‘આઝાદીના લડવા’ જોસેફ મેકવાનની વાર્તામાં આઝાદી

હરેશ પરમાર

મોટો કાળો કોટ ને માથે ટોપી, આ મારા બાળપણની જોસેફ મેકવાન પ્રત્યેની ઓળખાણ.  તે સામાન્ય રીતે ડૉ. આંબેડકરનો આભાસ કરાવતા આપણી વચ્ચેથી પસાર થઇ જાય. શ્રી સિદ્ધાર્થ હાઇસ્કૂલ, કેશોદમાં એક કાર્યક્રમમાં શ્રી જોસેફ મેકવાનને બોલાવેલા. ત્યારે મેં આવી જ મુદ્રામાં જોયેલા. આમ તો જોસેફ દાદાએ કહેલું તે કંઈ સમજમાં ના આવ્યું પણ એક વિચાર જરૂર મૂકી ગયા હતાં ત્યારે – ‘જઈ ભીમ’. જેમ કે આ સૂત્ર ભીમબાપા રાવલિયાએ પણ વારંવાર આપેલું. એ દરમ્યાન અમારો પિંડ ઘડાતો ગયો. જેલ સમાન લાગતી સિદ્ધાર્થ છાત્રાલય દ્વારા ડૉ. આંબેડકરની પ્રતિકૃતિ સમાન લગતા જોસેફ દાદાને જોયા. આ પછી કૉલેજ કાળ દરમ્યાન તેના વક્તવ્યો સંભાળ્યા. જેમાં ડૉ. આંબેડકરની વિચારધારાના દર્શન હંમેશા થતાં રહેતા હતાં. આજે તે પ્રતિકૃતિ આપણી વચ્ચે નથી પણ તેનું મબલક સાહિત્ય આપણી વચ્ચે છે. સ્વ. જોસેફ મેકવાનના ઉત્તમ સાહિત્યને સાહિત્ય અકાદમી દિલ્લીનો પુરસ્કાર તો મળ્યો પણ તેની સાથે સાથે તેના મબલક સાહિત્યનું લગભગ ૧૩ જેટલી ભારતીય ભાષાઓમાં અનુવાદ પણ થયું. આજે પણ અન્ય ભારતીય ભાષાઓમાં તેમના સાહિત્યનો અનુવાદ થઇ રહ્યો છે. જે ગુજરાતી દલિત સાહિત્ય જ નહી પણ ગુજરાતી મુખ્ય ધારાના સાહિત્ય માટે પણ ગૌરવની બાબત છે.

સ્વ. જોસેફ મેકવાને આઝાદી પછીના ભારતની પરિસ્થિતિનું આલેખન કર્યું છે. ભારત આઝાદી પછી શું ખરેખર તે આઝાદ છે? તે પ્રશ્ન પણ માનવીય રીતે ઉઠાવ્યો. તેમનું સાહિત્ય વાસ્તવિકતા સાથે પનારો પાડે છે, તેમાં કલ્પનાનું ઉડ્ડયન ઓછું ને સત્યનું આલેખન વધુ રહેતું. માટે જ તે જે કંઈ પણ લખતા હતાં તે સામાજિક પ્રતિબદ્ધતા દ્વારા લખતા હતાં. તેમનું લખાણ એ રીતે સામાજિક પ્રતિબદ્ધતાનું સાહિત્ય બને છે. તેમનું સાહિત્ય લગભગ સ્વ-અનુભૂતિનું સાહિત્ય છે. આમ તે મુખ્ય ધારાના સાહિત્ય કરતાં અલગ પડે છે.   

‘આઝાદીના લડવા’ સામાજિક પ્રતિબદ્ધ વાર્તા છે. જોસેફ મેકવાન પોતાની લગભગ વાર્તાઓમાં દલિત જીવનને આબેહૂબ વર્ણવતા જોવા મળે છે. તેમની વાર્તાઓમાં દલિત જીવન, દલિત સમસ્યા, દલિત ચેતના સહજ રીતે ઉભરીને આવતી જોવા મળે છે. અમુક આલોચકો કે વિવેચકોણી હંમેશા ફરિયાદ રહેતી હોય છે કે જોસેફ મેકવાનની વાર્તાઓ દલિત વાર્તાઓ નથી બનતી. એ વિધાન ખરું છે પણ જે વાર્તા મુખ્ય ધરામાં માઈલસ્ટોન બરાબર નીવડે તેમાં ભારોભાર દલિત જીવન ધબકતું જોવા મળે છે. તેમની કલમ સંવેદન સભર છે. તે પાત્રને ન્યાય આપવા ખાતર કોઈ ખયાલી વિચારોને આધાર નથી બનાવતા પરંતુ દલિત જીવનનાં મુઠ્ઠી ઉંચેરા માનવીને આધાર બનાવે છે. જોસેફ મેકવાન આ પત્રોને તેની મર્યાદાઓ સાથે આલેખે છે. માટે તે સહજ લાગે છે અને સાહિત્યની સીમિત દીવાલોને તેમજ પ્રદેશોની સીમિત દીવાલોને તોડી બહાર નીકળી જાય છે. આજ તેની વિશેષતા છે.

‘આઝાદીના લડવા’ણી કથાવસ્તુ ટૂંકમાં જોઈએ તો બુધિયો અને કાળાની વાર્તા છે. જેમાં આઝાદી પછીના દલિતોની સ્થિતિનું આલેખન કરવામાં આવ્યું છે. બુધિયો અને કાળો આજ સુધી આઝાદી બાપડી શું છે? તે જાણી નથી શક્યા અને તેને જાણવા તેમજ જોવા માટે તર્ક-વિતર્કો કરે છે. આઝાદી આવ્યા પછીથી આઝાદીની ઉજવણી નગર, મહાનગર, શહેર, પ્રાંત, ગામ વગેરેમાં થાય છે. ત્યારે આઝાદીની ઉજવણી બાબતે ગામનાં લોકો શાળા અને ગામના લોકોને જમાડે છે. દલિતો માટે બે વખતની રોટીનો હંમેશા પ્રશ્ન હોય છે ત્યાં તે વળી આ જમણવારની વાત તેના કાને પડે છે. બુધિયાને પોતાનો નાનો પુત્ર એક લાડવો આપે છે ત્યારથી તેને પણ ગામમાં જમણવાર થાય એવી આશા બંધાય છે જેમાં તેને, કાલને તેમજ પુરા દલિત સમાજને જમણવાર મળે તેવી ઈચ્છા જાગે છે. જેમાં તેને ગામની શાળાનો માસ્તર અને બાલુ પટેલ મદદ કરે છે. પણ ગામનાં મંદિરમાં રહેલો મહારાજ આ બાબતે સંમત નથી થતો. ગામના દલિતો ગામનાં માણસો સાથે બેસે તે તેને મંજુર નથી. તે સમય દરમ્યાન ગામમાં ગાય મારે છે અને દલિતોને સવર્ણો માટે બનાવેલ જમણ જમવા માટે બને છે પણ તેમાં ઝેર હોય છે. કાનૂની પગલા બાબતની આશંકા થતાં મંદિરનો મહારાજ અને રઘુ બન્ને મંદિર છોડી ભાગી છૂટે છે. અહીં વાર્તા પૂર્ણ થાય છે.

ભારતીય સમાજ વ્યવસ્થામાં પરિવર્તન કરવાં અનેક મહાપુરુષો જન્મ્યા અને અનેક સંઘર્ષો કર્યા પરંતુ ભારતીય સમાજ વ્યવસ્થા જૈસે થે ણી સ્થિતિમાં જ રહી. આ સ્થિતિ આઝાદી પછી પણ જાળવી રહી. માટે ડૉ. આંબેડકરને આઝાદી મળે તે પહેલા જે આશંકા હતી તે સાચી પડી માટે તેને આઝાદી પ્રત્યે મોહભંગ થયો. પોતાના જ  બનાવેલા સંવિધાન દ્વારા દલિતોની સ્થિતિમાં કોઈ જ સુધારો ન આવવાને કારણે તેમજ તેનો ખોટી રીતે ઉપયોગ થતો જોઈ ડૉ. આંબેડકરને આખરે કહેવું પડ્યું હતું કે

अनुसूचित जाति के लोगों की स्थिति की सुरक्षा के लिए संविधान में किए गए प्रावधान से में संतुस्ट नहीं हूँ वही  पुराना अन्याय, वही पुराना उत्पीडन, वही पुराना भेदभाव, जो पहले था, अब भी है, बल्कि पहले से भी बुरा है. मुझे आश्चर्य होता रहा है कि भारत में अनुसूचित जाति के लोगों कि जो दशा है, उसके बराबर बुरी दुनिया में कोई भी चीज नहीं है.(૧)

આમ આઝાદી પછી દલિતોણી સ્થિતિમાં કોઈ ફેર બદલ નહોતો આવ્યો. બારાતમાં સત્તાનું હસ્તાંતરણ થયું. સત્તા એક શોષક પાસે થી બીજા શોષક પાસે ગઈ. જેમાં દલિતો ગુલામના ગુલામ જ રહ્યા. ગાંધીવાદી પ્રભાવના કારણે જે સુધારો આવ્યો તે નામ માત્રનો સુધારો આવ્યો. જેમાં દલિતોને માનવ તરીકે સ્વીકારની ભાવના તો હતી પરંતુ માનવ તરીકે ના હક્કનું દોહન પણ તેમાં સામેલ હતું. દલિત સમાજ આજે પણ પોતાનું અસ્તિત્વ અને અસ્મિતા શોધી રહ્યા છે. આ દાહક પરિસ્થિતિને જોસેફ મેકવાને અહીં વર્ણવી છે. અહીં બે વિચાર ધારાનું દ્વંદ્વ ચાલે છે ગાંધીવાદી અને  રૂઢીવાદી. આ બન્ને વચ્ચે પીસાતા દલિતોની વાત અહીં કરવામાં આવી છે.

બુધિયાને જે પ્રશ્ન ઉદ્દભવે છે તેનો જવાબ કાળા પાસે પણ નથી. આઝાદીને દલિત લોકો કોઈ જાજરમાન સ્ત્રી ધારી બેઠા છે. જયારે બુધિયો કાળાને પૂછે છે ત્યારે કાળો પણ તેનો સંતોષકારક જવાબ નથી આપી શકતો. બુધિયો કાળાને પૂછે છે કે –

“હેં કાળા, આ આઝાદી ચ્યાં આઈ છં. ઉં તો આખું ગામ ચીરીને ચારેય દેશ જોઈ આયો. પણ ભૈ, મને તો ચ્યાંય દેખાઈ ન’ઈ !”(૨)

કાળાને પણ આ વાત સમજાતી નથી અને તે પણ પોતાનો તર્ક બતાવે છે –

“જો બુધા આખું ગાંમ કે’છ એટલે આઝાદી ક્યેંક તો આઈ હોવી જ જોઈએ. ગાંમમાં આવું-તેવું કશુંકેય આવતું હોય છે તાર એ ઉજળિયાતોના તાં જ ધામા નાંખ છ. એટલે ભઈ આઝાદીય તાંજ ઊતરી અં,શે. આપા આવ તો એક તો આભડછેટનો ભો અને હાહરાં આપણાં દરકાંન હારાં નં’ઈ બાચી હંધુય ગામ ગાંડું થયું છ, એટલે તારા બોલ એ આયી અ’શે તો ખરી’ જ !”(૩)  

ભુખ, ગરીબી, અશિક્ષા અને સામાજિક બહિષ્કારના ભોગી દલિત સમાજ આઝાદી આવતા તેને એક આશા જાગે છે માટે જ તે આઝાદી વિશે વધુ ન જનતા હોવા છતાં આઝાદીને જાણવા માટે હવાતિયા આરંભે છે. શાળામાં જનાર દલિત બાળકો પણ જયારે તેને આઝાદી મળ્યાનું ભોજન મળે છે ત્યારે બુધિયાનો પુત્ર તેના બુધિયા માટે લાડવો લઈ આવે છે ત્યારે બુધિયાની ભુખ જાગી જાય છે ને તે કાળાને પણ કહેં છે. ગામમાં સમૂહ ભોજન થાય તેમાં દલિતોને પણ કૈક મળે તે માટે તે પ્રયાસ કરવાં લાગે છે.

ગામના મંદિરનો મહારાજ અછૂતોને આઝાદી પ્રસંગે જમણવાર કર્યું હોવાથી ખૂબ જ ગુસ્સામાં છે અને તે પણ બીજા જ દિવસે જાહેર જમણવાર રાખે છે. ત્યારે તે બાલુ પટેલને બોલાવી ચેતવણી આપે છે કે કાલે કોઈ જ અછૂત જમણવારમાં ના હોવા જોઈએ, તેમજ પોતાનાં વાસમાંથી પણ બહાર ન નીકળે. આમ પવિત્રતા-અપવિત્રતાનો ભય બતાવી અછૂતોને અલગ રાખવાની પુરી યોજના ઘડી લે છે. આઝાદી આવતાં પણ હજું ગુલામીની તેમજ સત્તા-રાજનીતિની માનસિકતામાં કોઈ જ અંતર ના આવ્યું. મંદિરનો મહારાજ પોતાનો હુકમ મનાવવા બાલુ પટેલને કહેં છે કે –

“હમને એક વખત જો કહા સો કહા. તુમ ગાંવ કે મુખિયા હો તો હમ ગાંવ કે મંદિર કે મહારાજ હૈં. તુમસે જ્યાદા ગાંવ કઈ ઈજ્જત હંમે પ્યારી હૈ. અબ હમને જો કહા વોહી હોગા. તુમ બીચ મેં ટાંગ મત આડાના”(૪)

ભરતા દેશમાં રાજકારણીયો કરતા પણ સંત, મહાત્મા, પંડા, પૂજારીઓનું મહત્વ વધુ છે. માટે તે જે કહેં તે બ્રહ્મ વાક્યમાંની તેનો અમલ કરવામાં કોઈ જ વાર લગાડાતી નથી. ભારત દેશ આઝ્ડા થયો છે પણ તે આઝાદી માત્ર સવર્ણો પુરતી માર્યાદિત રહેવા પામી છે તેનું પ્રમુખ કરણ ધર્મ પ્રત્યેની આંધળી ઘેલશા છે. તેમજ તે ઘેલશાનો ફાયદો ઉઠાવી પંડા-પુજારીઓ પોતાનાં સ્વાર્થ માટે દલિતો પર અમ્ન્વીય અત્યાચારો ગુજારે છે. આમ દલિતોમાં આઝાદી આવ્યા છતાં કોઈ જ જાગૃતિ ના આવી અને તેને જૈસે થે જેવી પરિસ્થિતિમાં રાખવા પંડા-પુજારી તેમજ સ્વાર્થ લોલુપ સવર્ણ સમાજનો ઘણો મોટો હાથ છે.

દલિતોની જાગૃતિ માટે આજે સવર્ણ સમાજના અમુક વ્યક્તિઓ પણ ઘણો સકારાત્મક ભાગ ભજવે છે.  અહીં બાલુ પટેલ અને ગોસ્વામી માસ્તર તેનું ઉદાહરણ છે. દલિતોની સળવળ મુક્તિ માટેની સળવળ છે માટે જે મુક્તિકામી મનુષ્ય હોય તેમજ તે બીજાઓની પણ મુક્તિ ઈચ્છતા હોય તે પણ આ સળવળમા જોડાય સકે છે. તેમાં કોઈ સવર્ણ કે અવર્ણનો ભેદ આડે આવતો નથી.

ગામમાં જે જગ્યા પર હવન થાય છે તે જગ્યા પર હવનના દિવસે જ એક ગાય મૃત્યું પામે છે. જે ગાયને હિંદુ લોકો માતા મને છે તે મારે ત્યારે અછુતો તેને ધસડી લઈ જાય છે. કેવો વિરોધાભાસ છે કે મનુષ્ય માતા મૃત્યું પામે તો તેને તેના લોકો જ ઉઠાવે અને જયારે ગાય માતાનું મરણ થાય ત્યારે અછુતોના વાસ તરફ જોવામાં આવે છે. માટેજ હિંદુ ધર્મ સગવડિયો ધર્મ છે તે પોતાની સગવડતા અનુરૂપ બદલતો રહે છે પણ શૂદ્રોને અપરિવર્તનશીલ રાખીને. અહીં બાલુ પટેલ માસ્તરને કહેં છે તે વાસ્તવિક તેમજ હકીકત છે –

“માસ્તર, વાવાઝોડામાં જે ઝાડવાં નમી જાય છે તે મૂળહોતાં ઊખડી જતાં નથી.”(૫)

ડૉ. આંબેડક માટે જ ધર્મ પરિવર્તન તરફ વળે છે. તેના અથાક પ્રયત્ન છતાં પણ હિંદુ ધર્મમાં કોઈ પરિવર્તનને અવકાશ ન હતો.

આખરે મારેલી ગાયને ઉપાડવાની શરતે મહારાજ અછૂતોને સવર્ણો માટે બનાવેલું ભોજન આપે છે. ત્યારે તેમાં ઝેર નીકળે છે. માટે ગોસ્વામીના પોલીશ રીપોર્ટ કરાવવા માટે શહેર જવાથી મહારાજ અને રઘુ પાછલે બારણેથી છટકી ભાગી છૂટે છે. ત્યારે તેના પંચાતીયા પણ ગાયના મૃત દેહને છોડી ભાગી છૂટે છે ત્યારે લેખક અંતિમ વાક્ય જોડે છે

“ને એ રાતે ગીધટોળા, સમડીવૃંદ અને શ્વાન સમુદાયે સંપીને પવિત્ર ગૌ માતાને ગોલોક પહોંચાડી દીધા”(૬)

ઝેરની અસર થી બેભાન થયેલા બુધિયા અને કાલુને આઝાદી કોણ છે અને તે ક્યાં છે એ જાણવા મળતું નથી પણ તે તેને સ્ત્રી માને છે માટે કાળો બુધિયાને કહેં છે કે –

“અલ્યા મૂરખા, એક તો બૈરાની જાત્યનં પાછી દેવાંશી, માસ્તર ફાસ્તરની કોઈનીય એને ખેંચી લાવવાની જીગર ના ચાલે…”(૭)

આમ, અજ્ઞાનતા માં પણ લેખક દ્વારા સહજ શૈલીમાં લખવાથી હાસ્ય-વ્યંગ્યનો સુભગ સમન્વય પણ થયો છે. જે માત્ર શબ્દો ના રહેતા દલિત જીવનનું વાસ્તવ બની જાય છે.

‘આઝાદીના લાડવા’ વાર્તા હિંદુ ધર્મની અંધશ્રદ્ધા યુક્ત, તેમજ તર્ક વિહીન આચરણ સામે વ્યંગ્ય કરતી કથા છે. આઝાદી પર ભારત દેશમાં જન્મેલો એક એક નાગરિક અધિકારી છે પણ તે આઝાદીનું રૂપ ભારત દેશની સામાજિક, ધાર્મિક પરિસ્થિતિના કારણે આઝાદી એકપક્ષી કે એકાંગી બની આઝાદી પોતાનો મૂળ ઉદ્દેશ્ય ખોઈ બેસે છે. માટે આઝાદ થનારા સવર્ણ લોકો આજે પણ પરંપરાગત ભેદભાવને પોતાનાં સ્વાર્થ ખાતર જાળવી રાખી સમાજ અને દેશનું અહિત કરે છે. અહીં બાલુ પટેલ તેમજ ગોસ્વામી માસ્તર સવર્ણ હોવા છતાં અછુતો નો પક્ષ લે છે તે વિશેષ છે પરંતુ તેના કાર્ય અને કથાન દ્વારા દલિતોમાં કોઈ જાગૃતિ કે ચેતના પ્રગટતી હોય તેવું જણાતું નથી. મડદા ઉપાડવાનું કાર્ય આઝાદીના લાડવા જમ્યા પછી પણ જળવાઈ રહે છે. જેમ કે ઝેર દ્વારા તે અછૂતોના હાથે નથી થતું. હિંદુ ધર્મ જેમ મારેલી ગાય સદી જાય છે તેમ આજે તેમાં સડો પેસી ગયો છે. જેને દૂર કરવો આવશ્યક છે. લેખકની શૈલી અને ભાષા દ્વારા અહીં દલિત જીવન તેમજ ઉજળીયાતોનું જીવન પણ જીવંત બને છે. આ કથા માત્ર બે દલિતોની નહિ પણ સમગ્ર દલિતોની કથા છે માટે તે દલિત સાહિત્યમાં વિશેષ સ્થાન ધરાવે છે. કથાનો સમાજ એક પ્રતીક બનીને ઉભરી આવે છે જે ભારતીય સમાજની ખોખલી ધર્મ નીતિ તેમજ હિંસાત્મક રણનીતિને ઉજાગર કરે છે.

  1. આધાર સંદર્ભ સૂચી :
  2. મેકવાન, જોસેફ, ‘આઝાદીના લાડવા’, ‘વર્તાલોક’ (સંપાદકો, મંગલમ્, હરીશ; પરમાર, ડૉ. પથિક; કલ્પિત, મધુકાંત; વેગળા), ગુજરાત દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ – ૩૮૨૪૨૪, પ્રથમ આવૃત્તિ – ૨૦૦૮
  3. સંદર્ભ ગ્રંથ સૂચી :              
  4. रत्तू, नानकचंद, ‘डॉ. अम्बेडकर: जीवन के अंतिम कुछ वर्ष’, किताबघर प्रकाशन, नई दिल्ली-०२, २००६, पृ.३३
  5. મેકવાન, જોસેફ, ‘આઝાદીના લાડવા’ (વાર્તા), – સંપાદકો, મંગલમ્, હરીશ; પરમાર, ડૉ. પથિક; કલ્પિત, મધુકાંત; વેગળા, ‘વર્તાલોક’, ગુજરાત દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ – ૩૮૨૪૨૪, પ્રથમ આવૃત્તિ – ૨૦૦૮, પૃ. ૧૨
  6. મેકવાન, જોસેફ, ‘આઝાદીના લાડવા’ (વાર્તા), – સંપાદકો, મંગલમ્, હરીશ; પરમાર, ડૉ. પથિક; કલ્પિત, મધુકાંત; વેગળા, ‘વર્તાલોક’, ગુજરાત દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ – ૩૮૨૪૨૪, પ્રથમ આવૃત્તિ – ૨૦૦૮, પૃ. ૧૨
  7. મેકવાન, જોસેફ, ‘આઝાદીના લાડવા’ (વાર્તા), – સંપાદકો, મંગલમ્, હરીશ; પરમાર, ડૉ. પથિક; કલ્પિત, મધુકાંત; વેગળા, ‘વર્તાલોક’, ગુજરાત દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ – ૩૮૨૪૨૪, પ્રથમ આવૃત્તિ – ૨૦૦૮, પૃ. ૧૫
  8. મેકવાન, જોસેફ, ‘આઝાદીના લાડવા’ (વાર્તા), – સંપાદકો, મંગલમ્, હરીશ; પરમાર, ડૉ. પથિક; કલ્પિત, મધુકાંત; વેગળા, ‘વર્તાલોક’, ગુજરાત દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ – ૩૮૨૪૨૪, પ્રથમ આવૃત્તિ – ૨૦૦૮, પૃ. ૨૦
  9. મેકવાન, જોસેફ, ‘આઝાદીના લાડવા’ (વાર્તા), – સંપાદકો, મંગલમ્, હરીશ; પરમાર, ડૉ. પથિક; કલ્પિત, મધુકાંત; વેગળા, ‘વર્તાલોક’, ગુજરાત દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ – ૩૮૨૪૨૪, પ્રથમ આવૃત્તિ – ૨૦૦૮, પૃ. ૨૪
  10. મેકવાન, જોસેફ, ‘આઝાદીના લાડવા’ (વાર્તા), – સંપાદકો, મંગલમ્, હરીશ; પરમાર, ડૉ. પથિક; કલ્પિત, મધુકાંત; વેગળા, ‘વર્તાલોક’, ગુજરાત દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ – ૩૮૨૪૨૪, પ્રથમ આવૃત્તિ – ૨૦૦૮, પૃ. ૨૨

હરેશકુમાર વિ. પરમાર

૪૦, રામનગર, ટીંબાવાડી બાયપાસ, મધુરમ, જૂનાગઢ – ૩૬૨૦૧૫

મો. 9716104937