અન્યાયનો પાયો: એકલવ્ય

                                                                                                – જાનવીબા ગોહિલ

આધુનિકોતર સમયમાં ગુજરાતી વાર્તામાં વિષયવસ્તુ તથા નિરુપણની દ્રષ્ટીએ ખુબ જ પરિવર્તન આવ્યું. ૮૦ પછીના આપણા ગુજરાતી વાર્તાનાં પરંપરાગત માળખા તરફ પાછા વળ્યાં. મુખ્યત્વે ગ્રમાંચેતના, નારીચેતના, દલિત  કેન્દ્રમાં રાખીને લખાતી વાર્તાઓમાં કલાત્મકતા, પ્રતિબધ્ધતા ખુબ જ સુક્ષ્મરીતે આલેખાય. આધુનિક યુગમાં આપણે વાર્તાકારોના પ્રયોગો વેઠયા પરંતુ એ પ્રયોગો પરિસ્કુત થયા આ સમયમાં.

          એક તરફ શિક્ષિત થયેલા દલિત પોતાના સમાજની વાત કરતો થાય છે તો બીજી તરફ ગાંધીયુગના સર્જકોની જેમ બિનદલીતો પણ દલિત સંવેદને વાચા આપે છે. આ‌‍શ્ર્ચર્યની વાત એ છે કે ગુજરાતી સાહિત્યમાં જેને સંપૂણપણે દલિત વાર્તાસંગ્રહ કહી શકાય તેવો પ્રથમ વાર્તાસંગ્રહ ‘અંતરવ્યથા’ (૧૯૯૬) પ્રવીણ ગઠવી જેવા બિનદલિતની કલમે મળે છે! જેમની વાર્તા ‘એકલવ્ય’ ને અનુંઆધુનીક યુગના સંદર્ભમાં તપાસવાનો અહી ઉપક્રમ છે.

          ઈ.સ. ૧૯૫૧ની ૧૫મી મેં ના રોજ મહેસાણા જિલ્લાનાં મોઢેરામાં જન્મેલા પ્રવીણ ગઠવીએ. ભારતીય વહીવટી સેવાઓ આપી છે. તેઓ આઈ.એ.અસે. અધિકારી છે. એમણે જિલ્લા કલેકટરથી માંડીને કેટલીક કચેરીઓમાં નિયામક અને કમિશ્નરશ્રી તરીકે સેવાઓ બજાવેલી છે. તેમનાં આશરે વીસેક જેટલા પુસ્તકો પ્રગટ થયેલા  છે. તેઓ ૧૯૭૦થી સાહિત્ય સાધના કરી રહયા છે. મુખ્યત્વે તેઓ વાર્તાકાર અને કવિ તરીકે આગવી ઓળખ ધરાવે છે.

          પ્રવીણ ગઠવી દલિત સાહિત્યના આંદોલનમાં પ્રારંભથી જ જોડાયેલા રહયા છે. તેઓ બિનદલિત હોવા છતાય પૂરી નિષ્ઠા અને પ્રતિબધ્ધતાથી દલિત સાહિત્યનું ખેડાણ કરી રહયા છે.

          પ્રવીણ ગઠવી ની ‘એકલવ્ય’માં પુરાકલ્પનનો વિનિયોગ થયો છે. લેખકે પુરાણ પ્રસિદ્ધ પત્રોને નવા સંદર્ભ સાથે આલેખ્યા છે. ‘એકલવ્ય’ વાર્તામાં સીતેર વર્ષનો એકલવ્ય ભગવાન કૃષ્ણને પતાવી દેવા જ અનુયાયીને મોકલે છે. કૃષ્ણનાં પગે પડી માફી માગતા પારધીને બતાવતી, દ્રઢ કરતી Myth ને આ કલ્પના જ વેરવિખેર કરી દે છે. વાર્તા માં એકલવ્યની દ્રષ્ટિએ આલેખાયેલ ભૂતકાળ ભાવકને ખળભળાવી છે. વર્ણનોમાં સર્જકની સર્જકતા ખીલી ઊઠે છે. એ આર્ય-અનાર્યોના સંઘર્ષોથી માંડી છેક આધુનિક યુગની સુધી ચાલી આવતી સેકડો વર્ષોની ભેદરેખા આલેખે છે. વર્ણાશ્રમ પ્રથા અને એમાંથી પ્રાદુર્ભાવ થતી ઉચ્યાવચ્ચ જાતી વ્યવસ્થામાં તિરસ્કરણીય પરિણામો સુધીના વણ્ય વિષયને ઊંડાણમાં લેતાં એકલવ્યને જ આરંભબિંદુ બનાવે છે.

          એ આર્ય-અનાર્યોના  સંઘર્ષોથી માંડી છેક આધુનિક યુગની વર્ણશ્રમ પ્રથા ને એમાંથી પ્રાદુર્ભૂત ઉચ્ચાવચ્ચ જાતિ વ્યવસ્થાનાં તિરસ્કરણીય પરિમાણો સુધીના વણ્ય વિષયને ઊંડાણમાં લેતાં એકલવ્યનેજ આરંભબિંદુ બનાવે છે. એ સૂચ્યગ્ર છે. એની સ્મુતિ મંજુષામાંથી સ્ત્રવે છે, આર્યોને અનાર્યોને કરેલ યુગો જુનો નૃશંશ અન્યાય. એનો પયગામ જુઓ. યુદ્ધ અને અત્યાચારનો સળંગ ઈતિહાસ એકલવ્યથી અટકવાનો નથી. કારણ ભૂતકાળ ભૂલાતો નથી. વિશ્વમિત્ર જન્મે છે તો સામો વશિષ્ટ પેદા થાય જ છે. એકલવ્ય વાલ્મીકિને પણ પૂછે : ક્રોંચવધથી દ્રવી ઊઠેલા તમે દસ્યુરાજ શંબરની હત્યા સામે કેમ મૌન રહ્યા? અહલ્યા કાજેય વાલ્મિકીને ખંચકાતા બતાવ્યા છે. અસૂરોનો ગુરુ શુક્રચાર્ય, દ્રોણ જેવો અલ્પતિ નથી. એ સુર (દેવ) કચને અપનાવે છે. ને એજ કચ ગુરુપુત્રી કહી દેવયાનીને દગો દઈ પલાયન થઇ જાઈ છે. એકલવ્ય તુલસી-શંખચૂડની વ્યથામય કથા પણ કહે છે. એટલા માટે કે દસ્યુ કન્યાઓ આર્યોની ગૌરત્વચાને ના મોહે.

          પરાપૂર્વથી ચાલ્યા આવતા પછાતવર્ગ પ્રત્વેના અન્યાય-અત્યાચાર-નિર્બાધ શોષણ અને સવર્ણ તરફી પક્ષપાત નામશેષ થતા નથી. ‘બ્રાહ્મણધર્મીઓ આ દેશના મૂળનિવાસીઓને નકારી એમને ‘વનવાસી’ ઠેરવી પોતાનેજ આ ભારતભૂમિના રણી-ધણી સિદ્ધ કરવાના કારસા કરી રહ્યા છે, જાત-પાંતના વાડા વકરાવી રહ્યા છે ત્યારે પ્રવીણ ગઠવીની આ કથા માત્ર દલિતોની જ નહીં, અન્યાય વેઠતા આવેલા તમામ પછાતવર્ગો-જાતિઓની ‘જ્ઞાનપોથી’ બનવી જોઈએ. તો જ એકલવ્યના મનોમંથનનો નિષ્કર્ષ પણ આવે અને પરિણામજનક અંત પણ આવે. અનેકવિધ રીતે આ વાર્તા દલિત સાહિત્યની દીવાદાંડી છે. એના ઉદેશ્યની વાચા છે.

          સમર્ગ વાર્તા એકલવ્ય પ્રથમપુરુષના કથનકેન્દ્રથી કહે છે. આ એજ ઇતિહાસ છે જે તમે અને હું જાણીએ છીએ પણ જે દૃષ્ટીકોણથી આજે એકલવ્ય કહે છે એ નજરથી આપણે કૃષ્ણ, યુધિષ્ઠીર, ભિષ્મ કે કોઇ આર્યને જોયા નથી. સમાજમાં તમામ અનિષ્ટ કહી શકાય એવા કાર્યો આર્યો દ્વારા કરવામાં આવ્યા. છતા માત્ર ગોરી ચામડી કે પછી ઉચ્ચ જાતિમાં જન્મને કારણે તેમને દંડ તો શું પરંતુ પુજનીય તરીકે સ્થાન પ્રાપ્ત થયુ. ડગલે ને પગલે દષ્યુ કહી એકલવ્ય જેવા અનેકો સાથે અન્યાય થતો રહ્યો ને આજે પણ થઇ રહ્યો છે. તે વાતનો ઘોતક એકલવ્ય બને છે.

          એક્લવ્યના મુખે હસ્તીનાપુરથી શરૂ કરી, શંબર, કચ, તુલસી, શંખચુડ, સુદ-ઉપસુદ, શ્વેતકેતુ, માયાસુર, અનસૂયા, પરશુરામ, ઉગ્રસેન, પવનરેખા, કંસ, દેવકી, જરાસંઘ, ભૌમાસૂર, માયાસૂરની પુત્રી કુહુ, યાકુ અને જર સુધીની અનેક કથાઓ વણાતી જાય છે અને સ્પષ્ટ કરે છે હાજારો વર્ષોનો અન્યાય, કપટ, ભેદ-ભાવ.

          “એકલવ્યે” બે શસ્ત્ર ઉપાડયાં, ધનુષ્ય અને શબ્દ. પિતા હિરવ્યકધેનુના આશીર્વાદ ચર્મણયવતી નર્મદા…; “ઉઠો, શુદ્રો અરણ્ય બચાવો. આપણે નથી જોયતા રાજ્યો-સામ્રાજ્યો. નથી જોઈતા વૈભવો ઐસ્વયો. આપણે જોઈએ આપણાં વૃક્ષો, આપણી નદીઓની જળ. આપણા ડુંગરા, આપણું સ્વમાન…”

આ વર્ણનને જોતા એવુ લાગે કે તેઓ ક્યારેક ક્યારેક અન્યાય, અપમાનની વાતની સાથે-સાથે પ્રકૃતિ રક્ષણની વાત પણ કરી આપે છે.

          મને લાગે છે કે પ્રવીણભાઈ એકલવ્યના આ મનોજગત અને એમાં સમાવિષ્ટ તમામ ઘટનાઓ, પ્રસંગો, ચરિત્રોને એમના અભિગમોને વિસ્તૃતરૂપે વાચા આપી હરેકને એકમેક સાથે સાંકળી લઈ એક બૃહદકથાનો આકાર આપે તો આ દેશની સીત્તેર ટકા પાછળ રાખેલી જાતિઓની આર્યોને એમની સામે રચેલા ભયંકર ષડયંત્રનો સાક્ષાત્કાર થાય. બલ્કે કૃષ્ણના અંત સુધી ન અટકતા આગળના અર્થાત મહાત્મા ફૂલે, આંબેડકર અને ગાંધીજીનાં કર્તૃત્વનેય ઊંડાણમાં લેવાય જેથી બાબા સાહેબને ‘બુદ્ર શરણં ગચ્છામિ’ કેમ કરવું પડ્યું એ તારતમ્ય પણ સાધી શકાય. પ્રવીણભાઈ આ તમારો યુગપત્રધર્મ છે!

જાનવીબા ગોહિલ, શોધછાત્ર(ગુજરાતી), ગુજરાતી વિભાગ, ગુજરાત યુનિ. અમદાવાદ

પ્રયાસ An Extension… (A Peer Review Literary E- Journal) Volume 3, Issue 6, November-December: 2022