ડૉ. માનસી જયસ્વાલ
ડૉ. એસ. એલ. ભૈરપ્પા એક પ્રસિદ્ધ નવલકથાકાર રહ્યા છે. શિક્ષણક્ષેત્રે એમ. એ. (તત્વજ્ઞાન) અને પીએચ.ડી (સૌંદર્યશાસ્ત્ર)ની પદવી પ્રાપ્ત કરનાર આ લેખકનાં મુળ કન્નડમાં લખાયેલ પુસ્તકોએ મરાઠી, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી સાહિત્યક્ષેત્રે અનુવાદરૂપે સ્થાન લીધું છે. તેમની નવલકથાઓને આધારિત કેટલાક ચલચિત્રો અને ટી.વી સીરિયલ પણ જોવા મળે છે. તેઓ ‘સરસ્વતી સન્માન’ જેવા કેટલાય પુરસ્કારોથી સન્માનિત થયા છે. એવા આ લેખકની નવલકથા ‘આવરણ’ની એક લોકપ્રિય કૃતિ તરીકે ચર્ચા કરવાનો ઉપક્રમ અહીં રહેલ છે. મૂળ કન્નડમાં લખાયેલ આ કૃતિ સિદ્વા દીક્ષિતે કરેલ અનુવાદ દ્વારા ગુજરાતી સાહિત્યક્ષેત્રે ૨૦૧૩માં પ્રવેશ કરે છે. અને લોકો તેને વધાવી લે છે. આ કૃતિનો અનુવાદ કરતી વખતેનો અનુભવ લેખિકા પ્રસ્તાવનામાં જ ‘મનોગત’માં જણાવતા કહે છે તેમ- “જેમ જેમ પુસ્તક વંચાતુ ગયું, અનુવાદ થતો ગયો તેમ તેમ જાણે ચમત્કાર થયો લાગ્યું કે અનુવાદ બાજુએ મૂકી એકવાર પુસ્તક વાંચી લઉ અને બધું કામ બાજુએ મૂકી વાંચી પણ લીધું.’’ એ જ રીતે ભાવકને પણ લગભગ સમાન અનુભવ થાય છે.
આ નવલકથામાં ઐતિહાસિક ઘટનાઓ અને હકીકતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને જે તે સમયની બની ગયેલ સત્ય ઘટનાઓનું જે રીતે ચિત્રણ થયુ છે, એ રીતે ઇતિહાસ પર લાગેલા ખોટા આવરણો દૂર થતા જણાય છે. કથાનો રસપ્રદ ભાગ પણ એ જ બની રહે છે. ઉપરાંત ઘણાં હૃદયસ્પર્શી વર્ણન એવા થયા છે કે, જે ભાવકને કથા સાથે જોડી રાખે છે.
કથાની કથાવસ્તુની વાત કરીયે તો કથાનું મુખ્ય પાત્ર લક્ષ્મી ઉર્ફ રઝિયા છે. જેના દ્વારા લેખક ઘણી ઐતિહાસિક માહિતી પૂરાવા સાથે રજૂ કરે છે. કથાની અંદર જ ઇતિહાસનાં ભાગરુપે કેહવાતી ઐતિહાસિક કથાઓ દ્વારા તે સમયના હિંદુ અને મુસલમાન ધર્મ પાછળ રહેલા ગુનાઓ ઉજાગર થયા છે. કથાની બાયફોકલ પદ્વતિ ફ્લેશબેકમા ઇતિહાસ સાથે ભાવકનું જોડાણ કરે છે. અને રઝિયાના જીવન સાથે વર્તમાન પરિસ્થિતિનો પણ ચિતાર આપે છે.
રઝિયા મૂળ હિંદુ ધર્મની છે જે ધર્માન્તર કરીને મુસલમાન બની છે. તેનુ કાર્યક્ષેત્ર સ્ટોરી, સ્ક્રિપ્ટ, સ્ક્રિનપ્લે રાઇટિંગ છે. તેનો પતિ આમીર વ્યવસાયે એક ચિત્રકાર છે. આમીર સાથે જોડાતા રઝિયાનું અસલ વ્યક્તિત્વ ઘણીવાર દબાતુ હતું. પરંતુ રઝિયાપોતાના વિચારો વ્યક્ત કરવામા પાછી પાની કરતી નથી. આમીર સાથે ભગવાનની મૂર્તિઓ કે દેવાલયોના નાશ કરવાના મુદ્દાની ચર્ચા હોય કે પછી ઇતિહાસથી અવગત થયા બાદ પ્રો. શાસ્ત્રી કે કોઇ કોન્ફરન્સ હોય તેમની સમક્ષ પોતાની વાત રજૂ કર્યા વગર રઝિયા હાર માનતી નથી. ધર્માન્તર બાદ પરાણે કોઇવાર ગૌમાસ ખાવું પડતું, દિકરાના જન્મ વખતે બકરાની બલિ ચડાવવા જેવા અમુક રિવાજો તેની માનસિક સ્થિતિને ડોહળી નાખે છે. છતાય, લડતા-ઝ્ગડતા તે પોતાનો સંસાર નિભાવવાનો પ્રયત્ન કરે છે. કારણકે પિતાની નારાજગીએ તો પિયરના દ્વાર સાવ બંધ કરી દીધા છે. પિતાના મૃત્યુ પછી રઝિયાનું જીવન અને કથા બન્ને વળાંક લે છે. રઝિયા ફરી એકવાર લક્ષ્મી બનતી જાય છે. સાથે સાથે ઇતિહાસ પર ચડેલા અસત્યનાં આવરણને હટાવવાનું પિતાજીનું અધૂરું કામ સપન્ન કરવાનાં પ્રયત્નો કરે છે. પરંતુ હરહંમેશની જેમ સત્યને દબાવવાનાં સબળ પ્રયત્નો થાય છે. અને કથાનાં અંતે લક્ષ્મી/રઝિયાનાં હથિયારસમા પુસ્તકો જ જપ્ત કરી લેવામા આવે છે. ત્યારપછી આમીરનું અણધાર્યું કમબેક ભાવક અને રઝિયાને આશ્ચર્યચકિત કરે છે. અને જપ્ત થયેલા પુસ્તકોની યાદી સાથે કથા પુરી થાય છે. જે પુરાવા આપવા માટે ખપે છે. સાથે, ઘણાં ખોટા લખાયેલ ઇતિહાસને ઉથલાવવાની જરૂર છે તેનુ સુચન કરે છે.
કથામાં પત્રાલેખન અનુકૂળ રીતે થયું છે. દરેક પાત્ર દર્શિત ઇતિહાસની ઘટનાઓ સાથે જોડાણ સાંધી શક્યા છે. લક્ષ્મી ઉર્ફે રઝિયા , આમિર, રઝિયાના પિતા, પ્રો.શાસ્ત્રી, નઝીર, નિગપ્પા વગેરે જેવા પાત્રો કથામાં અવિરત બની રહ્યા છે. લક્ષ્મી જ્યારે પિતા અને પોતાના ધર્મને ભોગે આમીરનો હાથ પકડી ધર્માન્તર કરે છે. ત્યારે તેના પિતા માટે દિકરી મૃતક સમાન બને છે. વર્ષો સુધી પિતા અને પુત્રી વચ્ચે કોઇ સબંધ નથી રહેતો. પરંતુ,દિકરીના ઘરે દિકરો અવતર્યો છે એ સમાચાર જાણ્યા પછી પણ પિતાનો કોઇ ભાવ છલકાતો નથી ત્યારે લક્ષ્મી પિતા પરના ગુસ્સાને ધર્મ પર ઠાલવી બેસે છે. તેના મનમાંહિન્દુ ધર્મ માટે દ્વેષ ભાવ જાગે છે. આખરે તે પોતાનો બળાપો અખબારો, સાર્વજનિક ભાષણો , સેમિનારની ચર્ચાઓ વગેરે જગ્યાએ જાહેરમાં પ્રકટ કરવાનુ શરૂ કરે છે. “ હિન્દુ ધર્મ જેવો નિષ્ઠુર બીજો કોઇ ધર્મ નથી… સામાજિકતાની ચિંતા વગરનો…. સમાનતાનો કટ્ટર દુશ્મન… સામાજિક વિષમતાથી અંદરથી ખવાઇ ગએલો…. જગતમા ક્યાંય જોવા ન મળે તેવી ક્રૂરતાથી ભરેલો… સ્ત્રીઓ અને દલિતો પર અનન્વિત અત્યાચારો કરનારો બીજો ધર્મ જગતમાં શોધતા જડશે નહીં.”(પૃ-33)
આ રીતે હિન્દુ ધર્મ વિરુધ્ધ તેના મનમાં ઝેર રેડાતુ રહે છે. અને પ્રોફેસર શાસ્ત્રી એ વાતનો ફાયદો ઊઠાવી તેના પડખે ઊભા રહી નારદમૂનિ જેવું કામ કરતા રહે છે . આ કથામાં લક્ષ્મીના પિતા ક્યાંય ખાસ બોલતા નજરે પડતા નથી. પરંતુ, તેમની બુધ્ધિમત્તા અને જ્ઞાન કથાનું હાર્દ બની રહે છે. તેમને ઊભી કરેલી લાઇબ્રેરી કથામાં નવો વળાંક લઇને આવે છે અને પ્રો.શાસ્ત્રી માટે નારદમૂનિનું નામકરણ પણ તે જ કરે છે. જે કથાનાંઅંતે સાચું પૂરવાર પણ થાય છે. એટલુ જ નહિ, પોતાના સ્વાર્થ માટે પ્રોફેસર શાસ્ત્રી પાછળથી વાર કરવાનું પણ ચૂકતા નથી. ઉપરાંત રઝિયા પોતાની વાતને તર્ક સાથે રજૂ કરવામાં આત્મવિશ્વાસ ધરાવતી હતી. દેવાલયોનો નાશ કરવાની માનસિકતા મુદ્દે જ્યારે આમીર સાથે ચર્ચામાં ઉતરે છે ત્યારે કાળિનહળવી ગામની ઘટનાના ઉદાહરણ દ્વારા તે આમીરના ગળે પોતાનો મુદ્દો બરાબર ઉતારી દે છે અને તેને ચૂપ કરાવી દે છે. તે કહે છે કે- “યુધ્ધમાં જીતેલા લોકો હારેલા લોકોની સંપત્તિ લૂંટે તે તર્કની દૃષ્ટિથી સ્વિકાર્ય થઈ શકે તેવી વાત છે. પણ હારેલા લોકોની મૂર્તિઓ અને દેવાલયોનો નાશ કરવાની માનસિકતાનુંઆકલન થતુ નથી.”(પૃ-૨૫) ક્યારેક સમજુ તો ક્યારેક અણસમજુ રઝિયા પોતે લક્ષ્મીને ભૂલી શકતી નથી. અને કદાચ રઝિયાને પૂરેપુરી સ્વીકારી પણ શકતી નથી. સુવાવડ વખતે સતાવતી પિયરની યાદ, સાસુ-સસરા અને આમીરના પાક્કા મુસ્લિમ રિત-રિવાજમાં ક્યારેક મન ન હોવા છતા તેને અપનાવા માટે થતા દબાણો, પિતાજીના મૃત્યુનું દુ:ખ, ધીરેધીરે આમીરના બદલાયેલ વર્તનને કારણે પિતાજીની વાત ન માનવાનો અફસોસ, જીવનના પાછલા વર્ષોમાં પિતાજીનાં રસ્તે ચાલવા માટે કરવો પડતો સંઘર્ષ, આમીરના બીજા લગ્નના સમાચારનો આઘાત, એક જ દીકરો એ પણ દાદા-દાદીનાં રસ્તે ચાલવાને કારણે બંને વચ્ચે છેટું પડતુ એક અંતર અને અંતે સમાજ સમક્ષ સત્ય લાવતી તેની નવલકથાનાં કારણે તેના પુસ્તકો જપ્ત કરી તેની ધરપકડ કરવાના ષડયંત્ર સામે લડી મરવા તૈયાર લક્ષ્મી ઘણા એવા માનસિક સંઘર્ષો વેઠે છે અને અંતે દૃઢ મનોબળ કેળવી શકે છે.
આમીરના બદલાયેલા વર્તનના કારણોમાં ધર્મ કરતાં વધુ એક પુરુષની સર્વસામાન્ય ટેવ કહી શકાય. તેનામાં રહેલો સ્વાર્થ અને ચતુરાઇ તો લગ્ન પહેલા પણ થોડા ડોકિયા કરે છે. કહેવાય છે કે કામવાસના એ પુરૂષની નબળાઇ હોય છે. આમીર તેના પર કાબૂ મેળવી શકતો નથી અને લગ્ન પહેલા જ તે લક્ષ્મી સાથે શરીરસબંધ બાંધવા તેને બહેલાવે છે. “લક્ષ્મી, મન મળી ગયા હોય ત્યારે શરીરને જબરજસ્તી દૂર રાખવામાં કેટલી વેદનાઓ છે નહી?”(પૃ-૨૮) આખરે લક્ષ્મી આમીરની વાતોમાં સંમતિ આપી દે છે. જેના કારણે તેની જ સાથે લગ્ન કરવાનો તેનો નિર્ણય દૃઢ થાય છે. આ જ આમીર લગ્ન પછી લક્ષ્મીના મનની દશાને સમજી શકતો નથી અને ફક્ત પૈસા પાછળ ભાગે છે, રઝિયા પર હાથ ઉગામે છે. તથા તેને જણાવ્યા વગર તબસ્સુમ સાથે બીજા નિકાહ પણ કરી લે છે. તેમજ “મને થયું કે વેજિટેરિયન સ્ત્રી શું હુંફ આપશે?” જેવા આઘાતજનક, વિચિત્ર વાક્યપ્રયોગ કરે છે. આમ, આમીર રઝિયા અને ભાવક બન્નેના મન ઉપરથી ઊતરી જાય છે. પરંતુ, લેખક કથાના અંતે આમીરને હીરો બનાવી લક્ષ્મીનો રક્ષક બનાવે છે. જેથી તે પોતાનું માન ભાવક અને લક્ષ્મી બન્નેનાં હૃદયમાં પાછુ ઊભુંકરી શકે છે.
આ ઉપરાંત પ્રો. શાસ્ત્રીની દીકરી અરૂણા ઉર્ફે સલમા, દિકરો દિંગત, રઝિયાનો દિકરો નાઝીર, વેંકટરમૈયા, રંગપ્પા, લક્ષ્મમ્મા, કેંચપ્પા, આમીરનો સહાયક જલીબલ, રઘુ,અમીનાબાનો, તબસ્સુમ જેવા ગૌણ પાત્રો પણ કથાની કડીઓ જોડવામાં મદદરૂપ બન્યા છે. પ્રો. શાસ્ત્રીની દિકરી કૂવામાનાં દેડકા જેવુ પાત્ર ઠરે છે. જેટલા ચપળ અને ચબરાખ પ્રોફેસર છે. તેમની દિકરીમાં એવા ગુણ નજરે પડતા નથી. પ્રેમથી વંચિત અરુણા નાઝીર સાથે પરણીને ધર્માન્તર કરી સલમા બનવા તૈયાર થઇ જાય છે. અને પોતાનો સજ્જ્ડ મત રજૂ કરવામાં અસમર્થ રહે છે તથા નાઝીરના પગલે ચાલવાનુ નક્કી કરે છે. તદ્ઉપરાંત જે મહત્વનો ભાગ રહ્યો છે, તે સમકાલીન મુદ્દા અને પુરાવા સહિતનાં ઇતિહાસ. કથાની શરૂઆતમાં બાબરી મસ્જિદ અને અયોધ્યાનો મુદ્દો ઉલ્લેખિત છે. જેની વિસ્તારીત ચર્ચા આમીર અને રઝિયા વચ્ચે ચાલતા ઉગ્ર સંવાદો દ્વારા કરવામાં આવી છે. આમીર દ્વારા તર્ક થયો છે કે “હિંદુઓએ મૂળ બૌધ્ધ મંદિર પોતાના કબજે કર્યુ અને થોડુંઘણું પરિવર્તન કરી રામ મંદિર બનાવ્યું એ પણ એટલું જ સત્ય છે.” (પૃ-૧૨૪) પરંતુ જૈન અને બૌધ્ધ મંદિરોનો સમૂળગો નાશ કરનારા મુસ્લિમો જ હતા. તે વાત સીતારામ ગોયેલ લિખિત “Hindu Temples : What happened to them?” ગ્રંથના આધારે પ્રસ્તુત કરાઇ છે. ટિપુ સુલતાન વખતનો ઇતિહાસ પણ આમીર અને રઝિયાના પત્રવ્યવહારમાં મુકાયો છે. જેમા ટિપુને રાષ્ટ્રવીર તરીકે તરીકે દર્શાવાય તેવુ નાટક લખવાની રઝિયા ના પાડે છે. કારણ કે તેને વાંચેલા પુસ્તકો પ્રમાણે ટિપુ ક્રૂરતા, અન્ય ધર્મો પ્રત્યેનો તેનો દ્વેષ અને જે તે પ્રદેશના મૂળ રહેવાસીઓ પ્રત્યેનો તેનો તિરસ્કાર જેવી સેંકડો ઘટનાઓ પુરાવા સહિત નોંધનીય છે. આ જ મુદ્દે પ્રો. શાસ્ત્રી પોતાના પત્રમા બધો જ દોષનો ટોપલો શૈવ અને વૈષ્ણવ વચ્ચેના યુધ્ધને હવાલે કરે છે. જેના જવાબો પણ લેખક રઝિયા દ્વારા યોગ્ય રીતે અપાવે છે. ત્યાર પછી રઝિયાની હાજીહમદુલ્લા સાથેની ચર્ચામા ઔરંગઝેબનાં સમયનો ઇતિહાસ રજૂ થાય છે. ઔરંગઝેબની નજર દેવગઢ પર પડી, તેમના પિતાજી જગવીરસિંહે ઇસ્લામ સ્વીકારવાની મનાઇ કરી, છેલ્લા શ્વાસ સુધી રાજ્ય તથા ધર્મ માટે લડી મરવાની તૈયારી બતાવી, અને સ્ત્રીઓને જોહર કરવાનો હુકમ ફરમાવામાં આવ્યો અને શત્રુઓ પર તુટી પડ્યા હતાં. ગઢના મુખ્ય દેવતા વિષ્ણુના મંદિરની રક્ષા કરતા તેમના એ તેર વર્ષના યુવરાજ અને પત્ની શ્યામલીની કથા અવિરત વહેતી રહે છે. એ દરમિયાન પ્રતાપ, શિવાજી, તાત્યા ટોપે વગેરેનાં સમયના સત્યો કથામાં વણાતા જાય છે. એ સાથે જ હિંદુ અને મુસ્લિમ ધર્મ સાથે ખેલ ખેલનારની રાજનીતિ તથા કૂટનીતિ, ધર્મ પરિસ્થિતિની વાસ્તવિકતા, કુરાનમાં ઉલ્લેખિત જિહાદ શબ્દની સમજ, જીમી એટલે કે જે લોકો મુસ્લિમ નથી તેમના માટેનો વિશેષ કર એટલે કે જિઝિયાવેરો, એ ઉપરાંતના પણ થતા અત્યાચારોની યાદી પ્રસ્તુત કરવામાં આવી છે. ત્યારબાદ અકબરના આવ્યા પછીની સ્થિતિનું પણ વર્ણન થયું છે. યુધ્ધમાં હારેલા લોકો પર ધર્મ થોપવો એ ખોટુ છે. પાપ છે.તેવુ જ્ઞાન મહા કવિ કાલિદાસના રઘુવંશમ્ દ્વારા પ્રસ્થાપિત થયુ છે. કૌટિલ્યના અર્થશાસ્ત્ર દ્વારા પણ ધર્મ વિજયી, લોભ વિજયી અને અસુરવિજયીની ખરી વ્યાખ્યા ઉલ્લેખિત છે. આત્મા પરમાત્માં સુધીની વાતો પણ હૃદયને સ્પર્શી જાય તેવી છે.
આ કથામાં રામ મંદિર ઉપરાંત કાશી વિશ્વનાથના મંદિર વિષયક પણ વિસ્તૃત ઇતિહાસ મળી આવે છે. ઔરંગઝેબના કારણે અસલ કાશી વિશ્વનાથ મંદિરની દયનીય હાલત નિરૂપીત છે. હિન્દુ ધર્મના કોઇપણ મંદિરનો નાશ થયા પછી ત્યા મસ્જિદ બનતી.એટલું જ નહિ, વિષ્ણુ ભગવાન હોય કે શિવલિંગ હોય તેને નષ્ટ કરી તે પથ્થરનાંટુકડાનો ઉપયોગ જે તે મંદિરના પગથિયા બનાવવામાં થતો હતો. આવા આકરા અને અઘરા સત્યો કોઇપણ માનવીય તથા ધાર્મિક હૃદય ધરાવતા ભાવકને ઝંઝોળી નાખે તેવાછે. કાશી વિશ્વનાથની જગ્યાએ સમગ્ર કાશીનું ધ્યાનાર્ષક કેન્દ્ર બને તેવી જ્ઞાનવાપીમસ્જિદનો પણ અહીં ઉલ્લેખ થયો છે. જેની ઉપર હાલના સમયે પણ કોર્ટકેસ ચાલી રહ્યોછે. શિવ ભક્તોના હૃદયને સાતા મળે તેમજ તેમના ધર્મના માન ખાતર એ મસ્જિદમા ૐમંદિર છે. જેમાં ભાવિકો વર્ષમાં ફક્ત એક વાર પૂજા કરવા જઇ શકે છે.
આ સિવાય મુસ્લિમ ધર્મના અનેક રિવાજો જેમકે સુન્ન્ત, બકરાની બલિ, તલાક-તલાક-તલાકના નિયમો વગેરેનો ઉલ્લેખ થયો છે તથા ધર્માન્તરના કારણે ગામ પરત ફરતા લક્ષ્મીને કટાક્ષભર્યા વેણ સંભળાવતો સમાજ પણ નજરે પડે છે. સમાજની આનિતિ કાળના પ્રવાહને ભેદીને આજે પણ પ્રસ્થાપિત જોવા મળે છે. લક્ષ્મી મુસલમાન બની હોવાથી “તું જ જાતિ બહાર ગયેલી નરસિંહઅપ્પાની દિકરી?” “ધોળુ કપાળ છે. પતિ ગુજરી ગયે કેટલા દિવસ થયા ?” “એ લકકવ્વા, મુસલમાન જાતના લોકો ક્યા ચાંદલો કરે છે? જોયુ છે ક્યાય કુણિગલમાં?”(પૃ-૫૮) વગેરે જેવા વેણ લક્ષ્મીને સાંભળવા પડે છે.આ જ રીતે ધર્મ ઉપર પણ કટાક્ષ થયો છે. “બધા જ ધર્મો મૂડીવાદના એજંટ છે.”(પૃ-૩૧)
“જ્યા સુધી ધર્મનું અસ્તિત્વ છે ત્યાં સુધી માનવતા રહેશે નહીં.”(પૃ-૩૩)
કથામાં કરુણતાના રસની ઉત્પત્તિ થાય તેવી ઘટનાઓ દર્શિત છે. ભાવક દુ:ખ સાથે વિશ્વાસ ન કરી શકે તેવા આંચકાની અનૂભુતી કરે છે. લક્ષ્મીના પિતા નરસિંહ ગૌડના મૃત્યુના સમાચાર અચાનક પ્રસ્તુત થાય છે. તેના કારણે લક્ષ્મીને આંચકો લાગે છે અને પિતા સાથે સદંતર રીતે સબંધની સમાપ્તીના કારણે લક્ષ્મી પોતાને દોષી ગણી ભીંતમા માથા પછાડી ધ્રુસકે ધ્રુસકે રડે છે. જેથી ભાવક પણ દુ:ખની લાગણી અનુભવે છે.ઇતિહાસના પ્રસ્તુતિકરણમાં દેવગઢનાં હારેલા હિન્દુ રાજાની હાલત શરીરે કંપારી છોડાવે તેવી દર્શાવાઇ છે. રાજ્યનાં પ્રખ્યાત વિષ્ણુ મંદિર અને ભગવાનની મૂર્તિની હાલત, હારેલા રાજા પર બળજબરી ઇસ્લામ ધર્મ થોપવાની પ્રક્રિયા, હજાર રૂપિયા જેવી કિંમતે તેની અહીંથી ત્યાં થતી ગુલામી, પુરુષો તેનું શારિરીક શોષણ કરે તેવી વિચિત્રતા અને એ ગુલામ મુસ્લિમ ધર્મની સ્ત્રીઓ સાથે સબંધ ન બાંધી શકે તે માટે તેને હિજડો બનાવવાની પ્રક્રિયા તો અસહનીય બની રહે છે. અને આ બધી જ વાતો સત્ય સાથે સંકળાયેલ છે એ જાણીને તો ભાવક થથરી ઊઠે છે. મંદિરો તૂટતી વખતની હાલતનુંવર્ણન જોઇએ.- “કવચિત કોઇ યુવાન ઉન્માદની સ્થિતિમાં કુહાડી લઇ હર હર મહાદેવની ઘોષણા કરી મંદિર તરફ દોટ મુકતો. પણ દસબાર ડગલા આગળ જાય તે પહેલા તો એકાદો ઘોડેસવાર તેને પૂરો કરી નાખતો.”(પૃ.-૨૨૩) આમ, મંદિરો, શિવલિંગ કે મૂર્તિ તોડતા, બેજિઝક થઇ હિંદુઓને મારી નાખનારા હૃદયવિહિન લોકો પ્રત્યે ભાવકના મનમા સ્વભાવિક જ ઘૃણા જન્મે છે.
કથામા દરેક ઘટના, પ્રસંગ, વ્યક્તિ, વસ્તુ કે સ્થળ-કાળનું વર્ણન વિસ્તૃત રીતે થયુ છે. જેથી ભાવક આંખ સામે ઇતિહાસને પસાર થતો જોઇ શકે છે. પિતાનાં મૃત્યુ પછી લક્ષ્મી જ્યારે તેના ગામ જાય છે. ત્યારે તેનુ ગામ, નરસિંહ ગૌડની મિલકત, નરસિંહ ગૌડની વાંચન સામગ્રી, તેની ઓરડી વગેરેનુ વર્ણન લક્ષ્મીના પિયરપક્ષ બાજુની પરિસ્થિતિનો ખ્યાલ તો અપાવે જ છે. તેમજ તેની લાગણી સાથે જોડાણ સાંધે છે. એ જ રીતે જૂના કાશી વિશ્વનાથ મંદિરનું પણ ભવ્ય વર્ણન જોવા મળે છે.
કથામાં પ્રણય-આકર્ષણ કે જાતિયતાના ખુલ્લા વર્ણનો પણ જોવા મળે છે. પરંતુ પ્રમાણમાં તે ઓછા છે. કથાની લોકપ્રિયતા વધારવા આવા પ્રયત્નો કરવામાં આવ્યા નથી. બલ્કે, પ્રોફેસર શાસ્ત્રીનાં હવસભર્યા ઇરાદાઓ દ્વારા પણ લેખક લગભગ દરેક જગ્યાએ વધતું જતુ આ વલણ છતુ કરે છે. પ્રો. શાસ્ત્રી રઝિયાના અને આમિરના ઝઘડાની પતાવટ કરે છે. તેના મનને શાંતિ આપવાનો પ્રયત્ન પણ કરે છે. પરંતુ, બદલામાં પોતે રઝિયાને સ્પર્શ કરી લેવો, ભેટવું, એકાદ ચુંબન કરી લેવુ જેવી હરકતો કરીને તેમનું ચારિત્ર છતુ કરે છે. રઝિયા પણ ઇન્ડસ્ટ્રીક્ષેત્રે આવુ બધુ રહેવાનું – એમ તેનો સહજ સ્વીકાર કરે છે. એ જ રીતે ઇતિહાસની કથાઓમાં કેટલાય પુરુષો કુમળી છોકરીઓ અને છોકરાઓ બન્નેનો શોખ ધરાવતા હોય તેવા ચિત્રિત થયા છે. આમીર અને રઝિયાનો પ્રણય સબંધ પણ લગ્ન થવા સુધીની રાહ જોઇ શકતો નથી. આમ, લેખકે સ્ત્રી-પુરુષના સહજ આકર્ષણ તેમજ બીજાની મદદ કરતા પહેલા પોતાની હવસને સંતોષ પૂરો પાડનારા લોકોના ફિતરતની વાત અહીં મૂકી આપે છે.
અહીં કેટલેક ઠેકાણે ફિલસૂફીભર્યા વાક્યો પણ જોવા મળે છે. જેમકે, “પ્રેમીએ ઉચ્ચારેલા એક શબ્દમાં હજારો સંશોધકોએ કરેલા સંશોધનોને પણ નકારવાની શક્તિ હોય છે.”(પૃ-૨૮) એ જ રીતે ધર્મ આધારિત ફિલસૂફી આલેખાઇ છે. ઉપરાંત, સંસ્કૃત અને રોજબરોજ વપરાતા અંગ્રેજી શબ્દો તથા વાક્યોનો ઉલ્લેખ થયો છે.
આમ, ‘આવરણ’ ઇતિહાસ અને કળા પર ચડેલા ખોટા આવરણો ખસેડવા માટેનો પ્રયત્ન કરતી કૃતિ નીવડે છે. જેમાં કળા અને સત્ય બંનેનો સુમેળ સમન્વય થયેલો જોવા મળે છે.
સંદર્ભપુસ્તક
૧.‘આવરણ’- ડૉ. એસ. એલ. ભૈરપ્પા, અનુવાદક- સિદ્વા દિક્ષિત, પ્રથમ આવૃત્તિ-૨૦૧૩, પ્રિઝ્મ પ્રિન્ટર્સ એન્ડ પબ્લિશર્સ, અમદાવાદ.
ડૉ. માનસી જયસ્વાલ, ગુજરાતી વિભાગ, આટર્સ ફેકલ્ટી, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા.- ૩૯૦૦૦૨, મોબાઇલ-૭૮૦૨૮૮૧૨૮૪