ્લા એક વર્ષ ના લોક-ડાઉનને કારણે કવિતા નો ઉકળાટ સતત વધી રહ્યો હતો. કપિલ હમેશાં કવિતા ને સમજાવતો કે
“ તું ઘર બેઠા પણ કામ કરી શકે છે., લોક-ડાઉનપતે એટલે તપનની શાળા ચાલુ થઇ જશે એટલે પછી તું વળી પાછી કામ શરુ કરીજ શકે છે.” …..પણ બે-ત્રણ મહિના કરતા આખું વરસ નીકળી જશે એ તો કોઈ ને પણ સ્વપ્ન માં પણ ખ્યાલ નહોતો.
કવિતા ને એવું લાગતું કે જ્યાં સવારના નાસ્તાથીપરવારે, એટલે ટપુડાનાઓનલાઈનવર્ગો શરુ થાય. એની સાથે સતત બેઠા રેહવાનું, ત્યાં બપોરનું જમવાનું , ટપુડાનું હોમ-વર્ક, સાંજનો ચા-નાસ્તો, સાઈકલ , રમવાનું, ટીવી, રાતનું જમવાનું, તોફાન…..તોફાન……તોફાન…….એમાં પોતાના માટે સમય કાઢી શકે તે માટે સતત ઝઝૂમવું પડે. કપિલ જ્યાં સુધી ઘરે રહી ને કામ કરતો ત્યાં સુધી કવિતા ને ઘણો ટેકો રહ્યો પરંતુ લોક-ડાઉનખુલ્યા પછી કવિતા ની હાલત બદલાઈ ગયી.
“ટપુ…..બેટા …..કાંઇક તો બોલ બેટા…..સોરી…….હવે તને નહિ મારું……..”
કવિતા એ રડતાં- રડતાં, તિજોરી ના હાથા પર લટકતાદુપટ્ટા થી ટપુ ના ચેહરાને સાફ કર્યો. તમાચામારેલા ગાલ પર દસ-બાર વાર કીસ કરી……થોડી વારની તણાવ વાળી પરિસ્થિતિ ને તડકે મૂકી , એજ દુપટ્ટાથી પોતાનો ચહેરો સાફ કરી, કવિતા થોડી સ્વસ્થ થઇ. કવિતા ને કપિલ ના વ્યાવસાયિક ટૂર પર નીકળતા વખતે ટપુ એ કરેલા તોફાન અંગે કહેલાં શબ્દો યાદ આવ્યા.
“જો, કવિતા-રાણી, આપણો ટપુ તોફાની છે….પણ તોફાની તો આપણે પણ હતા. એ ગમે તેવા તોફાન કરે, તું તારું મગજ ના ગુમાવતી. તું સ્વસ્થ થઇ ને વિચાર કરજે , એને સમજાવી ને કામ લે જે. …. તું મને ફોન કરીશ પણ દર વખત ની જેમ હું તરત તો નહિ આવી શકું. ચલ, સાચવજે……….” આટલું કહી,સુતાટપુ ને જોઈ, કવિતા ના કપાળ પર હળવી કીસ કરી કપિલ વળી ૧૫ દિવસની ટૂર પર નીકળી ગયો હતો.
“મમ્મા,…….મમ્મા…..” ટપુનું રડવાનું ચાલુ રહ્યું. કવિતા એ ટપુની પીઠ ઠબકારી. રમતાંરમતાંટપુડોરમકડાંની ગાડી ની નાનકડી ચાકી(નટ) ગળી ગયો હતો.
તપન એટલે કે ટપુડો, ભલે તોફાની રહ્યો પણ એટલો જ સમજુ અને લાગણીશીલ….પાપા ની ગેર-હાજરી માં કવિતા ને કપિલ ની હૂંફ ની ગરજ સારે તેવો બીજા ધોરણ માં અભ્યાસ કરતો ટપુડો એના વર્તનથી ક્યારેક અચાનક મોટો લાગતો…..
“ મમ્મા, તમે મને મારતાં નહિ……પણ…મારા ….મોઢાં માં…..આ ગાડીની ચાકી ……..હું ગળી ગયો…….તમે મને બોલતાં નહિ……..પાપા ને પણ ના કહેતા…..પ્લીઝ……”
અત્યારે , કપિલ ને પણ કહેવા નો પ્રશ્ન જ નહોતો આવતો. હજુ, આજે બારમાં દિવસે, એ આમ પણ આવી નહોતોશકવાનો. નાહક ના એને કહી ને એને વ્યાકુળ કરવાનો કોઈ અર્થ નથી
……કવિતા મનોમન વિચારવા લાગી કે રીન્કી ને ફોન કરું……..વિડિયો કોલ લગાવી ને ખ્યાલ આવ્યો કે એ અત્યારે નહિ ઉપાડી શકે એટલે બીજી જ રીંગ વાગે તે પહેલા વિડિયો કોલ કાપી નાખ્યો….
સ્વસ્થ થઈ ને કવિતા એટપુ ને બાથ માં લઈ ને છાનો કર્યો. નાની ને ફોન કરી ને તાત્કાલિક ઘર-ઘથ્થું ઈલાજ જાણી ને ટપુ ને બે-ત્રણ કેળાંખવડાવી દીધા.
રીન્કી નો વળતો ફોન આવ્યો અને કવિતા તરત ટપુડા ને લઈને એનો છાતી નો એક્ક્ષ-રેકઢાવ્યો. અને ડોક્ટર કાકા ને ત્યાં એક્ક્ષ-રે લઇ , બતાવી ને કપિલ ને ના કહેવાની શરતે ઓપરેશન અંગે પૂછ્યું.
ડોક્ટર-કાકા એ એક્ક્ષ-રે જોઈ ને , નાનીએ આપેલ ઈલાજ જ સૂચવ્યો અને ઓપરેશન ની જરૂર નથી તેવું કહ્યું ત્યારે કવિતા ના જીવ માં જીવ આવ્યો.
પણ જ્યાં સુધી એ ચાકી કુદરતી રીતે ટપુ ના શરીરમાંથી ના નીકળે ત્યાં સુધી કવિતા ને ઉચાટ રહેવાનો. વળી કપિલ ને જાણ ના કરવી તેવું મનોમન નક્કી તો કર્યું પણ જ્યાં સુધી ના જણાવે ત્યાં સુધી આ વાત ને મનમાં કેમ ની ગોંન્ધી રાખવી?
રોઈ-રોઈ ને ટપુ તો ૧૦ વાગ્યા માં સૂઈ ગયો પણ મોડી રાત સુધી કવિતા નું મન-મંથન ચાલતું રહ્યું. પોતાની પસંદગીની કારકિર્દી, લોક-ડાઉન, ઘર, રસોઈ,ટપુડો,ઓનલાઈનવર્ગો..તોફાન….
કવિતા ની આંખો ગઈ-કાલે સાફ કરેલા પંખા પર અટકી ગયી…એને યાદ આવ્યું, કપિલ વાત-વાત માં કહેતો. “ જો કવિતા,ગુસ્સો અને મનની અંદર નો ઉકળાટ કમોસમની વરસાદ જેવા હોય છે. ગમે ત્યારે મોસમ વગર વરસી જાય તે જ સારું. મન ની વાત ગમે તે રીતે બહાર આવે તે જરૂરી છે. મન માં ને મન માં રૂંધાયા કરે તો જાત-જાત ની બીમારી શરીર માં પ્રવેશી શરીર ને પણ નુકસાન કરે…..એના કરતા મનગમતા કામ માટે સમય કાઢી જ લેવાનો. થોડોક મી-ટાઇમ જોઈએ જ….”
અત્યારે જ ફોન કરી ને કપિલ ને આખી વાત કરી દઉં તેવા વિચાર સાથે કવિતા અચાનક પલંગ માંથી ઊભી થઇ, ટપુ નો હાથ સરખો કર્યો. મોબાઇલ હાથ માં લીધો, પણ રાત ના ૨ વાગી ગયા તેવો ખ્યાલ આવતા કપિલ ને ફોન કરવાની ઈચ્છા માંડી વાળી.
વળી સુતા-સુતા એને એક લગ્ન પહેલાની મીઠી યાદ આવી ગયી. મનોમન હસી ને આંખો બંધ કરી દીધી…“હવેથી , આ કોફી-શોપ નક્કી. હું આવું ત્યારે આપણે અહીં જ મળવાનું.” લગ્ન પહેલાની કોઈક સાંજે શહેર ના એક કોફી-શોપ માં બેઠા-બેઠા કવિતા એ કપિલ ને પોતાનો નિર્ણય કહી દીધો. કપિલ ની ધંધા ની શરૂઆત ને કારણે ઓછું મળવાનું શક્ય બનતું પણ જ્યારે મળતા ત્યારે કપિલ મિત્ર પાસેથી ચોરેલી એકાદ કવિતા બોલી ને કવિતા નું દિલ જીતી લેતો….
“ક-મોસમી વરસાદ જેવું આપણે મળી લઇએ છીએ…..
“ધોધમાર વરસાદ જેવું તો આપણે ક્યારેય નથી થયું…
“ને છતાં, હું એમ ના કહી શકું કે …..
આપણે ત્યાં બારે માસ દુકાળ છે……..”
બીજા દિવસે સવારે ટપુ થોડો વહેલોઊઠી ગયો. મમ્મા હજુ ઘસઘસાટ ઊંઘ માં છે ને નસકોરાં બોલાવે છે તેવું જાણી ને શાંતિ થી રૂમ નો દરવાજો આડો કરી મમ્માએ પડાવેલી આદત પ્રમાણે બ્રશ કરી બે ગ્લાસ પાણી પી ગયો. ડોક્ટર-કાકા ની સૂચના પ્રમાણે બે કેળાં ખાઈ ગયો.
“વરસાદ વરસવા માંડે કે લોકો ખુશ-ખુશાલ થઇ જાય છે. મોર કળા કરે છે. દેડકાડ્રાઉં-ડ્રાઉં કરી ને વર્ષા નું સ્વાગત કરે છે.”
ટોયલેટ માં બેઠા-બેઠા, ટપુગઈકાલ યાદ કરેલા વર્ષા-ઋતુ ના નિબંધ ને મોટે થી બોલતા-બોલતાટોયલેટ ની બારી સામે જોવા લાગ્યો. ત્યાંથી ફુવારા નો આવાજ આવતો હતો.
સવાર ના સાત વાગ્યા. ડોર-બેલ થી શાંત ઘરમાં અવાજ ગુંજી ઊઠ્યો. ગઈકાલ ના ભારે ગયેલા દિવસ નો થાક કવિતા ના શરીર થી ઉતાર્યો નહોતો. બાજુ માં ટપુસુતો ના દેખાયો એટલે એને શોધતાંશોધતાં અર્ધ-જાગૃત અવસ્થા માં વહેલી સવારે આવી જતા કચરા-વાળા ને મનોમન બડબડાટ કરતા દરવાજો ખોલ્યા વગર બૂમ પાડી. રસોડા માંથી કચરા ટોપલી લાવી ને દરવાજો ખોલ્યો…….પલળેલાકપડા માં હાથમાં બેગ સાથે કપિલ સામે ઊભો હતો.ત્યાં અંદરથી ટપુ નો આવાજ સંભળાયો.
“કોયલની કુક વાતાવરણ ને આહલાદક બનાવે છે. ચારે બાજુ ભીની જમીન ની સુગંધ ફેલાઈ જાય છે. વૃક્ષો ખીલી ઊઠે છે”
ટપુડો અંદરથી ચડ્ડી ચઢાવતા-ચઢાવતાદોડતા આવ્યો. ડોરબેલ વાગે એટલે દરવાજા પર “કોણ છે?” એવું પૂછવા નો અબાધિત હક માત્ર ટપુ નો. પણ આજે જરા વાર લાગી.
“મમ્મા, પેલી ચાકી નીકળી ગયી છી…છી…માં …..પણ મમ્મા, વરસાદ તો જુન-જુલાઈ મહિનામાં પડે ને અત્યારે તો માર્ચ ચાલે છે…..” ત્યાં ટપુડા નું ધ્યાન પાપા પર ગયું.
ત્રણ દિવસ પહેલા પાપા ને આવેલા જોઇને ટપુ ખુશ ખુશ થઇ ગયો. પાપાના ખભા પર મમ્મીનું ઢાળેલું માથું હતું અને ચહેરા પર આંસુ….એકજ ક્ષણ માં માત્ર આંખથી કપિલ કવિતા ની મન: સ્થિતિ વાંચી ગયો હતો.
ટપુ બોલ્યો: “પાપા, વર્ષા-ઋતુ નો નિબંધ મોઢે થઇ ગયો. સાંભળો……
“વર્ષા-ઋતુ ને ઋતુની રાણી કહેવાય છે.”
“……………………………………………………………………………………………..”
“બાળકોને વરસાદ ના પાણી માં છબછબિયાં કરવાની મઝા આવે છે.”
“……………………………………………………………………………………………..”
“વરસાદ ને કારણે વાતાવરણ માં નવી તાજગી અને ઉમંગ જોવા મળે છે…”
કવિતા નો આટલા સમય નો ઉકળાટ ક-મોસમી વરસાદની જેમ આંસુ સ્વરૂપે બહાર આવતો રહ્યો….કપિલ નું ક-મોસમી એટલે કે જલદી પાછું આવી જવું યથાર્થ રહ્યું….
કપિલે,ટપુ ને વહાલથી હાથ ફેરવતા કહ્યું……..“ચાલ ટપુડા, તને હવે “ક-મોસમી” વરસાદનો નિબંધ સમજાવું………..”
Prayas An Extension… A Peer reviewed literary e journal, ISSN – 2582-8681, vol. 4, Issue 1, Jan.-Feb:2023