ડામોર મહેશભાઇ ગજાભાઈ
ગુજરાતી સાહિત્યમાં રોગની વેદના સંવેદનાને કેન્દ્રમાં રાખીને ઘણી નવલકથા લખાઈ છે. તેમાં આંખ ગુમાવવાની પીડાને ભગવતીકુમાર શર્માએ ‘અસૂર્યલોક’માં, કેન્સરના રોગને દિલીપ રાણપુરાએ ‘મીરાંની રહી મહેંક’માં, પોલિયો અને અપંગતાને ધીરેન્દ્ર મહેતાએ અનુક્રમે ‘ચિહ્ન’ અને ‘દિશાન્તર’માં, ટી.બી.ને રાવજી પટેલે ‘અશ્રુધર’માં, પેરેલિસિસને ચંદ્રકાંત બક્ષીએ ‘પેરેલિસિસ’માં, ગળાનાં કેન્સરને માધવ રામાનુજે ‘પિંજરનીઆરપાર’માં, લ્યુકેમિયાને યોગેશ જોષીએ ‘વાસ્તુ’માં, ડાયાબિટીસને ડૉ. પ્રદીપ પંડ્યાએ ‘પીળીકૂંપળ’માં અને નિઃસંતાનપણાની વેદનાને અશોકપુરીગોસ્વામીએ ‘મૂળ’માં અસરકારક રીતે મૂકી આપી છે. પાગલપન ‘મળેલા જીવ’માં પન્નાલાલે બેખૂબી આલેખ્યું તો મનોરોગને સરોજ પાઠકે ‘ઉપનાયક’ નિરૂપ્યો. આવી જ રોગની પીડા અને તેને પરિણામે એક વ્યક્તિના જીવનમાં આવતા આંચકાજનક પરિણામો અને પરિણામે નિપજતી અસહ્ય વેદનાની સ્થિતિ આપણે વર્ષા અડાલજાની ‘અણસાર’ નવલકથામાં જોવા મળશે. વર્ષા અડાલજાએ ‘અણસાર’માં રક્તપિતથી પીડિત નાયિકા અને અન્ય પીડિતોનું નિષ્ઠુર વલણ વગેરેને બખૂબી રીતે સાહિત્યિક ધોરણે મૂકવાંની મથામણ કરી છે. અણસાર સંદર્ભે ડૉ. હાસ્યદા પંડ્યા નોંધે છે કે “હમણાં હમણાં રોગપ્રધાન કૃતિઓ આપવાનોલેખિકાઓને રોગ લાગુ પડયો છે.’’
જો કે રોગપ્રધાન કૃતિઓ લેખિકાઓ પાસેથી મળતી હોય તેવી ‘અણસાર’ ઉપરાંત આ જ લેખિકાની માનસિક ખોડખાંપણવાળા બાળકોની વાત કરતી ‘ખરી પડેલ ટહુકો’, રક્તપિતને જ આલેખતી માલતીબેન દેસાઈની ‘લીચી’ને બ્રેઈનટયુમરને વિષયવસ્તુ તરીકે સ્વીકારતી રશ્મિ શાહની ‘પંખી એક પાંખના’ જેવી નવલકથાઓ પણ નોંધનીય છે.
અણસાર નવલકથાની પ્રથમ આવૃત્તિ ૧૯૯૨માં બહાર પડી. છેલ્લું પુનર્મુદ્રણ ઑગસ્ટ ૨૦૨૦માં થયું તે કુલ – ૩૪ પ્રકરણો અને ૨૯૬ પૃષ્ઠોમાં વિભાજિત છે. દિલ્હી સાહિત્ય અકાદેમીનું ૧૯૯૫ના વર્ષનું પારિતોષિક તેમને મળેલ. તેની મૂળકથા લેખિકાએ ‘શ્રમમંદિર’ની પત્રિકામાં પ્રગટ થયેલ સાચા પ્રસંગોમાંથી રૂપા નામની એક અભણ નારીની વાર્તા આલેખી તેમાં આ કથાનું મૂળ છે. ‘અણસાર’ નવલકથા ધારાવાહિક રૂપે ‘જન્મભુમિ પ્રવાસી’માં પ્રગટ થયેલી નવલકથાનું કેન્દ્રસ્થ પાત્ર રક્તપિતનો ભોગ બનેલી રૂપા છે. ‘ અણસાર’ સંદર્ભે ગુણવંત શાહ કહે છે – “વર્ષા બહેને નવલકથાઓમાં પોતાનો મૌલિક અવાજ ગુજરાતી પ્રજાને સંભળાવ્યો છે. તેમણે સંવેદનશીલતાની આરધનાકરી છે. ‘અણસાર’ને દિલ્લી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો તે યોગ્ય જ છે.”
રૂપા એક સુખી અને મોભાદાર ઘરની વહુ છે. પરિવારમાં ડૉ. પતિ શૈલેશ, સાસુ વનલતાબહેન, દિયર અનુપ અને પુત્ર યશ છે. તેનો હર્યોભર્યો પરિવાર છે. ઈશ્વરે તેને સર્વ સુખો આપ્યાં છે. પતિ પ્રેમાળ છે. સાસુ સામાજિક કાર્યકર તરીકે જાણીતાં છે. અને રૂપાના જીવનમાં ધીમે-ધીમે રક્તપિત્ત નામના દુશ્મનનો પ્રવેશ થાય છે. બીજી બાજું દિયર અનુપ ક્રિશ્યન યુવતી મારિયાને પરણવા માટે ઘર છોડી ચાલ્યો જાય છે. આમ તેનાં પ્રસન્ન ગૃહજીવનની એક પછી એક દિવાલ ઘસી પડે છે. જે પહેલા રૂપાને દીકરી ગણતાં તે રૂપાનાં સાસુ વનલતાબેન તો રૂપાને રક્તપિત થયો જાણી દુશ્મનની જેમ તેની સામે વર્તે છે. તે શૈલેષને પણ કહી દે છે કે રૂપા આ ઘરમાં નહીં જોઈએ અને વિવશ શૈલેષ અનુપની જેમ રૂપાને પણ ઘરમાંથી બહાર જતી રોકી શકતો નથી. આખરે રૂપાને પણ ઘર છોડવાનો વારો આવે છે. રોગના સત્યની જેમ દંભનું સત્ય પણ અહીં ખુલ્લું થાય છે. રૂપા પાસેથી પુત્ર યશ માતૃત્વ પણ છીનવાઈ જાય છે. શૈલેષ તેને વડોદરા શહેરની દૂરની માતૃશ્રી કાશીબા રક્તપિત્ત હોસ્પિટલમાં મુકી આવે છે. ત્યાં તે અવાક્ બની જાય છે. હોસ્પિટલમાં તે સતત પરિવારજનો અને પુત્ર યશને યાદ કર્યા કરે છે. પણ અહીં તો હોસ્પિટલનાં દર્દીઓ જ તેનાં સ્વજન બને છે. તેના આંતર વલોપાતનો કોઈ રસ્તો નથી. તે સ્વપ્નાવસ્થા અને અભાન અવસ્થામાં સતત બડબડાટ અને તોફાન કર્યા કરે છે અને એક રાત્રે તે સાવધાનીથી ભાગી જાય છે અને ઘરે આવે છે, ત્યાં તાળું મારેલું જુએ છે અને પોતાના મૃત્યુના જ સમાચાર સાંભળે છે. ત્યાં એક પ્રકારનું ઘેરું કારૂણ્ય છવાય જાય છે. તે કુસુમ નામ ધારણ કરીને ગેસ્ટ હાઉસમાં જાય છે. અઢળક સમય વચ્ચે મૂંઝાતી, ગભરાતી, ડરતી, ફફડતી તે દુષ્ટ પીરમજીની બિભત્સતાનો ભોગ બનતી બચે છે ને ઈન્સ્પેકટરની સહાયથી ફરી પાછી રક્તપિતની હોસ્પિટલમાં આવી પહોંચે છે. ત્યાં મનુદાદા અને જેસિકા જેવા માનવીની તેને હૂંફ મળે છે. પણ ત્યાંના ખટપટી વાતાવરણને કારણે તે ત્યાંથી નાસી પાછી રસ્તા પર આવી જાય છે અને પછી તે સાવિત્રી નામ ધારણ કરીને રક્તપિત્તોનાં આવાસ એવા ઝૂંપડપટ્ટીવિસ્તારમાં આવી ચડે છે. ત્યાં તેને અનેક ખટ્ટા-મીઠાં અનુભવો થાય છે અને ઘણાં હમદર્દો પણ મળે છે. ત્યાં આવતાં સેવાભાવિઓ પ્રત્યે પૂર્વાનુભવે તેમને તિરસ્કૃત પણ કરે છે. ધીરે-ધીરે તેને અહીં ઘર હોવાનો અનુભવ થાય છે. કેટલાંક સાચા કાર્યકરો દ્વારા એક આખું શ્રમમંદિર ખડું થાય છે. તેનું માતૃત્વ મીરાંથી સંતોષાય છે. તે અનેક સમદુઃખીયાં સ્વજનો ગુમાવે છે. પરસ્પરને આધારે જીવતાં–જીવવા મથતાં મનુષ્યોનો એક સામુહિક પરિવાર એકઠો થાય છે. શ્રમમંદિરનું પ્રસન્ન જીવન ચોમેર આનંદ અને પ્રફુલ્લિતતા તથા ‘શું આ વસંત આવ્યાની એંધાણી છે?’ એ વિધાન કૃતિના અંતનો ઘાટ ઘડી દે છે. નિતનવા આવતાં દર્દીઓની કથની સાંભળતા-સાંભળતાં રૂપા ઓગળતી જાય છે. તેની માન્યતાઓ, પૂર્વાનુભવજન્ય સમજ…. વગેરે કડડભૂસ થઈ જાય છે. લોહીના સંબંધથી મુક્ત થતી જાયછે. ને ઈશ્વરે આપેલ વિશાળ ઘરમાં તેનું ચિત્ત પ્રેમના તાંતણે ગૂંથાતું જાય છે.
રૂપાનાપાત્રને કેન્દ્રમાં રાખીને આલેખાયેલી ‘અણસાર’ કૃતિમાં મહત્ત્વનાં થોડાં પાત્રોને બાદ કરતાં અસંખ્ય પાત્રોનો મેળો છે. રૂપા કૃતિનું કેન્દ્રવર્તી પાત્ર છે, તે પ્રેમ અને કરૂણાની મૂર્તિ, શાંત, સરળ, ભાવુક, ગભરું, સહભાવી, ભોળી, લાગણીશીલ, મમતાળુ, તન-મનથી નાજુક ગૃહિણી છે. પોતાને થયેલ કે થતી વેદનાને આધારે અન્ય જનોની પીડાને સમજી શકવાને સમર્થ વ્યક્તિત્વ તે ધરાવે છે. તેનું કૃતિમાં એક વિધાન છે ‘તો શું એ સ્ત્રીઓને માત્ર નિર્જીવ ચીજવસ્તુઓની જ જરૂર છે? પ્રેમની નહી? હૂંકની નહીં? તમને ખબર છે એ… એ… બાઈની પાસે કેટકેટલી વસ્તુઓ હતી. પણ એને પોતાનું કોઇ માણસ જોઈતું હતું. પોતાનું સ્વજન, પોતાનું ઘર’
આ વાકય બોલનારી રૂપા પોતાને જ બંધબેસતા થવાનાં છે એ અકળ ભાવિથી તે અજ્ઞાત છે. તેનાં પાત્ર માટે આ સરસ વક્રોક્તિ બની રહે છે. રૂપા પાસેથી તેનો પૂરો પરિવાર, પતિ-પુત્ર અને આખેઆખું સ્ત્રીત્વ જ આ રક્તપિતનો રોગ છીનવી લ્યે છે ત્યારે તેનું પાત્ર કરૂણતાની સીમાએ પહોંચે છે. જયાં તે વૈભવી જીવન જીવી ત્યાં જ તેને ભીક્ષુકોની વચ્ચે જીવવું પડે છે. પણ કથાંતે તેને પોતાંનો પુત્ર અને પરિવાર મળે છે. શ્રમમંદિર દ્વારા કાંતે તેની સમગ્ર વેદનાઓ શાંત પડી જાય છે અને તે પોતાનું સમગ્ર જીવન રક્તપિત્તના દર્દીઓની સેવામાં ગાળવાનું નક્કી કરે છે. શ્રી રવીન્દ્ર પારેખ રૂપાનાં પાત્ર વિશે કંઈક આ મુજબનો મત આપે છે – “રૂપા દર્દી ન રહેતાં દશ્ય અને દષ્ટા બનતી હોવાની અને રૂપાનું ચરિત્ર વ્યાપકતા ધારણ કર્યા પછીયે ઊંડાણ ગુમાવતું જાય છે.
પ્રાસ્તાવિક લેખ ‘મનુષ્યાપન’માં લેખિકા જણાવે છે કે રક્તપિતનાં વિશેની કોઈ તબીબી સમજણ કે પ્રચાર સાહિત્યરૂપે આ નવલકથા મેં લખી નથી. પુરાવાની શી જરૂર છે? નિષ્કામ સેવાનાં આવાં આધુનિક તીર્થસ્થાનો ઠેર–ઠેર છે. એમને ચીંધવાનો મારો ઉદ્દેશ્ય છે. સમાજનાં અંધારા ખૂણામાં એક આખો માનવ સમૂહ કશા અપરાધ વિના સબડી રહ્યો છે. સાજા થાય તોય નેગેટિવ સર્ટીફિકેટનાં કાગળની હોડીમાં આ ભવસાગર શૈ પાર કરે.તરછોડાયેલાંના હૃદયમાં આંસુના દરિયા ઘૂઘવે છે. આ કથા તેનું એક બુંદ માત્ર છે. આ કૃતિમાં એવા ઘણા-બધાં વિધાનો નાયિકા રૂપાના પાત્ર દ્વારા કહ્યાં છે. – ‘શું એણે ભાવથી ગાયેલાં ભજનોનો એકાદ સૂર પર જગતનિયંતાને કાને નહીં પડ્યો હોય! ઘરના નાનકડા મંદિરમાં તુલસીકયારે કે પછી નદીના પ્રવાહમાં પોતે વહાવેલા અગણિત દીવાઓમાંનો એકાદ દીવો પણ શું આજે એના ઘોર અંધકારમય જીવનમાં પ્રકાશ નહીં પાથરે?”
‘અણસાર’ નવલકથાનું વાતાવરણ શહેરી છે. સભ્યલોકનું છે. કૃતિના આરંભે જ પ્રસન્ન દાંમ્પત્ય જીવનનું વાતાવરણમાં વહેંચી શકાય. આરંભેરૂપાનાં સુખી પ્રસન્ન દાંમ્પત્ય, પછી તેનાં વનવાસનો સમગ્ર પરિવેશ. અંતે અનેક સજ્જનોની મહેનત અને સેવાનાફળરૂપે ખડું થયેલ રક્તપિત્ત હોસ્પિટલ શ્રમમંદિરનું સ્થળ. ઉપરાંત નવલકથામાં છાશીબા હોસ્પિટલ, ગેસ્ટહાઉસ, રક્તપિત્ત હોસ્પિટલ, ઝૂંપડપટ્ટી અને શ્રમમંદિર એમ ભિન્ન-ભિન્ન પરિવેશ કથાને સતત આગળ ધપાવે છે. લેખિકાએ રક્તપિત્તથી પીડિત એવાં-એવાં અનેક પાત્રો પરિવેશ મૂકયાં છે. જે કરૂણતા નિપજાવે છે. એકબાજુ વનલતાબહેનનાં ઘરની રોનકનું પાર્ટીનું તો બીજી બાજું પીડિતોથી ખદબદતી, ચિત્કાર જન્માવે તેવું હોસ્પિટલનું વાતાવરણ. આમ અહીં બે છેડાની નિરૂપી છે. ‘અણસાર’ કૃતિમાં એવા કેટલાંય પાત્રો અને ઘટનાઓ છે જે આ નવલકથામાં કડવો અને નિરાશાજન્ય અનુભવ કરાવી સમાજનું બિભત્સ ચિત્ર આંકી આપે છે.
નવલકથાનાં અંતે સંસ્થાની શ્રમમંદિરની મુલાકાતે મહેમાન સ્વરૂપે અનુપ, મારિયા તથા યશનો પ્રવેશ થાય છે અને તેને પોતાની સાસુ અને પતિના મૃત્યુના સમાચાર મળે છે. અંતે અનુપ રૂપાભાભીને પોતાની સાથે મુંબઈ લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરે છે. પણ રૂપાને તો શ્રમમંદિરમાં સેવા કરવામાં જ સર્વસ્વ પ્રાપ્ત થયાનો આનંદ થાય છે. યશના હાથમાં મીરાંને સોંપી ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના સાથે રૂપાની અને નવલકથાની કપરીયાત્રા સુખદ રીતે પૂરી થાય છે.
‘અણસાર’ એક વિસ્તૃત કૃતિ છે. તેમાં કેન્દ્રસ્થાને ખૂબ મોટો વિસ્તાર રક્તપિત્તરોગીનાં ચિત્રો રોકે છે. પણ એ ચિત્રોની વચ્ચે રહેલાં અવકાશમાં એ રોગિષ્ઠોના બિનરોગિષ્ઠ સાથેનાં માનવ તરીકેના સંબંધોનાં વિવિધ રૂપો ઊઘડે છે અને વિકસે છે. તેનું આલેખન કૃતિને સફળ બનાવે છે. કથાકેન્દ્રમાં રક્તપિત્તનો રોગ તેને અનુરૂપ નાયિકા રૂપાનું પાત્ર અને આ સમગ્ર કથનીને વ્યક્ત કરવા લેખિકાએ પ્રયોજેલી ભાષા-વર્ણન કૃતિનું શીર્ષક તેમનું જીવનદર્શન અનેક દષ્ટિકોણે ‘અણસાર’ નવલકથા ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વના સ્થાનની અધિકારી છે.
સંદર્ભ સાહિત્ય :
૧)’ અણસાર ‘ (સંવર્ધિત આવૃત્તિ )પ્રકાશન : આર .આર .શેઠ એન્ડ કંપની અમદાવાદ ,૨૦૨૦
૨) શ્રી રવિન્દ્ર પારેખ ‘શબ્દસૃષ્ટિ’ નવેમ્બર, ૨૦૦૫
૩) શ્રી રઘુવીર ચૌધરી ‘અણસાર :મુખ પુષ્ઠ ૨
૪) ભગવતીકુમાર શર્મા ‘અણસાર ‘ મુખપૃષ્ઠ ૨
ડામોર મહેશભાઇ ગજાભાઇ, પીએચ.ડી. વિદ્યાર્થી, ગુજરાતી વિભાગ, ભાષા સાહિત્યભવન,