અરુણ કોલટકર ગુજરાતીમાં

ડૉ. મનોજ માહ્યાવંશી

             મરાઠી અને અંગ્રેજીમાં કવિતા ક્ષેત્રે સામાજિક-સાહિત્યિક કટિબદ્ધતાની બાબતમાં સમગ્ર ભારતીય કવિઓમાં જેમનું નામ મહત્વનું છે એવા અરુણ કોલટકરનું (૦૧/૧૧/૧૯૩૨થી ૨૫/૦૯/૨૦૦૪) નામ સૌપ્રથમવાર નાઝીર મનસુરી સાહેબના વર્ગમાં સાંભળેલું ત્યારથી અરુણ કોલટકર પ્રત્યેનું માન અકબંધ રહ્યું છે. નાઝીર સાહેબના વર્ગની એ જ ખૂબી કે એમના તાસમાં ગુજરાતીની સાથે જ મરાઠી, હિંદી, તમિલ, મલયાલમ, ઉર્દુ, પંજાબી, બંગાળી જેવા અને  ગ્રીસ, અમેરિકન, રશિયા, ફ્રાંસ, જર્મની, હંગેરી, સ્પેનીશ, આઈરીશ, આફ્રિકા વગેરેના સાહિત્ય-સર્જકની તેમજ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન,નૃવંશશાસ્ત્ર, સિનેમેટોગ્રાફી વગેરેના સાહિત્ય સાથેના સંદર્ભોની દુનિયાભરની વાતો અભ્યાસક્રમના સંદર્ભે થાય અને તાસના અંતે એ જ નવસારીની ગાર્ડા કોલેજના એક વર્ગમાં આ દુનિયાભરના સર્જક-સાહિત્ય-વિષયો વચ્ચે વિદ્યાર્થી મંથનમાં મૂકાઈ જાય. અન્ય ભારતીય ભાષાઓના અને વિશ્વના સાહિત્યની તુલનાએ ગુજરાતી સાહિત્યનું સ્તર અને તેમાય જે તે સમયમાં સર્જાતા સાહિત્ય અંગે વિચારવા વિદ્યાર્થી મજબૂર બની જાય એ રીતનું ભાથું એ વર્ગોમાંથી સાંપડતું અને પછી શરુ થાય મારા જેવા વિદ્યાર્થીઓની  ગ્રંથાલયમાંનીએ તાસના સંદર્ભો-નામોવાળા પુસ્તકોની શોધખોળ. એ રીતે જ એક વર્ગમાં મને અરુણ કોલટકર સાંપડી ગયેલા. જીવનભર માત્ર લેખનમાં જ ગંભીર રહી પ્રકાશન અને પ્રસિદ્ધિથી ઈરાદાપૂર્વક દૂર રહી તેમણે સર્જક તરીકેની સ્વકીય પ્રતિભા જાળવી રાખેલી અને જયારે ખબર પડી કે હવે કેન્સરને કારણે મોત નજીક છે ત્યારે પોતાના અનુભૂતિવિશ્વને શક્ય એટલી ઝડપે શબ્દોમાં સમાવવાનું શરુ કર્યું અને એ મોત આવ્યું ત્યાં સુધી ચાલુ રાખ્યું. જીવનભર ટી.વી કે છાપાવાળા લોકોને ઈન્ટરવ્યું આપવા બાબતે પણ ઉદાસીન રહેતા, પોતે એવું કંઈ માનતા કે ‘હું જે કહેવાનો છું એ એલોકો સમજી શકવાના નથી. તો શા માટે કહેવાનું? મારે જે કહેવાનું છે એના માટે લેખન સિવાય કોઈ શ્રેષ્ઠ બાબત જ નથી.’ આવી વિગતો નાઝીર સાહેબના વર્ગમાંથી જ મળેલી એટલે અરુણ કોલટકર વિશે ત્યારે ઇન્ટરનેટની આજે છે તેવી સુવિધા વિનાના જમાનામાં ગ્રંથાલયમાં ખૂબ શોધખોળ કરેલી પણ ખાસ કઈ મળેલું નહી. આવા ભારતીય સર્જક અરુણ કોલટકરની કવિતાઓને અનુવાદક હેમાંગ દેસાઈએ ગુજરાતીમાં અનુવાદિત કરી છે એ ખરેખર ગુજરાતી સાહિત્યજગતમાં નોંધનીય ઘટના ગણાવી જોઈએ.. ૧ ‘કાલા ઘોડા કાવ્યો’ અને ૨ ‘સર્પ સત્ર’ આ બે પુસ્તકોમાં અનુવાદકે અરુણ કોલટકરની કવિતાઓ ગુજરાતીમાં મૂકી આપી છે. અહીં કવિતાઓની સાથે જ ‘કાલા ઘોડા કાવ્યો’. પુસ્તકમાં ૮૭ પૃષ્ઠોમાં પથરાયેલો લાંબો પ્રાસ્તાવિક લેખ મળે છે તેમજ ‘સર્પ સત્ર’માં પરિશિષ્ટમાં ૨૧ પૃષ્ઠોનો લેખ મળે છે જે અરુણ કોલટકરની સમગ્ર સર્જકપ્રતિભા અને સમસામાયિક સાહિત્યિક-સામાજિક પરિસ્થિતિઓનો તાગ મેળવવામાં અને અરુણ કોલટકરની કૃતિઓને પામવામાં ખાસ્સી એવી મદદરૂપ બાબત બની રહે છે. લેખના અંતે નોંધ અને સંદર્ભસૂચિ જોતા આ પ્રાસ્તાવિક લેખ માટેની નિષ્ઠાનો અંદાજ આવે છે. અનુવાદનું સૌથી ગમતું પાસું મને એ લાગે છે કે કોઇપણ પ્રાદેશિક કે રાષ્ટ્રીય ભાષાના સર્જનની પ્રતિભાને તે બીજી ભાષાના વાચક-ભાવકવર્ગ સુધી પહોચાડે છે. ક્યારેક તો એક પ્રાદેશિક ભાષાનું સર્જન આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પહોચી નામના મેળવતું હોય છે. અનુવાદકે જે તે સર્જક અને સર્જનના વિવિધ પરિબળોને પણ સમજીને પછી અનુવાદ કરવાનો હોય કારણ કે સર્જનની સાથે જ તેના ખગોળ-ભૂગોળ,પ્રતીકાત્મક અને રૂપકાત્મક સંદર્ભો સંકળાયેલા હોય છે અને એ બધું જે તે લક્ષ્ય ભાષામાં પણ બને ત્યાં સુધી એ જ સ્તરે આવવું જોઈએ એ મથામણ કોઇપણ ખરો અનુવાદક કરવાનો જ. મૂળ ભાષામાં વર્ણવાયેલ સાહિત્યિક સંદર્ભોને વ્યવસ્થિત રીતે સર્જકના સ્તરે સમજીને પછી એને જે તે લક્ષ્ય ભાષામાં મૂકી આપવું એ પણ કંઈ જેવીતેવી વાત નથી. અહીં હેમાંગ દેસાઈએ અરુણ કોલટકરને ખૂબ જ સારી રીતે ગુજરાતીમાં ઉતારી આપ્યા છે. ભારતીય સર્જક એવા અરુણ કોલટકરના જીવન અને સર્જનને સમજવા માટે ગુજરાતીમાં આના જેવા બીજા કોઈ પુસ્તકો મારા ધ્યાનમાં નથી.

               કાલા ઘોડા કાવ્યોના ૮૭ પાનાના પ્રાસ્તાવિક લેખનું મૂળ શીર્ષક છે ‘પચરંગી બોમ્બે માટે એક પોલીફોનિક પ્રેમગીત.” ‘પોલીફોનિક’ એટલે સંગીતમાં એકસાથે અનેક સૂર નીકળે તે. Capable Of Producing  More than one note at a time. એ જ દીર્ઘ લેખમાં ‘મોર્ડનિઝ્મ, મોર્ડનિટી, મોર્ડનાઈઝેશન અને મુંબઈ?’, ‘મોર્ડનિઝ્મ, દ્વિભાષી  સર્જન અને કોલટકર’, ‘કોસ્મોપોલિટનિઝ્મ, બોમ્બે અને કોલટકર’, ‘સંક્રમણ, પરિમાર્જન અને કોલટકરની કવિતાનું રાજકારણ’ જેવા ઉપશીર્ષકો હેઠળ અનુવાદકે અભ્યાસ રજૂ કર્યો છે જેમાં અરુણ કોલટકરના સર્જન સંદર્ભે વિગતે ચર્ચા થઈ છે. .  હેમાંગ દેસાઈ અરુણ કોલટકરના પ્રકાશન સંબંધિત પાસાંને સ્પષ્ટ કરતા લખે છે- “ ૧૯૭૮માં એમના કાવ્યસંગ્રહ જેઝુરી માટે કોલટકરને પ્રતિષ્ઠિત’ કોમનવેલ્થ પોએટ્રી પ્રાઈઝ’ એનાયત થયું ત્યાર બાદ ધ ઇન્ડિયન લિટરરી રીવ્યુને આપેલા એક ઇન્ટરવ્યુંમાં કોલટકરજણાવે છે કે તેમને પ્રકાશન કે પ્રકાશકોની પરવા નથી અને એ કારણે જેઝુરીએ પ્રકાશન માટે વીસ વર્ષ રાહ જોવી પડી છે અને જો ‘ક્લીયરીંગ હાઉસે’ જેઝુરીનું પ્રકાશન ન કર્યું હોત તો પોતે આરામથી બીજા દસ કે વીસ વર્ષ રાહ જોવા તૈયાર હતા.”૧(કાલા ઘોડા કાવ્યો, પૃ.૬) અરુણ કોલટકરની કલાકીય ગંભીરતાને ચર્ચતા માત્ર લખવા ખાતર લખનારા અને ખ્યાતિપ્રિય એવા લેખકડાઓ માન-સન્માન માટે કેટલી હદે ભ્રષ્ટ થઈ જાય એ બાબત નોંધતા અનુવાદક લખે છે તે અત્યંત મહત્વની બાબત છે -“એ હકીકત માટે અફસોસ વ્યક્ત કરવાનો છે કે આજના વૈશ્વિકીકરણ અને ડિજિટલ ક્રાંતિના યુગમાં સર્જક બનવા માટે સર્જક કહેવડાવવું અનિવાર્ય થઈ ગયું છે. તમે સર્જક ત્યારે જ કહેવાઓ જયારે તમારી કૃતિ તમે પ્રકાશિત કરો(શક્ય હોય તો પ્રિન્ટમાં), પછી તેનું માર્કેટીંગ કરો(સોશિયલ મીડિયામાં, લિટરરી ફેસ્ટીવલમાં, અનાવરણ સમારંભોમાં,મેગેઝિન, ન્યુઝપેપર અને લિટરરી પોર્ટલ્સમાં આપેલા સ્પોન્સર્ડ રીવ્યુ/ઇન્ટરવ્યુમાં વગેરે) પછી કોઈ ચંદ્રક,પારિતોષિક,ઈનામ સમ્માન,એવોર્ડ,રીવોર્ડ વગેરે માટે થાય તેટલું લોબીંગ કરો, મૂલ્યો નેવે મૂકો, વિચારધારાને ખુલ્લેઆમ વેચો, શબ્દની અપેક્ષા હોય ત્યાં મૌન બનો અને મૌનની અપેક્ષા હોય ત્યાં શબ્દ બનો અને છેલ્લે કંઈ ન બચે ત્યારે કલ્ચર ઇન્ડસ્ટ્રીના વિશાળ સ્મશાનમાં એનું દફન કરી એક નવી ભાવના, વિભાવના અને વિચારની ખોજ આરંભો. કૃતિઓનું માસ પ્રોડક્શન કરતા સર્જકો”કહેવાતા સર્જકો”ની શ્રેણીમાં બેસતા સર્જકો છે.”(એજન) xxx “કોલટકરનો બીજો કાવ્યસંગ્રહ કાલા ઘોડા પોએમ્સ લગભગ ૨૬ વર્ષના અંતરાલ પછી ૨૦૦૪માં પ્રકાશિત થયેલો, કોલટકર મરણપથારીએ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે. અહીં મૂળભૂત પ્રશ્ન થવો જોઈએ- જો કે આજકાલ બહુ ઓછા લોકોને થતો હોય છે –કે કોઈ કોલટકર કે અરુંધતી શા માટે અને કેવી રીતે એક પુસ્તકના પ્રકાશન માટે વીસ-વીસ, પચ્ચીસ-પચ્ચીસ વર્ષની રાહ  જોઈ શકતા હોય છે. કોલટકરના વિષયમાં તો એમના મૃત્યુ બાદ ધીમે ધીમે  ચોંકાવનારી હકીકતો બહાર આવી રહી છે. પ્રકાશનની ચિંતા કે ભાંજગડમાં પડ્યા વિના કોલટકર આખી જિંદગી અવિરત સર્જન કરતા રહ્યા છે જે હવે એમના નિકટવર્તી મિત્રો (અરવિંદ કૃષ્ણ મેહરોત્રા, અશોક શહાણે, આદિલ જુસ્સાવાલા વિ.) સંપાદિત-પ્રકાશિત કરી રહ્યા છે. આજના પરિવેશમાં તો લોકો મરતાં પહેલાં કંઈ કેટલા એવોર્ડ લઈ લઈએ અને કેટલા પૈસા બનાવી લઈએ, કેટલી વિદેશયાત્રાઓ ખેડી લઈએ અને મર્યા પછી પણ મારા પોઠીયાઓ મારી ગાદી પર બિરાજમાન થઇ મારી મરણોત્તર કીર્તિ કેવી રીતે ચોદિશ ફેલાવે વગેરેમાંથી જ ઊંચાં નથી આવતા. પાછા આવા કહેવાતા સર્જકો એમના સાહિત્યમાં  ભલે ખુમારીની,સામાજિક સમાનતાની, અન્યાય અને જુલમ સામે લડવાની બડી બડી ડીંગો હાંકે પરંતુ લાભનું ગાજર જોતાં જ એમના હાથમાંથી લાકડી છૂટી જતી હોય છે. આવા સમયે પોલિટિકલી કરેક્ટ ભાષા લવતા કપટી સર્જકો લોટી આવતા હોય છે દિલ્લીથી દોલતાબાદ અને દોલતાબાદથી…ખેર છોડો.”(એજન, પૃ. ૮,૯)

                 સર્જક તરીકેના કર્તુત્વને જ સમર્પિત એવા અરુણ કોલટકર સાહિત્યિક દુનિયામાં ચાલતી છીછરી પ્રવૃતિમાં કદી પ્રવૃત ન બન્યા કે પછી વિવાદોમાં પોતાના અભિપ્રાયો આપી ચર્ચાના વર્તુળમાં પણ ન પ્રવેશ્યા એ સંદર્ભે અનુવાદકનું આ કથન જુઓ -“ એવું તો કયું તત્વ છે એમની કલામાં કે પછી એમના સર્જક ચરિત્રમાં કે જેના થકી આ લેખકો કલ્ચર ઇન્ડસ્ટ્રીની લોભામણી ચમકતી દુનિયાનો આટલો અડીખમ, આટલો સફળ પ્રતિરોધ કરી શક્યા છે. એ તત્વ છે કળા પ્રત્યેની એમની અખંડ,અવિભક્ત પ્રતિબદ્ધતા. પ્રકાશકથી દૂર ભાગવાનું એક કારણ, કોલટકરના પોતાના જ શબ્દોમાં કહીએ તો, એ હતું કે “તેઓ (કાવ્ય)વસ્તુ સાથે ઘણા લાંબા સમય સુધી રહેતા.”(૧૯૭૮,પૃ.૧૦) બીજા શબ્દોમાં, કોલટકર એમની કૃતિઓ પર લગાતાર કામ કરતા રહેતા. વારેવારે કૃતિને મઠારવી, નવા નવા ઢાંચામાં એને ઢાળી જોવી, અલગ અલગ ભાષા, રૂપ અને દ્રષ્ટિકોણ અજમાવી જોવા ઇત્યાદિ કવિની સર્જનપ્રક્રિયાના અનિવાર્ય અંગ હતા.”(એજન, પૃ. ૧૦) xxx “ મહારાષ્ટ્ર રાજ્યના નિર્માણ પછી બોમ્બે એક યા બીજા કારણોસર હિંસા,તોફાન, અને અંધાધુંધીનું કેન્દ્ર રહ્યું છે, એ પછી દલિત પેન્થારે ઓળખના રાજકારણની બુનિયાદ પર છેડેલું જોરદાર અભિયાન હોય કે પછી શિવસેનાએ દક્ષીણ ભારતીયોને બોમ્બેમાંથી ખદેડી મૂકવા આરંભેલી મુહીમ-જેણે પાછળથી ભાષાવાદ અને પ્રાંતવાદના વિકરાળ રાક્ષસનું રૂપ લીધું- બાબરી મસ્જિદના ધ્વંશ પછી બોમ્બેમાં ફાટી નીકળેલા મુસ્લિમ વિરોધી રમખાણો હોય કે પછી મહારાષ્ટ્રમાં રૂઢમતવાદી, સંકુચિત માનસિકતા અને હિંદુ રાષ્ટ્વાદી પરિબળોનું દ્રધીકાર્ણ હોય કે પછી સાહિત્યના માર્યાદિત ક્ષેત્રમાં ભાલચન્દ્ર નેમાડેએ ઉઠાવેલો અંગ્રેજી વિરોધ દેશીવાદ હોય. કોલટકર ક્યારેય આવા એકેય મુદ્દા પર જાહેરમાં પ્રતિક્રિયા આપી નથી.”(એજન, પૃ. ૧૪,૧૫) અનુવાદકે અરુણ કોલટકરની પ્રકાશન સંબંધિત ઉદાસીનતા માટેનું બીજું કારણ નોંધતા લખ્યું છે એ સમગ્ર ક્ષેત્રમાં હાવી થઈ ગયેલા ગંદા-ગોબરા રાજકારણની સ્થિતિને દર્શાવે છે અને આજના સમયમાં પણ એટલું જ પ્રસ્તુત છે.-“ કોલટકરની પ્રકાશન સંબંધી ઉદાસીનતાનું એક બીજું અને અત્યંત મહત્વનું પાસું છે સાંપ્રત સમાજમાં પ્રવર્તમાન અસહિષ્ણુતા અને સેન્સરશીપનું વાતાવરણ. જેઝુરીના પ્રકાશન બાદ ફૂટી નીકળેલા પ્રતિનિધિત્વના વિવાદો અને દુભાયેલી ધાર્મિક લાગણીઓને કારણે દાઝી ગયેલા કવિએ પોતાની રચનાઓનું પ્રકાશન અભરાઈએ ચડાવી દીધું હોય એવું બને. એ ડરથી કે વિવાદોમાં સપડાવાને કારણે થતી ચિંતા, કોર્ટ કેસ અને અન્ય પ્રકારની આખલાઉધામીને કારણે આખરે નુકશાન તો સાહિત્યસર્જનને થતું હોય છે. એથી કવિએ પોતાનું સર્જનકાર્ય અવિરત ચાલુ રાખ્યું આખરી શ્વાસ સુધી અને પ્રકાશનની જવાબદારી મિત્રો અને ભવિષ્યના ભાવકો, સંશોધકો કે કવિઓ પર છોડતા ગયા.”( એજન, પૃ. ૧૫,૧૬) ‘મોર્ડનિઝ્મ, મોર્ડનિટી, મોર્ડનાઈઝેશન અને મુંબઈ?’ ઉપશીર્ષકમાં અનુવાદક લખે છે-“ વ્યવહારિક દ્રષ્ટીએ જોતાં મોર્ડનિઝ્મ, મોર્ડનિટી, મોર્ડનાઈઝેશન અને (મુંબઈ?)/બોમ્બે એ ચારેય સાવ સરળ અને નિર્વિવાદ સંજ્ઞાઓ લાગે. મોર્ડનિટી એટલે સમાજલક્ષી અને બૌદ્ધિક પ્રોજેક્ટ, મોર્ડનાઈઝેશન એટલે એ પ્રોજેક્ટના હેતુ સિદ્ધ કરવાનાં સાધનો, મોર્ડનિઝ્મ એટલે પશ્ચિમમાં કલા અને સાહિત્યના ક્ષેત્રમાં ચાલેલી એક ચળવળ અને “આમચી મુંબઈ” એટલે બીજું શું વળી મુંબઈ, મુમ્બાઈ અને, એમ ગમતું હોય તો એમ, બોમ્બે. પરંતુ ભારતીય સંદર્ભમાં આ ચારેય, અતિ સંકુલ અને વિવાદિત સંકલ્પનાઓ છે. મરાઠી અને અંગ્રેજી બંનેમાં કોલટકરનું આખું કવન આ ચારેય વિભાવનાઓના સૂક્ષ્મ અને પ્રવાહી રૂપ, અર્થ, અંતરાલ અને અવકાશ દર્શાવવાનો એક ભગીરથ યજ્ઞ છે, એક સંનિષ્ઠ પ્રયત્ન છે અને આ યજ્ઞમાંથી જ કવિનું ઉગ્ર, આમૂલ પરિવર્તનવાદી રાજકારણ અને સૌન્દર્યશાસ્ત્ર જન્મ લે છે.”( એજન, પૃ. ૧૭)

              ‘મોર્ડનિઝ્મ, દ્વિભાષી  સર્જન અને કોલટકર’ ઉપશીર્ષક હેઠળ અનુવાદકે કોલટકરની અંગ્રેજીમાં લખવાની બાબતને ચર્ચામાં લીધી છે અને પ્રાંતીય ભાષાઓની સામે અંગ્રેજી ભાષામાં થતાં સર્જનને અન્ય સર્જકો કઈ રીતે વખોડે છે એ પણ દર્શાવ્યું છે. કોલટકર આધુનિક કવિ હોવાને નાતે તેમજ અંગ્રેજીમાં આધુનિક શહેરની કુત્સિતતા રજૂ કરતા હોવાને લીધે કઈ રીતે લોકોનો બહિષ્કાર પામ્યા એ બાબતની ચર્ચા અહીં થઇ છે. અનુવાદકે આ ચર્ચા કરતી વખતે એ. કે. રામાનુજનનું આ અવલોકન નોંધ્યું છે.”અંગ્રેજીએ આપણી પરંપરાઓનું વિકૃત નિરૂપણ કર્યું છે પણ એ જ અંગ્રેજીએ આપણને આપણી પરંપરાઓને જોવા સમજવા મજબૂર કર્યા છે. અંગ્રેજી ‘અન્ય’ છે જેના થકી આપણે આપણા ‘સ્વ’ તરફ પાછા વળ્યા છીએ.”(૨૦૦૧:૭૯) રામાનુજનના આ વિધાનમાં સ્વ અને પર, પૂર્વ અને પશ્ચિમ, પોતાનું અને પારકાનું વગેરે વચ્ચેનાં તાત્વિક વિરોધો ધ્વસ્ત થાય છે અને એક સર્વદેશીયતા અને વિશ્વનાગરિકતાની સકારાત્મક વિભાવનાનો પુરસ્કાર થાય છે. (કાલા ઘોડા કાવ્યો, પૃ. ૩૮, ૩૯) “કોસ્મોપોલિટનિઝ્મ, બોમ્બે અને કોલટકર” ઉપશીર્ષકમાં અનુવાદકે અરુણ કોલટકરની કૃતિઓની સાર્વત્રિક પ્રસ્તુતતા દર્શાવી છે. અંગ્રેજી-અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશમાં  કોસ્મોપોલિટનિઝ્મ શબ્દના સંદર્ભનો અર્થ કંઇક આવો છે- “Having People Of Many nationalities-સાર્વલૌકિક,સર્વદેશીય Belonging to the whole world-સાર્વભૌમિક,વૈશ્વિક Universal-સાર્વત્રિક Person Feeling at home Everywhere-સર્વત્રવાસી,વિશ્વવાસી.” (અંગ્રેજી-અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ,પૃ.૧૨૬) કવિના આ સાર્વભૌમિક સર્જન સંબંધે અનુવાદક મહત્વની બાબત નોંધે છે- “ભારતીય ભાષાઓમાં અને સાઠના દશકમાં બોમ્બેમાં આધુનિકવાદની ઉત્પતિ સમજાવવા ક્લિફર્ડની વિભાવના ઉપકારક થઈ પડે છે. ખાસ કરીને પ્રભાદેવીના એક રૂમના એપાર્ટમેન્ટમાં જેમણે આખી જિંદગી કાઢી અને દેશ-વિદેશના પ્રવાસ પણ જેમણે હંમેશા ટાળ્યા એવા કોલટકર ભલે પોતાની સાંસ્કૃતિક-સામાજિક ધરાતલમાં ખોડાયેલા રહ્યા પરંતુ ભૂગર્ભમાં એમના પ્રકાંડ દૂર-સુદૂરથી કાવ્યાત્મક-સાહિત્યિક પોષણ મેળવતા રહ્યાં અને આ રીતે કવિના કોસ્મોપોલિટન મોર્ડનિઝ્મનો આવિષ્કાર થયો.” (કાલા ઘોડા કાવ્યો, પૃ. ૪૭) ‘સંક્રમણ, પરિમાર્જન અને કોલટકરની કવિતાનું રાજકારણ’ ઉપશીર્ષકમાં અનુવાદક નોંધે છે- “કોલટકરની કવિતામાં જો કચરો કલાના અવનવા માપદંડ અને એસ્થેટિકસને પરિભાષિત કરે કરવાનું સાધન બને છે તો બીજી બાજુ કવિ કચરાને સમાજનાં ગરીબ-ગુરબા, નિરાશ્રિત, નિર્વાસિત, દલિત, નગણ્ય, અલ્પસંખ્યકો અને ક્ષુદ્ર લોકોને નિર્દેશિત કરતા એક સટીક રૂપક તરીકે પણ પ્રયોજે છે. એવા લોકો જે ગામ, શહેર કે દેશની (જે આપણું ‘ઘર’ છે) પરિમિતિમાંથી બહાર તગેડાયેલા છે.” (એજન, પૃ.૫૫)

                ઉપર ચર્ચેલા પ્રાસ્તાવિક લેખનું મહત્વ એટલા માટે છે કારણ કે એ સર્જક કોલટકરની વિશેષતા તારવી આપે છે અને એટલે એમની કવિતાઓનો ગુજરાતીમાં અનુવાદ થયો છે એ કવિતાઓને પામવામાં પણ ઉપકારક બની રહે છે. અહીં આપણને ૨૮ કાવ્યો ગુજરાતીમાં મળે છે જેમાં  ‘સાયકલનું જુનું ટાયર’, ‘જૂ’, ‘ચરસની ગોળી’’ ‘તરબૂચ’, ‘કેરોસીન’, ‘લાલબત્તી’ જેવા વિષયોની કવિતા મળે છે. મુંબઈની શહેરની તેમજ ત્યાંના યાંત્રિક જીવનની છબી મળે છે. રાત દિવસ દોડતું રહેતું શહેર જાણે કે  પોતાની વિવિધ મુદ્રા રજૂ કરે છે.’મીરાં’,’કચરાનું ગીત’,’કચરાના પ્રજનનચક્ર પર એક નોંધ’ જેવી કવિતાઓ શહેરના કચરાને કેન્દ્રમાં રાખીને લખાયેલી રચનાઓ છે જેમાં કચરાના નિરૂપણ સાથે મુંબઈ શહેરની અમાનવીય દુર્ગન્ધતા તરફ કવિએ નિર્દેશ કર્યો છે. ‘ડાઘીયો’,’કાગડાને’, ‘કાલા ઘોડા, શિરામણ વેળા’, ‘ઉંદરમારની જમણવેળા’, ‘આંધળાનું ખાટગુમ્ફન’, ‘બટાકા છોલનારા’, ‘હગોપદેશ’ જેવી કવિતાઓ મુંબઈના કાલા ઘોડા નામના સ્થળને વાસ્તવિક રૂપમાં રજૂ કરે છે. કાલા ઘોડા મુંબઈનું એવું સ્થળ કે જેને mumbai’s art district તરીકે ઓળખવામાં આવે છે એ સ્થળના વરવા દ્રશ્યો કવિએ ક્લિક કર્યા છે. કેટલાક ઉદાહરણો જોઈએ-

“લકવાગ્રસ્ત ડોસલો.

એક હાથે વિસ્થાપિત પેંડલ મારે,

તો બીજા હાથે ભોંપુ વગાડે.

જૂની કારમાંથી જુગાડ પાડેલો બાબા આદમનો હોર્ન,

-ગવંડર પર દોરીથી બાંધેલો સ્તનસમો લાલ બોલ-

આપે એના આગમનનો કોલ.” (કાળા ઘોડા, શિરામણ વેળા,પૃ.૧૭૨)

“ઈડલીનાં ટાપુ

આકાશને દુંડ દેખાડી

ચત્તાપાટ તરે.” (પૃ.૧૭૩)

“ કોન્ક્રીટ બ્લોકના ઓશિકા પર

ભીછરા સોનેરી વાળનો ટોપલો ટેકવી

ઘસઘસાટ ઘોરતું આ નવું પંછી કોણ છે?”(પૃ.૧૭૫)

“સર્વનાશ માટેની આંધળી ઘેલછા

-જીવનનો જાણે એક જ મર્મ, મૂષકોનો અંત-

અને સંકુચિત જીવનદર્શન

સારા નરસા વચ્ચે

સસ્તા ઈનેમલ પેઈન્ટ ને જૈવિક શસ્ત્રો વડે

ખેલાતો ખતરનાક ખરાખરીનો જંગ

સામે એક સ્પષ્ટ દ્વિપરિમાણીય દુશ્મન

ને પછી સટીક યોજનાબદ્ધ ઈમ્પલીમેન્ટેશન.” (ઉંદરમારની જમણવેરા, પૃ.૨૦૩)

“ફોર્ટ સેંટ જયોર્જની કાંગરાવાળી દીવાલ-સત્તાવીસ ફૂટ ઊંચી ને એટલી જ પહોળી-

ધસી પડતી મેં જોઈ છે.

આંખની સામે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના

ગુંબજને રાક્ષસી પરપોટાની જેમ

ફૂલતો ને ફાટતો મેં જોયો છે.

ગેસલાઈટના ફાનસની સાથે સાથે

બૂઝાઈ જતી મેં જોઈ છે

ગેસલાઈટરોની આખેઆખી જમાત.

ને હવે આવી છે ચકાચોંદ, મોટીતોંદ

લેડી ઈલેક્ટ્રીસિટી, લૂંટી લેવા

મારી તારલિયાળી પ્રચ્છન્ન રાત.”(ડેવિડ સસુન,પૃ.૨૧૫)

           અનુવાદકે કવિતાઓમાં ગુજરાતી સાથે અંગ્રેજી શબ્દો પણ પ્રયોજ્યા છે જેના દ્વારા આધુનિક શહેરની સ્થિતિનો આકાર સ્પષ્ટ થાય છે તો ‘ડાઘીયો’ જેવી કવિતા ઉત્તર ગુજરાતની બોલીમાં રજૂ થઈ છે જેમાં ડાઘીયો કૂતરો પોતાનો પરિચય શહેરના પરિચય સાથે આપે છે. કાલા ઘોડા કાવ્યોની સફર મુંબઈના ઈતિહાસની સાથે જ માનવીયતાએ બદલેલા રૂપરંગ અને આધુનિક ટેકનોલોજીએ મનુષ્યજીવનમાં ઉભી કરેલી આફતોની સફર બની રહે છે.

          સર્પ સત્ર અરુણ કોલટકરના ‘ભીજકી વહી’ સંગ્રહમાંનું કાવ્ય છે જેમાં મહાભારતના myth પુરાકલ્પનનું પ્રયોજન બદલાની હિંસકતા અને માનવીયતાના મનોમંથનની ભૂમિકાએ થયું છે. તક્ષક નાગ પરીક્ષિતને કરડવાથી પરીક્ષિતનું મૃત્યુ થયેલું, બદલો લેવા પરીક્ષિતના પુત્ર જન્મેજય દ્વારા સર્પયજ્ઞ કરવામાં આવેલો જેમાં બધા નાગોને સળગાવવામાં આવેલા પણ જરત્કારુંએ પોતાનું કુળ બચાવી લીધેલું એ મહાભારતની ખ્યાત કથાનો સહારો અહીં લેવાયો છે. આજના ગંદા રાજકારણને લીધે ભેદભાવ-હિંસાથી ભરેલા સમયમાં ‘બદલો’ વિશેના સમીકરણો ઉપર આ કવિતા ચિંતન કરાવે છે. અનુવાદકની અર્પણવિધિ જુઓ-

“વંશીય, જાતીય, કોમી અને લોભકૃત હિંસાની આગમાં હોમાઈ ગયેલા પ્રત્યેક જીવને અર્પણ”

હિમાંશી શેલતે અભિપ્રાય આપતા લખ્યું છે-“ મનુષ્યત્વને પડકારતી અને જેમના સંવેદનો જીવિત હોય એમને દઝાડતી સર્પ સત્રની રચનાઓ નિમિતે કવિ અરુણ કોલટકરનો પરિચય ગુજરાતી ભાવક પામે એ એક નોંધપાત્ર સાહિત્યિક ઘટના.xxx સર્પ સત્રમાં મહાભારત-કથાનો આધાર તો કેવળ પ્રયુક્તિ. કવિને આલેખવા છે પૃથ્વી પરનો અવિરત હિંસાચાર, સત્તાના બેશરમ અને બેરહમ ખેલ, દંભી અને લાલચુ જમાતની વરવી ભાટાઈ અને અમૃતપુત્ર લેખે ઓળખાતા માણસની વિનાશલીલા.”(સર્પ સત્ર, અભિપ્રાય પૃ.7) દલપત ચૌહાણ લખે છે- “ સર્પ સત્ર પ્રાચીનને આધુનિક સાથે જોડે છે. કવિનો ઉફરો અવાજ મહાભારતમાંથી અંજલિ જળ લઈ આવે છે, આજ અને પુરાણ કાળને જીવન સંદર્ભે જોડે છે. યુગોથી કુરુઓ અને નાગો સામસામે છે. ખાંડવવન બળે છે, પરીક્ષિતને દંશ દેવાય છે અને સર્પયજ્ઞમાં બળતા સર્પમાંસની ગંધ ઊઠે છે. ખાંડવવન બળે કે સર્પ સત્ર, બંનેમાં દુર્બળનો ભોગ લેવાય છે. વાટકી વધેલું વેર વારે વારે વહેંચાય છે.xxx આ કવિતાઓ ગુજરાતી કવિતાને એનો પ્રવાહ બદલવા મજબૂર કરી શકે છે, કદાચ એમ કહેવું વધારે પડતું લાગે, પણ આપણી કવિતાએ ક્યારેય અ તરફ ગતિ કરી નથી.” .”(સર્પ સત્ર, અભિપ્રાય પૃ.9) ગણેશ દેવીએ આ અનુવાદિત સંગ્રહની પ્રસ્તાવના લખી છે. મુખ્યત્વે અહીં  ‘જનમેજય’, ‘ જરાત્કારુનું આસ્તિકને સંબોધન’ અને ‘શાહી સ્નાન’ એમ ત્રણ કાવ્યો છે અને સંગ્રહના અંતે પરિશિષ્ટમાં અનુવાદકે આ અનુવાદ નિમિતે પોતાનો ‘અનુવાદ એટલે શોક્જાશ્રુ’ નામનો ૨૧ પાનાનો લેખ મૂકયો છે જેની શરૂઆત જ  ગુજરાતના ૨૦૦૨ના નરસંહારનો ભોગ બનેલી બિલ્કીસ બાનુના ૨૦૧૭ના આ કથનથી થાય છે-“ આજની તારીખમાં જયારે લોકોના ધર્મ અને સમુદાયના આધારે તેમના પર હુમલો થયો કે હત્યા થઈ એવા સમાચાર પ્રતિદિન સંભળાય છે ત્યારે મારા દેશબંધુ ભારતીયોને મારી એક જ અપીલ છે, કૃપા કરીને દેશના બિનસાંપ્રદાયિક મૂલ્યોમાં એ લોકોના અચળ વિશ્વાસને સમર્થન આપો અને ન્યાય, સમાનતા અને ગૌરવ માટેની લડતને ટેકો આપો.”(સર્પ સત્ર, પૃ.૭૯)

          મહાભારતના એ સર્પયજ્ઞને નિમિતે કોલટકરે વાત કરવી છે પૂર્વેના અને આજના રાજકારણ-જાતિ-ધર્મ-બદલાના વાડામાં વહેંચાઇ અને રહેંસાઈ ગયેલા માણસની. અને કોલટકરની એવા માણસની વાત ગુજરાતીમાં અનુવાદકે આ સંગ્રહમાં મૂકી આપી છે.જુઓ

“સૂત્રોના જણાવ્યા અનુસાર, પિતાજીની હત્યાનો ગુનેગાર

હતો એક કપટી સર્પ.

પ્રપિતામહ સાથે એને જૂની અદાવત.xxx

પણ હવે, પ્રપંચનો થયો છે પર્દાફાશ

ત્યારે, યાદ રાખજો, હે કદ્રુનાં કુટિલ ફરજંદ!

કોઈ નહિ બચે, એકેએક નરક ભેગો થશે.xxx

ટુચ્ચા, એરુઓના બચ્ચાને ખબર પાડી દઈશ.

ગમે ત્યાં છુપાશો, ઊંડું દર કે અંધારું વિવર

જનમેજયથી બચવું મુશ્કિલ, બચીને જીવવું દુષ્કર.” (જનમેજય)

“ પણ હવે હું લઈશ ઇન્તકામ

રુહ કાંપે એવી કરીશ કત્લેઆમ;

હવે ત્રિલોકની સાક્ષીએ થશે સર્વનાશ,xxx

સ્વાભાવિક છે, પે’લા તો તમને થાય

કે માણસ ઇશ્કી છે, મજાક કરે છે.

પણ પછી પેની ડ્રોપ્સ, માય ઓ માય,xxx

યજ્ઞના નામે આખેઆખી નસ્લનો સામુહિક ભોગ.

ભગવાન જાણે એમનું

શું હશે આગામી સંશોધન?

ઝરખના જાયાને યજ્ઞોપવિત સંસ્કાર?

એને શાસ્ત્રોક્ત વિધિ, વેદોનું અનુમોદન?

ઓકે…, ડન.xxx

પરીક્ષિતના કત્લ બાદ

એ મને મળવા, ના, એનાં

શેતાની દિમાગ ને છળકપટની

બડાઈ મારવા આવ્યો.

કે ન્યાય અને નીતિના નામે એણે

કેવો વ્યૂહાત્મક, સટીક હુમલો કર્યો,

-એને એમ કે નાની બેન અંજાઈ જશે,

કાળાં કરતૂત બદલ વધાઈ આપશે,

-વાઉ વાઉ બ્રો કહી બલાઈ લેશે.-

ત્યારે મેં એવો તો ઊતારી પાડેલો એને કે બસ…

મોઢા પર જ ચોપડાવી દીધું, ચોખેચોખું, તરત,

કઠોરદિલને પણ કંપારી છૂટે, એવી છે તારી કેફિયત.xxx

પ્રયાણ કર, આસ્તિક;

મારી દુઆ રહેશે સદૈવ તારી સાથ.

જા, દીકરા,

અમારી આશાપુંજનો પ્રકાશ,

ચીંધશે તારો માર્ગ.

રામ કરી, આ નફરતના ઉત્સવ પર,

પૂર્ણવિરામ મૂકવાનો મારગ,

તને મળી જાય, કોઈ નવલી કેડી જડી જાય,

ને આ હતપ્રભ દુનિયાને હાશકારો થાય.” (જરત્કારુનું આસ્તિકને સંબોધન)

“આવી ત્રાસદીનો અંત આવે, કાળી રાત વીતી જાય,

એટલે ચોરે ને ફળિયે, ઓટલે ને બાકડે,

અવનવા, તરોતાજા મુદ્દા ચર્ચાય.

લોકો નાનીશી ખુશી, નજીવી મજા તરફ વળે-

પતંગ ચગાવે,

જંગલી ફૂલ ભેગાં કરે, પ્રેમ કરે.

ક્રમશઃ બધું થાળે પડે,

જનજીવન સામાન્ય બને.

પણ જોજો, ભોળવાઈ ના જતાંxxx

ક્રમશઃ આવતો હોય અંત,

પણ આગ-પ્રગટાવી છે જે સપ્રયોજન-

ક્યારેય બુઝાતી નથી, નિઃશંક. (શાહી સ્નાન)

            આ પંક્તિઓ કંઈ કેટલીય ગંભીર ગાથાઓનું દર્શન કરાવે છે. નિર્દોષ માણસને એની જાતિ-ધર્મ-ભાષા-રંગને આધારે મળતા હિંસક મોતથી બદતર બીજું શું હોય શકે? અનુવાદકે નોંધ્યું છે- “ વ્યક્તિગત રીતે મને લાગે છે કે આજના સમયમાં કવિએ’ચારણ’ નહિ પણ ‘રુદાલી’ બનવાની જરૂર છે.xxx રુદન કરતી સ્ત્રીના વિષયને વલોવતા કાવ્યસંગ્રહ ભિજકી વહીને કોલટકર ભલે ડૂબાડી દેવા માંગતા હોય, સર્પ સત્રને પોતાની જ આગમાં ભલે સળગાવી દેવા માંગતા હોય(નેરલીકર,૨૦૧૪), પણ બહોળા સામાજિક પરિપ્રેક્ષ્યમાં આ કવન નાસૂર બની ગયેલા જખ્મોને રુઝવવાની તથા બંધુત્વની કલ્પનાને સાકાર કરતા સમાજની નવપ્રાપ્તિની પૂર્વશરત બની રહે છે. શોકનું જાહેરમાં પ્રદર્શન, પ્રાયશ્ચિત, યોગ્ય હાનીપૂર્તિ અને પીડિતોને ન્યાય અપાવ્યા પછી જ આપણે ફરી એક વાર પ્રેમ કરવા સક્ષમ બનીશું; પ્રેમ કરવો જરૂરી છે, શક્ય છે. So, cry my beloved country, cry!”(સર્પ સત્ર, પૃ. ૯૮) અનુવાદક જે પ્રેમની વાત કરે છે એ પ્રેમ કરવા માટેની પૂર્વશરત પાળવી સરળ નથી પણ એના સિવાય કોઈ ઈમાનદાર રસ્તો પણ નથી. સાહિત્યમાંથી ઉભરી આવતી જે તે સમાજ કે સ્થળની સાચી તસવીર જ તેમાં રહેલી સારી-નરસી બાબતોનો પરિચય કરાવે તેમજ નરસી બાબતોને દૂર કરવાનું પણ સૂચવે જ. ભારતીય ભાષાઓના સાહિત્યમાં મહત્વના સર્જકોએ ઈમાનદારીથી સર્જન કરી વાસ્તવિકતા અને તેના ભયંકર પરિણામો તરફ વાચકોનું ધ્યાન દોર્યું છે. અરુણ કોલટકર એવા જ મહત્વના ભારતીય લેખક છે. મેં એક લેખમાં ભારતીય સાહિત્યની ચર્ચા કરતી વખતે નોંધ્યું છે-“ વર્ષોથી શીખતા અને શીખવતા આવ્યા તે शब्दार्थो सहितौ ! ‘શબ્દ અને અર્થને સમાવનાર’ એટલે સાહિત્ય,આ શબ્દ અને અર્થનું તત્વ માણસને-દુનિયાને જીવનનું ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડે છે. આજના આધુનિક સમયમાં માણસ ખુશ નથી,સત્ય ટકતું નથી,પ્રામાણિકતા ખપતી નથી,નૈતિક મૂલ્યોનો નાશ થયો છે,ઠગાઈ-ચોરી-લુંટફાટ-બળાત્કારના બનાવો અધધધ….ગતિએ વધી રહ્યા છે. કોમવાદી ઝઘડાઓનો ઝંઝાવાત છે,ભણેલો અને શિક્ષિત ગણાયેલો વર્ગ ભ્રષ્ટ-બેઈમાન બનતા અચકાતો નથી અને રોજેરોજ નવા નવા સ્કેન્ડલ આપણી સામે આવતા રહે છે. બીજાના સુખથી સતત દુઃખી થતો રહેલો આજનો માણસ-સમાજ પોતપોતાના ધારાધોરણોને પંપાળીને બેઠેલો છે,એના ધારાધોરણોમાં બંધબેસતું સત્ય એજ એના માટે સત્ય,બીજું બધું અસત્ય અને નકામું. દશ સેકન્ડમાં ઈન્ટરનેટ મારફતે વિશ્વના કોઈ પણ ખૂણામાં પહોંચનાર માણસની માનસિકતા જાણે કે જડ બની ગઈ છે ત્યારે બાહ્ય વિકાસની સાથે સાથે આપણે માનસિક વિકાસ નથી કર્યો એની ખાતરી થઇ જાય છે. ગ્લોબલાઈઝેશનથી બધા ખુશ છે પણ એટલી જ ગ્લોબલ માનસિકતા રાખીને સર્વનો સ્વીકાર આજના સમયમાં ક્યાં થઇ શક્યો છે? પરિણામે રોજેરોજના કદરૂપા બનાવોના કદરૂપા ચહેરા આપણી સામે આવતા રહે છે અને વળી સમય પણ એવો છે કે એવી ઘટનાઓથી હવે આપણને કોઈ ખાસ ફેર પડતો નથી,એવું બધું ભૂલી જવાની આદતોથી આપણે સૌ જાણે કે  ટેવાઈ ગયા છે. આવા વૈચારિક કટોકટીના સમયમાં સાર્વત્રિક,સર્વકાલીન એવા સાહિત્યસર્જકો અને એમનું સાહિત્ય યાદ આવે છે,એનું વાંચન અને મનન થાય તો આધુનિક આપદાઓ દૂર થાય.”(‘આજના સંદર્ભે ભારતીય સાહિત્ય’ નામના લેખમાંથી) અહિ હું જે સાર્વત્રિક-સર્વકાલીન સાહિત્યની જીકર કરી રહ્યો છું એ ‘કાલા ઘોડા કાવ્યો’ કે ‘સર્પ સત્ર’ જેવી કૃતિઓની જ વાત છે.

             અરુણ કોલટકરનું અંગ્રેજી કે મરાઠી સર્જન ગુજરાતીમાં અવતરે એ ઘટના ગુજરાતી સાહિત્યજગતની મહત્વની ઘટના તરીકે પોખાવી જોઈએ.  અરુણ કોલટકર જેવા સર્જક અને તેમના સર્જનનો અભ્યાસ ભારતીય સાહિત્ય નિમિતે અનુસ્નાતક કક્ષાએ ભણતાં કોઈ પણ ભાષાના વિદ્યાર્થીઓ કરે એ પણ ઈચ્છવા જેવું ખરું. જો કે આજના રાજકીય દાવપેચથી ખદબદતા સમયમાં વિશ્વવિદ્યાલયોના હોદ્દેદારો પાસે આ આશા રાખવી વધારે પડતી છે એ જાણું છું. ખેર, માનવીયતાની જ્યોત જગાવવાની તેમજ જખ્મોને રુઝવવાની બાબતે આશાસ્પદ એવા આવા અનુવાદ ગુજરાતી ભાષામાં આપવા બદલ સમગ્ર ગુજરાતી સાહિત્યજગતના ખરા ભાવકો  હેમાંગ દેસાઈના આભારી રહેશે…

સંદર્ભ-

૧-કાલા ઘોડા કાવ્યો,અરુણ કોલટકર,અનુ. હેમાંગ દેસાઈ,ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર,A-403,પારસનાથ,સુધા પાર્ક,શાંતિ પથ,ઘાટકોપર(પૂર્વ), મુંબઈ-૪૦૦૦૭૭, પ્ર.આ-જૂન ૨૦૨૦,મુલ્ય- રૂ. ૪૦૦

૨- સર્પ સત્ર, અરુણ કોલટકર, અનુ. હેમાંગ દેસાઈ, ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, A-403,પારસનાથ,સુધા પાર્ક,શાંતિ પથ, ઘાટકોપર(પૂર્વ), મુંબઈ-૪૦૦૦૭૭, પ્ર.આ-માર્ચ ૨૦૨૧, મુલ્ય- રૂ. ૩૦૦

૩- કે.સી.જી ઈ જર્નલ ઓફ મલ્ટીડીસીપ્લીનરીના ઓકટો-ડીસે. ૨૦૧૬ના સળંગ અંક ૧૭માં પ્રકાશિત “ આજના સંદર્ભે ભારતીય સાહિત્ય ” નામનો ડૉ. મનોજ માહ્યાવંશીનો લેખ

૪-શબ્દકોશ અંગ્રેજી-અંગ્રેજી-ગુજરાતી,સં-ઉપેન્દ્ર ર. ભટ્ટ, યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય-અમદાવાદ, પ્ર. આ-૨૦૦૪

ડૉ. મનોજ માહ્યાવંશી

ગુજરાતી વિભાગ, ડૉ.એ.પી.જે અબ્દુલ કલામ ગવર્મેન્ટ કૉલેજ, સિલવાસા,396230. દાદરા નગરહવેલી.

mahyavanshimanoj@yahoo.co.in