‘અન્યા સે અનન્યા’ આત્મકથામાં વ્યક્ત થતો આંતર-બાહ્ય સંઘર્ષ

-જ્યોતિ વૈષ્ણવ

        પુરુષસત્તાક સમાજે પોતાનું વર્ચસ્વ કાયમ ટકાવી રાખવાનાં હેતુસર સ્ત્રીઓ માટે કેટલાક ધારા-ધોરણો, આદર્શો અને નીતિ-નિયમો સ્થાપિત કરી તેને ધાર્મિકતા અને સંસ્કાર સાથે સાંકળી દીધા છે. જો કોઇ સ્ત્રી આ આદર્શો–નીયમોનું પાલન ન કરે તો તેની સામે કેટલા પડકારો આવી જાય અને સ્ત્રી જીવનની શી અવદશા થાય તે આપણે સહુ જાણીએ છીએ. આ આદર્શો બાળકીનો જન્મ થતાં જ તેને ગળથૂથીમાં આપવામાં આવે છે, તેથી સીમોન દ બુવાએ કહ્યું કે, સ્ત્રી જન્મતી નથી પણ બનાવી દેવામાં આવે છે. આર્થિક રીતે પગભર, શિક્ષિત સ્ત્રીઓ પણ એ આદર્શો મુજબ જીવન ન બનાવી શક્યાનો અપરાધબોધ અનુભવે છે. સ્ત્રી શિક્ષણ પ્રત્યે ઉદાસિનતા, પુરુષસત્તાક સમાજે ઘડેલી સ્ત્રીની આદર્શ છબિ, આર્થિક રીતે અન્ય પર નિર્ભર સ્ત્રીનું સાહિત્યક્ષેત્રે પ્રદાન પુરુષની તુલનામાં પ્રમાણમાં ઓછું છે. એમાય આત્મકથા અન્ય સાહિત્યસ્વરૂપો કરતાં દુષ્કર સાહિત્યસ્વરૂપ ગણાય છે. આ સ્વરૂપમાં વ્યક્તિ પોતાના જીવનની વાસ્તવિકતાને યથાતથ આલેખે છે. સ્ત્રીને ‘વ્યક્તિ’ તરીકે ગણવામાં જ નહોતી આવતી તો એ આત્મકથા કેવી રીતે લખી શકે? ભારતીય સાહિત્યમાં સ્ત્રીની પ્રથમ આત્મકથા રસસુંદરીદેવીની ‘આમાર જીબોન’ નામે બંગાળીમાં ૧૮૫૬માં મળે છે, જ્યારે પુરુષની પ્રથમ આત્મકથા કવિ બનારસીદાસની ‘અર્ધકથાનક’ નામે હિંદીમા ૧૬૪૧માં મળે છે. વિશ્વના દરેક દેશમાં સ્ત્રીની ગણના એક વસ્તુ તરીકે થાય છે, જે ખરીદી શકાય, ભોગવી શકાય અને માલિકીસ્વભાવ મુજબ મન-મરજીથી તેનો ઉપયોગ કરી શકાય. આ આત્મકથામાં કેથી નામની વિદેશી સ્ત્રી લેખિકાને કહે છે કે, “ પ્રભા, ઔરત અભી મનુષ્ય શ્રેણીમેં નહીં ગિની જાતી ઔર તુમ અમીર-ગરીબ કા સવાલ ઉઠા રહી હો? તુમ મુજે રાષ્ટ્ર કા ભેદ સમઝા રહી હો? માઇ સ્વીટહાર્ટ! હમ સબ ઔરતે અર્ધ-માનવ હૈ. પહલે વ્યક્તિ તો બનો, ઉસકે બાદ બાત કરના.” (પૃ.૧૫૭) સમાજ સ્ત્રીને એક વ્યક્તિ તરીકે સ્વીકરે તે માટે તેણે કેટલો સંઘર્ષ કરવો પડે છે તે આપણે ‘અન્યા સે અનન્યા’ આત્મકથા દ્વારા વીગતે જોઇએ.  

        પ્રભા ખેતાનની આત્મકથા ‘અન્યા સે અનન્યા’ ‘હંસ’ સામયિકમાં ક્રમશઃ પ્રકાશિત થઇ અને ઇ.સ. ૨૦૦૭માં રાજકમલ પ્રકાશન પ્રા.લિ. દ્વારા પુસ્તકાકારે પ્રકાશિત થઇ. આ આત્મકથામાં લેખિકાનાં જીવનનાં ત્રણ પાસા વ્યાપાર, સર્જાન અને અંગત જીવનનું આલેખન થયું છે. રૂઢિચુસ્ત મારવાડી પરિવારમાં જન્મેલાં લેખિકા બાળપણથી જ ઉપેક્ષિત રહ્યાં. પરિવારમાં પાંચમી દિકરી તરીકે જન્મ અને એમાય અન્ય ભાઇ-બહેનોની સરખામણીમાં રંગે શ્યામ તેથી માતાનો પ્રેમ તેમને ન મળ્યો. પિતા તેમને પ્રેમ કરતાં હતાં પણ નવ વર્ષની વયે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી. તેઓ પોતાના ભૂતકાળને પુર્નજીવિત કરતાં- કરતાં વ્યથિત થઈ જાય છે અને વ્યથિત હ્રદયે તેઓ કહે છે કે, “મૈ સ્મૃતિયો કી પગદંડી પર સંભાલ સંભાલકર કદમ રખ રહી હું. કભી આંચલ ઝાડિયો મે ઉલઝતા હૈ, કભી પૈરોમે નુકિલે પત્થર ચુભતે હૈ. કભી સામને કોહરે કે બાદલ સામને કુછ ભી દિખાઇ નહી પડતા ઔર કભી પૈરો કે નીચે ઠંડી ઓસ કી બૂંદે મુઝે મેરે આંસુઓ કી યાદ દિલાતા હુએ.” (પૃ.૨૮) દસ વર્ષની વયે માસિકસ્ત્રાવની શરુઆત થઇ તેથી તેમનાં માતા નારાજ થયાં. સ્ત્રી શરીરની રચના મુજબ માસિકસ્ત્રાવ કુદરતી છે. એમાં એમનો શો વાંક? જો કોઇ છોકરીને માસિકસ્ત્રાવ જ ન થાય તો કોઈ તેને સ્વીકારે ખરું? માસિકસ્ત્રાવને ધાર્મિકતા સાથે સાંકળીને અનેક ગેરસમજ પ્રવર્તે છે. બંગાળમાં એવી માન્યતા હતી કે જો કોઈ છોકરીને લગ્ન પુર્વે જ માસિકસ્ત્રાવ શરૂ થઈ જાય તો તેન માં-બાપ પાપમાં પડે! પરિણામે બાળલગ્નનું પ્રમાણ ન વધે તો બીજું શું થાય? દસેક વર્ષની વયે તેમનાં મોટા ભાઈએ તેમનાં પર બળાત્કાર ગુજાર્યો, કમનસીબી તો એ કે તેમની સાર-સંભાળ લેનાર આયાને તેમણે આ ઘટના જણાવી ત્યારે તેણે બીજા કોઇને આ વાત કરવાની મનાઇ ફરમાવી અને ત્યારબાદ પ્રેમી ડૉક્ટરે પણ એમ જ કહ્યું! ૬૦ વર્ષની વયે તેઓ આ ઘટના યાદ કરતાં-કરતાં ખુબ જ વ્યથિત થઈ ગયા. આત્મકથામાં પૃ.૪૦ પર તેઓ માત્ર એટલો જ ઉલ્લેખ કરે છે કે, “ઉસ  દિનકી ઉસ ઘટનાસે ભી તો પૈંટી મે ખુન લગા થા?” અને પૃ.૮૮ પર ડૉક્ટર સર્રાફને કહે છે કે, “જબ મૈ નૌ સાલ કી થી. તબ ઘર મે હી…….” વ્યથીત થયેલાં લેખિકા આત્મકથામાં તે ઘટનાનું શબ્દશઃ વર્ણન કરી શકતાં નથી. 

        બાવીસ વર્ષની વયે તેમને તેમનાંથી વયમાં અઢાર વર્ષ મોટાં, પાંચ બાળકોના પિતા નેત્રચિકિત્સક ડૉ. સર્રાફ સાથે પ્રેમ થયો. તેઓ આંખોના ઇલાજ માટે ડૉક્ટર પાસે ગયા અને એ જ આંખો ડોક્ટરનાં પ્રેમમાં દિવાની થઈ ગઈ. વિવાહીત પુરૂષને પ્રેમ કરવાથી તેઓ અનેક જગ્યાએ અપમાનીત થયા.થોડા સમય બાદ તેઓ તેમનાથી ગર્ભવતી બને છે. ગર્ભપાતનાં વિચારથી તેઓ વ્યથિત થઈ જાય છે, પણ કુટુંબ અને સમાજનાં ડરથી તેઓ ગર્ભપાતનો નિર્ણય લે છે. તેઓ પ્રામાણિકતાથી કહે છે કે, “ગર્ભપાત, ભૃણહત્યા પ્રજનન કા અધિકાર સ્ત્રી જીવનસે સંબંધિત ન જાને કિતને મુદ્દો પર લિખતી રહી હું, મગર ઉસ દિન અવિવાહીત માતૃત્વ કી કલ્પના માત્ર સે મેરા સર્વાંગ સિહર ઉઠા થા.” (પૃ.૯૬) આ ઘટના બાદ તેઓ ખુબ વ્યથિત થઇ ગયા અને ડૉક્ટરથી દૂર જવા માંગતા હતા પણ તે શક્ય ન બન્યુ અને તેમણે ત્યાં જ રૂ. ૩૦૦માં સેક્રેટરીની નોકરી કરી. તેઓ પોતાની ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. તેઓ તેમનાં આ પ્રેમ સંબંધને શું નામ આપવું એની વિમાસણમાં છે. તેઓ ડૉક્ટર સર્રાફની પ્રેમિકા કે રખાત નથી, પ્રેમ કરવાવાળી સ્ત્રી માં, બહેન કે પત્ની હોઇ શકે. આ સિવાયના સ્ત્રી-પુરૂષનાં સંબંધને કોઇ નામ આપી શકાતું નથી. અવિવાહિત સ્ત્રીનાં અન્ય પુરૂષ સાથેનાં સંબંધોમાં સ્ત્રી સમાજમાં ‘રખાત’ તરીકે ઓળખાય છે. ‘રખાત’ એટલે જેનુ ભરણ-પોષણ પુરૂષ કરતો હોય તેવી સ્ત્રી. લેખિકા આર્થિક રીતે સ્વાવલંબી છે તેથી તેઓ તેમનાં પ્રેમીનાં ‘રખાત’ તો નથી જ. તેઓ સધવા નથી કારણકે તેમણે વિધિવત લગ્ન કર્યા નથી. તેઓ વિધવા નથી કારણકે તેમના કોઇ દિવંગત પતિ નથી. તેઓ દેહ વ્યાપાર કરતાં નથી એટલે તેઓ વેશ્યા પણ નથી. તેઓ સમાજની વરવી વાસ્તવિકતા રજૂ કરે છે. જો કોઇ વિવાહિત સ્ત્રી અન્ય પુરૂષને પ્રેમ કરે તો સમાજ આંખ આડા કાન કરે છે; પણ જો કોઇ અવિવાહિત સ્ત્રી કોઇ પુરૂષને પ્રેમ કરે તો સમાજ તેની આકરી ટીકા કરે છે. તેઓ સમાજને પડકારે છે. “ક્યા પચ્ચીસ સાલો કે સંબંધ કે બાવજૂદ ડૉક્ટર સાહબ મેરે કુછ નહીં લગતે? મેરે જીવનમે ઇસ વ્યક્તિકા કોઈ મહત્વ નહીં? સબ કુછ જાનતે હુએ ભી લોગ ક્યોં ઇસ સંબંધ કો નકારના ચાહતે હૈ? ઔર યદિ થોડા-બહુત જાન ભી જાતે હે તો સ્વિકારને મે ઉનકા અહમ ક્યોં ટૂટતા હૈ?” (પૃ.૧૩) પ્રેમમાં મશગુલ આ પ્રેમસંબંધથી તેઓ ઠેર-ઠેર અપમાનિત થયા.એકવખત તેમને ડૉક્ટરનાં મિત્રની પત્નીએ અપશબ્દો કહી અપમાનિત કર્યા પણ લેખિકા તેમનો વિરોધ ન કરી શક્યા અને વ્યથિત થયેલા લેખિકા પોંડિચેરી ચાલ્યા ગયા. ત્યાં તેમનું મન ન લાગતા તેઓ કલકત્તા પરત ફર્યા. ત્યારબાદ તેઓ લાયન્સ ક્લબનાં યૂથ એક્ષચેંજ પ્રોગ્રામ નિમિત્તે અમેરિકા ગયા અને ત્યા બ્યૂટી થેરપીનો કોર્ષ કર્યો.ત્યાંથી ભારાતમાં આવીને ‘ફિગરેટ’ હેલ્થ ક્લબની શરૂઆત કરી. ‘ફિગરેટ’નાં માધ્યમથી તેમને ખબર પડી કેએક પણ સ્ત્રી તેનાં શરીરથી સંતુષ્ટ નથી. તેમને એક પણ એવી સ્ત્રી ન મળી જે પોતાના રૂપ-રંગથી સંતુષ્ટ હોય. સોશિયલ મિડીયા સ્ત્રીની એવી અસંભવ આદર્શ છબિ પ્રસ્તુત કરે છે કે સ્ત્રી એ છબિ મુજબ પોતાને ઘડવાનો પ્રયત્ન કરે છે.

        લેખિકા એક વિવાહીત પુરૂષનાં પ્રેમમાં પડ્યા તેથી તેઓ હમેશા અપરાધબોધ અનુભવતાં. આ અપરાધબોધ ભૂલવા માટે તેઓ ડૉક્ટર સાહેબનાં ઘરનાં કાર્યો જેવા કે પાર્ટીમાં આવેલ મહેમાનો માટે ભોજન બનાવવું, બાળકોને સ્માર્ટ બનાવવા, ઘર સજાવવુ, તેમની દિકરીઓ માટે દહેજ એકત્રિત કરવું વગેરે કાર્યો કરતા. પદ્મશ્રી ડૉક્ટર તો ક્યારેય એક કુંવારી છોકરીનાં પ્રેમમાં પડ્યાનો અપરાધ નથી અનુભવતા! તેમણે ડોક્ટર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે તેઓ તેમની સાથે લગ્ન કરે નહી તો તેઓ અન્ય પુરૂષ સાથે લગ્ન કરશે. ત્યારે ડૉક્ટરે તેમને અનેક તર્ક-વિતર્ક બતાવ્યા અને કહ્યું કે, “શાદી કરકે તુમ કૌન-સી સુખી હો જાઓગી.ઈતના રોઓગી-પછતાઓગી કિ તુમ્હે અંદાજા નહી. અતીત કા બોઝ હમેશ તુમ્હારી પીઢ પર રહેગા.”(પૃ.૧૮૦) ડૉક્ટરનાં મિત્રો પણ તેમને કહેતા હતા કે અન્ય પુરૂષ સાથે લગ્ન કરવાથી તેમનાં ભૂતકાળનો ડાઘ ભૂંસાશે નહિ. લેખિકાને પોતાનું આગવુ ઘર બનાવવાની ઈચ્છા થઈ પણ તેમને તેમના મિત્રો જ કહે છે કે ,”બિના પુરૂષ કે કૈસા ઘર?”(પૃ.૨૪૭) દ્રઢ નિશ્ચયથી તેમણે પોતાનું આગવુ ઘર સજાવ્યુ. ડૉક્ટરનાં જીવનમાં તેઓ અન્ય સ્ત્રીનું સ્થાન ભોગવી રહ્યા હતા છતાં ડૉક્ટરનાં સંગથી તેમને સુરક્ષિતતા લાગતી હતી. તેમણે અનેકવાર ડૉક્ટરને છોડવાનો વિચાર કર્યો પણ તેઓ તેમને છોડી ન શક્યાં. પ્રેમીનાં જીવનમાં તેમને અન્ય સ્ત્રીનું જ સ્થાન મળ્યુ. અન્ય સ્ત્રીઓ તેમની ઉપેક્ષા કરતી અને કહેતી કે, “તુમ કુછ નહી હો. સુહાગ કે નુપુર તો તુમ્હારે પેરોમે નહી હે ફિર તુમ ક્યો વ્યર્થમે ઇધર-ઉધર ડોલ રહી હો?”(પૃ.૨૪૩) ડૉક્ટર પ્રેમી સામાજીક કાર્યક્રમોમા તેમની પત્નીને લઇને જતા તેથી તેમને  સ્ત્રી સહજ ઇર્ષા થતી. તેઓ વિચારતા કે આ સંબંધથી તેમને શું મળ્યુ? તેમણે અનેકવાર આ સંબંધનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ તેમ ન કરી શક્યા. બેતાળીસ વર્ષની વયે મેનોપૉઝનો સમયગાળો આવી ગયો. હવે તેઓ ક્યારેય ‘માં’ નહી બની શકે એ કલ્પનાથી ખળભળી ઉઠ્યા. તેઓ નોંધે છે કે’ “મેનોપોઝ કે બાદ, પોર-પોરસે ફુટતી હુઇ નિરાશા, મેરા ચેહરા કભી કપૂર કી ભાંતિ ધક સે જલ ઉઠતા, કભી હથેલિયાં પસિજ ઉઠતી, કભી રાતો કી નીંદ ઉડ જાતી.”(પૃ.૨૧૫) પુરૂષસમાજે સ્ત્રીની અએક આદર્શ છબિ બનાવીને મૂકી છે; કોઇ સ્ત્રી જો એ મઢેલી ફ્રેમમાંથી જરાક બહાર નિકળી જાય તો પુરૂષસમાજ કઠોર બની તેને સમાજની બહાર કાઢી દે અરે સ્ત્રીમાંથી જ અએનો છેદ ઉડાવી દે!

        ડૉક્ટૅર સર્રાફનાં જીવનમાં ‘અન્ય’ સ્ત્રીનું સ્થાન ભોગવતા લેખિકા વ્યાપાર જગતમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેમણે કલકત્તામાં ચામડામાંથી અનેક વસ્તુ બનાવવા માટે કારખાનું બનાવ્યું અને તેમાંથી ત્રણ ફેક્ટરી બનાવી દેશ-વિદેશમાં ચામડામાંથી બનાવેલી વસ્તુઓની નિકાસ કરવા લાગ્યા. તે નિમિત્તે દેશ-વિદેશની મુસાફરી કરી. તેઓ કલકત્તા ચેમ્બર્સ ઓફ કોમર્સનાં ખજાનચી બન્યાં. તેઓ જેમ-જેમ વ્યાપારમાં સફળ થયાં તેમ-તેમ ડૉક્ટર સર્રાફ સાથેના સંબંધો કથળવા લાગ્યા. તેમણે આત્મકથામાં મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે કે, “ પુરૂષ કમજોર સ્ત્રીસે હી ક્યોં પ્યાર કરતા હૈ? ઔર સબલ સ્ત્રીસે ચિઢતા ક્યોં હૈ?” (પૃ.૨૧૪) તેમનાં પ્રેમી તેમને શંકાની નજરે જોવા લાગ્યા. શંકાશીલ પ્રેમી અન્ય સ્ત્રીઓ પ્રત્યે આકર્ષિત થવા લાગ્યા. તેઓ આ વાત જાણીને અન્ય પુરૂષનો વિચાર કરવા લાગ્યા. તેઓ અન્ય પુરૂષ પ્રત્યે આકર્ષિત થયા અને એ આકર્ષણ શારિરિક સંબંધમાં પરિણમ્યું, પણ ટૂંક સમયમાં જ તેમને પ્રેમ અને દેહવાસના વચ્ચેનો ફર્ક સમજાયો. તેમણે પ્રામાણિકતાથી કહ્યું છે કે આ ઘટનાથી હું આત્મકથા લખતી વખતે શરમની લાગણી અનુભવું છુ. અન્ય પુરૂષનાં દેહ મિલન બાદ તેઓ વ્યથિત થઈ ગયા અને પોતાનાં કાર્યમાં ડૂબી ગયા. તેઓ કહે છે કે, “……. કેવલ પઢને સે, અધ્યયન-ચિંતન ઔર વિદ્રોહ કી ભાવના વ્યક્ત કરને સે હી મૈં વ્યક્તિ નહી હો જાઉંગી. સંસ્કારો સે પરંપરા સે મુક્તિ કી યાત્રા બહુત લમ્બી હૈ ઓર બડી કઠીન.”(પૃ.૨૫૬) તેમણે દેશ-વિદેશની સ્ત્રીઓની સ્થિતી આ આત્મકથામાં વ્યક્ત કરી છે. સ્ત્રીએ હજું ઘણી સફર કરવાની બાકી છે એ તેમની આત્મકથા દ્વારા જણી શકાય. ‘અન્ય’ સ્ત્રીના સ્થાને ગણાતા લેખિકા વ્યાપાર અને સર્જન ક્ષેત્રે સફળતા મેળવી અનન્ય બની જાય છે.

સંદર્ભ પુસ્તક: ખેતાન પ્રભા, અન્યા સે અનન્યા, રાજકમલ પ્રકાશન પ્રા.લિ. દિલ્હી- ૧૧૦ ૦૦૨, ૨૦૦૭

જ્યોતિ વૈષ્ણવ

પીએચ.ડી. વિદ્યાર્થીની

ગુજ.યુનિ.,અમદાવાદ

માર્ગદર્શક: ડૉ.કાંતિલાલ માલસતર