આદિજાતિના ભાવવિશ્વને પ્રસ્થાપિત કરતો સાંપ્રત સૂર : ડૉ. પ્રભુદાસ પટેલ (ટૂંકી વાર્તા સ્વરૂપ સંદર્ભે)

                                                જાગૃતિ પટેલ

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા સાહિત્ય છેવાડાના માનવી સુધી પહોંચવું જોઈએની હિમાયતથી પરંપરાગતયુગના સાહિત્યમાં તળના- છેવાડાના લોકોની સંવેદના આલેખાવાની શરૂઆત થઈ. જેમાં ગુજરાતી ટૂંકી વાર્તા ક્ષેત્રે પન્નાલાલ પટેલની ‘નેશનલ સેવિંગ’થી આદિવાસી ટૂંકી વાર્તાઓનો પ્રવાહ ખૂબ મંદગતિએ પરંતુ મક્કમ રીતે ચાલુ થાય છે. આધુનિક સાહિત્યમાં મૂળ, કુળ તથા સમાજની બાદબાકી થઈ. એકલતા અને વિચ્છિન્નતાનો આલેખ લગભગ તમામ સાહિત્યસ્વરૂપોમાંથી પ્રગટ થયો. પરસંસ્કૃતિના આક્રમણથી તથા એકાધિક કારણોથી સમાજથી દૂર ગયેલા સર્જકો આધુનિકોત્તર યુગમાં મૂળ તરફ – પોતાના સમાજ તરફ પરત વળ્યા. આ સર્જકોએ તળના અનુમોદનની સાથોસાથ નિજી સંસ્કૃતિની હિમાયત અને તેના રક્ષણની વાત સાહિત્યમાં કરવા પ્રેરાયા. આ ભાવસંવેદનો ટૂંકી વાર્તા સાહિત્યસ્વરૂપમાં સવિશેષ ઝીલાયાં. આધુનિકોત્તર સમયની ટૂંકી વાર્તાઓમાં નારી, દલિત સમાજ, અરણ્યજીવન તથા ગ્રામજીવન બળવત્તર રીતે રજૂ થવા લાગ્યું. ‘Back to root’ ની સાથે લોકભાષા, લોકતત્વોનો વિનિયોગ તથા અસલ જીવનનો મહિમા- વગેરે દેશીવાદી બાબતોનું આલેખન પણ આ સમયની વાર્તાઓનો મુખ્ય વિષય બની રહે છે.

આદિજાતિ એટલે કે અંગ્રેજીમાં જેના માટે ‘Premitive Tribe’ (Definition-a group of people not yet exposed to or used to modern practices  Contemporarily prevalent). શબ્દ પ્રયોજાય છે તેવાં આદિવાસી જનજીવનને લક્ષ્યતી વાર્તાઓ વિવિધ પ્રદેશોમાંથી ત્યારબાદ પ્રગટ થતી રહે છે. આ વાર્તાઓમાં ગતિશીલતાના અવરોધની સાથે ઘટનાઓનો ભાર પણ વરતાય છે. તો વળી ક્યારેક તેમની બોલી – ગીતો – રૂઢિ પ્રયોગો – કહેવતો – ગાળો વગેરે ક્યાંક શિષ્ટ ભાષાપ્રયોગ સંદર્ભે પ્રશ્નો પણ ઊભાં કરે છે. તેમ છતાં સાવ નોખું જ જીવન જીવતા આ મનેખનું આલેખન એકવીસમી સદીની ટૂંકી વાર્તાઓમાં દેખા દે છે.

આદિવાસી સમાજની વાર્તાઓના સર્જન પ્રવાહમાં મોના પાત્રાવાલા, કાનજી પટેલ, ભરત નાયક, જયશ્રી ચૌધરી અને જિતેન્દ્ર વસાવા ઉપરાંત એક ગણનાપાત્ર નામ એટલે ડૉ. પ્રભુદાસ પટેલ લગભગ 700 જેટલી ટૂંકી વાર્તાઓમાં મારા અભ્યાસ બાદ જે સર્જકની વાર્તાઓમાં આદિવાસી જનોનો અવાજ બળૂકી રીતે પ્રગટ થયો છે તે ટૂંકી વાર્તાઓનો સર્જક અવાજ એટલે ડૉ. પ્રભુદાસ પટેલ. વાર્તાને યોગ્ય ક્ષણની પસંદગી, તંગ અવસ્થામાં મૂકાયેલ પાત્રની મનઃસ્થિતિથી થતો વાર્તાપ્રારંભ, વૃદ્ધોની વેદના, સંસ્મરણો જેવી પોતીકી વિશેષતાઓ ઉપરાંત પ્રકૃતિને પૂજનારો અને સામુદાયિકતાની ભાવના ધરાવતો આદિવાસી સમાજ પણ ભૌતિકવાદ, ‘વિકાસ’ અ શહેરીકરણની અસર હેઠળ જે રીતે બદલાઈ રહ્યો છે તે પરિવર્તન આ સર્જકે વિશિષ્ટ રીતે ઝીલ્યું હોવાથી તેમની સિદ્ધિ નીવડેલી પસંદગીની વાર્તાઓ વિશે વાત કરવાનો ઉપક્રમ અહીં સેવ્યો છે. જે વિસ્તારમાં 90%થી પણ વધુ ડુંગરી ગરાસિયા આદિવાસીઓ વસવાટ કરે છે તેવો વિજયનગર તાલુકો (ઉત્તર ગુજરાતની ઉત્તર પૂર્વે આવેલો) સર્જકની વાર્તાઓની ભોંય બની રહે છે. આ વાર્તાઓમાંથી તેમના વિસ્તારના લોકનો હરખ-આનંદ, વેદના-ખુમારી, ઇર્ષ્યા-ખટપટો, પ્રશ્નો, સમસ્યાઓ, સંઘર્ષ- અને ટૂંકમાં કહીએ તો મનુષ્યનું સમગ્ર ભાવવિશ્વ તેઓ સુપેરે ઉપસાવીને ભાવકો સુધી પહોંચાડી શક્યા છે.

સર્જક શ્રી ડૉ. પ્રભુદાસ પટેલમાં પટેલ વાર્તાનું બીજ રોપાયું ‘વન્ય’માં, તેનો ‘રાગ’ સૌ કોઈ સુધી રેલાયો અને સૌએ આલાપ્યો, પરિણામ સ્વરૂપે વાર્તાના સાંગોપાંગ લક્ષણો ધરાવતી નવી કૃતિઓ વૃક્ષમાં ડાળીએ ડાળીએ ફૂટી અને તેના પર આવીને બેસી તે ‘દેવચકલી.’ આમ, ‘વન્યરાગ’ (ટૂંકી વાર્તાસંગ્રહ – 2014) દ્વારા ટૂંકી વાર્તાક્ષેત્રે આદિજાતિનો સશક્ત પ્રવેશ થાય છે. આ ટૂંકી વાર્તાઓમાં નૂતન પરિવેશ અને નવી લોકબોલીનું સાયુજ્ય સધાય છે. જોકે સાહિત્યના અભ્યાસુ ન હોય તેવા ભાવક કે વાર્તારસિક મિત્રોને આ બોલી કદાચ ન પણ સમજાય એ મર્યાદા તો છે જ. છતાં આવાં એકાદ ક્ષમ્ય ભયસ્થાનને બાદ કરતાં સર્જકનું આ સર્જન – ‘વન્યરાગ’નો અવતાર – સાહિત્યક્ષેત્રે બહુધા પોંખાયો છે. ‘વન્યરાગ’ કુલ પંદર ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. જેમાંની મોટા ભાગની વાર્તાઓ ‘ખેવના’, ‘તાદર્થ્ય’, ‘શબ્દસર’, ‘દલિત ચેતના’, ‘વિ-વિદ્યાનગર’, ‘જલારામદીપ’ અને ‘મમતા’ જેવાં સામયિકોમાં સ્થાન પામેલી છે. સર્જકનો આ પ્રથમ વાર્તાસંગ્રહ હોવા છતાં તેને ગુજરાતી સાહિત્ય પરિષદ (ધનરાજ કોઠારી પુરસ્કાર), ગુજરાતી સાહિત્ય અકાદમી (શ્રેષ્ઠ વાર્તા પુસ્તક પુરસ્કાર – 2014), ધૂમકેતુ પુરસ્કાર કમિટી (ધૂમકેતુ નવલિકા ગૌરવ પુરસ્કાર-2014) અને નર્મદ સાહિત્યસભા, સુરત (નંદશંકર નવલિકા ચંદ્રક-2014) દ્વારા પ્રાપ્ત થયેલાં પુરસ્કારો જ સર્જકકર્મની યશકલગી સમાન છે. આ તમામ વાર્તાઓમાં મેં પસંદ કરેલી ‘ઉજાસ’ વાર્તા 2002ના વર્ષે ઢસા મુકામે યોજાયેલા ‘સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમ’ (સુ. જો. સા.ફો.)ના વાર્તાશિબિરમાં વંચાયેલી અને સર્જકના શબ્દોમાં જ કહીએ તો તાત્કાલિક ત્યાં જ વિવેચન પણ પામેલી.

આદિવાસી પરિવેશ અને ત્યાંના લોક-જીવનના તીવ્ર ભાવવેગોમાંથી ‘ઉજાસ’ વાર્તાનું પિંડ રચાય છે. વાર્તાનાયક ધનિયો પત્ની- સતુ, વ્હાલસોયો દીકરો – બચુ અને નાના ભાઈ – લખમણ સહિત નાનો પરંતુ સુખી પરિવાર ધરાવે છે.

ધનિયો સવારે જંગલમાં લાકડાં કાપે – બપોરે બકરાં ચરાવા જાય અને સાંજે દોરા-ધાગા કરીને માતાજીનું નામ લે છે. આ દિનચર્યા થકી સર્જક આ પ્રજાના રીતિરિવાજો, રહેણીકરણી અને તેમની માન્યતાઓ તરફ અંગુલિનિર્દેશ કરે છે. ધનિયાને એક દિવસ જંગલમાંથી પાછા ફરતી વેળા ‘ગોરી’ નામની એક સ્ત્રી મળે છે. તે ધનિયાને તેની પત્ની સતુ અને તેના નાનાભાઈ લખમણ વચ્ચે આડા સંબંધ હોવાની વાત જણાવે છે. પરંતુ તેના જેવી હલકી સ્ત્રી પોતાનું ઘર ભંગાવવા માટે આમ બોલતી હશે એમ માનીને તે તેની વાત સાચી માનતો નથી. તેના મનમાં ઘર કરી ગયેલી એની શંકા સતુના લખમણ પ્રત્યેના વ્યવહારથી દ્રઢ બને છે. સતુને ધારિયાથી મારી નાખવાનો વિચાર તે કરે છે પરંતુ તે સમયે તેની ગૌરી સાથે નવરાત્રિમાં થયેલ રતિક્રીડાના સંબંધો યાદ આવે છે. આ બધી મૂંઝવણમાંથી બચવા તે આત્મહત્યા કરવાનું વિચારે છે અને તે અર્થે ઊંચા પથ્થર પર જાય છે. આવા સમયે તેને બાપે કહેલી લોકવાર્તા યાદ આવે છે. ભરમાજી (બ્રહ્માજી) માણસ ઘડવા બેઠા હતા પણ તેમનાથી કેમેય કરીને માણસ બનતો ન હતો. ઘણીવાર પથ્થર જેવી માટી બની જાય ને પાણી નાખે તો રબડી બની જાય. બ્રહ્માજી નિરાશ થઈ ગયા. ત્યારે ભરમાણીએ (બ્રહ્માણી) કહ્યું,

‘‘ઈમ કરોને, ઈ માં થોડીક કકરી મારી નૉખી જુવો ને.’’

  • (‘ઉજાસ’ માંથી, પૃ.35)

આમ કરવાથી માણસ બન્યો ને એ રાજી થઈ ગયા. માણસ ઘડાયો પણ કેવો ઘડાયો છે તે જોવા જાય ત્યાં તો તે હાથમાંથી સરકી ગયો ! પછી બાઘાની જેમ તાકતાં ધનિયાને બાપાએ કહેલું,

‘‘નીં ખબર પડીને ! અરે ભઈ, ઈમ  વાત-વાતમાં હમજાઈ જાતું ઓત તો મનેખના જણ્યાને દુઃખ જ શેનું ઓત ?… ઈ હમજાઈ જાય તો મનખાનું ઝેર … ઈમ પસી જાય…’’

(એજન, પૃ.35)

– ને આ વાતથી ધનિયાએ આત્મહત્યા કરવાનું માંડી વાળ્યું. ખૂબ લાઘવમાં કહેવાયેલી આ વાત મનુષ્ય જીવ તમામ માટે ખૂબ મહત્વની છે. દરેક માણસના ઘડતરમાં ભેળસેળ છે, કોઈપણ મનેખ સંપૂર્ણ નથી.

પિતાની આ વાર્તા પરથી ધનિયો યાદ કરે છે કે બ્રહ્માજી જેવા બ્રહ્માજીના હાથમાંથી મનુષ્ય સરકી જતો હોય તો બીજા કોઈનું તો કહેવું જ શું ? મનેખની માટી જ સરકી જાય તેવી છે. (મરણ બાદ પણ અંતે તો માટીમાં જ ભળી જાય છે ને.) આ વાત જો દરેક મનુષ્ય યાદ રાખે તો જીવનનું ઝેર પચી જાય ! સરળતાથી મનખો આખો જીવી જવાય ! અહીં મનુષ્યની પીડાનો સર્જક લોકસમાજની રીત દ્વારા ઉકેલ મેળવીને લોકકથાઓએ સમાજને જીવન જીવવાનું બળ આપ્યું છે એ વાત સ્પષ્ટ કરી આપે છે.

ધનિયો તેના બાપાની સૌથી નજીક છે અને એ બાપા તત્વજ્ઞાનની નજીક – ‘પછાત’ કહેવાતાં આદિવાસીનું જગત ‘સંસ્કારી’ જગત કરતાં પણ કેટલું વધુ માનવીય છે, તે વાત પર આ વાર્તા પ્રકાશ પાડે છે. આ વાર્તા સર્વજ્ઞ કથનરીતિમાં કહેવાઈ છે અને તેને અનુરૂપ પ્રયોજાયેલું ગદ્ય સર્જકની આગવી વિશિષ્ટતા બની રહે છે. આદિવાસી લોકબોલીમાં ધનિયાની મનઃસ્થિતિનો ચિતાર આપતું આ ગદ્ય લોકબોલીના સર્જનાત્મક પ્રયોગના કારણે પણ નોંધપાત્ર છે :

‘‘હડડડ’ કરતો વંટોળિયો આવ્યો ને ધૂળ-પાંદડાને કચરો…. બધુંય ફંગોળાતું ફંગોળાતું છેક આકાશની ચોટીએ પહોંચ્યું. એમ ને એમ ઘુમરાય, ઘુમરાયા જ કરે. પછી તો ધરતી શું ને આકાશે ક્યાં ? ધનિયો સાચા-ખોટાની પરખના કરી શક્યો. ના કહી શકે સતુને તો લખમણને કહેતાં તો જીભ જ કઈ રીતે ઉપડે ? ને મનને ય કઈ રીતે મનાવે ? પછી તો ધનિયાને સીધા-સાદા વ્યવહારમાંયે વાંકું પડતું … અને તે અટવાઈ જતો.. ખોડંગાતો.. ને માંયને માંયથી સોરવાયા કરતો.’’

(એજન, પૃ.30)

અહીં સર્જકે ધનિયાની મનઃસ્થિતિના બહાને સમગ્ર માનવજાતને તાગી છે. આપણે સૌ પણ બ્રહ્માજી દ્વારા ભેળસેળવાળી માટીના પિંડરૂપી આવાં જ વાંકદેખા મનેખ છીએ ને ? આપણે પણ નાની-નાની વાતે શંકા-કુશંકાઓ સેવીને સુખી, આનંદમય જીવતરમાં કાંકરીચાળો કરીએ છીએ. પાછો દોષનો ટોપલો તો બીજાને માથે જ અને કોઈ ન મળે તો ઈશ્વર તો છે જ ! આપણી અંદર ને અંદર ઘૂંઘવાતો રોષ – ગુસ્સો અંતે તો વંટોળ બનીને જ્યારે બહાર આવે છે ત્યારે નિજ સંબંધોનો વિશાળકાય વિનાશ સર્જે છે. આપણા પોતાના અવગુણોને ન પામી શકતા આપણે ખૂબ સહેલાઈથી અન્યને દુર્ગુણી હોવાનું સર્ટિફિકેટ આપી દઈએ છીએ.

આ વાર્તા સર્વજ્ઞ કથનરીતિમાં કહેવાઈ છે. વાર્તાનું શીર્ષક ‘ઉજાસ’ પ્રતીકાત્મક છે. આદિવાસી સમાજના માણસના હૃદયમાં પડેલા ઉજાસને તે વ્યક્ત કરે છે. આથી આ સંદર્ભે દીપક રાવલે યોગ્ય જ નોંધ્યું છે કે,

‘’વન્યપ્રદેશની અભણ અને પછાત ગણાતી આ પ્રજાની સમજણ કેવી છે ! માણસ માત્ર અધૂરો છે, પૂર્ણ નથી. એના ઘડતરમાં જ થોડી ભેળસેળ છે. ધનિયો પત્નીના ભાઈ સાથેના સંબંધથી ગુસ્સે થાય છે. પરંતુ ગોરી સાથેનું પોતાનું પાપ જોવાનું ચૂકતો નથી. માણસમાત્રમાં ગુણ-અવગુણ છે. એ વાત બ્રહ્માજીની કથા દ્વારા સરસ રીતે ઉપસી છે.’’

  • દીપક રાવલ

(‘ગુજરાતી નવલિકાચય : 2003’માંથી, પૃ. 09-10)

લોકવાર્તાના સર્જનાત્મક વિશ્લેષણ દ્વારા સફળ રીતે પ્રગટપણે માનવહૃદયનો આ ઉજાસ વાર્તાના શીર્ષકને સર્વથા યોગ્ય ઠેરવે છે. આ જ વાર્તાસંગ્રહની આવી જ બીજી વાર્તા ‘રૉમ-લખમણ’ છે. લોકસમાજ ત્યાગ કે બલિદાન જેવાં ઉચ્ચજીવનમૂલ્યો કોઈ વિશ્વવિદ્યાલયમાંથી નહીં પરંતુ જિંદગીની પાઠશાળામાંથી પામ્યા છે તે વાત અહીં સર્જકે પ્રસ્થાપિત કરી આપી છે.

‘વન્યરાગ’ના સાત વર્ષના દીર્ઘ અંતરાલ બાદ સર્જકશ્રીનો બીજો વાર્તાસંગ્રહ ‘દેવચકલી’ (2021)માં પ્રગટ થયો. વાર્તાપદાર્થ અને વિવેચનની એરણે ચઢેલી કલમ ‘દેવચકલી’ની વાર્તાઓમાં વિષયવસ્તુ, નિરૂપણ અને ભાષાકર્મની દ્રષ્ટિએ સવિશેષ મથામણથી પ્રગટે છે. આ સંગ્રહની વાર્તાઓ પણ આ જ આદિવાસી ડુંગરાળ પરિવેશ-બોલીની છે પરંતુ વસ્તુ માવજતમાં વૈવિધ્યતા અહીં સર્જક સભાનતાનો નવોન્મેષ પ્રગટાવે છે.

આ વાર્તાઓમાં પણ કેન્દ્રમાં તો પેલો ‘વન્યરાગ’ વાળો આદિવાસી સમાજ જ છે પરંતુ અહીં સર્જકનો મિજાજ જરાંક નોખો છે. ‘દેવચકલી’ વાર્તાસંગ્રહમાં એકલતાથી પીડાતા પાત્રો, સ્ત્રીઓ પર અત્યાચારો અને પ્રકૃતિ પર થઈ રહેલું આક્રમણ એકથી વધુ વાર્તાઓમાં રજૂ થયું છે. સૂક્ષ્મ સંકેતો અને પ્રતીકોના વિનિયોગથી આ બદલાયેલી પરિસ્થિતિથી સંકુલતાને વાર્તાકાર નિરૂપિત કરતાં જોવા મળે છે.

વિકાસના નામે થતાં વિચ્છેદ અને શહેરીકરણથી આદિવાસી સમાજ પણ ક્રમશઃ પ્રકૃતિને પૈસાના ત્રાજવે તોલવા માંડ્યો છે. પરિણામે સામુદાયિકતાની ભાવના ક્રમશઃ ઘટી રહી છે અને સંબંધોમાં તિરાડોના સ્થાને ખીણ સર્જાવા માંડી છે. પ્રકૃતિ અને નારી-બંને સર્જનના સ્ત્રોત છે અને  આ બંને પર થઈ રહેલું આક્રમણ પારંપારિક આદિવાસી મૂલ્યોનું પતન દર્શાવે છે. આ તમામની સીધી જ અસર સ્ત્રીઓના સામાજિક દરજ્જા પર પડી છે. ‘વન્યરાગ’ની તુલનામાં અહીં લોકગીતો ઓછાં અને સ્ત્રી-પુરુષના પ્રેમને વ્યક્ત કરતા માર્મિક સંવાદોની માત્રા વધી છે. જો કે અહીં એ સુવિદિત છે કે ‘વન્યરાગ’ને લોકસાહિત્ય સંશોધક તથા ‘દેવચકલી’ને નાટ્યસંશોધક – ડૉ.પ્રભુદાસ પટેલનો લાભ મળ્યો છે. જેના લીધે પાત્રોની સ્વગોક્તિઓ, જનસમૂહની માનસિકતા દર્શાવતા સંવાદો અને પ્રણયનિરૂપણ – આ બધું જ લાઘવતાથી છતાં સચોટ રીતે સંવાદો દ્વારા રજૂ થઈ શક્યું છે.

‘દેવચકલી’  વાર્તાસંગ્રહની ‘ચીહ’ વાર્તા ઉપર પસંદગી ઉતારવાનું મુખ્ય કારણ છે તેમાં પ્રગટ થતું જનસમૂહનું માનસ. આ વાર્તાની નક્કર અને સંવેદનક્ષણ એ છે કે ગ્રામજનોના ટોળાને પૈસાના જોરે આંગળીના ઈશારે નચાવીને સરપંચ રમલીના અવાજને દબાવી દે છે અને વળી પાછો  ટોળાને અવળા માર્ગે હંકારે પણ છે. તે સંદર્ભે આ સંવાદ :

‘‘ભઈઓ, આપડે હો કે ગરીબ ર્યા. પણ આપડાં સૂરાં ક્યાં ને કેની પાંહે – મજૂરીએ જાય એનું ય ધ્યાંન રાખો. જમાંનો હારો નહ. કૈ દઉ સું. આ વાલીની વાત કઉં તો મધરાતે પુલિસ હંગાતે ટ્રકમાં જ લાશ આઈ. વાલી બુલડોઝર નીચે આઈને…. એવો સિવિલ દવાખાનાનો રિપોર્ટ કે’ છે. ઈ તો હારું થ્યું કે આપણા પાડોશી ગામનો દેવજી ટ્રક હંગાથે લઈને મારી પાંહે આવ્યા કે એ લોકોને દબાવી – દબડાવીને આ પચા હજાર રૂપિયા તફડાવી લીધા.’’

(‘ચીહ’ માંથી, પૃ.34,35)

– અને થોકડી મકનાને ધરી દીધી.

અહીં વાર્તાકાર બોલીના લય, લહેકા, કાકુ વડે આખા દ્રશ્યને જીવંત કરી આપવા ટોળાના મુખે એક સંવાદ મૂકે છે :

‘‘સરપંચ કે‘છ ઈ હું ખોટું ? લાશનું દેવતાકરમ કરી નૉખવું પડે !’’

(એજન, પૃ.35)

આ વાર્તામાં એકાધિક વાર પ્રયોજાતો એક જ શબ્દ અલગ-અલગ અર્થછાયાઓ પ્રગટ કરે છે.

પ્રથમવાર જ્યારે દેવલો વાલીને લઈને કંત્રાટી છગન પાસે નથી પહોંચતો ત્યારે છગન પટેલનો વિચાર,

‘‘હાળો દેવલો, પહેલી ધારનો જોઈને પોતે જ ગટગટાવી ગયો કે શું ?’’

– દીકરીનો ભોગ લેનાર દેવલાને જાળમાં ફસાવતા તેની મા રમલી બોલે છે,

‘‘લે પી. પેલ્લી ધારનો.’’

– તો વળી રમલીની જાળમાં લપેટાઈને દારૂ ગટગટાવતો દેવલો પણ તેને કહે છે.

‘‘રમલી, પેલ્લી ધારનો તો પેલ્લી જ ધારનો… તારો પેલ્લી ધારનો હશે (દારૂ) તો – શે’રમાંય ઇયાદ આવતો તો’! ને તું… ય….’’

થોથલે ચડેલી જીભ ને ધૂનમાંય તે બોલવા મંડેલો :

‘‘રમલી તું તો તૈણ સૂરાંની મા પણ કે’વું પડે હો ! તું.. તું.. તું તો પેલ્લી ધારને હરો… હા, પેલ્લી ધા…ર….નો….’’

અહીં, ‘પેલ્લી ધારનો’ શબ્દ વડે કંત્રાટી આ દેવલાની વાસના, વિકૃતિ, પશુતા દર્શાવી છે તો વળી એ જ શબ્દ જેની દીકરી આ રાક્ષસો દ્વારા પીંખી નાખવામાં આવી છે તેવી મા રમલીના હૃદયમાં ધગધગતા વેરના અગ્નિનું પણ સૂચન કરે છે.

પ્રકૃતિ આદિવાસી સમાજનું અભિન્ન અંગ છે. ‘વન્યરાગ’માં જે પ્રકૃતિને સર્જકે રમણીય દર્શાવી છે તે જ પ્રકૃતિ – ખરેખર તો પ્રકૃતિના જ અંશ સમી નારી-એમ પ્રકૃતિ અને નારી બંનેને વાર્તાકાર એકરૂપ કરીને તેની ભયાવહતા દર્શાવે છે. ડુંગરા, સૂર્ય, ચંદ્રને પૂજતો, ઝાડવાં ન કાપતો, દેવચકલીમાં આસ્થા રાખતો આ સમાજ હવે મગરીઓ (દીકરીઓ પણ ?!) વેચવા માંડ્યો છે, ઝાડ કાપવા માંડ્યો છે. સર્જનના મૂળભૂત સ્ત્રોત એવી પ્રકૃતિ પરનું આક્રમણ પ્રકૃતિ સાથે જોડાયેલી કન્યાઓ પર આક્રમણ કરવાનું જ. પ્રકૃતિ અને નારી બંને હવે આરાધ્ય નહીં ઉપયોગી વસ્તુ બને છે. આમ પણ સ્ત્રીને સદીઓથી ‘Sex Object’ તરીકે જ જોવામાં આવી છે. વિકાસ અને ભૌતિકવાદનું ચોતરફથી થતું આક્રમણ આ સમાજને પણ અજગરની જેમ ભરડો લઈ ચૂક્યું છે તે વાત આ વાર્તાસંગ્રહની ઘણી વાર્તાઓમાંથી ફલિત થાય છે.

‘ચીહ’ આમ તો પહેલી નજરે દીકરીનો બદલો લેતી માની વાર્તા જણાય, પરંતુ આ વાર્તામાં સર્જકે વેરની સમાંતરે બળાત્કારીઓને ગુનાને બદલે દંડ આપવાની જગ્યાએ તેમને બચાવતી ‘System’ને પણ ઉઘાડી પાડી છે વાર્તા એ રીતે માણતાં ચાર ખંડમાં વિભાજિત થયેલ જોવા મળે છે. પ્રથમ ત્રણ ખંડમાં સર્વજ્ઞ અને અંતિમ ચોથા ખંડમાં વાલીની મા રમલીનું કથનકેન્દ્ર ‘હું’ દ્વારા રજૂ થયું છે. પ્રથમ ત્રણ ખંડમાં બનતી ઘટનાઓ – વાલી પર થતો ગોઝીલો બળાત્કાર, લાશનું દેવતાકરમ કરી નાખતો કાયદો, વ્યવસ્થાની મજાક ઉડાવતી સિસ્ટમ અને તેની સામે માની લાચારી વર્ણવે છે. તો વળી શાંતાની મહત્વાકાંક્ષા એ સિસ્ટમનો પહેલો મણકો બની ભાવક સમક્ષ ઉભરી આવે છે. જ્યારે ‘કોકડું’ ઉકેલતો સરપંચ છેલ્લો મણકો છે. આ વાર્તામાં બળાત્કારી છગનની વાત કરતી વેળાએ વાર્તાની મધ્યે આવતું વિધાન બળાત્કારીનો બચાવ કરતું હોય તેમ લાગે છે.

‘‘તેનામાંય પશુ સવાલ હતું ત્યાં સુધી તો સૂઝે ક્યાંથી ? અ….ને પીવામાંય ક્યાં મર્યાદા રાખી હતી તે….. !

(એજન, પૃ.32)

વાસનાભૂખ્યા વરુઓ દ્વારા ચૂંથાયેલી વાલીની લાશ અંધારી રાતે રૂપિયાની થોકડી લઈને કંત્રાટીના માણસો સરપંચ પાસે લઈને પહોંચે છે અને કહે છે :

‘‘ગૉમના મેઈન આદમી થઈને તમે ના સમજો તો આ કોકડું કોણ ઉકલેશે ?’’

(એજન, પૃ.33)

લાશની તટસ્થ પોલિસ તપાસ થાય તે પહેલાં તેનું દેવતાકરમ કરી નાખવામાં આવે છે. (આ વાત જેને અતિરંજક લાગે તેવા લોકોએ અહીં ઉત્તર પ્રદેશમાં બનેલી હાથરસની કાળજું કંપાવી દેતી ઘટના યાદ કરવી રહી.)

વાર્તાના આરંભે આવતી ‘બિહામણી રાત’ અને લાગણીહીન બની ગયેલો આપણો ‘બિહામણો’ આધુનિક સમાજ જાણે એકાકાર થઈને કાજળકાળો અંધકાર બનીને વાર્તાના અંત સુધી વિસ્તરે છે. આ અંધકાર કાયદાની પહોંચથી અતિદૂર એવી પશુતા, સંવેદનહીનતા અને સડેલી સિસ્ટમની નિશાની બની રહે છે. દારૂ ગાળવાનો વ્યવસાય કરતી રમલીના મનમાં ધગધગતી વેરની આગ દારૂની ભઠ્ઠી વડે સૂચવાઈ છે. દેવલાને ‘મૂળ જગ્યા’એ પ્રહાર કરતી વખતે રમલી જે ચીસો પાડે છે તે દેવલાની ચીસોનેય દબાવી દે છે. તેની દીકરી વાલીની ચીસો પણ આ જ રીતે દબાવી દેવાઈ હતી ને. વાર્તાના આરંભે આવતો અંધકાર અને પછી સિસ્ટમ મા-દીકરી-બંનેની ચીહને દબાવી દે છે. અંધારામાં મૃત્યુ પામેલી દીકરીનું વેર રમલી અંધારામાં જ વાળે છે. રમલીના આક્રોશ અને વેરથી  ભરેલી આ ચીસોથી આખો ડુંગરાળ મલક જાગી ઉઠે છે. ‘હું’ ને કથનકેન્દ્ર રાખીને રમલીના મુખે વાર્તાન્તે કહેવાયેલી તેની વ્યથા, વેદના, ગૂંગળામણ, આક્રોશ અને વેર અસરકારક બનીને ભાવકચિત્તમાં ઘૂંટાય છે.

લખાણની દીર્ઘતા ટાળવાના હેતુથી અહીં માત્ર સર્જકની બે જ રચનાઓનો અભ્યાસ રજૂ કર્યો છે. પરંતુ એવી અપેક્ષા તો ચોક્કસ છે કે આપ સૌ ‘વન્યરાગ’થી ‘દેવચકલી’ સુધીની સફર ખેડવા માટે ઉત્સુક હશો જ. અંતે પ્રકૃતિના બાળ એવાં આ સમાજના લોકો વિશે વધુમાં વધુ અનેક સાહિત્યસ્વરૂપોમાં ખેડાણ થાય અને આ સમાજનું સાહિત્ય અલ્પમાંથી અતિ તરફની ગતિ કરે.

-: સંદર્ભસૂચિ :-

  • પટેલ પ્રભુદાસ, ‘વન્યરાગ’ (ટૂંકીવાર્તા સંગ્રહ), પાર્શ્વ પબ્લિકેશન, પ્રથમ આવૃત્તિ-2014.
  • પટેલ પ્રભુદાસ, ‘દેવચકલી’ (ટૂંકીવાર્તા સંગ્રહ), ડિવાઈન પબ્લિકેશન, પ્રથમ આવૃત્તિ-2021.
  • રાવલ દીપક (સં.), ગુજરાતી નવલિકાચયન : 2003, ગુજરાતી સાહિત્ય પરિષદ, પ્રથમ આવૃત્તિ-2014.
  • સાર્થ ગૂજરાતી જોડણીકોશ, ગૂજરાત વિદ્યાપીઠ.

જાગૃતિ મહેશકુમાર પટેલ,(પીએચ.ડી. વિદ્યાર્થિની)

ગુજરાતી વિભાગ, ભાષા સાહિત્ય ભવન, અમદાવાદ

મેઇલ : jags86uk@gmail.com