એક ડોશલી ધોમ તરસનો દરિયો થઈ ખળભળે
સાત જનમનાં સગપણ છોડી એકલપંથે બળે
ભરતી ઓટ બધી અંદરની ચશ્મા ભેગી બાંધી
હારે તોખારી શ્વાસોને ઈચ્છાઓની આંધી
થિજાયેલા આંસૂ ઓગળી પાંપણ પરથી ઢળે
એક ડોશલી ધોમ તરસનો દરિયો થઈ ખળભળે
રાતી રાણ હતી એ થઈ ગઈ ધરખમ પીળી કાયા
બોખાં મોંના એકલ દોકલ દાંત જ મૂડી માયા
તો ય રતન ઝીંડું જીવતર એ જીવવાને ટળવળે
એક ડોશલી ધોમ તરસનો દરિયો થઈ ખળભળે
ઉગમણે- આથમણે એની ચારેકોર તરાપા
કળશી કાંટા ઊઝેરી ડોશીએ વાસ્યા ઝાંપા
ઓલતા અજવાળે બેસી ધાન વધેલું દળે
એક ડોશલી ધોમ તરસનો દરિયો થઈ ખળભળે