વર્ષ ૨૦૧૦માં પ્રકાશિત થયેલ મારું પહેલું પુસ્તક ‘દલિત વાર્તાઓ-આસ્વાદમૂલક સમીક્ષાઓ’ એ કેટલીક દલિત વાર્તાઓ નિમિત્તે લખાયેલા લેખોનું પુસ્તક હતું, અને આ સાતમા પુસ્તકમાં દલિતસાહિત્યની કવિતા, વાર્તા અને નવલકથા વિશેના લેખો છે, જેમાંના કેટલાક અમુક સામયિકોમાં છપાયેલ છે. ડૉ. આંબેડકરના પ્રભાવ-વિચારધારા, અસ્પૃશ્યતા સામેની લડતના લીધે સર્જાયેલ સાહિત્ય એ ‘દલિત સાહિત્ય’થી ઓળખાય છે. નેલ્સન મંડેલાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર માટે કહ્યું છે કે, ‘Dr.Ambedkar’s contribution to social justice and to the upliftment of the oppressed is worthy of emulation.’ આંબેડકરની વિચારધારાના પ્રભાવે સ્વાભિમાન અંગેની જાગૃતતાનું જે મોજું ઉદભવ્યું તે ‘દલિત સાહિત્ય’ નામે આજે વૈશ્વિક સ્તરે જાણીતું છે. અસ્તિત્વ, અધિકાર અને આક્રોશનું બયાન કરતુ દલિત સાહિત્ય વિશ્વની તમામ ભાષાઓમાં મોજૂદ છે. ભારતના સંદર્ભમાં અને ખાસ કરીને મરાઠી અને ગુજરાતી સાહિત્યમાં આ દલિત સાહિત્યની જે ઉડાન છે તેના મૂળમાં બાબાસાહેબ આંબેડકર છે. એટલે કે આંબેડકરના વૈચારિક પ્રભાવમાં માનવીયતા, અપમાન, અત્યાચાર, શોષણ અને સમતાની ઝંખના વિશેનું જે દલિત સાહિત્ય સર્જાયું તે સાહિત્ય વિશેના લેખો અહીં પુસ્તકાકાર પામી રહ્યાં છે.
નવસારીની ગાર્ડા કૉલેજમાં બી.એ., એમ.એ.ના અભ્યાસ દરમિયાનના કથાસર્જક નાઝીર મનસુરી સાહેબના વર્ગોના પ્રતાપે આ ‘દલિતસાહિત્ય’નું તત્ત્વ અને તંત્ર સમજવાની પાપા પગલી ભરવા માંડેલી. જૉસેફ મેકવાનની ‘આંગળિયાત’, ચિનુ મોદીની ‘કાળો અંગ્રેજ’ અને મોહન પરમારની ‘નકલંક’ જેવી દલિત કૃતિઓ તો ત્યારે અભ્યાસક્રમમાં જ હતી. ગાર્ડા કૉલેજના ગ્રંથાલયમાંથી દલિત સર્જકોની જે કૃતિ પ્રાપ્ય બની તે મેળવી વાંચવા માંડેલી.અભ્યાસ દરમિયાન વિશ્વસાહિત્ય, દેશીવાદી, નારીવાદી અને દલિતસાહિત્યમાં એ તમામમાં રસ હોવા છતાં મારો સૌથી પહેલો ઝૂકાવ દલિતસાહિત્ય તરફે રહેલો.
દલિત એટલે Depressed Class. જેનો અર્થ દબાયેલો, કચડાયેલો, તોડેલું, નાશ કરવામાં આવેલું એવો થાય છે. પરંપરામાં ‘હરિજન’ શબ્દ ચાલતો આવ્યો હતો જેને માટે આંબેડકરે ‘દલિત’ શબ્દ પ્રયોજ્યો. આ દલિત એટલે જે શોષિત છે એવા વર્ગનું સાહિત્ય એમ કહીએ ત્યારે કોઈને એ વધારે પડતું લાગે પણ ભારતીય સામાજિક માળખામાં રહેલી વિસંગતતાને કારણે એક વર્ગે જે હજારો વર્ષો સુધી જે વેઠયું અને હાલમાં પણ વેઠી રહ્યા છે તે વિસંગતતા સામેનો સર્જનાત્મક વાયરો એટલે દલિતસાહિત્ય એમ કહીએ તો પણ એમાં કશું ખોટું નથી. મરાઠી લેખક લક્ષ્મણ ગાયકવાડ પોતાની આત્મકથાની પ્રસ્તાવનામાં કહે છે-“जिस समाज में मैं जन्मा उसे यहां की वर्णव्यवस्था और समाज व्यवस्था ने नकारा है। सैंकड़ों नहीं हजारों वर्षों से मनुष्य के रूप में इस व्यवस्था द्वारा नकारा गया मेरा यह समाजपशुवत् जीवन जीने के लिये मजबूर किया गया मेरा यह समाज। अंग्रेज सरकार ने तो ‘गुनहगार’ का ठप्पा ही हमारे समाज पर लगा दिया और सबने हमारी ओर गुनहगार के रूप में ही देखा और आज भी उसी रूप में देख रहे हैं। रोजी-रोटी के सभी साधन और सभी मार्ग हमारे लिए बंद कर दिए गए और इस कारण चोरी करके जीना यही एक मात्र पर्याय हमारे सम्मुख शेष रह गया। हम पर थोपे गए चोरी के इस व्यवसाय का उपयोग ऊपरवालों ने अपनी स्वार्थपूर्ति के लिए किया। संभवतः विश्वभर में हमारी एक मात्र जाति होगी जिसे जन्म से ही गुनहगार घोषित किया गया है, जिनके माथे पर जन्म से ही “अपराधी” की मुहर लगायी गयी है। आखिर ऐसा क्यों हुआ इसका समाजशास्त्रीय अध्ययन कभी तो होगा ही। बचपन से ही मैं अपने आसपास उठाईगीरों की दरिद्रता, उनकी मजबूरी, भूख के कारण होनेवाली उनकी छटपटाहट और अभावग्रस्तता को देखता आ रहा हूँ।” એટલે ભારત જેવો દેશ તેના આધ્યાત્મિક મૂળિયાં બાબતે વિશ્વમાં ગર્વ લેતો હોય તો એ જ આધ્યાત્મિક મૂળિયાં સાથે જાતિગત ભેદભાવના અમાનવીય મૂળિયાંને પણ સ્વીકારવા જ પડે. સમગ્ર વિશ્વની મંગલકામના કરતા વેદ-ઋચાએ એક ચોક્કસ વર્ગ સાથે અન્યાય-શોષણ કામના પણ કરી દીધી છે. તેથી જ તો આજે પણ સ્વતન્ત્રતા, સમાનતા અને બંધુતાને બદલે પોલીસ સ્ટેશનમાં, વિવિધ આયોગોમાં ફરિયાદોના ઢગલાં થતાં જાય છે. એટલે આજે શ્રીમદભગવદગીતાના જીવનના હકારાત્મક પાસાંને વૈશ્વિક કક્ષાએ રજૂ કરીએ ત્યારે તેના ‘चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः જેવાં શ્લોકની ટીકા પણ થવી જ જોઈએ. આંબેડકરે કરેલા વિદ્રોહમાં આક્રોશની અપેક્ષાએ સમાનતાની સ્વસ્થ ઝંખના પણ જોઈ શકાય છે એ પણ અભ્યાસીઓએ યાદ રાખવાનું રહેશે. તેમણે મહાડ સંમેલનમાં જે કહેલું તે ક્રીસ્તોફ જાફ્રલો આ રીતે નોંધે છે-“ सबसे पहले मैं हमारा विरोध कर रहे लोगों को बता देना चाहता हूँ कि इस चवदार तालाब का पानी न पीने से हम मर जाने वाले नहीं हैं। औरों की तरह हम भी मनुष्य हैं, हम तो बस यह साबित करने के लिए तालाब तक जाना चाहते हैं । यह सम्मेलन इस भूमि पर समानता के युग का सूत्रपात करने के लिए बुलाया गया है। अस्पृश्यता के उन्मूलन और अन्तर्जातीय भोज से ही हमारी सारी समस्याएँ ख़त्म नहीं होंगी। न्यायालय, सेना, पुलिस और वाणिज्य जैसे तमाम सरकारी महकमों को हमारे लिए खोला जाना चाहिए। हमें हिन्दू समाज को जातिवाद के उन्मूलन और समानता के दो सिद्धान्तों पर फिर से खड़ा करना होगा।” મૂછ રાખી નહીં શકાય, લગ્નમાં ઘોડા પર બેસી નહીં શકાય, પ્રેમલગ્ન કરી નહીં શકાય, અમુક જગ્યાએ ચપ્પલ પહેરી કે સાઈકલ-વાહન ચલાવી નહીં જઈ શકાય એ તો આજના ભારતમાં પણ બનતી ઘટનાઓ છે, જે પ્રિન્ટ મીડિયા અને સોશ્યલ મીડિયામાં જોઈ શકાય છે. આવા સ્પષ્ટ વિરોધમાં થતાં ભેદભાવ અપમાન અત્યાચાર કે જે જોઈ શકાય છે એની સમાંતરે જ જે અદૃશ્ય છે, જોઈ શકાતા નથી તેવા ભેદભાવ અને અપમાનનો તો પાર નથી. ખાસ કરીને બૌદ્ધિક ક્ષેત્રમાં તેજોદ્વેષને કારણે આવું કરવામાં આવતું હોય છે. બંધારણ જે છૂટ અને સ્વતંત્રતા આપે છે એ મુજબ પોતાનું જીવન જીવતા અને કાર્ય કરતા વ્યક્તિને છૂપી રીતે હેરાન કરવાનું આ કાયર પગલું પણ શોષણની સાબિતી છે. આવા ભેદભાવો અને શોષણ માત્ર વ્યક્તિ અનુભવી શકે, સાબિત નહીં કરી શકે અને સામે પક્ષે શોષણ કરનારો પોતાની ફરજના રૂપાળા નામ હેઠળ પોતાની માનસિક ગંદકીને છૂપાવી લેતો હોય છે. કાયદા કાનુનને તોડી-મરોડીને અપમાન અત્યાચારનું શસ્ત્ર બનાવીને પણ શોષણ કરવાનું અમુક કક્ષાના કાવતરાબાજોને ફાવતું હોય છે. ભારતીય દલિતસાહિત્યમાં આવા શોષણનું વર્ણન પણ ઉપલબ્ધ બને છે. એટલે કે આજના ૨૧મી સદીના ભારતમાં શોષણ તેના અવનવા સ્વરૂપે બદલાતું રહ્યું છે. આવા સમયમાં દલિતસાહિત્ય અંગેનું ચિંતન અને મંથન એ માનવીય ગૌરવના સંદર્ભમાં મહત્ત્વની પ્રવૃત્તિ ગણાવી જોઈએ. કારણકે મોટાભાગની શોષણની ઘટનાઓ માનવીયસંહાર સુધી પહોંચતી હોય છે. એ સંહાર જેટલો બાહ્ય તેટલો જ આંતરિક પણ હોઈ શકે છે. ધાર્મિક ગ્રંથોમાં જે કંઈ લખાયું તેના લીધે દલિતવર્ગ સાથે જે ભેદભાવ થયાં તેની સામે દલિતસાહિત્ય આક્રોશભેર વિરોધ નોંધાવે છે. દલિતસાહિત્યમાં કર્ણ, શમ્બુક, એકલવ્ય જેવા પાત્રો માનવીય ગરિમાને પુનઃસ્થાપિત કરવાના પ્રયત્નો કરતા મહત્વનાં પાત્રો છે. આંબેડકર, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે જેવા સામાજિક કાર્યકર્તા-વિચારકોએ આપેલી કેડી રાજમાર્ગ બની રહી જેના પર દલિતસાહિત્ય ગતિશીલ બની ધપતું રહ્યું. સાહિર લુધિયાનવીએ કહેલું કે ‘तू हिन्दू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा પણ આ માનવીય વલણના અભાવનું વાતાવરણ નામશેષ થતું નથી એટલે ભારતમાં દલિતસાહિત્ય તેની પ્રસ્તુતતા બાબતે અણનમ રહ્યું છે અને રહેશે. દિલ્હીની મોતીલાલ નેહરુ કૉલેજના અધ્યાપક ડૉ. રાજેશકુમાર લખે છે, “There is no denying the fact that the Hindu social system is a historically specific social construct; a discursive formation based upon the Manav Dharma scheme of Manu who is the chief architect of the Hindu society, and the theory that the caste Hindus, particularly Brahmans, have all the privileges and the Shudra (Dalits) do not have even the rights of a human being. Nothing can show the shamelessness and absurdity of this Manav Dharma better than turning it upside down. The whole discourse of Manusmriti which was essentially based on a divine theory, on analysis, reveals a bias that privileges certain epistemes while deprivileging certain others.” એટલે કે કોને અધિકારથી વંચિત રાખવું અને કોને વિશેષાધિકાર આપવું એ બાબતે મનુસ્મૃતિમાં જે ભેદભાવ છે, એ સીધી રીતે જ દલિતોને માણસ ગણવાના ઇન્કાર તરફનો ઈશારો છે. દલિતસાહિત્ય આ મનુસ્મૃતિના અમાનવીય નિયમોને વખોડે છે અને ભારતીય બંધારણને સંપૂર્ણપણે સ્થાપિત કરવાની ભલામણ કરે છે. માનવધર્મ તેના ખરા અર્થમાં ત્યારે જ દેદીપ્યમાન થાય જયારે તમામ મનુષ્યો માટે એકસરખા ધારાધોરણો હોય, અને એ સવલત તો માત્ર બંધારણ જ આપી શકે તેમ છે. બ્રાહ્મણ-અન્યને મળતા વિશેષ અધિકારો અને શુદ્રને મળતી અસ્પૃશ્યતાના પરિણામે દલિતસાહિત્યનું અસ્તિત્વ આકાર પામ્યું છે.
દલિત સાહિત્યના વૈશ્વિક સંદર્ભ ઉપર એક નજર નાખીએ તો નિગ્રો-આફ્રિકન સાહિત્યનો પરિચય મળી રહે છે. આફ્રિકન-અમેરિકન સાહિત્ય કે જેને ‘બ્લેક લિટરેચર’ તરીકે ઓળખવામાં આવે છે તેમાં પણ આ દલિત જેવા સંદર્ભ જોઈ શકાય છે. હસુ યાજ્ઞિક દલિત સાહિત્યના વૈશ્વિક સંદર્ભ નિમિત્તે યહુદી અને નિગ્રો સાહિત્યની ચર્ચા કરતી વખતે લખે છે, “નિગ્રો અને યહૂદીઓને તો પોતાના મૂળ વતનમાંથી, પોતાના જે દેશ અને સ્થાનીય સમાજથી વિખૂટા પડવું પડયું, એ સ્થિતિ ભારતીય દલિતની નથી. એમને રહેવાનું તો બન્યું પોતાના જ દેશમાં ને પોતાના જ સમાજમાં છતાં તેમને જે યાતના અવહેલના-અન્યાય-ત્રાસ મળ્યાં, હજુ પણ થતાં અટક્યાં નથી! આ સ્થિતિ વિશેષ કરુણ છે, સામાજિક શરમપ્રદ અભિશાપ છે. આવી જ વ્યક્તિરૂપ સંવેદના જાતિગત સંવેદના મટીને સામાજિક માનવીય સંવેદના બનીને પ્રગટે છે ત્યારે જ એ સાહિત્ય બને છે. ઘૃણા-અન્યાય-તિરસ્કાર સામે વિદ્રોહ હોય, અવાજ હોય, એમાં આક્રોશ હોય પરંતુ તે માનવીય સંવેદનાને ઢંઢોળતો, સ્પર્શતો. આવું છે ત્યાં દલિત સાહિત્યમાં ઉત્તમ અને સીમાચિહ્ન બને એવી કૃતિઓ નીપજી છે.” ૧૭મી સદીમાં ૧૬૮૮માં આફ્રા બૅન નામની સ્ત્રીલેખિકા ‘ઓરુનોકો-Oroonoko’ અથવા ‘રોયલ સ્લેવ-Royal Slave’ નામની નવલકથા આપે છે જેમાં આફ્રિકન રાજકુમારની વાત છે. પ્રેમની સાથે ગુલામી અને વિદ્રોહની રજૂઆત આ છે. આફ્રિકન રાજકુમાર પરાક્રમી હોવા છતાં પોતાને મુક્ત કરવાના પ્રયાસમાં મૃત્યુ પામે છે. એ કૃતિ પણ ઉલ્લેખનીય છે.
ભારતમાં ૧૧મી સદીના મદારા ચેનૈય્યા અને દોહરા કકેય્યા જેવા કવિઓની માહિતી મળી રહે છે. મરાઠીના ચોખા મેલા કે કરમામેલા જેવા નામોનો પણ ઉલ્લેખ છે. ભારતમાં બસ્વા-બસન્ના, કબીર, રૈદાસ, ઈ.વી. રામાસ્વામી પેરિયાર, રાજારામ મોહનરાય, નારાયણ ગુરુ, જ્યોતિબા ફૂલે, સાને ગુરુ, આંબેડકર, ગાંધીજી, ઈયોથી થાસ, સહોદરન અય્યાપન, અય્યાનકાલી, પોયકાયીલ અપાચન, નામદેવ ઢસાળ, મુલ્કરાજ આનંદ, શરણકુમાર લીંબાલે, ઓમપ્રકાશ વાલ્મીકિ, લક્ષ્મણ ગાયકવાડ, બામા, ઉર્મિલા પવાર, બેબી કાંબલે જેવા નામો મહત્ત્વના ગણાવી શકાય. આ તમામમાં ડૉ. આંબેડકર સૌથી વિશેષ વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા છે. મુલ્કરાજ આનંદની ‘અનટચેબલ’ અને હીરા ડોમની ‘અછૂત કી શિકાયત’ નવલકથા પણ મહત્ત્વની છે. મહારાષ્ટ્રમાં ચાલેલ ‘દલિત પેન્થર’ની ચળવળ એ સમગ્ર ભારતીય દલિતસાહિત્યના સંદર્ભમાં અગત્યની ચળવળ તરીકે ખ્યાત છે. દમન, પાશવી સામાજિક વૈષમ્ય અને અસમાનતાની આંધી સામે ડૉ. આંબેડકરે બૌદ્ધિક રીતે ‘જાતિના વિનાશ’ની જે વાત કરી છે તેને આપણા સાંપ્રત વિચારક અને સર્જક અરુંધતિ રોય ‘एक था डॉक्टर एक था संत’ પુસ્તકમાં આ રીતે મૂલવે છે, “जाति का विनाश लगभग अस्सी वर्ष पुराना भाषण है। एक ऐसा भाषण, जो कभी दिया न जा सका। जब मैंने इसे पहली बार पढ़ा तो लगा, मानो कोई व्यक्ति किसी घुप अँधेरे कमरे में जाए, और फिर खिड़कियाँ खोल दे। जो कुछ भी भारतवासियों को स्कूल में पढ़ाया जाता है और जो असली वास्तविकता हम हर रोज़ अपने जीवन में देखते और भुगतते हैं, उसमें एक खाई है और डॉ. भीमराव रामजी आंबेडकर का अध्ययन उस खाई के बीच एक पुल का काम करता है।” આ દેશમાં દલિત સાહિત્યના પ્રાદુર્ભાવ માટે પણ ડૉ. આંબેડકરના જાતિ વિશેના તાર્કિક વિચારો જ કારણભૂત રહ્યા છે. પંજાબમાં ગુરુદાસરામ ‘આલમ’, સંતરામ ઉદાસી, લાલસિંહ ‘દિલ’, ચરણદાસ ‘નિધડક’, મોહનસિંહ લોહિયા જેવા કવિઓ અને મનમોહન બાબા, સૃજાનસિંહ, પ્રેમગોરખી, અતરજીત, કૃપાલ, ભૂરાસિંહ કલેર, મુખતિયારસિંહ, લાલસિંહ, નછત્તર, ગુરૂદયાલસિંહ જેવાં કથાસર્જકો નોંધપાત્ર છે. તેલુગુ સાહિત્યમાં જાષુવા પણ જૂનો પણ નોંધનીય સર્જક ગણાય છે. તેલુગુ ભાષાના બીજા સર્જકોમાં સૂર્યવંશી, ખાજા, સ્કે બાબા, કોયી કોટેશ્વર રાવ, બાજી, સ્વરૂપા રાની જેવા મહત્વના સર્જકો જાણીતાં છે.
ગુજરાતમાં સર્જાયેલ દલિતસાહિત્ય સંદર્ભે પરિબળો, વગેરેની ચર્ચા આ પુસ્તકમાંના ‘ગુજરાતી દલિત કવિતા’ નામના લેખમાં છે. આંબેડકરના પગલે સામાજિક ન્યાય માટેના નાના મોટા વિદ્રોહ, ૧૯૮૧ કે ૧૯૮૫નું અનામત વિરોધી આંદોલન એ મુખ્ય પરિબળો બની રહ્યાં. ગરીબી બેકારી મોંઘવારી એ પણ દલિત જીવન સાથે જોડાય છે. પ્રિયકાંત મણિયારની ‘એ લોકો’ કવિતા કૉલેજના બીજા વર્ષમાં ભણવામાં આવેલી ત્યારે ઓક્ટોબર ૨૦૦૧માં નવસારીના ‘રાહબર’ નામના છાપામાં આ કવિતા વિશે મેં નાનકડો લેખ લખ્યો હતો, એ મારો કોઈ કૃતિ વિશે લખાયેલો સૌથી પહેલો લેખ હતો. જેમાં લખ્યું હતું કે, “સમાજનો એક એવો વર્ગ જે ઊંચા દરજ્જાનો છે, વેપારી છે, તે નીચલા વર્ગનું શોષણ કરે છે. તે વાતને પ્રતિપાદિત કરવા કવિ અહીં કહે છે કે આવા લોકો પહેલા તો કાપડના તાકા ભરી રાખે છે, કોઈને આપતા નથી પરંતુ કાપડના અભાવે જયારે માણસ ફાટી જાય અર્થાત મૃત્યુની નજીક પહોંચી જાય ત્યારે થોડા-થોડા કાપડની વહેંચણી કરે છે. ગરીબવર્ગને જાણે કે ભીખ આપતો હોય તેવું આ ઊંચા દરજ્જાના વર્ગનું વર્તન છે. પૈસાદાર વર્ગની પાસે ધન-ધાન્યની ખોટ નથી, પણ તેઓ તો ધાન્યના કોથળા ભરીને સીવી રાખે છે. કોઈને આપતા નથી, અને જયારે માણસ અન્ન વિના ભૂખે મરે છે, લોકોના મૃત્યુ થાય, માણસ સડી જાય ત્યારે દયાના પ્રતિકરૂપે તેઓ કિલો-કિલો અન્નની વહેચણી કરે છે અને પોતાની જાતને ધન્ય માને છે. આ વેદનાને નીચે મુજબ વ્યક્ત કરી શકાય-
ગરીબ કાજે સદા સંતાયો, સ્વાર્થમાં સદા ખોવાયો
ગાંધીજીની વાત છોડીને, ટ્રસ્ટીશીપ સિદ્ધાંતમાંથી ભૂલાયો.”
પ્રિયકાંત મણિયાર આ કવિતામાં અંતમાં નોટોને ખાઈને ઉછરતી ઉધઈ માટે ઝેરી દવા બનવાની ભાવના વ્યક્ત કરે છે, એટલે આ કવિતામાં ગરીબી સાથેનો દલિતસંદર્ભ રજૂ થયેલો છે. ગુજરાતી સાહિત્યમાં દલિત કથાસાહિત્ય અને કવિતા ભરપૂર માત્રામાં મળ્યા છે. તમામ સર્જકોની યાદી કરીએ તો એ લાંબી થાય એમ છે. મધ્યકાલીન સર્જકોમાં અખો અને નરસિંહ મહેતા ઉલ્લેખનીય છે. ગાંધીયુગના ઉમાશંકર, સુન્દરમ, મેઘાણી પણ ખરાં. દલિત સમાજમાં જન્મેલા અને સ્વાનુભૂતિ જેમની મોંઘેરી મૂડી છે એવા જૉસેફ મેકવાનથી લઈને અન્ય સર્જકોની સાથે જ કેટલાક બિનદલિત સર્જકોની કૃતિએ પણ ધ્યાન ખેંચ્યું છે, જેમ કે નાઝીર મનસુરીની દરિયાઈ પરિવેશમાં દલિત સંવેદનને રજૂ કરતી ‘ઝરખ’ વાર્તાને સમગ્ર ગુજરાતી દલિત વાર્તાઓમાં અત્યંત મહત્વપૂર્ણ વાર્તા ગણાવી શકાય, કારણ કે, એ વાર્તા ક્ળાકીય ધોરણ જાળવતી એવી કૃતિ બની છે જેમાં દલિતસંવેદન પ્રગટ થાય છે. ‘આંગળિયાત’ અને ‘વ્યથાનાં વીતક’ જેવી દલિતજીવનની મહત્ત્વપૂર્ણ કૃતિ આપનારા જૉસેફ મેકવાન માટે નીરવ પટેલ કહે છે, “હરેક જમાનાને એનો જોસેફદાદો મળે.” એ જૉસેફ મેકવાનની મહત્તા દર્શાવે છે. બિનદલિત હોવા છતાં જેને ‘સવાયા દલિત’ કહીને ઓળખાવાય છે એવા પ્રવીણ ગઢવી પણ નોંધપાત્ર સર્જક બની રહે છે. દલપત ચૌહાણ, મોહન પરમાર, ધરમાભાઈ શ્રીમાળી, દશરથ પરમાર, હરીશ મંગલમ જેવા વાર્તાકારો ઉલ્લેખનીય છે. કેટલીક વાર ભેદભાવ અંગે એવું પણ સાંભળવામાં આવે છે કે ‘હવે તો એવું બધું અટક્યું છે.’ પણ એ અર્ધસત્ય છે. અને દલિત હોવાને લીધે હજારો વર્ષોથી જે વેઠાયેલું છે એની અભિવ્યક્તિ અટકાવવા માટે તો કોઈ એ દલીલ કામમાં આવે એમ નથી. વળી, આજના સમયમાં પણ સ્થિતિ વખાણવા જેવી તો નથી જ. નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ ખાતે યોજાયેલ ‘નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ’માં બેંગ્લોરની આશા થડાણીએ ખેંચેલી શોષિતવર્ગની ‘બ્રોકન’ શીર્ષક હેઠળ રજૂ કરાયેલી તસવીરો નિમિત્તે શિશિર રામાવત ૨૫ જાન્યુઆરી, ૨૦૨૫ના ગુજરાત સમાચારની પોતાની કોલમ ‘વાત-વિચાર’માં ‘દલિત અને દમિત: ભારતનો એક ચહેરો આ પણ છે…’ એવા શીર્ષકથી જે લખે છે તે જુઓ,
“દેશભરમાં વસતી દલિત, શોષિત, હાંસિયામાં ધકેલાઈ ગયેલી જાતિઓનાં જીવનનાં સત્યો, તથ્યો અને કારૂણ્યોને એમણે અદભુત રીતે પોતાના કેમેરામાં કેપ્ચર કર્યાં છે. એક સારી તસવીર એક હજાર વાક્યોને સમતુલ્ય છે એવું શા માટે કહેવાય છે તે આશા થડાણીની તસવીરો જોઈને નવેસરથી સમજાય. આ જોગિણી સમાજ તેલંગણામાં વસે છે. જોગિણીઓને સેક્સ-સ્લેવ બનાવી દેવામાં આવે છે અને તે પણ ભગવાનના નામે, ધર્મના નામે. આપણા સમાજમાં પ્રવર્તતા હળાહળ દંભની તેઓ પ્રતીક છે. આ દૈવી જોગિણીઓને એમની ‘સર્વિસ’ બદલ થોડા ચોખા કે ઘઉં, તો ક્યારેક સાડી આપી દેવામાં આવે, બસ. જોગિણીઓનાં સંતાનોને ખબર હોતી નથી કે એમનો બાપ કોણ છે. કેટલીય તરૂણ કે યુવાન જોગિણીઓને ફોસલાવીને કે બળજબરીથી ઉઠાવી જઈને શહેરોના વૈશ્યાવિસ્તારોમાં વેચી નાખવામાં આવી છે. જોગિણી ઘરડી થાય એટલે એનું કોઈ રણીધણી નહીં. એણે ભીખ માગીને પેટનો ખાડો પૂરવાનો. ૧૯૮૮થી સરકારે જોગિણી પ્રથા પર પ્રતિબંધ મૂકી દીધો છે, પણ તેલંગણામાં છાને ખૂણે તે હજુય પ્રવર્તમાન છે.xxx આ તસવીરો જોઈને ફરી ફરીને એ જ સવાલ મનમાં સળવળીને બેઠો થઈ જાય છે: દેશની જીડીપી વધતી જશે, પણ જો આપણા દલિત ભાઈબહેનોની યંત્રણા ઘટશે નહીં તો આપણો વિકાસ એકાંગી અને કદરૂપો રહી જશે..”
આશા થડાણીએ ખેંચેલી તસવીરોમાં તેલંગણાના જોગિણી સમાજ ઉપરાંત, છત્તીસગઢના રામનામી સમાજ, બિહારના દુસાધ અને મુસાહાર જાતિ, બનારસની મલ્લાહ, બેંગ્લોરની હોલેયા અને ઝારખંડની ખાણોમાં કામ કરતા દલિતોની વેદના કેમેરામાં કેદ થયેલી છે. એ જ રીતે ભારતભરની ભાષાઓમાં દલિતોની વ્યથા શબ્દબદ્ધ થઈ છે. હજારો વર્ષના શોષણનો આલેખ અલગ અલગ સાહિત્યના સ્વરૂપમાં પ્રગટ થતો રહ્યો છે પણ દલિત આત્મકથામાં એ વેઠાયેલા જીવનનો વેઢાર વાચકને હચમચાવી મૂકે એવી કક્ષાનો જોઈ શકાય છે. કારણ કે, The life of a person written by himself એવા આ સાહિત્યપ્રકારને મહત્ત્વના મનોવૈજ્ઞાનિક દસ્તાવેજ તરીકે પણ ગણવામાં આવે છે. અન્ય સર્જકો માટે આ સાહિત્યપ્રકાર વિકટ ગણાતો હશે પણ દલિત સર્જકો માટે તો આત્મનિવેદનરૂપે પોતાની સંઘર્ષગાથા રજૂ કરવાનું સબળ માધ્યમ બની રહે છે. એમ પણ દર્દનાક સ્વાનુભૂતિને લીધે મુખ્યધારાના સાહિત્યની તુલનાએ દલિત સાહિત્યને મજબૂત કહી શકાય એમ છે જ. તેમાં પણ આત્મકથામાં રજૂ થતું સર્જકનું self declaration અને self justificationનું સચ્ચાઈભરેલું રૂપ એ સમગ્ર સાહિત્યજગતમાં એક અલગ જ અંતર્નાદ બની રહે છે. આત્મકથા સંદર્ભે દિલ્હીની મોતીલાલ નેહરુ કૉલેજના અધ્યાપક ડૉ. રાજેશ કુમાર કહે છે તે નોંધનીય છે, “Dalit autobiographies are meant to be understood as a representative life story, where the ‘ordinary’ or ‘representative’ Dalit individual uses his narrative to raise his voice for those who are silenced by caste oppression. Yet, although Dalit autobiographies certainly invoke multiple subjectivities where the individual ‘I’ is linked to the communal ‘We’, the relationship between the two is neither direct nor unproblematic. Since all individuals hold multiple identities (class, caste, gender, occupation, location, religion etc.), no one individual can represent the wide variety of identities held by every member of the community he claims to represent. In fact, while discussing the ‘representative’ nature of the subject in Dalit autobiographies, it becomes important to look closely at instances in which the subject ‘I’ has differently been representing the ‘we’, either of another Dalit individual or the Dalit community. Both critics as well as Dalit writers themselves describe Dalit autobiographies as “narratives of pain”. It is pain which strings one narrative event to the next, and it is pain that binds individual Dalits together into an ‘imagined community’ of fellow sufferers. Finally, it has given Dalit writers a way of uniting with a larger. ‘Dalit community’ to create a powerful group which can be used to fight against caste discrimination.”
દલિત આત્મકથાની વિશેષતા એ છે કે ‘હું’ દ્વારા ‘અમારી’ એટલે કે દલિતવર્ગની વેદનાની વાત હોય છે. દલિત આત્મકથામાં સમદુઃખિયા લોકોને એક તાંતણે બાંધવાનું-રજૂ કરવાનું કામ થતું જોઈ શકાય છે. આત્મકથાકાર પોતાના દુઃખી જીવનના ચિત્રને રજૂ કરતી વખતે પ્રામાણિકપણે જીવન અને સમયના સ્તરો મૂકીને સમાજના બેહૂદાપણાને નિર્ભીકતાથી દર્શાવે છે. એ એની અનન્ય વિશેષતા ગણાવી શકાય. બાહ્ય જગતમાં હડધૂત થયેલ વ્યક્તિ આંતરજગતમાં શું વેઠતો હશે અને કેવો વલોવાતો હશે એ કલ્પના બહારની વાત છે અને આત્મકથા એ આંતર વ્યક્તિત્વનું પ્રગટીકરણ હોવાને લીધે દલિત સર્જકની વાચાળતા માટે પોતાનું આકાશ બની રહે છે. એટલે જ તો એક વ્યક્તિએ લખી હોવા છતાં તે માત્ર એક વ્યક્તિની નહીં પણ સમૂળગા વંચિત-શોષિતવર્ગની કરમકહાની બનતી હોય છે, એવી કહાની જેના તમામ કીરદારો રાતે આકાશના ચમકતા તારા જેવા સાચુકલાં છે. ડૉ. ભગવાનદાસની હિન્દી ભાષામાં ૧૯૭૬માં પ્રગટ થયેલી ‘મૈ ભંગી હું’ને દલિત સાહિત્યની પ્રથમ આત્મકથા ગણવામાં આવી છે. ઉપરાંત, લક્ષ્મણ ગાયકવાડની ‘ઉચલ્યા’, શરણકુમાર લીંબાલેની ‘અક્કરમાશી’, ઓમપ્રકાશ વાલ્મીકિની ‘જુઠન’, લક્ષ્મણ માનેની ‘ઉપરા’, દયા પવારની ‘બલુત’, નરેન્દ્ર જાધવની ‘આમચા બાપ આન આમી-અમારો બાપ અને અમે’, કૌશલ્યા બેસત્રીની ‘દોહરા અભિશાપ’, મોહનદાસ નૈમિશરાયની ‘અપને-અપને પિંજરે’; ગુજરાતીમાં ડાહ્યાભાઈ દિનબંધુની ‘જીવનસંઘર્ષ’, બી. કેશરશિવમની ‘પૂર્ણસત્ય’, પી.કે. વાલેરાની ‘થોરનું ફૂલ’ જેવી આત્મકથાઓ આના ઉદાહરણો છે.
સાંપ્રત સમયમાં અસ્પૃશ્યતા સામેના વિદ્રોહી વલણની સાથે જ વિચારવા જેવી એક બાબત એ પણ છે કે આજના સંદર્ભમાં જયારે દલિત અને શોષિતની વાત આવે ત્યારે એ વ્યક્તિ કોઇપણ જાતિ-ધર્મની હોય પણ જો એને દબાવવામાં આવે, શોષણ કરવામાં આવે તો એ દલિત છે એ માનવું પડશે. એટલે ‘દલિત’ એ વર્ગવાચક સંજ્ઞાને ‘ગુણવાચક’ સંજ્ઞાના રૂપમાં પણ જોવું પડશે. એ અર્થમાં સ્ત્રી સાથે જે રીતે અન્યાય થાય છે એ જોતા તો એ કોઇપણ વર્ગ-સમાજની સ્ત્રી હોય પણ એ દલિત છે એ સ્વીકારવું જ રહ્યું. જ્યાં માનવીય આત્મસમ્માન હણાતું હોય, માનવીય ગૌરવનું ધોવાણ થતું હોય એ સ્થિતિમાં કોઇપણ વર્ગ-જાતિ-ધર્મના વ્યક્તિ માટે દલિતસાહિત્ય સમસંવેદન બની રહેશે એ બાબતમાં કોઈ શંકા નથી. દલિત સાહિત્યને વૈશ્વિક ફલક ઉપર હમદર્દીના સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે એ હરગિજ ભુલાવું જોઈએ નહીં. આજના યુગમાં નાના નાના સ્વાર્થ માટે થઈને માણસ સાવ નીચલા સ્તરે પહોચી જતો થયો છે ત્યારે દલિતવર્ગમાં ન જન્મેલા સાથે પણ ભયાનક અન્યાયના કિસ્સા જોઈ શકાય. વળી, આજે પક્ષાપક્ષીની સાંઠગાંઠ અને સત્તાબાજીને કારણે કોઈ દલિતવર્ગનો પ્રતિનિધિ હક્ક-અધિકારની રજૂઆત કરતો હોય ત્યારે તેનાં જ વર્ગનાં અન્ય પ્રતિનિધિઓ સહકાર આપતા નથી કે હરફ સુધ્ધા ઉચ્ચારતા નથી એવા રાજકીય વાતવરણમાં આપણે શ્વસી રહ્યાં છીએ. કેટલીકવાર તો દલિત દ્વારા જ સવર્ણનું અને અન્ય દલિતનું ઈરાદાપૂર્વક શોષણ કરવામાં આવતું હોય એવા કિસ્સા પણ જગજાહેર છે. ભરત મહેતાએ કહ્યું છે તેમ ‘સવર્ણ ન હોવું એ દલિતોનો ગુનો પણ સવર્ણો જેવા થવું એ તો એથીય મોટો ગુનો’ એ સમજવા માટેની ખાનદાની ખુમારી તો કહેવાતા કેટલાક સર્જકોમાં ય નહીં જોવા મળે. એટલે દલિત સાહિત્યને સમજવાની મથામણ ઉપરછલ્લી નહીં ચાલશે. હવેના આ યુગના શોષણના પ્રશ્નમાં વામણાં સંદર્ભોને આંબી જઇને આ સાહિત્યને એક ઊંચાઈએ સમજવાની તાતી જરૂર છે. માણસ એ સૌથી પહેલા માણસ તો હોવો જ જોઈએ, દલિત અને લલિત તો એ પછીનો તબક્કો છે. માણસ તરીકેની ખાનદાની, ખુમારી, ઈમાનદારી, સ્વાભિમાન અને આત્મસમ્માન જેવી પાયાની બાબતો માણસમાત્રમાં હોવી ઘટે. અને જો એ નથી તો ‘હું તો ફલાણો કે ઢીકણો’ જેવી ઓળખ આપવાની કોઈ જરૂર રહેતી નથી. વૈચારિક રીતે નિમ્ન સ્તરના પોલા અને બોદા લોકો ‘દલિત’ સંજ્ઞા અને સાહિત્યનો ઉલ્લેખ કોઈક સ્વાર્થ સાધવા ખાતર કરે છે ત્યારે એ ‘દલિત’ સંજ્ઞા અને સાહિત્યની આબરૂ જાય છે એવું મારું માનવું છે. ‘દલિત’ સંજ્ઞા અને સાહિત્યનો ગંભીરતાથી અભ્યાસ કરનારો તો જુસ્સાભેર સંઘર્ષ કરશે, કોઈની જીહજુરી કે કાલાવાલા કે કાવાદાવા તો બિલકુલ નહીં કરે. એટલે મારે મન તો ‘દલિત’ હોવું એ એક પડકારજનક સ્થિતિ છે અને આ પડકારના પડ્યા બોલને ઝીલીને ઝઝૂમવાનું વલણ કાચાપોચા, ગભરું, લાલચું અને ચાપલુસ લોકોને નહીં જ ફાવે. સંઘર્ષથી ઘડાયેલો વ્યક્તિ બધાથી અલગ જ તરી આવવાનો. તેના આગવા સિદ્ધાંતો હોવાના. ‘દલિત’નો એક અર્થ ‘વેદનાઓના કારણે હૃદયના ટુકડા થાય છે, પરંતુ નાશ નથી પામતું – તે દલિત.’ એ જોતા જેણે સંઘર્ષ કર્યો છે અને સફળતા મેળવી છે એવા વ્યક્તિત્વને લીધે આ ‘દલિત’ સંજ્ઞા અને સાહિત્યનું માન વધે છે. ‘દલિતસાહિત્ય’ ભલે વેદનાનું નિરૂપણ કરતું હોય પણ એ નિરૂપણ થકી ભલભલા સંઘર્ષના-શોષણના વિરુદ્ધના મેદાનમાં ટકી રહેવાનો જ દિશાનિર્દેશ આપે છે એવું હું માનું છું. દલિત સાહિત્યનો આશિક-અભ્યાસી ઉત્તમ નાગરિક હશે. જો એ બેઈમાન નાગરિક છે તો એની ‘દલિતસાહિત્ય’ પ્રત્યેની આશિકી એક ચાલાકી છે, ફ્રોડ છે. જે કોઈ માણસાઈથી મહેકે છે અને એની મહેકતી માણસાઈને રગદોળી નાખવાની દબાવી દેવાની, તેને હેરાન કરવાની દુષ્પ્રવૃત્તિ કરવામાં આવે તો શોષણનો ભોગ બનેલો કોઈપણ વ્યક્તિ એ દલિત વ્યક્તિ છે. સર્જકે અને ભાવકે આ બાબતે પોતાનું મનોવિશ્વ, વિચારવિશ્વ વિસ્તારવું પડશે. દલિત સાહિત્ય પરત્વેની મમતને માત્ર નોકરી, બઢતી, એવોર્ડ, પદ-પ્રતિષ્ઠા, સત્તા કે બીજા લોભલાલચ માટેનું પરિબળ બનતું અટકાવવું પડશે, પણ આ બધું આપણા માંહ્યલા ઉપર આધિન છે. એટલે જ કેટલીકવાર દલિત સમાજમાં ન જન્મેલા કેટલાક માંહ્યલાથી હર્યાભર્યા સર્જકોએ પણ દલિત સાહિત્યની ઉત્તમ કૃતિ સર્જી હોય એવું આપણે જોતા આવ્યા છીએ. પીડા પ્રત્યે પ્રેમ અને કરુણા જ ઉભરાવી જોઈએ પછી એ પીડા કોની છે કે કોણે વ્યક્ત કરી છે એ ગૌણ બાબત બની રહે એટલું તો સમજાવું જ જોઈએ. ક્યાંક વાંચ્યું હતું તે – ‘कोई जाति खराब नहीं होती, लेकिन कुछ खराब लोग हर जाति में होते है’ વાક્યની ગહનતા સમજવાની તાતી જરૂર છે. માનવીય સંબંધો નિમિત્તે આપણને અધમ અને ઉત્તમ એમ બેવ પ્રકારના અનુભવો થતાં જ હોય છે, એમાં બની શકે કે સાવ તકલાદી અને વૈચારિક રીતે ભ્રષ્ટ વ્યક્તિ દલિત વર્ગનું પણ હોઈ શકે અને માણસાઈને મહેકાવતું જાજરમાન પાત્ર સવર્ણ વર્ગનું પણ હોઈ શકે. આ વાસ્તવને સ્વીકારવા માટે કંચન અને ક્રાંતિકારી જેવું કલેજું અપેક્ષિત હોય છે. માનવતા અને લાગણી હોય ત્યાં બીજું કશું અડચણરૂપ બનતું નથી એ તો સ્વાનુભવે પણ કહી શકું છું. કારણ કે, એક તરફ પોતાને દલિત કહેવડાવતા લોકોને નાના નાના સ્વાર્થમાં લોપાયમાન-ભ્રષ્ટ થતાં અને ગભરાતા જોયા છે, તો બીજી તરફ જ્ઞાતિવાદથી છલકાતા શહેરમાં પણ પોતાના દરબાર, પટેલ કે બ્રાહ્મણ હોવાના લેશમાત્ર અહંકાર વિનાના મારા કેટલાક મિત્રો મારી સાથે એક થાળીમાં જમ્યા હોય એવા યાદગાર દિવસો પણ જોયેલા છે, આજેય એમની સાથેના લાગણીસભર સંબંધો અકબંધ રહ્યાં છે. ટૂંકમાં, જ્યાં ઈર્ષ્યા અને અહમ નથી ત્યાં માનવતા છે અને જ્યાં માનવતા છે ત્યાં પ્રેમ છે. હું આમ તો આસ્તિક નથી છતાં ઈશ્વરનો ઉલ્લેખ જેમાં છે તે આનંદ બક્ષીના ગીતની ‘नीचे इश्क है ऊपर रब है, इन दोनों के बीच में सब है’ પંક્તિ ખૂબ ગમે છે. એટલે માત્ર દલિત હોવાને લીધે જ સામેની તમામ જ્ઞાતિને આક્રોશથી જોવાની બિલકુલ જરૂર નથી. અને દલિત સાહિત્યના સંદર્ભે આવી મોટી માનસિકતા-વિચારધારા રાખવાથી વર્ણભેદને આધારે એક ચોક્કસ વર્ગ સાથે થતાં અત્યાચાર શોષણ પ્રત્યેનો આપણો અભિગમ ઘટવાનો કે નાશ નથી પામવાનો, પણ માનવીય નિષ્ઠાને લીધે ઉલટાનો એ અભિગમ મજબૂત બનશે અને વૈચારિક કૂપમંડૂકતા દૂર થશે. જ્યાં માનવીય મૂલ્યો હણાય ત્યાં સંવેદનાએ સાહેદી પુરાવવી જ જોઈએ, હણનાર કોઈપણ જ્ઞાતિનો હોય તો પણ! અને જ્યાં માનવીય મૂલ્યો જળવાય ત્યાં તો બમણા સૂરે સહી કરવી જ જોઈએ, જાળવનાર કોઈપણ જ્ઞાતિનો હોય તો પણ! આ ૨૧મી સદીમાં માણસ સમૂળગો જ બદલાઈ રહ્યો છે, તકલાદી થઈ રહ્યો છે તેવા સમયમાં જ્ઞાતિને ગૌણ રાખીને વ્યક્તિના વર્તન-તરાહને ઈમાનદારીથી ધ્યાનમાં લેવાના-સ્વીકારવાના વલણને હું કેન્દ્રમાં રાખવાની જીકર કરું છું. માનવીય મૂલ્યોના જતનની જીકર એ તો દલિતસાહિત્યની પ્રાથમિક લાક્ષણિકતા છે. આપણે પ્રાથમિક શાળામાં રોજ બોલતા એ પ્રતિજ્ઞાપત્ર મોટા થતાં ભૂલી જઈએ છીએ તેમ નાગરિકશાસ્ત્રમાં ભણીને આવેલા સારા નાગરિકના લક્ષણો પણ ભૂલી જઈએ છીએ. મારા મતે દલિતસાહિત્ય એ માનવીય મૂલ્યોને ટકાવવાની મથામણ કરતું નક્કર નાગરિકશાસ્ત્ર છે, જે એને લખનારા અને વાંચનારા સૌને લાગુ પડે છે. અને એમાંથી છટકબારી શોધવાના કોઈપણ લુલા બચાવને સ્થાન નથી. ડૉ. આંબેડકરે આપેલી વિચારધારા અને અનેક ક્ષેત્રે કરેલું પ્રદાન માત્ર દલિતવર્ગ પૂરતું જ નથી પણ સમગ્ર ભારતીયો માટે છે. બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરે જે ભય વ્યક્ત કરેલો તેની સાંપ્રત સમયની પ્રસ્તુતતાના સંદર્ભમાં ભવેન કચ્છી આજે આ ૭૬માં પ્રજાસત્તાક દિન નિમિત્તે જે લખે છે તે વાસ્તવને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. જુઓ,
“ડૉ.. બાબાસાહેબ આંબેડકરનું નામ પડતાં જ “બંધારણના ઘડવૈયા’ તેવો ગોખેલ શબ્દ આવી જ જાય. પણ પ્રજાસત્તાક દિન એટલે તેમના પ્રદાનની નીપજ સમાન બંધારણ અને પ્રજાસત્તાક એટલે શું, તેમાં સમાવિષ્ટ બાબતો, દૃષ્ટિની જાણકારી અંગે દેશના નાગરિકો ખાસ જાગ્રત નથી. આપણને પાયાના હક્કો આપીને રાજકીય પક્ષો મત માગે છે. નાગરિકોને મૂળભૂત હક્કો પ્રાપ્ત થાય તો પણ જાણે ઉપકાર કર્યો હોય તેમ જશ લેવાતો હોય છે. ખરેખર તો બંધારણ અન્વયે આ હક્કો તો નાગરિકને મળવા જ જોઈએ. સરકાર કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળા, કોલેજો, હોસ્પિટલની ગુણવત્તા પશ્ચિમના દેશોની જેમ તમામ આર્થિક વર્ગના નાગરિકો તેની સેવા લઈ શકે તેવી માનવગૌરવને શોભે તેવી આપણા દેશમાં છે ખરી? જાહેર સાહસો અને સેવાઓ પણ અમાનવીય રીતે ઈરાદાપૂર્વક ખાડે લઈ જવાઈ છે, જેથી કોર્પોરેટ જાયન્ટ્સ અને ખાનગી કંપનીઓ તમામ સ્તરે ધંધો કરી શકે. બંધારણ અંતર્ગત આપણી ફરજો પણ છે. આપણા દેશમાં પશ્ચિમના દેશો જેવી સિસ્ટમ નથી. તેનું કારણ જ નાગરિકોને આત્મગૌરવ જળવાય તેવા હક્કો કે ફરજોની સભાનતા નથી તે છે. નાગરિકોના હક્કનું કડક અમલીકરણ પણ નથી થતું કેમ કે ભ્રષ્ટાચાર થકી કે શ્રીમંતો અને રાજકારણીઓની વગથી જ નોકરી, ધંધા અને તમામ કામો આસાનીથી શક્ય બને છે. સામાન્ય નાગરિકોને તો હાલાકી અને જાકારો કે હડધૂત વર્તુણકનો જ સામનો કરવો પડે છે. એકંદરે એમ કહી શકાય કે નાગરિકોનું આત્મસન્માન જળવાતું નથી અને એજન્ટ કે કટકીપ્રથા હજુ નાબૂદ નથી થઈ. પ્રત્યેક ચૂંટણીમાં અપાતા વચનો અને ઢંઢેરા તો આપણા મૂળભૂત અધિકારો છે. xxx ૨૬ જાન્યુઆરી એટલે પરંપરાગત પરેડ કે વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ ભાષણ જ નહીં. નેતાઓ દ્વારા સંવિધાન જેટલું મહત્ત્વ નાગરિકો માટે કેળવાય તે પણ અતિ આવશ્યક છે. નાગરિકો વચ્ચે પણ પરસ્પર સમદૃષ્ટિ, સંવેદના અને સન્માનની ભાવના પ્રવર્તે તો જ એક આદર્શ દેશ નિર્માણ પામી શકશે. જોગાનુજોગ બંધારણના ૭૫ વર્ષ પણ આ સાથે પૂર્ણ થાય છે. અને આ જ અરસાની ચુંટણીઓ દરમ્યાન બંધારણ ખુદ ચુનાવી મુદ્દો બન્યું હતું.” એટલે નાગરિક તરીકે દમન, અપમાન અને અસમાનતાનો વિરોધ કરવામાં અને હક્ક-અધિકાર બાબતે જાગ્રત રહેવામાં જ સમજદારી છે. દલિતસાહિત્ય વર્ષોથી આ જ સંદેશ આપે છે.
આ પુસ્તકમાં ‘ગુજરાતી દલિત કવિતા’ નામનો લેખ છે, એ તો ૨૦૦૫માં અભ્યાસના ભાગરૂપે જ લખાયેલો હતો. એ લેખ સાથેની સ્મૃતિ હજુય અકબંધ છે. ઓછા સમયમાં આ નવા ‘લઘુપ્રબંધ’ના પેપરનું કામ કરવામાં ઘણી મુશ્કેલીઓ હતી પણ એ પૂરું કરવાની મથામણયાત્રા એકંદરે યાદગાર બની રહેલી. આ લઘુપ્રબંધ નિમિત્તે મેં ‘ગુજરાતી દલિત કવિતા’ જેવા વિષયની પસંદગી કરી સંશોધનાર્થે ગ્રંથાલયોની મુલાકાત લઈને પુસ્તકો-સામયિકોની શોધખોળ આદરેલી. ‘શબ્દસૃષ્ટિ’નો ૨૦૦૩નો ‘દલિતસાહિત્ય વિશેષાંક’ ખૂબ જ અગત્યનો બની રહેલો. એ લઘુપ્રબંધ લખાયાના વીસ વર્ષ બાદ આ પુસ્તકમાં લેખરૂપે પ્રગટ થઈ રહ્યો છે એ ખરેખર આનંદની વાત છે. કારણ કે, મને દલિત સાહિત્યના અભ્યાસ તરફ દોરી જવા માટે આ લઘુપ્રબંધની ભૂમિકા રહી છે. અન્ય લેખોની વાત કરું તો જયારે કોઈ કૃતિ વાંચવામાં આવી હોય તો એના વિશે તુરંત કંઇક લખાયું હોય પછી ઉમેરણની આશા સાથે એ પડ્યું રહે અને ફરી સમય મળતા એ એના પરનું કામ ચાલુ થાય, પછી એ કોઈક સામયિકમાં પ્રકાશનાર્થે મોકલાયું અને છપાયું હોય, અથવા વધુ ઉમેરણ માટે પડ્યું જ રહે, એ રીતે આ લેખો લખાયા છે. ‘ભારતરત્ન ડૉ. આંબેડકર’ લેખ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. અમદાવાદ દ્વારા યોજાયેલ કોન્ફરન્સ માટે લખાયેલો લેખ છે. ભારતીય દલિત સર્જક તરીકે ઓમપ્રકાશ વાલ્મીકિ નોંધનીય નામ છે અને તેમની વાર્તાઓમાં દર્શાવાયેલા ગ્રામીણ કક્ષાના કે ઉચ્ચશિક્ષણની કક્ષાના જાતિગત ભેદભાવ વિશે લખવાનું ગમ્યું છે. ‘ગુજરાતી દલિત કવિતા’ નિમિત્તે હું હરજીવન દાફડાની કવિતામાંથી પસાર થયેલો ત્યારે વિચારેલું નહીં કે એમના જ ગામમાં અધ્યાપક તરીકે નોકરીએ જવાનું થશે અને એમની સાથે મૈત્રી થશે. સર્જકો સાથેની મારી મૈત્રીની યાદી એક આંગળીના વેઢે ગણાઈને પૂરી થઈ જાય એટલી નાની છે, એમાં હરજીવન દાફડા સાથેની મૈત્રીને સ્થાન છે. કવિ તરીકે એમની નોખી છાપ તો અભ્યાસકાળથી જ હતી એટલે અહીં એમની કવિતા વિશે લખવાનું ગમ્યું છે. નોકરીના આંટાફેરા દરમિયાન સચિવાલયમાં એકવાર પાંચ-દશ મિનીટ માટે ચંદુભાઈ મહેરિયા સાથે મુલાકાત થયેલી તે હજુ યાદ છે. તેમની સામાજિક નિસબત માટે તો મનમાં ઊંડો આદર છે. અહીં એમની કવિતા વિશે લખવામાં એ આદર પણ કારણભૂત છે. ચંદ્રાબેન શ્રીમાળીને એક-બે વાર રૂબરૂ મળવાનું થયેલું. દલિત સર્જકોમાં સ્ત્રીસ્વરના ખાનામાં તેઓ ઉલ્લેખનીય છે, એટલે જે તે વખતે એમની કવિતા, વાર્તા વિશે લખાયેલું. ભી.ન. વણકરની ‘વિલોપન’ પંદરેક વર્ષ પહેલા વાંચેલી ત્યારથી મનમાં હતી. આજે પણ આ વાર્તા પ્રસ્તુત બની રહેતી હોવાથી અહીં એના વિશેનો લેખ છે. ભીખુ વેગડાની કવિતામાં રજૂ થયેલ માનવીય મૂંઝારો તેમજ બબલદાસ ચાવડાની કવિતામાં રજૂ થયેલ ગીતા અને મનુસ્મૃતિ સામેનો પડકાર વિશેષ લાગ્યા છે. નીરવ પટેલની ‘હું ન ડોશી’, ‘ફૂલવાડો’ અને ‘કાળિયો’ કવિતામાં દલિતસંવેદનની અભિવ્યક્તિની તરાહ નોંધપાત્ર બને છે. સંજય ચૌહાણની વાર્તા ‘વારો’ તેના કેન્દ્રીય વિષયને લીધે ગમી ગયેલી અને લીસ્ટમાં સામેલ થયેલી. જસિંતા કેરકટ્ટા સાંપ્રત સમયમાં જંગલ, જમીન અને હક્ક-અધિકાર માટે મુખર થઈને લખનારી યુવાસર્જક તરીકે ખ્યાત હોવાથી એની નોંધ પણ લીધી છે. ૨૦૧૦ના મારા પ્રથમ પુસ્તકમાં મેં દલિતસાહિત્યની વાત કરી હતી. પંદર વર્ષ બાદ ફરીથી આ ક્ષણે દલિતસાહિત્ય વિશેના લેખોનું આ પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે એ વાતનો આનંદ છે.
* માર્ચના અંતમાં પ્રગટ થનાર ‘આંબેડકરપ્રભાવી સાહિત્યવિમર્શ’ નામક પુસ્તકમાંના પ્રાસ્તાવિક લેખના અંશો.
સંદર્ભ-
૧. લક્ષ્મણ ગાયકવાડની આત્મકથા ઉચલ્યા
૨. ક્રીસ્તોફ જાફ્રલોકૃત ‘ भीमराव आम्बेडकर एक जीवनी ’ અનુ. યોગેન્દ્ર દત્ત
૩. દિલ્હીની મોતીલાલ નેહરુ કૉલેજના અધ્યાપક ડૉ. રાજેશકુમારનું ‘Dalit Autobiography’ વિશેનું પેપર
૪. ડૉ. નાથાલાલ ગોહિલ સંપાદિત ‘દલિત સાહિત્યના લેખાં જોખાં’નો હસુ યાજ્ઞિકનો લેખ
૫. અરુંધતિ રોયકૃત ‘एक था डॉक्टर एक था संत’
૬. ૨૫/૧૦/૨૦૦૧નુ નવસારીથી પ્રગટ થતું ‘રાહબર’ સમાચારપત્ર
૭. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૫ના ‘ગુજરાત સમાચાર’ની શિશિર રામાવતની કોલમ ‘વાત-વિચાર’
૮. ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૫ના ‘ગુજરાત સમાચાર’ની ભવેન કચ્છીની કોલમ ‘હોરાઈઝન’
ડૉ. મનોજ માહ્યાવંશી, મદદનીશ પ્રાધ્યાપક, ગુજરાતી વિભાગ, ડૉ. એપીજે અબ્દુલ કલામ સરકારી કૉલેજ, સિલવાસા-દાદરા અને નગરહવેલી ૩૯૬૨૩૦.ઈમેઈલ-mahyavanshimanoj@yahoo.co.in
Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 6 issue 2 March – April 2025
